Kanki in Gujarati Short Stories by Sonal Gosalia books and stories PDF | કનકી

Featured Books
Categories
Share

કનકી

કનકી

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


કનકી

ફળીયું વાળતા ભાંગેલા હૈયે આંસુ લૂછતી પોતાના નસીબને કોસતી કનકી આજે ક્ષણે ક્ષણે માને યાદ કરતાં કહેતી હતી,“મારી હાલત જોઇ તું પણ દઃુખી થાય છે ને મા ?તારી સંવેદના મારા હ્ય્દયમાં અનુભવું છું. હું આંસુ સારીશ પણ તારે મારાં આંસુ લૂછવા સારૂ કોઇ પણ સ્વરૂપે આવવું જ પડશે. નથી સહેવાતું મારાથી આ દુઃખ. હું સાવ એકલી પડી જઉં છું. મને તારી પાસે બોલાવી લે.અને કયાં તો ભૂલીભટકી તારી કનકીની પાસે પાછી આવીજા મા. આ વિનંતી સાથે કનકી પોતાના ફ્રોકથી આંસુ લૂછતી લૂછતી રસોડા તરફ ગઇ.કનકી આમ તો બાર વર્ષની નાની બાળકી, પણ સમય અને સંજોગોએ એને ટીચીને સમજુ અને ડાહી બનાવી દીધી હતી.ત્રણ વર્ષની હતી ત્યારે માતા ટૂંકી બિમારીમાં મૃત્યુ પામી.કુટુંબમાં ત્રણ કાકા કાકી અને એક ફોઇ. બધાંએ નાની કનકીના માસુમ પ્રશ્ન“મારી મા કયાં ગઇ?”નો જવાબ ખૂબજ દિલાસાભર આપ્યો “તારી મા ભગવાન પાસે ગઇ છે.સાચા મનથી પાછી માંગીશ તો ભગવાન તને જરૂર પાછી આપશે.” બસ. આ વાત એના મનમાં એવી ઊતરી ગઇ કે રોજ એ એની માની પાછી આવવાની રાહ જોતી આંસુ સારે. ભગવાન સાથે કયારેક ઝગડે તો કયારેક લાડથી માની માંગણી કરે.હસતું રમતું બાળપણ તો જાણે કનકીએ અનુભવ્યુ ંજ ન હતું. પિતા મનસુખ પશાકાકાના ખેતરની રખેવાળી કરે.સવારમાં વહેલા ઉઠી મનસુખ પોતાના ને દીકરી માટે રોટલા-શાક બનાવે.કનકી ઘરનાં નાનાં નાનાં બધાં કામ કરે.બાપદીકરી એકબીજાનું ખૂબ ખૂબ ધ્યાન રાખે.બન્ને સવારમાં ૮ વાગે ઘરથી નીકળી જાય.

કનકી ગામની સ્કુલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે.ભણવામાં કુશળ પણ ભીતરથી દુઃખી અને સૂનમૂન રહે. માસ્તર ઠપકો આપે ત્યારે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે. મા વિનાની દીકરીનું દર્દ માસ્તરને ક્યાંથી સમજાય ? સ્કુલ છૂટે ને બીજાં બધાં બાળકોને પોતાની મા કે બાપા લેવા આવે. મા ભેટીને એના બાળક ને પૂછે, નાશ્તો ખાધો છે ને ? આજે તારૂં ભાવતું જમવાનું બનાવ્યુ છે.આ બધું જોઇ લાંબા નિસાસા નાખી પોતાના ભાગ્યને કોસતી કનકી રોતી રોતી ઘરે આવે. ઘર ખોલીને માની તસ્વીર આગળ મનભરીને રડી લે અને થોડી હળવી થાય.ડાહી કનકી પિતાને અનહદ પ્રેમ કરે.એના માટે પિતા ને મા બન્ને સ્વરૂપે મનસુખ જ હતો.મનસુખ માટે પણ કનકી સર્વસ્વ હતી. રંભા (કનકીની મા)ના મૃત્યુ વખતેે પોકે પોકે રડ્યો હતો.“હે ભગવાન મેં તારૂં શું બગાડયું છે ? મને સાવ નિરાધાર કેમ બનાવી દીધો? મારી કનકીનું શું થાશે ?” લોકો મનસુખને દિલાસો આપતા જાય અને આગળનું વિચારવાની ટકોર કરતા જાય.મનસુખે નક્કી કર્યું કે કનકીના પડખે રહી સુખદ તથા દુઃખદ સંજોગોમાં એને હૂંફ આપી પિતાની ઉત્તમ ફરજ નિભાવીશ.પણ બાળકને નાની વયમાં ડગલે ને પગલે માનો વાત્સલ્ય ભર્યો સાથ જોઇએ ને ઘરમાં આવે ત્યારે “આવ મારી વહાલી” કહેતાં ભેટીને પ્રેમથી ચૂમતી, ખોળામાં સૂવડાવીને માથું પંપાળતી માની ખોટ નાની ઉંમરમાં તો અચૂક વર્તાય.આવી કુમળી વયે ખીંટી પર ટીંગાયેલા ફોટામાં માને જોતી અને વારંવાર નિસાસા નાખી પોતાના નસીબને કોસતી આ બાળકી, પોતાના મહેનતુ પિતાના ઘરે પાછા આવવાના સમયે ખૂબ સ્વસ્થ થઇને સરસ મજાની તૈયાર થઇને પિતાની રાહ જોતી ઉંબરે ઉભી રહે.દૂરથી બાપાને આવતાં જોઇ દોડીને ભેટી પડે અને એના હાથમાંથી ટીફીન લઇ લે. દુશ્મનને પણ મીણની જેમ પીગળાવે એવી આ કનકી એક નિર્દોષ વહાલું સ્મિત આપી મનસુખનો આખા દિવસનો થાક ઉતારી નાખે.મનસુખને અલકમલકની વાતો કહે. બાપદીકરી જાણે વર્ષો પછી મળ્યા હોય એમ જીવનના સઘળા દુઃખ ભૂલીને એકમેકમાં તલ્લીન થઇ જાય.મનસુખ કનકીનું હસતું મોઢું જોઇ હરખઘેલો થઇ જાય.બન્ને એકજ થાળીમાં જમે, એકબીજાને કોળીયા ભરી જમાડે. કયારે મનસુખ એને લઇને લટાર મારવા જાય અને જે જોઇતું હોય એ અપાવે.રાત્રે સૂતી વખતે મનસુખ કનકીનું માથું પંપાળતાં વાર્તા કહે અને કનકી સાંભળતા સાંભળતા સૂઇ જાય. કયારેક મનસુખ ખૂબ ઉદાસ થઇ જાય.એને એક જ ચિંતા કોરી ખાય. યુવાનીમાં પ્રવેશતી મારી આ દીકરીને હવે ખરેખર એક મારૂપી સખીની જરૂર છે. અમુક વ્યથા દીકરી માને જ કહી શકે.આ ઉંમરે જો દીકરી આડે રવાડે ચડી જાય તો એનું જીવતર ધૂળ થઇ જાય.હું તો આખો દિ’ રળવા જાઉં. કનકીનું ધ્યાન કેમનું રાખીશ ? બીજી બાજુ કનકી મનમાં ને મનમાં સોસવાય. મારે મારી મા જોઇએ. મા તું આવી જા.હું તને જરાય નહી પજવું. બાપાની જેમ તને પણ સાચવીશ,પણ તું મને જોઇએ જ. બન્ને બાપદીકરીની ઇશ્વર પાસે એક જ પ્રાર્થના ‘મા’ જોઇએ. દિવસો વીતવા લાગ્યા. એક દિવસ પશાકાકાએ મનસુખને કહ્યું “અલ્યા મનુડા ,આમ આખી જિંદગી એકલો વિતાવીશ ? તારી દીકરી ય હવે તો જુવાન થવા માંડી છે. આ ઉંમરે એને માની જરૂર પડે જ.મારા ધ્યાનમાં એક કન્યા છે, એક વર્ષ પહેલા રાંડી છે. નિઃસંતાન છે. ખૂબ સંસ્કારી અને ડાહી છે. મારા સંબધીની દીકરી છે.જો તારૂં મન માનતુ હોય તો હું વાત આગળ વધારૂં. મનસુખ વિચારમાં પડી ગયો. “વાત તો સાવ સાચી છે કાકા. કાલે જવાબ આપીશ કાકા.” એવું કહી વિચારવાનો સમય માંગ્યો. પશાકાકા એ ભલે કહી માથું હલાવ્યું. ઘરે ગયો.ખાટલામાં આડો પડ્યો ને પાછો વિચારમાં ખોવાઇ ગયો. “મને પત્ની તો મળશે પણ મારી દીકરીને મા મળશે ? કોઇ સ્ત્રી બીજાના બાળકને પેટના જણ્યા જેટલો પ્રેમ આપી શકે?” આવા નાજુક વિચારોમાં ખોવાયેલો મનસુખ દીકરીના ટહુકાથી ઝબકી ગયો.એણે સ્વસ્થ થઇને કનકીને પૂછયું “બેટા,તારે મા જોઇએ છે?” કનકી તો હેબતાઇ ગઇ. આંખો બાપાના મોઢા સામે સ્થિર થઇ ગઇ. મુખમાંથી શબ્દો આપોઆપ સરી પડયા, “હા બાપા, જોઇએ છે મારે મા.” મનસુખે મનોમન નક્કી કર્યું, પહેલા એ સ્ત્રીને મળીશું, પછી કનકીના હાવભાવ પરથી નક્કી કરીશ કે કનકીને એ સ્ત્રીમાં એની મા દેખાય છે કે નહીં.કનકી ને મનસુખ પશાકાકા સાથે એ વિધવા સ્ત્રીને મળવા ગયા. ખૂબ સાદી,સાધારણ દેખાવ, ઊંચી પાતળી એ સ્ત્રીને જોતાં જ કનકીનું મન ખુશીથી ઝૂમી ઉઠયું.“બાપા આપણે મા ને લેતા જઇએ?” દીકરીની હામી મળીને જાણે મનસુખના જીવમાં જીવ આવ્યો. વાત નક્કી થઇ. સાવ સાદાઇથી લગ્ન લેવાયાં.નવા જીવનનાં મંગળમય પ્રારંભમાં પગલાં પાડતી સકુ (કનકીની નવી મા) ઘરમાં દાખલ થતાં, પ્રથમ તો રંભા(કનકીની સ્વર્ગીય મા)ની તસ્વીરને પગે લાગવા ગઇ. તસ્વીરને પગે લાગતાં બોલી “બહેન, તમારૂં સ્થાન તો હું નહીં લઇ શકું. પરંતુ તમારી લાડલી દીકરી આજથી મારી પ્રાણપ્યારી અમાનત છે.મારાથી એને જરાય ઓછું ના આવે એની પૂરેપૂરી કોશિશ કરીશ. છતાંય હું કયાંય મારી ફરજમાં ચૂકું તો નાની બહેન સમજી માફ કરજો. આજથી આ સૂનું ઘર ગૂંજતું થઇ જશે.કનકીની આંખમાં એક મા સારૂ કદીયે આંસુ નહી સરે.” મનસુખ તો બેબાકળો બની જોતો જ રહ્યો. સકુએ કનકીના માથે ખૂબ વહાલથી હાથ ફેરવ્યો.અને માથું ચૂમી લીધું. ખોળામાં કનકીનું માથુ મુકીને ખૂબ વહાલથી માથુ પંપાળ્યુ.આ સ્પર્શને અનુભવવા અધીરી બનેલી કનકીને જાણે દુનિયાની બધી જ ખુશી મળી ગઇ. મનમાં ઇશ્વરનો ખૂબ ખૂબ આભાર માન્યો. ખૂબ સુંદર રીતે ઉછેર થયો કનકીનો. સકુએ દુનિયાભરનો પ્રેમ દીકરી પર વરસાવ્યો. મનસુખ મનોમન પશાકાકાનો આભાર માનતાં વિચારે છે કે સકુએ મારી દીકરી અને ઘરને કેવું ગૂંજતું અને મહેકતું કરી નાંખ્યું. “સાવકી મા વસમી હોય,સાવકી મા દુઃખ જ આપે” એ બધી આપણી ખોટી માન્યતાઓ છે. મા એ મા જ છે” સ્ત્રીના હ્ય્દયમાં અમૂલ્ય વાત્સલ્ય ઝરણું વહેતું હોય છે. એને જરાક અમથો પ્રેમ મળે તો એ હજાર ગણો પરત આપે છે.