Vishnu Marchant - 21 in Gujarati Fiction Stories by Chetan Gajjar books and stories PDF | વિષ્ણુ મર્ચન્ટ - 21

Featured Books
Categories
Share

વિષ્ણુ મર્ચન્ટ - 21

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 21

મન સમસમી ઉઠ્યુ. હુ ગુસ્સામાં માથુ આમતેમ વીંજવા લાગ્યો અને રૂમમાં આંટા મારવા લાગ્યો. એવુ સમજી લો કે હવે મારા મન પર રાક્ષસનુ રાજ હતુ.

અશોક આવી ગયો,

“શુ વિચારો છો, આ રહી ચાદર અને આ રહ્યો પંખો”

મે આ વખતે કોઇ પ્રતિકાર ના કર્યો એટલે એ વધારે તીવ્રતાથી પ્રહાર કરવા લાગ્યો અને હુ માયકાંગલો બની ગયો. એકવાર મે પંખા સામે જોયુ પણ ખરુ. હિંમત ના ચાલી ફરી પાછો એજ અવસ્થામાં પહોંચી ગયો. એકજ વિચાર મને હેરાન કર્યા કરતો હતો કે

”આર્યા પ્રેગનન્ટ છે“

મે ગાંજાં કાઢ્યો. જોયુ તો ખાલી એકજ સીગારેટ હતી. મે મનહર ને ફોન કર્યો, એને પણ ના ઉપાડ્યો. હુ વિચલિત થઇ ઉઠ્યો. મે ફરી પાછો ફોન કર્યો એણે ઉપાડ્યો.

“એક પેકેટ જોઇએ છે”

“વિષ્ણુભાઇ, થોડી વાર લાગશે”

“મનહર, અત્યારેજ જોઇએ છે”

“વિષ્ણુભાઇ, કોઇના મરણમાં અમદાવાદ આવ્યો છુ અને પીન્ટુ પણ વડોદરામાં નથી”

“મનહર સમજ”

એણે ફોન કાપી નાખ્યો. મે ફરી ફોન કર્યો, એણે કાપ્યો. મે ફરી પાછો ફોન કર્યો, એણે ફરી કાપ્યો. મે ફરી પાછો ફોન કર્યો, એનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો તો પણ હુ ફરી ફરીને ફોન કરતો રહ્યો. ગુસ્સામા મે ફોન પછાડ્યો. પછી તરતજ પાછો ફોન ઉપાડ્યો, બેટરી નાંખી અને ફોન ચાલુ કર્યો. ફરી પાછો મનહરને ફોન કર્યો પણ મોબાઇલ સ્વીચ ઓફ.

ગાંજાના નશાનો એકજ વિકલ્પ હતો અને એ હતો સેક્સ. મે પેલી છોકરીને ફોન કર્યો, એણે કાપ્યો. મે ફરી કર્યો, એણે કાપ્યો, મે ફરી કર્યો, એણે ઉપાડ્યો.

“પ્લીઝ મને ફોન ના કરશો, લાલો જેલમાં છે અને કદાચ પોલીસ મારો પણ ફોન ટ્રેસ કરતી હશે, હુ મારા એડ્યુકેશનને સપોર્ટ કરવા માટે કરુ છુ, પકડાઇ જઇશ તો મારુ કરીયર બરબાદ થઇ જશે, પ્લીઝ....”

એણે આટલુ બોલતાજ ફોન કાપી નાખ્યો અને મે ફોન પછાડ્યો અને ફરી ચાલુ ના કર્યો અને શરૂઆત થઇ એ કલાકની જે મારી જીંદગીનો સૌથી લાંબો કલાક હતો. એ કલાકમાં એ એક કલાકમાં હુ હજારો મોત મર્યો અને જન્મ્યો. એક ક્ષણે હુ જન્મતો તો બીજી ક્ષણે હુ મરી જતો. અને એ એક ક્ષણમાં રડતો, હસતો, દુખી થતો, ખુશ થતો, સજ્જન બનતો, હેવાન બનતો, જાતેજ રીસાતો અને જાતનેજ મનાવતો, ચાલતો, દોડતો, કુદતો, પડતો, રમતો, જીતતો, હારતો, પ્રેમ કરતો, નફરત કરતો, અપમાનિત થતો, શાંત થતો, બૂમો પાડતો, ઝઘડતો. એ એક કલાકમાં હુ જીંદગીના બધા રસ અને રંગ માણી લેતો પણ અંત હંમેશા ખરાબજ આવતો.

આમ તો માતા પિતા એ કરેલી ભ્રૂણ હત્યાને મે વધારે મહત્વ નહોતુ આપ્યુ પણ એ દિવસે મન જ્યારે ચકરાવે ચડ્યુ અને વિચારોની માયાજાળ રચાઇ ત્યારે મે એ સ્વીકારી લીધુ કે મારા લગ્ન ના થવાનુ કારણ એજ છે. જીંદગીમાં પહેલીવાર એવો અહેસાસ થયો કે મારા માતા પિતાએ કરેલા પાપની સજા મને મળી છે. મન સમસમી ઉઠ્યુ, ખૂબજ ગુસ્સો આવ્યો.

અશોક આવી પહોચ્યો.

“ચલો વિષ્ણુભાઇ, હવે બઉ થયુ, તમે માનસિક રીતે ભાંગી પડ્યા છો, તમે એવુ કંઇક કરી બેસસો જે કદાચ તમારી જીંદગી તો ઠીક, કોઇ બીજાની જીંદગી બરબાદ કરી નાંખશો”

મે તમને કહ્યુ ને અશોક ડેમેજ કંટ્રોલ કરવા આવ્યો હતો. એ મારુ મનજ હતો અને એની વાતો સાંભળીને એવુ લાગતુ હતુ કે મને એવો અંદેશો તો હતો કે હુ એવુ કંઇક કરવાનો છુ જે કોઇના હસતા રમતા પરિવારને વેરવિખેર કરી નાંખશે.

અશોકનુ આવવુ એ એંધાણ હતા એ યુધ્ધના જે હવે ચાલુ થવાનુ હતુ. રાક્ષસ મન અને અશોક વચ્ચે.

“આત્મહત્યા એજ એક સોલ્યુશન છે” અશોક બોલ્યો

મે એટલે કે રાક્ષસ મને સામે કોઇ પ્રતિકાર ના આપ્યો એટલે અશોકની હિંમત વધી ગઇ. એ હવે વધારે તીવ્રતાથી મને ઉકસાવા લાગ્યો અને હુ માયકાંગલો બની એની વાત માનતો ગયો.

મે ચાદર લીધી, ખુરશી લીધી જે પંખાની નીચે મુકી. એક મીનીટ પગ થંભી ગયા પણ હુ વધારે સમય મારી જાતને રોકી ના શક્યો કારણ કે ત્યારે અશોકના મનની થઇ રહી હતી. એના ચહેરા પર ખુશી સાફ દેખાતી હતી.

“શુ વિચારો છો, ચડો ઉપર અને બાંધો”

મે એની સામે જોયુ. એણે ખાલી સ્માઇલ આપી ઉપર ચડવા ઇશારો કર્યો. હુ હવે એના હાથની કથપૂતળી માત્ર હતો. હુ ઉપર ચડ્યો એની સામે જોયુ, એણે ચાદર બાંધવા ઇશારો કર્યો અને એની છાતી પર હાથ મુકી મને ભરોસો આપ્યો કે એ અહિંયાજ છે. મે ચાદર બાંધી ફરી એની સામે જોયુ એ હજી છાતી પર હાથ રાખીનેજ ઊભો હતો, એણે મારી સામે જોઇને આંખનો પલકારો માર્યો.

હુ નીચે ઉતર્યો. કિચનમાં ગયો, ચાના ડબ્બમાં સંતાળેલો ગાંજો કાઢ્યો જે મે બેક અપ માટે રાખ્યો હતો એ કાઢ્યો અને બહાર રૂમમાં આવ્યો. અશોકે મારી સામે જોયુ અને આંખથી ઇશારો કર્યો કે પી લો. હુ ગાંજાની કસ મારવા લાગ્યો એકદમ શાંતિથી કારણ કે એ મારા જીવનનો છેલ્લો કસ હતો, એ મારા જીવનની છેલ્લી પળો હતી કારણ કે ગાંજાનો અંત મારા જીવનનો અંત હતો એટલે હુ એક એક કસને જીવી રહ્યો હતો, માણી રહ્યો હતો, એક એક કસને એવી રીતે ચૂમી રહ્યો હતો જાણે મારી પ્રેમિકા હોય, એક એક કસના પ્રેમને હુ અનુભવી રહ્યો હતો, એમા ખોવાઇ રહ્યો હતો. એ બે મીનીટ મારા મનમાં કોઇ વિચાર નહોતો, ના નકારાતેમક કે ના હકારાત્મક કારણ કે એક ગાંજોજ હતો જેણે મને એકલતામાં સાથ આપેલો. જેણે મને એ બધા દુખોમાંથી મુક્તિ અપાવી હતી એટલે એને હુ એના છેલ્લા કસને પૂરેપૂરો માણવા માંગતો હતો.

જેવો ગાંજો પત્યો મે અશોક સામે જોયુ. એ મારી પાસે આવ્યો એણે મારા ખભા પર હાથ મુક્યો જોકે એ મને અડકી શકતો નહોતો. એણે મારી સામે જોયુ, આંખના પલકારામાં મને સાંત્વના આપી. હુ આગળ વધ્યો, ખુરશી પર ચડ્યો. પંખા તરફ જોયુ પછી અશોક તરફ જોયુ. મે ચાદર હાથમાં લીધી અને આંખો બંધ કરી, ગળે બાંધવાજ જતો હતો ત્યા રાક્ષસ મન એક્ટીવ થયુ. મા બાપનો ચહેરો દેખાયો.

ઉજ્જડ રણમાં આથમતા સૂરજની ક્ષિતિજથી મમ્મી પપ્પા ભાગતા ભાગતા આવતા હતા અને બૂમો પાડી રહ્યા હતા કે બેટા તુ આમ અમને છોડીને જતો રહીશ તો અમારુ શુ થશે? તુ તો અમારા ઘઢપણનો સહારો છે. તારા પિતાએ એટલેતો તારી બહેનને ગર્ભમાં મારી દીધી હતી. બેટા દિકરી તો બોજ કહેવાય, એને ઉછેરવાની, ખવડાવવાની, એને શણગીવાની, ભણાવવાની એને આખી જીંદગી પાલવવાની અને છેલ્લે પરણાવવાની. પરણાવવા માટે પણ દહેજ આપવાનુ, લગ્નમાં ખૂબ ખર્યો કરવાનો અને જ્યા સુધી અમે જીવીએ ત્યાં સુધી ભાતભાતના વ્યવહારો કરવાના. અને એના બદલે મળે કંઇ નહિ. દિકરી એ એવી દેવી છે જે ખાલી ભોગ માંગે છે, કંઇ આપતી નથી. દિકરી એ પારકી થાપણ છે, જેને સાચવવા માટે પણ ખર્ચો કરવો પડે છે. અને દિકરો એ પોતાની થાપણ છે જે ઘઢપણમાં મા બાપનો સહારો બને છે, એમના કમજોર થઇ ગયેલા શરીરનો સહારો બને છે. જેને ભોગ ચઢાવવો પડતો નથી.

બેટા તુ તો અમારો ઘઢપણનો સહારો છે. તુ આમ આત્મહત્યા કરી લઇશ તો અમારુ શુ થશે? અમે અમારા સારા ભવિષ્ય માટે તો તારી બહેનની ગર્ભમાં હત્યા કરી હતી. તારા પિતાની એટલી હેસિયત નહોતી કે એનુ પાલન પોષણ કરી શકે.

મે ચાદર છોડી દીધી અને નીચે ઉતરી ગયો. ઘૂંટણે પડ્યો અને બે હાથ માથે મુકી રડવા લાગ્યો. આ બાજુ અશોક પણ ગુસ્સે થયો અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો.

આ બાજુ અશોક તો બીજી બાજુ માબાપ અને બંન્નેમાંથી એકેય બંધ થવાનુ નામ નહોતા લેતા. હુ માથુ નીચુ રાખીને ખાસો સમય બેસી રહ્યો. એ લોકો મને છોડીને ઝઘડવા લાગ્યા.

“વિષ્ણુભાઇ બઉ તકલીફમાં છે, એમને મારી સાથે આવવા દો”

“મારો દિકરો બહાદુર છે, એ આમ હારીને આત્મહત્યા નહિ કરે, એ તો અમારા ઘઢપણનો સહારો છે”

“એ માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે, આ દુનિયા માટે એ ખતરનાક છે”

“મારે વિષ્ણુ અને ખતરનાક? એ તો બઉજ સીધો અને સંસ્કારી છે”

“હતા, હવે નથી, મારી વાત સમજો, એ કોઇની હત્યા પણ કરી શકે છે”

“એમા શુ છે, અમે પણ હત્યા કરી છે”

“તમે સમજો, એ જીવતા રહેશે તો અનર્થ થઇ જશે”

“મારો વિષ્ણુ કોઇની હત્યા કરશે પણ આત્મહત્યા તો નહિજ કરે, તુ જા અહિંથી”

“તમે એમને હત્યા કરવા ઉકસાવો છો”

“હુ ઉકસાવતી નથી, સાચુ કહુ છુ, એક હત્યાથી કોઇનુ ભલુ થતુ હોય તો એમા ખોટુ શુ છે?”

“હત્યા કરવાથી કોઇનુ ભલુ ના થાય”

“અમારુ થયુને, અમે પણ સ્ત્રીભ્રૂણ હત્યા કરી છે, જો અમને વિષ્ણુ જેવો હોનહાર દિકરો મળ્યોને”

“હોનહાર હતો, હવે નથી”

“એ તારા કારણે, તુ જતો રહીશ તો ફરી પાછો મારો દિકરો સમાન્ય થઇ જશે”

“હુ તમારા દિકરાનુ ભલૂજ ઇચ્છુ છુ”

“તુ જા અહિંયાથી તોજ મારા દિકરાનુ ભલૂ થશે”

“હુ ક્યાય નથી જવાનો, હુ એમને કોઇની હત્યા તો નહિંજ કરવા દઉ”

“જરૂર પડશે તો એ કરશે”

“કોની હત્યા કરશે?”

“કોઇ છોકરીની”

“તમે પાગલ થઇ ગયા છો, એને હત્યા કરવા ઉકસાવો છો”

“કેમ તુ એને આત્મહત્યા કરવા ઉકસાવતો નથી”

“આત્મહત્યા કરશે તો સઘળા દુખોમાંથી મુક્તિ પામશે”

“પછી અમારુ શુ?”

“તો એ હત્યા કરીને તમારુ શુ ભલુ કરશે?”

“સમાજનુ ભલુ તો કરશે”

“કેવીરીતે?”

“દિકરી તો પરિવાર પર બોજ કહેવાય અને કોઇના બોજને ખતમ કરવો એ પૂણ્યનુ કામ કહેવાય”

“તમે આ શુ કરવા જઇ રહ્યા છો”

“તુ જા અહિંયાથી, મારા દિકરાને એકલો છોડી દે, એ આત્મહત્યા નહિ કરે”

બંન્ને મારા મન હતા.બંન્નેનુ યુધ્ધ બરાબર જામ્યુ હતુ. અશોક એડીચોટીનુ જોર લગાવી રહ્યો હતો અને આ બાજુ મમ્મી પણ કંઇ ઓછુ જોર નહોતી લગાવી રહી.

એ લોકોને ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લઇ લીધુ એટલે મારે વચ્ચે પડવુ પડ્યુ.

“તારી હિંમત કેવીરીતે થઇ મારી મમ્મી સાથે આવી રીતે વાત કરવાની” મે અશોકને કહ્યુ

“વિષ્ણુભાઇ, હુ તમારી મદદ કરવા માંગુ છુ”

“અશોક....” હુ ઊંચા અવાજે બોલ્યો

“તુ જા અહિંથી”

“આન્ટી તને હત્યા કરવાનુ કહે છે”

“તો એમાં ખોટુ શુ છે?”

“ખોટુ શુ છે? કોઇની હત્યામાં કરવામા તમને કંઇ ખોટુ નથી લાગતુ”

“મમ્મીએ કહ્યુ એ સાંભળ્યુ નહિ, દિકરી તો બોજ કહેવાય, પારકુ ધન કહેવાય, એની હત્યા કરવી એ પુણ્યનુ કામ કહેવાય”

“વિષ્ણુભાઇ.....”

“મારે કંઇ નથી સાંભળવુ, તુ જા અહિંયાથી”

અશોક શાંત પડી ગયો અને જતો રહ્યો.

“સારુ થયુ ગયો” મમ્મી

મને થોડુ દુખ થયુ પણ હુ હવે પૂરે પૂરો રાક્ષસ મનના સકંજામાં હતો. રાક્ષસ મન મમ્મીના રૂપમાં મારી પર હાવી થઇ ચૂક્યુ હતુ.

“બધી સમસ્યાઓનુ મૂળ છોકરીઓજ છે, એની હત્યા કરવી એ સમાજસેવા છે. એટલે તો મે અને તારા પપ્પાએ તારી બહેનને પેદાજ ના થવા દીધી”

“તારી આ હાલત માટે પણ છોકરીઓજ જવાબદાર છે”

હુ શાંતિથી મમ્મીની વાત સાંભળી રહ્યો હતો.

“કામિની, જેણે તને અપમાનીત કર્યો, તારા પિતાની આબરૂને ભરબજારે ઉછાળી, આર્યા તને છોડીને જતી રહી અને એ પણ કેવીરીતે, તને જૂઠ્ઠૂ કહ્યુ કે એ લંડન જઇ રહી છે, તે એને કેટલુ મનાવવાને પ્રયત્ન કર્યો પણ એ ના માની, કોમલ, પૈસા માટે ધંધો કરતી હતી, એ પણ તને છોડી ગઇ અને હવે તારો ફોન પણ નથી ઉપાડતી”

હુ સંપૂર્ણપણે રાક્ષસના સકંજામાં હતો. હવે છટકવુ અશક્ય હતુ. હુ હકિકતમાં એ વિચારવા લાગ્યો હતો કે છોકરીની હત્યા કરવી એ પુણ્યનુ કામ છે.

મન થોડીવાર શાંત પડ્યુ એટલે તરતજ ગાંજો યાદ આવ્યો એટલે મન વિચલિત થઇ ઉઠ્યુ. હુ ફરી પાછો ઊભો થઇને આંટા મારવા લાગ્યો. ગાંજાની તલપ મને ગાંડો કરી રહી હતી. હુ મારુ માનસિક સંતુલન ગુમાવી રહ્યો હતો. ગાંજાનો વિકલ્પ હતો સેક્સ અને એ પણ આજે અશક્ય હતો.

મે પેલી છોકરીને ફોન કર્યો એનો ફોન સ્વીચ ઓફ હતો. મનમાં સીધો એકજ વિચાર આવ્યો કે બધી છોકરીઓ સરખીજ હોય છે.

મને ખૂબજ ગુસ્સો આવ્યો. કંઇક તો કરવુ હતુ મારે પણ ખબર નહોતી પડતી શુ કરુ? કંઇક તો કરવુ.

દરવાજે ટકોરા પડ્યા. તરતજ મારુ ધ્યાન એ તરફ ગયુ. આંખના પલકારામાં અશોક અને મમ્મી આવી પહોચ્યા.

“વિષ્ણુ અંકલ, વિષ્ણુ અંકલ, દરવાજો ખોલો......”

પ્રિયા હતી.

[લાંબા સમય સુધી અમારી વચ્ચે કોઇ વાતચીત ના થઇ, વિષ્ણુભાઇ શાંત રહ્યા અને હુ પણ ચૂપ રહ્યો કારણ કે બંન્ને જાણતા હતા કે હવે શુ થવાનુ છે.]