Sangathi.. Jivansathi - 2 in Gujarati Magazine by Dr.CharutaGanatraThakrar books and stories PDF | સંગાથી... જીવનસાથી... - ૨

Featured Books
Categories
Share

સંગાથી... જીવનસાથી... - ૨

સંગાથી....

જીવનસાથી.....

ભાગ – ૨

પ્રસ્તાવના

શુભ મંગલ સાવધાન...

સગાઈ થયા પછી પરસ્પરને સમજવાનો સમય પસાર કર્યો અને છેવટે એ મંગલ ઘડી આવી પહોંચી, જેનો બે પરિવાર ઉત્સુકતાથી રાહ જોઈ રહયા હતા. આ સમય એટલે લગ્નનો દિવસ. દરેક યુગલનાં જીવનમાં ચાર મહત્વનાં દિવસો.

એકબીજાનો જન્મ દિવસ. કારણકે આ દિવસે સાથીનો જન્મ થયો એ સુચક હતુ કે જીંદગી પરિપૂણૅ બનવાની. એકબીજાને પસંદ કર્યા હોય એ દિવસ તો કેમ ભુલાય! આંખોથી હૈયાએ વાતો કરી લીધી હોય એ દિવસ તો કેમ ભુલાય! સગાઈનો દિવસ એટલે અડધા તો પરણી ગયા એવી સ્થિતી હોય. એકબીજા સાથે લાંબી લાંબી વાતો, વારંવારની મુલાકાતો અને અસમંજસ...

અને પોતાનાં લગ્નનો દિવસ તો કોઈ કઈ રીતે ભુલે! વ્યંગમાં ઘણા કહેતા હોય છે કે એ તો એટલો ભયાનક દિવસ હતો કે ભુલાતો જ નથી. પણ ભાગ્યે જ કોઈને માટે એ દિવસ ભયાનક હશે. બધા યુગલોને માટે પોતાનો લગ્ન દિવસ એક મધુર દિવસ બની જાય છે. 'કઈંક ખુટતુ' હોવાની લાગણી ભુલાઈ જાય છે અને બે વ્યકિત એક યુગલ બની જાય છે.

કુટુંબીઓ, મિત્રો, વડીલોની હાજરીમાં આ શુભ દિવસે કન્યા પોતાનો હાથ અને જીવન વરરાજાને સોંપી દે છે. બંને પરસ્પરની લાગણીઓનું જતન કરવાનાં કોલ આપે છે. પવિત્ર અગ્નિની ફરતે ફેરા ફરી વર-કન્યા હવે પતિ પત્ની બની જાય છે.

હવે એક એક દિવસ ગણીને રાહ જોવાની જરૂર નથી. લાં...બા વિરહ પછી મધુરૂ મિલન આવી પહોંચે છે. કેટલીક ક્ષણો સાથે રહેતા રહેતા હવે એ ક્ષણ આવી પહોંચી કે હવે તો જીવનભર સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. લગ્ન એટલે પતિ પત્ની તરીકેનો નવો જન્મ જ જોઈ લો. આ સંબંધને બાળપણથી યુવાની સુધી પહોંચતા સમય તો લાગવાનો, પણ આ સમયને એવી ઘણી બધી યાદગીરીથી ભરી દો, એવી મધુરી ક્ષણોથી ભરી દો.... કે.... કે....

.....આ ક્ષણો તો અનુભવવાથી જ માણી શકાશે, જેમ મેં માણી છે. મારા શબ્દો આ ક્ષાણોને વણૅવવા અપુરતા છે.

.....પણ આ સમય દરમિયાનનો પરસ્પરનો વ્યવહાર આગળનાં જીવનની દિશા નક્કી કરનારો બની રહે છે. કેવો હશે તમારા બંનેનો એબીજા માટેનો વ્યવહાર? એક લીટીમાં કહીએ તો એકબીજાનાં પૂરક બની રહો તેવો વ્યવહાર.

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા. ૧૮.૧.ર૦૧ર

સરનામું:

ઘર : “સ્વર્ગ” કલીનીક : ૧૧૧, અમૃત કોમ. કોમ્પ્લેક્ષ,

એએ – ૧ – અમી પાર્ક, સરદાર નગર મેઈન રોડ,

૧૫૦ ફૂટ રીંગ રોડ, એસ્ટ્રોન ચોક,

મોદી સ્કુલ પાસે, રાજકોટ – ૩૬૦૦૦૧

રાજકોટ – ૩૬૦૦૦૭ ગુજરાત.

ગુજરાત. ફોન : (૦૨૮૧) ૨૪૬૭૧૦૯

મોબાઈલ : ૯૮૨૫૮૨૮૫૪૩

E mail :

અર્પણ

મારા નામ સાથે

જેનું નામ જોડતા જ

મારું મુખડું અને મારું મન મલકી ઉઠે છે

એવા

મારા પતિ શ્રી સમીર ઠકરારને પ્રેમ પૂર્વક અર્પણ

અનુક્રમણિકા

16. પહલો પહેલો વરસાદ...

17. તહેવારો સાથ સાથીનો સંગાથ...

18. પોકેટમની

19. Do You Love Me?

20. પ્રશંસા

21. સુખ દુ:ખનાં સંગાથી... જીવનસાથી...

22. સાથી હાથ બઢાના...

23. ગુડ મોનિૅંગ

24. રહે ન કઈં ખાનગી!

25. દીકરી એટલે... પત્ની એટલે...

26. આવજો...

27. પ્રિય! જન્મદિન તમારો.... લાગે બહુ વ્હાલો...

28. સજના હૈ મુજે સજના કે લીયે  

29. બદલાવ, પરિવતૅન.... જીવન....

30. ચાલો થોડું હરીએ ફરીએ

(૧૬) પહેલો પહેલો વરસાદ...

હમણાં જ એક જગ્યાએ સુંદર પંકિતઓ વાંચવામાં આવી,

બુંદોસે બના હુઆ છોટાસા સમંદર,

પાનીસે ભરી છોટીસી બસ્તી,

આઓ ઢુંઢે બારિશમેં બચપનકી યાદોં કો,

હાથ મેં લેકર કાગઝ કી કશ્તી.

વાત છે વરસાદમાં પલળતા પલળતા, નાનકડી કાગળની હોડીને પાણીમાં તરાવતા તરાવતા બાળપણને શોધી કાઢવાની.. ઉની ઉની ધરતીને અને આપણાં તન મનને ઠંડક આપનાર વરસાદ. દંપતિને અને ખાસ તો નવદંપતિને આનંદિત કરી જાય છે. પહેલા વરસાદમાં દંપતિને સાથે પલળવુ એટલુ જ વ્હાલુ લાગે છે, જેટલો પ્રિયતમ કે પ્રિયતમાનો પ્રેમ વ્હાલો લાગે..

વરસાદમાં પલળવું એટલે બુંદોમાં ઓગળીને બાળક બની જવાની ઘટના. વરસાદ સ્વરૂપે ધરતી પર વરસતા આકાશનાં પ્રેમને માણવાની ઘટના. આકાશની વિશાળતામાં સમાઈ જતી ધરતીની જેમ પ્રિયતમમાં સમાઈ જવાની ઘટના. વરસાદથી મહેકતી ધરતીની જેમ પ્રેમની મહેકનાં છાંટણાંમાં પ્રિયતમને ભીંજવવાની ઘટના.

બાળકો માટે નિર્દોષતા, યુવાનો માટે પ્રેમ અને વડીલો માટે આંખોની ઠંડક લઈ આવે છે, પહેલો પહેલો વરસાદ. કોઈ શારિરિક ફરિયાદને અનુલક્ષીને વરસાદમાં ન પલળી શકતા લોકોની તો મને ખરેખર દયા આવે. આકાશમાં વાદળોની ગોષ્ઠી જામી હોય અને ગડગડાટ સ્વરૂપે એ ધરતી પર સંભળાય. વળી બે વાદળોને વાતો કરતી વખતે મતભેદ થાય તો ચકમક પણ ઝરે, જે આપણને વીજળી સ્વરૂપે દેખાય. વાદળોનાં આવા બધા તોફાનોથી પાછા ધરતી પર વૃક્ષો સ્તબ્ધ બની જાય. વાતાવરણ જાણે કે થંભી જાય. અને પછી.... હળવેકથી વરસાદનાં છાંટણાં ધરતી પર પડવા શરૂ થાય...! વાતાવરણ તરલ બનતુ જાય. વૃક્ષો ધીમો ધીમો વાયુ વહેવડાવવો શરૂ કરે અને વરસાદને વધાવી લે....

પ્રેમમાં પણ કઈંક આવુ જ બનતુ હોય છે ને! યુગલની વાતો અને વાતોમાં મતભેદ... અને પછી હળવેકથી પરસ્પરનો પ્રેમ એકબીજા પર વરસવો શરૂ થઈ જાય.... એકમેકનાં મન આવા મતભેદ પછીનાં પ્રેમને વધાવી લે... અને એવામાં વરસાદનું આગમન થયુ હોય તો તો હૈયુ કયાંથી હાથ રહે! વરસાદમાં પલળવા માટે મન અધીરૂ બની જાય અને.... અને.....

.....વધુ લખવા માટે અહીં શબ્દો ઓછા પડે છે. હવે તો પ્રિયતમ સંગાથે વરસાદમાં ભીંજાઈને લાગણીભીની પ્રતિતિ કરવાની મહેચ્છા થતી હશે ને!

તો..... આકાશમાંથી વરસતા વરસાદની પ્રતિક્ષા કરો....

અને વરસાદની પ્રતિક્ષા કરતા કરતા એકબીજાનાં પ્રેમમાં પલળતા રહો.... એકબીજા પર પ્રેમ વરસાવતા રહો....

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.૯.૪.ર૦૧ર

(૧૭) તહેવારો સાથ સાથીનો સંગાથ

તહેવારો જયારે જયારે આવે છે ત્યારે ત્યારે આપણને એક અલગ જ તાજગી બક્ષી જાય છે. એ પછી ઉત્તરાયણ હોય કે હોળી, જન્માષ્ટમી હોય કે દિવાળી... તહેવારો આવે એટલે આરામ જ આરામ, પરિવારનો સાથ અને હરવુ ફરવુ, મજા કરવી. અને આ મજા અનેકગણી વધારે લાગે છે જયારે તહેવારોમાં પતિ પત્ની એકબીજાની સાથે હોય.

પતિ પત્ની તરીકેનાં તમારા સહજીવનમાં દરરોજ એકબીજાનાં પ્રેમનો રંગ ઉમેરાતો જ રહે છે. પણ અહીં હું વાત કરી રહી છુ તહેવારોનાં રંગોની.... સગાઈ પછી લગ્ન સુધીમાં આવતા તહેવારોની તો રાહ જોવાતી હોય છે. સાથે વધુ સમય પસાર કરવા મળે ને! બસ, આવી જ રીતે લગ્ન પછી પણ તહેવારો આવતા તમે સાથે વધુ સમય પસાર કરી શકો છો.

તહેવારોમાં ગૃહિણીઓ વધુ કામકાજમાં ગુંચવાય જાય છે. તો આવા સમયે પતિ પણ ઈચ્છે તો તેમને મદદરૂપ થઈ શકે છે. જેથી વહેલાસર કામકાજ પુરૂ થતા સાથે રહેવાનો સમય પણ વધુ મળી જાય ને!

ઉત્તરાયણ જેવા આકાશી તહેવારમાં પતિ પતંગ ચગાવે અને પત્ની ફીરકી પકડે, તો પતંગોનાં પેચ તો લાગવાનાં હશે ત્યારે લાગશે, પણ પતિ પત્નીનાં પ્રેમનાં પેચ લાગતા રહે છે. ઘણા કિસ્સાઓમાં તો છોકરો અને છોકરી પતંગ ચગાવતા ચગાવતા જ પ્રેમમાં પડી ગયા હોય અને પરણ્યા હોય, તો તેઓ માટે તો ઉત્તરાયણ યાદગાર ઉત્સવ બને છે. રંગોનાં ઉત્સવ હોળી ધુળેટીમાં તમે તમારા સાથીને રંગોથી રંગ્યા હશે તો જરૂર સમજી જશો કે રંગોનો આ ઉત્સવ પ્રણયનાં રંગોને વધુ ઘેરો બનાવે છે.

જન્માષ્ટમીમાં નંદલાલાને વધાવતા વધાવતા અને દિવાળીમાં દિપ પ્રગટાવતા, રંગોળી બનાવતા બનાવતા તમારા સાથીનો સાથ માણી શકો એટલે સમજી જજો કે તમે સૌથી વધુ સુખી છો. આવા તો અનેક તહેવારો આખા વર્ષ દરમિયાન આવતા જ રહેવાના.

પણ તમારા પ્રેમનાં રંગોને વિખેરવા શું તહેવારોની રાહ જોવી વ્યાજબી છે? તમારૂ મન આ વાત જ નહીં સ્વીકારે, કારણ કે પ્રેમની કોઈ ઋતુ નથી હોતી, પ્રેમનો કોઈ સમય નથી હોતો. તહેવારો સમયે જ પ્રેમ જાગે તો એ પ્રેમ ન કહેવાય. તહેવારો સાથે તમારા સાથી નો સંગાથ તમારા તહેવારોને વધુ ખાસ બનાવી દે છે. પણ તમે જયારે જયારે તમારા પતિ કે પત્ની માટે સમય કાઢીને સાથે રહો છો તો એ સમય તહેવાર જ છે. રવિવારની રજામાં એકબીજાનો સાથ મધુરો લાગે તો દરેક રવિવાર તમારા માટે તહેવાર છે. અને એકબીજાની ગેરહાજરીમાં એકબીજાની યાદ આવ્યા કરે તો દરેક દિવસ તમારા માટે તહેવાર છે...

તમારા પ્રેમનાં સમયને ખાસ બનાવવા તહેવારોની રાહ ન જુઓ, પ્રત્યેક દિવસને તમારા પ્રેમની અભિવ્યકિત દ્વારા તહેવાર બનાવી દો. ખાસ બનાવી દો...

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.૧૦.૪.ર૦૧ર

(૧૮) પોકેટમની

તમારી પત્ની તમારા માટે ઘણુ બધુ છોડીને આવી હોય છે, અને તમે પણ તેને પુરા મનથી સ્વીકારી હોય છે. અહીં તમારી પત્ની માટે, તમારા કરતા પૈસાનું મહત્વ વધુ નથી હોવાનું. કયારેય નથી હોવાનું. એ તો ઝંખશે તમારો પ્રેમ. પણ જયારે તમારી પત્નીને એની નાની નાની જરૂરિયાતો માટે પૈસાની જરૂર પડશે તો એ શું કરશે? જો પત્નીની પોતાની કમાણી હશે તો એ પોતાની કમાણીમાંથી પૈસા વાપરશે, અન્યથા તેણીએ તમારી સમક્ષા પૈસાની માગણી મુકવી પડશે. વારંવાર આ વાતનું પુનરાવતૅન તમારી પત્નીને પણ નહીં ગમે. એના કરતા સરળ ઉપાય એક જ છે કે તમારી પત્નીને તેની જરૂરિયાતો પુછીને દર મહિને પોકેટમની આપો.

પત્નીની પોતાની કમાણી હોવા છતા તમારી આપેલી પોકેટમની તેને વધારે વ્હાલી લાગશે. પતિએ પત્નીની કાળજી રાખવા કરેલી વધુ એક પહેલ એટલે પોકેટમની. મોટા ભાગનાં ઘરમાં એવી રીત હોય છે કે પૈસા એક જગ્યાએ પડયા હોય, અને જેને જરૂર પડે તે એ રીતે ત્યાંથી પૈસા લઈ લે અને વપરાશ કરે. ઘરમાં હિસાબ રાખવાની રીત હોય તો એ હીસાબ પણ રાખે. પણ નવી નવી સાસરે આવેલી પુત્રવધુ આમ કરતા પણ સંકોચ અનુભવશે. અને તેની નાની જરૂરિયાત સંતોષવા માટે પણ તેને વારંવાર વિચાર કરવો પડશે કે પૈસા ઘરમાંથી વપરાતા ઘરમાં કેવુ લાગશે!

હવે જો આવા સમયે પત્ની પાસે પોકેટમની હોય, એટલે કે પતિએ પત્નીને ફકત તેણીનાં પોતાના વપરાશ માટે આપેલા પૈસા હોય તો પત્ની હોંશે હોંશે પોતાની જરૂરિયાત નિ:સંકોચ પુરી કરશે. અને એ સમયે પત્નીનું અંતર કેટલુ આનંદિત થાય છે એ તો એક પત્ની જ સારી રીતે સમજી શકશે.

જો જો, પછી એકાદ બે મહિને પત્નીને પુછી પણ લેજો કે આપેલા પૈસા ઓછા તો નથી પડતા ને! તો પછી પત્નીને પુછીને વધુ પૈસા પણ આપી શકાય. ખરૂં ને! પૈસા વેડફાતા નથી એ વાત તો તમે તમારી પત્નીનાં સ્વભાવ પરથી જાણી શકયા જ હશો ને? અને ભુલથી પૈસા વેડફાયા હોય તો પત્નીને પ્રેમથી સમજાવજો. નાના બાળકોને પોકેટમની આપ્યા હોય અને બાળક ભુલ કરે એટલે પોકેટમની આપવાનાં બંધ એવુ પત્ની સાથે ભુલથી પણ ન કરતા. તમારી સમજદાર પત્ની તો તમારા આપેલા પોકેટમનીમાંથી બચત પણ કરવા લાગી હશે. કયારેક પુછી જોજો, અને બચતનાં આંકડા સાંભળી પત્નીની કરકસર કરવાની આવડત પર માન જરૂર ઉપજશે, કારણકે બચત કરવાની આવડત એ મોટાભાગની સ્ત્રીઓએ સાધેલી કળા છે.

પૈસા અને પ્રેમ એકબીજાથી વિરૂધ્ધ દિશામાં જતા હોય છે, પૈસા જોઈને કયારેય સાચો પ્રેમ ન થાય. પણ કયારેક પત્ની માટે પ્રેમથી વાપરેલા પૈસા પતિ પત્નીને એકબીજાની વધારે નજીક લાવી દે છે, એમાં બે મત નથી.

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.૧ર.૪.ર૦૧ર

(૧૯) Do yo love me?

A lover asked his beloved,

Do you love yourself more

Than you love me?

The beloved replied,

I have died for myself

And I live for you.

I’ve disappeared form myself

And my attributes,

I am present only for you.

I have forgotten all my learning

But from knowing you

I have become a scholer.

I have lost all my strength

But from your power

I am able.

If I love myself

I live you

I love myself.

તેરમી સદીનાં કવિ જલાલુદ્દીન રૂમીનું આ કાવ્ય છે. પ્રેમ પણ ખરેખર એક કવિતા જ છે ને! પ્રેમ એટલે પોતાની જાતને પોતાનાં પ્રેમી/પ્રેમીકામાં ઓગાળી નાખીને નવલા સ્વરૂપની રચના. જયાં, 'હું' નું અસ્તિત્વ સદંતર મટી જાય છે અને 'અમે' નું પ્રાગટય થાય છે. અને આ 'અમે' હોવાની ઐકયની ભાવના જ એકબીજાની કાળજી લેવા પ્રેરણા આપે છે. પ્રેમનાં ઝરણાને પ્રેમી/પ્રેમીકાને આપતા રહેવાની ઈચ્છા સાથે જ વહેવાની આદત હોય છે.

મર્યા પછી પણ પ્રેમી માટે જીવંત રહેવાની વાત, પોતે ખોવાઈ જઈને પ્રેમી માટે હાજર રહેવાની વાત, પોતાની સઘળી ક્ષામતા પોતાનાં પ્રેમીમાં સમાયેલી હોવાની વાત...

એકબીજાને ગમતા રહેવાની વાત....

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.ર૮.૪.ર૦૧ર

(ર૦) પ્રશંસા

પ્રશંસા શબ્દ જ એવો છે કે એ સાંભળતા જ મોઢુ હસુ હસુ થવા લાગે. કોઈ આપણાં વખાણ કરે એ તો આપણને ગમવાનું જ છે ને! એમાં પણ સાથી દ્વારા કરાતા વખાણ તો દિવસ સુધારી દે છે.

બહુધા છોકરીઓ પોતાના દેખાવને લઈને નાનપણથી જ સભાન હોય છે. નાનપણમાં શાળાએ જતી છોકરીને માતા તૈયાર કરે છે, પણ છોકરી થોડી સમજણી થતા પોતાની માતાને તૈયાર થતી જોઈને પોતે પણ એ રીતે તૈયાર થવાની રીતો અપનાવે છે. અને પછી તો યૌવનનાં ઉંબરે ઉભેલી દીકરીઓ પોતાની આંખોમાં મુગ્ધતા અને સપનાઓ આંજી પોતાનાં સ્વરૂપને નિખારે છે. કોઈ પ્રસંગ, સગાઈ કે લગ્નમાં જતી યુવાન દીકરીઓ પોતાનાં દેખાવ, પહેરવેશ, કેશગુંફન વિગેરેને લઈને ખુબ સભાન હોય છે. 'આજે તો બહુ સરસ લાગે છે..' એવા પ્રશંસાનાં શબ્દો સાંભળતા જ એ દીકરી હસી પડે છે. અને એનાં હાસ્યમાં પણ એનાં રૂપની સભાનતા હોય છે.

પોતાનું સ્વરૂપ પોતાના માટે તો રૂચિકર હોય જ છે, પણ એ અન્યને પણ આકર્ષે, તેનાં રૂપ સાથે ગુણનાં વખાણ થાય એ માટે કોઈ પણ છોકરી હંમેશા પ્રયત્નશીલ હોય છે. હા, આમાં એની આછકલાઈ નથી હોતી.

કોડીલી કન્યા જયારે પરણવા લાયક થાય છે ત્યારે પણ આપણી સામાજીક વ્યવસ્થા એવી છે કે દીકરીનો દેખાવ અને દીકરાની કમાણી કરવાની આવડતને પ્રાધાન્ય અપાય છે. અહીંયા પણ દીકરીનાં રૂપ અને ગુણનાં વખાણ થાય છે. પરણીને સાસરે જતી નવી વહુને સૌ કોઈ જોવા આવે એવો રિવાજ પણ કયાંક કયાંક હોય છે, તો હવેનાં સમયમાં લગ્ન સમયે કે રીસેપ્શનમાં કન્યા કેવી તૈયાર થઈ છે એ જોવા બધા આતુર હોય છે. બ્યુટીપાલૅરમાં પણ કન્યાને સજાવવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રખાય છે કે દુલ્હન બધાથી અલગ પડી જાય.

પરણીને સાસરે ગયેલી છોકરી પોતાનાં પતિનાં મોઢે પોતાની પ્રશંસા સાંભળવા ઈચ્છે એ કઈં નવુ નથી. પણ ઘણા પતિઓ આ બાબતે અનાડી હોય છે. પત્ની હંમેશા પતિને શું ગમશે એવુ ખરીદવાનો કે પહેરવાનો, તૈયાર થવાનો આગ્રહ રાખતી હોય છે. કયાંય બહાર ગયા પછી બહારની વ્યકિતઓ વખાણે કે ફલાણા ભાઈની પત્ની તો જુઓ, કેટલી સુંદર લાગે છે! ત્યારે પત્ની જરૂર ખુશ થાય છે. પણ પતિને પુછયુ હોય કે 'હું કેવી લાગુ છુ?' તો પતિઓ શાણપણથી જવાબ આપે છે, 'તું તો મને દરેક પહેરવેશમાં ખુબ સુંદર લાગે છે.' આ જવાબ જો કે પતિનો પત્ની પ્રત્યેનો અદમ્ય પ્રેમ પણ દશાૅવે છે.....અને.. કયારેક પત્નીની પ્રશંસા ખરા દિલથી કરો, અને પછી જુઓ, પત્ની કેટલી ખુશ થાય છે!

પત્નીને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. પોતાનાં મનગમતા પહેરવેશમાં પતિને જોવાનો પત્નીને પણ અધિકાર છે. હા, પતિ પત્ની પહેરવેશમાં એકબીજા કહે તેમ જ કરે એવો દુરાગ્રહ કયારેય ન રાખો.

પ્રશંસા એ તમારા બંનેનાં જીવનમાં કયારેય પ્રેમરસ સુકાવા નહીં દે. તમારા જીવનમાં નિ:રસતા નહીં આવવા દે. તાજગી સભર એવા તમારા જીવનને નવપલ્લવિત બનાવતા રહો...

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.૩૦.૪.ર૦૧ર

(ર૧) સુખ દુ:ખનાં સંગાથી....જીવનસાથી

“સુનીતા... સુનીતા... કયાં છો?” મારે કઈં કામ હોય ત્યારે તો સુનીતા મળે જ નહીં ને... સુધીર અધીર બની ગયો હતો. અને સુનીતા અગાસીમાં સાફસફાઈનાં કામમાં લાગી હતી.

“સુધીર, હું અગાસીમાં છુ....” સુનીતાએ બુમ પાડીને કહયુ.

સુધીર દોડતો અગાસીમાં ગયો અને સુનીતાને જોઈ તેને નજીક ખેંચવા જ ગયો કે તેનાં મમ્મી આશાબહેન દેખાયા. “અમારે રજાનાં દિવસે વધારાનાં કામ હોય તો પણ તું સુનીતા.. સુનીતા કર્યા કરે છે! વહુ બીચારી બધા કામ કયારે કરે પછી!” સુનીતાનાં સાસુ આશાબહેન સહેજ ચીડાઈને બોલ્યા. સુધીર કઈં બોલ્યા વગર નીચે ચાલ્યો ગયો અને સુનીતા પણ કઈં ન બોલી શકી. તેને બીચારીને રજાનો દિવસ પતિ સાથે વિતાવવાની હોંશ હોય અને સાસુ કોઈ ને કોઈ નવુ કામ શોધીને તૈયાર જ હોય!

આ પછી આખો દિવસ સુનીતાએ સુધીરને મનાવવાની કોશિષ કરી પણ વ્યથૅ! સુધીરે આખો દિવસ વાત જ ન કરી. બીજા દિવસે સોમવારે સુધીરે સુનીતાને કહયું, “હું આજે બહારથી જમીને આવીશ. મારા મિત્રો સાથે બહાર પીકચર જોવાનો અને પછી જમવાનો પ્રોગ્રામ છે.”

“કયુ પીકચર જોવાના છો? આ શુક્રવારે આવ્યુ એ?”

“હા...” સુધીરે ટુંકો જવાબ આપ્યો.

“એ તો ખુબ સરસ પીકચર છે. મને પણ જોવા લઈ જાઓ ને, પ્લીઝ!”

“ગઈકાલે પીકચર જોવા જવા માટે જ તને શોધતો હતો. પણ તું તો અગાસી સાફ કરવામાં રોકાયેલી હતી. મારા માટે તને સમય હોય છે કયારેય?” સુધીર ચીડાઈ ગયો.

સુનીતા હેબતાઈને ઉભી રહી ગઈ. સુધીર હજુ નવો પરણ્યો હતો. તેને પણ પોતાની પત્ની સાથે હરવા ફરવાની હોંશ હતી. અને સુધીરનાં મમ્મી આશાબહેન થોડા એવા સ્વભાવનાં કે કામ પડયુ હોય તો મોજશોખને પ્રાધાન્ય ન આપે. માં-દિકરાને આ વાતે હંમેશા બોલાચાલી થતી. આશાબહેન કયારેય સુધીરનાં પપ્પા સાથે બહાર ફરવા જવામાં ન હોય. સુધીર બાળપણથી આ જ બધુ જોઈ મોટો થયો હતો, તેનાં પપ્પાની એકલતા તેણે જોઈ હતી. માટે તેને મનમાં ઘર કરી ગયુ હતુ કે પોતે તો પરણીને ફરવા હરવામાં પોતાની પત્નીને સાથે રાખશે. હવે આવુ બધુ બનતા સુધીરે પોતાના પપ્પા જેવી જ હાલત પોતાની જોઈ.

આ બધામાં ભોગ લેવાયો સુનીતાનો...! રાત્રે સુનીતા એકલી એકલી રડી પડી. આ બાજુ સુધીર એકલો જ પીકચર જોવા નીકળી ગયો. થીયેટરની બાજુની સીટ પર સુનીતાની કલ્પના કરી હતી તેથી સુધીરને તેનો મિત્ર બાજુમાં બેઠો છે એ યાદ જ ન રહયુ. પીકચરમાં એક રોમેન્ટીક સીન આવતા તેણે પોતાનાં મિત્રનો હાથ જકડી લીધો, પણ સુનીતાની ગેરહાજરીનો અહેસાસ થતા છોભીલો પડી ગયો. સુધીરે આગળનું પીકચર કમને જોયુ, પણ નક્કી કરી નાખ્યુ કે આજ પછી એ કયારેય એકલો મોજમજા નહીં કરે. પોતાની પત્નીને એમાં જરૂર શામેલ કરશે.

ઘરનું વાતાવરણ બદલવા ધીમે ધીમે મહેનત કરીને સુધીર સુનીતાએ માતા પિતાનાં શુષ્ક જીવનમાં પણ પ્રેમનો રંગ ઉમેર્યો. સુધીરનાં મિત્રો ઘણી વાર કહે છે કે પરણી ગયા પછી તો સુધીર બદલાઈ ગયો. તેને જીવનમાં મિત્રોનું મહત્વ જ નથી રહયુ. પણ સુધીરને આવી વાતોની પરવા નથી. એ પોતાનાં દરેક સુખમાં સુનીતાને સાથે રાખે છે અને પોતાનાં દુ:ખમાં સુનીતાની સલાહ લે છે. એકલા એકલા કઈં પણ સુખ મેળવવાની તેને ખેવના જ નથી. સુધીર સુનીતા સંગાથે ખુ....બ સુખી છે.

....મિત્રો.... કયાંક કયારેક તમારા જીવનમાં પણ સુધીર સુનીતા જેવી ઘટનાઓ બની હોય એવુ યાદ આવે છે? પત્નીઓ મોટેભાગે એકલી જવાનું ટાળે છે. પતિનો સાથ ઈચ્છે છે, જયારે પતિ જાણે પત્નીથી કંટાળી ગયા હોય તેમ મિત્રો સાથે ચાલી નીકળતા અચકાતા નથી. પત્ની કરતા વહેલા મિત્રો જીવનમાં આવ્યા હતા એવુ બહાનુ, તો કયારેક મિત્રો પત્નીવ્રતા કહી ઠેકડી ઉડાડશે એવો ભય... કયાંક 'ના' કહી શકવાની અણઆવડત.. તો કયાંક મગજમાં પોતાની સ્વતંત્રતાનું ભુત...!

આવા અસ્થાને ભય છોડી દો. સારી-નરસી વાતો, વસ્તુઓ, ગમો અણગમો હંમેશા એકબીજા સાથે શેર કરવાની લાગણી રાખો તો વધારે સુખી થશો. બાકી સુખનાં આ દિવસો વિતી ગયા પછી કોઈ એને પાછા લાવવા સમથૅ નથી, પણ કયારેક કડવાશ જરૂર લાવી દે છે!

સુખ દુ:ખ નાં સંગાથી બની રહો... સાચા અથૅમાં જીવનસાથી બની રહો...

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.૩૦.૪.ર૦૧ર

(રર) સાથી હાથ બઢાના...

જીવનરથનાં બે પૈડાઓ... પતિ તથા પત્ની. જીવનરથમાં સ્પેરવ્હીલ ન હોય. બંને પૈડાઓએ એટલે કે પતિ તથા પત્નીએ પરસ્પર એકબીજા સાથે ગોઠવાઈને સંસાર સરસ રીતે ચલાવવાનો હોય, તો જીવન સુંદર પસાર થાય. બે માંથી એક પૈડુ ઝડપથી ચાલ્યા કરે અને બીજુ પૈડુ ધીમે ધીમે ચાલે કે ઉભુ રહી જાય તો જીવનરથ કઢંગો ચાલે...!

કોઈ પણ રીતે કોઈ વ્યકિત સો ટકા સંપૂણૅ નથી હોતી. પતિ પત્ની એકબીજાની અપૂણૅતાનાં પૂરક હોવાને લીધે જ એક પૂણૅ સ્વરૂપ બની રહે છે. કોઈ કાયૅમાં પતિનું પ્રભુત્વ હોય તો કોઈ કામ પત્ની સારી રીતે કરી શકે એમ પણ બને. આવા સમયે એકબીજાની મદદ લેતા અચકાશો નહીં. 'ફકત મહેનતનું કામ કરવામાં પત્નીને મદદ કરી દીધી એટલે પત્યુ, બાકી મારા ઓફિસનાં કામમાં મારી પત્નીને શું ખબર પડે!' એવુ માનવુ દરેક વખતે સાચુ નથી હોતુ. પત્નીઓ કોઠાસુઝથી ઘણાં પ્રશ્નોનાં ઉકેલ લાવી શકતી હોય છે. ઘણાં સંજોગોમાં સ્ત્રીઓની બૌધ્િધક ક્ષામતા અને કોઠાસુઝ પુરૂષોથી પણ વધારે હોય છે.

રજાનાં દિવસે આરામ કરતા પતિને જોઈ પત્ની આનંદ જ અનુભવે છે. પણ પત્નીને તો રજા જેવુ કઈં હોવાનું નહીં. કયારેક તો પત્નીને પણ રજા જોઈએ ને! પોતાનાં પતિ સાથે વધુમાં વધુ સમય પસાર કરવા ઈચ્છતી પત્ની વિચારે કે રજામાં પતિ થોડી મદદ કરી દે તો કામ જલ્દી આટોપી હું પણ તેમની સાથે સમય પસાર કરૂ. મારો દિવસ પણ વધુ સારો જાય. આવતીકાલથી તો પછી એકબીજા સાથે વાતો કરવા છેક રાત્રે નવરા પડીશું. બાળકો નાના હોય તો પતિ પત્ની બંને ઈચ્છે કે માતા પિતા તરીકેનાં તેમનાં કતૅવ્યમાં પણ તેઓ પાછા ન પડે. બાળકોનાં બાળપણ વિતી ગયા પછી કયારેય પાછા નથી આવવાનાં. આમ આવા સમયે પતિ પોતાનાં 'સિંહાસન' (હીંચકો, પલંગ, સોફો... એવુ બધુ!) પરથી પોતાની બેઠક છોડી બે ઘડી પત્નીને પણ મદદ કરે તો?!

કયારેક બાળકો મોટા થાય પછી તેમનાં મોઢે માતાને સાંભળવા મળતુ હોય છે કે 'મમ્મી, તને તો કયારેય મારા માટે સમય જ ન હોય! પપ્પા જો ને રજા છે તો કેવા મારી સાથે રમે છે! હવે આ બાળકને કેમ સમજાવવું કે મમ્મીને ઘરકામમાંથી રજા ન હોય! બાકી પોતાનાં બાળક સાથે સમય પસાર કરવો કઈ માતાને ન ગમે? રજાનાં દિવસોમાં તો પત્ની થોડુ વધારે કામ આટોપવાનાં મુડમાં હોય છે, ત્યારે પતિ પણ થોડી મદદ કરી દે તો?

ઘણાં ઘરમાં પરિસ્થિતી વિપરીત પણ હોય છે. રજાનાં દિવસોમાં પતિ પત્ની બંને સાથે મળી ઘરનું કામ આટોપી રજાનો, એકબીજાનાં સાથનો અને બાળકોનાં સહવાસનો પૂરતો આનંદ લે છે. સલામ છે ઘરની આવી વ્યવસ્થાને...!

તમે પણ તમારા ઘરમાં આવી સુંદર વ્યવસ્થા, પતિ પત્ની એકબીજાનો સાથ અને બાળકોનો સહવાસ ઈચ્છો છો? ....તો મિત્રો... એક જ વાત યાદ રાખો...

...સાથી હાથ બઢાના... એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના..( અહીં મિલકર કામ કરના...)

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.૩.પ.ર૦૧ર

(ર૩) ગુડ મોનિૅંગ

સવાર! એટલે.....

...એક નવી આશા નો ઉદય.

...રાત્રિએ જોયેલા સોનેરી સ્વપ્નને સાકાર કરવા માટેની એક નવી તક.

...પક્ષીઓનો મધુરો કલરવ.

...વૃક્ષોની વાયુ સાથેની ગોષ્ઠીનો પ્રારંભ.

...સૂયૅએ આળસ મરડી પુન: તેજે પ્રકાશવાની શરૂઆત.

...ચાંદા તારલાઓને બગાસુ ખાઈ સુઈ જવાની નિરાંત.(મિત્રો ચાંદો તારલાઓ સૂયૅપ્રકાશમાં દેખાતા નથી એટલુ જ!)

...પ્રકૃતિ દ્વારા આંખો ખોલીને આપણને નિહાળવાની ચેષ્ઠા.

...પુષ્પોનો પમરાટ, ભમરાનું ગુંજન.

...નિ:સ્તબ્ધ વાતાવરણમાં વિવિધ ધ્વનિથી ખલેલ પડવાની શરૂઆત.

...કયાંક હાસ્ય તો કયાંક રૂદનનાં પડઘા.

...કયાંક આરંભ તો કયાંક અંત.

...અને આવુ તો કેટલુ બધુ બદલાઈ જાય છે સવાર પડતાની સાથે જ!

સવાર એટલે...

....પતિ પત્નીનાં પ્રેમભર્યા જીવનનો વધુ એક મહેકતો ચહેકતો દિવસ. તો આ દિવસની શરૂઆત જ એકબીજાનો ચહેરો જોઈને જ કરીએ તો કેવુ! પત્ની પ્રેમથી સવારે પતિને ઉઠાડે અને પત્નીનો હસતો ચહેરો જોઈ દિવસની શરૂઆત થવાથી તો દિવસ કેટલો સરસ જાય!

...અને દોસ્તો પત્ની પણ કયારેક તો ઈચ્છા રાખે જ ને કે પ્રેમથી પસવારતો પતિનો હાથ તેનાં મસ્તક પર ફરે અને પતિ પ્રેમથી પત્નીને ઉઠાડે.

ગુડ મોનિૅંગનો અથૅ સુપ્રભાત. પણ હું તો કહીશ કે એકબીજાનાં ચહેરાની ભાત એકબીજાની આંખોમાં પડે એનાથી વિશેષ સુંદર પ્રભાત કેવી હોઈ શકે...!

તમારી દરેક સવારને મધુરી બનાવતા રહો...

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.૧૬.પ.ર૦૧ર

(ર૪) રહે નહીં કઈં ખાનગી!

જીવનસાથી...

જેણે સમગ્ર જીવન તમારી સાથે પસાર કરવાનો, સાથ આપવાનો વાયદો કર્યો.

એ સ્ત્રી, જે સહજ રીતે જ પતિ પર આધારીત હોવાની. આથિૅક રીતે તો સ્ત્રી પતિ પર આધારીત હોય એ કઈં નવુ નથી. પણ સ્ત્રી સંપૂણૅત: પતિને સમપિૅત થઈને રહે છે. સ્ત્રીને વાત કરવા કોઈ સખી જોઈએ, એ સ્ત્રી સ્વભાવ છે. તો પતિથી વિશેષ સારો મિત્ર બીજો કયો મળી શકવાનો? આથી સ્ત્રી પોતાનાં મનની દરેક વાત પોતાનાં પતિને જરૂરથી કહે છે.

પતિનાં સંદભૅમાં વાત કરીએ, તો પતિ કે પુરૂષનો સ્વભાવ એવો હોવાનો કે 'આવી વાતો કરી બીચારીને કયાં હેરાન કરવી! નક્કામી ચિંતા કરશે.' અથવા તો 'આવી વાતોમાં બૈરાઓને કઈં ખબર ન પડે.' એવો વિચાર તેમનાં માટે સહજ સ્વાભાવિક છે.

પણ ઈતિહાસ સાક્ષી છે કે પત્ની, પતિની સૌથી વધુ સારી સલાહકાર સાબિત થઈ ચુકી હોય છે. સમસ્યાનો ઉકેલ લાવવાની સ્ત્રીની આવડત અને સમજણ ઘણા કિસ્સાઓમાં પુરૂષથી પણ વધારે હોવાની. અને આવા ફાયદાકારક ઉકેલ મેળવી દઈ સ્ત્રીઓએ પારિવારીક લાગણીમાં પણ વધારો કર્યો હોય છે. માટે જ તો સ્ત્રીઓને કણૅશુ મંત્રી કહી બિરદાવવામાં આવી છે.

લાગણીશીલતાની બાબતમાં સ્ત્રીઓ વધુ પડતી લાગણીશીલ હોવાની. સ્વાભાવિક છે. પણ સ્ત્રીને જયારે ચેલેન્જ આપવામાં આવે તો એ ચેલેન્જ સ્વીકારીને એ કામ પુરૂ કરીને જ સ્ત્રી જંપે છે. સ્ત્રીઓનો આ ગુણ છે. અને ત્વરીત નિણૅય લેવાનાં આ ગુણ થકી સ્ત્રીઓ આજે ઘણા ક્ષોત્રમાં આગળ છે.

તમારા જીવનમાં સ્ત્રીનો પ્રવેશ એટલે તમારી અર્ધાંગીનીનો પ્રવેશ. તમારા જીવનની કોઈ સ્થિતી શું તમે તમારા શરીરથી છુપાવી શકવાનાં! જવાબ ના હોવાનો. તો પછી જીવનસાથીથી પણ કોઈ વાત ખાનગી રાખવી ન જોઈએ. પતિની કહેલી ખાનગી વાત પત્ની પેટમાં ઉતારી જવા સમથૅ છે. એ હંમેશા તમારૂ અડધુ અંગ થઈને રહેશે. અહીં કહીશ કે સ્ત્રીઓનાં પેટમાં કોઈ વાત ન ટકે એ વાત ખોટી. ખાનગી વાત પત્નીને જણાવીને પતિ પોતાનાં જીવનમાં પત્નીનું ઉચ્ચ સ્થાન દર્શાવી આપે છે.

પત્ની ફકત હૃદયસ્થ જ નહીં, જીવનસ્થ પણ છે, એ વાતની સાબીતી એટલે તમારા જીવનની નાની મોટી વાતમાં પત્નીની હાજરી. કાર્યોમાં પત્નીની લેવાતી સલાહ, એટલે પત્નીનો પુરા મનથી થયેલો સ્વીકાર. પત્ની કયારેય આવી કોઈ સાબીતી નહીં માગે, કારણ કે એને પોતાનાં પતિનાં નિણૅયો પર આંખ બંધ કરીને ભરોસો છે. હા, આવી રીતે પત્નીને મહત્વ અપાતુ રહેશે તો એની ખુશી બેવડાશે.

રહે ન કઈં ખાનગી... આપણ બંને સંગાથી...

તમને દિલની વાત કહું... પ્રિય! આપણે જીવનસાથી...

પત્નીને ખરા અથૅમાં હૃદયસ્થ અને જીવનસ્થ બનાવો....

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.રર.પ.ર૦૧ર

(રપ) દીકરી એટલે... પત્ની એટલે...

દીકરી એટલે દીકરી

બળતી બપોરે ટાઢા પાણીની છાલક, ને સાંજ પડયે રાહ જોતી ઓસરી.

દીકરી પતંગિયાની સાથે પકડદાવ,

રંગનાં ખાબોચિયામાં ભૂસકો - ધુબાક

કાંજી કરેલા વળી ઈસ્ત્રી કરેલા

મારા જીવનને ધકેલે વરસાદમાં - છપાક

ચહેરા વિનાનાં બધા પડછાયા વચ્ચે મને ફરી મળી વારતાની સોનપરી

દીકરી એટલે દીકરી

દસ બાય દસની ઓરડી મહેલ બને

વચ્ચે મુકો જો એક ઢીંગલી

વાદળપારનું ને સૂરજની પારનું દીસે

કરે એ જયારે હાઉકલી

ઝાંખી ઝાંખી આંખોનું મેઘધનુષ, દીકરી મઘમઘતા ફૂલોની ટોકરી

દીકરી એટલે દીકરી.

કવિ શ્રી સંદીપભાઈ ભાટીયાની આ સુંદર રચના એક ઠેકાણે વાંચવામાં આવી. વાંચી મનમાં ટાઢક થઈ. હું એક દીકરી છું એટલે તો ખરી જ, પણ મારા માતા પિતા મારા માટે આવી જ બધી અનુભૂતિઓ કરે છે, માટે... માટે મન એક અકથનીય અનુભવ કરી ઉઠે. કહે છે કે દીકરી પિતાને વધુ વ્હાલી હોય. માતાને તો પોતાનાં બધા સંતાન વ્હાલા જ હોવાનાં.

માતા પિતાની વ્હાલી દીકરી જયારે કોઈની પત્ની બનીને લગ્નનાં માંડવેથી વિદાય લે છે ત્યારે ભાવવાહી વાતાવરણ માતા પિતાનાં મનમાં ઉથલપાથલ મચાવી દે છે. પણ માતા પિતા પણ મનમાં ધરપત અનુભવે છે કે, ચાલો દીકરી સારા કુટુંબમાં ગઈ છે. આપણાં કરતા પણ જમાઈ, દીકરીનો વધુ ખ્યાલ રાખશે. દીકરીનો મિત્ર, સલાહકાર બનીને રહેશે.

પત્ની તરીકે દીકરીમાં એક પીઢતા આવી જાય છે. એ પોતાનાં કરતા ઘરનાં બધાની કાળજી વધુ રાખતી થઈ જાય છે. પિતાની વ્હાલી દીકરી, ઘરમાં બધાનું કેન્દ્રબિંદુ દીકરી, હવે પોતાનાં પતિને પોતાનાં જીવનનું કેન્દ્રબિંદુ બનાવીને જીવતી થઈ જાય છે. અને આવી સમજદાર દીકરી માટે દરેક માતા પિતા ગવૅ અનુભવે છે.

જો દીકરી મઘમઘતા ફુલોની ટોકરી છે, તો પત્ની પતિનાં જીવનનું નંદનવન છે. દીકરી ઓરડીને મહેલ બનાવવાની ક્ષામતા ધરાવે છે તો પત્ની પતિનાં મકાનને 'ઘર' બનાવવાની ક્ષામતા ધરાવે છે. પરીકથાઓ સાંભળીને મોટી થયેલી દીકરી, હવે પતિની પરી બનીને પતિનાં જીવનને સ્વગીૅય બનાવી દેવાની!

દીકરી એટલે...

પત્ની એટલે...

સ્ત્રીનાં જ બે સ્વરૂપ... દીકરી માતા પિતાનાં મનની ટાઢક... પત્ની એટલે પતિનાં જીવનની ટાઢક...

....પરસ્પરનો સાથ માણતા રહો...

....એકબીજાને ગમતા રહો....

ડો.ચારૂતા સમીર ઠકરાર

તા.ર૩.પ.ર૦૧ર

(ર૬) આવજો.....

આવજો...

હાથ હલાવીને આવજો કહેવાની સંજ્ઞા તો એવી છે કે જાણે આપણે કહેતા હોઈએ કે 'ન જાઓ..' અને સાચુ જ છે ને, જયારે પતિ ઘરેથી બહાર જવા નીકળે ત્યારે પત્ની મનથી ઈચ્છતી જ હોય કે પતિ ઘરે રહે. માટે આવજો ની હાથ હલાવવાની સંજ્ઞા, પત્નીનાં મનની વાત જ કહેતી હોય છે કે મારા પ્રિયતમ, રોકાઈ જાઓ, ન જાઓ.. છતા એ હાથ હલાવી કહે છે, આવજો.... મનમાં વિચારતી હોય છે કે 'પ્રિયતમ, અત્યારે ભલે તમે જાઓ પણ પાછા જલ્દી આવજો...' ...જાણે ઉંબરે ઉભી વાલમનાં બોલ સાંભળતી નવયૌવના...!

સ્ત્રીનાં, પત્નીનાં મનની વાતોને ગીતોમાં વણી લેવામાં તો આપણા કવિઓનો જવાબ નથી. આવા તો ઘણા બધા ગીતો આપને પણ અત્યારે યાદ આવતા હશે, ખરૂ ને સખીઓ!

પણ ઘણી સખીઓને આવી બધી વાતો બીનજરૂરી લાગે છે. તો સખીઓ, હું તો કહીશ, કે તમારા જીવનમાં કોઈ અધુરપ છે, જો તમારા મનમાં તમારા સખા, પ્રિયતમ માટે તડપ નથી. આ તડપ તમારા પ્રિયતમ સામે વ્યકત નહીં કરો તો કયાં કરશો? તમારા પતિ બન્યા પછી એ પુરૂષ કઈં તમારો પ્રિયતમ મટી નથી જવાનો. પ્રેમ તો તેને ઠેકાણે જ છે. એ પ્રેમને સમાજે લગ્નનું નામ આપ્યુ છે, અને તમારા સબંધને પતિ પત્ની એવુ નામ આપેલુ છે. તમારા બંનેનાં હાથમાં જ છે, કે તમે પ્રેમી પ્રેમીકાનાં તમારા સબંધને દફનાવીને, તિલાંજલી આપીને આગળ વધી જશો કે પછી એ સબંધની મધુરી અનુભૂતિઓ થકી મહેકાવતા ચાલશો?

તમારા સબંધની મધુરી અનુભૂતિઓ જાળવી રાખવામાં આવી નાની નાની વાતો જ મદદરૂપ થાય છે ને૧ જેમકે, સવારનાં સમયે પતિને પ્રેમથી ઉઠાડવા, સવારનો નાસ્તાનો સમય સાથે પસાર કરવો, પતિને મધુર સ્મિત આપી ઓફિસે જવા આવજો કહેવુ, બપોરે જમવા માટે પતિની મનભાવતી વસ્તુઓ બનાવી તેની રાહ જોવી, અને સાંજે જલ્દી ઘરે આવવા તાકીદ કરી, સાંજે જયારે પતિ ઘરે આવે ત્યારે ફરી ઉત્કટતા પૂવૅક તેને આવકારવા બારણે નયન પાથરવા...! કાલ્પનીક પરીકથા જેવુ લાગે છે આવુ બધુ? પણ સખીઓ, જયાં પ્રેમ છે, ત્યાં તેની મધુરી અભિવ્યકિતઓ પણ હોવાની.

પતિને આવજો કહેતી પ્રેમાળ આંખો પતિનાં ઘરેથી જતા કેવી સુની થઈ જાય છે, અને પતિને ઘરનાં ઉંબરે આવકારતા એ જ સુની આંખોમાં પ્રીતનો સમુદ્ર ઉમટી આવે છે. પતિ અભિવ્યકત ન પણ કરે, પણ હકીકત તો એ છે કે પતિને પણ ઘરનાં આંગણે પત્નીને જોવાની એક સુંવાળી આદત પડી ગઈ હોય છે. સ્કુટર, ગાડીનું હોનૅ સાંભળી આંગણે દોડી આવતી પત્નીને જોઈ કયો પતિ આનંદિત નહીં થઈ ઉઠતો હોય! પતિનાં ચહેરા પર પણ આ આનંદ અંકિત થઈ ગયો હોય છે. જાણે પતિ પત્ની એકબીજાની આદત બની ગયા હોય છે....

એકબીજાની આવી જ પ્રેમાળ આદત બની રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.ર૪.પ.ર૦૧ર

(ર૭) પ્રિય! જન્મદિન તમારો... લાગે બહુ વ્હાલો...

દરેક યુગલનાં જીવનમાં મહત્વનો દિવસ.

એકબીજાનો જન્મ દિવસ. કારણકે આ દિવસે સાથીનો જન્મ થયો એ સુચક હતુ કે તમારી બંનેની જીંદગી પરિપૂણૅ બનવાની. જીવનને પરિપૂણૅ બનાવવા તરફ તમે ઉંમરનાં એક પડાવ પછી આગળ વધી ચુકયા હો છો. તમારા માતા પિતા દ્વારા તમારા માટે શોધાયેલ શ્રેષ્ઠ પાત્રને તમે અપનાવીને સદાને માટે માનીતુ, પોતાનું બનાવવા જઈ રહયા હો અને એવામાં જ એનો જન્મદિવસ આવે તો મનમાં અનેક અરમાન જાગે કે શું કરવુ અને શું ન કરવુ!

સાચુ જ છે ને લગ્ન પછીનાં જન્મદિવસ તો અનેક આવવાનાં, પણ સગાઈ પછી આવતો જન્મદિવસ શ્રેષ્ઠ હોવાનો. આ વ્હાલામાં વ્હાલો દિવસ આવ્યો એટલે તો તમારા સાથીનો તમારા જીવનમાં પ્રવેશ થયો! અને લગ્ન પછી આવતા જન્મદિવસને પણ શ્રેષ્ઠત્તમ બનાવવા એ તમારા બંનેનાં હાથમાં જ તો છે! એકબીજા માટે ખરીદાતી ભેટ અને ઘરમાં બનતી મીઠાઈ, જમવામાં વિવિધતા અને બહાર પણ જમવા જવાની મજા મજા.

પણ એકબીજા માટે ભેટ ખરીદવા શા માટે જવી? ના..ના... ભેટ ન ખરીદવી એમ નહીં, પણ એ ભેટ તમે સરપ્રાઈઝ રાખો તો? તો તો તમારા સાથીને આનંદ આવી જાય! સગાઈ પછી તમારા સાથીનો જન્મદિવસ આવે તો તેની સાથે આખો દિવસ પસાર કરીને એને માટે એ દિવસ યાદગાર બનાવી દો. એને ગમતી ભેટ ઉપરાંત તમારી પસંદગીથી એના માટે કઈંક અવનવી ભેટ ખરીદો. પ્રેમ ભલભલાને શાયર બનાવી દે છે. તો તમે પણ શાયર બનીને કઈંક લખી નાખો તમારા સાથી માટે..

“પ્રેમભરી તમારી આંખો દપૅણ બની જાય,

જીવન અમારૂ આપને અપૅણ કરી જાય.”

જન્મદિવસનાં પ્લાનને સફળ બનાવવા માટે, અને જયારે સગાઈ પછી સાથીનો જન્મદિવસ પહેલીવાર તમે મનાવવા જઈ રહયા હો તો ઘરની કોઈ એવી વિશ્વાસુ વ્યકિત, જે તમારા સરપ્રાઈઝને ખુલ્લી ન પાડી દે તેની મદદથી તમારા સાથીનો જન્મદિવસ મનાવી શકો છો.

જીવનમાં તબક્કાવાર અનેક સંજોગો આવતા જતા રહે છે. સારા નરસા આવા સંજોગોની વચ્ચેથી ખુશીઓ ચોરી લેવી પડતી હોય છે. તો પછી આવા સુવણૅ દિવસો, તમારો સાથ જેની સાથે જીવનપયૅંત રહેવાનો છે, એવા તમારા સાથીનો જન્મદિવસ વર્ષોવર્ષ યાદગાર બનાવતા રહેવામાં પરમ આનંદ છે!

અને પછી જુઓ,એ દિવસ યાદગાર કેટલો બને છે કે તમારૂ જીવન આખુ યાદગાર બની જાય છે.

આવા દિવસો યાદગાર બનાવતા રહો....

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.ર૮.પ.ર૦૧ર

(ર૮) સજના હૈ મુજે, સજના કે લીયે  

સુંદર દેખાવ એ દરેક નારીને પરમ આનંદ આપતો શોખ છે, અને અધિકાર પણ..! દુનિયાની કોઈ પણ સ્ત્રીને સૌથી વધારે ગમતી વસ્તુ એટલે અરીસો. અરીસાની સામે કલાકો ઉભા રહીને તૈયાર થવુ ભાગ્યેજ કોઈ સ્ત્રીને નહીં ગમતુ હોય. લગ્ન પહેલા જયારે છોકરી પ્રસંગમાં જવા માટે તૈયાર થતી હોય તો એ વિચારે કે એ પ્રસંગમાં મારા જેટલુ સુંદર કોઈ ન દેખાવુ જોઈએ. બધા મારા વખાણ કરે અને મને જોઈ દંગ રહી જાય! અને સત્ય પણ છે. ચહેરા પર નમણાશ અને નજાકતથી નીખારેલુ પોતાનું સ્વરૂપ! આછકલાઈ વગરની ટાપટીપ અને સૌમ્ય, મૃદુ હાસ્ય.... પછી કોઈની નજર ન પહોંચે તો જ નવાઈ!

લગ્ન વખતે પણ દુલ્હા-દુલ્હનનું સ્વરૂપ અનન્ય દેખાઈ આવે એ વાતનો ખ્યાલ રાખવામાં આવે છે. આમ પણ આપણાં ફિલ્મી ગીતોમાં સાજ-શણગાર અને સુંદરતા પર ઘણાં ગીતો લખાયા છે. 'સજના હૈ મુજે સજના કે લીયે...' કે 'સુંદર નારી પ્રીતમ પ્યારી....' અને આવા ઘણાં ગીતો આનાં ઉદાહરણ છે. માતા પોતાની પુત્રીને હંમેશા કહેતી હોય છે કે તારા પતિને ગમે તે રીતે રહેજે. કેમ કે દુલ્હન વહી જો પીયા મન ભાયે.

લગ્ન પછીનાં શરૂઆતનાં દિવસોમાં નીતનવીન રીતે તૈયાર થતી પત્ની, કેશગુંફનમાં નાવીન્ય લાવતી પત્ની, ધીમે ધીમે સામાન્ય પહેરવેશ પહેરતી થઈ જાય છે, અને જયારે કયાંક પ્રસંગે જવાનું થાય ત્યારે જ તેને તૈયાર થવાનું મન થાય છે. આમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. બહેનો, તમે એમ ન માનતા કે પરણી ગયા એટલે જેવા દેખાઈએ, શું ફેર પડે છે? કે પછી ઘરમાંથી કયાં તૈયાર થવા સમય કાઢવો! પણ બહેનો, એકબીજાને ગમતા રહેવા માટે પણ સુંદર સુઘડ દેખાવ જરૂરી છે. અને પતિ પત્ની બંને ને પણ આ વાત લાગુ પડે છે.

...પણ....

ઘણા પુરૂષોમાં આવી આવડતનો અભાવ હોય છે કે પોતાની સુંદર દેખાતી પત્નીનાં વખાણ કરે. પત્નીને જોઈને જ મુગ્ધતા પામી જનાર પતિનો ચહેરો પોતાની વાણીથી આ વાત વ્યકત કરવામાં ઉણો ઉતરતો જોવા મળે છે. પણ હું તો ફરી ફરી ને કહીશ કે જીવનમાં વર્ષો ઉમેરવાને બદલે વર્ષોમાં જીવન ઉમેરો, લાગણી ઉમેરો. લાગણીની અભિવ્યકિતની રીત અલગ ભલે હોય, લાગણીમાં ઓટ ન આવવી જોઈએ.

પતિ કામ પર જવા બહાર નીકળે એટલે હસીને આવજો કહેવું, અને પતિ ઘરે આવે ત્યારે સુંદર તૈયાર થઈને પતિને આવકારતી પત્ની પણ સુંદરતાનું, લાગણીનું એક આગવુ સ્વરૂપ છે.

સુંદરતા કયારેય ચહેરાથી ન અંકાય, ગુણથી અંકાય. પણ બહેનો, તમારા સુંદર ચહેરાને, તમારી સુંદરતાને નીખારશો તો તમારા જીવનમાં નીખાર આવી જશે. અને લગ્નજીવનમાં પણ...

મનગમતા સાજન સંગાથે જીવનને સજાવતા રહો...

...પરસ્પરનો સાથ માણતા રહો...

...એકબીજાને ગમતા રહો...

ડો. ચારૂતા સમીર ઠકરાર

તા.ર૯.પ.ર૦૧ર

(ર૯) બદલાવ, પરિવતૅન... જીવન...

એક જ ઘરેડમાં ચાલતા ચાલતા જીવનની ગાડીને ઘસારો લાગે અને જુનું વાહન જેમ 'કીચુડ...કીચુડ...' અવાજ કરે એમ જીવનની ગાડીમાં ' તુ..તુ..મેં..મેં...' નાં અવાજ આવવા લાગે એનાં કરતા જરૂરી છે કે જીવનમાં જરૂરી સમયે જરૂરી બદલાવ લાવતા રહીએ. આમ તો ગઈ ક્ષાણ તે ગઈ. નવી આવેલી ક્ષાણ બદલાયેલી જ આવવાની છે. સમય થંભાવીને જીવવાનું જયારે શકય જ નથી તો જીવન સાથે વહી નીકળવામાં મજા છે.

બદલાવ એટલે શું? કોને કહીશું બદલાવ?

મોજીલા સ્વભાવને બદલીને ધીરગંભીર થવું, એ છે બદલાવ? સમયની નજાકત સમજીને ચાલતા શાણા માણસને બદલે નફિકરા થઈ જવું એ છે બદલાવ? બદલાવ એટલે કે ચેઈન્જ એને જ કહી શકાય, જે સમયનાં પરીબળ પ્રમાણે તમને શાણા બનાવે, લુચ્ચા નહીં. જીવનમાં જીવંતતા લાવે, નિ:રસતા નહીં.

બદલાવ તમારા જીવનની કોઈ ઘટના સાથે સંકળાયેલો હોઈ શકે છે. તો બદલાવ એટલે તમારા જીવનમાં નવી વ્યકિતનું આગમન, અને નવી સંસ્કૃતિનું આગમન... તમારા જીવનમાં તમારા જીવનસાથીનું, તમારા સંગાથીનું મધુરૂ આગમન...

  • ઘરની બહાર વધુ સમય પસાર કરતો દીકરો હવે પરણી ગયા પછી ઘરે જલ્દી આવવા માગે છે? ....આ છે બદલાવ.
  • ઘરમાં સામાન્યત: વેરવિખેર પડી રહેતી વસ્તુઓ હવે ગોઠવાઈને રહેવા લાગે છ? ....આ છે બદલાવ.
  • ઘરનો સામાન એકથી બીજી જગ્યાએ પહોંચીને વધુ સુંદર લાગવા માંડે છે? ....આ છે બદલાવ.
  • ઘરનું રસોડુ અવનવા રસોઈની બનાવટથી મઘમઘી ઉઠે છે? ....આ છે બદલાવ.
  • તમારૂ જીવન તમારા પરસ્પરનાં પ્રેમે મહેકી ઉઠે છે? ....આ છે બદલાવ.
  • રવિવારે નિર્જીવ પડી રહેતુ તમારૂ વાહન રવિવાર આવતા જ હવા સાથે વાતો કરવા લાગે છે? ....આ છે બદલાવ.
  • ન વાંચીએ તો ચાલે એવુ છાપુ હવે કઈ નવી ફિલ્મ આવી એ જાણવા અગત્યનું બની જાય છે? ....આ છે બદલાવ.
  • કામની વચ્ચે ઘેરાયેલા હોવા છતા સંગાથીનો ચહેરો યાદ આવતા મુખડું મલકી ઉ ઠે છે? ....આ છે બદલાવ.
  • તો...તો...

    જીવનસાથી વગરનું તમારૂ 'મકાન' હવે સંગાથીનાં આગમનથી 'ઘર' બની ચુકયુ છે, તમારા પ્રેમનું સાક્ષી તમારૂ ઘર તમારા માટે મંદિર બની ચુકયુ છે.

    શું તમારૂ જીવન પણ આ અને આવા અનેક મનગમતા બદલાવનું સાક્ષી બની રહયું છે?

    તમારો મલકાતો ચહેરો કહે છે, તમારો જવાબ 'હા' છે.

    બસ, તો બદલાવ, પરિવતૅનનો આ જ અથૅ છે. પરિવતૅન માત્ર જયારે તમારા ચહેરાને હાસ્ય આપી ઉઠે તો એ પરિવતૅન એટલે જીવનની દિશામાં એક સ્વસ્થ પગલું... અને આવા અનેક સકારાત્મક પરિવતૅન તમારા જીવનની ગાડીમાં કયારેય ' તુ..તુ..મેં..મેં...' નો અવાજ નહીં આવવા દે.

    એક જ અવાજ હશે, તમારા જીવનમાં... પ્રેમથી છલકાતો, મધુર હાસ્યનો રણકતો અવાજ...

    ...પરસ્પરનો સાથ માણતા રહો...

    ...એકબીજાને ગમતા રહો...

    ડો. ચારૂતા સમીર ઠકરાર

    તા.ર૯.પ.ર૦૧ર

    (૩૦) ચાલો થોડુ હરીએ ફરીએ

    લગ્ન પછી સૌ પ્રથમ વાર બહાર ફરવા જવાનું થાય ત્યારે યુગલ ઉત્સુક હોય છે. અને આ રીતે બહાર ફરવા જવાની મજા દરેક યુગલે ઓછામાં ઓછી એક વખત તો માણી જ હશે. હું તો કહીશ કે 'હનીમુન'માં જવા માટેનાં દરેક આયોજન સાથે મળીને જ કર્યા હશે તો જીવનપયૅંત એ મીઠી યાદગીરી તમારી સાથે જોડાયેલ રહેશે.

    ...તમને કઈં આવી ઘટના આંખ બંધ કરતા માનસપટ પર છવાઈ જતી યાદ આવે છે? તો તમારા એ દિવસો તમે આજે પણ માણી રહયા છો. ભવિષ્યમાં પણ ફરવા જવાનું તો થતુ રહેવાનું. રોજીંદી ઘટમાળમાંથી બહાર નીકળીને કયાંક બહાર ફરી આવીએ તો તાજગીસભર બની જવાય છે, એમાં તો બેમત નહીં ને!

    બે-ત્રણ મહિને નજીકમાં કયાંક ફરી આવો અને બે-ત્રણ વર્ષે કે સગવડતા પ્રમાણે લાંબી ટુર કરી આવો, પછી જુઓ એ મજાને યાદ કરવામાં તમે કેટલા આનંદિત થાઓ છો! આવુ ફરવાનું તમને પતિ પત્નીને પણ નજીક લાવી દેશે. કયારેક નાનકડો મતભેદ નિવારી ન શકાતો હોય તો કુદરતનાં સાનિધ્યમાં નાનકડા પ્રવાસથી વધુ સારી જગ્યા એક પણ નહીં!

    બહાર ફરવા જવાનાં આયોજન પછી સામાન તથા અન્ય તૈયારીઓ જયારે સ્ત્રીઓ કરતી હોય છે ત્યારે 'આ શું લીધુ..? આવી બધી નક્કામી વસ્તુઓથી જ સામાન વધી જવાનો..' એવુ કહેતા પુરૂષો અને 'તમને ન ખબર પડે. આ વસ્તુઓ તો જરૂરી છે. લેવી જ પડે.' એવુ કહેતી સ્ત્રીઓ - આ દ્રશ્ય કોઈપણ ઘર માટે નવુ નથી. ઘણી વાર બનતુ પણ હોય છે કે નક્કામી લાગેલી વસ્તુએ જ અજાણ્યા પ્રદેશમાં મહત્વનું કામ આપ્યુ હોય, અને પતિ સ્વીકારે કે તેની પત્ની સાચી હતી! તો કયારેક નક્કામી વસ્તુ ખરેખર સામાનમાં વધારો કરી પાછી ઘરે આવી હોય ત્યારે પત્ની વિચારે કે આના કરતા પતિની વાત માની આ વસ્તુઓ ન લીધી હોત તો સારૂ થાત! આ ઉદાહરણ પરથી સમજી શકીએ કે સંજોગો અનુસાર પતિ અને પત્ની બંને પોતાની રીતે સાચા હોઈ શકે છે. પણ આટલી અમસ્તી વાતથી કયારેય કોઈ પતિ પત્ની અબોલા નથી લઈ લેતા. હા, બહુધા બહેનોને ખરેખર નક્કામી વસ્તુઓ ભેગી રાખવાની ટેવ હોય છે, તો એ માટે ટોકનાર હોય. આને જ કહેવાય એકબીજાનાં પૂરક હોવુ.

    અને કયારેક જો...

    ....ફરવાનું આયોજન નથી થઈ શકયુ, પણ બે દિવસની રજા મળતા જ કયાંક જવાનું નક્કી કરી નાખશો તો આ ઈન્સટન્ટ પ્રવાસ તમને વધારે માણવો ગમશે. કઈં જ નક્કી કર્યા વગર ફકત કપડા લઈને નીકળો અને મનગમતી દિશામાં તમારી ગાડી વાળી લો. આગળ જતા જતા કુદરતને માણો, કોઈ ફળ ફુલ આવે તો એને તોડવા રોકાઓ. કયાં પહોંચવુ છે કે કયારે પહોંચવુ છે- એવી ચિંતા કર્યા વગર જે સ્થળ ગમે ત્યાં રોકાઈ જાઓ... અને આવા પ્રવાસમાં મજા તો આવશે જ પણ તમારી બંનેની સુરક્ષાનું પણ ધ્યાન રાખજો...

    ફરવાનાં આયોજન થકી કે આયોજન વગર પ્રવાસ કરતા રહો...

    જીવનયાત્રા માણતા રહો...

    ...પરસ્પરનો સાથ માણતા રહો...

    ...એકબીજાને ગમતા રહો...

    ડો. ચારૂતા સમીર ઠકરાર

    તા.ર૯.પ.ર૦૧ર