પિન કોડ - 101
પ્રકરણ-13
આશુ પટેલ
સેલ ફોન ફેંક્યા પછી સાહિલ થોડી વાર સુધી માથું પકડીને બેસી રહ્યો. તેને સમજાતું નહોતું કે શું કરવું. તે શાંત પ્રકૃતિનો યુવાન હતો, પણ અત્યારે થોડી વાર માટે તે પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. તેને એક બાજુ નતાશા પર બહુ ગુસ્સો આવ્યો હતો તો બીજી બાજુ તેને તેના માટે પારાવાર ચિંતા થઇ રહી હતી. નતાશા તેને વર્ષો પછી મુંબઇમાં અચાનક મળી ગઇ એ પછી સતત એવી ઘટનાઓ બની રહી હતી જેના માટે તે માનસિક રીતે બિલકુલ તૈયાર નહોતો. નતાશાના રૂપમાં જાણે કોઇ ઝંઝાવાતે તેના જીવનમાં પ્રવેશ કરી દીધો હતો. એક બાજુ નતાશાને મળવાને કારણે તે બહુ ખુશ થયો હતો પણ બીજી બાજુ નતાશાને કારણે તેની સામે નવી-નવી મુશ્કેલીઓ આવી રહી હતી. નતાશાના રહેવાની વ્યવસ્થા માટે શું કરવું એનો માંડ રસ્તો શોધ્યો હતો ત્યાં વળી આ નવી ઉપાધિ આવીને ઊભી રહી હતી. તેણે રાહુલને કહીને તેની ઓળખાણ હતી એવા ગેસ્ટ હાઉસમાં તે નતાશા સાથે બે-ત્રણ દિવસ રહી શકે એવી ગોઠવણ કરીને થોડીવાર માટે હાશકારાની લાગણી અનુભવી હતી ત્યાં નતાશાએ આ નવું ઊંબાડિયું કર્યું હતું. સાહિલને થયું કે તે નતાશાને એક વાર ખખડાવી નાખે, પણ એ માટે પહેલા નતાશાને મળવું જરૂરી હતું.
જોકે સાહિલનું મગજ શાંત પડ્યું એટલે તેની નતાશા પ્રત્યેની ગુસ્સાની લાગણી ઓછી થઇ ગઇ અને નતાશાની ચિંતાએ તેના દિલ અને દિમાગ પર કબજો લઇ લીધો. હજી ગઇ કાલ સુધી તેના માટે નતાશા જીવનની ક્ષિતિજમાં પણ ક્યાંય નહોતી. પણ ગઇ રાતથી નતાશા તેના જીવનનું કેન્દ્ર બની ગઇ હતી. માનવીના મનની જેમ જીવન પણ અકળ હોય છે. જેમ માણસના મનમાં ક્યારે શું વિચાર ઝબકશે એ કહી ના શકાય એમ જ જિંદગીમાં પણ ક્યારે કેવો વળાંક આવશે એની ધારણા કોઇ કરી ન શકે. નસીબ અને ઇશ્ર્વરમાં ના માનતા સાહિલે જિંદગીમાં ક્યારેય પોતાની કુંડળી પણ બનાવી નહોતી. ક્યારેક તે કોઇ જ્યોતિષને મુશ્કેલીમાં મુકાયેલો જોતો ત્યારે તો તેને બહુ જ હસવું આવતું હતું. કોલેજના દિવસો દરમિયાન તેની નતાશા સાથે આ મુદ્દે દલીલો થાય ત્યારે તે કહેતો કે આટલા ગ્રહોના જાણકાર, બીજાનું ભવિષ્ય જોઇ શકનારા જ્યોતિષીઓ પોતે કઇ રીતે ખરાબ સ્થિતિમાં મુકાઇ શકે? તેમની પાસે તો બધા ઉપાય હાજર જ હોય! તે કહેતો કે ક્યાં તો ઇશ્ર્વર નથી એ વાત માનવી જોઇએ અને જો ઇશ્ર્વર અને નસીબ હોય તો પછી જ્યોતિષીઓને ઇશ્ર્વર અને નસીબ કરતાં વધુ પાવરફૂલ ગણવા જોઇએ. એક બાજુ ભગવાનમાં માનતા લોકો એમ કહે કે ઉપરવાળાએ નિર્ધાર્યું હોય એમ જ થતું હોય છે અને કાલે શું થવાનું છે એ કોઇને ખબર નથી હોતી. અને બીજી બાજુ એવા જ લોકો જ્યોતિષી પાસે જઇને ભવિષ્યના ભેદ જાણવાની કે તેમની મદદ લઇને મુસીબતોમાંથી બહાર આવવાની કોશિશ કરતા હોય છે!
નતાશા વિશે વિચારી રહેલા સાહિલને અચાનક યાદ આવ્યું કે, નતાશા સાથે વાત કરતા-કરતા તે અચાનક ‘ઓહ માય ગોડ!’ બોલી ઉઠ્યો હતો. નતાશા તેને અનેક વાર કહી ચૂકી હતી કે ઇશ્ર્વરમાં માનતા માણસોને એક ફાયદો હોય છે કે તેમની પાસે એવી આશા, એવી શ્રદ્ધા હોય છે કે ઉપરવાળો તેમની કોઇ રીતે મદદ કરશે. ઇશ્ર્વરમાં શ્રદ્ધા ના ધરાવતા માણસોને મુશ્કેલ સંજોગો વધુ તકલીફ આપતા હોય છે. ઇશ્ર્વરનું અસ્તિત્વ નથી એવી માન્યતા તેમને ખરાબ સ્થિતિમાં બહુ ભારે પડતી હોય છે. અને ઘણા નાસ્તિકો પણ કપરા સમયમાં ઇશ્ર્વરમાં માનતા થઇ જતા હોય છે.
સાહિલે પોતાને માટે ક્યારેય ઇશ્ર્વરને યાદ નહોતા ર્ક્યા પણ આજે નતાશાની ચિંતાને કારણે તેના મોઢેથી ‘ઓહ માય ગોડ!’ શબ્દો સરી પડ્યા હતા. કોઇ વ્યક્તિ પ્રેમમાં પડે ત્યારે તે પ્રેમી કે પ્રિયતમા માટે એવું ઘણું કરી બેસતી હોય છે, જે તેણે પોતાના માટે ક્યારેય ર્ક્યું તો શું વિચાર્યું પણ ના હોય. તાજો અથવા સાચો પ્રેમ માણસને પોતાના કરતા પોતાની પ્રિય વ્યક્તિ માટે વધુ કાળજી લેતો કરી દે છે. પ્રેમમાં પડેલી વ્યક્તિમાં પ્રિય પાત્ર માટે પ્રેમની લાગણી સાથે માલિકપણાની ભાવના પણ ભળી જતી હોય છે. સાહિલને આ અહેસાસ જિંદગીમાં પહેલી વાર થઇ રહ્યો હતો.
સાહિલે તેના મનમાં ધસમસી રહેલા આડાઅવળા વિચારો પર બ્રેક લગાવવાની કોશિશ કરી. તેના વિચારો તો ચાલુ જ રહ્યા, પણ તેનું ધ્યાન તેણે ફેંકેલા સેલ ફોન તરફ ગયું. સેલ ફોનનો મુખ્ય ભાગ, પાછળનું કવર અને બેટરી ઉડીને આમતેમ પડ્યાં હતાં. તેણે બેટરી ફિટ કરીને પાછળનું કવર લગાવ્યું અને પછી સેલ ફોન ચાલુ ર્ક્યો. પાછળના કવરમાં એક ખૂણો ભાંગ્યો હતો એ સિવાય સેલ ફોનને બહુ નુકસાન પહોંચ્યું નહોતું એટલે એ ચાલુ થઇ ગયો. સાહિલે થોડી હાશકારાની લાગણી અનુભવી.
સેલ ફોન ચાલુ થયો એ સાથે તેને નતાશાનો મેસેજ મળ્યો, જેમાં નતાશાએ તે જેને મળવા જવાની હતી તે માણસનું નામ, ફોન નંબર અને એડ્રેસ મોકલ્યા હતા.
* * *
‘મને ખાતરી જ હતી કે તમે મને મળવા આવશો.’ પેલા માણસે નતાશા તરફ હાથ લંબાવતા કહ્યું: ઓમર હાશમી.’
‘મેં તમારું નામ તમારા વિઝિટિન્ગ કાર્ડમાં વાંચી લીધું હતું!’ નતાશાથી થોડા તીખા ટોનમાં બોલાઇ ગયું. તે માણસના શબ્દો નતાશાને ખૂંચ્યા હતા. જોકે પછી તરત તેને યાદ આવ્યું કે અત્યારે તે પોતાની ગરજથી આવી છે એટલે તેણે તેની સાથે હાથ મિલાવતા હળવું સ્મિત ર્ક્યું. જોકે તે માણસે પોતાનું નામ કહ્યું ત્યારે વળતા શિષ્ટાચારરૂપે પોતાનું નામ કહેવાને બદલે નતાશા તેના ટેબલની સામેની બાજુએ ગોઠવાયેલી ત્રણ ખુરશીમાંથી વચ્ચેની ખુરશી પર બેઠી અને તરત જ તેણે મુદ્દાની વાત શરૂ કરી: ‘તમે મને કહ્યું હતું કે તમે મને કોઇ આકર્ષક ઓફર કરી શકો એમ છો.’
ઓમર હાશમી હસ્યો. તેણે નતાશાને સંભળાવી દીધું: ‘મને પણ ટુ ધ પોઇન્ટ વાત કરવાની જ આદત છે. હું તમને એ જ વખતે ઓફર આપી દેત પણ તમે ત્યારે કંઇ સાંભળવાના મૂડમાં નહોતા!’
નતાશાએ તેના શબ્દોના ટોનને અવગણીને કહ્યું, ‘પણ અત્યારે હું તમારી ઓફર સાંભળવાનો મૂડ બનાવીને આવી છું. બોલો, તમે શું ઓફર કરવા માગો છો?’
ઓમર હાશમી ફરી હસ્યો. ‘આઇ લાઇક યોર એટિટ્યૂડ.’ તેણે કહ્યું અને પછી તેણે નતાશાને પૂછી લીધું: ‘તમને મોડેલિંગ માટે કોન્ટ્રાક્ટ કરવામાં ઇન્ટરેસ્ટ છે?’
‘પણ આખા મુંબઇમાં તમે મને જ કેમ ઓફર કરી?’ નતાશાએ પોતાના મનમાં ઘોળાઇ રહેલી શંકા વ્યક્ત કરતા કહ્યું.
ઓમરે ખુલાસો ર્ક્યો: ‘તમારો ફેસ ફોટોજનિક છે અને રામકૃષ્ણ રેસ્ટોરાંમાં તમારા ફ્રેન્ડ સાથેની તમારી વાતો પરથી મને સમજાયું કે તમે એક્ટ્રેસ બનવા માટે સંઘર્ષ કરી રહ્યા છો.. હું મોડેલ કો-ઓર્ડિનેટિંગ એજન્સી ચલાવું છું એટલે મને લાગ્યું કે તમારા જેવી આકર્ષક મોડેલ મારી એજન્સીને મળી શકે અને તમને પણ મોડેલિંગના કોન્ટ્રાક્ટ્સ થકી સારા પૈસા મળી શકે. તમને પણ ફાયદો થાય અને મને પણ ફાયદો થાય. હમણાં જ એક કંપનીની નવી ટૂથપેસ્ટ માટે એક ફ્રેશ ચહેરો શોધવાનું કામ મને મળ્યું છે.’
ઓમરની વાત સાંભળીને નતાશાને થોડી ધરપત થઇ કે ચાલો મામલો બીજો કોઇ તો નથી. તેણે પોતાના પર્સ પરની પકડ ઢીલી કરી, જેમાં તે અણધાર્યા સંજોગોનો સામનો કરવા માટે હંમેશા પેપર સ્પ્રે રાખતી હતી. જોકે ઓમરની ઓફિસમાં જતા પહેલા તેણે જોયું હતું કે તેની ઓફિસની આજુબાજુમાં બીજી ઘણી ઓફિસીસ પણ છે અને લોકોની અવરજવર પણ છે એટલે તેને થોડી ધરપત થઇ હતી. કોઇ ટૂથપેસ્ટ માટે માટે મોડેલિંગ કરવાની ઓફર સ્વીકારવામાં કંઇ ખોટું નથી ને જોખમ પણ નથી, નતાશાએ વિચાર્યું. છતાં તેને હજી તે માણસ પર પૂરેપૂરો ભરોસો નહોતો બેઠો એટલે તે સાચવીને વાત કરી રહી હતી.
નતાશા આગળ કંઇ વિચારે કે બોલે એ પહેલાં ઓમરે તેને પૂછ્યું: ‘સોરી, હું તમારું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો.’
નતાશાએ પોતાની સાચી ઓળખાણ આપવાને બદલે બીજું જ નામ આપવાનું નક્કી કર્યું. સેક્ધડના છઠ્ઠા ભાગમાં તેના મનમાં તેણે બે દિવસ પહેલા જ ક્યાંક સાંભળેલું નામ તેને સૂઝી આવ્યું. તેણે તે નામ કહી દીધું: ‘મોહિની મેનન.’
એ નામ સાંભળીને, જાણે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય એ રીતે, ઓમર સડક થઇ ગયો!
(ક્રમશ:)