The secret LOVE letter in Gujarati Letter by નિરાળી. Nirali Patel books and stories PDF | ધ સીક્રેટ લવ લેટર - Letter to your valentine

Featured Books
Categories
Share

ધ સીક્રેટ લવ લેટર - Letter to your valentine

The secret LOVE letter

નિરાલી પટેલ

હાય ડિયર,

મારી યાદોમાં છવાયેલ રહેનાર એક ની એક પ્યારી ભાભી,

ખબર નહીં આ કાગળ તારા સુધી કોઈ પહોંચાડશે કે નહીં! આમ તો સાંભળ્યું છે કે બેઉ દુનિયા અલગ અલગ છે આપણી. પણ આશા છે કે ભગવાનને ત્યાં દેર છે અંધેર નથી. હાલ અહીં માસાજી ગુજરી ગયા છે રોજ ત્યાં જઈએ છે એમના ફોટાને સંબોધીને કીધુતું તો ખરું કે અહીંથી બે, ચાર, બાર -પંદર દિવસે જ્યારે પણ વિદાય લે પરલોક જવા ત્યારે આ ચિઠ્ઠી જરૂર લેતા જાય અને ભગવાનનો દરબાર ભરાય ત્યારે અચૂક વંચાવે અને ત્યારબાદ તારા હસ્તક કરે. આ બધું લોકોને કેટલું વિસ્મય પમાડે તેવું લાગે નહીં? માનશે કે હું ગાંડી થઈ ગઈ. અરે, માણસ જાય એટલે ભૂલી જવાનું હોય...યાદ કરીને શુ મળે? કેવું કેવું લોકો કહેતા હોય છે. અરે, માન્યું કે હું મારી ભાભી પાછળ ગાંડી છું. કાશ, આટલું ગાંડપણ એ વખતે બતાવ્યું હોત અને મારી જ કિડની આપી હોત તો તને કિડનીની ખોટ ના વર્તાઈ હોત ને તું આજે પણ અમારી જોડે જ હોત. પણ ખબર નહીં બુદ્ધિ એ વખતે ક્યાં ચરવા ગઈ હતી જ્યારે યમરાજ તને લેવા આવ્યા હતાં. ખેર, ભગવાન ને ગમ્યું એ કર્યું.

‎તારા શું ખબર છે? એટલો વિશ્વાસ તો છે મારા ભાઈ શૈવલ પર કે તને મોક્ષપ્રાપ્તિ જરૂર અપાવી હશે એટલે તું ક્ષેમકુશળ ત્યાંજ વસતી હોઈશ. બીજા કોઇ જન્મની જંજાળ માં નહીં ફસાઈ હોય. તારી શું દિનચર્યા હોય છે? આ દુનિયામાં હતી એવી જ ભાગદોડ માં છું? સવારે ઓફીસ અને રાત્રે મારા ભાઈના પાર્લર પર. પણ ત્યાં તો એવું ન જ હોય ને ! અહીં તો આપણે શાંતિથી મળી પણ નહોતાં શકતાં.. યાદ છે તું કહેતી હતી અમે તો બહેનો વાર તહેવારે મળતા જ હોઈએ. આપણાં ફેમિલી માં એવું નથી, નહીં? સંપ તો છે તો સાથે સમય નથી માણી શકતાં? અને એ પછી આપણે શોપીંગ માટે નીકળ્યાં હતાં સેલમાંથી એક સરખા ડ્રેસ લાવ્યા હતાં. તારો ગ્રીન કલર જે મેં તારા માટે જતો કર્યો હતો કારણ તું નવી પરણેલ હતી. મેં કદાચ તને જાણ નહોતી થવા દીધી ને મેં ક્રિમ કલર રાખેલ. જે હજુંય હું પહેરું છું. અરે શું યાર! હું તો તને કહેવાનું જ ભૂલી ગઈ કે તેં જે કપડાંના ટૅગ પણ નહોતા ખોલ્યા એ હવે હું પહેરું છું. અને યાદ છે તારા ભણીયા એટલે કે મારા પુત્ર મનની પાંચમે વર્ષે બર્થડે પાર્ટી રાખેલી એમાં જે તેં પિંક ફ્રોક પહેરેલ એ જ મેં તારા અને શૈવલ માટે તમારી છેલ્લી મેરેજ એનિવરસરી માટે કવિતા લખેલી હતી એ વાંચવા હાલમાં એક કેફેના ઇવેન્ટમાં પહેરેલ. અને હા..... એ વખતે તો તને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે એવી રડેલી અને છેલ્લે ઉમેર્યું કે આ ફ્રોક મારી ભાભીનું જ છે, જે મેં ચાહીને એને યાદ કરવા જ પહેરેલું છે. હું તને યાદ કરી આજે પણ એટલું જ રડી શકું છું ભલે છાનુંછુપુ, અરે! શૈવલ પણ હજુંંય તને ભુલ્યો નથી હો! બીજા લગ્ન પણ નથી કર્યા કે કરવા.

હવે તને બોલતી સાંભળવા ઉપર જ આવવું પડશે કે? અરે હા, પછી મમ્મી જ્યારે બોમ્બેથી રેડ કુર્તી લાવેલી જે તારા માટે હતી ને મેં રાખવા જીદ કરેલી અને મારા માટે લાવેલ ડ્રેસ મટિરિયલ તને આપી દીધું એમ કિધેલું કે સ્કૂલ માં હું ડ્રોઈંગટીચર લાગું ને રેડ કલર માં. એ વખતે તેં પણ જતું કર્યું હતું.ઓયયય.... મારા દાદીવાળી બંગડીનું શું એ તો આપણે વહેંચવાની હતી ને. . કેમ.. એમ જ જતી રહી? એ હવે કોની જોડે મોકલું? મારે પણ ઈજીપ્તના લોકોની જેમ તારા માટે પિરામિડ બનાવવો પડશે. જ્યારે તારી કમી મહેસૂસ થાય ત્યારે ત્યાં જઈને બેસીશ તારી જ વસ્તુઓ અને તારા માટે રાખેલ વસ્તુઓ જોડે, તારી પ્યારી યાદોની નગરીમાં. આ ઓગસ્ટમાં તને ગયે ત્રણ વર્ષ પુરા થશે પણ લાગતું નથી કે આપણે છુટા પણ પડ્યા હોઈએ. હજું પણ કાકડી ખાતાં તને યાદ કરું છું. તારે કલાક પાણીમાં મૂકી રાખી પછી જ ખવાય એવું હતું ને? કોઈને ખબર નથી એવી વાત કરું? તારી છેલ્લી એનિવરસરી વખતે ભાઈ જોડે તું શહેરની ઊંચી ગોળ ફરતી હોટલમાં ગઇ હતી અને 3 મહિના માંજ તું જતી રહેલી ભગવાનને ત્યાં. તારી પાછળ આવવા મેં પણ એવું જ કર્યું હું પણ એ હોટલમાં ગઈ અમારી એનિવરસરી પર અને ત્રણ મહિના પછી મારા પણ મરવાની રાહ જોવા માંડી. પણ જોને શું લેખ લખ્યા છે હજુંય જીવું છું. તારા માટે કવિતાઓ લખવા. તારા ગયા પછી તો એક મહિને, 3 મહિને, 1 વર્ષે, 2 વર્ષે એ સિવાય પણ જ્યારે તારી યાદ આવે તો એકાદ કવિતા અચૂક લખાઈ જ જાય છે. મનિષને પણ હવે તો તારી ઈર્ષા થતી હશે. કે વર થઈને ય પોતાના માટે કવિતાઓ નથી મળતી મારા તરફથી. એ તો ઠીક મારી મમ્મી (તારી સાસુ) ય ખુદ ઈર્ષાથી બળતીતી જ્યારે આપણાં વ્હાલા નાનાફોઈ ગુજરી ગયા અને એમની સગી છોકરી કરતાં ય વધારે મારી આંખમાં આંસુ જોયા તારા ગયા પછી જેવો દરિયો ઉમટ્યો હતો એવોજ હતો એટલે જ તો. માન્યું કે મારા જીગરજાન કલેજાનાં ટુકડા જ પ્રભુને પ્યારા છે અને એ જ તો એક એક કરી પડાવતાં જાય છે. પણ એમને ય સમઝાય અને એકાદ બે ને તો રહેવા દે કહેજે. જે મારી નજીક આવે એને દૂર કરે છે. અરે ઉપર ના બોલાવે તો અહીંના અહીં જ જુદા કરે આવો કેવો ન્યાય? પછી તો લોકોય સંભળાવશે ‘તને એની જોડે નહીં ફાવતું હોય એટલે જ ભેગા રાખે છે નહીં!’ મજાક છે હો... મજાક જ લેજે.

બીજી એક વાત. કવિતાઓ તો ઠીક, મેં તો તારા અને શૈવલની આત્મકથા લખેલી છે. ખબર છે એ એટલી સરસ લખાયેલી કે મારૂં એક કૉમ્પીટીશનમાં ઇનામ લિસ્ટમાં નામ જાહેર થયેલું છે. એ નામની જો હું જ હોઈશ તો 500 રૂપિયા મળશે મને. શૈવલને પણ એની જાણ હજુ નથી કરી. હંમેશની જેમ કંઈ પણ વાત હોય તો પહેલા હું તને જ કહેતી હતી ઘરમાં. આ વાત પણ તને જ પહેલા જણાવું ને! એ રૂપિયા જ્યારે પણ મળશે તો હું મૂકી રાખીશ બાજુએ સાચવીને અને એનું તારે શું કરવું છે એ જાણ કરજે કારણ એ રૂપિયા તારા અને શૈવલના જ આખરે તો કહેવાય ને!

મેઘના, તું ભગવાનને સમઝાવી ના શકે કે બેય દુનિયામાં વાતચીત નો દોર હોવો જોઈએ તેના માટે વિચારવું જોઈએ. એ તો ઠીક, પણ દુનિયા ધીમે ધીમે બગડતી જાય છે .આખરી શ્વાસ ચાલતા જેવી તારી હતી, એવી જ હાલત આ દુનિયાની છે એનાથી તું ક્યાં અજાણ હતી! તું ત્યાં રહીને પણ જો આ દુનિયા માટે કઈ કરી શકે તો ઘણા બધા વિચારો મારા મનમાં ચાલી રહ્યા છે.

એક એક કરીને કહેવા માંડું લાંબી ન ખેંચવાંમાં આપણે બે સરખા. એકે ને ગમે નહીં. ખપ પૂરતું બોલી બાકીની મજાક મસ્તી. દુનિયા જાય તેલ લેવા કોઈની પરવા નહીં અને લોકો ની વાત નહીં. બહુ દુઃખ હોય તો જ નીકળે લાંબી કહાની. બાકી તો આપણી જ મસ્તી માં.

* પહેલી વાત એ કે તારા (કિડની ફેલ જવી) કે મારા ભાઈ શૈવલ (થેલેસેમીયા)ને થયેલ રોગ કોઈને ન મળે અને મળે તો બહુ ભોગવવું ના પડે. એટલે કે રિબાવું ના પડે.

* કિડની માટે તું જેમ તડપી એવી હાલત કોઈની કોઈ પણ ઓર્ગન માટે ના થાય. તરત જ પ્રભુ ઉપર ઉપાડી લે. ઘ્વાર ખોલે એમના શરણ ના.

* લોકો માં હમદર્દી, હૂંફ, પ્રેમ ઓછા થતાં ગયા છે. ઔરતની જેમ મર્દને પણ દિલ અને મગજ કામ કરવા જોઈએ. સ્ત્રીઓ હવે પુરુષ સમોવડી બનવાની હોડમાં પુરુષ જેવી ખોટી લત પર જઈ ચડી છે. એ ભગવાનની તોલે ગણાતી હવે કોની તોલે ગણાવવા મથી છે એ રામ જાણે.

* લોકોને માત્ર કમાવાની વૃત્તિ ના જોઈએ, લોભ- લાંચ , લાલચ એવું કંઈ જ મગજમાં ઉત્પન્ન ન થાય. માત્ર પ્રેમ ભાવના હોય, સંપ અને ભાઈચારો હોય.

* પૃથ્વી પર હરિયાળી ઓછી થવાને બદલે વધતી રહેતી જોઈએ. વૃક્ષો તો કાળજી પછી પણ બીમાર પડે છે અથવા સુકાઈ જાય છે.

* પ્રદુષણનો નિકાલ થાય એ માટે દુનિયા બહાર ખુલે એવી બારી કે બારણું જોઈએ છે.

* નાના ભૂલકાંઓને વધુ બુદ્ધિ ન આપી વૃધ્ધો જ શાણપણમાં રહે એવું કંઈ ન થાય.. ? ટૂંક માં કહું?

* જન્મ મૃત્યુની જંજાળ જ ન હોવી જોઈએ. કર્મો ના ફળનો મર્યા પછી સ્વર્ગમાં જ વારો રાખો ને ભાઈ.

આતો થઈ વાત આપણી. પણ જો, ભગવાનના દરબારમાં વહેલી તકે આ કાગળ વંચાવજે. આપણાં ગયા પછી અહીં કોઈને તકલીફ ન થાય એવું કંઈક તો કરીને જઈએ. તું ત્યાં રહે તારાથી બનતો પ્રયત્ન કરે અને હું અહીં રહી કરું જ છું. ભગવાનને પણ થાય કે મદદ કરે જ છૂટકો છે આ લોકોને તો! એવું કંઈક કરી બતાવીએ. તારો હંમેશા મને સાથ મળ્યો છે એટલે હું પૂછવાની નથી તારી ઈચ્છા. આપણી ભેગી જ ઈચ્છા હશે એવું માની જ લઉં છું કારણ આપણે બેઉ એક બીજાથી અલગ નથી જ. અડધા અડધા આત્મા આપણાંમાં પ્રભુ એ જ વહેંચેલ છે. અરે હા, છુટા પડતાં પહેલા કહી દઉં:

'હેપી વેલન્ટાઇન મેઘના, માય ડાર્લિંગ ભાભી.' આપણે બેઉ જેવું એકબીજાને સમજતાં હતાં એવું મને આજ સુધી કોઈ નથી સમઝી શક્યું. હવે આવું તો કોને કહું? તું જ મારી ટ્વીન ફ્લેમ (બહેન કરતાં પણ વધું) હતી અને છું. તું જ મારી સોલ-મેટ છું. લવ યુ હંમેશા. મિસિંગ યુ ઓલ્વેઝ. ટા ટુ!! હોપ ટુ સી યુ સૂન..

- તારી વ્હાલી સગગી નણંદ નિરાલી મનિષ પટેલ.

(લે, લખેલ શબ્દો પણ તારા મોબાઈલના પાસવર્ડ જેટલા જ થયાં!!! )