Ek Ajani Mitrata - 11 in Gujarati Short Stories by Triku Makwana books and stories PDF | એક અજાણી મિત્રતા - 11

Featured Books
Categories
Share

એક અજાણી મિત્રતા - 11

એક અજાણી મિત્રતા ભાગ – 11

(વાંચક મિત્રો ,

એક અજાણી મિત્રતા, ત્રિકોણીય પ્રેમને દર્શાવતી અને ત્રિકોણીય પ્રેમના તાણા વાણા દર્શાવતી લઘુ નવલ છે. વાર્તામાં તારક, રાધિકા અને કસકની લાગણીઓ ક્યારેક સ્પર્શે છે તો ક્યારેક ઘુમરાતી રહે છે. અત્યાર સુધી આપણે "એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 થી ભાગ - 10 જોઈ ગયા. આ પ્રકરણમાં ગામડેથી તારકનો નાનો ભાઈ અને કસકનો વહાલો દિયર સંકેત ગામડેથી મોટાભાઈના ઘેર આવે છે. આ પ્રકરણમાં કસકનું દિયર પ્રત્યે હેત ઊભરાય છે. જે તારકને ગમતું નથી. હવે આગળ વાંચો.. )

જયારે ઓફિસ ટુરનું કહીને રાધિકાને મળીને તારક ઘેર આવ્યો ત્યારે તેના ચહેરા પર બે સ્ત્રીઓને છેતરતો હોવાની ઉદાસીનતા તેના ચહેરા પર ડોકાતી હતી. તારક હવે બંને સ્ત્રીઓને દિલોજાનથી ચાહતો હતો.

તારકનો ચહેરો પડી ગયેલ જોઈ કસક ચિંતામાં પડી ગઈ, તેણે તારકના કપાળ પર હથેળી મૂકીને જોયું તાવ તો નથી આવ્યો ને? શરીર પર ખાસ ટેમ્પરેચર નહોતું, શું કંપનીનું કામ પૂરું ન થયું? કસકે પૂછ્યું.

તારક માટે તો દુખે પેટ અને ફૂટે માથું તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેણે કસકને કહ્યું વ્હાલી કામ તો થઇ ગયું છે પણ બેચેની લાગે છે.

તમને ગમતી ગઝલની સીડી મુકું, જો તેનાથી કદાચ મન શાંત થાય, કસકે કહ્યું. તારકે હકારમાં માથું હલાવ્યું એટલે કસકે તારકના મન પસંદ સિંગર ગુલામ અલીની એક સીડી, સીડી પ્લેયર પર મૂકી.

“ ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ " ગુલામ અલીનો ઘેઘુર અને દર્દીલો અવાજ ડ્રોઈંગ રૂમમાં રેલાવા લાગ્યો. તારકે સોફા ઉપર જ લંબાવી દીધું. કસક ખુરશી લઈને તારકના ઝુલ્ફામાં હાથ ફેરવતી રહી, તારક આંખો મીંચી દર્દીલી પંક્તિઓ સાંભળતો રહ્યો.

થોડીવાર પછી તારક ઉભો થયો, કસક બપોરના જમવાની તૈયારી કરી રહી હતી. ઉભા કેમ થઇ ગયા? કસક બોલી રસોઈ કરીને હું હમણાં જ તમારી પાસે આવું છું.

આપણા ફેમિલી ડોક્ટરને ફોન કરું? કસક હજુ ચિંતામાં હતી.

ના ના એવી કોઈ જરૂર નથી, તું નાહક ચિતા કરે છે. તારકે કહ્યું.

પહેલાના રાજાને કેટલી બધી રાણીઓ હતી નહિ? તારક બોલ્યો.

મને તો સમજમાં નથી આવતું કે કોઈ વ્યક્તિ એક સાથે બધી પત્નીને પ્રેમ કરી શકે?

આ તો બધું શક્તિનું પ્રદર્શન, કોઈ રાણીને એકથી વધારે રાજા કેમ નહિ? કસકે કહ્યું.

કસકની વાત બરાબર હતી, રાજાની એકથી વધુ રાણી કદાચ શક્તિનું પ્રદર્શન જ ગણાય. તારક વિચારવા લાગ્યો. અથવા એવું પણ હોઈ શકે પુરુષને કદાચ એક થી વધુ પત્નીની ચાહત રહી હશે. કારણ કે રાજાને તો એક થી વધારે રાણી રહેતી પણ જ્યાં રાણીઓ રાજ્ય કરતી તેમને એકથી વધારે પતિ નહોતા. આમાંથી દ્રૌપદી એક માત્ર અપવાદ હતી.

તારકનો મોબાઈલ રણકી ઉઠયો, ઘેરથી પપ્પાનો ફોન હતો કે તેનો નાનોભાઈ સંકેત કાલે ફરવા માટે વડોદરા આવવાનો છે.

પણ સંકેતભાઈ તો કેટલા નાના છે. તે એકલા વડોદરા કેવી રીતે આવશે? કસકે સવાલ ઉઠાવ્યો. કારણ કે તારક અને સંકેત વચ્ચે દશ વર્ષનો ગાળો હતો, સંકેત હજુ માંડ તેર વરસનો થયો હતો.

કસકની વાત સાચી હતી, આવડો નાનો તરુણ એકલો મોરબીથી વડોદરા કેવી રીતે આવે?

કાલે વીકલી ટ્રેન છે જે ગાંધીધામથી વડોદરા આવશે. તેમાં પપ્પા સંકેતને બેસાડી દેશે. અને S -6 માં તેનો બર્થ રિઝર્વ છે. વડોદરા આવે એટલે રેલવે સ્ટેશને જઈને હું લઇ આવીશ. તારક બોલ્યો.

દિયરના આવવાના સમાચાર સાંભળી કસકના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ગઈ. બે વરસ પહેલા પરણીને આવી ત્યારે 11 વરસનો કિશોર સંકેત તેને વિષ્મયથી તાકી રહ્યો હતો. આમ તો કસકને જાણ હતી કે તેના પતિ અને તેના દિયર વચ્ચે 10 વરસનો ગાળો છે. પણ જયારે સંકેતને પહેલી વાર જોયો ત્યારે વ્હાલ ઉપજેલું.

સંકેત કસકથી શરમાતો, સંકેત અને તારક પણ બહુ વાતચીત કરતા નહિ. કસક ક્યારેક સંકેતને પકડીને ખોળામાં બેસાડી દેતી. અને તેના ગાલ પર હાથ ફેરવતી.

એકવાર સંકેતે પૂછેલ હેં ભાભી તમારે મારા જેવડી નાની બેન છે?

કેમ? કસકે આશ્ચર્યથી પૂછ્યું.

મારી બહેનપણી અલ્પા કહેતી હતી કે પછી તારી ભાભીની બહેન તારા જેવડી જ છે તું તેના જોડે લગ્ન કરજે.

કસક ખડખડાટ હસી પડી, મારે તો એક બહેન છે પણ તમારાથી 8 વરસ મોટી છે. તમે તેની સાથે લગ્ન કરશો?

સંકેતે શરમાતા શરમાતા હા કહ્યું, અને ત્યાંથી ભાગી નીકળ્યો. કસક તેની નિર્દોષતા પર મનોમન હસી પડી.

બીજે દિવસે સંકેતે સાંજના વડોદરા રેલવે સ્ટેશને પહોંચીને ફોન કર્યો. તારક સંકેતને લેવા જતો હતો ત્યાં કસક ટહુંકી મારે પણ મારા દિયરને લેવા આવવું છે. તારક અને કસક કારમાં સંકેતને લેવા ગયા.

રેલવે સ્ટેશન પર સંકેતને જોઈ કસકનું મુખડું મલકી ઉઠયું, તેણે સંકેતના ઓવારણાં લીધા. સંકેત ભાભીની મશ્કરી કરતા બોલ્યો ભાભી મેં તમારી સાથે કિટ્ટા કર્યા છે.

કેમ? કસક દુઃખી દુઃખી થઇ ગઈ.

તમે મને ક્યારેય ફોન કર્યો? તમે મને ફોન કરતા નહોતા એટલે મને યાદ નહોતા કરતા એવું જ થયું કહેવાય એટલે કિટ્ટા, ભોળપણથી સંકેત બોલ્યો.

એમ વાત છે, કસક બોલી, આ તમારા ભાઈ મને નવરી જ નથી થવા દેતા, આંખો નચાવતા કસકે કહ્યું.

ચાલો બીજી વાતો ઘેર કરીશું, તારકના ચહેરા પર અણગમો ઉપસી આવ્યો.

કસકે જ્યારથી તારક સાથે રહી પછી ક્યારેય તારકના મુખ પર આવી અણગમાની રેખાઓ જોઈ નહોતી. કસકને તારકનું આવું વર્તન જોઈને ચીડ ચડી, તારક આવો વ્યવહાર કેમ કરી રહ્યો છે તે કસક સમજી શકી નહિ.

ઘેર જઈને સંકેત ગામડાની બધી વાતો કરતો રહ્યો, કસક ધ્યાનથી સાંભળતી રહી. તેઓ વાતોમાં એટલા મશગુલ થઇ ગયા કે તારકે બંનેને ટોકવા પડ્યા. રોજ ઓફિસે જવા માટે, કપડાં બ્રીફકેસ, બુટ, મોજા, રૂમાલ વગેરે તૈયાર રાખીને ખડે પગે રહેતી કસક આજે નિયમ ચુકી ગઈ હતી.

તારક ધૂંધવાઈ ઉઠ્યો, કસક મારે ઓફિસે જવાનું મોડું થાય છે અને તે કશી તૈયારી કરી નથી? ઓ બાપ રે વાતો વાતોમાં સમય ક્યાં જતો રહ્યો તેની જાણ જ ન થઇ, કસક બોલી.

કસકે ફટાફટ તારકના ઓફિસે જવાના કપડાં, બ્રીફકેસ, લંચ બોક્સ, બુટ - મોજા, રૂમાલ તૈયાર કરી દીધા અને તારકને વિદાય કિસ આપવા જતી હતી ત્યાં સંકેત નજરે પડ્યો અને તેની કિસ કરવા માટે લંબાતી ગરદન થંભી ગઈ, અને માત્ર આવજો કહી હાથ હલાવ્યો.

તારકને પહેલી વખત સંકેતની હાજરી ખૂંચી, તેને ઓફિસે જતા પહેલા અધૂરપ લાગી. રોજ તેના હોઠ પર કસક કિસ કરતી ત્યાર બાદ જ તે ઓફિસે જતો. આજે કસકે માત્ર હાથ હલાવી વિદાય આપી.

ઓફિસે પણ તારકનું મન ન લાગ્યું, ઓફિસનું થોડું કામ કર્યું અને તે કંટાળી ગયો. ફ્રેશ થવા તે ફેસબુકમાં લોગ ઈન થયો. તેણે એક પોસ્ટ મૂકી હતી. તેની પોસ્ટથી અમુક લોકોની લાગણી ઘવાઈ હતી તેવી કોમેન્ટ આવી હતી. ફેસબુકમાં પણ તારકને નિરાશા હાથ લાગી.

તારકે ફેસબુકમાંથી લોગ આઉટ કર્યું, તે આંખો મીંચી થોડી વાર ખુરશીમાં બેસી રહ્યો. તારકનો મોબાઈલ રણકી ઉઠ્યો. તેની કંપનીએ મોકલેલ સિસ્ટમમાં સમસ્યા સર્જાઈ હતી. તેણે ટેલિફોનથી નિર્દેશ આપી સિસ્ટમ ઠીક કરવાનો પ્રયત્ન કર્યો. પણ તારકને સફળતા મળી નહિ.

હવે કંપનીમાંથી કોઈ સર્વિસ એન્જીનીઅર અથવા તારકે જાતે સાઈટ વિઝીટ કરવી પડે તેમ હતું. તારકે કસ્ટમર પાસે સોલ્યૂશન માટે ત્રણ દિવસનો સમય માંગ્યો.

ઓફિસેથી ઘેર આવ્યો ત્યારે તારકનું માથું ભારે ભારે લાગતું હતું, તેણે ગાડીનું હોર્ન માર્યું જેથી કસક ઘરમાંથી બહાર આવે,પણ કસક તો તેના નાના દિયર સાથે રમતે ચડી હતી એટલે કસકે હોર્ન સાંભળ્યું નહિ. તારકે જાતે મેઈન ગેટ ખોલી ગાડી પાર્ક કરી અને પછી ડોરબેલ વગાડ્યો.

કસકે ઝટપટ દરવાજો ખોલ્યો, કેટલા હોર્ન માર્યા, સંભળાયા નહિ? તારકના ચહેરા પાર સ્પષ્ટ નારાજગી વર્તાતી હતી. હું સંકેતભાઈ સાથે કેરમ રમતી હતી એટલે ધ્યાન રહ્યું નહિ, કસકે કહ્યું અને પાણીનો ગ્લાસ આપી તારક પાસેથી બ્રીફકેસ પોતાની પાસે લીધી.

ફરી પાછી કસક સંકેત સાથે કેરમ રમવા બેસી ગઈ. સંકેત મોટાભાઈ પાસે ગયો અને પૂછ્યું તમે પણ ચાલોને કેરમ રમવા, બહુ મજા પડશે. તારકે શુષ્કતાથી ના પાડી દીધી અને ટીવી જોવા લાગ્યો. પણ તારકને ટીવી જોવામાં ખાસ રસ નહોતો, અને બીજી બાજુ કસક અને સંકેત એક બીજાને તાળીઓ આપી કેરમ રમતા હતા.

આજે કસક કેરમ રમવામાં તારકની ચા બનાવવાનું પણ ભૂલી ગઈ. થોડી વાર સુધી તારકે રાહ જોઈ પછી સ્લીપર પહેરી બહાર જવા ઉભો થયો. જેવો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને કસકની નજર તારક પર પડી.

ક્યાં જાઓ છો? કસકે તારકને પૂછ્યું, હોટેલમાં ચા પીવા તારક વ્યંગમાં બોલ્યો. કેમ? રોજ હું તમને ચા નથી બનાવી આપતી? કસકે ભારે અવાજે પૂછ્યું. આજે તો મેડમ નવરા નથી. લાડકો દિયર આવ્યો છે, એટલે પતિને તડકે મુક્યા, તારકે બીજો વ્યંગ કર્યો.

સોરી, બાબા.. ઘણા સમય પછી સંકેતભાઈ આવ્યા છે તે તેની જોડે રમવાની મજા પડતી હતી, એમાં આવું અવળું કેમ બોલો છો? મારા તો દિયર છે પણ તમારા તો સગા નાનાભાઈ છે. તમારે તો ઉલ્ટાનું ખુશ થવું જોઈએ. કસક બોલી.

કસકે હાથ પકડીને તારકને બહાર જતા અટકાવી સોફામાં બેસાડી દીધો, અને ચા બનાવવા રસોડામાં ગઈ. ત્યાંથી જ સંકેતને પૂછ્યું સંકેતભાઈ તમે ચા પીશો ને? ના ભાભી હું ચા નથી પીતો, સંકેતે જવાબ આપ્યો.

કસકનો લાડકો દિયર આવ્યો અને કસક તેની પાર ઓળઘોળ થતી હતી તે તારકથી જોયું જતું નહોતું, કસકની લાગણી માત્ર અને માત્ર મારા માટે જ હોવી જોઈએ તેવી તારકની લાગણી પ્રબળ થઇ રહી હતી.

આ બાજુ કસકના હૃદયમાં દિયર માટેનું હેત હિલ્લોળા લેતું હતું. તેને સંકેત ઉપર પોતાનો બાળક હોય તેવી મમતા ઉભરાતી હતી. સંકેતનું માસુમ મુખ, કાળા કાળા ઝુલ્ફા, નિર્દોષ ચહેરો વગેરે જોઈને કસકને સંકેતને ભેટી પડવાનું મન થઇ રહ્યું હતું.

તારક અને કસક વચ્ચેનો આ સહુથી પહેલો વ્યક્તિગત ટકરાવ હતો, જેનાથી કસક હજુ પણ અજાણી હતી. સાંજે સંકેતને કયાં સુવડાવવો તે અંગે કસકે તારકને પૂછ્યું તો તારકે ગેસ્ટ રૂમના બેડરૂમમાં સંકેતની પથારી કરવાનું કહ્યું.

સંકેત હજુ નાનો કહેવાય, અને પહેલી વાર તેના ઘેર આવ્યો છે, બીજા રૂમમાં પથારી કરીએ અને એને એકલું સુતા ડર લાગે તો? કારણ કે ગામડામાં ઓસરીમાં જ કસકના સાસુ, સસરા અને સંકેતના ખાટલા ઢાળવામાં આવતા. કસક વિચારી રહી.

કસકે તારકને કહ્યું આપણો બેડ તો કેટલો મોટો છે, ભલેને આપણી સાથે જ સુઈ રહે. મને પણ સંકેતભાઈ સાથે વાતો કરવી ગમશે.

તારકના ચહેરા પાર નારાજગીના ભાવ ઉપસી આવ્યા. તે જરા રોષથી બોલ્યો, કસક હવે સંકેત નાનો ન કહેવાય.

કેમ નાનો ન કહેવાય? કોઈ પણ માં માટે પોતાનું બાળક હંમેશા નાનું જ રહે સમજ્યા? હવે કસક પણ રોષે ભરાઈ.

આખરે તારકે નમતું જોખવું પડ્યું, બેડમાં એક બાજુ તારક અને એક બાજુ સંકેત સુતા. તારક મનમાં ગુસ્સે થયો હતો એટલે તેણે લેખક જોસેફ મેક્વાનની " લક્ષમણની અગ્નિ પરીક્ષા " નોવેલ વાંચવી શરુ કરી. પણ તેનું ધ્યાન કસક અને સંકેત વાતો કરતા હતા તે બાજુ જ હતું.

વાતો કરતા કરતા કસક અને સંકેત ઊંઘી ગયા. કસક સંકેતને પોતાનું બાળક હોય તેમ ભેટીને સૂતી હતી. તારકના મન મસ્તિષ્કમાં ઈર્ષ્યાનો અગ્નિ પ્રજ્વલ્લીત થઇ ગયો. સંકેત પોતાનો નાનો ભાઈ છે છતાં તેની સાથે કસક મમતાની ગાંઠ બાંધીને તેની સાથે સૂતી છે તે તેનાથી જોયું નહોતું જતું.

તારકની ઊંઘ વેરણ બની, તેને થયું કે કસક અને તારક ભેટીને સુતા છે તેઓને અલગ કરી દઉં, તેણે બેડરૂમનું નાનું ફ્રીઝ ખોલી પાણી પીધું, છતાં પણ ચેન ન પડ્યું તે પથારીમાંથી ઉભો થઇ ડ્રોઈંગ રૂમમાં આવ્યો. ટીવી ચાલુ કર્યું, ટીવીનું વોલ્યુમ વધાર્યું જેથી કસકની ઊંઘ ઉડી જાય. પણ કસક અને સંકેત તો ભર ઊંઘમાં ઘસઘસાટ સુતા રહ્યા.

તારક ટીવી જોતા જોતા સોફામાં જ સુઈ ગયો. તેની આંખ ખુલી ત્યારે રસોડામાં કસક અને સંકેતનો કલબલાટ સંભળાતો હતો. તારકને જાગતો જોઈ કસક બોલી આજે ઓફિસે નથી જવાનું?

કેટલા વાગ્યા?તારકે પ્રતિ પ્રશ્ન કર્યો, નવ વાગીને પચીસ મિનિટ થઇ છે, કસકે જવાબ આપ્યો.

અરે તારે મને વહેલા ન ઉઠાડાય? તારકનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો.

પણ મને કેવી રીતે ખબર પડે કે તમારે કેટલા વાગે જવાનું છે? કસકના અવાજમાં ચીડ ભળી.

તારક ગુસ્સામાં જ ઉઠ્યો રોજ ઉઠતી વખતે ટુથ બ્રશમાં ટુથ પેસ્ટ લગાવી આપતી કસક આજે રસોડામાં કામ કરી રહી હતી. સંકેત રસોડામાં ડુંગળી સમારતો હતો, તારક ગુસ્સામાં જ જાતે બ્રશમાં ટૂથપેસ્ટ લગાવી જલ્દી જલ્દી બ્રશ કર્યું. બીજી દૈનિક ક્રિયાઓ પતાવી ઓફિસે જવા રવાના થયો.

અરે પણ લંચ બોક્સ તો લેતા જાઓ, કહેતા કસક લંચ બોક્સ લઈને રસોડામાંથી બહાર નીકળી. તારકે કશો જવાબ ન આપ્યો. અને ગાડીમાં બેસી ગાડી ચાલુ કરી ઓફિસ તરફ હંકારી મૂકી. કસકના હાથમાં લંચ બોક્સ એમ જ રહી ગયું. કસક સમજી શકી નહિ કે આખરે તારકને થયું છે શું?

ભાઈ ટિફિન વિના કેમ જતા રહ્યા? સંકેતે ભોળા ભાવે સવાલ કર્યો. કસકને હવે જાણ થઇ ગઈ કે હું સંકેતભાઈ સાથે આટલી હળી મળી ગઈ છું કદાચ તે તારકને ગમ્યું નથી. તે મનમાં વિચારી રહી કેવા પુરુષો? નાનાભાઈની પણ ઈર્ષા!

કસકે હળવેથી સંકેતનું નાક દબાવતા કહ્યું, કદાચ આજે તેમને ઓફિસે તેમના કોઈ કસ્ટમર જોડે મિટિંગ હશે. અને જમવાનું બહાર હોટેલમાં જ હશે એટલે ટિફિન લઇ ગયા નહિ હોય.

ભાભી મને લાગે છે કે કદાચ હું આવ્યો તે ભાઈને ગમ્યું નથી, સંકેતને જે પોતાના મનમાં લાગતું હતું તે બોલી ગયો.

ના એવું નથી, આટલું કસક માંડ બોલી શકી આંસુ રોકવાનો બહુ પ્રયત્ન કર્યો છતાં કસકની આંખોમાંથી આંસુઓ બહાર ધસી આવ્યા.

ભાભી તમે રડો નહિ, તમે રડો તે મને ગમતું નથી કહીને સંકેત પણ રડવા લાગ્યો. ના નહિ રડું બકા. પણ તમે છાના રહી જાઓ. કસક સંકેતને બાથમાં લઈને હીબકે ચડી.

કસક અને સંકેત ક્યાંય સુધી રડતા રહ્યા. પછી કસક શાંત થઇ, બાથરૂમમાં સંકેતને લઇ ગઈ, કસકે પોતાનું મોઢું ધોયું, અને સંકેતને મોઢું ધોવડાવ્યું.

પોતાની નાની બહેન અને તારકની સાળી સાથે તારક પોતાના પિયર આવે ત્યારે કેટલી મસ્તી કરતો, અને એક બે વાર તો એમ પણ બોલતો સાંભળેલ કે સાળી એટલે અર્ધી ઘરવાળી. તો પણ કસકે ક્યારેય તારકને ટોક્યો ન હતો. અને આજે જયારે પોતાને દિયર પર વ્હાલ ઉભરાય છે તે તારક સહન કરી શકતો નથી. પુરુષોની આ કેવી બેવડી માનસિકતા? કસકનાં મનમાં વિચારનો વંટોળ ઉઠ્યો.

(વાર્તાના આગળનો ભાગ આવતા અંકે, મારી વાર્તા દર બુધવારે પ્રકાશિત થાય છે.)