Acid Attack - 13 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | Acid Attack (Chapter_13)

Featured Books
Categories
Share

Acid Attack (Chapter_13)

એસીડ અટેક

[~૧૩~]

“આ તું શું કરે છે... મારી મને તો, પ્લીઝ તું કઈજ નાં બોલ અને શાંતિ થી બેસી જા સમજી તને દુખે છે તોય તું સમજતી કેમ નથી.” મનને એના બંને હાથને સલુકાઇ પૂર્વક ફરી એના નજીક ટેકવી દીધા.

“તું સાચે જ બઉ અલગ વ્યક્તિ છે, મનન અને હું... હું બદનસીબ.”

“તું કેમ આવા પ્રકારની વાતો કરે છે...”

“મારા નસીબ... છે મનન”

“એવું કઈ નથી, તું તો આજેય એટલી જ ખાસ છે અનુ”

“કોના માટે, અને કોણ માનશે, હવે તારી આ વાત?”

“તું હવે વધુ બોલવા લાગી છે. તારા સ્વરમાં ફૂટતી વેદના મને દેખાય છે મારું માનીને તો ચુપ થઇ જા હવે, પ્લીઝ...” મનને એને વિનંતી કરતા કહ્યું.

“તુજ તો કહેતો હતો ને કે તું બોલવામાં કંજુસાઈ કરે છે... અને... હવે... આજ જ્યારે હું...”

“એ દિવસો અલગ હતા અને આજે, તું તારી હાલત તો જો શા માટે મને વધુ બાળે છે ના બોલીશ ને કઈ” મનને એને અટકાવતા કહ્યું.

“આજે ના રોક મને મનન, આજ મારે તારી સાથે ખુબ વાતો કરવાની છે એટલે જ તને ખાસ બોલાવ્યો છે. પપ્પાને વિનંતી કરી ને, એટલે તું મને આજે નાં રોક કદાચ કાલ હું નાં હોઉં તો મારા મનની વાતો મારા મનમાં જ ધરબાયેલી રહી જશે. અને હું એવું નથી ઈચ્છતી કે આજ સંતાપ, આજ ઉકળાટ મને સુખેથી જવા પણ નાં દે.” અનુનો અવાજ શૂન્ય થઇ ગયો એ અટકી.

“તું આવું બધું કેમ વિચારે છે... પાગલ થઇ ગઈ છે કે શું...?”

“આજે જ તો હોશમાં આવી છું... મનન”

“પણ આ બધુ...?”

“આજ સાચું છે... ચાહે તો અહીંથી નીકળ્યા પછી ડોક્ટરને પૂછી જોજે...”

“તને વહેમ છે બીજું કઈ નહી સમજી.”

“મને બોલવા દે એ જે હોય એ પણ... એક વાત કે, તું મારી વાતો સાંભળીશ ને?”

“હા પણ એક શરતે તું ખુબ હળવાશથી બોલજે જેથી તને આરામ રહે...”

“તું કેટલો સારો છે... પણ કદાચ આ સમાજ, દુનિયા, પરિવાર અને ઘણા કારણો સર હું તને ક્યારેય સમજી જ નથી શકી કે તે મને કેટલી બધી વાર તારા દિલની વાત કરી પણ સાચે જ જેની આંખે દુનિયાદારીના પાટા પડ્યા હોય એને ક્યાંથી સમજાય. મને આજે સાચે જ એવું લાગે છે કે હું અભાગી જ હોઈશ જેણે તારી લાગણીઓને આમ ઠોકરે ઉડાડી દીધી... અને જો તને પ્રથમ વખત સાચું કહી રહી છું તો મને શૈલેશ જરા અમથો પણ ગમતો ના હતો પણ મારા પરિવારમાં અન્ય લોકોએ એને જ પસંદ કર્યો હતો. મારે ક્યારેય કોઈની ગુલામી કરવી નાં હતી બસ મુક્ત પણે જીવન જીવવું હતું જેના માટે કોઈ પરિવાર કદાચ જ રાજી થાય. પણ હવે મારે એની ચિંતા નથી હવે કોઈ મારા લગ્ન કે સગાઈની વાતો નઈ કરે હું બસ એવું ઈચ્છતી પણ હવે તો યુ નો કે બધુજ પતિ ગયું છે.” અનુના અવાજમાં આંસુઓની ભીનાશ વર્તાઈ રહી હતી એના દિલમાં ઉભરતો એ દર્દનો સાગર એના સપનાઓમાં તોફાનો દ્વારા તારાજી સર્જતો હતો. અને એના તૂટેલા સપનાના ટુકડા એના શબ્દોમાં ફંગોળાઈ રહ્યા હતા.

“હજી કઈ નથી વીત્યું... અનીતા... જીવન કદી સમાપ્ત નથી થઇ જતું... ભલે તે મને નથી સવીકાર્યો પણ મારા દિલમાં તારા માટે હમેશા એ પ્રેમ રહેશે... જીવનના દરેક પડાવમાં હું તારી સાથે જ હોઈશ.” મનને હિમ્મત એકઠી કરતો હોય એમ થોડક મક્કમતા પૂર્વક જવાબ આપ્યો પણ એની આંખો એનો સાથ છોડી ચુકી હતી એ સતત વર્ષી રહી હતી.

“તારા અસ્વીકારની સજા મને ઉપરવાળાએ આપી દીધી છે. મેં તો માત્ર તને અસ્વીકાર્યો પણ આજે જો, જે મારી હાલત છે દુનિયામાં કોઈ જ હવે મને સ્વીકારવા તૈયાર નહિ થાય...” એ શબ્દો ભયંકર હતા એમાં કરુણાનો ફુવારો જાણે રક્તવર્ણો બની લોહિયાળ વેદના વહાવતો હતો. એનો અવાજ સાવ જ તરડાઇ ગયો એના દિલનો ખાલીપો એના શબ્દોમાં પડઘાવા લાગ્યો હતો. એની વેદના એના શબ્દોમાં દમ તોડી રહી હતી એના દર્દનો ચિત્કાર જાણે ચારે ખૂણે પડઘાઈ પાછો વળતો ઘા કરી એને છેદી રહ્યો હતો.

“કેમ તને કોઈ નાં સ્વીકારે...”

“મારો ચહેરો જે આ સફેદ પડ પાછળથી હવે બહાર આવશે એ જોયા બાદ કદાચ હું પોતે પણ મારી જાતને ના તો સ્વીકારી શકીશ ના એની વાસ્તવિકતા જોવાની હિમ્મત એકઠી કરી શકીશ... તો પછી તુજ વિચાર કે મનન એવું કોણ હોય જે મારા માટે પોતાનો આખો જનમારો આ અંધકારમાં જાગતી આંખે ધકેલી દેવા તૈયાર થઇ જાય.” અનીતા અટકી.

“શું પ્રેમ ચહેરાથી જ થાય...?” મનન બબડ્યો.

“તું વધુ જાણતો હોઈશ ને... તુજ મને જોયા કરતો હતો ને?”

“હા પણ...”

“પણ શું મનન, એજ વાસ્તવિકતા છે ચહેરા વગરનું સ્ત્રી અસ્તિત્વ શૂન્ય છે”

“અને પ્રેમ...?”

“પ્રેમ, શું પ્રેમ? કયો પ્રેમ?” અનુના અવાજમાં હજુય વેદનાના પડઘા વર્તાઈ રહ્યા હતા.

“ પ્રેમતો દિલથી થાય અનુ અને એમાં ચહેરાની સુંદરતા ક્યાં આડે આવતી હશે.” મનને કંઇક વિચારતા વિચારતા જવાબ આપ્યો.

“બધા તારા જેવા નથી હોતા મનન”

“બધા તારા જેટલા ખાસ પણ ક્યાં હોય છે અનુ... મને નથી લાગતું કોઈને ફક્ત તારા ચહેરાથી જ પ્રેમ હોઈ શકે.”

“આ દુનિયામાં તો એવું જ છે, તને ખબર છે મારા જીવનમાં હવે અંધકારની સાથે સાથે એકલતા પણ છવાઈ જવાની છે.” એક લાંબા નિસાસા સાથે ધ્રુજતા અવાજમાં અનીતાએ જવાબ આપ્યો.

આખાય રૂમમાં ગંભીરતા છવાઈ ચુકી હતી માત્ર આખાય રૂમમાં શ્વાશો-શ્વાશના રણકાર સંભળાઈ રહ્યા હતા. એક ભેકાર સુન્નતા હતી જેમાં ખાલીપાની ખાઈમાં અનીતાનો વર્તમાન એના ભવિષ્યની ઠાઠડી માંડી રહ્યો હતો અને ચિતાની આગ જાણે એના અંતરમનને બાળી, દઝાડીને નીચોડી નાખતી હતી. મનના ઊંડાણમાં વેદનાના ક્યારા ફૂટતા હતા ખાલીપો હતો અને હૈયાના અંદર ઉકળતો સંતાપ એના દિલ પર તેજાબ બની ઢોળાઈ રહ્યો હતો. બંને તરફ સુન્નતા અને ખાલીપાના ભાવો તરવળી રહ્યા હતા.

“એકાંત કેમ...?” ખાસ્સી લાંબી ચુપ્પી તોડતા મનન ફરી બોલ્યો.

“મને સ્વીકારનાર હવે કોઈજ નહિ હોય.”

“એવું નથી, હું છું ને... તારો ખાસ મિત્ર” એ મિત્ર શબ્દ એને બાળતો હતો એણે ત્યાં જે શબ્દ મુકવો હતો એની મંજૂરી આજ સુધી અનીતા એ એને આપીજ નાં હતી. તેમ છતાં એણે મિત્ર શબ્દ વડે સાંત્વના આપી.

“મારું જીવન હવે લાંબુ નથી...” અનીતાએ નીતરતા વેદનાના વહાણે જવાબ આપ્યો.”

“એવું કેમ બોલે છે...?”

“મિત્રોથી જીવન નથી ગુજરતા...”

“તો...” મનને ચોકી ઉઠતા પૂછી લીધું.

“દરેક સ્ત્રી જીવનના પણ અમુક ઓરતા હોય, સપના હોય અને અભિલાષાઓ પણ હોય. એવાજ સપનાઓ છે મારા પણ...”

“હું પ્રયત્ન કરીશ એને પુરા કરવાની, મને કઈશ ને?”

“તું બહુ જીદ્દી છે યાર.”

“હા, કદાચ પણ તારા જેવો જ”

“તું નહિ માને ને...?”

“તું નહિ જ કહે ને...?”

“કહું.”

“હા... બોલ” મનન એની પાસે જ ગોઠવાયો જાણે અનુના અસ્પષ્ટ શબ્દો માંથી એક પણ શબ્દ એ વણસમજ્યો છોડવા ના માંગતો હોય એમ એણે જગા લઇ લીધી.

“એક હસ્તા-ખેલતા જીવનના સપના મનન”

“એટલે...?” કઈ સમજાયું નાં હોય એમ મનને સામો પ્રશ્ન કર્યો.

“એક પરિવાર હોય, ઘર હોય, મને બધાજ ચાહતા હોય, મને કોઈ પ્રેમ કરતુ હોય, મારા સપનાનો રાજકુમાર મને લેવા ઘોડે ચડીને આવે, મને ખુબ પ્રેમ કરે, મરી ચિંતા કરે, મારા દુઃખે દુઃખી અને મારા સુખે સુખી થાય, મને તડકામાં છાયડો અને છાયડામાં શીતળતા આપે, એકલાપણામાં મને ગળે લગાડી મને સંભાળી લે, મને પોતાની ઓળખ આપે, મને ચૂમી લે ,અમને ખુશ રાખે, મને જીવતા અને હસતા હસતા થકવી દે, એવા સપના મનન પણ...” અચાનક કઈક યાદ આવ્યું હોય એમ અનીતા અટકી. એના શબ્દોમાં ગજબની સ્ફૂર્તિ હતી અત્યારે ક્યાંથી એ શક્તિ આવતી હતી એ સમજી શકવું મુશ્કેલ હતું.

“પણ શું...?”

“આ બધું જ હવે શક્ય નથી. મારી સાથે બનેલી ઘટના બાદ કોણ મારા આ બધા જ કોડ પુરા કરી શકશે...?” અનીતાના ગળે ભરાયેલો ડૂમો એના તૂટતા સ્વરમાં પડઘાઈ રહ્યો હતો એના આંસુની ભીનાશ વાતાવરણમાં વર્તાઈ રહી હતી. એનો વર્તમાન એના ભવિષ્યમની ચિતા સળગાવી રહ્યો ના હોય એવા પડઘમ ગાજી ઉઠતા હતા.

“તું મને સ્વીકારી શકીશ?” મનને થોડીક વાર વિચાર્યા બાદ પૂછી લીધું.

“પાગલ છે કે શું...”

“ના જે હતો એજ... પ્રેમી છું હું તો અનુ”

“કોણ માનશે... આ પ્રેમને અને આ બધું પણ મનન”

“તારે કોને મનાવવું છે? મને તો તું આજ પણ એટલી જ યોગ્ય લાગે છે જેટલી મેં તને પ્રથમ વખતે જોઈ હતી. હું તને ચાહું છું તારા ચહેરાને નઈ, ભલે તું તારો ચહેરો અરીસામાં ના જોઈ શકે હું તારા એજ રૂપનો અરીસો બનીશ અને તને એજ કુમાશ ભર્યો ચહેરો દેખાડીશ જેને મેં પ્રેમ કર્યો હતો, આજે પણ અને પ્રથમ દિવસે પણ...”

“પણ શું...?”

“તું મને સ્વીકારીશ ખરા...? અને જો તું ભલે મને નાં કહી દે તો પણ હું તારી હા કહેવાની રાહ જોયા કરીશ, અનુ.”

આજ મનનના આ શબ્દો સીધા જ અનીતાના દિલમાં ઉતરી જતા હતા કદાચ એની આંખો આજ પ્રથમ વખત સામે બેસેલા મનનને જોઈ લેવા તરસતી હતી. એ હમેશ એનો ચહેરો જોવા ભલે તરસ્યા કરતો પણ આજે પોતે એને જોવા તડપી રહી હતી. આટલી હદે કોઈ કેવી રીતે પ્રેમ કરી શકે એજ સવાલ એના મનમાં ઉદભવ્યા કરતા હતા. તર્ક-વિતર્કમાં અટવાયા પેલા એ પોતાનો જવાબ હા માં આપી દેવા ઈચ્છતી હતી પણ, વિચાર એક્સપ્રેસ કદાચ શબ્દોની ગતિ કરતા બમણી ગતિએ દોડતી હોય છે. કદાચ એનું મન પોતાના કારણે મનનનું જીવન બરબાદ કરવા દેવા રાજી થઇ શકતું ના હતું. મનનના સવાલો આગળ ભલે પોતે લાચાર હતી પણ એના જવાબો એ આજ દિલથી આપવા માંગતી હતી તેમ છતાય એના તર્કો અત્યારે એના પર હાવી થઇ રહ્યા હતા.

“હું તને કેમ કરી સ્વીકારી શકું મનન. મારે કારણે તારા જીવનને બર્બાદ કરવા હું નથી માંગતી.” અનીતાએ પોતાના તર્કો આધારિત જવાબ આપ્યો.

“બરબાદ કે આબાદ?”

“બરબાદ... મનન બરબાદ... હું હવે તારી પેલાની અનીતા નથી હું હવે બદસૂરત થઇ ચુકી છું મને સમાજમાં તારી સાથે કોઈ નહિ સ્વીકારે એ તો સમજ.”

“પણ મારે તો...”

“તું કેમ નથી સમજતો મનન, આ દુનિયા અને આ સમાજ આંધળા પ્રેમને નથી માનતો અને કદાચ એટલે જ મેં તને હા પાડવામાં...” કદાચ ક્યાંક કઇક ના બોલવાના શબ્દો નીકળી ગયા હોય એમ અનીતા અટકી એનાથી કદાચ કંઇક નાં કહેવાનું બોલાઈ ગયું હોય એમ એ ચુપ થઇ ગઈ.

“હા પાડવામાં શું...? અનુ જવાબ આપ મને.”

“કઈ નઈ, બસ એમજ મનન.”

“મતલબ તું નઈ માને એમજ ને?”

“હા... કારણ કે તને તો મારાથી પણ દશ ગણી સારી છોકરી મળી શકશે...” એ શબ્દો કહેવા એના માટે મુશ્કેલ હોવા છતાં એને હિમ્મત એકઠી કરી પોતાની વેદના છુપાવતા મક્કમ જવાબ આપ્યો.

“પણ, એ તું નહી હોય એમ જ ને અનુ? એ મારો પ્રેમ તો નહિ જ હોય? એનામાં મારી ખુશી પણ નહીં હોય, હા પણ એ તારાથી સારી જરૂર હશે, સુંદર પણ હશે નઈ? પણ, એ ફક્ત દુનિયા માટે હશે મારા માટે તો નહિ જ ને?” મનને કટાક્ષ કર્યો પણ એ વધુ બોલી નાં શક્યો.

“તું કેમ આવું વિચારે છે... કેમ પ્રેમ નાં હોય તને તો કોઈ પણ છોકરી પ્રેમ કરવા તૈયાર તો શું મઝબુર થઇ જાય.”

“પણ તોય એ કોઈ હશે નઈ? એ કોઈ પણ, તું તો નહિ જ બને એમ ને?”

“હું એ નથી. હું બની પણ કેવી રીતે શકું?”

“કેમ? કારણ કે દુનિયા આપણ ને નહિ સ્વીકારે એમને? હવે મારે શું કરવું એ પણ આ દુનિયા નક્કી કરશે વાહ...” મનને પોતાના ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડતા પછાડતા ફરી કહ્યું. “અને આ દુનિયામાં તું પણ હોઈશ ને? આપણા બે માં દુનિયા વચ્ચે પડશે તો હું દુનિયાને તારા માટે છોડી દઈશ.”

“હું એજ તો નથી ઈચ્છતી કે તું આપણા બે માટે થઇ આખી દુનિયા સાથે લડી લે.”

“તો, તું શું ઈચ્છે છે.”

“તને ખુશ જોવા માંગું છું હું, બોલ કરી શકીશ આટલું મારા માટે?”

“હું શું કામ કરું, હું છું જ કોણ?”

“તને ખબર છે મનન કે જેમ તું કહે છે એમ હું જ દુનિયામાં ખાસ કેમ છું? મને સમજાઈ ગયું છે હું એટલે ખાસ છું કે મને તારા જેવો પ્રેમ કરનારો વ્યક્તિ મળ્યો છે.”

“અને હું એ બદનસીબ છું જેને પોતાનો જ પ્રેમ જીવનના દરેક પળે ઠુકરાવી રહ્યો છે.”

“એવું નથી કઈ”

“તો તને શું લાગે છે અનુ, કે તારા વગર હું ખુશ રહીશ એમ...? તું એવું વિચારી પણ કેવી રીતે શકે છે?”

“તો હું શું કરી શકું.”

“તું સ્વીકારી શકે છે.”

“તને ખબર પણ છે તું શું કહી રહ્યો છે મારું જીવન હવે માત્ર થોડાક જ દિવસોનું મહેમાન છે મનન.” અનીતાએ છેવટે મનનને મનાવવા આખરી રસ્તો અપનાવ્યો.

“તારી સાથેના બે પળ પણ સદીઓ જેવા લાગશે મને”

“તું સમજ ને...” અનીતાનો અવાજ સાફ તરડાઇ ગયો એક દર્દનાક ચીખ નીકળી અને એ ત્યાજ ઢળી પડી પોતાના ઓશિકા પર.

“તું ઠીક તો છે ને અનુ...” મનનના શ્વાસ તળિયે ચોટયા હોય એમ એ બેબાકળો બની ગયો. અનુની હાલત જોઈ શકવી એના માટે મુશ્કેલ હતી. એ સતત અનીતના હાથ પર પોતાનો હાથ મૂકી એને જગાડવા પ્રયત્ન કરતો હતો.

~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો એવી આશા સહ...)