Astitvano Ahesas in Gujarati Motivational Stories by Sarla Sutariya books and stories PDF | અસ્તિત્વનો અહેસાસ

Featured Books
Categories
Share

અસ્તિત્વનો અહેસાસ

......... અસ્તિત્વનો અહેસાસ .....

આ શું આખો દિવસ ગાયા કરે છે. કાંઇ કામ બામ છે કે નહી ? સારું લાગે છે આમ રાગડાં તાણવા. જા અંદર જઇને કામ કર. માની હાક સાંભળી નાનકડી હંસા એકદમ સહમી ગઇ ને અંદર દોડી ગઇ. એને એ સમજ ના પડી કે મા આમ કેમ કહે છે ! શું ગીત ગાવું તે ખરાબ કહેવાતું હશે ! એને માના મનની શું ખબર કે, સગર્ભાવસ્થાથી જ પહેલા ખોળે એણે દીકરાના સ્વપ્ન જોયા હતાં ને કુળદેવીમાની બાધા પણ રાખેલી, પણ આતો દીકરી ટપકી પડી. માનું મન ત્યાં જ ખાટું થઇ ગયેલું. ને એ ખટાશ આમ વારકવાર વ્યક્ત થઇ જતી. એમાંય બીજી પ્રસુતિમાં દીકરો આવ્યો ને હંસાના મુલ્યમાં ઓર ઘટાડો થઇ ગયો. પછી તો કામ, માર ને ભાઇનો ભાર રોજિંદા થઇ ગયા.
અભ્યાસમાં તેજસ્વી હતી તેથી હંસા દર વરસે પહેલા કે બીજા નંબરે પાસ થતી. પણ માની નજરમાં એનું કોઇ મુલ્ય ન હતું. એ તો બસ દીકરાના લાડકોડ પોષવામાં વ્યસ્ત રહેતી. ઘરનું દરેક કામ હંસા કરી દેતી ને પછી જ શાળાએ જઇ શકતી. હંસા નામ પ્રમાણે જ હસમુખ હતી. મુખ પર સદા હાસ્ય છલકતું રહેતું. કોઇવાર ખડખડાટ હસી પડતી તો તરત જ માની ટોક ટોક ચાલું થઇ જતી. આ શું છોકરીની જાત ને વળી આમ ખડખડાટ હસવું !!! સારી નથી લાગતી !! વળી બિચારી હંસા મુંઝવણમાં મુકાતી કે,‘ઓહ ! આમ હસવું એ ય ખરાબ ગણાતું હશે!’ સતત અવઢવમાં રહેતી એ ધીરે ધીરે કોચલામાં પુરાતી જતી હતી. શું સારૂં ને શું ખરાબ એ નક્કિ કરવું એના માટે દુષ્કર થતું ચાલ્યું. છતાંય અભ્યાસમાં તો અવ્વલ જ રહેતી. દરેક બાબતની રોકટોક હતી. એટલે એણે પોતાનું ધ્યાન અભ્યાસમાં જ પરોવી દીધું. ના કોઇ સાથે બહુ બોલવું ના કોઇને ત્યાં જવું ... બસ એ ભલી ને એના પુસ્તકો ભલા. કોઇ વસ્તુની મા
ંગ કરવી એવું તો એ સ્વપ્નેય ન વિચારતી. એકાકીપણું ઓઢીને એણે પોતાની આસપાસ એક કિલ્લો રચી દીધો.
હજુ તો કોલેજના બીજા વર્ષમાં હતી ને માએ એની અનિચ્છા છતાં એના લગ્ન કરાવી દીધા. થયું કે, ‘ ભલે અભ્યાસ અધુરો રહ્યો પણ પતિના ઘરમાં એનું મનગમતું કરી શકશે. પણ ત્યાંય નસીબ નહોર ખોલીને ઉભું હતું. તોબા પોકરાવતી નણંદો અને જાલિમ સાસુના કવેણ એના નાજુક દિલ પર ઉઝરડાં પાડી દેતા. કોઇ વાંક વગર મહેણાં સાંભળતી એ વધું ને વધું અંતર્મુખી થઇ રહી.
ત્યાં જ પતિની બદલી થવાના સમાચાર સાભળ્યાં. અંતરમાં ખુશીની લહેર દોડી ગઇ. હાશ ! આ મહેણાં ટોણાથી તો છુટકારો મળશે. અને થોડા દિવસમાં તો પતિ પત્ની બન્ને નવી નોકરીના સ્થળે ઉપડી ગયા. નવું ઘર વસાવવાનું હતું. સાસુએ થોડું ઘણું આપેલું, બાકીનું ધીરે ધીરે ખરીદતાં રહી ઘરને સરસ રીતે સજાવી દીધું.
પાસ પડોશમાં ઓળખાણ વધી રહી હતી. ક્યારેક ક્યારેક કોઇ મિત્રને ત્યાં બધા ભેગા થતાં ને અંતકડી કે પાસ ઓન પિલ્લો જેવી રમતો રમતાં. અંતકડી વખતે બધાના આગ્રહથી હંસાએ શરમાતા શરમાતા એક ગીત ગાયું તો બધા મંત્રમુગ્ધ બની સાંભળી રહયાં. ને બધાએ એના અવાજના વખાણ કર્યાં. હંસાનું મન ખુશીથી ભરાઇ ગયું. પહેલીવાર કોઇ એના વખાણ કરી રહ્યું હતું.
પણ એની ખુશી કદાચ નિયતિથી સહન નો’તી થતી.
થોડાં દિવસો વિત્યા તો હંસાએ સુરેશને કહ્યું કે, ‘ચાલોને મિત્રોને ત્યાં જઇયે. અંતકડી રમશું ને મજા કરશું.’ પણ જે જવાબ મળ્યો તે અનપેક્ષિત હતો. સુરેશે કહ્યું કે, “ એ કોઇ સારા માણસો નથી, નથી જવું એમને ત્યાં !’’
હંસાએ પુછ્યું, ‘કેમ શું ખરાબી છે એમનામાં ?’
સુરેશે કહ્યું, ‘તને એમાં સમજ ના પડે. તું ચુપચાપ ઘરમાં બેસ. ને આમ ગમે ત્યારે ગાવાનું બંધ કર.’ હંસા તો સ્તબ્ધ થઇ ગઇ. અત્યાર સુધી તો મા, સાસુ ને નણંદો તરફથી જ હેરાનગતિ હતી. પણ હવે જે થઇ રહ્યું હતું તે અસહ્ય હતું. પતિના મનમાં એના માટે ઇર્ષા પેદા થઇ રહી હતી. એના પોતાના વખાણ નહી ને બીજા વળી હંસાના વખાણ કરે !! આ વમળમાંથી નીકળવું અઘરૂં હતું. પત્નીની કાબેલિયતને વખાણવાને બદલે સુરેશ એને પોતાની હરીફ ગણવા લાગ્યો હતો.
એમાંય જ્યારે મિત્રો તરફથી આવેલ આમંત્રણને ઠુકરાવી સુરેશે જવાની ના કહી દીધી તો હંસાથી પુછાઇ જ ગયુ કે, “ કેમ નથી જવું ? બધા તો જાય છે તો આપણે પણ જઇયે ને !! “
ના કહ્યું ને તોયે દલીલ કરે છે મારી સામે ? સુરેશ એકદમ અકળાઇ ઉઠ્યો .અરે પણ વાંધો શું છે ? કહો તો ખબર પડે ને !! હંસાથી પણ ન રહેવાયું.
નથી સારા એ લોકો એમ કહ્યું ‘તું ને મેં ! તો સમજણ નથી પડતી તને ! સુરેશની જોહુકમી વધતી જ ગઇ.
હંસાની કાબેલિયતના વખાણ એ સહી જ નો’તો શકતો. ને હંસા હતી જ એવી સૌમ્ય કે બધા એના વખાણ કરતાં. બીજાને મદદરૂપ થવું એ એનો સ્વભાવ હતો.
બીજા કોઇ પાસે એને કોઇ અપેક્ષા નહોતી. પણ પતિ પાસેથી એવી અપેક્ષા ખરી જ કે એની યોગ્ય વાતના એ વખાણ કરે કે, સ્વીકાર કરે. પણ સુરેશ તો સાવ વિપરીત જ વિચારતો હતો.
આ દરમિયાન એ બે સંતાનોની મા બની ગઇ હતી. ધીરે ધીરે બધી અપેક્ષાઓ સાથે સમાધાન કરી એ પોતાના સંતાનોના ઉછેરમાં વ્યસ્ત થઇ ગઇ. પોતાના સંતાનોના અફલાતૂન કપડાં એ સીવતી, પણ સુરેશના મોંએથી વખાણનો એક શબ્દ પણ ના નીકળતો. અવનવી વાનગીઓ બનાવતી પણ સુરેશ તો પોતાના અહંકારમાં મસ્ત હતો.
ક્યારેક હંસા પુછી બેસતી કે કેવી બની છે આ વાનગી ? તો જે જવાબ મળતો એ એને હતપ્રભ કરી દેતો “ તારા કરતા તો હું સારૂં બનાવું છું. “ મનમાં તો એને થતું કે , સુરેશ માટે કાંઇ ન બનાવે. એને મારા કરતાં સારૂં બનાવતાં આવડે છે તો બનાવી લે ને એના માટે ! પણ એનો વિવેક એને રોકતો.
આમ ને આમ દિવસો પસાર થઇ રહ્યાં હતાં, હંસાનું મન દિવસે ને દિવસે નબળું પડી રહ્યું હતું. ના કોઇ નિર્ણય લઇ શકતી ના કોઇ સાથે સ્વસ્થતાથી હસી બોલી શકતી. રસ્તામાં કોઇ ઓળખીતાને જોઇ એને થતું, “ આની સાથે હું શું વાત કરીશ ? “ એમ વિચારી એ નીચું જોઇ ચુપચાપ ચાલી જતી. લોકો એને અભિમાની ગણવા લાગ્યા. કે આતો કોઇ જોડે બોલતી નથી. પણ એના મનની પીડા સમજનાર કોઇ નો’તું.
ધીરે ધીરે સંતાનો મોટાં થઇ રહ્યાં હતાં. તેઓ મમ્મીની હાલત સમજતાં. પપ્પાનું અતડું વર્તન સમજી શકે એવડી ઉંમર થઇ ગઇ હતી એમની. પણ શું કરી શકે બિચારા. હજુ નાના હતાં. એમાં ય હંસા મેનોપોઝની અસરથી વધું પીડિત હતી. સમય વહી રહ્યો હતો ને હંસા તુટી રહી હતી.
એવામાં એક દિવસ એની દીકરી એક પેમ્ફ્લેટ લઇને આવી. કોઇ યોગના ક્લાસની જાહેરાત હતી. આવીને કહે, ‘ મમ્મી, તમે આ ક્લાસ કરો, સારૂં લાગશે.
પહેલાં તો હંસાએ ના કહી. મારે કૈં કરવું જ નથી. ઘરમાં જ પડી સારી છું. એને કૈં પણ કરવાનું મન જ નો’તું થતું. અચેતન મનમાં ભરાઇ ગયેલું કે એને કાંઇ આવડતું જ નથી. પણ દીકરીએ હઠ પકડી કે , તમારે યોગના ક્લાસમાં જવાનું જ છે. હું તમારી સાથે આવીશ. હું પણ શીખીશ ને તમારે પણ શીખવાનું છે. દીકરીના મન ખાતર હંસાએ યોગ શીખવાનું શરૂં કર્યું. ધીરે ધીરે એને રસ પડવા લાગ્યો. ધ્યાનની ક્રિયા એને ખુબ ગમી. યોગાસનોથી એની શારિરીક ને માનસિક પરિસ્થિતિ સુધરવા લાગી. હાસ્યના વર્ગ દરમિયાન શરૂઆતમાં એ ધીમું ધીમું હસતી. પણ સમય જતાં એ ખડખડાટ અને દિલથી હસવા લાગી. એના મનમાં ઘર કરી ગયેલી કુંઠા દુર થઇ રહી હતી. યોગથી એનામાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. હવે એને સુરેશના કોઇ અભિપ્રાયની જરૂરત રહી નહોતી. પોતાના મનથી એ બુલંદ થઇ રહી હતી. દીકરા
દીકરીના અભ્યાસ બાબત એ સ્વતંત્ર નિર્ણય લઇ શકતી હતી. કઇ લાઇનમાં એને મોકલવા એ વિશે એ હવે સ્પષ્ટ હતી. બચપણમાં અને સાસરીમાં તથા પતિ તરફથી એને જે રીતે રોકટોક કરવામાં આવી હતી એને પરિણામે જે કુંઠા અને અવઢવ એના સ્વભાવના અંગ બની ગયા હતાં એ ધીરે ધીરે દુર થઇ રહ્યાં હતાં. મુક્ત મનની મોકળાશ એને પ્રફુલ્લિત કરી દેતી હતી.
એક દિવસ એને યોગ ક્લાસના સંચાલકે બોલાવી ને કહ્યું, ‘હંસાબેન, તમે યોગ શીખવશો ? અત્યારે જે શિક્ષક છે તે જવાના છે. એની જગ્યાએ તમને નીમવાનું મને યોગ્ય લાગ્યું છે. કેમ કે, તમે જ સૌથી સરસ રીતે યોગાસન કરી શકો છો !’ હરખથી એનું હૈયું ઉભરાઇ ગયું પણ હંસા એકદમ હા ન કહી શકી. કાલે વિચારીને કહું છું કહી એ ઘરે આવી ગઇ. એને વિચારમાં જોઇ બન્ને ભાઇ બહેન પુછવા લાગ્યા કે, ‘ મમ્મી , કેમ આમ વિચારમાં છો ? શું થયું છે ?’ એણે યોગ ટીચિંગની ઓફર વિશે બધી વાત કરી. તો બન્ને ભાઇ બહેન ઉછળી પડ્યાં. કહે, ‘ મમ્મી , હા પાડી દીધી છે ને ?’
હંસા કહે, ‘ના ના વિચારવાનું કહીને આવી છું.’
અરે! એમાં વિચારવાનું શું હોય ? હા જ પાડી દેજો. જો જો તમને કેટલો આનંદ આવશે તે. એમનો ઉમંગ જોઇ હંસા અભિભુત થઇ ગઇ. પણ ફરી કહે, ‘પપ્પાને પુછવું પડશે ને !’
લો એમાં પપ્પાને શું પુછવાનું વળી ! જો એ ના પાડશે તો શું કરશો ?
તો જોયું જશે. પણ મને થાય છે કે એકવાર પુછી તો જોઉં જ.
ઠીક છે , પુછી જુઓ, કહી બન્ને ત્યાંથી અભ્યાસ માટે ચાલ્યા ગયા.
વિચારનિમગ્ન હંસાને સુરેશ આવી ગયો એનો ખ્યાલ જ ન રહ્યો. આવતાં વેંત જ સુરેશ બોલ્યો, ‘ લ્યો, તમે તો વળી વિચારતાંય શીખી ગ્યા છો ને કાંઇ !! આ યોગે તો દાટ વાળ્યો છે.... રસોઇ બસોઇ બનાવશો કે ભુખ્યા સુવાડશો ?’ વ્યંગ બાણ સાંભળી હંસા એકદમ ચોંકી ઉઠી, ‘હા હા બધું તૈયાર જ છે. હાથ પગ મોં ધોઇ લો ને જમવા બેસી જાઓ.’ જમતાં જમતાં હંસાએ યોગ ટીચિંગની ઓફરની વાત કરી. આદતવશ સુરેશે વ્યંગબાણ જ છોડ્યા, લ્યો
, ઘર તો સંભાળતા આવડતું નથી ને વળી બીજાને યોગ શીખવવા નીકળવું છે ? વાહ ! આ વળી શું ભવાઇ માંડી છે! કાંઇ નથી કરવાનું. ચુપચાપ બેસો ઘરમાં. આવ્યા મોટા યોગ શીખવનારા !!
પહેલાં તો આવા વ્યંગથી વિંધાઇ જતી હંસા અજબ સ્વસ્થતાથી બોલી , આ હું તમારી રજા લેવા નથી પુછતી. હું જાણ કરૂં છું તમને કે, ‘ હું યોગના ક્લાસ ચલાવીશ. બસ.’ ને હંસાના મુખ પર અજબ તેજ વિલસી રહ્યું. સુરેશ હક્કાબકા થઇને હંસાના આ નવિન રૂપને જોતો જ રહી ગયો.
આજે બે વરસ પછી ‘’ હંસા યોગ ક્લિનિક’’ ની ધૂમ સફળતા પાછળ હંસા અને એના સંતાનોની આકરી મહેનત રહેલી છે. સુરેશ હજુયે એવો જ છે પોતાને જ વખાણતો ને હંસાને અવગણતો. પણ હંસા હવે એવી બાબતથી વિચલિત નથી થતી. એને જીવનનું એક ધ્યેય મળી ગયું છે.
આજ જે ઊંચાઇએ એ ઊભી છે ત્યાં પહોંચતા એને માનસિક સંઘર્ષ ખુબ કરવો પડ્યો, પરંતુ આજ એનું નામ છે સમાજમાં, એક ઓળખ ઊભી કરી છે એણે ને એને માટે એણે બહુ મહેનત કરી પોતાની જાતને લઘુતા ગ્રંથીમાંથી મુક્ત કરી છે. એક ઊંચી ઊડાન ભરી છે પોતાના હોવાપણાનો અહેસાસ જગતને કરાવવા.
..... સરલા
સુતરિયા