Dhak Dhak Girl - Part - 21 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ૨૧

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ૨૧

ધક્ ધક્ ગર્લ

[પ્રકરણ-૨૧]

લેખક: અશ્વિન મજીઠિયા

"મમ્મી પ્લીઝ..મારી વાત તો સાંભળ."
પણ હું કંઈ પણ આગળ બોલું તે પહેલા તો તે રૂમની બહાર ચાલી ગઈ, તે દસ મિનીટ સુધી અંદર જ ન આવી.
રૂમમાં એકલો જ હું આંખો મીંચીને પડ્યો રહ્યો કે એટલામાં જ બાજુમાં પડેલ મમ્મીનો ફોન ધ્રુજવા લાગ્યો. સાઈલેન્ટ મોડ પર રાખેલ તેનો ફોનનું વાઈબ્રેશન લાકડાંનાં ટેબલ પર વિચિત્ર અવાજ ઉત્પન્ન કરવા લાગ્યો. મમ્મી ઉતાવળે ઉતાવળે અંદર આવી અને મને સૂતેલો જોઈ હળવેથી ફોન ઉચકીને એક ખૂણામાં લઇ જઈને વાત કરવા લાગી.

"ક્યાં છો તમે? ક્યારે આવો છો? આ વિમળાનાં ઘરે તો જનોઈનો પ્રસંગ આવતો આવશે તે પહેલા આ તનિયાએ મારો પ્રસંગ ઉજવી નાખ્યો." -મમ્મી જયારે ગુસ્સામાં હોય કે પછી બહુ લાડમાં આવી હોય ત્યારે મને તન્મયની જગ્યાએ તનિયો જ કહેવા માંડે.
સામે છેડે પપ્પા જ હશે તેનો મને અંદાજ આવી ગયો. મમ્મીએ કદાચ આ પહેલાં ફોન કર્યો હશે પણ વાત નહીં થઇ શકી હોય એટલે પપ્પાએ વળતો ફોન કર્યો હતો.

"તેની ઑફીસવાળી કોઈક છોકરીની સામે હીરો બનવા ગયો'તો..ને પોતાનો પગ ભાંગી આવ્યો છે, તે હવે જહાંગીર હોસ્પિટલમાં દાખલ કર્યો છે." –મમ્મીએ કટાક્ષભર્યા ટોનમાં પપ્પાને ખબર આપ્યા.

તેનો મારી પરનો ગુસ્સો વ્યાજબી હતો કારણ તેની બહેનનાં ફન્કશનની તૈયારીની તો મેં વાટ લગાવી દીધી હતી, અને આ છોકરી..કે જેનાં થોડાં દિવસ પહેલાં પોતે મીઠડી છોકરી કહીને વખાણ કરતી હતી, તે મારી ઑફીસમાંની છે નહીં તેવી શંકાએ તેનાં મનમાં એટલો ધૂંધવાટ પેદા કરી દીધો હતો કે તેનાં મહેણાં-ટોણામાં તે ભરપુર છલકાઈ આવતો હતો.
પણ આવે સમયે મેં ચુપ જ રહેવાનો નિર્ણય કર્યો, કારણ ધડકન જ્યાં સુધી ફરી પાછી મમ્મીની ગુડ-બુક્સમાં પાછી આવી ન જાય, ત્યાં સુધી તેની સાથેનાં મારા એફેરની વાત હું મમ્મીને કરી જ ન શકું.

.

બીજે દિવસે તો સવારનાં ૯ વાગ્યામાં જ મમ્મી હોસ્પીટલે આવી ગઈ,
"હજી સુધી પેલી આવી નથી?" -આવતાની સાથે જ તે શરુ થઇ ગઈ.

"કોણ? કોની વાત કરે છે?”
મને ખ્યાલ તો આવી જ ગયો કે તે ધડકન વિષે જ પૂછે છે, પણ આટલી સવાર સવારમાં તે અહીં આવે એવું મમ્મી શું કામ એક્સપેક્ટ કરે છે, તે મને ન સમજાયું.

"કોણ એટલે? પેલી..! તારી પેલી ઑફીસવાળી..!" -ઓફીસવાળી શબ્દ પર કટાક્ષપૂર્ણ ભાર મુકતા તે બોલી.

"આવશે. મમ્મી..રીલેક્સ..!" -હું બને એટલું ઓછું બોલવાની કોશિશમાં હતો.

"હા, આવશે ખાઈ-પીને આરામથી ઊંઘ ખેંચીને." -મમ્મી હવે નોન-સ્ટોપ શરુ થઇ ગઈ- "તેને એટલીયે ભાન નથી કે આ બધી પીડા જે આપણે માથે આવી પડી છે, તે બધી તેને કારણે જ છે? પણ ના, તેને ખબર છે..કે છે ને આની મા..બધું કરવાવાળી. તો હવે પોતે આવશે છેક સાંજે...લટાર મારવા નીકળી હોય તેમ ડોલતી ડોલતી.”
પણ તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ, રૂમમાં ધડકનની એન્ટ્રી થઇ...ને મમ્મી ઓછપાઈ ગઈ.

"ગુડ મોર્નિંગ આંટી.. લાવો કંઇ હેલ્પ કરું ?" -મમ્મીને સંતરા છોલતા જોઇને તે બોલી.

"હા, લે આ બધાં છોલી લે..ને થેલીમાં સંચો છે તેનાંથી આ બધાં સંતરાનો જ્યુસ કાઢી નાખ." -મમ્મીએ તરત જ ધડકનને કામે વળગાડી દીધી- "પછી નીચે પહેલાં માળે કેમિસ્ટની દુકાનેથી ડ્રેસિંગ માટેનો આ બધો સમાન લઇ આવવાનો છે. ભોંયતળિયે રીસેપ્શન પાસેની હોસ્પિટલ-ઑફીસમાંથી એક્સ-રે અને સોનોગ્રાફીનાં રીપોર્ટસ પણ કલેક્ટ કરવાનાં છે. ડોક્ટર રાઉન્ડ પર આવશે ત્યારે બતાવવા પડશે." –મમ્મી ગણાવી ગણાવીને તેને કામ સોંપવા માંડી.

આમ..મારો અકસ્માત ધડકનને લીધે જ થયો છે એટલે મારી સારવારમાં તેની પાસેથી મહત્તમ કામ કઢાવી લેવું જોઈએ તેવી સાવ જ વિચિત્ર પ્રકારની મેન્ટાલીટી મમ્મી અત્યારે બતાવી રહી હતી.

એક તરફ મને આ બધાનો અણગમો પણ થતો હતો, તો બીજી તરફ ધડકનનો સાથ હવે એકધારો મને મળતો રહેશે [મમ્મીની નજર સામે જ ] તેની એક છુપી ખુશી પણ થતી હતી. રીઝલ્ટ આવી ગયા પછી ધડકન જો કે હવે ફ્રી જ હતી, એની મને થોડી ધરપત પણ હતી.

*********

બે દિવસ પછી મને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ મળ્યું. તે દિવસે પપ્પાને એક રાત માટે ફરી પાછું દિલ્હી જવું પડ્યું હોવાથી ફક્ત મમ્મી જ મને ઘરે લઇ જવા આવી. અને હા, ધડકન પણ આવી જ હતી.

ઘરે જવા માટે બેડમાંથી ઉભા થતી વખતે પગમાં એવી તો તીવ્ર વેદના થઇ આવી, કે મનમાં થઇ આવ્યું કે ધડકનનો હાથ મારા હાથમાં લઇ લઉં, અથવા તેના ખભાનો સહારો લઈને ચાલુ. પણ મમ્મી સાથે જ હોવાને કારણે આખરે વોર્ડ-બોયની સહાયથી જેમતેમ કરીને ટેક્સીમાં જઈને બેઠો.

"બધું જ ગોંધળ થઇ ગયું છે. એવો બધો પ્રોબ્લમ થઇ ગયો છે ને..કે ન પૂછો વાત. ત્યાં વિમળામાસીને ત્યાં ઢગલો એક કામ પડ્યું છે. મારા ભરોસા પર તે હતી..ને હવે હું જ જો નહીં જાઉં તો..." -ઘરે આવતાની સાથેજ મમ્મી બબડી.

બસ..ત્રણ કે ચાર દિવસ માંડ બચ્યા હતા તેમનાં પેલા જનોઈનાં ફન્કશનને, અને એવામાં હું ઘરે ખાટલો પકડીને બેઠો, એટલે તેનું મૂંઝાઈ જવું વ્યાજબી હતું.

"ડોન્ટ વરી મમ્મીજી, આઈ વિલ ટેક કેઅર એટ હોમ." -અચાનક ધડકન બોલી ઉઠી.
હું અને મમ્મી બંને ચોંકી ઉઠ્યા.

"બેસ હવે. શું કરીશ તું? ફરી પછી કંઇક તોડી ફોડી નાખીશ.." -મમ્મીએ પોતાનો અણગમો દેખાડ્યો.

“નહીં મમ્મીજી, મારા ઘરે કિચન હું જ કરું છું. ટ્રસ્ટ મી."

મમ્મીને ગળે વાત જો કે ઉતરતી નહોતી, પણ બીજો કોઈ વિકલ્પ જ નહોતો. તેનું માસીને ઘરે જવું પણ એટલું જ જરૂરી હતું, એટલે નાઈલાજે તે આ માટે રાજી થઇ.

તે રાજી થઇ તેનો એક જ મતલબ હતો કે પપ્પાએ હજી સુધી અમારા બંનેનાં એફેરની કોઈ જ વાત તેને કરી નહીં હોય. આ જનોઈ-ફન્કશન પૂરું ન થાય ત્યાં સુધી પપ્પા પણ મમ્મીનાં નોર્મલ મૂડમાં કોઈ જ ખલેલ પાડવા નહીં ઈચ્છતા હોય કદાચ, બાકી હોસ્પિટલમાં તો બે-ત્રણ વખત પપ્પા અને ધડકનનો મેળાપ થઇ જ ગયો હતો, પણ તે દરમ્યાન તેમણે મને એ પણ ન પૂછ્યું કે- આ જ પેલી છોકરી છે કે જેની તું મને વાત કરતો હતો..?
તદુપરાંત ધડકન સાથેની તેમની વર્તણુક પણ એકદમ નોર્મલ જ હતી, એટલે કદાચ તેઓ મારી પસંદથી થોડાઘણાં સંતુષ્ટ પણ હશે જ...એવી મનગમતી ધારણા હું બાંધતો રહ્યો, અને મનમાં ને મનમાં ખુશ થતો રહ્યો.

.

તે પછીના બીજે દિવસે તો સવારે નવ વાગ્યામાં જ,...મમ્મી માસીને ત્યાં જવા નીકળે તે પહેલા જ...ધડકન મારા ઘરે આવી ગઈ. મમ્મીએ તેને કિચનથી સરખી માહિતગાર કરી દીધી, ને તે પછી ઘરમાં હું અને ધડકન, બંને એકલા જ રહ્યા.

તે દિવસે તો મને પ્રચંડ વિકનેસ લાગી રહી હતી, પણ દવાઓ લીધા બાદ જોકે એવી સરસ ઊંઘ આવી ગઈ, તે છેક બપોરે દોઢ બે વાગ્યે આંખ ખુલી.

"કેમ લાગે છે હવે શોનુ?" -હું ઉઠી ગયો છું તે જોઇને ધડકને મને પૂછ્યું.

"સારું...સારું લાગે છે." -ઉઠીને બેસતા હું બોલ્યો.

અમે સામાન્ય પ્રકારની વાતો કરતા હતા કે એટલામાં જ મમ્મીનો ફોન આવ્યો.

"તન્મય, કંઈ ખાધું કે નહીં?"

"ના, હજી હમણાં જ જાગ્યો. કેમ?"

"અરે, સવારે તને કહેતા ભૂલી ગઈ, આજે અગિયારસ છે. તું કરવાનો છો? મતલબ કે...જો, ફાવે તો કરજે, નહીં તો.."

"હા, હા, કરીશ ને. મને આજે હવે સારું લાગે છે."
અગિયારસ અને ચતુર્થી જેવા ઉપવાસ હું પાળું તેનાંથી મમ્મી હંમેશા ખુબ ખુશ થાય છે, તો આજે પણ તેને ખુશ રાખવાનો આ મોકો હું ખોઈ દેવા નહોતો માંગતો. આ બધો ઉદ્યોગ આગળ જતાં મને જ કામ આવવાનો છે, તેવું મને લાગ્યું...એટલે તરત જ મેં મારો ધર્મ-પ્રેમ જતાવી દીધો.

"ઠીક છે.. તો હું આવું છું ઘરે કલાકે'કમાં. તને સાબુદાણા-ખીચડી બનાવી આપું છું."

મેં ફોનનાં રીસીવર પર હાથ મુકીને ધડકનને પૂછ્યું-" તને સાબુદાણાની ખીચડી આવડે છે કે?"
તો તેણે તરત જ હસીને હકારમાં માથું હલાવ્યું.

"અરે, તું શું કામ સાવ એટલા માટે ફરી ધક્કો ખાય છે? ધડકન બનાવશે ને..!"

"હવે, તેને શું આવડવાનું? એ બધાં પંજાબીયાઓને શું ખબર પડે સાબુદાણા અને ફરાળમાં..!"

"અરે બનાવશે તે. લે, વાત કર તું તેની સાથે." -કહીને મેં ધડકનના હાથમાં ફોન દઈ દીધો.

"નમસ્તે મમ્મીજી.." -ધડકને પોતાનાં રસાળ અવાજથી જાદુ પાથરવા માંડ્યું.

"જી મમ્મીજી.. હાં મમ્મીજી.. કહાં મમ્મીજી? હાંજી.. હાંજી.."

મમ્મી બહુતે'ક તો ધડકનને બધી સૂચનાઓ દેતી હતી, પણ હું તો બસ ધડકન સામે જ ધ્યાન આપી રહ્યો હતો. આ પંજાબી લોકો પેલું 'હાંજી' કેવું મસ્ત રીતે બોલે ને..! તે સાંભળવાનું કેટલું સ્વીટ લાગે ને..અને એમાંય જયારે ધડકન આ બોલતી હોય ત્યારે તો તેની વાત જ શું કરવી....!

"વૉટ હૅપ્પંડ?" -તેણે ફોન મુક્યો એટલે મેં પૂછ્યું.

"નથીંગ..! તું આરામ કર. હું બનાવું છું તારા માટે તારી..સાબુદાણાની ખીચડી.." -ખીલખીલાટ હસતાં તે બોલી.

તે કિચનમાં ગઈ તે પછી મેં મારું લેપટોપ બહાર કાઢ્યું. ઑફીસનું ઍપ ખોલ્યું ને ઑફીસનું કામ કરવા લાગ્યો. રસોડામાંથી વાસણોનો.. ગેસના લાઈટરનો, ફ્રીઝનો દરવાજો ઉઘાડ-બંધ કરવાનો, ઓવનનો મિક્સરનો..એમ વિવિધ અવાજો આવતા રહ્યા. સામાન્ય રીતે જે બધી વસ્તુઓ મમ્મી વાપરતી હોય છે તે આજે ધડકન વાપરતી હતી.

ઑફીસ-વર્ક બંધ કરીને કિચનમાં જઈને ધડકનને આલિંગનમાં લઇ લેવાની મને ખુબ જ ઈચ્છા થઇ આવી, પણ પગમાં ઠણકા ઓછાં થયા નહોતા તો એમ જ ચુપચાપ બેસી રહ્યો. લગભગ અડધા કલાક પછી તે રસોડામાંથી બહાર આવી..હાથમાં ખીચડીની પ્લેટ લઈને.

"રાખ ટેબલ પર.. લઉં છું પછી. જસ્ટ ફાઈવ મિનીટ્સ.." -હું એક ઈમ્પોરટંટ મેઈલ લખી રહ્યો હતો એટલે બોલ્યો.

"અરે ઠંડી થઇ જશે.. ખાઈ લે ને પહેલાં.."

"હા.. એક મિનીટ બસ.."

ધડકન મારી બાજુમાં આવીને બેઈસ ગઈ

"હમ્મ..લે" -ચમચીમાં ખીચડી ભરીને તે બોલી.

"અરે પણ..! લઉં છું હું..જસ્ટ વન મિનીટ..!"

"નાટક નહીં કર..! ખવડાવું છું હું તો ખાઈ લે."

તે પછીની દસ મિનીટ તો મહત્વનાં નહોતા તેવાય મેઈલ્સ હું ટાઈપ કરતો રહ્યો, કારણ તેનાં હાથનાં કોળિયા ભરવામાં કોઈક અજબ જ આનંદ મળી રહ્યો હતો.

બધું ખાઈ લીધા પછી ધડકનને મારા ઑફીસ કામ વિષે બધું સમજાવ્યું. લેપટોપ પર તેને અમારી કંપનીની ઍપ દેખાડી. ધડકન મારી વાત એકદમ ધ્યાન આપીને સાંભળી રહી હતી. વચ્ચે જ લેપટોપ પર વાંકી વાળીને હું જે કંઈ પણ દેખાડતો હતો તે બધું જોતી હતી. તેની મોટી મોટી બિલોરી આંખો ક્યારેક લેપટોપમાં તો ક્યારેક મારી તરફ ફરતી રહેતી હતી.

તે બધાની વચ્ચે જ મને કોણ જાણે શું સુઝ્યું કે મેં લેપટોપને બાજુએ મુક્યું અને કહ્યું-
"ધડકન, ગમે તે થાય, તું ફક્ત મારી જ છે..કાયમ માટે..! પછી તે માટે જે કંઈ પણ કરવું પડે તે બધું જ કરી છૂટીશ. જેમ પણ કરવું પડે તેમ ચાલશે..બટ યુ આર ઓન્લી માઈ અને હું તારી સાથે મૅરેજ કરીશ જ. ઇટ્સ અ જેન્ટલમેં'સ પ્રૉમિસ..ધડકન..!” -તેનો હાથ મારા હાથમાં લઈને એકદમ ભાવુક થઇ ને હું બોલી પડ્યો.

"વી હેવ ટાઈમ ટુ થીંક હાઉ ટુ ડુ ઈટ..!" -પોતાનો નીચલો હોઠ દાંતોની વચ્ચે દબાવતી ધડકન બોલી- "ડોન્ટ થીંક અબાઉટ ઈટ નાઉ તન્મય...ડોન્ટ વરી અબાઉટ ઈટ નાઉ. જસ્ટ ગેટ વેલ સૂન."

“યસ રાઈટ..!” -મેં તેની આંખમાં આંખ પરોવીને જવાબ આપ્યો.

"ચલ..તો હું જાઉં ઘરે..? કંઈ પણ જરૂર પડે તો ફોન કરજે, હું જ્યાં પણ હોઈશ ત્યાંથી આવી જઈશ..ઓકે?"

મેં ધડકનને મારા ચુસ્ત બાહુપાશમાં ભરી લીધી. તેની બાંહોનો ગરમાવો, તેનો પ્રેમાળ સ્પર્શ ને તે બધું..એકદમ સ્વર્ગીય લાગતું હતું મને..કારણ તે આશ્લેષમાં ફક્ત અને ફક્ત પ્રેમ હતો.

***********

અનંત-ચતુર્દશીનાં તે દિવસે મારું ઘર તો જાણે મહેમાનોથી ભરાઈ જ ગયું.
વિમળામાસીનાં દીકરાની જનોઈમાં આવેલા મહેમાનો લગે હાથ મારી પણ તબિયત જોવા જનોઈ-મંડપ પરથી જ સીધા મારા ઘરે આવી ગયા હતા. અનેક લોકોએ મારા પ્લાસ્ટર પર સહીઓ કરી, અને ગેટ વેલ સૂનનાં મેસેજોથી મારું પ્લાસ્ટર આખું ચિતરાઈ ગયું. લગભગ દોઢ વાગ્યે ધડકન ઘરે આવી તો આટલા બધા મહેમાનોને જોઇને થોડી ખચકાઈ જ ગઈ.

"ઓ..આ જ કે પેલી..તારા એકસીડન્ટનું કારણ...?" -આંખ મિચકારતા વિમળા માસી બોલ્યા. પપ્પા હજી મંડપ પર જ હતાં. અને તેમની ગેરહાજરીમાં માસી હંમેશા ખીલી ઉઠતા.

"તન્મયભાઈ, કેટલી ક્યુટ છે તમારી આ મૈત્રિણ..!" -હમણાં હમણાં જ કોલેજ જોઈન કરેલી મારી એક કઝીન પલ્લવીએ કમેન્ટ મારી.

"અરે તું..? તને તો હું ઓળખું છું." -મારા એક મામી બોલ્યા- "તું સીટી લાઈબ્રેરીમાં કામ કરે છે ને?"

"હા," -ધડકન પોતાની હેન્ડબેગ નીચે મુકતા બોલી.

"અરે વિમળાબેન તમને એક વાત કરું" -મામીએ માસી તરફ જોઇને કહ્યું- "એક વાર મારે તરલા દલાલની એક ચોપડી જોઈતી હતી તો કેમેય કરતાં લાઈબ્રેરીમાં મળતી જ નહોતી, તે આણે મને મેળવી આપી. તેણે તે ચોપડીનું અને મારું નામ કોમ્પ્યુટરમાં નોટ કરી રાખ્યું ને જેવી તે ચોપડી આવી..કે તરત જ મને ફોન કરીને જણાવ્યું હતું, ને મને ત્યાં લેવા જવામાં બે દિવસ મોડું થયું તોય આણે તે ચોપડી મારા માટે અલગ જ સાચવી રાખી હતી."

["આંટી, મને જો ખબર હોત કે તમે તન્મયનાં મામી છો તો..તો હું ઘરે આવીને તમને તે ચોપડી આપી જાત. લાઈબ્રેરીમાં તમને આવવાની તસ્દી ય લેવા ન દેત." -આ વાક્ય તમે જો ઈચ્છો તો હોઠ હલાવ્યા વિના ફક્ત આંખોથી ય કહી શકો છો એ વાત મને તે સમયે મેં ધડકનની સામે જોયું ત્યારે સાવ સરળતાથી સમજાઈ ગઈ..અને આમેય હવે તો અમે બંને એકમેકની આંખોની ભાષા સમજવામાં પારંગત થઇ ગયા હતા..]

મેં બધાંને ધડકનનો- મારી એક ફ્રેન્ડ -તરીકેનો ઇન્ટરો કરાવી આપ્યો.

"બસ ફ્રેન્ડ? કે પછી..બીજું પણ કંઇક ખાસ..?" -વિમળામાસી હવે પુરા રંગમાં આવી રહ્યા હતા.

"કે પછી..ઓલ્યો ચેતન ભગત કહે છે તેમ..હાફ-ગર્લફ્રેન્ડ..? -પલ્લવી ખીલખીલાટ હસતાં બોલી.

કોને ખબર કેમ..પણ તેઓ જે આ સમયે મારી ટીખળી કરતાં હતા તે બધી મને ખુબ જ મસ્ત લાગતી હતી અને હા, ધડકન થોડી શરમાઈ તો જતી હતી, પણ ડેફીનેટલી અનકમ્ફરટેબલ તો બિલકુલ જ નહોતી ફીલ કરતી.
બટ યસ..આ બધી વાતોથી અસ્વસ્થ જો કોઈ થતું હોય..તો તે હતી મમ્મી. આ બધું સાંભળીને ક્યારનીય તે તેની ખુરસીમાં ઊંચીનીચી થતી હતી.

"શું રે વિમળા તું પણ..!" -આખરે તેનાંથી ન રહેવાયું, જેવી ધડકન અંદર ટોઇલેટમાં ગઈ કે તરત જ તે તેની બેન પર વરસી પડી- "અ ગ..નુસ્તી ફ્રેન્ડ ન હોઈ શકે કે કોઈ? અમસ્તા અમસ્તા તમે લોકો જ બધાં છોકરાઓનાં મગજમાં ન જોઈતી આઈડિયાઓ લાવ્યા કરો છો..ને આ ધડકન તો પાછી પંજાબી છે. અમથી અમથી શીદને કંઈપણ સંબંધો જોડે રાખે છે તું..?"

"લે લે..! મારા સામેવાળી કુલકર્ણીનાં દીકરાએ તો સ્પેનીશ છોકરી સાથે મૅરેજ કર્યા હતા, ને ત્યારે તો તને તે બધું ગમ્યું જ હતું ને..? અને આ તો પાછી ઇન્ડીયન પણ છે." -વિમળામાસી વાતનો છેડો લાવે તેમ નહોતા.

"અરે કુલકર્ણીની વાત અલગ છે. કોઈને માટે જેમતેમ બોલીને તેનું ઘર થોડું જ ભંગાય છે..? પણ જયારે એવી જ વસ્તુ આપણા ઘર માટે હોય, તો ત્યારે આપણે અક્કલથી વિચારવાનું હોય. બસ..મીઠું મીઠું બોલીને બેસી ન રહેવાનું હોય." -મમ્મીએ તેની નાની બેનને બોધ દેવાનું શરુ કર્યું.

"હવે મુકો ને તે બધી વાત..માસી તે દિવસે પછી તમે પછી સૈરાટ જોયું કે નહીં..કે પછી ત્રીજી વખત થીએટર પરથી ટીકીટ વગર જ પાછા આવ્યા હતા?" –અમારી વાત ટૂંકી કરવાનાં આશયથી મેં વાત બદલવાનો પ્રયત્ન કર્યો.

"તું તો તનિયા કંઈ બોલતો જો નહીં..તમે જુવાનીયાઓ અમારા માટે તો સાવ નકામા જ છો..ઓનલાઈન ટીકીટ બુક નથી કરાવી આપતાં તો અમારા નસીબમાં તો થીએટરનાં ધક્કા જ ખાવાનું જ હોય ને..!" -માસીને પોતાનો બળાપો કાઢવાનો રસ્તો મળી ગયો અને ધડકનની વાત ત્યાં જ અટકી ગઈ.

પણ કોણ જાણે કેમ..મમ્મીને હજુયે ધડકન થોડી ઘણી ખટકતી જ હતી. પપ્પા તો જો કે ધડકન સાથે સરસ એડજસ્ટ થઇ ગયા હતા. તે દિવસે અગિયારસને દિવસે સાંજે તેઓ દિલ્હીથી આવી ગયા તો સાબુદાણાની ખીચડી તો તેઓએ મનભરીને ખાધી, ને તે પછી..આજ સુધીનાં ત્રણ દિવસ તેઓ ઘરે જ હતા.
મમ્મી રોજ આખો દિવસ માસીનાં ઘરે જતી હોવાથી ઘરમાં અમે ત્રણ એકલા જ હોઈએ..હું ધડકન અને પપ્પા. હું દવા ખાઈને ઊંઘતો હોઉં કે પછી ઑફીસનું કોઈ કામ કરતો હોઉં, તો પપ્પા અને ધડકન બંને સરસ..ગપ્પાં મારતા બેઠા હોય, કે પછી તે લોકો ચેસ રમતા હોય.
એમાંય એક દિવસ તો તેમણે ધડકનને રસોઈ કરવાની ના પાડી અને બહારથી જ પીઝા માંગવાની વાત કરી..ને તે વાત પછી તો પિત્ઝા પરથી જઈને અટકી ચીકન પર. અને પછી અમે ઘરે મસ્ત ચીકન મંગાવીને ખાધું. મમ્મીને જો આ ખબર પડી હોત તો અમને ત્રણેયને સમજોને કે ફાડી જ ખાધા હોત. રસોડાનાં બધાં જ વાસણો પર તેણે ગંગા-જળનો છંટકાવ કર્યો હોત અને એટલું બધું જ્ઞાન આપ્યું હોત કે ટીવી પર આવીને બેસતાં પેલાં સાધુબાવાઓ પણ તેની આ ટોણાં-મહેણાથી ભરપુર એવી બોધ-કળાની સામે શરમાઈ પડ્યા હોત.

ખેર, ઇન શોર્ટ કહેવાનું એટલું જ..કે પપ્પા પોતાની ગેમ એકદમ સ્કીલફૂલી રમવાવાળા માણસ છે. આટલાં દિવસમાં એક વાર પણ તેમણે મને એ ન પૂછ્યું કે- આ ધડકન છે કોણ? હું જે છોકરી સાથે ઇન્ટર-કાસ્ટ મૅરેજ કરવાની વાત કરતો હતો તે આ જ? કે પછી બીજી કોઈ?

તેઓ જો ધડકનનથી ખુશ પણ હોય તો પણ મારી પેલી એફેરવાળી વાત ફરીથી ઉખેળીને તેઓ જતાવવા નહોતા માંગતા કે તેઓ રાજી છે..ને તેમની સંમતિ છે.
બસ જે થાય તે જોતાં રહેવાની ટેકનીક તેઓએ અપનાવી હતી, જાણે એમ જ કહેતા હોય કે- દીકરા, તારી લડાઈ તારે એકલાએ જ લડવાની છે.

[ક્રમશ:]