to mari jindagi kaik judi j hot in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | ...તો મારી જિંદગી કંઇક જુદી જ હોત!

Featured Books
Categories
Share

...તો મારી જિંદગી કંઇક જુદી જ હોત!

...તો મારી જિંદગી

કંઇક જુદી જ હોત!

ચિંતનની પળે :કૃષ્ણકાંત ઉનડકટ

દિલ નાઉમીદ તો નહીં, નાકામ હી તો હૈ,

લંબી હૈ ગમ કી શામ, મગર શામ હી તો હૈ.

-ફૈઝ અહમદ ફૈઝ

આપણી જિંદગી આપણી પોતાની હોવા છતાં ક્યારેક એ આપણા કંટ્રોલમાં રહેતી નથી. જિંદગી ક્યારેક એવા ખેલ બતાવે છે કે આપણે માત્ર એ રમત જોતાં જ રહેવું પડે છે. જિંદગી એક તરફી ગઇમ પ્લે કરતી રહે છે અને આપણે મૂક પ્રેક્ષક બની રહેવું પડે છે. આમ જુઓ તો જિંદગીની એ જ તો મજા છે કે એ આપણને ઝાટકા આપ્યા રાખે છે. જિંદગી સાવ સીધી અને સરળ હોત તો કદાચ લાઇફમાં કોઈ રોમાંચ જ ન હોત. અનિશ્ચિતતા અને અણબનાવો જ લાઇફને દિશા આપતાં હોય છે.

બધું જ સ્મૂધ ચાલતું હોય ત્યાં કંઈક એવું બને છે કે માણસનું મગજ બહેર મારી જાય. ક્યાંય ધ્યાન ન પડે. આગળ રસ્તો ન દેખાય. અમુક સમયે તો એવું લાગે, જાણે બધું જ ખતમ થઈ ગયું છે. આવા સમયે એક વાત યાદ રાખવા જેવી હોય છે કે બધું જ અટકી ગયું હોય છે પણ જિંદગી ચાલતી હોય છે. આપણે જેને પૂર્ણવિરામ સમજી લેતા હોઈએ છીએ એ મોટાભાગે તો અલ્પવિરામ જ હોય છે.

એક યુવાનની વાત છે. પોતાની કરિયર માટે એ ખૂબ મહેનત કરતો હતો. એ જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં રાત-દિવસ જોયા વગર લાગ્યો રહેતો. તેને એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા તેણે કોઈ કોઈ કસર બાકી ન રાખી. આ દરમિયાનમાં જ માર્કેટમાં એવી ઊથલપાથલ થઈ કે તેનો પ્રોજેક્ટ અટકી ગયો. સમયમર્યાદા વીતી ગઈ. આખો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. નિષ્ફળતાની તમામ જવાબદારી કંપનીએ તેના પર ઢોળી દીધી. એક દિવસ તેને ઓર્ડર પકડાવી દેવાયો કે તમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે. એનાથી સહન ન થયું. એક બગીચામાં જઈ એ ધ્રૂસકે ધ્રૂસકે રોયો. ઊભો થયો. નળમાં પાણી ચાલુ કરી મોઢું ધોયું. રૂમાલથી મોઢું લૂછતો હતો ત્યાં તેની આંગળી નાકને અડી. શ્વાસની અવરજવર ચાલુ હતી. આંગળી તેણે નાકને અડાડી રાખી. તેને વિચાર આવ્યો કે આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કંઈ જ અટક્યું નથી અને કંઈ બગડયું નથી. તેણે કહ્યું કે જ્યારે પણ મને નિરાશા કે હતાશા લાગે છે ત્યારે નાક પાસે આંગળી રાખું છું અને વિચારું છું કે જ્યાં સુધી આ ચાલે છે ત્યાં સુધી મારે ચાલતા રહેવાનું છે અને પ્રયત્નો કરતા રહેવાના છે. બીજી કંપનીમાં જોબ મળી. સફળ થયો. એવોર્ડ મળ્યો. સ્ટેજ પર હતો ત્યારે તેણે નાક પાસે આંગળી મૂકી અને વિચાર્યું કે એ દિવસે બગીચામાં તો હું આને બંધ કરવા માટે ગયો હતો! ખિસ્સામાંથી ઝેરની શીશી કાઢી અને એવોર્ડથી ફટકો મારી એને તોડી નાખી! એ શીશી હું ખીસામાં જ રાખતો અને નક્કી કરતો કે આ મારે પીવાની નથી પણ તોડવાની છે!

નાની નિષ્ફળતાઓ ઘણી વખત મોટી સફળતા માટે નિમિત્ત બનતી હોય છે. નિષ્ફળતાનું એવું છે કે જ્યારે આપણને નિષ્ફળતા મળે ત્યારે એ મોટી લાગતી હોય છે. આપણા નિરાશાજનક વિચારો નિષ્ફળતાને પહાડ જેવી બનાવી દે છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે બહુ ઝડપથી હતાશ થઈ જઈએ છીએ. ઉત્સાહ ધીમે ધીમે આવે છે અને હતાશા ત્રાટકે છે. આપણે એને ત્રાટકવા દઈએ છીએ. ઘણી વખત તૂટી જઈએ છીએ. નિષ્ફળતાથી મુક્તિ મેળવવાનો સૌથી મોટો ઉકેલ એ છે કે બને એટલી ઝડપથી એને ખંખેરી નાખો. એ તમને સકંજામાં લે એ પહેલાં જ તેને દૂર હટાવી દો.

માત્ર કરિયરમાં જ નહીં, સંબંધોમાં પણ અસફળ થવાતું હોય છે. કેટલાંક સંબંધો તૂટે ત્યારે આંચકો લાગે છે. અચાનક જ માર્ગો ફંટાઈ જાય છે. આવા સમયે પણ આપણને એવું લાગતું હોય છે કે જો આ થયું ન હોત તો અત્યારે મારી જિંદગી જુદી હોત. એક યુવાનની આ વાત છે. કોલેજમાં હતો ત્યારે સાથે ભણતી એક છોકરી સાથે તેને પ્રેમ થયો. છોકરીના ઘરના લોકો લવમેરેજ માટે માન્યા નહીં. અંતે બંને જુદાં પડી ગયાં. છોકરીનાં માતા-પિતાએ એનાં લગ્ન પોતાની જ જ્ઞાતિના વેલ ટુ ડુ યુવાન સાથે કરાવ્યાં. છોકરો આ ઘટનાથી બહુ ડિસ્ટર્બ થયો. તેણે મા-બાપને કહ્યું કે તમે જે છોકરી પસંદ કરશો તેની સાથે હું મેરેજ કરી લઈશ. મા-બાપે છોકરી શોધી. જોકે, બંનેનું લાંબું ન ચાલ્યું. અંતે ડિવોર્સ થઈ ગયા. એક દિવસ એની જૂની પ્રેમિકા તેને મળી ગઈ. યુવાને કહ્યું કે તારી સાથે લગ્ન થયાં હોત તો જિંદગી જુદી હોત. તેં ના પાડી પછી મેં કંઈ જોયા વગર લગ્ન કરી લીધાં હતાં. પ્રેમિકાએ કહ્યું કે, તારી જે હાલત છે એના માટે તું મને દોષ ન દે. તારી સાથે લગ્ન થઈ શકે એમ નથી એવું જાણ્યા પછી મેં ઘણા છોકરા જોયા હતા. મને યોગ્ય લાગ્યું ત્યાં જ મેં હા પાડી. મારો હસબન્ડ સારો માણસ છે. મને તેનાથી કે મારી લાઇફથી કોઈ ફરિયાદ નથી. હું પણ તને પ્રેમ કરતી હતી. આપણે ઇચ્છતાં હતાં એમ ન થયું. તેં શું કર્યું? જોયા વિચાર્યા વગર હા પાડી દીધી? તમારો સંબંધ ન ટક્યો એમાં એનો જ વાંક હોય એ જરૂરી નથી. ડિવોર્સનું કારણ તું પણ હોઈ શકે. તેં માત્ર તારી જિંદગી નથી બગાડી, એ છોકરીની જિંદગી પણ બગાડી છે. હવે તું એસ્ક્યુઝીસ શોધે છે કે આમ હોત તો તેમ હોત! આ બધાં બહાનાં છે. લાઇફ જેવી હોય એવી સ્વીકારવાની હોય છે. હજુ કંઈ મોડું થયું નથી. તને ગમતી વ્યક્તિ સાથે જિંદગી નવેસરથી શરૂ કર. હા, એટલું ધ્યાન રાખજે કે તું એને પ્રેમ કરજે! ઘણી વખત આપણે જ દોષી હોઈએ છીએ અને આપણે બીજાને દોષ દેતા હોઈએ છીએ!

જિંદગીમાં જે કંઈ બને છે એનો કંઈક મતલબ હોય છે. આ નોકરી મળી હોત તો સારું થાત, આ નોકરી છોડી ન હોત તો સારું હતું. આ શહેર છોડવાની જરૂર ન હતી. જિંદગીના બધા નિર્ણયો સાચા જ પડે એવું જરૂરી નથી. કોઈ નિર્ણય લઈએ ત્યારે સફળતા અને નિષ્ફળતાના ચાન્સીસ ફિફટી ફિફટી હોય છે. ઘણા તો વળી ત્યાં સુધીના ગાંડાઘેલા વિચાર કરતાં હોય છે કે હું આ ઘરમાં જન્મ્યો ન હોત તો કેટલું સારું હતું? મને તો વારસામાં કંઈ મળ્યું જ નથી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પણ એક વાર એવું થયું હતું કે મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? નોકરી મળતી ન હતી. મિત્રોએ કહ્યું કે આપણાં મા-બાપે આપણને જન્મ જ આપવો જોઈતો ન હતો. આ વાત સાંભળીને તેમણે પિતા હરિવંશરાય બચ્ચનને મોઢામોઢ કહી દીધું કે, આપને મુજે પૈદા હી ક્યું કિયા? આ આખી વાત અમિતાભે પોતાના મોઢે કરી છે!

અમિતાભે પિતાના મોઢે આવું બોલતાં તો બોલી દીધું, પણ તેના જવાબમાં પિતા હરિવંશરાય બચ્ચન કંઈ જ ન બોલ્યા. તેઓ મહાન કવિ હતા. બીજા દિવસે સવારે અમિતાભ ઊઠયા ત્યારે તેમના બેડ ઉપર એક કાગળ પડયો હતો, જેમાં હરિવંશરાયે એક કવિતા લખી હતી. આ કવિતા કદાચ થોડીક રમૂજી લાગે પણ તેના ગુઢાર્થ ઘણું બધું કહી જાય છે...જિંદગી ઔર જમાને કી કશ્મકશ સે ગભરા કે, મેરે બેટે મુજસે પૂછતે હૈં કી હમેં પૈદા ક્યું કિયા થા? ઔર મેરે પાસ ઇસકે સિવા ઔર કોઈ જવાબ નહીં, કી મેરે બાપને ભી મુજસે બિના પૂછે મુજે પૈદા ક્યું કિયા થા? ઔર મેરે બાપ કો ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં ઔર ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં, જિંદગી ઔર જમાને કી કશ્મકશ પહલે ભી થી, આજ ભી હૈ, શાયદ જ્યાદા, કલ ભી હોગી શાયદ ઔર જ્યાદા, તુમ ભી લિખ રખના, અપને બેટોં કો પૂછ કર ઉન્હેં પૈદા કરના!

જિંદગી જેવી છે એવી જ એને સ્વીકારવામાં જિંદગીની સમજણ છે. અફસોસ કરવાનો કોઈ મતલબ હોતો નથી. જેટલો સમય અફસોસ કરવામાં વિતાવશો એટલી જિંદગી વેડફાવવાની જ છે. જિંદગીને જે રૂપમાં સ્વીકારશો એ જ જિંદગી તમે જીવી શકશો. જિંદગી જીવવા માટે છે, અફસોસ કરવા કે વખોડવા માટે નથી!

છેલ્લો સીન :

વારંવાર પ્રયત્ન કરવાથી અશક્ય પણ શક્ય બની જાય છે. -યોગવશિષ્ઠ

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)