Stri - ek sanshodhanno vishay in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | સ્ત્રી - એક સંશોધનનો વિષય

Featured Books
Categories
Share

સ્ત્રી - એક સંશોધનનો વિષય

સ્ત્રી - એક સંશોધનનો વિષય.

પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

લગ્ન પહેલાં...

- તો એણે જાણે મોં મા મગ ભર્યા હોય, એમ એ ચુપચાપ રહે છે. એના મોં મા આંગળા નાંખીને બોલાવીએ ત્યારે એ માંડમાંડ જવાબ આપે છે. એની બોલી સાંભળવા આપણા કાન તરસી જાય ત્યારે માંડ એકાદ શબ્દ કે એકાદ વાક્ય સાંભળવા મળે. એ બોલે તો બત્રીસે કોઠે દીવા થાય, અને એ હસે ત્યારે ફુલડાં ઝરે અથવા રૂપાની ઘંટડી વાગી હોય એવું લાગે. અરે, એ માત્ર એક અછડતી નજર કરે એમાં આપનો દિવસ સુધરી જાય અને સામે જોઈને હસે ત્યારે પૃથ્વી પર સદેહે સ્વર્ગનો અનુભવ થાય.

અને લગ્ન પછી?

તમે આ જોક તો સાંભળી જ હશે:

લગ્ન પહેલાં પતિ બોલે અને પત્ની સાભળે, લગ્ન પછી પત્ની બોલે અને પતિ સાંભળે, અને લગ્નના પાંચ વરસ પછી પતિ અને પત્ની બન્ને બોલે અને પડોશીઓ સાંભળે. લગ્નના દસ વર્ષ પછી પોતાના છોકરાંઓ, નજીદીકના મિત્રો અને ક્યારેક આખી સોસાયટી સાંભળે. (સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન)

ટી. વી. તો હજી સારું કે એને રીમોટ કંટ્રોલથી બંધ કરી શકાય, પણ બીવી? એને બોલતી બંધ કરવાનું રીમોટ કંટ્રોલ આજ સુધી કોઇ શોધી શક્યું નથી અને કોઇ શોધી શકે એવી આશા પણ નથી. થીયેટરમાં ફિલ્મ જોવા ગયેલા પતિએ પત્ની માટે પાન ખરીધ્યું. પત્નીએ પૂછ્યું, ‘પાન કેમ મારી એકલી માટે ? તમારા માટે પાન કેમ ન લીધું?’ એટલે પતિએ કહ્યું, ‘હુ તો એમ ને એમ પણ ચુપ રહી શકું છું.’

લગ્ન પહેલાં તો આકાશમાંથી ઉતરી આવેલી પરી જેવી સુંદર સાજ-સજાવટ અને સુગંધનો દરિયો જેવી એ લાગે છે, થાય કે એની સામે બેસીને એણે જોયા સિવાય કશું કામ જ ન કરીએ. અને લગ્ન પછી, ખાસ કરીને એક બાળકના જન્મ પછી – દિવસોથી કાંસકો ન ફર્યો હોય એવી સુગરીના માળા જેવી જટીલ કેશસજ્જા (સુગરીનો માળો તો હજી પણ વ્યવસ્થિત લાગે), હળદર-હિંગની વાસ સહિતની લઘર-વઘર વેશભૂષા..! અને પ્રસન્નતા અને સ્માઈલને તો ‘મુખવટો’ જ આપી દીધો હોય એમ તોબરો હંમેશા ચઢેલો જ હોય. આશ્ચર્ય તો આપણને આપણી પોતાની પસંદ પર જ થાય, ‘મેં ખરેખર આને પસંદ કરી હતી?’ લગ્ન પહેલાં ‘પરી’ જેવી લાગતી સ્ત્રી એટલે કે પત્ની લગ્ન પછી ‘ઉપરી’ જેવી લાગે છે.

સ્ત્રી જાતિ એટલી તો કોમ્પ્લીકેટેડ હોય છે કે વાત જ ના પૂછો. જો કે તમે વાત પૂછો કે ન પૂછો તો પણ આજે તો હું તમને એની વાત જણાવીને મારા દિલનો ઉભરો ઠાલવવા માંગું છું. આપણે જ્યારે અગત્યની મીટીંગ એટેન્ડ કરવાની હોય, ઇન્કમટેક્સનું રીટર્ન ભરવાનું હોય કે કોઇ ટાઇમ બાઉન્ડ પ્રોજેક્ટ માટે પેપર્સ તૈયાર કરવાના હોય, ત્યારે જ એને ‘મેરેજ-એનીવર્સરી’ કે ‘બર્થ-ડે’ ભુલી જવા બદલ ઝઘડો કરવાનું કેમ સૂઝતું હશે? આવા દિવસો યાદ રાખીએ તો જ એના પ્રત્યે આપણને પ્રેમ છે, અને નહીં તો નહીં એવું એ કેમ માનતી હશે? ખરેખર, એનું લોજીક એ જ જાણે!

આપણે ટી.વી. પર અગત્યના ન્યૂઝ, સ્પોર્ટ્સ ઇવેન્ટ કે ફેશન-શો જોતાં હોઇએ ત્યારે જ એને લાઇટબીલ કે ટેલિફોનબીલ ભરવાનું યાદ કરાવવાનું કેમ સૂઝતું હશે? આપણે કોમ્પ્યુટર પર કે મોબાઇલ પર કોઇ ગેમ રમતાં હોઇએ કે કોઇ સાઇટ સર્ફ કરતાં હોઇએ ત્યારે જ એને સોશિયલ વીઝીટ પર જવાનું મન કેમ થતું હશે? શું રંગ માં ભંગ પડાવવાનો એનો લગ્ન સિધ્ધ અધિકાર છે, એવું એ માનતી હશે? મને તો લાગે છે કે સ્ત્રીઓની આવી ‘એટેન્શન - સીકીંગ બિહેવીયર’ ભલભલા કાઉન્સેલરો માટે ચેલેન્જ નો વિષય છે.

એ શોપિંગ માટે હંમેશા તૈયાર જ હોય, ‘સેલ’ ની જાહેરાત જોઈને જ એનામાં ખરીદીનું ભૂત પ્રવેશ જાય છે. વારે – તહેવારે કે એ સિવાય પણ કપડાં, ઘરેણા અને કોસ્મેટીક્સ ની ખરીદી કરતી રહેતી હોય, છતાં.. કોઈ પાર્ટીમાં જઇએ ત્યારે - બીજી સ્ત્રીઓનાં કપડાં અને ઘરેણાં જુએ ત્યારે જ એને એવું કેમ થાય છે કે એની પાસે જોઇએ તેવાં યોગ્ય કપડાં અને ઘરેણાં નથી?

નવું હિંદી પીક્ચર આવે એટલે ગમે તેટલું ભંગાર કેમ ના હોય, એ જોવા લઈ જવાની જીદ કેમ કરતી હશે? અને ભૂલે ચુકે જો એને ઇંગ્લીશ ફિલ્મ જોવા લઈ જઇએ ત્યારે વચ્ચે વચ્ચે સવાલો પૂછી પૂછીને માથું ખાઇ જાય, ન એ ફિલ્મ શાંતિથી જુવે ના આપણને જોવા દે.

ચાલો એ વાત જવા દો, તો પણ ઘરમાં આપણે ટી.વી પર જે વખતે ઇન્ટ્રેસ્ટીંગ ક્રિકેટ મેચ જોવાં બેઠાં હોઇએ ત્યારે જ એને કચરા જેવી રડકુ હિંદી ટી. વી. સીરીયલો જોવી હોય. એને કહેવા જઈએ કે આવી ભંગાર સીરીયલો જોઇ જોઇને તારું મગજ ખરાબ થઈ ગયું છે, તો ખલાસ! આપણું તો આવી જ બને. એના કપાળમાં કૂવો ભર્યો જ હોય, જે ખાલી કરવા એ ધ્રૂસકે- ધ્રૂસકે રડવા જ માંડે. પછી આંસુના આ ઘોડાપુર થી બચવા શું કરવું તે આપણે વિચારવું પડે.

બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીઓના પેટમાં વાત ટકે. એને જે વાત કોઇને નહી કહેવાની તાકીદ કરી હોય એ જ વાત જઈને ‘તમે કોઈને કહેતા નહિ’ ની તાકીદ કરીને બધાંને કહી આવે. એ તો જાણે ઠીક. પણ કોઇ વાત ટુંકાવીને કહેતાં તો એ એના બાપ-જનમારામાં શીખી જ નથી. એને જો કોઇ મોડી સાંજે બનેલા બનાવ વિશે પૂછીએ તો એ – ‘હું સવારે સાત વાગ્યે ઊઠી, બ્રશ કર્યું.....’ થી કથાની શરુઆત કરીને સાંભળનારની ધીરજની કસોટી કરી એને અધમૂઓ કરી મૂકે ત્યારે જ એને ચેન પડે.

એક સુંદર પંક્તિ, ‘કોણ જાણે હતી કેવી વર્ષો જુની જિંદગી માં અસર એક તનહાઇ ની, કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, એને આખી કહાણી સુણાવી દીધી.’ એ સ્ત્રીઓ ને પરફેક્ટલી લાગુ પડે છે. કદાચ આવી સ્ત્રીની સંગતની અસરમાં આવીને જ આવી પંક્તિ લખવા આ કવિશ્રી પ્રેરાયા હશે એમ મને તો લાગે છે. બોલવાની બાબતે વૈજ્ઞાનિકોનું તારણ એવું છે, કે-‘સામાન્ય વ્યક્તિ દિવસમાં દસ હજાર શબ્દો બોલે છે.’ પણ મારું માનવું છે, કે સ્ત્રીઓ આ બાબતમાં ‘અસામાન્ય’ છે. ખરેખર તો સ્ત્રીઓ વિશે ગંભીર રીતે વિચારતા લાગે છે કે તેઓ દરેક જ વિષયમાં અસામાન્ય છે.

પતિ: આવતી કાલે મમ્મી આવવાના છે.

પત્ની: ફોન કરીને એમને ના કહી દો. છ મહિના પહેલા જ તો આવીને દસ દિવસ રહી ગયા.

પતિ: મારા નહિ તારા મમ્મી આવે છે. એ તો બે મહિના પહેલા જ પંદર દિવસ રહી ગયા, ફોન કરીને એમને આવવાની ના પાડું?

પત્ની: મમ્મી બિચારી ભાઈ ભાભી સાથે રહીને કંટાળી હશે. ભલે ણે આવીને થોડા દિવસ રહી જતી.

આમ સ્ત્રીઓને સગાઓ ઘણા વહાલા છે, અને તેમના પ્રત્યે ખાસ પક્ષપાત પણ છે, પણ એ સગાઓ જ્યારે એના પિયરીયા હોય ત્યારે જ. સાસરીયાઓ એમના પ્રત્યે ગમે તેટલો પ્રેમ રાખે અને કાળજી કરે પણ એ ક્યારેય એને પ્રિય નથી થતા, સ્ત્રીઓની આ ફિલોસોફી સ્ત્રીઓ જ સમજી શકે, પુરુષોની તો સમજની બહાર છે આ વાત.

કોઇક મહાપુરુષે કહ્યું છે, કે ‘પુરુષ ને પામવો હોય તો એને પ્રેમ કરવાને બદલે માત્ર એને સમજો.’ અને ‘સ્ત્રીને પામવી હોય તો એને સમજવાને બદલે માત્ર એને પ્રેમ કરો.’ એ જ બતાવે છે, કે પુરુષને સમજવો કેટલો સહેલો છે અને સ્ત્રીને સમજવી કેટલી અઘરી છે. ‘સ્ત્રી: એક સંશોધનનો વિષય’ આ વિષય પર મહાનિબંધ લખી, પી.એચ.ડી. ની ઉપાધિ મેળવી શકાય એટલી બધી માહિતી અને મેટર મારી પાસે પડી છે. પરંતુ વાચકની સહનશીલતાને ધ્યાનમાં રાખીને હું આટલેથી જ સંતોષ માનીને વિરમું છું.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.