"એકધારું જીવન"
આટલું કહીને તે શ્વાસ લેવા રોકાઈ અને બાઝેલો ડૂમો ખોંખારો ખાઈને દૂર કર્યો.
સામેની બાજુથી અવાજ આવ્યો,
"થઇ જશે બધું સરખું."
સામાન્ય પરિસ્થિતિમાં જીવતાં માણસનો અવાજ કેટલો બોદો હોય છે એવું કુમુદને લાગ્યું. એ અવાજે બોલેલું આ સમાધાન-યોગ્ય વાક્ય પણ બોદું જ હતું. સામેથી આવતા અવાજને કુમુદ ભાષા જેવી લાગી, જેનો કંઈપણ અર્થ નીકળી શકે છે, નીકાળી શકાય છે.
એ સાધારણ જીવન જીવતાં અવાજનું પણ જીવન એક્ધારું જ હતું, પણ કુમુદનાં એકધારા જીવનમાં અને તે અવાજનાં એકધારા જીવનમાં કેટલો ફર્ક હતો. એટલો જ ફર્ક જેટલો સારી કોલેજમાં ભણવામાં, સવાલોનો ભોગ ના બનવામાં ,બાઈક પર મનફાવે એમ ફરવામાં અને એક જ ગતિએ ચાલતા સમય સાથે બંદ મકાનમાં બે-ત્રણ બીજા હરતાં-ફરતાં શ્વાસોને દેખતાં શ્વાસ લેવાનો.
૨૦૧૨ની આ સાલ હતી. સ્માર્ટફોન હજુ નવાં- નવાં હતાં. જયારે લોકોને હજુ એની ટેવ નહોતી પડી. ફોનની બેટરી વધારે ચાલતી હતી. શ્વાસ લાંબા લેવાતા હતાં. GB , MB , Kbs વિશે હજુ ના જાણતા લોકો અજાણ જ હતાં. લોકોને ફોન હેન્ડસેટ પકડી રાખવાની આદત નહોતી એટલે ભૂલી જવાતું, જેમ હાલ કુમુદ ભૂલી ગયેલી.
"તું કેમ આવી છે?" સામેથી અવાજ આવ્યો.
" જાણે તું સમજી શકવાનો છે. "
આ સાંભળીને અવાજનો પુરુષ ઈગો હણાયો, પણ અવાજ હાલ ઝઘડો કરવાનો ઈરાદો નહોતો સેવતો. અવાજ એવા વાતાવરણમાં ઉછર્યો છે કે જ્યાં પુરૂષપ્રધાનતા સચવાઈ હોય, સ્ત્રીએ શું કરવું-ના કરવું એ ખ્યાલ સેવાયો હોય અને આજુબાજુનાં માધ્યમો દ્વારા પોષાયો હોય.
અવાજને ખબર હતી કે કુમુદ અલગ છે અને હજુ હમણાં-હમણાં જ બળવાખોર બની છે એટલે આવું બધું બોલ્યા કરે છે, સમય સાથે બદલાઈ જશે એવા ક્ષણભંગુર ભ્રમનાં પરપોટામાં એ જીવતો હતો.
"નહિ જ સમજી શકું ,તને થોડીનાં સમજાય!"
અવાજ મજાક કરવા ગયો.
"તારા પાંગળા પ્રયાસો બંધ કર."
"કુમુદ.."
"હા."
"તને ખબર છે ને કે હું તને પ્રેમ કરું છું?"
શિયાળાની ઠંડી રાત્રે કોઈએ રજાઈ ખેંચી લીધી હોય એવો કુમુદને અહેસાસ થયો. અવાજ માટે બે-ત્રણ દિવસે ગોષ્ઠિનો વિષય આ રહેતો.
"પણ હું નથી કરતી એ તને ખબર છે."
"તું જૂઠ બોલે છે, તને ડર છે કે પહેલા જે થયું એવું ફરી થશે. હું તને બાંધીને નહિ રાખું. ઉડવા દઈશ."
એકીશ્વાસે ઈગો છુપાવતા છુપાવતા એ બોલી ગયો.
"ઉડવા દઈશ! દઈશ એજ વાંધો છે. તારા બટન દબાવવાની રાહ દેખીને નથી બેઠી કાંઈ..જિંદગીમાં એક ખાલીપો છે, ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યા હાલ તેં પૂરેલી છે. મારો સ્વાર્થ પતી જશે એટલે હું તને ફેંકી દઈશ; મારા વિષે તો તેં સાંભળ્યું જ હશેને કે હું કેવી છોકરી છું!"
શાંતચિત્તે બોલવા છતાં કુમુદનો અવાજ ફાટી ગયો.
"હા, સાંભળ્યું છે, પહેલીવાર સ્કૂલના ગેટ પાસે જોયેલી ત્યારે તરત જ આજુબાજુનાં પતંગિયાઓએ કહી દીધેલું, પણ મને વિશ્વાસ નહોતો અને હાલ પણ નથી એ વ્યર્થ વાતો પર. તને ખબર સ્કૂલમાં આમથી તેમ તું દોડતીને તો ડર લાગતો કે કદી પડી ના જાય."
કેટલીયે વાર સમજાવવા છતાં આ વ્યક્તિ સમજવા નહોતો માંગતો. કેટલો વિશ્વાસ હતો. સાધારણ વ્યક્તિનો અસાધારણ વિશ્વાસ. અસાધારણ પાગલપન. કુમુદ પ્રેમ નહોતી કરતી, કાં તો કરવો નહોતો. એને થયું આ ચૂલણિયા પુરુષોનાં જમાનામાં આવો વિશ્વાસુ મિત્ર કે પ્રેમી જે કહો એ મળવો મુશ્કેલ છે. આટલું બધું કોઈને ફરીથી કહેવું અઘરું છે. આટલો સહનશીલ મળવો મુશ્કેલ છે. પોતાનાં જ હલકા વિચાર પર કુમુદ કડવું હસી ગઈ. લાગણીઓનો ભાર પણ હલકો કરવા હસતાં હસતાં એ બોલી,
"તારા નામનો અર્થ ખબર છે તને? "
"વાત બદલવાની કોશિશ ના કર , મને ખબર છે કે તું બહુ હોશિયાર છે." નાના છોકરાની જેમ અવાજ ચિડાઈને બોલ્યો.
કંઇ જ ફર્ક ના પડતો હોય એમ કુમુદ બોલી,
" મહાભારતમાં અર્જુન શ્રીકૃષ્ણને 'અચ્યુત' કહીને સંબોધે છે અને તેમને કહે છે કે ,'પોતાના મહત્વ અને સ્વરૂપથી જેનું ક્યારેય પતન ન થાય તેને અચ્યુત કહે છે.મારા કર્મોથી તમારું અપમાન કર્યું એ અપરાધ છે પરંતુ વસ્તુત: તમારું નુકસાન થવા પામતું નથી , અને સંસારમાં એવી કોઈ પણ ક્રિયા ના હોઈ શકે ,જે આપને આપની મહિમાથી ચલિત કરી શકે.' ; એમજ અચ્યુત તું મારી જિંદગીના રથનું એક પૈડું છે,સારથી નહિ, તને પ્રેમ કરવો અશક્ય છે, પણ તારું મહત્વ તારા નામ જેટલું જ છે."
હસતા હસતા શાંત ચિત્તે ફરીથી કુમુદે કહ્યું.
"મતલબ પ્રેમ કરે છે પણ કરવા નથી માંગતી.. કુમુદ ..કુમુદ ..કુમુદ .."
ઊંઘમાં અચાનક નીચે પડી ગયાનો ભાસ થાય એવું જ કંઇક કુમુદને થયું. બુદ્ધિના બળદ પાસે આજે બુદ્ધિ ક્યાંથી આવી , અને પોતે કઈ રીતે બોલવામાં માર ખાઈ ગઈ! આવા વિચારોના તળાવમાં અચ્યુત ફરીથી પથ્થરની જેમ પડ્યો અને બોલ્યો,
" સાચું બોલ , આ રાતભર તું વાતો કરે છે, એક એક ડિટેઈલ મને કહે છે, મારો ફોન ના લાગે તો ગાળો બોલે છે, શું મતલબ છે આ બધાનો? કરે છે ને પ્રેમ? હં કુમુદ? "
" હા! "
ક્યા કાળે કુમુદ આ બોલી ગઈ અને એને હા બોલ્યાનો પસ્તાવો થયો, સ્વાર્થ ખાતર સંબંધમાં લાગણીની રમત રમવા માટે, પણ ડર પણ લાગ્યો કે હાલ એકમાત્ર આવો હુંફાળો સંબંધ તે ખોઈ ના બેસે. શાંતિ છવાઈ ગઈ. "LOVE IS આરપાર" ,કોઈ મિત્રનું એક વાક્ય કુમુદને યાદ આવ્યું અને ફરીથી કડવું હસી ગઈ.
અચ્યુત આ ફિલ્મી ઘટના કે પ્રસંગથી બેભાન થવાની તૈયારીમાં હતો, એને કુમુદની અચાનક આવેલી હા પર સવાલ કરવાનું મન કે ખ્યાલ ના આવ્યો અને હિંમત કરીને કૈંક બોલ્યો,
"I LOVE YOU SO MUCH, કુમુદ."
આ વાક્ય માટે કુમુદ માનસિક રીતે તૈયાર હતી પણ આ SO MUCH સાંભળીને તેને હાસ્યાદ્પક આઘાત લાગ્યો અને હસવાનું માંડી વાળીને તે પણ બોલી.
I LOVE YOU"
કેટલા બોદા જેવું લાગેલું તે સમજી શકી.
અલગ અલગ કારણોથી બે હૃદય ધબકતા રહ્યા. કેટલીયે વાર ' I LOVE YOU SO MUCH 'નાં નારા અચ્યુતે લગાવ્યા. ૪ દિવસ પછી મળવાનું નક્કી થયું અને ફોન મુકાયો ત્યારે સવારના સાડા ચાર વાગેલા. અચ્યુત ઊંઘી ના શક્યો ,કુમુદ વિચારો ના આવે એટલે સુઈ ગઈ. કશું ના કરીને રમત રમ્યાનો કુમુદને થાક લાગેલો. અચ્યુતનું જાગવાનું કારણ સમજી શકાય, તેનો પુષ્કળ પ્રેમ અને પુષ્કળ હોર્મોન્સ છલકાઈ રહ્યા હતાં!
નગર એવી જગ્યા છે જે ગામ પણ નથી શહેર પણ નથી, નગર એક્કેય વ્યાખ્યામાં બેસે ના એવી જગ્યા. જ્યાં ગામની રૂઢિ અને શહેરની બોલ્ડનેસ મોડર્ન જમાનાના કજોડા લાગે ,જે એક બીજાને પ્રેમ પણ કરે અને એકબીજાને સહન પણ ના કરી શકે.
ચંચુપાતિયા લાગણીશીલ લોકો જોડે રહેવું કુમુદને ગમતું. પણ ઈલુ ઈલુ કરવા થનગનતા બે અલગ અલગ હોર્મોન્સને મળવું એ ૨૦૧૨માં અઘરું હતું, આજેય નગરમાં અઘરું હશે, જ્યાં લગભગ આવતાં જતાં બધા ઓળખતા હોય.
ખરીદીના બહાને ઘરની બહાર નીકળેલી કુમુદે વાળ ધોયા હતાં જે ભીનાં હતા, જે સુકાયા પછી બરછટ થઇ જવાનાં હતાં.
દુકાનમાં બધા એને જોઈ રહ્યા હતાં એના પરથી સાબિત થાય છે કે એ સુંદર હતી. ખરીદી આમ તો બહાનું નહોતું, તેનો જન્મદિવસ હતો અને જન્મદિવસ એ પૈસા ઉડાડી દેવાનું વેલીડ રિઝન હોય છે.
સાંજે સાત વાગે જયારે અચ્યુત તેના બાઈક પર સવાર થઈને આવ્યો ત્યારે ચહેરા પર લોકોનો ડર હતો, કુમુદ તરત તેની પાછળ સવાર થઇ ગઈ તેના પરથી સાબિત થયું કે બંને પહેલા પણ મળેલા છે.
વસ્તીથી દુર હાઇવે પરનાં બે ખેતર વચ્ચે બનાવેલી નાની કેડી પર ગયા. શિયાળાની સ્ટ્રીટલાઇટમાં કુમુદ ચમકતી હતી. દર વખતે ચાંદની રાત ના હોય. અચ્યુતનાં મનમાં અંગ્રેજી ગીતનું ગુજરાતી વર્ઝન વાગવા લાગ્યું.
કોઈપણ પ્રકારની ફોર્માલીટી કર્યાં વગર અચ્યુતે કુમુદને પકડી લીધી. કુમુદ ચુપ રહી.
અચ્યુતને લાલ કમીઝની અંદર કાળી બ્રેસીયરની પટ્ટી દેખાઈ. અચ્યુતનાં મનમાં હંસે પહેરેલો કાળો કાંઠલો ઈમેજીન થયો. કમીઝની એક બાજુ ઉતારવા ગયો અને કુમુદ જોડે નજર મળી તો ઉપર ચઢાવી દીધી.
કુમુદનું અસ્તિત્વ આ કરવાની ના પાડતું રહ્યું પણ એ યંત્રવત રહી. અચ્યુતને ગાળ દેવાનો અર્થ નહોતો. તેના હોર્મોન્સ ઉછળી રહ્યા હતાં અને તેનો સ્પર્શ કુમુદને ઓગાળી રહ્યો હતો.
બે શરીરનો એક જ પડછાયો પડી રહ્યો હતો જે કુમુદને ખાઈ રહ્યો હતો.
અચાનક અચ્યુતે કુમુદનાં હોઠ પર હોઠ મૂકી દીધા. કુમુદ માટે આ ખુબ લાક્ષણિક પરિસ્થિતિ હતી. એને કદાચ ચુંબન ચોપડતા આવડતું હતું, એને ખબર હતી કે અચ્યુત માટે આ પહેલી વાર હતું એટલે સ્વાભાવિક છે કે ના આવડે પણ કુમુદે દિવેલ પીધાં જેવું મોં કર્યું અને કંઇક થૂંકી દીધું, કુમુદનાં મોઢામાંથી ચ્યુઇંગગમ નીક્ળ્યું. બહુ બધી વાર એણે થૂ થૂ કર્યું. અચ્યુતનાં આ ગાંડપણ પર હસવું કે ગુસ્સો કરવો એ ના સમજાયું. કિસ કરતી વખતે સ્મેલ સારી આવે તે હેતુથી આ કરવામાં આવ્યું હતું.
એટલામાં મેઈન રોડ પરથી કેડી પર આવતી બાઈકની હેડલાઈટના લિસોટા પડ્યા. બે જણ ત્યાંથી ઉપડી ગયા. કોઈ દેખે ના એમ અચ્યુત કુમુદના ઘરથી થોડે દુર એને મૂકી ગયો.
કુમુદ ફરીથી કડવું હસી ગઈ..
-જ્યોતિ