Zindagino aaino - Samay in Gujarati Short Stories by Rekha Vinod Patel books and stories PDF | જિંદગીનો આઈનો- સમય

Featured Books
Categories
Share

જિંદગીનો આઈનો- સમય


જિંદગીનો આયનો-સમય.... રેખા પટેલ

આજથી ચાલીસ વર્ષ પહેલાં ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં સોહનચંદ રાયચંદ નામના યુવાને કાપડ ઉદ્યોગમાં ઝંપલાવવાનો વિચાર આવ્યો અને એ માટે તેણે શહેરમાં મિલ સ્થાપવાનું નક્કી કર્યું.જે એની ત્યારની પરિસ્થિતિ જોતા એનાં માટે આસાન નહોતું.કારણકે તેની આર્થિક સ્થિતિ એટલી મજબુત નહોતી.એનાં માટેફંડ નહોતું.પરંતુ એ સાહસી યુવાનના સાહસ અને મજબુત મનોબળના કારણે આખરે મિલ સ્થાપીને જ ઝંપ્યો.....

સોહનચંદે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે, પહેલા અમદાવાદ નજીક ગામડામાં આવેલી બાપદાદાની જમીનો વેચી. કેટલાક મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા અને પાસે પડેલી બધી જ મૂડી આ સ્વપ્ન યજ્ઞ માટે લગાવી દીઘી. તેના આ કાર્યમાં નવી પરણીને આવેલી પરણેતર ગાયત્રીએ પોતાની સાથે લાવેલા દાગીના પણ સ્વેચ્છાએ આપી દીધા. એક અર્ધાગીની હોવાની પોતાની ફરજ અદા કરી હતી.

શેઠ રાયચંદનો એકનો એક પુત્ર હોવાના ફાયદા રૂપે તેને લંડન જઈ તાલીમ મેળવવાનું અહોભાગ્ય મળ્યું હતું. ત્યાંથી શીખેલું જ્ઞાન અને શિષ્ટતા પાલન તેને અહીંયા બરાબર કામ આવી રહ્યા હતા. સોહનચંદનાં પિતા શેઠ રાયચંદની અમદાવાદમાં કાપડની ધમધોકાર ચાલતી બે દુકાનો હતી.એનાં દીકરા સોહનને તો બસ કાપડ બનાવવામાં રસ હતો અને તે માટે તેણે બરાબર કમર કસી હતી
સોહનને કોઈ આર્થિક કારણોસર બંધ પડેલી એક મિલને પોતાનું સ્વપ્ન સાર્થક કરવા ખરીદી લીધી.

ત્યારથી સોહનચંદમાંથી શેઠ સોહનચંદ થવાના સફરની શરૂવાત થઇ ચુકી હતી.સોહનચંદની આ સફર શરૂ થઇ પછી રાત દિવસ જોયા વિના બસ કામ કામ ને કામ......નાના પાયે થયેલી શરૂવાત તેમની તેજસ્વી અને વિચક્ષણ બુદ્ધિના કારણે બહુ ઝડપથી એક ખ્યાતનામ મિલ બનવા તરફ પ્રયાણ કરી રહી હતી

સો કામદાર થી શરુ થયેલી તેમની મિલ બે વર્ષમાં તો એક હજાર કામદારનો આંકડો આબી ગઈ હતી.અને વાર્ષીક વેંચાણનાં આકડાઓમાં પંદર ગણૉ વધારો થયો.બે વર્ષનાં ગાળાં સૌ કોઇને અંચંબિત કરી દેતી પ્રગતિ કરી હતી..માત્ર બે વર્ષમાં હવે એની છાપ સોહનચંદ શેઠની પડી ગઇ હતી

સોહનચંદ ફક્ત રૂપિયા પૈસાને મહત્વ આપતા એવું નહોતું.પરંતુ તે જાણે શિષ્ટતા અને સમય સૂચકતા ઘોળીને પી ગયા હતા.દરેક વસ્તુ સમયસર કરવાના જબરા આગ્રહી હતા અને આજ કારણે તેમની મિલનાં મજદૂરથી લઇ કર્મચારી સુધ્ધા મોડા આવવાની ભૂલ નહોતો કરતાં.કારણકે જો કોઈ આમ કરે તો તેની આખા દિવસની રોજગારી કપાઈ જતી.કેટલાક છાને ખૂણે કહેતા કે "શેઠ ઘડિયાળ ગળી ગયા છે અને હવે કાંટા ઉપર જીવે છે"

સમયનાં સાચા પાબંધ અને સ્વભાવે થોડા કડક હોવાં છતાં પણ તે અહી કામ કરતા કામદારોમાં પ્રિય હતા. તેનું કારણ હતુ કે શેઠ કડક હોવા છતાં ઉદાર વ્યક્તિત્વના માલિક હતા. બહાર સખત નાળીયેર જેવા અંદર મુલાયમ કોપરા જેવું હ્રદય હતું.

લંડન તાલિમ પામી હોવાથી વર્કર વેલફેર અને અન્ય સુવિધાઓનો ખાસ ખ્યાલ રાખતા હતાં. મિલમાં કામ કરતા મજુરો માટે પ્રાથમિક સારવાર માટે દવાખાનું અને નાના બાળકો માટે ખાસ બાલમંદિર જેવું મિલની પાછળના ભાગમાં બનાવડાવ્યું હતું.જેથી નાના બાળકોની ચિંતા ના રહે અહી કામ કરતા માતાપિતાને એની ચિંતા નાં રહે અને બાળકોનો પ્રાથમિક પાયો પાકો બને. કારણકે તે માનતા હતા કે પાયો પાકો અને મજબુત હોય તોજ ઈમારત ટકી રહે છે. અને ભૂખ્યા પેટે કદીયે સો ટકા સારું કામ કરી શકાતું નથી. માની તેમની પ્રાથમિક જરૂરિયાતો ઉપર ખાસ ઘ્યાન રાખતા. વધારામાં અહી કામ કરતા કામદારોની ઘાર્મિક લાગણીઓ ને પણ ઘ્યાનમાં રાખી નાનકડા મંદિરની બાજુમાં મુસ્લિમ કામદારો નમાજ પઢી શકે એવી નાની મસ્જીદ પણ બંધાવી હતી.જ્યાં દરેક પ્રસંગોને તહેવારોને સાથે મળી સાથે ઉજવવાની નેમ હતી. આ જ કારણસર અહી કોમી એકતા દેખાતી હતી

વધારે પડતી ઘાક તમને તમારા પોતાનાઓથી અલગ રાખે છે.તે વાત સોહન ચંદ ભૂલી ગયા હતા.તેમનું બધુજ ઘ્યાન અત્યારે બાદ પૈસા અને શાખ કમાવવા પાછળ હતું.એમની આબરુની એને મન બહુ કીમત હતી.શેઠ રાયચંદનાં અવસાન પછી તેમને બાપદાદાની દુકાન જ્યાં હતી ત્યાં તેમનાં રીટેઇલ શોરૂમ શરૂ કર્યા હતાં.આ બાજું સોહનચંદનું સમગ્ર ઘ્યાન મિલ પાછળ લગાવી દીધું.સમય સમયનું કામ કરે છે. આમને આમ બીજા પાચ વર્ષ નીકળી ગયા હવે શેઠની શાખ અને ઘાક બધે ફેલાઈ ગઈ હતી.તેમની મિલનાં ઉત્પાદન અને માલની ગુણવત્તાનું નામ હતું. તેઓ ઈમાનદારીથી કહ્યા પ્રમાણે માલ લેવા મોકલવામાં માનતા હતા.બંધ પડેલી નાનકડા પાયે શરુ થયેલી મિલ હવે સોહન મિલના નામે જાણીતી બની ગઈ હતી.એ જમાનાંમાં કાચા માલ માટે રૂમાંથી દોરા બનાવવા માટે સ્પીંડલ મશીનો વસાવવાં એક સપનાં જેવું હતુ. ત્યારે એને જર્મનીથી ખાસ સ્પીંડલ મશીનો બેસાડીને કાચા માલ બનાવવાની એક જુદી ફેકટરી નાંખી હતી.

અત્યારે કામ કરવાના દિવસો છે એમ સમજી તે પરિવાર સાથે કૌટુંબિક કારણ વિના ક્યાય બહાર જતા નહિ.નાં કોઈ મોજ શોખ અને નાં કોઈ વેકેશન...તેઓ હંમેશા કહેતા અત્યારે કામ કરવાના દિવસો છે.હરવાં ફરવા માટે આખી જિંદગી પડી છે .

તેમની ઘાક ઘરમાં પણ પ્રસરતી જતી હતી અને તેનાં કડપ હેઠળ ઘરના સદસ્યો જીવતા હતા.ઘરના નોકરોથી લઇ ગાયત્રીબેન અને દિકરો ઘવલ સોહનચંદના ઘરે આગમન થતાં જ જીવતા યાંત્રિક બની જતા હતા.વધારે પડતી મીઠાસ કે છૂટછાટ જેમ ઝેરનું કામ કરે છે એ જ રીતે વધુ પડતી કડવાસ કે બંધન બળવાનું કામ કરે છે.

હવે ઘવલ દસ વર્ષનો થઇ ગયો હતો.પહેલા તે પિતાજીનાં ગુસ્સાથી ડરતો હતો કે તેની કોઈ વાત નહિ ગમે અને ગુસ્સો કરશે અને ડાંટ ખાવી પડશે.પરંતુ હવે સમાજણો થતા તે પિતાજીની વાત સામે પોતાનો વિરોધ નોધાવતો થઇ ગયો.સોહનચંદ ,શેઠને આ વાત ખુચતી હતી.આથી પોતાના જેવી શિષ્ટતા શીખવવાના હેતુ થી એકના એક દીકરાને નાની વયમાં દેહરાદૂનની કોન્વેન્ટ સ્કુલમાં મોકલી દીધો. તેમની ઇચ્છા તો ધવલને પરદેશ મોકલવાની હતી પરંતુ ગાયત્રીબેનની સ્ત્રી હઠ સામે તે ઝુકી ગયા હતા .

સોહનચંદ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા હોવાથી ગાયત્રીબેન ઘરમાં નોકરો સાથે એકલા થઇ ગયા હતાં.જરા સમય મળે તો દીકરાને મળવા પ્લેનમાં કે ટ્રેનમાં પહોચી જતા.સોહન શહેરની બહાર ભણતો હોવા છતાં મા દીકરા વચ્ચે પ્રેમ અકબંધ રહ્યો હતો.પરંતુ સોહનચંદની વ્યસ્ત જિંદગીના કારણે એનો પુત્ર એનાથી દુર થતો હતો.કારણકે તેના નાનકડા મગજમાં ઘુસી ગયું હતું કે પિતાજીની જીદને કારણે આજે તે તેની વહાલસોઈ માતાથી દુર રહેવું પડે છે.

હવે ઘવલ ફક્ત ઉનાળાની રજાઓમાં ઘરે આવતો હતો.જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે બસ આખો દિવસ તેની માતા સાથે અથવા જુના મિત્રો સાથે વિતાવી દેતો.આ દરમિયાન બહુ ઓછો સમય તે શેઠ સોહનચંદ સાથે વિતાવતો અને સમય થતા પાછો ચાલ્યો જતો. આમજ સમય ઉડતો રહ્યો.હવે ઘવલ દહેરાદુનથી સીધો આગળ ભણવા માટે સીધો અમેરિકા બોસ્ટનની યુનીવર્સીટીમાં પહોચી ગયો.તેના જવાની બહુ મોટી અસર ગાયત્રીબેન ઉપર પડી હતી.તે આ બધી સુખસાહબી વચ્ચે પણ એકલતા અનુભવતા હતા અને સોહનચંદ કામમાં વધુને વધુ ખુંપતા જતા હતા આમ ને આમ સોહનચંદે આ વર્ષે બાસઠ બર્ષ પુરા કર્યા .

બે વર્ષ પછી એક દિવસ અચાનક ધવલનો ફોન આવ્યો. "
મા,પિતાજી જય શ્રી કૃષ્ણ ,મારે તમને એક ખાસ વાત કરવાની છે " ઘવલે વાતની શરૂવાત કરી"
હા બેટા, બોલને" ગાયત્રી બેન દીકરાનો ફોન આવતા ખુશ થઇને બોલ્યા."
મોમ.....,તારા માટે મે વહું શોધી લીધી છે.હું મિતાલીને પસંદ કરું છું.તે અહીના ગુજરાતી પરિવારમાંથી આવે છે.તેના પિતા રાજેશભાઈ અહીના મોટેલ કિંગ છે.તેમની આ એકની એક અમેરિકામાં જ્ન્મેલી યુવતી છે.અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ.પન મોમ.......તેની એક શરત છે કે તે ઇન્ડીયામાં આવી અમદાવાદમાં સેટલ નહી થાય "

ધવલની આ વાત સાંભળીને અચાનક અચંબિત અને થોડા દુખી ભાવે ગાયત્રીબેન બોલ્યા, "પણ બેટા......,તારા વગર અમારું શું? તું એકમાત્ર અમારો અને ખાસ મારો સહારો છે" આટલું બોલ્યા પછી ગાયત્રીબેનની આંખો ભીની થઇ ગઇ "
મા હું સમજુ છું,તારી વાત પણ સાચી છે પણ,હું મિતાલી વિના નહિ રહી સકું અને ત્યાં આવીને મારે પિતાજીના હાથ નીચે જ કામ કરવું પડશે જે મને મંજુર નથી.જો તું મને પ્રેમથી અને ખૂશીથી હા કહે તો સારું."ઘવલે માતાની મમતાની આડ લઇને છેલ્લો દાવ ફેક્યો ... તે જાણતો હતો કે મા તેની ખુશીમાં ખુશ થશે અને પિતાજી તો આમ પણ કામમાં ખુશ રહે છે.

બન્યું પણ એ જ જે ધવલ ધારતો હતો.ગાયત્રીબેન અને સોહનચંદે દીકરાની ખુશીને પોતાની ખુશી શોધી લગ્ન માટે હા કહી અને બંનેને લગ્ન કરી થોડો સમય ભારત આવવા જણાવ્યું.

ઘવલ અને મિતાલી મહિના માટે ઇન્ડીયા આવી થોડો સમય અમદાવાદ અને થોડો સમય ભારત દર્શન કરી પાછા પોતાના અલગ બનાવેલા માળામાં અમેરિકા પહોચી ગયા.જેટલા દિવસ ધવલ અને મિતાલી અહીં રહ્યા એ દિવસો ગાયત્રીબેનના જીવનનાં સુખ દીવસો હતા અને પહેલીવાર શેઠ સોહન ચંદે મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવ્યો હતા અને ત્યારે પહેલી વાર તેમને અહેસાસ થયો કે આટલું મેળવવામાં ઘણું ગુમાવ્યું છે.પહેલીવાર પત્નીના લાંબા કાળા વાળમાં સફેદીની ઝાય જોઈ હતી.તેના ગોરા ચહેરા ઉપર ઝીણી કરચલીઓનું બંધાતું જાળું જોયું હતું અને આંખોમાં એક ખાલીપો પણ અનુભવ્યો હતો , અને દીકરાને બચપણથી લઇ જુવાનીના વેશમાં પલોટાતો જોવાનો મોકો ચુકી ગયાનું દુખ તરવરી ઉઠ્યું હતું.

આજે સુતા સુતા પથારીમાં સોહન ચંદે એક નિર્ણય લીધો "બસ હવે બહુ થયું હવે બાકીની જિંદગી હું ગાયત્રી સાથે શાંતિથી વ્યતીત કરીશ"

બીજા દિવસ ની સવારે આકાશ આખું ગોરંભાએલું હતું.કાળા વાદળાઓ સૂર્યને ઢાંકવાની કોશિશ કરતા હતા અને આ વરસું વરસું કરતો વરસાદ કોણ જાણે કોની પ્રતીક્ષામાં અવઢવમાં હજુય ઘેરાએલો હતો.

હંમેશની માફક વહેલી સવારે ગાયત્રીબેન થોડીવાર પ્રાણાયામ કરીને નાહી પરવારીને પૂજાઘરમાં ગયા.તે પૂજા વિધિ સંપન્ન કરીને પાછા આવે છે ત્યારે રોજની જેમ સોહનચંદ બહાર બાલ્કનીમાં બેસી પ્રાણાયામ કરતા હોય કે પછી હળવી એકસરસાઈઝ પતાવતા હોય આ છેલ્લા દસ વર્ષથી ચાલતો નિયમ હતો.પણ આજે કોણ જાણે સોહનચંદ હજુ પથારી છોડી બહાર આવ્યા નહોતા. કદાચ વાતાવરણની અસર હશે એમ સમજીને ગાયત્રીબેન રાહ જોઈ બેસી રહ્યા.પરંતુ એને સોહનચંદનાં રૂમમાંથી ઉહાકારો સંભળાતા તે અચાનક ચમકી ગયા.રૂમમાં જઈને જોયું તો સોહનચંદ શેઠનું શરીર તાવમાં તપતું હતું. તેમને બુમ પાડી નોકર ને બોલાવ્યો. ફટાફટ ફેમિલી ડોક્ટરને ફોન કરી અને તુરતં સોહનચંદને માથે ઠંડા પાણીના પોતા મુકવા બેસી ગયા.

ફેમિલી ડોકટર શાહ તુરત અવી ગયા.તેમણે તાત્કાલિક સારાવાર આપી અને તેમનું બ્લડ ટેસ્ટ માટે મોકલી આપ્યું.જતા જતા કહેતા ગયા,"ગાયત્રીબેન,ચિંતા ના કરશો.હું કાલે રીપોર્ટ આવશે એટલે જાતે જ આવી જઈશ અને કામ હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકો છો."

આજે પહેલી વાર શેઠ મિલ ઉપર ગયા નહી.આખો દિવસ આરામ કર્યો.અચાનક શું થયું હશે તે પણ વિચારમાં પડી ગયા હતા!! બીજા દિવસે પણ અશક્તિ લાગતી હતી અને ડોક્ટર શાહના કહ્યા મુજબ આજે પણ તેમને આરામ કરવાનો હતો.બપોર થતાં ડોક્ટર જાતે બંગલે આવી પહોચ્યા."
કેમ છો સોહન શેઠ મઝામાં છો ને"ડૉ.શાહ હસતા બોલ્યા તે શેઠના મિત્ર હતા ,
શેઠ મિત્રની ફિક્કી હસીને જાણી ગયા"બોલો.....,રીપોર્ટ શું કહે છે.વિના અસંકોચે મને જણાવો ડોક્ટર.મરીઝથી દરદ છુપાવશો તો તે ઈલાજ કેમ કરી કરાવશે"સોહનચંદ સાહજિક થઈ બોલ્યા....
"
હા મિત્ર મારે તમને કહેવુ જ પડશે કારણકે આ વાત ભાભીજીને હું કહી શકું તેમ નથી અને ધવલ પણ દેશમાં નથી.તો તમને કહું છું કે તમને હાડકાનું કેન્સર છે અને તે પણ છેલ્લા સ્ટેજનું બહુ ઝાઝો સમય હાથમાં નથી રહ્યો.છતાં પણ હું મારાથી બનતી કોશિશ કરીશ તમે હિમત નાં છોડશો , પરતું એક વાત કહો કે આટલી સ્થિતિ કાબુ બહાર થઇ પણ તમને જરાય સરખી ગંધ નાં અવી?" ડોકટરે પૂછ્યું

"ડોક્ટર ભારે કરી!આજે પહેલી વાર તમને મારી સારવાર કરવાનો મોકો આપ્યો અને તેમા પણ તમે પીઠ બતાવી ? ચાલો કઈ નહિ જેવી ઉપરવાળાની મરજી.બાકી છેલ્લા મહિનાથી મને થાક વરતાતો હતો.થોડું શરીર કળતું હતું.પરંતુ ધવલ સાથે સમય વિતાવ્યા પછી કામનું ભારણ વધી ગયું હતું તો મેં બહુ ઘ્યાન નાં આપ્યું." સોહન શેઠના અવાજમાં પહેલી વખત કંપતો હતો.
કંપતા અવાજ પર કાબુ મેળવી ને સોહનચંદ બોલ્યા,"ભલે ડૉકટર....,જેવી ઈશ્વરની મરજી.પણ ડોક્ટર તમે હમણા ગાયત્રીને કઈ નાં જણાવતા.હું ખુદ સમય આવ્યે જાતે જણાવીશ""
ભલે પણ તમે સમયસર મારી હોસ્પીટલમાં ચેક અપ માટે આવજો.ત્યા જ ડોક્ટર જેસ્વાનીની સારવાર શરુ કરી દઈશું." કહીને ડોક્ટર ઉઠ્યા.

ડૉકટર વિદાય થતા,સોહન શેઠે વિચારમાં પડી ગયા.આજ લગી બધા સુખ ચેન ભૂલી માત્ર નામ અને પૈસા માટે જીવ્યો અને તેમા હું ભૂલી ગયો કે સમયનું કેટલું મહત્વ છે?આજ સુધી માનતો હતો કે થાય ત્યાં સુધી કામ કરી લેવા દે પછી શાંતિથી જીવીશ ...પણ હવે ક્યા સમય છે.શાંતિ ક્યા છે?હવે આ અઢળક ધનને શું કરવાનું?કાલ કોને દીઠી હતી? સમયના રહેતા બધું ભોગવ્યું હોત તો આજે આ અફસોસ નાં રહેત.હવે એને આજે તેમણે નક્કી કરી લીધું કે સમય તો રહ્યો નથી કે હું આ ધનને વાપરી શકું.પંરતુ એવું કઈક કરુ કે મારી મહેનતનું ઘન સત્કર્મમાં વપરાય.

દીકરાને તો આ રૂપિયાની જરૂર નથી અને ગાયત્રીને ઘનનો કોઈ લોભ નથી.તેથી તેની કંપનીના ચાલીસ ટકાના શેર પોતે રાખી બીજા બધા શેર મિલના જુના અને વફાદાર કામદારોમાં વહેચી આપ્યા.

હવે પાસે પડેલા ઘનને જરુરીયાત સુધી પહોચાડવાનું બીડું હાથમાં લઇ શહેરની અલગ અલગ સંસ્થાઓમાં નીકળી પડ્યા.સીધા તે અનાથાશ્રમમાં ગયા.બહાર પ્રાંગણમાં મોંઘીદાટ વિલાયતી ગાડીને પાર્ક કરી નીચે ઉતર્યા.પહેલીવાર અહી આવતા હતા.તેમના મનમાં એમ હતુ કે બિચારા લાગતા બાળકો વિલા મ્હોએ અહી બેઠેલા જોવા મળશે.પરંતુ તેમની કલ્પનાથી વિરુદ્ધમાં ખીલખીલાટ હસતા રમતા બાળકોને નાં આજની ચિંતા હતી નાં કાલની ફિકર.તેમણે પહેરેલા સસ્તા કપડામાં પણ ખુશી ચહેરા પર છલકાતી હતી.અહી પૈસા કરતા પ્રેમની જરૂર વધુ હતી.છતાં મનની ઈચ્છા પૂરી કરવા દાન આપી બીજે ગયા.

હવે તે પહોચ્યા વૃધ્ધાશ્રમ.ત્યાં પણ જોયું કે કેટલાક વૃધ્ધો ભેગા મળી હરિભક્તિ કરતા હતા કેટલાક જીવનની ખટમીઠી વાતો મમળાવતા હતા.હવે તેમને આ આજની ચિંતા હતી કે નાં હતી કાલની ચિંતા.અહી પણ તેમણે જોયું કે પૈસા કરતા પ્રેમની જરૂર વધુ હતી.ત્યાં દાન આપીને તે હોસ્પિટલ અને બીજી કેટલીક સંસ્થાઓમાં ફરી વળ્યા.

આમ તે જ્યાં જ્યાં જતા બધે તેમને પ્રેમનું મહત્વ વધુ લાગતું હતું.બસ એક ભૂખ પાસે પૈસો ઉંચે ચડતો હતો.આથી સોહનચંદે સારો એવો હિસ્સો ભુખ્યાના ભોજન માટે અન્નક્ષેત્ર બંધાવવા માટે અલગ રાખ્યો.

હવે તે ગાયત્રીબેન સાથે વધુ સમય વ્યતીત કરતા હતા.તેમની સાથે સગાવહાલાના ઘરે પણ જઈ આવતા હતા... બધાને સોહનશેઠના આવા બદલાતા વર્તનથી આશ્ચર્ય થતું હતું. પણ બધા ખુશ હતા કે ચાલો હવે શેઠ વ્યવહારુ થતા જાય છે.

સોહનશેઠના અચાનક બદલાવને કારણે ગાયત્રીબેનને નવાઈ લાગતી હતી.તે સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે!!!! બહુ પૂછતા સોહનચંદે ગાયત્રીબેનને સાચી વાત જણાવી દીધી. સોહનચંદ શેઠની વાત સાંભળીને પહેલા તો ગાયત્રીબેન બહુ રડ્યા,પણ તે બહુ હિંમતવાળા હતા. તેમને તરત ધવલને ફોન જોડ્યો અને બધી વાત કહી સંભળાવી બદલામાં દીકરો વળતી ફ્લાઈટે અમદાવાદ આવી ગયો. શેઠની આંખોમાંથી પહેલી વાર પાણી નીકળી આવ્યા. જે દીકરાને અને પત્નીને જરા સરખો સમય નહોતો આપ્યો તે તેમનું બધું કામ છોડી આજે મારી પાસે ઉભા છે ...

પિતાજી તમે જરાય ચિંતા નાં કરો તમને કશુય નથી થવાનું જુવો અહી સિવિલ હોસ્પીટલના કેન્સર ડીપાર્ટમેન્ટનાં હેડ ડોક્ટર મિતાલીના મામા છે. આપણે આજે જ ત્યાં જઈને તમારું ચેક અપ કરાવી આવીએ. બધા ચેકઅપ અને બ્લડ ટેસ્ટ પછી ડોકટરે ધવલ અને સોહન શેઠને ફરી બોલાવ્યા."જુઓ સોહન ભાઈ.....,તમે ખુશ થાઓ.તમને કશુ જ નથી થયુ.તમારો બ્લડ રીપોર્ટ બીજા પેશન્ટ સાથે બદલાઈ ગયો હશે.તમે એકદમ તંદુરસ્ત છો."

ડૉકટરે સચ્ચાઇ જણાવતા બધા ખુશ થયા. સહુથી વધારે ખુશ શેઠ સોહન ચંદ હતા કે ડોક્ટરની એક ભૂલે તેમને જિંદગીનો સાચો આયનો બતાવી દીધો, અને તે સમજી ગયા કે પૈસાનું મહત્વ છે.પરંતુ જિંદગી પણ જીવવા જેવી છે.સમય રહેતા થોડી થોડી ખુશીની ક્ષણોને જીવી લેવી જોઈએ ના જાણે સમય ક્યારે દગો દઈ જાય.

સોહન શેઠની તંદ્રા તોડતા ઘવલ બોલ્યો " પિતાજી ચાલો આ બહાને મને આવવાનો સમય મળ્યો છે હવે આપણે સાથે એકાદ વેકેશન લઇ આવીશું ,આ બહાને બધાના માઈન્ડ ફ્રેશ થઈ જશે". બધાએ તેનું આ સૂચન હર્ષથી વધાવી લીધું......
-
રેખા વિનોદ પટેલ

ડેલાવર (યુએસએ)

rekhavp13@gmail.com

૨૨૭૦ (શબ્દો )