Jivtar in Gujarati Short Stories by Minaxi Chandarana books and stories PDF | જીવતર

Featured Books
Categories
Share

જીવતર

ડોશીને ક્‍યાંય સખ નહોતું. છોકરાને સમજાવ્‍યો, પણ એ માન્‍યો નહીં. ટોળાંનો શું કે એકલદોકલનો શું! કોઈનોય ભરોસો કરાય એવું રહ્યું નહોતું. એવામાં કરફયુમાં છૂટ મૂકાઈ. શેઠનો સંદેશો આવ્‍યો, કે છોકરાએ દુકાને જઈને બધા મોબાઇલ ઘરભેગા કરી દેવા. છોકરો તો દુકાને જવા તૈયાર થઈ ગયો. ડોશીને આ જરાય નહોતું ગમ્‍યું. ડોશીએ છોકરાને કહ્યું, કે મૂઉં, પૂળો મૂક એવી નોકરીમાં! પંદર દા'ડે-મહીને, આજ નહીં, 'ને કાલ બીજી નોકરી મળી જશે, પણ છોકરો માન્‍યો નહીં, ધરાર ગયો...

રોજેરોજ તો સીધાસાદા દેખાતા આ શહેરમાં એક તણખો ઝરવા જેટલી જ વાર રહેતી. સાથે રહેતી, સાથે નોકરી-ધંધો કરતી એકબીજાની ધાર્મિક આસ્‍થા પરના નાના ધંધામાંથી પણ રોટલો રળી ખાતી આ આમ પ્રજા... શી ખબર, કયા કારણે, એ જ આસ્‍થાની વાતમાં સામસામે આવી જઈ મારવા-મરવા પર ઊતરી આવતી હતી! આડા દિવસે સત્‍ય-અહિંસાના ગુણગાન ગાતો એક સામાન્‍ય માણસ, બીજા સામાન્‍ય માણસની, જીવતા-અજાણ્‍યા-નિર્દોષ-નાના માણસની, રીતસર કતલ કરતા અચકાતો નહોતો. ડોશીના જીવને ક્‍યાંય સખ નહોતું. વલોપાતનો પાર નહોતો, અને માથે ઢગલો કામ ગાજતું હતું.

ડોશીએ પાસેની દુકાનેથી બે કિલો બાજરી લઈને વીણી, અને ઘંટીએ નાખી, સહિયારા નળે જેમ તેમ પાણી ભર્યું. શાક-પાંદડું ઘરભેગું કર્યું. કપડાં ઝીંકી કાઢયાં, વાસણ માંજયાં. ચૂલો પેટાવી ખાવાનું બનાવ્‍યું. એટલામાં તો ડોશીના પગ એકી-બેકી રમવા માંડયા. મૂળે તો વિચારમાં ‘ને વિચારમાં અડધી રાત આમથી તેમ પડખાં ફેરવ્‍યાં હતાં. વળી ગરમી અને મચ્‍છરેય ઊંઘ ઉડાડવા માટે પૂરતાં હતાં. ‘ને એમાં ધમાલની ધાક એવી, કે બારી ખુલ્લી રાખતાંય વિચાર કરવો પડે એમ હતું. ઊંઘ આવે ક્‍યાંથી? થાકેલી ડોશી બેસી પડી, ‘ને પોતાનાં હાથે પોતાનાં પગ, જેમ-તેમ, દબાવતી રહી.

પગ દાબતાં-દાબતાં એના મનમાં ઊગ્‍યું, કે જાણે સામે બેસીને ડોસો એના પગ દબાવી આપે છે. એના મ્‍લાન, થાકેલા મોં પર હોઠ જરા મલક્‍યા, અને સ્‍મિતનું એક હળવુંશું તરંગ ફરી વળ્‍યું. “ડોસો તો પાછો આવવાનો નથી… પણ મૂઆએ મને સાચવી‘તી એવી...” ડોશી મનમાં બબડી. ખાવા-પીવા, પહેરવા-ઓઢવા તો બહુ સારું નહોતી પામી એ ડોસા પાસેથી, પણ એ હતો ત્યારે એટલું તો દીધું ‘તું, કે ગયો ત્‍યારે ડોશીના મોં પરનું નૂર ‘ને શરીરનું ચેતન, બધું ઉસેડીને લેતો ગયેલો! “બાકી પચ્‍ચા ‘ને માથે પાંચ... એ કંઈ જાતે પગ દાબવા પડે એવી ઉંમર નથી...”

પાકેલી ‘ને થાકેલી ડોશી ઘેનમાં સરવા માંડી. ખુલ્લાં બારણાંનું એને ભાન ન રહ્યું. જરી વાર થઈ, ‘ને પડોશણ આવી. ખુલ્લું ફટ્ટાક બારણું જોઈને એ અંદર આવી‘તી, ‘ને ડોશીને ઊંઘતી ભાળી! હલાવીને ઉઠાડી. “ભારે સુખિયો જીવ ડોશી તારો, આમ ખુલ્લાં ફટ્ટાક દરવાજા, ‘ને ઊંઘ આવી જાય છે...!” એવું બબડતી, બારણું બંધ કરાવી, ‘ને પડોશણ ગઈ. ડોશી ફરી આડી પડી ગઈ.

ફરી મન ચગડોળે ચડયું. છોકરાની ચિંતા થવા લાગી. ક્‍યારે આવશે આ છોકરો!? માંડ કફર્યુ છૂટયો ‘તો જરી વાર માટે, ત્‍યાં શેઠિયાએ ધકેલી દીધો દુકાને! શેઠિયાનું શું જાય, છોકરાને ધકેલી દેવામાં... આંયાં છોકરાને જીવનું જોખમ...

ડોશીને ધાક પેઠી, કે છોકરાને ક્‍યાંક ખોઈ બેઠી તો...?! ધાકમાં ‘ને ધાકમાં નીંદર આવતી હતી એય હરામ થવા લાગી. આંખો ખુલ્લી રાખે, તો હૈયાનું ધકધક કાનમાં બઘડાટી બોલાવે... બંધ રાખે, તો શુંનું શું દેખાવા માંડે! “એ... છોકરો સાઇકલ લઈને જાય છે... ચારે બાજુ જોતો જોતો. લે... આ નાળા પરનો પુલ આવ્‍યો... બાપુ, સાચવીને જાજે... સામી બાજુએથી સામાવાળા ઘેરી વળશે... તો કાં તો છરીયું ખમવાની, કાં પછી આ નદી-નાળું-વોંકળો... જે કહો તે, એમાં ભુસ્‍કો મારવાનો... અલ્‍યા, કહું છું... જોઈને જાજે...” ડોશીનો બબડાટ ચાલુ હતો.

“છોકરાએ તો એઈ... ‘ને આ સાઇકલ મારી મૂકી છે... ‘ને આ આવી પૂગ્‍યો દુકાનવાળા રોડ ઉપર. હવે તો બહુ છેટું નથી... આ દુકાનમાં પોગ્‍યો, ‘ને આ સામાન લીધો... બાપા... જલદી નીકળ... છોકરો તો આ સામાન લઈને પાછો સાઇકલ પર સવાર... પાછો વળવાય માંડયો... આ આવી ગયો પુલ ઉપર... હાલ ભાઈ, ઝટ ઘરભેગો થા, હવે બહુ છેટું નથી. ઓ...! આ શું...! કેવડું મોટું ધાડું...! અરે તમે મારા છોકરાને ઝપટમાં લીધો કે શું ? બાપા... એને નો મારશો...! બાપા, એણે કંઈ નથી કઈરું. છોડો એને, છોડો... કોણ સાંભળે ! છરી હુલાવી દીધી... આ સેર છૂટી લાલ... કોનું લોહી આ...! મારા લાલનું? કે બીજી કોઈના લાલનું...! ઘાંઘી-બાઘી ડોશીએ જોરથી ચીસ નાખી...! ‘ને ચીસ નાખતાવેંત સપનામાંથી જાગી પડી...!

પડોશણ દોડતી આવી. જોરજોરથી બારણું ધબધબાવવા માંડી. ચેતન વિનાના પગ ઉપર ઊભા થઈ ડોશીએ બારણું ખોલ્‍યું. ટોળું ભેગું થઈ ગયું હતું. ડૂમો છૂટી પડયો... ડોશી બહુ રડી. બહુ એટલે...! છાતી ફટ રડી. આખું સપનું અને બીજી કૈંક વાતો ઠાલવી દીધી આંસુની નદીમાં. છાતી જાણે હળવી થઈ ગઈ. પડોશણે ડોશીને છાની રાખવા પાણી દીધું. ડોશીને તાળવે તેલ ઘસી આપ્‍યું. ચાર બટકાં મોમાં ઘલાવ્‍યાં. ડોશી બેઠી થઈ.

કોઈક કહેવા લાગ્‍યું, કે મોતનું સપનું આવે એ તો સારું, જેનું મોત ભાળ્‍યું હોય એની આવરદા વધે... કોઈક વળી એમ બોલ્‍યું, કે વહેલી સવારનાં સપનાં સાચાં પડે, કાંઈ દિવસના નહીં... છોકરો અબઘડી કામકાજ પતાવી પાછો આવશે...

ડોશીના જીવમાં જીવ આવ્‍યો, ‘ને વાસણકૂસણ ઘસી, કપડાં વાળી, કામ પતાવી, ‘ને પાછી પગ વાળીને બેઠી. પણ છોકરો ન આવ્‍યો. બપોર ગઈ... સાંજ ગઈ... “છોરો આયો નંઈ...” ડોશી વિચારે છે, ત્‍યાં તો હો-હા સંભળાઈ, ટોળું ઘર બાજુ આવતું દેખાયું. ડોશીની આંખો કંઈ કળે એ પહેલાં ટોળાએ પોટલું પટક્‍યું. ચારે બાજુ, દશે દિશાએ લાલ રંગ દેખાયો. એની વચ્‍ચે આંતરડાનો લોચો... ડોશીએ પાછી એવી જ ચીસ નાખી. એ પડી ગઈ. બેભાન થઈ ગઈ. ભાનમાં આવી ત્‍યારે જોયું તો દીકરી-જમાઈ, ‘ને બીજાં સગાંવહાલાં આવી ગયાં હતાં. પોટલું તો પોલીસ લઈ ગઈ હતી. પોટલાની જગ્‍યાએ ભૂખરું ધાબું દેખાતું હતું.

કોઈએ પાણી પાયું. ડોશીએ પીધું. ‘ને બેઠી થઈ. રડવું ન આવ્‍યું. હૈયામાં જાણે ખાલી ચડી ગઈ હતી. દુઃખ ન લાગ્‍યું એવું ન હતું. પણ છોકરો મરે એ પહેલાં તો એણે છાતી ફાડીને રડી લીધું હતું. કદાચ એ જ સમયે એ મર્યો હશે... કે પછી મરતો હશે...! ડોશીએ ભૂખરા ધાબાવાળી જગ્‍યાએથી નજર હટાવી લીધી. છોકરો જાણે બહારગામ ગયો હોય એમ મન શાંત હતું.

આટલાં વરસોની જેમ બીજા વીસ દિવસો નીકળી ગયા. ડોશી નવી જિંદગીમાં દિવસે-દિવસે ગોઠવાતી ગઈ. ડોશીનું મન ઠેકાણે પડતું જોઈને છોકરીએ પોતાને ઘેર જવાની તૈયારી આદરી.

ડોશીને હવે કોઈ જવાબદારી નહોતી. અને એને એક કામ પણ મળી ગયું હતું. કોઈ બંગલાવાળાને ઘેર આખો દિવસ રહી, ‘ને એક નાનો છોકરો સાચવવાનો હતો. બદલામાં એને રહેવું, ખાવું-પીવું, કપડાં મફત, ‘ને વળી બાર મહીને પાંચ હજાર...! ભલું થજો બંગલાવાળાનું! છોકરી-જમાઈ પણ બહુ સારા, દોડાદોડી કરીને આટલું ગોઠવીને ગયાં...

ડોશી નવા ઘરમાં આવી ગઈ. મનને સમજાવતી-પટાવતી કામ કરવા માંડી. સગવડ તો પહેલા કરતાં વધુ થઈ ગઈ હતી. પાકી રૂમ, માથે છાપરું, છતમાં પંખો, સારું ખાવું-પીવું, સારું કપડું... જોકે, છોકરા વિનાના જીવતરમાં સગવડનો આ કોળિયો ડોશીને ક્‍યારેક ગળે અટકી જતો. પણ જેમ-તેમ જિંદગી ચાલવા માંડી.

એક માઝમ રાતે ડોશીને સપનું આવ્‍યું, કે એનો છોકરો સાઇકલ પર પૂરપાટ ઝડપે આવી ઘરમાં પેઠો છે. ભર્યા શ્વાસે કહે છે, કે મા, મને જલદી ખાવાનું આપ... બહુ ભૂખ લાગી છે... રોટલો... છાસ... ડુંગળી... જે હોય એ ખાવા આપી દે...

ડોશી જાગી પડી. આંખ ખોલી. જોયું તો અજવાળું થવામાં હતું. ડોશી સપનામાંથી ધરતી પર આવી. એને યાદ આવ્‍યું, કે માથે ઢગલો કામ પડયું ‘તું. પોતાનાં કામ ઉપરાંત બંગલાવાળાના બાબાને નવડાવવાનો હતો. ખવડાવવાનું હતું. બંગલાવાળાના સમય બરાબર સાચવવા પડે...

એણે ઝટપટ કામ પતાવવા માંડયું. ન્‍હાઈ-ધોઈ કપડાં દોરી પર નાખતાં ડોશીને લાગ્‍યું, કે કપડાં વચ્‍ચેથી જાણે કોઈ એની સામે ડોકિયું કરી લે છે... અરે...! આ તો ડોસો કે શું...!

ડોશી ઝટ ઘરમાં આવી. અંતરમાં ડોકિયું કર્યું. ડોસો ત્‍યાં બેઠો ‘તો, ‘ને કે‘તો ‘તો, “કોઈની વાતમાં આવીશ નહીં. સવારે જોયેલાં બધાં સપનાં સાચાં પડતાં નથી. તું તારું કામ કરે રાખ. ‘ને હા... કામ પતે એટલે જલદી અહીં આવજે મારી પાસે... પછી તારાં પગ દબાવી દઉં...”

ડોશીએ નીચું જોયું. મ્‍લાન મોં પર ફરી એક સ્‍મિતનું તરંગ ફરી વળ્‍યું. એના નાના ઘરને તાળું માર્યું. ચાવી છેડે બાંધી અને બંગલાવાળાના બાબાને રમાડવા એણે પગ ઉપાડયાં. *