સોનેરી સવાર
સ્વાતિ શાહ
રુપાળી એવી નિવેદિતા માતા પિતા ની એકની એક દીકરી . ખુબ લાડકોડમાં ઉછરેલી .ભણવામાં ખુબ તેજસ્વી . એક ઉનાળાની સાંજે સ્નેહાબહેન અને તે ઘરનાં બગીચામાં બેઠા હતાં ને સ્નેહાબહેનથી જરા બોલાઈ ગયું ,” નિવી તું સાસરે જઈશ પછી હું શું કરીશ ?તારા પપ્પા નો કારોબાર તો તું જાણે જ છે.તેમની આટલી વ્યસ્તતામાં મને તો તારી જ કંપની છે .કાશ તારે એક ભાઈ હોત તો વહુની ઘરમાં મને વસ્તી લાગત .” નિવેદિતા તુરંત બોલી ઉઠે છે ,” મા હું એક દીકરા તરીકે તારી સાથે ઉભી રહીશ તું જરા પણ ફિકર ના કર .સ્નેહાબહેન મન મારી હસતે મોંએ વાત ઉડાડી દે ,મનમાં તો સમજે કે “દીકરી તો સાસરે જ શોભે .”
નિવેદિતા દસમાં ધોરણમાં આવી ત્યારે તેને સહાધ્યાયી રજત સાથે મિત્રતા થઇ , કયારે પ્રેમ પાંગરી ગયો તેનો તેને અહેસાસ નાં રહ્યો .રજત અને નિવેદિતા સાથે અભ્યાસ કરતાં .ઘણીવાર બેઉ નિવેદિતાને ઘરે બેસીને અભ્યાસ કરતાં .સ્નેહાબહેન અને મિલનભાઈ એ આ મિત્રતા સ્વીકારી લીધી હતી કારણ તેમની લાડલી દીકરી હંમેશા યોગ્ય કાર્ય કરતી હોય તેવો દ્રઢ વિશ્વાસ ....
નિવેદિતા એ એક દિવસ રજતને કહ્યું ,” રજત હું તને ચાહું છું .તું શું મને ચાહે છે ?મારા પ્રેમનો સ્વીકાર કરીશ ? મને અપનાવીશ ?” સવાલો થી બઘવાયેલો રજત મૂઢ થઇ નિવેદિતા ને જોતો રહ્યો .રજત મનમાં મુંઝાવા લાગ્યો,” નિવેદિતા ને કહે ,”તું ઉચ્ચકુળમાં જન્મેલી ,સવર્ણ જાતિની અને હું દલિત કોમનો .સમાજ આપણો સ્વીકાર કરશે નિવી ?” નિવેદિતા નો જવાબ તો નક્કીજ હતો,” આપણા લોહી નો રંગ એકછે તો જાતિ જુદી હોય તો શું થઇ ગયું ?રજત, તું કયા જમાના ની વાત કરે છે!હવે જમાનો બદલાયો છે .આપણે ભણેલા ગણેલા લોકો કોમવાદ દુર કરવાનો હોય કે પછી વધારવાનો !!”
નિવેદિતા એ ઘરમાં વાત કરી .સ્નેહાબહેન તો વાત સાંભળતા જ અકળાઈ ઉઠ્યાં .નિવેદિતાને કહેવા લાગ્યા ,” મારાં ઉછેરમાં ક્યાં કચાશ રહી કે તેં એ આવો પ્રેમ કર્યો ?રોજ સવારે મારી સાથે પૂજા અર્ચના કરતી આ શું તું આપણું કુળ અભડાવવા ચાલી ! જાતિ અને કુળનો જરાતો વિચાર કરવો જોઈએ ને .એમનેમ મળવું હળવું એકવાત છે અને ચોવીસ કલાક સાથે રહી જિંદગી કાઢવી અલગ વાત છે .મને તું એક દલિત સાથે સંબંધ બાંધે તે જરાપણ પસંદ નથી .”
સ્નેહાબહેનનો આક્રોશ વધે તે પહેલાં મિલનભાઈ એ વાત વાળી લેતાં નિવેદિતા ને કહ્યું ,”બેટા પહેલાં અભ્યાસ પતાવો પછી બધી વાત .” મિલનભાઈ ને થયું કાચી ઉંમરનો પ્રતાપ છે,પછી સમજાવી દેવાશે. નિવેદિતાને પણ થયું હજી ભણતર પૂરું કરવાની વાત પપ્પાની યોગ્ય છે.રજત સાથે ખુલાસો કરી બંને જણા ભણવામાં પૂરું ધ્યાન આપવા લાગ્યાં . લગ્ન પુખ્તવયના થયા પછીજ શક્ય હતાં .રજત પણ સ્નેહાબહેન ના બદલાયેલા વલણથી થોડો સહેમી ગયો અને નિવેદિતાને ઘરે જવાનું ઓછું કરી દીધું .
બંને દિલ લગાવી ભણતા .બારમાં ધોરણ માં ખુબ સારું રિઝલ્ટ આવ્યું અને બંને સાયન્સ કોલેજમાં સાથે એડમીશન લીધું .નિવેદિતા માટે હવે રજત સિવાય રહેવું અઘરું થઇ ગયું હતું . રાતભર પ્રેમની તડપન, સવાર પડતાં ક્યારે કોલેજ નો સમય થાય ને દોડે રજતને મળવા , હવે તો કોઈ વાતે તેનું ચિત્ત ચોંટતું નહતું .અવારનવાર રજતને લગ્ન કરવા ઉતાવળ કરતી રહેતી . રજત જ્યારે પણ નિવેદિતા સાથે વાત કરે ત્યારે બહુ ડાહી ડમરી વાતો કરતો , પણ તેને પોતાને ઘરે એક પણ વાર લઈ નહોતો ગયો .
શ્રાવણ નો વરસાદ ઘેરાયેલો હતો , આજે નિવેદિતા પ્રણયમાં ચકચૂર હતી .રજત પણ ખૂબ રોમેન્ટિક મુડમાં હતો . કોલેજ બંક મારી લોન્ગ રાઈડ પર નીકળી પડ્યાં . પ્રેમનો આવેશ હંમેશા બધું ભુલાવી દેછે તેવું જ થયું . પ્રેમાવેશમા મર્યાદા ઓળંગાઈ . નિવેદિતાને હવે લગ્નની ઉતાવળ આવી .રજતને સમજાવ્યું.રજત ની મુંઝવણ માં ઉમેરો થયો .મનમાં વિચારવા લાગ્યો , "નિવેદિતા ને કેમ કરી સમજાવું કે બંને ના વિશ્વ માં કેટલો બધો તફાવત છે ." પોતે પ્રેમ કરી બેઠો પણ જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે પચાવવી અઘરી થઈ પડી . દલિત કોમની રહેણી અને સવર્ણ જાતિનાં લોકોની રહેણીમાં આભ જમીનનો ફર્ક તે રજત જાણતો હતો ,અરે બંને ની બોલવાની રીતથી માંડીને ખાવાપીવામાં ફર્ક હતો. રજત જ્યારે નિવેદિતા સાથે હોય ત્યારે તેની ભાષા અને ઘરની રોજબરોજ ની ભાષામાં પણ ફર્ક. નિવેદિતા સાથે સંયમી ભાષા જ્યારે ઘરમાં રોજબરોજ તો અપશબ્દોનો ઉપયોગ છાશવારે થતો .
વિચાર ભરી રાત જેમતેમ વિતાવી ,મનમા અનેક સવાલોના ધમસાણ સાથે રજતની સવાર પડી .સંયુક્ત કુટુંબમાં રહેતા રજતની લાલઘૂમ આંખો જોતા તેની મા રૂખી બોલી ઉઠી ," મૂઆ , ચમ આમ સોગિયું મોં લઈ બેઠોછ ?કૉલિજ નથ જવાનું ? સાનોમાંનો ઉપાડ આ ચા નો પિયાલો ને હાલતો થા ." ચા પીતા રજત સ્વગત બોલી ઉઠ્યો ," ના , આજે તો બધું નિવેદિતાને કહીજ દઈશ .પડશે તેવા દેવાશે. "એમ દ્રઢ નિર્ણય સાથે કોલેજ જવા નીકળ્યો .
નિવેદિતાને તો કોલેજમાં આવતા રજતનું ગંભીર મોં જોઈ હૈયે ચિરાડ પડે છે .રજત પરિસ્થિતિની ગંભીરતા સમજાવવાની કોશિશ કરવા લાગ્યો પણ સાંભળે તે નિવેદિતા શાની ! છેવટે રજતને લાગ્યું કે આમ નિવેદિતા નહિ સમજે એટલે સીધો નિવેદિતાને પોતાને ઘરે લઈ ગયો .દલિત લોકોની ચાલમાં એન્ટર થતા જ રજત નિવેદિતાના ચહેરાને જોવા લાગ્યો પરંતુ ત્યાં પણ નિરાશા મળી . પ્રેમમાં મગ્ન નિવેદિતા જાણે વાતાવરણથી નિઃસ્પૃહ. એણે તો મનમાં ગાંઠ વાળી હતીકે પરણશે તો રજતને જ ભલે ને કલ્ચરનો ફેર હોય ! રજતને ઘરે બધાને મળી પાછા વળતાં નિવેદિતાએ પોતે પોતાના નિર્ણય પર અડગ છે તેમ પ્રેમપૂર્વક રજતને જણાવી દીધું .
ઘરેઆવી પોતાનો નિર્ણય માતાને જણાવ્યો .માતા પિતાની ઘણી સમજાવટ પછી પણ નિવેદિતા ન માની અને એક દિવસ રજત સાથે ભાગી જઈ આર્યસમાજમાં લગ્ન કરી લીધા .હજી ભણવાનું ચાલુ હોવાથી રજતનો ખર્ચો પણ રજતના પિતા ઉપાડતાં હતા . નિવેદિતાએ રજતને પાર્ટટાઈમ નોકરી કરવા સમજાવવા પ્રયત્ન કર્યો .
માણસ ક્યાં સુધી પોતાની વાસ્તવિકતાથી દૂર રહી શકે ? અમુક લક્ષણતો સહજ જન્મજાત આવી જ જાય ને ! તેવુંજ રજતનું થયું . ચોવીસ કલાક સાથે રહેવું અને થોડાં કલાક સાથે રહેવું તેનો તફાવત હવે રજતને લાગવા માંડ્યો .લગ્ન પછી બેચાર દિવસ આડમ્બર ચાલ્યો પણ પછીતો ઘરનું વાતાવરણ પણ બદલાયું અને પોતે પણ જન્મજાત હતો તેવોજ થઇ ગયો . નિવેદિતાને તો બસ રજતનો પ્રેમ એજ જીન્દગી . પિયરની વાટ તો છુટી ગઈ હતી .
જે ઘરમાં સવાર અપશબ્દોથી પડતી હતી ત્યાં રહીને નિવેદિતા એ ગાંઠ વાળી હતી કે ,"હું આ ઘર માં બદલાવ લાવીશ ." નોનવેજ ખાવાનું બનતું જોઈ નિવેદિતાને અકળામણ થતી પણ પ્રેમ વશ કાંઈ બોલી શક્તિ નહીં . પોતાનો સવારની પૂજા અર્ચનાનો ફિક્સ સમય નિયમ મુજબ ચાલુ રાખ્યો સાથે સાથે સાક્ષી ભાવે જોયાં કરતી . રજત બધું સમજતો પણ બદલાવ લાવી શકવાને સક્ષમ નહોતો .
બેચાર વાર તો તેનાથી પણ ઘરનાં વાતાવરણ મુજબ અપશબ્દ બોલાઈ ગયાં .જે નિવેદિતાનું મોં ઉદાસ જોઈ રજતનું મોં વિલાઈ જતું હતું તે નિવેદિતાને દુઃખી જોઈ હવે રજતને કોઈ ફર્ક નતો પડતો .ચોવીસ કલાક સાથે રહેવાનું હતું ક્યાંસુધી કોઈ પોતાની જાત બદલી રહી શકે ?
નિવેદિતાને પણ હવે સમજાતું ગયું કે દલિત કોમ અને સવર્ણ જાતિના કલ્ચરમાં શું ફર્ક છે પણ હૈયે હજી બદલાવ ની આશાનું કિરણ હતું. દલિતને ઘેર વળી માતાના ગરબાની સ્થાપના !!! ઘરના લોકોના વિરોધમાં જઈને પણ નિવેદિતાએ આસોના નોરતા દરમ્યાન ઉપવાસ રાખ્યા . પૂજા દરમ્યાન નિવેદિતા માતાને એજ પ્રાર્થના કરતી કે બસ મા તેની પડખે રહે .દિવસો વિતતા ચાલ્યા .
એક દિવસ રજત અને નિવેદિતા બેઠાં હતા ત્યારે નિવેદિતા બોલી ," રજત આપણું આવનાર બાળક પણ આજ વાતાવરણમાં ઉછરશે ?" રજત અપશબ્દ સાથે બોલીઉઠે છે ,"તું આ બધું જોઈ ને જ પરણી હતી ને ? અહીંતો બધા બાળકો આમજ મોટાં થાય તું કાંઈ નવાઈની મા નથી બનવાની ." નિવેદિતા વિચારતી થઈ ગઈ , કરે પણ શું એક ઈશ્વર પરની અગાઢ શ્રધા અને પોતાનો અતુટ પ્રેમ એને ટકાવી રાખતા હતાં . રાતે બેઉ પડખું ફરી સુઈ ગયા પણ આખીરાત રૂમમાં એક અજંપો ફેલાયેલો રહ્યો .
નિવેદિતાની આખી રાત આવનાર બાળક ની ચિંતામાં પસાર થઈ ,વહેલી સવારે આંખ જરા મળી ત્યાં રૂમમાં રાખેલા દેવસ્થાન પાસેથી ઘંટડી વાગવાનો અવાજ આવ્યો ,સફાળી ઉઠીને જુવે તો જે રજત ભગવાન સામે જોતો પણ નહોતો તે રજત આજે નાહીધોઈ ને પ્રભુજીની આરતી કરતો પૂજા સ્થાન પર બેઠો હતો . રજતની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી ... આ દ્રશ્ય જોતાં નિવેદિતાની સોનેરી સવાર ખીલી ઉઠી .