Dikari Mari Dost - 19 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | દીકરી મારી દોસ્ત - 19

Featured Books
Categories
Share

દીકરી મારી દોસ્ત - 19

દીકરી મારી દોસ્ત

  • ..
  • અસ્તિત્વ મિટાવ્યાનો ઉગ્યો એક વહેમ.. લાગણી કેરો... લીલોછમ્મ અવાજ... સ્નેહે છલોછલ..
  • પ્રિય ઝિલ, ઘણીવાર સ્મૃતિઓ શલ્યા થઇને સૂતી હોય છે. અને અચાનક કોઇ એક કલરવે, કોઇ છાની સુગંધે, એ સળવળીને મનઝરૂખામાં બેઠી થાય..અને એક ક્ષણમાં આપણને વરસો ઠેકાડી દે છે. સાંજે સમયને ચાંચમાં લઇ ને પારેવા ચૂપચાપ બેસી જાય છે ત્યારે મનમાં રણકી રહે છે..એ દિવસ..જયારે તું પહેલી વાર હોસ્ટેલમાં ગઇ હતી.પપ્પા, મમ્મીની શિખામણોના...સલાહ સૂચનોના ડુંગર લઇ ને.! (દરવાજાની બહાર નીકળી ને એ ડુંગર જમીનદોસ્ત થઇ જવાનો છે. એ કયા મા બાપને ખબર નથી હોતી ? અને છતાં યે...)

    “ યાદોના પડછાયા લીલાછમ્મ હતા, ડાયરી વરસો પછી ખોલી હતી.” આજે વરસો પછી તો નહીં..પરંતુ એક મહિના પછી ડાયરી હાથમાં લીધી છે. સમય દરિયાની રેતી ની જેમ કયાં સરી ગયો ખબર ન પડી. હમણાં બાજુમાં નવા પડોશી રહેવા આવ્યા છે. તેમની સાથે ઢીંગલી જેવી નાનકડી દીકરી ફલોરલ છે અને સાથે એંસી વરસના..જીવનના આઠ દાયકા વીતાવી ચૂકેલ તેના દાદી છે. આ દાદીની વાત આજે મારે કરવી છે. તું કહીશ કે દાદીની વાતોમાં શું હોય ? એ જ જૂનવાણી વિચારો.. સદીઓથી ચાલી આવતી અને છતાં કયારેય જૂની ન થતી સાસુ વહુની વાતો..! એમાં ડાયરીમાં શું લખવાનું ? હા, એમ જ હોત તો ન જ લખત.

    આ દાદી છે તો એંસી વરસના. પણ તેમની સ્ફૂર્તિ મને યે શરમાવે તેવી છે. અને તેમનું મન તો સાવ નાના બાળક જેવું. નિખાલસ અને નવી નવી વાતો જાણવા માટે હમેશા ઉત્સુક. તેમની પાસે કેટલીયે રમતોનો ખજાનો મોજુદ. તેમની નાની પૌત્રી ફલોરલને જાતજાતની રમતો રમાડતા હોય. આજુબાજુના બધા બાળકોના એ વહાલા દાદીમા બની ગયા છે. બાળકો તો દાદીમા પાસેથી ખસવાનું નામ જ ન લે ને.! રમીને થાકે એટલે વાર્તાઓ કહે..અને પછી દાદી કહે એટલે બાળકોને ભણવું પણ પડે હોં.

    સવારે લાફીંગ કલબમાં જવાનું પણ દાદીમા કયારેય ન ચૂકે. વહુ, દીકરો ને નાની પૌત્રીને પણ સાથે લઇ જઇને જ જંપે. કોઇની આળસ એમાં ન ચાલે. ઉત્સાહનો તો જાણે જીવતો ફુવારો. ઘેર આવી વહુની સાથે સાથે રસોડામાં ઘૂસે, કોઇને શરૂઆતમાં તો થતું કે વહુની મા છે. વર્તન પરથી ખબર જ ન પડે કે વહુ છે કે દીકરી..? આખું કુટુંબ સ્નેહથી કિલ્લોલ કરતું હોય. નાની નાની વાતમાં હસતું અને હસાવતું હોય. સાસુ વહુ અને પૌત્રી સાંજે સંગીતના કલાસમાં જાય. જેને જે ગમતું હોય તે બધા શીખે. વહુની બહેનપણીઓ આવે તો દાદી હોંશે હોંશે એમને આવકારે..પ્રેમથી જાતે નાસ્તો બનાવી ખવડાવે. સાસુ વહુ વચ્ચેનો પ્રેમ જોઇને આપણું મન પણ ખુશ થઇ જાય..

    દરેક રવિવારે તેમનો કંઇ ને કંઇ કાર્યક્રમ બની જ ગયો હોય. અને કયારેક દાદીને ન જવું હોય તો એ પણ ન ચાલે. વહુ, દીકરા ને એમના વિના ચાલે જ નહીં ને.! રોજ રાત્રે બધા સાથે પ્રાર્થના કરીને જ સૂવા જાય. આખો દિવસ તેમના ઘરમાં ઉત્સાહનો દરિયો છલકતો જ દેખાય. કયાંય કોઇ ફરિયાદ નહીં..એક મિનિટ પણ નવરા ન બેસે. નવું નવું જાણવાની સતત ધગશ, એ માટેની લગન આ ઉમરે પણ અકબંધ હોય એવા જીવંત દાદીને મળીને આપણામાં યે ચેતનનો સંચાર થાય. એ તો હમેશા કહે હું એંસી વરસની બાળકી છું. આઠ વરસની ફલોરલ અને એંસી વરસના દાદીમાની દોસ્તી અદભૂત.! વિચારો એકદમ આધુનિક .કોઇ વહેમમાં ખોટા રીતરિવાજો માં જરાયે ન માને. વહુ તૈયાર થવામાં જરાયે વેઠ ઉતારે તો તરત કહે, ‘ આ સારું નથી લાગતુ. મેચ નથી થતું. બહાર નીકળીએ તો વટ પડવો જોઇએ.’ કહી હસી પડે. પોતે પણ વ્યવસ્થિત જ રહે હમેશા. શારીરિક કે માનસિક બંને રીતે તદન સ્વસ્થ. હવે તો એમની સાથે હું પણ લાફીંગ કલબમાં નિયમિત જતી થઇ ગઇ છું. દાદીમા મને યે છોડે તેમ નથી. મને પણ મજા આવે છે આવી વ્યક્તિ કોને ન ગમે ? આખા પાડોશમાં દરેકને તેમને માટે ખૂબ માન, સ્નેહ છે. અને કેમ ન હોય ? દરેકને મદદરૂપ થવાની તેમની ભાવના આપોઆપ માન પ્રેરી રહે છે. આવા વિરલ વ્યક્તિત્વો સમાજ માટે પ્રેરણાદાયી બની રહે છે.

    દાદીમાની વાત કરતાં કરતાં મનોઆકાશમાં એવા જ એક વિરલ વ્યક્તિત્વનું સ્મરણ અનાયાસે ઉગી નીકળ્યું. એ છે પ્રથમ મહિલા લેફટનન્ટ કર્નલ શ્રી નીલાબહેન પંડિત..જેમને લતા આન્ટીને ઘેર મળવાની તક મને મળી હતી. અને જેમના વિશે તેમણે એમના સુંદર પુસ્તક “ ઉજાસનું પ્રથમ કિરણ ” માં લખ્યું છે. તેમને મળી ને મેં તેમનામાં જે ચેતના, જે જીવંતતાનો અનુભવ કર્યો. તે પ્રેરણાદાયી છે. આ ઉમરે પણ કાનમાં મેચીંગ બુટ્ટી, મેચીંગ બંગડી, એવું જ પર્સ..લેઇટેસ્ટ ફેશનના કપડાં, જવેલરી, મેઇકઅપ.. અને સાથે અકબંધ ઉત્સાહ.

    બધું કેવા ઉત્સાહથી નાના બાળકની જેમ આપણને બતાવે..કે સામી વ્યક્તિને પણ એ ઉત્સાહ, આનંદનો ચેપ લાગી જ જાય. આજે યે એક શિશુ જેવું કૂતુહલ, બધું માણવાની, જોવાની ભાવના ...કયાં યે કોઇ નિરાશાની વાતો નહીં...ક્ષણેક્ષણને માણી જાણનાર ..કર્નલ તરીકે તો અદ્વિતિય ખરા જ..પણ એક નારી તરીકે પણ એટલું સરસ વ્યક્તિત્વ. તેમના ઉત્સાહને સલામ. હું તો તેમની વાતો સાંભળીને ખુશખુશાલ થઇ ગયેલ. આવા લોકો કયારેય વૃધ્ધ થતા નથી. જીવનની આખરી પળ સુધી તેઓ સાચા અર્થમાં જીવંત રહે છે. તેઓ વરસોમાં જીવન ઉમેરતા રહે છે. નહીંતર આપણે ત્યાં તો સામાન્ય રીતે લોકો કહેતા હોય, ’ ના રે, હવે અમને આ ઉંમરે થોડુ શોભે ? અને એમ જ લઘરવઘર રીતે રહેતા હોય. અને બીજા પાસે પણ પછી એવી જ અપેક્ષા રાખતા હોય. ઉત્સાહનો સદંતર અભાવ. મોટા થયા એટલે જાણે જીવન માણવું એ ગુનો ન હોય. હું તો એને માંદલી મનોવૃતિ જ કહું. મને તો આવા જીવંત વ્યક્તિત્વો જ ગમે. જીવનથી છલોછલ.

    આ દાદીમા તો સામાન્ય સ્ત્રી હતા...અને છતાં અસામાન્ય બની રહ્યા.. તેઓ કહે છે, ‘ ઇશ્વરે મને આ વરસો બોનસ ના આપ્યા છે. એટલે હવે મને સમય વેડફવો ન પોષાય, હવે મારી પાસે કંઇ તમારા જેટલો સમય થોડો છે ? તે વેડફી નાખુ ? એટલે મારે તો એક એક પળ કીંમતી કહેવાય..’ આ જીવનદ્રષ્ટિ ધરાવનારને કોઇ ફરિયાદ હોઇ શકે ખરી ? અને આવી વ્યક્તિનું માન, ગૌરવ બધા જાળવે જ. જળવાઇ જ જાય આપમેળે. તેમનો અનાદર શકય જ નથી.

    સાવ સાચી વાત છે. વ્યક્તિને પોતાનું માન જાળવતા આવડવુ જોઇએ. માન, સ્નેહ, આદર આ બધું માગવાથી કયારેય નથી મળતું. એ માટેની પાત્રતા હોય તો આપમેળે મળે છે. આજે વાત વાતમાં ઘણાં વડીલોને ફરિયાદ કરતા જોઉં છું ત્યારે કયારેક મનમાં પ્રશ્ન પણ જાગે છે. આ વડીલો જો પોતાનું વર્તન માનને લાયક રાખે અને નવી પેઢીને સમજવાનો, તેમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરી શકે સમય મુજબ પરિવર્તન સ્વીકારી શકે તો તેમના અને સંતાનોના પણ ઘણાં પ્રશ્નો જરૂર ઓછા થઇ જાય. પણ એ માટે “ અમારા જમાનામાં આમ...ને અમારા જમાનામાં તેમ.” એ ભવ્ય ભૂતકાળમાં થી બહાર નીકળવું જ રહ્યું. માગ્યા સિવાય શિખામણ આપવાથી દૂર જ રહેવું જોઇએ. ભૂલ કરે તો એમાંથી પણ શીખશે..આખરે કયાં સુધી તમે એને સલાહો આપી શકશો ?

    નવી પેઢી પાસે પણ ઘણી સારી વસ્તુઓ છે..ઘણું શીખવા જેવું છે..તો તમારું શીખડાવવાને બદલે તમે એની પાસેથી કંઇ શીખવાનો પ્રયત્ન કરો..ખાસ કરીને જયારે વડીલોને શારીરિક પ્રશ્નો ન હોય ત્યારે તો દરેક ઉમરે કંઇક નવું જરૂર શીખી શકે. શીખવા માટે જો મનમાં ઉત્સાહ હોય, ધગશ હોય તો ઉંમરની સાથે એને કોઇ સંબંધ નથી. આપણા સમાજમાં એવા ઉદાહરણોની સંખ્યા નાની નથી. આમે ય “ Idle mind is devil’s workshop ‘ એ મને તો બહું સાચુ લાગે છે. જેની પાસે કંઇક કરવાનું છે એને કયારેય આડા અવળા, નકારાત્મક વિચારો માટે સમય જ કયાં હોય છે ? પોતાની અંદર રહેલી શક્તિઓને , અનુભવોને રચનાત્મક કાર્યમાં કેમ ન વાપરી શકાય ? અત્યાર સુધી જવાબદારી, સમય કે સંજોગોને લીધે ઇચ્છા છતાં ન કરી શકયા હો..એવી ઘણી વસ્તુઓ અત્યારે કેમ ન કરી શકો ? ઇશ્વરે સગવડ અને સમય આપ્યા છે તો એનો સદઉપયોગ કરવો જ જોઇએ . જાતને દયામણી શા માટે બનાવવી ? બરાબરને ?

    જોકે આ બધું લખીને મેં પણ લેકચર જ કરી નાખ્યું ને ? પણ લખવાની છૂટ..કેમકે એ તો કોઇ ને વાંચવું હોય તો વાંચે..ન ગમે તો ન વાંચે. પણ બોલીએ તો સાંભળવું ફરજિયાત બની જાય ને ? અર્થાત્ લખીને લેકચર દેવાની છૂટ. હસી પડીને ? આતો પાણી પહેલા પાળ બાંધુ છું.

    હું કોમ્પ્યુટર તારી ને મીત પાસેથી જ શીખી ને ? ઘરમાં કોમ્પ્યુટર આવ્યું ત્યારે મને તો ઇ મેઇલ કેમ કરાય એ પણ કયાં આવડતું હતું ? અને તમે ભાઇ , બહેન મારા પર કેવા હસતા હતા.. મારી મશ્કરી કરતા હતા..એ બધું હું ભૂલી નથી હોં.

    વચ્ચે થોડા દિવસ હું ને પપ્પા ગોવા જઇ આવ્યા..તે તો તને ખબર છે જ. એટલે હમણાં ડાયરી હાથમાં જ નહોતી લીધી..ફોનથી તો તમારી સાથે વાતો થતી જ રહેતી ને ? ગોવાના દરિયાના ફોટા તું આવીશ ત્યારે બતાવીશ.પાણી..દરિયા તરફના મારા અનહદ આકર્ષણ ..લગાવની તો તમને ખબર છે જ. દરિયામાંથી બહાર નીકળવું મારે માટે બહુ અઘરું છે. દરિયા સામે હું કલાકો સુધી મૌન બની ને આરામથી બેસી શકું છું. કયારેય મને એ જૂનો નથી લાગતો. દરિયાકિનારે જ જન્મથી આજ સુધી રહી છું. અને રોજ દરિયે જાઉ છું છતાં મને કયારેય એનો કંટાળો નથી આવતો. એની ભવ્યતા, વિશાળતા, ઉછળતા અવિરત મોજા, ઘેરો ઘૂઘવાટ, એ બધા સાથે મારી તો પાક્કી દોસ્તી.

    “ ખારા, ખારા ઉસ જેવા, આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ “

    નાનપણની આ કવિતા આજે યે એટલા જ રસથી ગણગણવી મને ગમે છે.

    હા, કાલે અચાનક તારો કબાટ સાફ કરતાં કરતાં..મને એ દિવસ યાદ આવી ગયો. કયો દિવસ ?

    યાદ છે ? પહેલીવાર હોસ્ટેલમાંથી બે મહિના બાદ તું ઘેર આવી હતી. આવી ને તારા રૂમમાં જઇ તારો કબાટ ખોલ્યો હતો. અને....અને તેં રાડ પાડી હતી,”મમ્મી....”

    અને ગભરાઇને હું દોડી આવી હતી..કે શું થઇ ગયું ? મેં તને પૂછયું..પણ તેં કંઇ જવાબ ન આપ્યો. ખુલ્લા કબાટ સામે જોઇ રહી. મેં પણ ત્યાં જોયું. પણ મને તો કંઇ સમજાયું નહીં..પણ તું તો રીતસર રડી જ પડી. આંખમાં આંસુ છલકી રહ્યા. હું તો ગભરાઇ ગઇ..આખરે થયું શું ? મારાથી કોઇ ભૂલ થઇ ગઇ કે શું ? આટલું બધું તને શું ઓછુ આવી ગયું ? શું લાગી આવ્યું ? ત્યારે તેં કહ્યું, ‘ મમ્મા, તેં તો હું બે મહિના હોસ્ટેલમાં ગઇ ..તેમાં મારું “ અસ્તિત્વ “ જ મિટાવી દીધું..!! ‘ અને તું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અને હું સ્તબ્ધ.. મને તો આવી કલ્પના યે નહોતી આવી. તને આવું લાગવાનું કારણ ફકત એટલું જ...તારા કબાટમાં થોડી જગ્યા થવાથી મેં મારી થોડી સાડીઓ તારા કબાટમાં, હેન્ગરમાં લટકાવી દીધી હતી.અને તને વહેમ જાગ્યો હતો...તારું અસ્તિત્વ મિટાવ્યાનો...માંડમાંડ તને હું શાંત કરી શકી અને સમજાવી શકી. ત્યારબાદ તારા કબાટમાં...ખાલી પડેલ જગ્યામાં કોઇનું કંઇ જ મૂકવાની ભૂલ કે હિમત નથી કરી. “ મબલખ યાદો , અઢળક આશા, દિલ નાનું , મહેમાન છલોછલ.” હા, તે દિવસે રોજની જેમ દરિયાકિનારે બેઠા બેઠા મારાથી આવું કંઇક લખાઇ ગયેલ ખરું.

    ” ઉછળકૂદ કરતું, એક મોજુ તાણી ગયું..રેતી પર લખેલ એક નામ.... અને ..અસ્તિત્વ મિટાવ્યાનો એને ઉગ્યો વહેમ.” બાકી દીકરીનું નામ કંઇ રેતી પર લખાયેલ શબ્દો થોડા જ છે ? એ તો અંતરમાં કોતરાયેલ અસ્તિત્વ છે. એનો પોતાનો એક અંશ છે.એને કયારેય કોઇ મા મિટાવી શકે ખરી? મા દીકરી ના સંબંધના તાણાવાણા કદાચ વિધાતા ખુદ ઉકેલવા બેસે ને તો તે પણ ગૂંચવાઇ જાય. જીવનના પરિઘમાં કેટલીયે એવી ક્ષણો આવે છે..જે કાળને અતિક્રમી ને સ્મરણોની સંપદા બની જીવનને લીલુછમ્મ ..અને હૂંફાળુ રાખે છે. વાત્સલ્યને..વહાલને વ્યાખ્યામાં બાંધી શકાય ખરું ? આપણી વચ્ચે હમેશા ફકત વહાલની જ નહીં..રોષની..ગુસ્સાની સરિતા પણ ઘણીવાર કયાં નહોતી વહેતી ? કયારેક તને મારી વાત ખોટી લાગતી..કે મને તારી વાત..અને આપણે બંને એકબીજા પર ગુસ્સે થઇ મૌન બની જતા. તું તારા રૂમમાં ને હું મારા રૂમમાં. અને અંતે કયારેક તું..ને કયારેક હું..એકબીજાને સોરી કહી..મનાવી લેતા..અને ફરી એક્વાર આપણો સ્નેહનો સેતુ જોડાઇ જતો.

    માને સતત દીકરીના ભવિષ્યની ચિંતા અને દીકરીને મમ્મી કંઇ સમજતી નથી..ખબર નથી પડતી..ની ફરિયાદ... એ બે વચ્ચે પણ વહાલનું ઝરણું તો વહેતું જ હોય છે. ગુસ્સામાં કયારેક દીકરી એ જોઇ ન શકે તેવું બની શકે..પણ દીકરી ને ખાત્રી, વિશ્વાસ હોય જ છે કે એ ઝરણુ ત્યાં હાજર છે જ. રિસામણા, મનામણા, ગુસ્સાની પળો..પણ વહાલની જેમ જ દરેક મા દીકરીના ભાવવિશ્વમાં પ્રગટતી જ રહેતી હશે ને ? આ વાંચીને યે ગુસ્સે થવાને પૂરી છૂટ સાથે અહીં જ વિરમું ને ? એમાં જ સલામતી છે ને ? હસી પડી ને ?

    “આ સરવર છલકયા સ્નેહજળના, પનિહારી રિસાઇ જાય તો શું કરું?” હવે તો તું રિસાઇ જાય તો મનાવવાનું યે મુશ્કેલ થઇ જાય એટલે દૂર જઇ ને તું બેઠી છે. એટલે હવે રિસાવાનું પોષાય તેમ નથી હોં.!

    બસ..હસતી રહે..હસાવતી રહે..જે હસી શકે એ જ બીજાને હસાવી શકે ને ? રોતલ બીજાને શું હસાવવાના હતા ? યાદ છે ? હું હમેશા કહેતી, ”laugh and world will laugh with you. weep and weep alone”

    બાકી તો....

    ”કયાંય કશું સંપૂર્ણ નથી, સૌમાં થોડી વધઘટ છે.”

    “ લગ્ન એટલે જવાબદારી તો ખરી જ. મમ્મી પપ્પાના રાજમાં જલસા કરતી દીકરી પાસે હવે તેનું પોતાનું આગવું ઘર બને છે ત્યારે આ ઘરની જવાબદારી પણ તેની જ બને છે ને ? ઇશ્વરે આંખો બે આપી છે. પણ બંને આંખો એક થઇ ને જુએ છે. બે કાન એક થઇ ને સાંભળે છે. પતિ અને પત્ની બે છે..પરંતુ લગ્ન પછી બંને જયારે એક બને છે..ત્યારે એક બનીને સુંદર જીવન .... સહજીવન જીવી શકે ત્યારે જ લગ્ન સાર્થક બની શકે. આપણા ઘરમાં તો આજે યે દીવાલ પર લખાયેલ આ પંક્તિઓ તને બહુ ગમે છે ને ?

    ” ગીત જેવું ઘર,ને વહાલના લય તાલ, કોણ પછી મંજિરા લે, કોણ લે કરતાલ ? ”

    તારે પણ હવે તારા ઘરને ગીત જેવું સૂરીલું બનાવવાનું છે. એ ન ભૂલીશ. અન્યોન્ય સાથે વહાલના લય તાલથી તારું ઘર મંદિર સમાન બની રહે એ જોવાની જવાબદારી ઉપાડીશને ? હા, કયારેક મતભેદ થાય..પણ મનભેદ ન જ થવો જોઇએ. એના પાયામાં એકબીજા માટે સાચી લાગણી જ હોય. લાગણીનું બંધન જ એકબીજાના માન, સન્માનની જાળવણી કરી શકે. કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે નિખાલસ ચર્ચા..(દલીલ નહીં) થી એનો ઉકેલ આસાન બની જાય છે. સંવાદ નું સંગીત ગૂજતું જ રહેવું જોઇએ. બંને એકબીજાના ગમા, અણગમા નું ધ્યાન રાખી એ મુજબ વર્તન કરશો તો જીવનમાં કયારેય વિસંવાદિતાના સૂર નહીં ઉઠે. કોઇ બંધન વિનાનો, કોઇ શરત વિનાનો પ્રેમ...તમારા જીવનને ઉલ્લાસથી સભર બનાવી રહેશે. ”