Rajuni Razadpaat in Gujarati Short Stories by Lata Hirani books and stories PDF | રાજુની રઝળપાટ

Featured Books
Categories
Share

રાજુની રઝળપાટ

રાજુની રઝળપાટ (સત્ય ઘટના આધારિત વાર્તા) – લતા હિરાણી

આજે સવારથી ઘરમાં જે ચર્ચાઓ થઈ રહી હતી ને બહારના માણસોની ઘર જોવા માટે અવરજવર થતી હતી તેના પરથી રાજુને એટલું સમજાયું કે આપણું ઘર વેચવાનું છે.‘
મા, આ ઘર વેચીશું તો રહેશું ક્યાં ?’ આટલી ધમાલમાં યે રાજુ માને આ સવાલ પૂછ્યા વગર ન રહી શક્યો.‘
જહન્નમની ખાડીમાં. જા, તારું કામ કર.’ માએ ચિડાઈને જવાબ આપ્યો. રાજુ માની ચીડ પામી ઘરની બહાર નીકળી ગયો.

મા-બાપને જે ચિંતા હોય તે, રાજુની ચિંતા એ હતી કે પોતાના દોસ્તોથી તે વિખૂટો પડી જતો હતો. તેને વિચાર આવ્યો કે સંજુ, ટીનુને પણ સાથે લઈ જઈએ તો કેવું ? પણ આ પ્રસ્તાવ મા પાસે મૂકવાની તેની હિંમત ન થઈ. વળી સંજુ, ટીનુનાં મા-બાપ પણ તેઓને મોકલવા તૈયાર થાય ખરાં ? હજુ આ વિચાર આગળ ચાલે ત્યાં તો તેણે સંજુની બૂમ સાંભળી. તે સીધો તે તરફ દોડ્યો.‘
સંજુ તને ખબર છે અમારે હવે અહીં નથી રહેવાનું ?’‘
જા જા, તારું ઘર તો અહીં જ છે.’‘
પણ એ ઘર બાપુ વેચી દે છે.’ રાજુનું વાક્ય પૂરું થાય એ પહેલાં ટીનું પણ આવી પહોંચ્યો.
‘એ ય રાજુ, તારે દાવ દેવાનો બાકી છે…..’‘
પણ મારું ઘર…..’‘
એ ઘર ને બર બધું પછી. તું પહેલાં લખોટીઓ કાઢ.’ ટિનુએ તેને ખેંચ્યો.
‘ઊભો રહે, હું ઘરેથી લઈ આવું.’ પળવારમાં તો રાજુ ઘર છોડવાનો અને તેની સાથે સંકળાયેલો દોસ્તોને છોડવાનો વિષાદ ભૂલી લખોટીમય બની ગયો.

ઘરમાં પગ મૂકતાં જ મા તાડૂકી, ‘શું છે ?’‘
મારી લખોટીઓ…..’‘
અત્યારે કંઈ જ નહીં મળે. તને કહ્યુંને જા, બહાર જા.’
રાજુ વીલે મોંએ બહાર નીકળી ગયો. તેને થયું કે અત્યારે બાપુ ઘરમાં હોત તો લખોટીઓ જરૂર મળી જાત. તેના દોસ્તો સમજી ગયા. અચાનક ટીનુને યાદ આવ્યું.
‘રાજુ, મારી મા કહેતી હતી કે તમે આ ઘર છોડી બીજે રહેવા જવાનો છો. સાચે જ ?’‘
એ તો હું ક્યારનો કહું છું. મારી વાત જ તમે સાંભળતા નથી.’ રાજુ થોડો અકળાઈ ગયો.‘
તમે કેમ જાવ છો ?’ સંજુએ વાત આગળ વધારી.‘
મને નથી ખબર. પણ તમે મારી સાથે આવશો ?’ રાજુએ પોતાનો વિચાર મિત્રો સમક્ષ મૂક્યો.‘
પણ જવાનું છે ક્યાં ?’ સંજુએ પૂછ્યું.
એ તો રાજુનેય ખબર નહોતી. તે ચૂપ રહ્યો.‘
કંઈ નહીં રાજુ, તું અહીં અમારી સાથે રમવા આવતો રહેજે.’
સંજુ, ટીનુની સમસ્યા તો જાણે ઉકલી ગઈ પણ હવે રાજુ માટે એક નવી મૂંઝવણ શરૂ થઈ. નવી જગ્યાએથી અહીં રમવા આવી શકાશે કે નહીં ?

બીજા દિવસે સામાન બાંધવાનું શરૂ થઈ ગયું. બાપુએ રાજુને કહ્યું,‘
તારી વસ્તુઓ આ થેલીમાં ભરી લે.’‘
બાપુ, આપણે અહીંથી ક્યાં રહેવા જવાનું છે ?’‘
મામાને ઘેર.’‘
પણ કેમ ?’‘
મામાનું ઘર મોટું છે ને ! આપણે સમાઈ જઈશું.’
હજુ વાત આગળ ચાલે તે પહેલાં સમાન ફેરવવા લારી આવી ગઈ. બાપુ તેની વ્યવસ્થામાં પડી ગયા. રાજુને ખબર હતી કે મામાનું ઘર કંઈ એવડું મોટું તો નહોતું. અહીં એક રૂમ હતો, ત્યાં બે રૂમ હતા. બસ એટલું જ. પણ ચર્ચાને અવકાશ જ ક્યાં હતો ? થેલી લઈને તેણે પોતાની વસ્તુઓ એકઠી કરી. થોડીક લખોટીઓ, બે-ચાર રંગીન ચોકના ટુકડાં, રસ્તામાંથી જડેલાં જૂનાં ગોગલ્સ, ગયે વરસે મેળામાંથી બાપુએ અપાવેલું મોઢેથી વગાડવાનું નાનકડું વાજું, પેન્સિલ અને બે-ચાર ફાટેલી ચોપડીઓ. તેનાં કપડાં માએ બધાનાં કપડાં સાથે પોટલામાં બાંધી દીધાં હતાં.

બપોર થતાં થતાં તો જવાની તૈયારી થઈ ગઈ. ઘરવખરી લારીમાં ભરાઈ ગઈ. બાપુ સાઈકલ પર લારીની સાથે જવા નીકળ્યા અને મા રાજુની સાથે બે પતરાની પેટી અને બે પોટલાં લઈ રિક્ષામાં બેઠી. મામાનું ઘર કહેવાય એ જ શહેરમાં, પણ ખાસ્સું દૂર હતું. ચાલીના બધા લોકો આ પરિવારને વિદાય આપવા એકઠા થઈ ગયા હતા. રાજુની આંખો જરાક ભીની થઈ પણ સંજુને ટીનુ માટે આમ નવી જગ્યાએ રહેવા જવું એ આનંદનો વિષય હતો. રિક્ષાના પાછલા ભાગની બારીમાંથી બેય હાથ બહાર કાઢીને રાજુ બેઠો અને પકડાય ત્યાં સુધી સંજુ, ટીનુએ તેના હાથ પકડી રાખ્યા.

મામાને ઘરે શરૂઆતમાં તો રાજુને સારું લાગ્યું. મામાના બે દીકરા જતીન અને લલિત લગભગ તેની ઉંમરના જ હતા. તે બંનેની સાથે રમ્યા કરતો. મામીની અકળામણ ક્યારેક વરતાઈ જતી પણ રાજુને તેની સાથે બહુ નિસ્બત નહોતી. મા સવારે ઊઠીને મામીને ઘરના કામમાં મદદ કરાવતી ને નવ વાગતાં નોકરી પર જતી રહેતી. મા હૉસ્પિટલમાં આયા તરીકે નોકરી કરતી હતી. બાપુ મિલમાં જતા. પણ બદલી ભરતા; આથી કામ મળે ત્યારે કામ પર, નહીં તો ટિફિન લઈને પાછા ઘેર આવી જતા. જ્યારે આવું થતું ત્યારે રાજુને મજા આવી જતી. કેમ કે રાજુને સવારની નિશાળ હતી. બાર વાગે તે ઘેર આવી જતો. બાપુ ઘેર હોય ત્યારે બપોરના નિરાંતે વાર્તાઓ સાંભળવી તેને બહુ ગમતી. બાપુને ઊંઘવું હોય પણ રાજુ શાનો ઊંઘવા દે ? અને બાપુની પાસે પણ વાર્તાઓનો ખજાનો. ચોરની વાર્તા હોય ને શાહુકારની વાર્તાયે હોય. રાજકુમારની હોય ને ભિખારીની યે હોય. બાપુની વાર્તાના રાજકુમારનું નામ ગમે તે હોય. જીવનના રાજકુમારનું નામ તો રાજુ જ. સૌ પ્રથમ રાજુને રાજકુમારના સિંહાસને આરૂઢ કરીને પછી જ વાર્તા આગળ ચાલે. રાજુ પણ પછી આખી રાત સપનામાં પરીઓના દેશમાં જ મહાલે. બધી વાર્તાઓ પૂરી થાય એટલે છેલ્લે ભેંસ અને ચકલીની વાતથી પૂર્ણાહૂતિ થાય.

‘રોજ ચકલી ભેંસ પર ચરકે એટલે એક દિવસ ભેંસ કહે : ‘આજે તો હું તારા પર ચરકીશ.’ અને રાજુ હસી હસીને બેવડો વળી જાય. આ વાત તે કેટલાંય વર્ષોથી સાંભળતો આવ્યો હતો અને તોયે છેલ્લે એ તો ખરી જ. એકવાર તો આમ જ ખડખડાટ હસતો હતો અને અચાનક બપોરના સમયે મા આવી ગઈ. તેને અચાનક આવેલી જોઈને બાપુ ડઘાઈ ગયા. માએ એકવાર ગુસ્સામાં બાપુ સામે જોયું ને પછી રાજુને એક લાફો મારી દીધો. રાજુને પોતાના વાંકગુનાની સમજ ન પડી. બાપુ બિચારા ઊઠીને બહાર જતા રહ્યા. મા અને મામી ક્યાંય સુધી બાપુ વિષે ન બોલવાનું બોલતા રહ્યાં ને રાજુ રડતાં રડતાં ઊંઘી ગયો. એ પછી ઘણા દિવસ સુધી બાપુ સવારે ટિફિન લઈને નીકળતા અને પછી છેક સાંજે જ પાછા ફરતા.

એક સવારે બાપુ ટિફિન લઈને નીકળ્યા. સાંજ થતાં રાજુ બાપુની વાટ જોવા લાગ્યો. તેણે નક્કી કરી રાખ્યું હતું કે ભલે સાંજ પડી ગઈ હોય પણ વાર્તા સાંભળવી જ. જતીન સાથે તેનો ઝઘડો થઈ ગયો હતો. તે રમવા જવાને બદલે ઓટલે બેસી રહ્યો. ત્યાં તો બાપુની સાથે કામ કરતા એક ભાઈ દોડતા આવ્યા. મામીને કહે, ‘જલદી ચાલો, મણિલાલને અકસ્માત થઈ ગયો છે. હૉસ્પિટલમાં છે.’ મામી ગભરાઈ ગયાં. કંઈ આગળ પૂછે તે પહેલાં જ પેલા ભાઈએ વાત કરી કે મિલના ઝાંપામાંથી બહાર નીકળી હજુ માંડ દસ ફૂટ છેટે ગયા હશે ત્યાં જ એક ખટારાવાળાએ તેમને હડફેટમાં લઈ લીધા. મા હજુ નોકરી પરથી આવી નહોતી. મામા અને મામી સાથે રાજુ પણ દોડ્યો. રિક્ષા કરી બધાં હૉસ્પિટલમાં પહોંચ્યાં. ખાટલામાં બાપુ સૂતા હતા. બાપુ પરીઓની વાર્તા કહેતા ત્યારે પરીઓના ઉજળા દૂધ જેવા સફેદ વસ્ત્રોનો ઉલ્લેખ કરવાનું ચૂકતા નહીં. અત્યારે બાપુના આખા શરીરે પાટાઓ હતા ઉજળા દૂધ જેવા પણ એમાં ચારેબાજુ લોહીના મોટા મોટા ધાબાઓ ઊપસી આવ્યા હતા. રાજુ ડઘાઈ ગયો. બાપુને અડવા ગયો પણ હાથ પાછો ખેંચી લીધો. ‘ક્યાંક દુખાય તો !’ એટલામાં જ મા આવી પહોંચી. માએ ઠૂઠવો મૂક્યો. ચારે બાજુ કલ્પાંત થવા માંડ્યું. મામીએ તેને બાપુ પાસે બેસાડી પોક મૂકી,‘
રે, આ નાના ભાણેજડાની યે દયા નો ખાધી. તમે તો મોટાં ગામતરાં કીધાં…..’
મામા રડતાં રડતાં તેને બરડે હાથ ફેરવતા બોલ્યા,‘
દીકરા, તારે માથેથી છતર ગિયું. હવે તારા બાપુ પાછા નહીં આવે.’

રાજુ ધ્રૂસકે ધૂસકે રડી પડ્યો. બાપુને વળગી પડ્યો. તેને સમજાઈ ગયું કે પરીઓની વાર્તા કહેનાર બાપુ તેના રાજકુમારને એકલો છોડી અજાણ્યા મુલકમાં ચાલ્યા ગયા હતા. મરણ એટલે શું એ ન સમજાય એટલો તે નાનો નહોતો. રડતાં રડતાં તેને યાદ આવી પેલી ચકલી ને ભેંસની વાત ને તે હીબકે ચડી ગયો. રોજ માની આજુબાજુ સગાંસંબંધીઓ એકઠાં થતાં ને રોક્કળ ચાલ્યા કરતી. રાજુ ક્યારેક મા પાસે બેસતો. મા બરડે હાથ ફેરવતી પણ રાજુને લાગતું કે બાપુનો હાથ કંઈક જુદો જ હતો. એમનું હેત કંઈક અનોખું જ હતું. મા પાસેથી એવી હૂંફ તેને મળતી નહીં. ક્યારેક તે એવું પણ અનુભવતો કે જાણે મા ક્યારે આ દિવસો પૂરા થાય ને ક્યારે નોકરી પર જવાય તેની રાહ જુએ છે. ક્યારેક મા ખોટેખોટું રડતી હોય ને એવું પણ એને લાગતું. તેને પોતાને તો ક્યારેક એકલો હોય ત્યારે જ રડવું આવતું. મોટેભાગે તે બહાર ઓટલા પર સૂનમૂન બેસી રહેતો અને જતાં આવતાં લોકોને જોયા કરતો.

ધીમે ધીમે એ દિવસો યે પૂરા થયા ને મા પાછી કામ પર લાગી ગઈ. હવે રાજુને વાર્તા કહેનાર કોઈ જ રહ્યું નહોતું. માને ક્યારેક તે કહેતો પણ મોટેભાગે એક જ જવાબ મળતો :‘
થાકી ગઈ છું. આજે નહીં.’
હવે તેણે આ વિષે કહેવાનું જ બંધ કરી દીધું હતું. સૂતી વખતે તેને બાપુની ચકલી ને ભેંસ અચૂક યાદ આવતાં. અને ખૂણા પર તગતગી રહેલું આંસુ ફરી અંદર સમાવી આંખો ક્યારેક બિડાઈ જતી તેને ખબર રહેતી નહીં. આમ મહિનાઓ વીતી ગયા અને એક દિવસ સાંજે જેમ બાપુ પાછા નહોતા આવ્યા એમ જ મા પાછી ના આવી. ન કોઈએ ઠૂઠવો મૂક્યો, ન પોક. રડારોળને બદલે ગુસપુસ થતી રહી : ‘રાજુની મા ભાગી ગઈ.’
મામાએ તેના બરડે હાથ મૂક્યો : ‘અભાગિયા, તારી માને તારી દયાયે ન આવી.’
મામીએ બળાપો કાઢ્યો : ‘અક્કરમી, તારાં કરમ જ ફૂટેલાં છે.’ ચકલી હવે ભેંસના પોદળા નીચે સાવ દટાઈ ગઈ હતી. પાંખો યે ફફડાવી શકે એમ નહોતી. મા ગઈ તે ગઈ. ક્યાં ગઈ, કોની સાથે ગઈ, કોઈને કંઈ જ ખબર નહોતી. રાજુને માની ખાસ યાદ પણ આવતી નહોતી. સાંજે તો તે મામાની સાથે જમવા બેસતો પણ બપોરે જો નિશાળે આવતાં મોડું થતું તો મામી જતીન-લલિતને જમાડી ઊંઘી જતાં. રસોડામાં કંઈ જ ખાવાનું બચ્યું ન હોય. મામીની સાથે, હવે જતીન અને લલિતનો મિજાજ પણ સાતમા આસમાને રહેતો. ઘરકામમાં મામીને મદદ કરાવવાથી શરૂ થયેલી વાત હવે ઢસરડા સુધી પહોંચી ગઈ હતી. દિવસના ભાગે જમવાનું લગભગ માંડી વાળવું પડતું. સાંજે મામાની સાથે બેસવાનો હક ક્યારે છીનવાઈ ગયો તેની રાજુને ખબર ન રહી. બધા જમી રહે પછી વધે એ ખાઈને વાસણ સાફ કરીને તેણે સુવાનું રહેતું. આ બધામાં તેને બાપુ ખૂબ યાદ આવતા. મામીની હાક અને મારના ડરથી ફફડતા રહેતા જીવને બાપુના સ્પર્શની, બાપુની વાર્તાઓની યાદ એ જ એકમાત્ર હૂંફ હતી.

એક દિવસ રાજુને કોણ જાણે શું સૂઝ્યું કે પોતાનું ફાટેલું પેન્ટ બદલીને થોડીકવાર ‘કોઈ જોતું તો નથી ને !’ ખાતરી કરીને જતીનનું નવું પેન્ટ પહેરી લીધું. નવું પેન્ટ પહેરતાં જ ઘડીભર પોતે કેટલો મોટો ગુનો કર્યો છે એ વાત વીસરી ગયો. હળવેકથી પોતાની થેલી ઉતારીને એમાંથી સંભાળીને પેલું વાજું કાઢી વગાડ્યું. આવડાક ઘરમાં વાજું વાગે ને સંભળાયા વગર રહે ખરું ? બાજુના રૂમમાંથી જતીન તરત દોડતો આવ્યો. પોતાનું પેન્ટ રાજુએ પહેરેલું જોઈ તેનો પિત્તો ઊછળ્યો. મુક્કા અને લાતોથી સજા આપવી શરૂ કરી દીધી. અવાજ સાંભળી મામી પણ પહોંચી ગયા. રાજુને પાઠ ભણાવવા જતીન પૂરતો નહોતો. બંનેએ મળીને મહિનાઓથી સંઘરી રાખેલ ચીડ કાઢી. રાજુને બચાવ કરવાનો કોઈ મોકો જ ન હતો. માર મારવાથી સંતોષ ન થયો તે જતીને રાજુનું વાજું આંચકીને બારીમાંથી બહાર ગટરમાં નાખી દીધું. રાજુ માટે આ સહેવું મુશ્કેલ હતું. તે એકદમ રડતો બંધ થઈ ગયો. તેની આંખોમાં ખુન્નસ વ્યાપી ગયું. રાજુના આ પરિવર્તનથી જતીન અને મામી થોડાક ડઘાઈ ગયાં. મારવાનું બંધ કરી તેને ઓરડામાં પૂરી ચાલ્યા ગયા. સાંજે મામા આવ્યા. તેને બહાર કાઢવામાં આવ્યો. મામાની સમક્ષ તેના ગુનાનું વર્ણન થયું. પુરાવામાં પેલું પેન્ટ પણ ફાડીને રજૂ કરવામાં આવ્યું. સાથે સાથે બીજા કેટલાય આરોપોનો ઢગલો. પણ રાજુ જાણે બહેરો બની ગયો હતો. કંઈ જ બોલ્યા વગર તે ચુપચાપ ઊભો રહ્યો. મામાએ તેની ચુપકી જોઈને જ કદાચ માર્યો તો નહીં પણ ધમકી આપી, હવે આવું કરે તો ઘરમાંથી કાઢી મૂકવાની.

રાત્રે રાજુ પોતાની ગોદડી પર સૂવા ગયો. તેને બાપુ યાદ આવ્યા. તેને થયું, બાપુની વાર્તામાં કેમ ક્યારેય રાક્ષસી નહોતી આવી ? મધરાત સુધી તે સૂઈ ન શક્યો. ચારેબાજુ નીરવ શાંતિ પ્રસરી ગઈ ત્યારે તે ઊઠ્યો. બહાર નીકળી, ગટરમાં હાથ નાખી વાજું શોધ્યું. શર્ટની બાંયથી લૂછી સાફ કર્યું. ખિસ્સામાં મૂક્યું અને પાછળ એક પણ વાર નજર કર્યા વગર ઘર છોડીને ચાલતો થઈ ગયો.