tane sarkhi rite vaat karta aavde chhe in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | તને સરખી રીતે વાત કરતાં આવડે છે

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

તને સરખી રીતે વાત કરતાં આવડે છે

તને સરખી રીતે વાત

કરતાં આવડે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે,

ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે,

અસ્તિત્વ એનું ઓગાળી જાશે અભાવમાં,

સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

-રાજેન્દ્ર શુકલ

સારી રીતે વાત કરવી એ એક આર્ટ છે. શું બોલવું? ક્યારે બોલવું? ક્યાં બોલવું? કેટલું બોલવું? આ બધા કરતાં પણ મહત્ત્વનો સવાલ એ હોય છે કે શા માટે બોલવું? બોલતાં બધાને આવડે છે. સરખી રીતે વાત કરવાની કળા બધાને હસ્તગત હોતી નથી. વાતો, ગપ્પાં, ગોષ્ઠિ, ચર્ચા અને સંવાદમાં ઘણો મોટો ફર્ક છે.

માણસ જે બોલે છે એના ઉપરથી એનું કદ મપાઈ જાય છે. આપણે ઘણી વાર કહીએ અને સાંભળીએ છીએ કે એનામાં તો કોઈ ડેપ્થ જ નથી. ડેપ્થ એટલે શું? માણસની સમજદારીનું ઊંડાણ માપી શકાતું નથી. માણસ બસ છીછરો ન હોવો જોઈએ! ઘણાં લોકો બોલવામાં બળુકા હોય છે. વાતોનાં વડાં કરવામાં પાવરધા હોય છે. ભલભલા લોકોને શીશામાં ઉતારી દે એવી કાબેલિયત ઘણાને હસ્તગત હોય છે. મૂર્ખ જેમ ઓળખાઈ જાય છે એમ આવા બોલબચન લોકો પણ પરખાઈ જતાં હોય છે. બોલીને છાકો પાડી દેતાં લોકો પર્ફોર્મ કરવાનું હોય ત્યારે પાણીમાં બેસી જતાં હોય છે.

આપણે ક્યારેય એવો વિચાર કરીએ છીએ કે મને વાત કરતાં આવડે છે કે નહીં? બાળક નાનું હોય ત્યારે બોલતાં શીખે છે. પરિવારજનો બાળકને બોલતાં શીખવે પણ છે. બાળક કંઈક અયોગ્ય બોલે ત્યારે તેને કહીએ છીએ કે આવું ન બોલાય! એક બાળક હતું. તે બોલે ત્યારે તેનાં મા-બાપ તેને શીખવતાં કે આમ બોલાય અને આમ ન બોલાય. આવું બોલીએ તો ગંદું લાગે. કોઈ આવે ત્યારે આપણે બાળકને કહીએ છીએ કે ગેસ્ટને હલો કરો, નમસ્તે કરો, પગે લાગો. બાળક બધું જ સાચું માનીને એમ કરે પણ છે. આ બાળકનાં માતા-પિતા વચ્ચે એક દિવસ ઝઘડો થયો. નાનું બાળક ખૂણામાં બેસીને બધું સાંભળતું હતું. ઝઘડો વધતો ગયો. પતિ-પત્ની એકબીજાને ન કહેવાના શબ્દો કહેતાં હતાં. અચાનક એ બાળક ઊઠયું. મા-બાપની વચ્ચે જઈને એટલું જ કહ્યું કે તમે જે બોલો છો એવું જ હું બોલતો હતો ત્યારે તમે મને કહેતાં હતાં કે આવું ન બોલાય તો પછી તમે કેમ એવું જ બોલો છો? જે મારાથી ન બોલાય એ તમારાથી બોલાય?

બે ઘડી વિચાર કરજો કે તમે જે બોલો છો એ જ શબ્દો તમારાં સંતાનો અથવા તો તમારાથી નાના લોકો બોલે તો તમારાથી સહન થાય ખરું? શબ્દો નાજુક હોય છે. શબ્દોના ઘા ન કરાય. શબ્દોની આપ-લે હોય. શબ્દોના ઘા કરીએ તો શબ્દો તીક્ષ્ણ બની જાય છે. શબ્દો માણસને ચીરી નાખે છે. આપણે કહીએ છીએ કે એની જીભ તો કુહાડા જેવી છે. માણસે એની દરકાર રાખવાની હોય છે કે મારી જીભ ધારદાર તો નથી થઈ ગઈને? હા, તમે ગમે એવા શબ્દો બોલીને કોઈને ડરાવી શકો, કોઈને તાબે પણ કરી શકો પણ તેને વશ ન કરી શકો. માણસ સહન પણ કરશે. તક મળશે એટલે તે દૂર થઈ જશે. પંખી જેમ પાંજરાનું બારણું ઊઘડવાની રાહ જ જોતું હોય છે એમ માણસ પણ છુટકારાનો મોકો જ શોધતો હોય છે.

માણસને જો સારી રીતે બોલતાં આવડે તો મોટાભાગના ઝઘડાઓ અટકી જાય. વિખવાદનું સૌથી મોટું કારણ એ જ હોય છે કે માણસને બોલવાનું ભાન નથી હોતું. એક વાર મનમાં આવે તેમ બોલી દે છે અને પછી તેને ભાન થાય છે કે હું વધુ પડતું બોલી ગયો! તમારે સોરી ન કહેવું હોય તો સારી રીતે વાત કરતાં શીખી જાવ! એક ગાળ દઈને સાત વખત સોરી કહેશો તોપણ કોઈ ફર્ક નહીં પડે. એક ગાળ ભુલાશે નહીં અને સાત વાર સોરી કહેલું એ યાદ રહેશે નહીં!

અસરકારક સંવાદ એ આજના જમાનાનો સૌથી મોટો અભાવ છે. સંવાદમાં સંવેદના હોવી જોઈએ. શબ્દો જ્યારે બોલાય ત્યારે એ સંવેદનાથી તરબતર હોવા જોઈએ. આપણાં શબ્દો ખોખલાં હોય છે. એક સ્પીકિંગ ક્લાસ હતો. પહેલા જ દિવસે ટયુટરે કહ્યું કે તમારામાંથી બોલતાં કેટલાને આવડે છે? બધાએ હાથ ઊંચો કર્યો. ટયુટરે કહ્યું કે, સાચી વાત છે. બોલતાં બધાને આવડે છે. બોલવાનું ફક્ત સ્ટાઈલથી નથી શીખી શકાતું. બોલવું એ એક્ટિંગ નથી. એક્ટિંગ કરશો તો તમે પકડાઈ જશો. બધાને ખબર પડી જશે કે આ માણસ નાટક કરે છે. મારે તમને નાટક કરતાં નથી શીખવવું. મારે તમને નેચરલ બનતાં શીખવવું છે. નેચરલ બનવા માટે નેચર બદલવો પડે છે. નેચર બદલવાની તમારી તૈયારી છે? સાંત્વનામાં પણ સંવેદના નહીં હોય તો તેનું સૌંદર્ય જળવાશે નહીં. યાદ રાખો, દિલની વાત જ દિલ સુધી પહોંચશે. દિમાગની વાત દિમાગથી અથડાઈને જ પાછી ફરી જશે. એક માણસ ફિલોસોફર પાસે ગયો. ફિલોસોફરને કહ્યું કે મારે તમારી જેમ બોલતાં શીખવું છે. ફિલોસોફરે કહ્યું કે, તું બસ હળવો થઈ જા! હળવાશ હશે તો જ હળવા શબ્દોથી વાત કરી શકીશ. જેની પાસે ભાર હોય એ ભાર જ આપી શકે. વાત કરો તો એવી રીતે કરો કે તમારી સાથે વાત કરનારને વાત કરતાં જ રહેવાનું મન થાય.

મેરેજ કાઉન્સેલિંગ સાથે જોડાયેલા એક એક્સપર્ટે એવું કહ્યું છે કે દરેક યુવક અને યુવતીએ મેરેજ પહેલાં વાત કરવાની ટ્રેનિંગ લેવી જોઈએ. છૂટાછેડાનું સૌથી મોટું કારણ વાત કરવાની અણઆવડત છે. મોટાભાગે તો બોલવાના કારણે જ બગડતું હોય છે. તારામાં તો અક્કલનો છાંટો જ નથી. તને કંઈ ભાન છે? આવું બોલતી વખતે આપણને કેટલું ભાન હોય છે કે આપણે શું બોલીએ છીએ?મોટાભાગનાં દંપતીના ઝઘડાનું સૌથી મોટું કારણ એ હોય છે કે એ જે બોલે છે એ મારાથી સહન થતું નથી! આ ખબર હોવા છતાં પણ આપણે આપણી જ વ્યક્તિને કહી શકતા નથી કે પ્લીઝ તું આમ ન બોલ. મારાથી એ સહન થતું નથી. આવું કહેવાને બદલે આપણે એમ જ કહીએ છીએ કે એનાથી આવું બોલાય જ કેમ! તમને કોઈના શબ્દો વાગે છે તો તેને કહો કે તારા શબ્દો મને ઈજા પહોંચાડે છે. મારા હૃદય સોંસરવા ઊતરી જાય છે. ચાલ, આપણે શાંતિથી વાત કરીએ. આપણે મૂંગા થઈ જશું પણ આવી વાત નહીં કરીએ. બોલવાનું બંધ કરી દેવું, મૂંગા રહેવું, અબોલા લેવા એ જ વાતની સાબિતી છે કે આપણને સારી રીતે વાત કરતાં નથી આવડતું. તમારે જો વારંવાર અબોલા થતાં હોય તો તમારે સૌથી વધારે જરૂર સારી રીતે વાત કરતાં શીખવાની છે. અબોલા એ ઈલાજ નથી. એ ભાગેડુવૃત્તિ છે. ભાગીને તમે ક્યાંય જઈ શકવાના નથી. વાત કરીને જ તમે નજીક આવી શકશો.

બોલવાનો કોઈ બચાવ હોઈ શકે નહીં. ઘણા લોકોનો આપણે એવું કહીને બચાવ કરીએ છીએ કે એની જીભ કડવી છે પણ એ માણસ એવો નથી! આવું સાંભળીને એક પત્નીએ કહ્યું કે તમારી વાત સાચી પણ એના શબ્દો તો માટે સહન કરવાના છેને! એની કડવી જીભ મારામાં પણ કડવાશ ઉમેરી દે છે. તમે એવું ઇચ્છતા હોવ કે કોઈ તમારી સાથે સારી રીતે અને પ્રેમથી વાત કરે તો તમારે પણ તેની સાથે એવી જ રીતે વાત કરવી પડશે. આ એવો વિનિમય છે કે કાંટા આપશો તો કાંટા મળશે અને ફૂલ આપશો તો ફૂલ! સરવાળે તો તમે જે રીતે વાત કરશો એ જ રીતે તમને જવાબ મળવાનો છે. બોલતાં તો બચપણથી આવડી જાય છે પણ ઘણા લોકો બુઢ્ઢા થઈ જાય ત્યાં સુધી એને વાત કરતાં આવડતું હોતું નથી! તમને તો બરાબર આવડે છેને?

છેલ્લો સીન :

તમારા શબ્દો એ તમારી અમૂલ્ય સંપત્તિ છે. તેનો સદુપયોગ કરજો, ઉડાડી ન નાખતા! શબ્દોની નિર્ધનતા એ પણ એક પ્રકારની ગરીબી જ છે.

-કેયુ

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)

email : kkantu@gmail.com