Dhak Dhak Girl - Part - 20 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ૨૦

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ૨૦

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૨૦]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

ગણપતિ બાપ્પા મોરયા
પુઢચ્યા વર્ષી લવકર યા..

ગણેશ-ચતુર્થી પછીનો પાંચમો દિવસ એટલે પાંચ દિવસના ગણપતિ-વિસર્જનનો દિવસ. આખે રસ્તે નાચતા-ગાતા વાજતે-ગાજતે તેમને વિદાય આપતાં લોકોનાં મોઢેથી પુરજોર અવાજમાં બોલતા આવા સ્લોગન્સ, દર વર્ષની જેમ આજે પણ રસ્તા પરથી ઉપર મારી રૂમમાં લગાતાર સંભળાતા હતા.

આવા અવાજો દર વર્ષે તો મને બહુ પ્રિય લાગતા કારણ મારી ભૂતપૂર્વ પ્રેમિકા તન્વીનાં ઘરે પણ પાંચ દિવસના ગણપતિ આવતા, અને પાંચમે દિવસે વિસર્જન માટે તેમને લઇ જવાના હોય ત્યારે હું અચૂક તન્વીનાં ઘરે જતો અને ત્યાંથી જામ ધમાલ કરતા..ગુલાલ વગેરે ઉડાડતા અમે બધા ડેક્કન જીમખાના પાસે, મુથા નદીને કાંઠે જતાં. આખે રસ્તે આવા જ સ્લોગનો લલકારી લલકારીને રસ્તો આખો ગજવી મુકતા..રસ્તાનો ટ્રાફિક ગૂંચવાડી મુકતા. નદી કાંઠે ગણપતિની આરતી થતી ત્યારે પણ મારી ને તન્વીની નજરાનજરી તો ચાલુ જ રહેતી, અને આમ આ ધાર્મિક ઉત્સવ અમારા માટે રોમાન્સનું એક માધ્યમ બની રહેતો.

આ વર્ષે પણ ગણપતિના આ પાંચમાં દિવસે, નીચેથી મારા ઘરમાં આવા સ્લોગન્સનો ગોકીરો મારા કાને પડી રહ્યો હતો. પણ આજે મને તે બધામાં કોઈ જ રસ નહોતો, કારણ હજી બે દિવસ પહેલા જ ફોન પર તન્વી સાથે મારી સખત બોલાચાલી થઇ હતી, ને મેં અમારા બ્રેકઅપનું તેની સામે ઑફીસીઅલી એનાઉન્સમેન્ટ કરીને મારો ફોન પટકી દીધો હતો. પોતાનાં મૅરેજ થઇ ગયા હોવા છતાં સાવ ચીપ કહી શકાય તેવી તેની વાણી અને વર્તનથી વૈતાગીને મેં આખરે આ અંતિમ પગલું ભર્યું હતું.

તેનાં પછી તરત જ જો ધડકન મારા ઘરે ન આવી હોત, તો મારો તો તે આખો દિવસ જ આવા ફાલતું મૂડને કારણે બેકાર ગયો હોત. પણ તે મારા ઘરે આવીને મને તેમનાં ગુરુદ્વારે લઇ ગઈ કે જ્યાં મારા જઈને મને કોઈક અનોખી શાતા પ્રાપ્ત થઇ ને મગજ અને મૂડ ફરી પાછા ઠેકાણે આવ્યા.

બસ..હવે પછીનાં અઠવાડિયામાં જ અનંત-ચતુર્દશીને દિવસે મારા માસીના દીકરાની જનોઈનું ફન્કશન હતું, તો મમ્મી તેમના ઘરે ગઈ હતી, અને પાંચ દિવસના ગણપતિનું વિસર્જન હોવાથી રસ્તામાં અટવાઈ પડવાનાં ભયને લીધે પપ્પાએ પોતાના ધંધાકીય કામે આજે બહાર જવાનું ટાળ્યું હતું, એટલે ઘરમાં ફરી પાછા હું અને પપ્પા બંને એકલા જ હતા.
તેમને મારી અને ધડકનની વાત કર્યે આજે બે દિવસ વીતી ગયા હતા. જયારે મેં વાત કરી તે દિવસે તો તેઓ કામે જવાની ઉતાવળમાં હોવાથી ખાસ કંઈ વિગતવાર વાત નહોતી થઇ, પણ તે પછી ગઈકાલે કે આજે અમે એકલા પડ્યા હતા તો પણ તેમણે સામેથી કોઈ વાત ઉચ્ચારી જ નહીં, તો મને બેચેની થવા લાગી હતી.

મેઈન રોડ પર પડતા મારા રૂમની બારીમાંથી ગણપતિ-વિસર્જનના જોરશોરથી સંભળાતા સ્લોગન્સથી ત્રાસીને મેં પપ્પાની રૂમાં જઈને બેસવાનો નિશ્ચય કર્યો.

હું ભાગ્યે જ તેમની રૂમ જતો હોવા છતાં, આજે તેમની રૂમમાં મને આવેલો જોઈને તેમને કોઈ જ નવાઈ ન લાગી કારણ તેમને ખયાલ આવી જ ગયો હશે, કે હું અધુરી રહેલી અમારી વાત પૂરી કરવા જ ત્યાં આવ્યો હોઈશ.

તેમની સામે સોફા પર જઈને થોડીવાર ચુપચાપ બેસી રહ્યા બાદ પણ હું કંઈ જ ન બોલ્યો એટલે આખરે તેમણે છાપામાંથી પોતાનું મોઢું કાઢીને મારી સામે જોયું.

"કંઈ કહેવું છે તન્મય?" -આખરે તેમણે મને પૂછ્યું.

"પપ્પા, મારી વાતમાં તમે આગળ શું વિચાર્યું?" -કોઈ પણ પ્રકારની પૂર્વ-ભુમિકા બાંધ્યા વગર જ હું મારી મુખ્ય વાત પર આવી ગયો.

"વિચારવાનું મારે છે કે તારે?"

"બહુ વિચારીને જ હું તમારી પાસે આ વાત લઈને આવ્યો છું, પપ્પા."

"કેટલા સમયથી તમારું આ ચક્કર ચાલે છે? ત્રણ-ચાર મહિનાથી, રાઈટ?” -બે દિવસ પહેલા મેં ટૂંકાણમાં કરેલ મારી વાતનો એક તંતુ પકડીને તેઓએ મને પૂછ્યું- "અને એટલા શોર્ટ પીરીયડમાં તને એટલો બધો કોન્ફીડન્સ પણ આવી ગયો કે તું જીવનનો જુગાર રમવા માગે છે?"

"પપ્પા, તો એરેન્જ મૅરેજમાં તમે મને જે છોકરી સજેસ્ટ કરશો તેને હું કેટલા સમયથી જાણતો હોઈશ..? આનાં કરતા પણ ઓછા સમયથી જ ને?"

"અરે, અમે તને એ જ છોકરી સજેસ્ટ કરશું, કે જે અમારા કોઈકના પરિચયમાં ખુબ સારા એવા સમયગાળાથી હશે."

"પણ મૅરેજ તો તમારા કોઈકે નથી કરવાના ને? તમારા કોઈકનાં પરિચયમાં તે છોકરી ગમે તેટલા સમયથી હોય, તેનો મને શું ફરક પડે."

"તો યુ મીન, તને અમારા સજેશન પર વિશ્વાસ નથી..રાઈટ? અમે બધાં શું તારા વેલ-વિશર્સ નથી?"

"આપ સૌના સજેશન્સ પર મારા વિશ્વાસની જો તમે વાત કરતા હો, તો મારા સજેશન પર તમે કેમ વિશ્વાસ નથી કરતાં?

"તારા સજેશનની વાત કરે છે, તો તારી ચોઈસ તો મેં જોઈ લીધી..દીકરા..!"

"ના પપ્પા, યુ આર મિસ્ટેકન. હજી સુધી તમે તેને જોઈ જ નથી."

[આ વાક્ય હું ફૂલ કોન્ફિડન્સથી એટલા માટે બોલ્યો કારણ જયારે અઠવાડિયા માટે હું પેલા રિસોર્ટમાં ગયો હતો ને તે દરમ્યાન ધડકન મારા ઘરે નિયમિત આવતી રહી, તે સમયગાળામાં પપ્પા પણ દિલ્હી-ચંડીગઢની બીઝનેસ ટુર પર હતા.]

"જોઈ ભલે નથી પણ તને તો મેં માપી જ લીધો છે. તું એક એવી છોકરીની વાત લઈને આવ્યો છે કે જેને અમે કોઈ બિલકુલ જ ઓળખતા નથી. કે નથી તેનાં પેરેન્ટ્સને ઓળખતા. ને તેનાં ફેમીલી બેકગ્રાઉન્ડ વિષે તું પોતે પણ ખાસ કંઈ જ નહીં જાણતો હોય, આયે'મ શ્યોર."

"પપ્પા, તેઓ ડીસંટ અને વેલ-એજ્યુકેટેડ લોકો છે. માબાપની એક જ સંતાન છે. નાનું ફેમીલી છે. તેની મમ્મી મારી મમ્મીની જેવી જ સોફ્ટ-સ્પોકન અને સંસ્કારી હાઉસ વાઈફ છે. થોડું બોલવા વધુ જોઈએ છે પણ મળતાવડી ય એટલી જ છે. તેનાં પપ્પા ઇન્કમ-ટેક્સ ઓફિસર છે. ત્રણ વર્ષથી તેઓ અહીં પુનામાં રહે છે બાકી તે પહેલાં નવ-દસ વરસ તો તેઓ ગુજરાતમાં જ રહ્યા છે કે જ્યાં આનું એજ્યુકેશન થયું છે. પપ્પા, ગુજરાતી કલ્ચર અને ફૂડ-હેબીટ્સથી તે ટેવાયેલી છે એટલે આપણા ઘરમાં તો તે ખુબ આસાનીથી એડજસ્ટ થઇ જશે. ટ્રસ્ટ મી." -હું ખુબ જ વિશ્વાસથી મને જેટલું ખબર હતું તે બધું સડસડાટ બોલી ગયો.

"દીકરા, એમ તો આપણે પણ અહીં પુનામાં છેલ્લા બાર વરસથી રહીએ છીએ પણ તોય..કોઈ એક મરાઠી ફેમિલીમાં ગેસ્ટ તરીકે પણ જો તને મોકલવામાં આવે, તો બોલ દીકરા, ત્યાં તું એકદમ ક્મ્ફરટેબલી કેટલા દિવસ રહી શકીશ?" -હું સ્તબ્ધ થઇ ગયો એક પળ માટે..કે જે પપ્પાની નજરથી છૂપું ન રહી શક્યું.

"તું કોઈ ૨૦-૨૧ વર્ષનો લબરમુછીયો નવજુવાન નથી. યુ આર અ મૅચ્યોર્ડ યંગ-મૅન. અને આ ઉંમરે બ્લાઈંડ લવ ન થવો જોઈએ.. આ ઉંમરે તો જે લવ હોય તે કેલ્ક્યુલેટીવ લવ હોવો જોઈએ. આંધળુકિયા કરવાનાં વર્ષો વીતી ગયા તારા આયુષ્યના, માય સન. હવે તો જે કંઈ પણ કરવાનું હોય તેની પૂરી ગણતરી મગજમાં જો નહીં રાખે, તો લાઈફમાં ક્યારેય સેટલ નહીં થઇ શકે તું. પછી ભલે તે તારી પ્રોફેશનલ લાઈફ હોય અથવા ફેમીલી લાઈફ."

"યસ પપ્પા..આઈ અન્ડરસ્ટેન્ડ ધૅટ વેરી વેલ."

"નો, આઈ ડોન્ટ થીંક યુ અન્ડરસ્ટેન્ડ. તારામાં મેચ્યુરીટી આવી હોય તેવું લાગતું તો નથી જ. નહીં તો જસ્ટ ટેલ મી માય બોય..કે તું તે પંજાબણનાં ચક્કરમાં આવ્યો કેવી રીતે..? તમે બંને એક જ ઑફીસમાં હો તો સમજી શકાય. પણ શી ઈઝ જસ્ટ અ કોલેજીયન ગર્લ. એટલે મને તો એવું જ લાગે છે કે તું હજુયે ઑફીસમાં બંક મારી મારીને કોલેજોની આસપાસ આંટા મારતો હોઈશ. ત્યાંની છોકરીઓને ઈવ-ટીઝ કરતો હોઈશ, પેલા રોડ-છાપ રોમીઆઓની જેમ. આને શું તું તારી મેચ્યોરીટી ગણાવે છે?"

"ઓ પ્લીઝ, પપ્પા.. હાઉ કેન યુ થીંક સો ચીપ અબાઉટ મી?"

"ઓકે, ધેન ટેલ મી.. કે તે જે કૉલેજમાં ભણે છે તે પેલી ફર્ગ્યુંસન કોલેજ તો સાવ ગામનાં છેવાડે એફસી રોડ પર આવેલી છે, તો ત્યાં એટલે લાંબે સુધી તું કેવી રીતે પહોંચી ગયો? તારી ઑફીસ તો સાવ આ બાજુ ચીંચવડમાં છે."

હું ચુપ થઇ ગયો. શું કહેવું તે સમજાયું નહીં. પપ્પાને એમ તો ન જ કહી શકું કે તેને હું તન્વી દ્વારા મળ્યો હતો. તન્વી..કે જે મારી પહેલી ગર્લફ્રેન્ડ છે..આઈ મીન હતી...ઉફ્ફ..! કેટલા બધા ખુલાસા મારે દેવા પડે તેમ હતા.

"જો..! કોઈ જાતની ઉતાવળ ન કરીશ. તારી જાતને હજી સમય આપ. પોસીબલ છે કે આવતા ચાર-છ મહિનામાં તારો આ લવ-ફીવર ઉતરી પણ જાય. અને બાય એની ચાન્સ જો ત્યારે પણ તું મક્કમ રહીશ તો પછી જોઈશું કે આમાં શું થઇ શકે છે. બટ ફોર નાઉ.. જસ્ટ રીલેક્સ..!"

આટલું કહીને પપ્પાએ તેમનો ફોન ઉપાડ્યો અને ટોઇલેટમાં ચાલ્યા ગયા.
તેમની આદત છે કે જયારે તેમની આ દૈનિક ક્રિયા તેઓ પતાવતા હોય, ત્યારે ખરા અર્થમાં પતાવતા નથી હોતા..પણ પુરા દિલથી, પૂરો સમય આપીને તેઓ આ કુદરતી-કાર્ય પૂરું કરતા હોય છે. મતલબ કે..ફોનમાં ઓનલાઈન ન્યુઝપેપર ખોલીને વાંચતાં વાંચતા તેઓ સારો એવો સમય ટોઇલેટમાં વિતાવી દે.
માટે તેમનાં જલ્દી બહાર આવવાની વાટ જોઇને બેસી રહેવાનો હવે કોઈ જ મતલબ નથી, તેવું સમજીને હું તેમનાં કમરામાંથી બહાર નીકળીને મારી રૂમમાં આવી ગયો.

મારો આ પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો તેનું મને પૂરું ભાન હતું, માટે હવે તો સરખું હોમવર્ક કરીને જ તેમની સાથે આ વિષય પર ચર્ચા કરવી પડશે તેનો મને અહેસાસ થઇ આવ્યો.
એન્ડ યસ, આ તો હજી સેમી-ફાઈનલ હશે..કારણ ફાઈનલ તો મારે મમ્મી સામે રમવાની હતી.
મમ્મી..! એક એવી ખેલાડી કે જેને રમતનાં કોઈ જ નિયમ લાગુ ન પડે, કારણ તેનાં નિયમ તે પોતે જ બનાવે.
અહીં તો પપ્પા કેટલા શાંતિથી..બિલકુલ અવાજ ઉંચે લઇ ગયા વગર..એકદમ લોજીકલ વાતો કરતા હતા. પણ આ જ પપ્પા જયારે મમ્મી સાથે કોઈ ચર્ચા કરતા હોય, તો અચૂક એકમાંથી બીજી...ને પછી તેમાંથી ત્રીજી વાત કાઢીને વર્ષો જૂની ભડાશ મમ્મી એવી રીતે બહાર કાઢે, કે મૂળ વાત તો તેની જગ્યાએ જ રહી જાય અને કોઈક અલગ જ જૂની અને તે સમયે ન ઉકેલાયેલી હોય તેવી વાત..નવેસરથી સામે આવીને એવી ઉભી રહી જાય કે પપ્પા બધી વાત અધુરી જ મુકીને ચાલતી પકડે.
તો આવી મારી મમ્મી સાથે મારે ક્યારે અને કઈ રીતે મારી આ વાત ઉકેલવાની છે તેની મને કોઈ જ આઈડિયા નહોતી.

*******

કૉફીનો બીજો કપ પણ હવે પૂરો થવા આવ્યો હતો, પણ ધડકનનો તો કોઈ પત્તો જ નહોતો.
ફરી એક વાર મેં ઘડિયાળમાં જોયું.
એક કલાક થઇ ગયો હતો અને મારા મનની બેચેની વધતી જતી હતી.
આતુર નજરે મેં ફરી એક વારે કોલેજનાં ગેટ તરફ જોયું.
ધડકનનું આજે રીઝલ્ટ હતું, અને હું તેની કૉલેજની સામેનાં રસ્તા પર આવેલી કૅફેટેરીયામાં એવી જગ્યા પર આસન જમાવીને બેઠો હતો, કે જ્યાંથી તેની કોલેજ મને સરળતાથી દેખાઈ શકે.
લગભગ કલાક પહેલા અમે બંને મારી ગાડી પર આવ્યા હતાં, અને મને અહીં બેસાડી જયારે તે અંદર કૉલેજમાં ગઈ ત્યારે તે સોલ્લીડ ટેન્શનમાં હતી.

"આયે'મ સ્કૅઅર્ડ તન્મય.." -પોતાનો ઠંડો પડતો હાથ મારા હાથ પર મુક્ત તે બોલી હતી- “તન્મય..આઈ ડોન્ટ વૉન્ટ ટુ ફ્લન્ક."

"ફિકર મત કર યાર..થઇ જઈશ તું પાસ..!" -મેં તેને હિમ્મત આપતા કહ્યું હતું.

"ફિકર મત કર એટલે..? અરે, મને ખબર છે ને..કે મેં કેટલું અને કેવું વાંચ્યું હતું. અને મારા પેપરમાં મેં શું ઉકાળ્યું છે તે મને બધું યાદ છે."

"અરે, તો વાંચવું'તું ને ત્યારે સરખું..!"

"હા, બોલવું સહેલું છે કે સરખું વાંચવું 'તું ને," -તેણે ચિડાઈને જવાબ આપેલો- "ત્યારે તે આખો સમયે તું જ હતો મારી વહી-ચોપડીઓમાં..મારા મનમાં..ને મારું ધ્યાન તારામાં જ અટવાયેલું હતું, તો ક્યાંથી કરું હું સરખી તૈયારીઓ?"

ખરું પૂછો આ બધી વાત કરતી વખતે હું પોતેય ટેન્શનમાં હતો.
ધડકન બસ પાસ થઇ જાય એમ નહીં, પણ તેનો ફર્સ્ટ-ક્લાસ આવે એવી મારી દિલથી ઈચ્છા હતી, કારણ પપ્પા સાથે ધડકનની વાત કરી, તે પછી પપ્પાનું વલણ આ બાબતમાં તો સાવ જ ઠંડુ હતું એટલે તેમનાં તરફથી કોઈ જ સપોર્ટ મળે તેવું લાગતું નહોતું.
તો હવે તો બસ..મારી જંગ મારે એકલાએ જ લડવાની હતી, ને સામે હતી મારી મમ્મી..એકદમ જક્કી ને જીદ્દી..કાયમ પોતાનો કક્કો સાચો કરાવડાવે તેવી..સામે પછી હું હોઉં કે પપ્પા..કે પછી મારા મામાઓ કે માસી કે મારી નાની.
ઘરમાં કે પછી ઘર બહાર મોસાળમાં..બધાં તેને પૂછીને જ, તે પીવડાવે તેટલું જ પાણી પીવે, તો આ બધાંમાંથી તો કોઈનો ય સપોર્ટ મને મળે તેમ નહોતું. મારી સાથે રહીને મારી તરફ બોલવા માટે ભલે નહીં..પણ મારી પાછળ પણ મારી ગેરહાજરીમાં કોઈ મારી તરફેણમાં તેને સમજાવી શકવાના નહોતા કારણ મામાઓ અને માસીનાં ઘરમાં પણ મમ્મી કહે તેમ જ થાય.
તેમનાં ઘરનાં કોઈ મોટા નિર્ણયમાં મમ્મીનો મત જ સહુથી વજનદાર ગણાય.
આમ જુઓ તો મારું આખું મોસાળ જ જુનવાણી કહી શકાય.
પૂના જેવા પૂર્ણપણે મરાઠી શહેરમાં બસ ચારસો-પાંચસો ગુજરાતી ઘરોનો બનેલો અમારો ગુજરાતી સમાજ. ને એ સમાજમાં મારા મોસાળનું ઘર અગ્રગણ્ય ગણાય. એટલે સમાજમાં પોતાનું નામ ખરાબ ન થાય તેનું બધાં મામાઓ અને માસી ખાસ ધ્યાન રાખે..અને તે માટે મારી મમ્મીની સલાહને જ અનુસરે. તો જસ્ટ ઈમેજીન કે કેવી હશે મારી મમ્મીની સલાહો..!
પપ્પાનું ફેમીલી..એટલે કે કાકા અને ફૂઈઓ.. બધું મુંબઈમાં, એટલે પપ્પા તો અહીં બસ..ચુપચાપ જ બધી વાતમાં પોતાની સંમતી આપી દે..વધારે અંદર પેસીને ચુંથણા ન કરે.
આમેય અહીનાં ગુજરાતી-સમાજમાં તેમનું સોશિયલ-સર્કલ સાવ જ ઓછુ. તેમનું ફ્રેન્ડ-સર્કલ એટલે મોટે ભાગે તેમનાં ઓટોમોબાઈલ બીઝનેસનું વેપારી-સર્કલ..કે જેમાં મોટે ભાગે મરાઠી અને અમુક મારવાડી-પંજાબી જ છે.
આવી સ્થિતિમાં..અમારા સામાજિક રુતબાની વાત આવે તો જો તેમની હા ન હોય..તો તેમની ના પણ ન જ ગણાય, અને જો તેઓ ના પાડે તો તેને પણ જક્કીપણે વળગી ન જ રહે.
તમારે જેમ કરવું હોય તેમ કરો પણ મને મારી રીતે જીવવા દો..તેવી જ હમેશા તેમની નિતી રહી છે.
તો તેમનાં આવા માનસિક રવૈયાને કારણે ધડકન જેવી પંજાબી છોકરી સાથેના મારાં એફેર બાબતમાં તેમની ના હશે તોય તેમને સમજાવવા બહુ મુશ્કેલ તો નહીં જ હોય તેવું મને લાગ્યું. અને જો આ બાબતમાં તેમની હા પણ હશે તો તેમની ‘હા’નું ય ખાસ કોઈ વજન નહીં પડે તે પણ હું બરોબર જાણતો હતો. તો હવે..
ધડકનની વાત જો મારે મમ્મી સામે મુકવી હોય, તો તેનાં કોઈક તો પ્લસ પોઈન્ટ મારી પાસે હોવા જોઈએ ને..કે ચલો તે હોશિયાર છે..ફર્સ્ટ ક્લાસમાં ગ્રેજ્યુએશન કર્યું છે..વગેરે વગેરે.
આવી પરિસ્થિતિમાં ધડકન જો પોતે જ..પાસ નહીં થવાય..તેવા ટેન્શનમાં હોય, તો મને તો ટેન્શન આવવાનું જ કે મમ્મીને મારે શું કહેવાનું? નાપાસ થયેલી કોલેજીયન છે, એવું? ધડકન માટે રખડેલ અને ડોબી જેવા મમ્મીનાં ફેવરેટ વિશેષણો સાંભળવાની જ તૈયારી રાખવાની મારે?
સ્કુલ-કૉલેજમાં મારાં એવરેજ ટાઈપનાં રીઝલ્ટ જોઇને તે દર વર્ષે મને આવા જ શબ્દોથી નવાજતી. તો મારી આ પ્રેયસીની લાલ લીંટાવાળી માર્ક-શીટનાં નસીબમાં શું સાંભળવાનું લખાયું છે તેની તો મને ચોક્કસ જ ખબર હતી.

તો...દસ મિનીટમાં આવું છું...કહીને કોલેજમાં ગયેલી ધડકનને કલાક થવા આવ્યો..છતાંય તે બહાર ન આવી, તો મારું ટેન્શન વધતું જ જાય, તેમાં નવાઈ શેની?

ઠંડી પડી ગયેલી કૉફીને એક જ ઘૂંટમાં ગટગટાવી જઈને હજુ એક કૉફીનો ઓર્ડર કરવાનો હું વિચાર કરતો જ હતો, કે એટલામાં જ મને તે ગેટની બહાર આવતી દેખાઈ, એટલે પટકન સો રૂપિયાની નોટ કાઢી ટેબલ પર મુકીને બાકીના પૈસાની દરકાર કર્યા વગર જ હું યે કૅફેટેરીયાની બહાર રસ્તા પર આવી ગયો.

"તન્મ........ય" -રસ્તાની સામેની સાઈડ પરથી જ માર્ક-શીટ હવામાં હલાવતાં હલાવતાં તેણે મને હાય કર્યું.

ચહેરા પર ઉત્સાહ અને આનંદ તો જણાતો હતો, એટલે નાપાસ તો નથી જ થઇ એટલી મને ધરપત થઇ આવી, ને ત્યારે જ તેને અહીંથી સીધી દગડુશેઠનાં ગણપતિ-મંદિરે લઇ જઈને પગે લગાવી આવવાનો મેં નિશ્ચય કરી લીધો.

"ફર્સ્ટ-ક્લાસ, શોનુ..!" -ધડકન સામેની તરફથી જ બરાડીને બોલી રહી હતી.

આ શોનુ કોણ છે તેની શોધ કરતાં કરતાં આજુબાજુનાં લોકોની નજર મારી ઉપર આવીને થંભી જતી.

"શ્શુ.." -મોઢા પર આંગળી મુકીને ઈશારો કરતા મેં તેને કહ્યું- "પહેલાં આ બાજુ આવી જા. ત્યાંથી જ બુમો ન પાડ."

પણ ધડકનને કંઈ જ સંભળાયું નહીં. હવામાં માર્ક-શીટ નચાવતી નચાવતી તે અડધો રસ્તો ક્રોસ કરીને ડીવાઈડર પર આવીને થંભી ગઈ.

"જો..જો..ફર્સ્ટ-ક્લાસ આવ્યો મારો..ચલ તારા ઘરે જઈએ..શું કહે છે?" -તેણે મને ત્યાંથી જ પૂછ્યું.

"હા હા દેવીમા..ખમૈયા કરો.." -મેં હસતાં હસતાં જવાબ આપ્યો.

મારી તરફ જોતાં જોતાં તેણે રસ્તો ઓળંગવાની શરૂઆત કરી, કે મારું ધ્યાન લેફ્ટ-સાઈડમાંથી આવતી કાર પર ગયું. તે મૂરખ તો ફોન પર વાત કરતો કરતો જ ગાડી ચલાવતો હતો ને કારની સ્પીડ ઓછી કરવા જેટલુંય ધડકન તરફ તેનું ધ્યાન નહોતું.

"ધડકન..! લુક ટુ યોર લેફ્ટ.." -મેં જોશભેર બુમ પાડી.

પોતાને કંઈ સંભળાયું જ નથી તેમ કહેવા ધડકને નકારમાં માથું હલાવ્યું,

"ચ્ચ્..વેઇટ ધેર..!" -કરતો હું ભાગીને સામેની સાઈડ દોડ્યો અને તેને પાછળ ધકેલી.
નસીબજોગે સમયસર પેલા કારવાળાનું ધ્યાન અમારી પર ગયું ને તેણે ગાડી એક સાઈડથી તારવી લીધી, નહીં તો અમને બંનેને તેની કારે ઉડાવી જ દીધા હોત. જો કે જતાં જતાં બારીમાંથી તેણે અમને મા-બેનની બે-ચાર સંભળાવી દીધી.
હવે.. મારી ગર્લ-ફ્રેન્ડની હાજરીમાં શું હું તેની સરસ્વતી-વાણી સાંભળીને બેસી રહેવાનો હતો કે?
મને યાદ આવ્યા એટલા 'ભ' શબ્દો હું પણ તેને સામે સંભળાવીને ઉંધો ફર્યો ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ ગયું હતું.
પાછળથી આવેલો એક ટેમ્પો સાવ લગોલગ આવીને મારી પાછળ ઉભો રહી ગયો હતો. ખચકીને હું પાછળ હટ્યો..
પણ ત્યાં સુધીમાં તેનાં બોનેટની એક ધડક મારા હાથ પર લાગી ગઈ, અને હું પાછળ ફેંકાઈ ગયો.

રસ્તા પર પડ્યો ત્યારે પીઠમાં એક ન સહી શકાય તેવું દર્દ ઉઠ્યું.
જમણો પગ ફૂટપાથની કિનારી સાથે અથડાયો.
માથા પરથી ગરદન સુધી ઉતરી રહેલા રેલાનો ગરમાવો પણ મેં મહસૂસ કર્યો.
પણ ત્યાં સુધીમાં તો જગત આખું ગોળ ગોળ ફરવા લાગ્યું ને હું જાણે કે ગાઢ નિંદ્રામાં સરતો ચાલ્યો.

મને ધડકનનો બસ એટલો જ અવાજ સંભળાતો હતો- "તન્મય..! ઓ માય ગોડ..આર યુ ઓકે..? ઑટો..ઑટો..પ્લીઝ સ્ટૉપ..!"

મારું આખું અંગ જાણે કે બધીર થઇ ગયું હતું.
શરીરમાં તો કોઈ જ પીડા હવે જણાતી નહોતી, પણ ધડકનને આટલી બેસહાય હેલ્પલેસ જોઈને મને બીજી જ કોઈ વેદના પારાવાર થતી હતી.
હું ઉઠીને બેઠો થવા ગયો..પણ મારા તમામ પ્રયત્નો વ્યર્થ થયા.
શરીરની સઘળી તાકાત હણાઈ ગઈ, ને મારા સમસ્ત હોશે દગો દઈને અકાળે જ મારો સાથ છોડી દીધો કે જેનાં પરિણામ સ્વરૂપે મારા લાખ પ્રયત્નો છતાં ય..હું બેહોશ થઇ ગયો.

.

કેટલીય વાર પછી મારી સંવેદનાઓ પુન:જાગૃત થઇ.
હું ક્યાં છું -તે કંઈ જ સમજાતું નહોતું.

ધડકનનો રુદન-મિશ્રિત..ન સમજાય તેવા ઉચ્ચારો સાથેનો..અવાજ મારે કાને પડી રહ્યો હતો.
કોઈક તેને..હું જલ્દી જ સારો થઇ જઈશ..વગેરે વગેર કહી રહ્યું હતું, તો કોઈક મારા મમ્મી-પપ્પાનો ફોન નમ્બર માંગી રહ્યું હતું. વચ્ચે જ કોઈક..ડોક્ટર આવી ગયો..
એવું બોલી રહ્યું હતું, તો કોઈક પોલીસમાં એફઆરઆઈ નોંધાવાની વાત કરી રહ્યું હતું.

બિચારી ધડકન..સાવ એકલી જ પડી ગઈ હતી.
મારે આંખો ઉઘાડવી હતી પણ હું તેમ કરી ન શક્યો.
કોઈકે આવીને ત્યારે મારી ગરદન પર બેન્ડેજ કે એવી કોઈક પટ્ટી બાંધી ત્યારે પુન: અસહ્ય પીડા ઉપડી આવી જેને કારણે હું ફરી બેહોશ થઇ ગયો..રસ્તા પર જ.

********

પછી મોડે મોડે મારી ઊંઘ ઉડી હશે... કદાચ બહુતે'ક તો સાંજના સમયે જ.
કોઈ તો પણ એક હોસ્પિટલની એક રૂમમાં હું હતો તેવું મને લાગ્યું.
જોયું તો ધડકન મારા બેડની સામે..બાજુમાં ખુરશી પર બેઠી હતી.
મેં આંખો ઉઘાડી છે તે જોઈને પટકન ઉઠીને તે મારી બાજુમાં આવી ગઈ.

"હાઉ આર યુ તન્મય? ત્રાસ થાય છે? બહુ દુ:ખે છે?"

"આઈ એમ ફાઈન.." -હું જેમતેમ કરીને બોલ્યો- "વૉટ હૅપ્પન્ડ?"

"નથીંગ..ડૉક્ટરે કહ્યું ખાસ કંઈ ગભરાવા જેવું નથી. બ્લડ-લૉસ થવાને કારણે અશક્તિ આવી ગઈ છે. બસ સીરીફ.."

"સીરીફ શું?" -મેં થોડા ગભરાઈને પૂછ્યું.

"નહીં...એટલે કે.. સીરીફ પગમાં પ્લાસ્ટર આવ્યું છે તારા. નાનું એવું એક ઓપરેશન કરવું પડશે, ને બે સ્ક્રુ લગાડશે તારા ઘૂંટણ આગળ."

"અરે બાપરે..! હવે?"

"હવે કંઈ નહીં. મહિનો ભર આરામ કરવાનો, બસ." -ચહેરા પર સ્મિત લાવવાની કોશિષ કરતાં તે બોલી.

હું ક્યારનો ય જોઈ રહ્યો હતો કે તે મારી સાથે નજર મેળવીને વાત નહોતી કરતી, એટલે મેં પૂછ્યું-
"વોટ્સ રોંગ ધડકન? એવરીથીંગ ઓલરાઈટ?"

"મારા કારણે જ થયું ને આ બધું તન્મય..? હું સાવ મૂરખની જેમ જ રસ્તો ક્રોસ કરી રહી હતી. સો સૉરી શોનુ..!" -એકદમ રડમસ અવાજે તે બોલી રહી હતી.

એવી સ્થિતિમાં પણ મને તેની વાત પર હસવું આવી રહ્યું હતું, પણ હું તે રોકીને બેઠો હતો. હોસ્પિટલના તે નીરસ લીલા-ભૂરા પડદા..ધડકનની હાજરીને કારણે કેટલા જીવંત અને ફ્રેશ લાગી રહ્યા હતા મને.

હું કંઈ પણ બોલું તે પહેલા તો મમ્મી આવી ગઈ.
"અરે..તું આવી ગયો ભાનમાં..?" -ને પછી ધડકન તરફ જોઇને બોલી- "મને ફોન ન કરાય કે? બસ આટલામાં જ..નીચે જ તો હું ગઈ'તી."

"બસ..હું ફોન કરવાની જ હતી, આંટી." -રૂમાલથી પોતાનું નાક લૂછતાં ધડકને જવાબ આપ્યો.
નક્કી કંઈક તો પણ લોચો થયો હશે, કારણ ધડકન થોડી વાર જ ત્યાં થોભી, ને પછી બહાર જઈને બેસી ગઈ.

"ત્યાં શું કરતો'તો તું, તેની સાથે? આવા અણઘડ લોકોની ભરતી કરો છે કે તમે તમારી કંપનીમાં?"

"મમ્મી પ્લીઝ.. તેની કોઈ જ ચૂક નહોતી."

"ચુપ કર. બિલકુલ જ તેની ફેવરમાં નહીં બોલતો હવે. તને જે લોકો અહીં લઇ આવ્યા તેઓએ જ મને કહ્યું કે આજુ બાજુ જોયા વગર તે રસ્તો ક્રોસ કરતી'તી..ને તું તેને એક કારથી બચાવવા ગયો અને.."

"મમ્મી..તે બધાં લોકો તો શું..? કંઈ પણ બોલતા હોય તે લોકો તો. આપણે તે બધાંનું શું કામ સાંભળવાનું?"

"અને પોલીસ? એફઆઈઆર પણ નોંધાવી તે લોકોએ..ને તેમાં પણ એવું જ બધું લખાવ્યું છે બધાએ. સમજ્યો"

બોલતા બોલતા જ મમ્મીનું ધ્યાન બાજુના ટેબલ પર પડેલી ધડકનની માર્ક-શીટ પર ગયું.
કેટલીય વાર સુધી તેણે તેને વાંચી અને પછી મને કહ્યું-
"ખોટું બોલતો'તો ને તું મારી પાસે..કે તે તારી ઑફીસમાં કામ કરે છે..? નથી ને તે તારી ઑફીસમાં..? અન્ડર-ગ્રેજ્યુએટ લોકોને ક્યારથી તારી કંપની નોકરીએ રાખવા માંડી, બોલ."

"મમ્મી પ્લીઝ..મારી વાત તો સાંભળ..!"
પણ હું કંઈ પણ આગળ બોલું તે પહેલા તો તે રૂમની બહાર ચાલી ગઈ. [ક્રમશ:]

.

_અશ્વિન મજીઠિયા..