ડૉક્ટરની ડાયરી-10
દિલ જ કાબા હૃદય જ કાશી છે
યુવાન સ્માર્ટ હતો. દેખાવડો પણ ખરો. પણ એથી શું? એવા હીરો ટાઇપ હસબન્ડ્ઝ તો બહુ જોઇ નાખ્યા. કોઠીમાં ભરેલા જેટલા દાણા એટલા આવા માણા! ‘સાહેબ, સુરતથી આવું છું. મારી વાઇફ પ્રેગ્નન્ટ છે. આ એનો સોનોગ્રાફી રિપોર્ટ. છેક છેલ્લા સમયે લેડી ડોક્ટરે હાથ અધ્ધર કરી દીધા છે. કે છે કે તમારું બાળક પેટની અંદર જ મરી જશે.’ એના શબ્દે શબ્દમાં નિસબત હતી, ચિંતા હતી અને અસહ્ય દર્દ હતું. હોય એ તો. આવું પણ મેં ઘણા બધા પતિદેવોમાં જોયેલું છે. પત્ની ગર્ભવતી હોય અને કોઇ મોટી કોિમ્પ્લેકેશન છે એવી ખબર પડે ત્યારે ભલભલા સ્માર્ટ અને હોશિયાર પતિદેવો આવા થઇ જતા હોય છે. હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવા.
મેં સોનોગ્રાફીનો રિપોર્ટ હાથમાં લીધો. વાંચ્યો. વાત સાચી હતી. એ રિપોર્ટ ન હતો, પણ હજુ સુધી ન જન્મેલા બાળકની ‘મરણોતરી’ હતી. ગર્ભસ્થ શિશુનું પેટ ભયજનક હદે ફૂલી ગયેલું હતું. એના પાચનતંત્રમાં માત્ર નાનાં આંતરડાં સુધીનો જ માર્ગ વિકસ્યો હતો. એ પછી રસ્તો બંધ હતો. મોટું આંતરડું બન્યું જ ન હતું. આનો અર્થ એ કે આ બાળક જન્મ્યા પછી પણ થોડાક દિવસમાં મૃત્યુ પામે. એ મોં વાટે જે કંઇ લે (ધાવણ કે પાણી) તે આગળ વધી ન શકે. નાનું આંતરડું ફૂલતું જાય અને આખરે…!આવું પણ મેં ઘણીવાર જોયું છે.
આ જ નહીં, તો એનો ભાઇ! ફાંટાબાજ કુદરત સેંકડોમાં કે હજારોમાં એક વાર આવી અવળચંડાઇ બતાવતી જ રહે છે. ભ્રૂણની રચના વખતે જ કોઇને કોઇ કારણે આવી ખામીઓ ઉત્પન્ન થતી રહે છે. હૃદયમાં કાણું, હાથ-પગમાં પાંચને બદલે છ આંગળીઓ, બે માથાં, એક ધડ, ચાર હાથ, ચાર પગ અને એકબીજા સાથે જોડાયેલાં ટ્વિન્સ, કપાયેલો હોઠ, તાળવામાં કાણું. હજારો વિકૃતિઓ હોઇ શકે છે. એ ભણવા માટે તો આખું એમ્બ્રિયોલોજીનું શાસ્ત્ર રચાયું છે.
મેં એને ઠંડો પાડ્યો, ‘સુરતનાં લેડી ડોક્ટરે ભલે હાથ અધ્ધર કરી દીધા, પણ તું તારી વાઇફને અમદાવાદ લઇ આવ. હું તને ખાતરી આપું છું, તારા બાળકને મરવા નહીં દઉં.’આવી સલાહ પણ મેં અસંખ્ય દરદીઓને આપી હશે અને હિંમત પણ! એમાંયે કંઇ મોટી વાત નથી. સુરત, વડોદરા અને રાજકોટ મોટા શહેરો ખરાં એની ના નથી, પણ તબીબી સારવારમાં અમદાવાદ ક્યાંય આગળ છે. (અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ પણ.) મારે તો બીજું કઇ કરવાનું ન હતું. એ યુવાનની પત્નીને તપાસીને યોગ્ય સમયે એનું બાળક જન્માવી દેવાનું હતું. પછીનું કામ હોશિયાર પીડિયાટ્રીક સજર્યનનું હતું.
નવજાત શિશુનું ઓપરેશન કરીને એના પેટની અંદર નવું મોટું આંતરડું બનાવી આપવું એ સુપર સ્પેશિયલાઇઝશેનનું કામ હતું. એ કોઇ રૂટીન સર્જરી ન હતી. અને મારા ધ્યાનમાં આવો એકાદ યુવાન, હોશિયાર સર્જન હતો. (છે.) સુરત, વડોદરા કે રાજકોટમાં પણ હશે, પણ એ મારા ધ્યાનમાં નથી. જો સુરતમાં હોય તો પછી ત્યાંનાં લેડી ડોક્ટરે હાથ અધ્ધર શા માટે કરી દેવા પડે! યુવાનનું નામ ક્ષિતજિ. મારી સલાહ માનીને એ સુરત ગયો. પત્નીને લઇને પાછો આવ્યો. મેં ‘ચેકઅપ’ કર્યું. બાળક હજુ સુધી તો જીવિત હતું. સોનોગ્રાફી નવેસરથી કરાવી તો ખબર પડી કે એકાદ દિવસમાં જ બાળકને બહાર કાઢી લેવું પડશે. નહીંતર એ અંદર જ આથમી જશે. ક્ષિતજિ અને એની પત્ની (એનું નામ ક્ષિરા) મારી વાતમાં સંમત થયાં.
આવું પણ સેંકડો વાર બનતું આવ્યું છે. જે દર્દીને ડોક્ટરમાં વિશ્વાસ હોય છે તે એનો પડ્યો બોલ ઝીલી લેતા હોય છે. મેં સારું મુહૂર્ત જોઇને ક્ષિરાનું સઝિેરીઅન કર્યું. દીકરીનો જન્મ થયો. તરત મેં એને બાળરોગ નિષ્ણાતના હાથમાં સોંપી દીધી. ઓપરેશન કરતાં કરતાં જ પૂછી લીધું, ‘કેવી છે બેબી? બચી તો જશે ને? એવું લાગે તો અત્યારે જ તમારા નર્સિંગ હોમમાં લઇ જાવ. બહાર એના પપ્પા હાજર છે એની સાથે જરૂરી વાત મેં ઓપરેશન પહેલાં જ કરી લીધી છે. સેવ ધીસ ચાઇલ્ડ!’ પછી મને યાદ આવ્યું કે આ કંઇ ચણા-મમરા ખરીદવા જેવું કામ ન હતું. ડૉ. પટેલ ગુજરાતના સૌથી નામાંકિત અને સૌથી હોશિયાર પીડિયાટ્રીક સજર્યન છે.
એ પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ પણ ધરાવે છે અને શહેરની સૌથી મોટી મ્યુનિસપિલ હોસ્પિટલમાં (વી.એસ.માં) પણ સેવા આપે છે. માટે મેં ઉમેર્યું, ‘ડૉ. પટેલ, ક્ષિતજિ સાથે ખર્ચ બાબતની ચર્ચા કરી લેજો. એ મધ્યમવર્ગીય માણસ છે. ખાનગી સારવારનો ખર્ચ કદાચ એ ન ઉઠાવી શકે. એવું હોય તો તમે આ બાળકીને વી. એસ.માં…’ડૉ. પટેલે એમ જ કર્યું. એમ જ એટલે ક્ષિતજિ સાથે નિખાલસતાથી ચર્ચા કરી. ચોવીસ કલાક પણ ન થયા હોય એવી નવજાત બાળકીને બેહોશ કરીને એના કુમળા દેહ પર ત્રણ-ચાર કલાક ચાલે તેવું લાંબું ઓપરેશન કરવું, ઇન્જેકશનો તથા બીજી દવાઓની કિંમત અને ઓપરેશન પછીની દેખરેખ.
ખાસ તો એ બાળક દીકરી હતી એ વાતની મને સભાનતા હતી. અંગત રીતે હું જાણું છું કે ‘દીકરી વહાલનો દરિયો’ નામની ફેંકમફેંક ભલે બહુ ચાલતી હોય, પણ જ્યારે પૈસા ખર્ચવાનો સમય આવે છે, ત્યારે આ દંભી સમાજમાં તોલમાપ અને કાટલાં તરત જ બદલાઇ જાય છે.ડૉ. પટેલે કહેલો ખર્ચનો આંકડો મોટો હતો. (છતાં કામ પ્રમાણે વાજબી હતો. અન્ય શહેરોમાં એનાથી બમણો ખર્ચ થઇ જાય.) ક્ષિતિજે એક આછા-અમથા થડકારા વગર કહી દીધું, ‘ભલે, સાહેબ! પૈસાની સગવડ હું ગમે ત્યાંથી કરી લઇશ, પણ મારી દીકરીને બચાવી લો! ’આવું પણ મેં જોયું છે. સેંકડો હજારો વાર નહીં, પણ બે-ચાર વાર તો ખરું જ. પેંડા પાછળ પાગલ આ હિન્દુસ્તાનમાં જલેબીને વધાવનારા જવાંમદોઁ, ભલે જૂજ તો જૂજ, પણ મેં જોયેલા છે. આ ક્ષિતજિ એમાં એક વધુ ઉમેરાયો.
પણ પછી એક નવી, ન ધારેલી ઘટના બની ગઇ. જેટલા દિવસ ક્ષિરા મારા નર્સિંગ હોમમાં રહી, એ દરમિયાન રોજ થોડો-થોડો સમય હું એની સાથે ‘સત્સંગ’ કરતો રહ્યો. ત્યારે મને જાણવા મળ્યું કે એ તો ઝખ્મી ઔરત હતી. સમયનો માર ખાધેલી સ્ત્રી. ‘હું મારા પતિથી પાંચેક વરસે મોટી છું. દેખાવમાં પણ એના કરતાં સહેજ ઉતરતી. સૌથી મોટી વાત, હું વિધવા હતી. મારો પ્રથમ પતિ કુટુંબકલેશ (એના ભાઇઓ સાથેના કંકાસ)ના કારણે ગળે ફાંસો લગાવીને ચાલ્યો ગયો. પાછળ મને અને મારી આઠ વર્ષની દીકરીને રડતાં મૂકીને મરી ગયો. મારા માટે જગતનો અર્થ અંધકાર હતો અને આશાનો અર્થ હતો અમાસ. એવા સમયે ક્ષિતજિ મારા જીવનમાં આવ્યો.’‘એ ત્યારે કાચો કુંવારો હતો?’ મેં પૂછ્યું.
‘ના, કુંવારો ન હતો, પણ ‘કાચો’ ખરો!’ ક્ષિરા દર્દભર્યું હસી, ‘એના લગ્ન તો થયાં હતાં, પણ એની પરણેતરે પહેલી જ રાતે એને કહી દીધું કે એ બીજા કોઇને ચાહતી હતી. માત્ર મા-બાપના દબાણને વશ થઇને એણે આ લગ્ન કર્યું છે. ક્ષિતિજે જરા પણ મારપીટ કે બળજબરી ન કરી. બીજી સવારે જ પ્રેમપૂર્વક એને પિયરમાં વળાવી દીધી. એ પછી અમે મળ્યાં. એ સ્માર્ટ છે, હેન્ડસમ છે, મહિને ત્રીસ-પાંત્રીસ હજાર કમાઇ લે છે. એને કાચી કુંવારી છોકરી મળી જાય તેમ હતી, પણ મારી દાસ્તાન સાંભળીને એ દ્રવી ગયો. આમ પણ એ ખુદ ઘાયલ હતો. એટલે ઘાયલ કી ગત ઘાયલ જાણે, એ ન્યાયે એણે મારો હાથ પકડી લીધો. અમે પરણી ગયાં.’
હું પૂછ્યા વગર રહી ન શક્યો, ‘આ કંઇ પ્રેમ ન કહેવાય, આ તો દયા…’‘હા, દયા હશે, પણ શરૂઆતમાં, પછી તો પ્રેમ અને નર્યો પ્રેમ જ રહ્યો છે. બસ, આટલામાં સમજી જાવ કે હું જગતની સૌથી ભાગ્યશાળી પત્ની છું.’હું વિચારમાં પડી ગયો. વિધાતાએ વિધવા બનાવેલી સ્ત્રીને સધવા બનાવવી, ઉંમર-દેખાવ અને કૌમાર્ય બધું જતું કરીને એને પત્ની તરીકે સ્વીકારવી, એની સાથે એની આઠ વર્ષની દીકરીને પણ પિતાનો છાંયડો આપવો. આટલું ઓછું હોય તેમ આ મરવા માટે જ જન્મેલી દીકરીને (હા, દીકરીને, દીકરાને નહીં) લખલૂંટ ખર્ચ કરીને બચાવી લેવી! આવું હું પહેલી વાર જ જોઇ રહ્યો હતો. હજારો કે સેંકડો વાર નહીં, પહેલી જ વાર. ‘બેટી બચાવો’ એ આજે મારી સામે સરકારી સૂત્ર નહીં, પણ સોનેરી સત્ય હતું. ક્ષિતજિ મારી નજરમાં હીરો ટાઇપ નહીં, હીરો જ હતો.‘
(શીર્ષક પંક્તિ: ‘રાજ’ લખતરવી)