Smitopadesh in Gujarati Magazine by Rajul Bhanushali books and stories PDF | સ્મિતોપદેશ

Featured Books
Categories
Share

સ્મિતોપદેશ

~~ સ્મિતોપદેશ ~~


'અભીઅભી આંખોંસે ચલકે હોઠોં તક પહુંચી તુમ્હારી હંસી'. મજરૂહ સુલ્તાનપૂરીની આ પંક્તિઓ મને અત્યંત પ્રિય છે.

હોઠ વંકાય અને એમનો આકાર બીજના ચંદ્રમા જેવો થઈ જાય ફક્ત એને સ્મિત ન કહેવાય. સ્મિત એ જે આંખોથી છલકીને પછી હોઠ સુધી પહોંચે! રોમેરોમથી રાજીપાનો સંદેશો જ્યારે હ્રદયને મળે ત્યારે સ્મિત જેવી અદભુત ઘટના ઘટતી હોય છે. મનુષ્યને જ્યારે સ્મિતત્વનાં આશીર્વાદ મળે છે ત્યારે એનું મનુષ્યત્વ દીપી ઉઠે છે.

હમણાં થોડાક દિવસ પહેલા વોટ્સએપ પર એક મેસેજ મળ્યો. જેમાં એક જીવનથી હારેલી, હતાશ થઈ ગયેલી વ્યક્તિની વાત હતી. એ વ્યક્તિ આત્મહત્યા કરવા જઈ રહી છે. ઘરેથી નીકળતા પહેલા એ નક્કી કરે છે કે રસ્તામાં જો એને એકાદ પણ એવી વ્યક્તિ મળશે જે એની સામે સ્મિત કરશે અને એ સ્મિતથી એના મનમાં થોડીક પણ હુંફ પ્રગટશે તો પોતે આત્મહત્યા કરવાનું માંડી વાળશે. હવે એ વ્યક્તિનું શું થયું? આ વાત સાચી છે કે કલ્પના, એ બધું જવા દઈએ. મેસેજમાં છેલ્લે સવા મણનો સવાલ એ હતો કે રસ્તામાં ધારોકે તમે જ એને સામા મળ્યા તો શું કર્યું હોત? તમે ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ એને આપી શક્યા હોત?

આમ તો રોજેરોજ સેંકડો ફોરવર્ડેડ મેસેજીસ મળતા રહે છે. એ બધાં નજર નીચેથી પૂરા પસાર થાય ન થાય અને આપણે આગળ વધી જતાં હોઈએ. પરંતુ આવો કોઈક એકાદો મેસેજ આવે જે સ્પર્શી જાય, વિચારતાં કરી મુકે. આ મેસેજ દિવસો સુધી મારા દિલોદિમાગ પર સવાર રહ્યો અને એક ખૂબ સરસ વાત શીખવી ગયો કે એક સામાન્ય સ્મિતથી પણ કોઈકનાં જીવનમાં કેટલો મોટો ફરક પડી શકે છે!

એવું ઘણી વાર બનતું હોય છે કે કોઈ અજાણ્યો માણસ આપણને સાવ કોઈ જ કારણ વગર એક નાનકડું સ્મિત આપે અને ત્યારે આપણા ચહેરા પર પણ નાનકડી સ્માઈલ આવી જ જાય છે. રસ્તામાં ચાલતી વખતે, કે ટ્રેન- બસમાં પ્રવાસ કરતી વખતે ધારોકે કોઈને આપણો ધક્કો લાગી ગયો. એક નાનકડા સ્મિત સાથે સોરી કહી દેવાથી વાત ત્યાં ની ત્યાં જ પતી જતી હોય છે. આ સ્મિતનું ય સાવ બગાસા જેવું છે. સામે કોઈ બગાસા ખાતું બેઠું હોય તો એને જોઈને તમને પણ બગાસા આવવા જ લાગે. તેવું જ પણ સ્મિતનું હોય છે આપણને કોઈ સ્મિત આપે તો સામે આપોઆપ સ્મિત થઈ જ જાય.

સ્મિત - આ અમુલ્ય ભાવની ભેટ કુદરત તરફથી ફક્ત અને ફક્ત માણસ જાતને જ મળી છે. વૃક્ષ છાંયડો આપી શકે પણ સ્મિત ન આપી શકે. પ્રાણી ગરજી શકે, ઘુરકી શકે, ભાંભરી શકે, કોયલ ટહુકી શકે, કાગડો કાગી શકે પરંતુ સ્મિત ન રેલાવી શકે. સાચું પણ છે. પરંતુ આ બાબતે હું થોડુંક અલગ રીતે વિચારું છું. મારો અનુભવ કહું. વર્ષો પહેલા મેં બીલાડી પાળી હતી. જ્યારે જ્યારે હું એની પીઠ પર હાથ ફેરવતી એ પ્રતિસાદ આપતી. પ્રતિસાદની ક્રિયામાં એનું મોઢું ખુલતું, એ કશુંક કહેતી પરંતુ અવાજ ભાગ્યે જ નીકળતો! વ્હાલનો પડઘો એ રીતે એ પાડતી. મને એવું લાગતું કે જાણે એ એની સ્મિત કરવાની પોતીકી સ્ટાઈલ છે!

એમ તો કુદરતમાં એવા ઘણાં તત્વો છે કે જેની સ્મિત કરવાની પોતીકી સ્ટાઈલ છે એવું કહી શકાય. નદી ધસમસે, વરસાદ વરસે, પવન લ્હેરાય, તારા તમટમે, ફોરમ મ્હેકે. આ બધાં તત્વો સ્મિતતા ભલે નથી પણ કોઈકનાં હોઠો પર સ્મિત રેલાવી શકવાને ચોક્કસ સક્ષમ છે.

પૈસા હોય તો બધી જ વસ્તુ બજારમાંથી ખરીદી શકાય, પણ સ્મિત તો 'સહજતા'નાં ઉપવનમાંથી જ પામવું પડે. હાસ્ય અને સ્મિતમાંય ઘણો વિરોધાભાસ છે. હાસ્ય પેદા કરી શકાય, સ્મિત પેદા ન થઈ શકે. રાજુ શ્રીવાસ્તવની સ્ટેન્ડ અપ કોમેડી હોય કે કોમેડી નાઈટ વીથ કપિલ. તમને ખડખડાટ હસાવવામાં એ કોઈક ને કોઈક ક્ષણે તે ચોક્કસ સફળ થશે. પરંતુ સ્મિત, એમ નહિ અવતરે. હોઠો પર સ્મિત પ્રગટે એમાં આંખોની અનુમતિની પણ જરૂર હોય છે. આંખો જો અનુમતિ નહિ આપે કે સ્મિતનાં હોવાપણાં સાથે ટાપસી નહિ પુરાવે તો એ સ્મિત ચોક્કસ સાવ માંદલુ લાગવાનું. આંખોમાં પડતું એનું પ્રતિબિંબ જ એ ભેદ કહી શકે એ વ્યથાનું છે કે પ્રસન્નતાનું! હા. વ્યથાનું પણ સ્મિત હોઈ શકે. આ સ્મિત જેવી સુવર્ણી ઘટના સાથે દુઃખ પણ એટલું જ પ્રાબલ્યથી સંકળાયેલું છે. સ્મિતથી તકલીફ પણ વ્યકત થઈ શકે છે, એ પણ એક્કેય શબ્દ બોલ્યા વિના!

પતિપત્ની વચ્ચેનાં દિવસોનાં અબોલા ફક્ત એક નાનકડું સ્મિત તોડાવી શકે. સ્મિતધર્મ ઘરસંસારનું ચાલક બળ છે. સવારનાં પત્નીએ આપેલા ગરમાગરમ ચા ના કપનાં બદલામાં જો એક સ્મિત મળી જાય તો એનો દિવસ સુધરી જશે, એવી જ રીતે સાંજે થાક્યા પાક્યા ઘરે પહોંચેલા પતિને ઉંબરામાં જો મીઠડું સ્મિત મળી જાય તો એનો અડધો થાક ત્યાં જ ઉતરી જશે. જે પરિવારમાં સ્મિતનો દુકાળ હોય ત્યાં જીવન થોડું વધુ અઘરું હોય છે. એમ તો સ્મિત વગરના પતિની પત્નીને કોઈ વિધવા નથી કહેતું અને પત્ની જો સ્મિત વગરની હોય તેવો પતિ 'બીચારો' નથી ગણાતો. પરંતુ એ વાત સો આની સાચી કે એવા ઘરનું ફર્નીચર ભવ્ય હોય તો પણ સભ્યો 'અભવ્ય' જ ગણાવાના! સાચું પૂછો તો સ્મિત વગરના કાયમ તોબરું ચડાવીને ફરતા માણસને માણસ પણ ગણવો કે કેમ એ વિચારવા જેવી બાબત છે.

તાજા જન્મેલા બાળકનાં બોખા મુખના કિનારેથી જ્યારે જરાક અમથું સ્મિત રેલાય ત્યારે પરીઓના દેશમાં સ્મિતની છોળો ઉડતી હોય છે એવું કહેવાય છે. કદાચ આદમ અને ઈવ વચ્ચે પણ સેતુ સધાવાની શરૂઆત સ્મિતની આપ લે થી જ થઈ હશે. નહિં તો ત્યારે ક્યાં હજુ કોઈ બોલી કે લિપી આકૃત પામી હતી! ડોક્ટર પાસે બીમારીની ફરિયાદ લઈને જઈએ ત્યારે એ પ્રિસક્રીપ્શન સાથે સ્મિતનાં ય ડોઝ આપે તો અડધી બીમારીતો એમજ છૂમંતર થઈ જાય. લાંબા અંતરનાં પ્રવાસોમાં સાવ જ અજાણ્યા સહપ્રવાસીઓ વચ્ચે સ્મિતની આપલે થી શરૂ થયેલ પરિચય, સાથે ભાતું ખાવાથી લઈને સુખ દુઃખની અંગત લાગણીઓ વહેંચવા સુધી પહોંચે છે. આજના ફેસબુકિયા અને વોટ્સેપિયા જમાનામાં સિન્થેટીક સ્મિત એટલે કે 'સ્માઈલી' કે 'ઈમોજી'ની જબરી બોલબાલા છે. મેસેજનાં રીપ્લાયમાં એક સ્માઈલી મોકલી દઈએ એટલે પત્યું. વાંચ્યુ ન વાંચ્યુ કોઈ પરવાહ નહિ સામેવાળાને ક્યાં ખબર પડવાની છે? આ સિન્થેટીક સ્માઈલનો ભેટો મોલ્ઝમાં, રેસ્ટોરંટ્સમાં, વિમાન પ્રવાસોમાં બધે જ થઈ જતો હોય છે! આવી જગ્યાઓએ ઉભેલા પરિચારકો દરેક આવતી જતી વ્યક્તિને
સ-સ્મિત શુભદિન ની શુભકામના આપતા રહે છે. એ એમનાં કામનો એક ભાગ છે. ક્યારેક વિચાર આવે કે આખો વખત આવા સિન્થેટીક સ્માઈલ કરી કરીને એમનાં ગાલ નહિ દુખી જતા હોય? દિવસભરમાં કેટલા લોકો એમને પ્રતિસાદ આપતા હશે? સામે સ્મિત આપતાં હશે? એવા કોકને સામે એક હુંફાળુ સ્મિત આપીને એમના સ્મિતને છોભીલું પડતું રોકી લેજો અને એ પળે તમારા પોતાનાં હ્રદયમાં ઉત્પન્ન થતાં સંવેદનો માણજો. એક આડવાત- સરકારી ઓફીસોમાં એનો સદંતર દુકાળ જોવા મળતો હોય છે.

કોઈ ગમતી વ્યક્તિને સ્મિત આપ્યા પછી એ વ્યક્તિ સામે મલકશે કે નહિ એ વિચારે અદ્ધર થઈ ગયેલી ક્ષણો ક્યારેય માણી છે? ધોમધખતા તડકામાં આમ્રમંજરીને હળવેકથી અડપલું કરીને વહી જતાં પવનને કદી અનુભવ્યો છે ? કદી પાટણનાં પટોડા જોઈને એક સાદા સફેદ રેશમી દોરામાં કેટલી રંગદર્શી અને રૂપાળી શક્યતાઓ ધરબાયેલી પડી છે એવો વિચાર આવ્યો છે ? મલ્કી પડાયું ને? આ મલકવું અને સ્મિતવું બન્ને લાગણીનાં એકજ સિક્કાની બે બાજુ છે. એકલા એકલા ઉદભવે એ મલકાટ. સ્મિતનું જ એક બીજું સુંદર આવર્તન. વ્યક્તિ પોતાનામાંજ રત હોય, જાત સાથે સંવાદ સાધતી હોય, દુનિયા વિસરીને આનંદ લઈ રહી હોય ત્યારે મલકતી હોય છે. મલકાટ એ સાવ અંગત વસ્તુ છે. મલકવા માટે સામે બીજી વ્યક્તિની જરૂર નથી હોતી. એ તો નિરામય સ્વાનંદ છે. હા.. 'મૂછમાં મલકવું' અલગ હોઈ શકે કારણ ક્યારેક એ લૂચ્ચું હોઈ શકે અને અસહજ પણ હોઈ શકે!

સાચું પૂછો તો સ્મિતના આ વિધવિધ આવર્તનો જિંદગીમાં ઘટતી નાની નાની ઘટનાઓ, સામાન્ય પ્રસંગોને મધૂરી સ્મિતિકાઓ બનાવી દે છે. સ્મિતથી સુખ વહેંચી શકાય, દુઃખ વહેંચી શકાય. એકલતા સુદ્ધાં વહેંચી શકાય. સ્મિતની ગેરહાજરી હોય ત્યાં બે સાથે રહેતી વ્યક્તિ પણ 'બેકલતા'થી પીડાતી હોય એવું બને. સ્મિત વ્હાલ છે, સમજદારી છે, એપ્રીસીએશન છે. સ્મિત આપણી નાનકડી જીત છે.

હું ક્યારેય તમને તમારા ભાગનું સ્મિત આપવામાં અંચઈ નહિ કરું, તમે મને મારા ભાગનું સ્મિત આપશોને?