Cofee shop in Gujarati Short Stories by Niraj Kansara books and stories PDF | કોફી શોપ

Featured Books
Categories
Share

કોફી શોપ

કોફી હાઉસ

બપોરના સમય હતો અને મારી દિનચર્યા મુજબ કોફીહાઉસમાં જ બેઠો હતો. ધમધમતા શહેરમાં જ તેનો વિરોધાભાસ ચાડી ખાતી પોશ વિસ્તારની એક શેરીમાં કોફી હાઉસ આવેલું હતું. જુના ઘરને થોડું રિનોવેશન કરાવીને નવું બનાવેલું એટલે હેરિટેજ કોફી હાઉસ એવું નામ રાખ્યું હતું. મારી પ્રોફેશરગીરી પતાવીને અને મેગેઝિનની ઓફીસે જતાં પહેલાં રોજ આ કોફી હાઉસના ખુણાનું ટેબલ જ મારું સરનામું હોય છે. ગરમ કોફી અને હાથમાં પુસ્તક એ મારી ટેવ.

આજે કોફી હાઉસમાં થોડા ઘણાં જ લોકો છે. એકાદ યુગલ પોતાની અંગત વાતોથી કોઈ અલગ દુનિયામાં ફરતું હતું, તો બીજા વચ્ચે છેલ્લાં એક કલાકથી સમાધાન અને ઝઘડાની ઘટમાળ ચાલતી હોય તેવું લાગતું. બપોરના ત્રણ વાગવાના હતા એટલે નિયમિતતા મુજબ દરવાજો ખુલ્યો અને કાકાએ પ્રવેશ કર્યો. પોતાની રોજની ટેવ મુજબ બાજુના ટેબલ પરથી ખુરશી ખસેડીને બેગ મૂકતા મારી સામે જોઈને ‘કેમ છો’ પુછી લીધું. તેઓ વાંચવા લાગ્યા. થોડી વાર રહીને પુસ્તકમાંથી બહાર ડોકિયું કાઢ્યું તો કાકા આજે કંઈક અલગ દેખાતા હતા. તેઓ મેગેઝિન વાંચવાનું નાટક કરતા હતા. ક્યારેક ક્યારેક મેગેઝિન નીચું કરીને મારી સામે નજર નાંખી હું કંઈક પુછું કે નહીં એની રાહ જોતા હતા.

થોડી વાર રહીને મારું ધ્યાન ગયું, ત્યારે ખબર પડી કે તેમના કરચલી વાળા ચહેરા પર આજે ચશ્માની નવી ફ્રેમ આવી છે. મેં સહજ રીતે વિવેકતા દાખવીને પુછી લીધું “વાહ! કાકા, આજે તો નવી ફ્રેમ પહેરીને આવ્યા કંઈક!”

“હા, તો..” મેગેઝિનને બંધ કરતા ટેબલ પર મૂકીને ઉત્સાહમાં આગળ બોલ્યા,”ગઈ કાલે મારી 45મી મેરેજ એનિવર્સરી હતી. હું તો 7 વર્ષથી એનિવર્સરી એકલો જ ઉજવતો. પણ આજે મારા દીકરાએ મને સવારની પહોરમાં જ આ ગિફ્ટ આપી, બોલો! ”

“નસીબદાર છો, કાકા” આટલું કહીને હું મારા વાંચનમાં ફરી પોરવાયો. કાકાને પણ પોતાની વાત મારા સુધી પહોંચાડી દીધી એ બાબતની શાંતી મનમાં પ્રસરી. તેઓ પણ મેગેઝિન ખેડવામાં પડ્યા. થોડી સમયમાં મારું વાંચન પુરૂ કરીને હું ઊભો થયો અને નીકળી ગયો. પરંતુ કાકાને આટલા ઉત્સાહી અને આનંદીત છેલ્લાં ચાર મહિનામાં પહેલીવાર જોયા હતા. મારે એમને આ વાત કરવી હતી, પરંતુ તેઓ પોતાનામાં જ એટલા મગ્ન હતા કે મારા આવા ઉદગારો મને અસ્થાને લાગ્યા. ફરી આજે એ દિવસ યાદ આવી ગયો. જ્યારે કાકા પહેલીવાર કોફી હાઉસમાં આવ્યા હતા.

વેકેશનનો સમય હતો અને આવી જ રીતે કાકા કોફી હાઉસમાં પ્રવેશ્યા. તેઓ પહેલી વાર આવ્યા ત્યારે રજા હોવાથી એક પણ ટેબલ ખાલી ન હતું. કોફી હાઉસ નાનું એટલે 30-40 માણસ બેશે તો પણ ભરાયેલું લાગતું. પરંતુ મારી કોફી હાઉસના લોકો સાથેની રોજની ઓળખાણ હોવાથી મને હંમેશા મારું મનગમતું ટેબલ ખાલી મળી જતું. ત્યાં હું એકલો જ બેસતો. એ દિવસે મારા ટેબલની સામે પણ એક ખુરશી ખાલી પડી હતી. કાકા મારા ટેબલ પાસે આવીને આમતેમ ફાફાં મારી રહ્યા હતા કે કશે બેસવાની જગ્યા ખાલી મળે. એટલે મેં વિવેક દાખવીને સામે બેસવા કહ્યું.

“ધન્યવાદ બેટા, મેરા વહુ બોલતા હૈ ઈધર કા કોફી એકદમ સરસ આતા હૈ. એટલે એક વાર પીને કો આયા,” મને હિંદી ભાષી સમજીને તેઓ તુટેલું ફુંટેલું હિન્દી બોલ્યા.

“કાકા, તમે ગુજરાતીમાં વાત કરી શકો છો,” મેં શાંતીથી જવાબ વાળ્યો.

“અરે વાહ, તમે પણ ગુજરાતી છો” કાકા આશ્ચર્ય સાથે બોલ્યા. થોડી વાતો કરી. એકબીજાને ઓળખાણ આપી. સામાન્ય રીતે મારા ટેબલ પર આવીને કોઈ બેસે એવું ઈચ્છતો ન હતો, પરંતુ કાકાની મોટી ઉંમર અને એમની પાસે કંઈક અજુગતું હોવાની વાત એમના મુખ પર દેખાઈ હતી એટલા માટે જ મેં તેમને તે દિવસે બેસવા દીધા હતા. થોડા દિવસ આમ જ વીતી ગયા. અમારી વચ્ચેની ઓળખાણ પણ હવે પાકી થવા લાગી. હું જમીને ત્યાં કોફી પીવા જતો અને કાકા ત્રણના ટકોરે હાજર થઈ જતાં.

બન્ને વચ્ચે વાતો ઘણી થવા લાગી. ક્યારેક સાડા ચાર વાગ્યા સુધી કોઈ બોલતું જ નહીં અને બન્ને વાંચ્યા કરતા, તો ક્યારેક કાકા આવે બાદમાં વાંચવાનું મૂકી દેઈને ગપ્પા મારતા. એમની વાતો પરથી એટલી જાણ થઈ હતી કે તેઓ ગુજરાતના એક ગામડાની બેંકમાંથી પાંચ વર્ષ પહેલાં જ રિટાયર થઈને મેટ્રો સીટીમાં કામ કરતા પોતાના દીકરા સાથે રહેવા આવ્યા હતા. અમે પહેલી વાર મળ્યા ત્યારે તેમને આવ્યાને એક અઠવાડિયું થયું હતું. તેમને ઘરમાં કંટાળો આવે અને એકલતા લાગે એટલે કોફી હાઉસમાં આવીને બેસી રહેતા.

થોડા સમય બાદ તો ઘણી મજા આવતી. કાકા જે ગામમાં રહેતા ત્યાં જ તેમને નોકરી મળી હતી. એટલે ગામડાની વાતો, જીવનની વાતો મને કહેતા. એમને કોઈ સાંભળવાવાળું ન હતું, એટલે મને કહેતા. કદાચ તેમના આવ્યા બાદ ઈસ્ત્રી, રાશનની દૂકાન, મેડિકલ સ્ટોરવાળા સિવાય તેઓ મને જ ઓળખતા એવી વાતનો ઉલ્લેખ તેમણે ઘણીવાર કર્યો હતો. ઘણી વખત તો મને તેમના અનુભવો ગમતા. કંઈક અલગ લાગતા. વિચિત્ર પણ, તેમના અંતે એક શિખ હોય. મેસેજ હોય. હું મારી વાત કરતો ત્યારે વચ્ચેથી અટકાવીને કાકા આદત મુજબ અરે અમે પણ આવું કરતા કરીને તેમની વાતો કહેવા લાગતા.

કાકાનું કેરેક્ટર રસપ્રદ લાગવા માંડ્યું હતું. એટલે અનુભવોના લેખાજોખા મારા શબ્દોમાં મેં મેગેઝિનમાં એક નવી કોલમ તરીકે ચાલું કર્યા. તેમની સાથે રોજની મુલાકામાં બે-ત્રણ દિવસે તો કંઈકને કંઈક મળી રહેતું એટલે મને મજા આવવા લાગી. કોલમમાં કાકાના અનુભવોને હું એક વાર્તા સ્વરૂપે મૂકતો, જેમાં ઘટના ક્રમ એ જ રહેતો અને પાત્રો બદલાતા. છ સાત મહિનામાં તો કોલમ એવી ઉપડી કે રોજના મેઈલ આવતા અને તેઓ પોતાના પ્રશ્નો પણ પૂછી લેતા.

આ વાત એક દિવસ મેં કાકાને કરી. કાકા તો ખુશ થઈને નાચવા લાગ્યા. બે દિવસ સુધી માત્ર એમના પૈસાની કોફી પીવી એવો ઓર્ડર એમણે કાઉન્ટર પર આપી દીધો. તેઓ પણ મારી કોલમ નિયમિત વાંચવા લાગ્યા અને તેમની વાતોની અલગ રજૂઆત પર હંમેશા વખાણ કરતા. તેમની વાતમાં ક્યારેય પણ તેઓ પોતાના દીકરા કે વહુની બુરાઈ ન કરતા, પણ આવો દીકરો ને વહુ નસીબવાળાને જ મળે એમ હંમેશા કહેતા.

નવી ચશ્માની ફ્રેમ જ્યારે આવી ત્યારે એમના મન પર જેટલો સમય ખુસી દબાવીને બેઠા હતા, તે અત્યારે ફરી યાદ આવ્યું. મેં નોંધ લીધા બાદ તેમનો ઉત્સાહ પણ એટલો જ વધી ગયો હતો. આટલા ખુશ અને સંતુષ્ટ મેં તેમને ક્યારેય જોયા ન હતા. જોકે એ દિવસે કામ હોવાથી હું તો ચાલ્યો ગયો, પરંતુ કાકા સાથે કાલે વાત કરીશ એવું મનોમન નક્કી કરી લીધું.

બીજા દિવસે હું કાકા સાથે આજે તેમના ઉત્સાહ વિશે વાત કરીશ એવું ધારીને રાહ જોઈને કોફી અને પુસ્તક સાથે સંવાદ કરી રહ્યો હતો. ત્રણ વાગી ગયા હતા, પણ કાકાની એન્ટ્રી ન થઈ. થોડી વાર સુધી હું ધીરજ રાખીને બેઠો પણ કાકા આજે આવ્યા ન હતા. સાડા ત્રણ વાગ્યા તે છતાં પણ તેઓ આવ્યા ન હતા. મને લાગી આવ્યું કે કાકા આજે નહીં આવશે. એટલે મેં મારું કામ પતાવ્યું અને મેગેઝિનની ઓફિસ જવા માટે નીકળી ગયો.

બીજા દિવસે પણ તેઓ દેખાય ન હતા અને ચાર-પાંચ દિવસ સુધી આ નિયમિતતા રહી, એટલે મારી ચિંતા થોડી વધી. તે દિવસે કોફી હાઉસના એક વ્યક્તિ પૂછીને લીધું કે,”મેરે જાને કે બાદ વો અંકલ ઈસ હફ્તે મેં આયે થે ક્યાં?” સામેથી જવાબમાં નકાર સાંપડ્યો. મેં વધુ તજવીજ ન કરી. બહાર ગામ ગયા હશે એવું માની લીધું. પરંતુ એક ના બે અઠવાડિયા થયા અને મહિનો થવા આવ્યો, છતાં પેલા ચશ્માં બતાવ્યા બાદ ક્યારેય પણ મને પેલા કાક મળ્યા ન હતા.

એક દિવસ થયું કે તેમના ઘરે જઈને જોઈ આવું પણ મને એમાં વિવેક ના લાગ્યો, એટલે રહેવા દીધું. કાકા ક્યાં ગયા હતા તે વાત મને કરડવા લાગી. તેમની પાસેથી જીવનના નવા પ્રસંગો હવે મળતા બંધ થઈ ગયા હતા, પરંતુ સ્મરણપટ જેટલી યાદો તાજી હતી તે બધી જ ભેગી કરીને થોડા મહિનાઓ તો કોલમ ચલવી. તેમના ઘરે હિંમત ભેગી કરી ગયો, પરંતુ ત્યાં હંમેશા મને દરવાજો બંધ જ મળતો. બિલ્ડિંગનો વોચમેન, રાશનવાળો, મેડિકલવાળો અને ધોબી બધાને જ પુછી વળ્યો પરંતુ બધા પણ મારી જેમ શહેરની ભીડમાં આ ખોવાયેલા જણને શોધી રહ્યાં હતા.

બે મહિનાની મહેનત બાદ પણ કાકાનો કોઈ પત્તો મળ્યો નહીં. એટલે મેં શોધખોળ ચાલું રાખી. રોજ મારા કોફી હાઉસમાં હું તે ટેબલનાં ખુણે પહોંચી જતો અને મારી નિયમિતતામાં પોરવાયેલો રહેતા. આઠેક મહિના રહીને ફરી બપોરે ત્રણ વાગ્યે દરવાજો ખુલ્યો અને કાકા અંદર પ્રવેશ્યા. હું મારા ટેબલ પરથી કુદીને ઊભો થયો અને તેમને આવકારવા આગળ વધ્યો હતો.

તેમના ચહેરા પર એવું જ સ્મીત હતું. તેમનું શરીર પણ એટલું જ સ્વસ્થ હતું, પરંતુ મુખ પરથી થોડું તેજ ઓછું થયું હોય તેવું ભાસતું હતું. તેઓ મારા ટેબલ પર આવીને બેઠા અને પાણી પીધું. થોડી વારે વાત આગળ વધતી ગઈ. મેં એમને પુછી લીધું,”આટલા દિવસ ક્યાં ફરવા ગયા?” અટક્યા વગર જ મેં મારી ચિંતાનો મારો ચાલું રાખ્યો,” કશે જવાના હોવ તો કહીને તો જાવ. જાત્રાએ ગયા હતા કે બીજે ઘર લીધું? કે પછી ગામ ગયા હતા?”

કાકાએ મારા એક બાદ એક સવાલોનો મારો સહન કરતા બોલી ઉઠ્યા,”અરે ભાઈ, જરા ધીરે ધીરે લેખક સાહેબ. બધુ ય સુપેરે જણાવું છું.”

શ્વાસ લઈને આગળ બોલ્યા, ન તો હું જાત્રાએ ગયો હતો, કે ન હોસ્પિટલ, કે ન ગામ. મારા દીકરો પણ અહીં જ રહે છે, બસ ખાલી હું આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યો ગયો હતો.”

મને આંચકો લાગ્યો. કોઈ દિવસ તેમના મુખેથી તેમના દિકરા કે વહુ માટેના ખરાબ વેણ ઉચ્ચાર્યા ન હતા. મારી સામે એક વાર ફરિયાદનો સ્વર સાથે તેમનું નામ મુખ પર આવ્યું ન હતું, છતાં એકાએક કેમ વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવ્યો. મેં પુછી નાંખ્યું,”કેમ?”

“જે દિવસે નવા ચશ્માની ફ્રેમ મારા દિકરાએ અપાવી તે દિવસે તને મળીને હું ઘરે ગયો. ઘરે પહોંચ્યો ત્યારે જ મારા દિકરાને તેની પત્ની ફરિયાદ કરતા ઠપકો આપી રહી હતી. કે તારા પિતાને નવા ચશ્મા અપાવ્યા આ મહિને મને સોનાની ચેઈન ના અપાવી. વાત મને લાગી આવી. તે દિવસે રાત્રે પણ તે બન્ને વચ્ચે ખુબ ઝઘડો થયો. હું તે દિવસે ઉંઘી શક્યો ન હતો. સવારે હું ઘરેથી નીકળીને વૃદ્ધાશ્રમ જતો રહ્યો હતો.”

“કેમ? આખી વાતમાં તમારો તો કાંઈ વાંક જ ન હતો,” મરાથી ઉતાવળે બોલાય ગયું.

“વાત સાચી, વાંક મારો ન હતો, પરંતુ હું મારા સંતાનના સુખી સંસારમાં નડતર થવા માંગતો ન હતો, એટલે કદાચ મેં આ નિર્ણય લીધ,” કાકાએ હિંમત પૂર્વકની સાચી કબૂલાત કરી. એ દિવસ પછી અઠવાડિયે કાકા સાથે કોફી પીવા હું વદ્ધાશ્રમ જઈ આવું છું.