Samay.. Samaynu vhen in Gujarati Short Stories by Kumar Jinesh Shah books and stories PDF | સમય.. સમયનું વ્હેણ.

Featured Books
Categories
Share

સમય.. સમયનું વ્હેણ.

સમય.. સમયનું વ્હેણ.

**************************

ધર્મલાભ !

બારણે આ પવિત્ર સાદ પડ્યો. આનંદી બહેનના પગ આનંદથી થરથરી ઉઠ્યાં. ગુલાબ રાય સોફા પરથી સફાળા ઊભાં થઇ બારણે ધસી ગયાં, “પધારો સાહેબજી, પધારો !”

આનંદી બહેન ભાવપૂર્વક ‘મત્થેણ વંદામી’ કહેતાં બે પળ ઊભાં રહીને વિચારી રહ્યાં કે મહારાજ સાહેબને શું વ્હોરાવે ?

અમી અને અક્ષત પોતપોતાની ઓફિસે નીકળી ચૂક્યા હતાં. મીત તો બહુ જ વહેલો સ્કૂલે જતો રહે છે. ત્રણેયમાંથી એકેયનું ટિફિન બનાવવું પડતું નથી. એટલે અગિયાર વાગી ગયાં હોવા છતાં રસોઈની કોઈ તૈયારી થવા પામી નથી.

મીત સવારના સાતથી સાંજે છ વાગ્યા સુધી સેન્ટ્રલી એ.સી. એવી સી.બી.એસ.ઈ. બોર્ડની અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં જાય છે. સવારના બ્રેકફાસ્ટથી સાંજની હાઈ-ટી સુધીની બધી જ અફલાતૂન સગવડ સ્કૂલ પૂરી પાડે છે. અમી – અક્ષતની ઓફિસમાં પણ ટોટલી હાઈજેન ફૂડની આલાગ્રાંડ કેન્ટિન છે. જે સાવ વ્યાજબી ભાવે ઘરથી પણ ઉત્તમ ખાણું પીરસે છે. ગુલાબ રાય એક કપ ચ્હા ચઢાવી છાપાને વળગે અને આનંદી બહેન પણ તેમની સાથે ચ્હાથી જ કામ ચલાવી લ્યે.

અલબત્ત, ઘરમાં ફરસાણના ડબ્બા ભર્યા હોય પણ મહારાજ સાહેબને આ વાસી અને બજારની વસ્તુ ‘કલ્પે’ નહીં. હા, યાદ આવ્યું.. ડ્રાય ફ્રૂટ્સના એયર ટાઈટ કન્ટેનર્સ ભર્યા છે. બસ.. તત્કાળ સૂકો મેવો કાઢીને તેઓએ ગુલાબ રાયના હાથમાં આપ્યો અને પોતે ગરમ દૂધનો ટોપિયો ઉપાડ્યો.

સાહેબને આગ્રહ કરીને સૂકો મેવો – દૂધ – ખાખરા – ઘી વ્હોરાવ્યા. તેઓ જાણે છે કે ગોચરી વહોરવા પધારેલાં જૈન સંતો જેમ ગૌ માતા ચરે તેમ મૂળ છોડને ઈજા પહોંચાડ્યા વગર પોતાના પાત્રામાં વ્હોરે. એમનો જેટલો ખપ હોય તેનાથી પા ભાગની જ સામગ્રી એક ઘરેથી લ્યે. એમને ધ્યાનમાં રાખીને કોઈ વિશેષ વાનગી બનાવીએ તો તેનો નિષેધ રહે. આપણાં પોતાના નિમિત્તે રાંધેલો ‘સૂચતો’ આહાર જ તેઓ વ્હોરે. મહારાજશ્રી માંગલિક ફરમાવીને સધાવ્યા અને બંને જીવ હરખાતાં ગોઠડીએ ચઢ્યાં.

“અક્ષતે મારી આર્થિક સંકડામણ દૂર કરવાની સાથોસાથ આ સૌથી સારું કામ કર્યું કે દેરાસરની પાસે જ બંગ્લો લઇ લીધો. તેઓ ભલે પોતપોતાની મનગમતી પ્રવૃત્તિમાં રમમાણ રહે. આપણે તો સાધુ-સંતોનું સાનિધ્ય મળ્યાં કરે, તેનો આનંદ છે.” – ગુલાબ રાય હરખાયા.

“હા રે ભઈ.. મોટા મહારાજશ્રીએ કાલે વ્યાખ્યાનમાં ફરમાવ્યું હતું ને – ‘ચક્રવત પરિવર્તન્તે, સુખાનિ ચ.. દુઃખાનિ ચ !’ આનંદી બહેનએ વાતનો તાંતણો વણતા કહ્યું..

“...સુખ અને દુઃખના ચક્રો તો કાયમ ફરતાં જ રહે છે. તમારું ‘શેઠત્વ’ પણ મેં ભોગવ્યું છે અક્ષતના પપ્પા અને આપણે સાથે હળીમળીને રૂપિયાની ભીંસ પણ અનુભવી છે. પરંતુ, ધર્મનું અવલંબન, અરસપરસનો સાથ અને સહકાર મળી રહે તો માણસ અવિચળ રહી શકે છે. તમારી ધૈર્યવાન પ્રકૃતિએ મને ખૂબ હામ આપી છે. નહીતર અમી અક્ષત જે રીતે પોતાનું જીવન જીવી રહ્યાં છે, તેના કારણે મારી પળોજણ તો ક્યારેય સમાપ્ત થવાની જ નથી.” આનંદી બહેને ઠાવકાઈથી પતિને ટેકો આપ્યો.

“સાવ સાચું કહ્યું આનંદી, અક્ષત સોફ્ટવેર ઇન્જીનિયર બનીને વિદેશ ના જતો રહ્યો તે જ એનો આપણાં પર ઉપકાર. હકીકતમાં આપણાં પ્રત્યે તેનો કર્તવ્ય બોધ અને અમી સાથેનું પ્રણય બંધન તેને અહીં રોકી રાખવામાં સહાયક બન્યું છે. અમી અને અક્ષત સાથે ભણીને મોટા થયાં. તેમના સ્નેહ તાંતણાને આપણે ધર્મનું બંધન રાખ્યા વગર પરિણય-સૂત્રમાં બાંધી આપ્યું એટલે બંનેનું જીવન પાટે ચઢી ગયું. વત્તામાં અમીને પણ મલ્ટી નેશનલ કંપનીના ૨૪ કલાક ચાલતાં કોલ સેન્ટરમાં સારી જોબ મળી ગઈ. આજે બંને મળીને છ આંકડાનો પગાર પાડે છે. આને કહેવાય ‘શેઠત્વ’નો નવો અવતાર !” ગુલાબ રાય પોતાના જ કોમ્પ્લીમેન્ટ ઉપર મરક મરક હસ્યાં.

“હા, ખરું કહ્યું.. આ વખતે આટલાં મોટા આચાર્ય ભગવંતનો ચાતુર્માસ પ્રવેશ કેટલો ભવ્યાતિભવ્ય હતો. અક્ષતે આગળ પડતાં ચડાવાઓ લીધાં હતાં તો આપણે સારામાં સારો લ્હાવો લઇ શક્યાં ને ? બાકી, મહારાજશ્રી ક્યારેક પૂછતાં હોય છે કે દીકરા – વહુ કેમ ઉપાશ્રયમાં દેખાતાં નથી ?” આનંદી બેન પાંસઠ વર્ષની ઉમરે આળસ ખંખેરીને ઘર કામમાં પરોવાયાં.

સાંજે ૬:૦૦ વાગે મીત આવે ત્યારે તેને બોર્નવીટા પીવડાવી દાદા દાદી બગીચે ચાલવા લઇ જતાં. થોડી વાર તે એકલો રમે અથવા ‘ગુજલિશ’ માં ગોટપીટ વાતો કરતો ચાલે. દાદીમા આજની પેઢીના સામાન્ય જ્ઞાનથી આનંદાશ્ચર્ય અનુભવતાં. ઘરમાં વડીલોની હયાતીના કારણે આટલું ગુજરાતી આ છોકરામાં બચ્યું છે નહીતર ઈંગ્લીશ મિડીયમની સ્કૂલો તેને આખે આખો ટેલરમેડ અંગ્રેજ બનાવી નાખવા કટિબદ્ધ છે.

અમી – અક્ષત વહેલી સવારે જીમ જવાથી પોતાના અતિ વ્યસ્ત દિવસની શરૂવાત કરે છે. ત્યાંથી આવ્યાં પછી આનંદી બહેનના હાથે કાઢી રાખેલો જ્યુસનો ગ્લાસ ગટગટાવીને બંને પોતપોતાના ફિગરની ચિંતા કરતાં જોબ ઉપર ઉપડી જાય. રાતે પરત આવી મીત સાથે બેસે ના બેસે ત્યાં ટી.વી. જોતાં અને આવતી કાલની ઓફિસની તૈયારી કરતાં બેડરૂમમાં ભરાઈ જાય.

રવિવારની રજા મોડે સુધી સૂવામાં અને ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક, મૂવી અને છેલ્લે હોટલથી લેટ નાઈટ ડીનર કરીને પાછા વળવામાં પસાર થઇ જાય. આવા ટાઈટ શેડ્યુલમાં માતા પિતા પાસે પગ વાળીને બેસવાની નિરાંત ક્યાં હોય ? ખેર, આનંદીબેન ઘરની તમામ જવાબદારી આનંદિત ચેહરે ઉપાડી લ્યે છે એટલે કોઈનું રૂટીન કદીય ખોરવાતું નથી.

ગુલાબ રાયનું વ્યક્તિત્વ પણ ગુલાબ જેવું જ પ્રફુલ્લિત. પોતાના શેઠપણાનાં કાળમાં તીક્ષ્ણ કાંટા જેવા ધારદાર અને ધંધામાં મુસ્તાક ખરા. એમની હોજીયારી ગારમેન્ટનું મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું. એક દિવસ ધમધમતી મિલને લેબર યુનિયનનું રાજકારણ લઇ ડૂબ્યું. ગતિશીલ મશીનોની સાથે પ્રગતિ કરતુ એમનું પ્રારબ્ધ પણ બંધ પડી ગયું. અને, ગુલાબરાય નાનકડી રેડીમેડ કપડાંની રિટેલ શોપના કાઉન્ટર પાછળ સમેટાઈ ગયાં. છતાં હૃદયમાં ઉદ્દામ ભાવનાઓ સદા મઘમઘતી રહે. કામમાં પહેલાં જેવી જ દક્ષતા અને અનુશાસન વર્તાય. તેઓ પરફેક્ટ મેનેજમેન્ટના ચુસ્ત આગ્રહી. અક્ષતના માનસ ઉપર કોઈ પણ જાતનું ટેન્શન લાવ્યાં વગર એને મોકળા મને ભણવા દીધો. પરિણામ આજે સામે છે.

જીવનના સંઘર્ષોમાં પતિ પત્નીએ ધર્મનો સંગાથ કદી મૂક્યો નથી. એમ તો અક્ષતના મનમાં પણ માનવીય સંવેદનાઓ સળવળે. કોઈ પણ જાતની કુદરતી આફત વેળાએ, પછી તે ભૂકંપ હોય, વાવાઝોડું હોય કે ત્સુનામી હોય.. અક્ષત અને અમી પોતાનો બે-ચાર દિવસનો પગાર તો નોંધાવે જ. હેલ્પેજ ઇંડિયા અને વાય.એમ.સી.એ. જેવી સંસ્થાઓમાં એમની સંવેદનશીલતા અને દાનનો પ્રવાહ ભળતો રહે. ધાર્મિક પ્રસંગે પણ દિલથી ખર્ચી જાણે. બસ એક જ મોટી ખોટ કે સમય કાઢીને ઉપાશ્રય–દેરાસરમાં વ્યાખ્યાન શ્રવણ કરી ના શકે. આનંદીબેનના મનનો તાગ મેળવીને એક દિવસ એણે દેરાસરની પાસે જ બંગ્લો લઇ લીધો. જેથી મમ્મી–પપ્પા ધારે ત્યારે દેરાસર જઈને જિન–પ્રતિમા સામે ભાવ વિભોર થઇ શકે.

સ્વાભાવિક રીતે ઘરની સઘળી જવાબદારી આનંદીબેનના માથે રહેતાં તેઓ ઉતાવળે પગલે આચાર્યશ્રીને વંદન કરીને ઘર ભેગાં થઇ જાય. આચાર્યશ્રીના માનીતાં શિષ્ય હવે તો એકાંતરે ગોચરી વહોરવા એમના ઘરે પધારતાં. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, બ્રેડ-પીઝા, બર્ગરના સમયમાં મહારાજશ્રીને ‘સૂઝતો આહાર’ વ્હોરાવવો એ પણ એક સમસ્યા હતી. જોકે, હવે ગોચરી વ્હોરાવવી રૂટીન વર્ક બની જતાં તેઓ ડ્રાય ફ્રુટ અને દૂધ સિવાયની વસ્તુઓનું ધ્યાન રાખીને કાળજી પૂર્વક તૈયારી કરતાં. મહારાજ સાહેબ પણ નિરંતર મળવાથી એકદમ સાહજીક થઇ ગયાં હતાં. તેઓ ઘરની દરેક વાતથી વાકેફ હતાં. ગુલાબરાયના સંઘર્ષના જાણકાર અને આનંદીબેનની પળોજણથી માહિતીગાર. દીકરા–વહુ–પૌત્રની હાજરી છતાં એકલવાયું જીવન જીવતાં બંને વયોવૃદ્ધ વ્યક્તિ જે ખુમારીથી અડીખમ હતાં તે બિરદાવવા જેવી વાત હતી. તેમની જીવનચર્યાથી હવે આચાર્યશ્રી પણ અજાણ નહોતાં.

દોઢેક માસ પછી પર્યુષણ પર્વાધિરાજ પધાર્યા. જૈનોની ધાર્મિકતામાં સફાળો ઉછાળો આવી ગયો. ચારેકોર ઉત્સવનું વાતાવરણ સર્જાયું. તપશ્ચર્યામાં ચડસા ચડસી થઇ પડી. આખા વરસ દરમ્યાન કદી દેરાસરના પગથીયાં ના ચઢનારા પણ ઉપાશ્રયમાં પડ્યા–પાથર્યાં હતાં. ઉછામણીઓ થઇ. જુલુસ–વરઘોડા નીકળ્યાં. બધું ચકાક ચકાક... ધમાલ ધમાલ ચાલ્યું !

એક સપરમા દિવસે મીત સહિત અમી–અક્ષત પ્રવચનમાં આવ્યાં. છેલ્લે ગુરૂ વંદના માટે ધસારો થયો. ગુલાબ રાય પરિવારનો વારો આવતાં આનંદી બેનના સંઘર્ષોથી વાકેફ એવા આચાર્ય ભગવંતે હાથ જોડી આનંદી બેનને સાદર પ્રણામ કર્યા... માતા તો ઝંખવાઈ ગયાં. દીકરા–વહુએ ખિસિયાણું સ્મિત ફરકાવ્યું.. ભૂતપૂર્વ શેઠશ્રીનાં મ્હોં પર સંવેદનાની છાયા વ્યાપી ગઈ..

પરંતુ, આનંદી બેનએ સાહજીકતાથી કહ્યું, “ના રે ના સાહેબ ! આમાં કશું વંદનીય કે અભિનંદનીય નથી. હું મારા ભાગની ભૂમિકા માત્ર ભજવું છું. આખો પરિવાર પોતપોતાની મનગમતી પ્રવૃત્તિમાં પરોવાયલો હોય ત્યારે આટલી પળોજણ તો ઉપાડવી જ પડે.. સાહેબ ! આ વેઠ નહીં વહેવાર છે. પરિવારને આ મારો અંતિમ ઉપહાર છે. અને આ ભાર મને સહર્ષ સ્વીકાર છે. કષ્ટ તો છે, દુઃખ નથી. દીકરા વહુ મારા કામની કદર કરે કે ના કરે, ઋણ સ્વીકારે કે ના સ્વીકારે હું તો તેની અપેક્ષા રાખ્યા વગર માત્ર પોતાનું કર્તવ્ય કર્યે જાઉં છે, ફરજ બજાઉં છું..”

આચાર્ય મર્માળું મલક્યા અને માતાને મનોમન વંદી રહ્યાં !

~~ કુમાર જિનેશ શાહ, ૧૨૬, ૧૦ બી./સી.

વિદ્યાનગર, રાધેશ્યામ બંસલ માર્ગ, ગાંધીધામ.