ઓહ નયનતારા !
પ્રકરણ – 10
કદાચ તકદીર બુલંદ હશે !
જિંદગીના થોડા થોડા દિવસે રચાતું સંબંધોના સંસારનું ચક્રવર્તુળ સદાય ફરતું રહે છે. કયારેક પંકચર પડે ત્યારે આ કૂટ્ટી જેવા સ્પેર ટાયરની શું કિંમત છે ? તે ત્યારે સમજાય છે.
મારી કારના ટાયરો ફરતા ફરતા મારા ઘરના પાર્કિંગની અંદર સુધી પહોંચે છે. રાબેતા મુજબ પ્રિયા દરવાજો ખોલે છે.
'આવો...પધારો...શેઠ અને શેઠાણી પધારો, અમારા ઘરમાં તમારું સ્વાગત કરીએ છીએ.' પ્રિયા હસતા હસતા અમોને આવકાર આપે છે.
નયનતારાના દીદાર જોઈને પ્રિયાની રમૂજવૃત્તિ ખીલી ઊઠે છે અને નયનતારાની પટ્ટી ઉતારતા કહે છે : 'નયનતારા ! જો તો ખરી... મારી સાડીની હાલત કેવી બેહાલ કરી નાખી છે ! એવું તે તમે બંનેએ શું કર્યું છે ?'
નયનતારા સાચેસાચ શરમાઈ જાય છે અને કહે છે : 'પ્રિયા બસ કર. મને સાચેસાચ શરમ આવે છે.'
પ્રિયા મારી સામે જોઈને મંદમંદ મુસ્કાન કરી અને બોલે છે : 'કેમ ભાઈ ! આ ગાંડીને આજે બહુ નચાવી છે કે ફરી પાછી મોરલા જેવી થઈને આવી છે ? તે દિવસના નેવી ડેની જેમ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના આનંદનો અતિરેક થઈ ગયો છે ?'
'તારા ખોટા નખરા રહેવા દે અને તું અને નયનતારા રૂમમાં જઈને સૂઈ જાવ.' પ્રિયા ગુસ્સે થઈને છણકો કરતા કહે છે : 'જઉં છું... જઉં છું, નાહકનો અડધી રાતે દેકારો કરે છે.'
ઉપરના ભાગે મારા બેડરૂમમાં સ્નાનવિધિ ખતમ કરી અને મારા પલંગ પર લંબાવું છું વિચાર કરું છું કે મારો જન્મ ફકત આ બધા સંબંધોનું સુખ પામવા માટે થયો છે ? કદાચ મેં કદી પણ કોઈને દુ:ખ આપ્યું નથી એટલે મને આ અધિકાર મળ્યો હશે ? ફરી વિચાર આવે છે - કોઈને દુ:ખ ન આપવાથી બધા પાસે સુખ મેળવી શકાય છે ? છતાં પણ દુનિયાનો માટોભાગનો વર્ગ એવો છે જે બીજા લોકોને દુ:ખ અને મૃત્યુ આપીને પોતે સુખ મેળવે છે, ત્યારે મારામાં નફરત અને ધિક્કારના ભાવનો ઈતિહાસ બોધ બોલે છે.
શિયાળાની સવારની ઠંડી હવાની લહેરખીઓ, મોરલાઓના મેઆઉં મેઆઉં, કાબરોનો કલબલાટ, પોપટો અને પોપટીઓના પ્રેમાલાપ, અજાણ્યા પક્ષીઓના રહસ્યમય અવાજો, સ્કૂલ બસના હોર્નનો અવાજ, સવારની તાજી હવા ભરવા માટે નીકળતા ઘરડાઓ અને યુવાનો તેમજ શરીરને ચપોચપ થાય તેવા ટ્રેકસુટ પહેરેલી યુવતીઓ અને ગૃહિણીઓ, ઘરની સામે દૂધના પાઉચ વેચતો ફેરિયો, મમ્મી દ્વારા ભગવાનને જગાડવા માટે વગાડવામાં આવતી ટંકોરીનો અવાજ, સવારે કૉલેજ જતી પ્રિયાની ધડબડાટી, તેના ચપ્પલનો ફટફટ અવાજ, આ બધું મારી સવારને ખુશનુમા બનાવતાં પ્રોત્સાહક પરિબળો છે.
ઓહ,નયનતારા ....... બસ તારી જ ખામી છે. મારી ખુશનુમા સવારની સંગીતમય સાથીદાર બનવા માટે બસ તારી જ ખામી છે. મને જગાડતી વખતે તારી બંગડીઓના ખનખન અવાજની ખામી છે....
સ્નાન કર્યા બાદ તારા ભીના વાળની ખુશ્બોની લિજ્જત, પથારીમાં બેસી અને મારા મુખને નિહાળતી નયનતારા, ધીરેથી મને જગાડવા માટે પંખીડીનો મધુર સ્વર : 'ઊઠો હવે...ઑફિસે જવાનો ટાઈમ થઈ ગયો...! પપ્પા તો કયારના તૈયાર છે.' પ઼ેમમાં પડયા પછી સવાર-સવારના સપના જોવાની આદત પડી ગઈ છે.
સવારે નવકા સમય થયા નથી કે સીધા બહાર જાનેકા ટાઈમ આ ગયા હે, પાપી પેટ કા સવાલ હૈ, ધંધા તો ફરજિયાત કરને કા હૈ, કુટુંબ કો નિભાના હૈ, રૂપિયા કમાને કે બાદ સમાજ કો કામ આનેક હે, ઘરવાલો કો ખુશ રખનેકા હૈ, ઔર નયનતારા કો ભી ખુશ કરનેકા હૈ, યે મસ્ત ફકીરી આલમ કા નઝારા હૈ. મારા જેવા મસ્ત ફકીલને જન્નતની હુરના સપનાં આવે છે અને સપના પણ નાગરાણી નયનતારાના આવે છે અને આ મસ્ત ફકીરનું ભિક્ષાપાત્ર પ્રેમની દોલતથી છલોછલ ભરી દે છે.
જયારથી નયનતારા મારા જીવનમાં આવી છે ત્યારથી જિંદગી જીવવા માટે અને પૈસા કમાવવા માટે એક નવો ઉત્સાહ પેદા થયો છે. શરીરમાં એક નવી જાતની ખુમારી પેદા થઈ છે. શરીર અક્કડ થઈને ચાલે છે. લોકોને જોવાનો નજરીયા બદલી ગયો છે. માણસોને ઓળખવાની આવડતમાં વધારો થયો છે. એક સ્ત્રી નામની શકિત એક માણસને કેટલો બદલી શકે છે ! આજે ખબર પડી કે લોકો આ માટે જ સ્ત્રીશકિતની આરાધના કરે છે જેથી જીવન ધન્ય બની જાય છે.
સવારથી રાત સુધી સતત પૈસા ગણીને જમા કરવા, ટાન્સપોર્ટ રસીદ, બીલ અને પેમેન્ટ, મજૂરોનું પેમેન્ટ, ચેકોમાં સહી કરાવી, આખો દિવસ સતત ફોનની ઘંટડીઓન રણકાર આ બધું જયારે પૈસા આવતા હોય તો બહુ સારું લાગે છે. જો પૈસાની આવક બંધ થઈ જાય તો આ બધી ચીજો એકીસામટી તમારી દુશ્મન બની જાય છે.
જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડી સમગ્ર વાતાવરણ બદલી નાખે છે. દર વખતની જેમ રવિવારનો ઈંતજાર કરવો પડે છે. ઈંતજાર નયનતારાનાં મિલનનો હતો. જાન્યુઆરી મહિનાનો પહેલો રવિવાર નયનતારાને ઈમ્પ્રેસ કરવા માટે નવા બુલેટની સવારી કરવા માટે આવ્યો છે.આજે ખબર પડી કે સ્ત્રી શા માટે હમેશા મજબૂત પુરુષને પસંદ કરે છે ? એક વાકય યાદ આવે છે જે ઈટાલીના સરતાનાશાહ બેનિટો મુસોલિનીનું છે : 'જનતા હમેશા મજબૂત માણસને પસંદ કરે છે. જનતા સ્ત્રી જેવી છે !'
રવિવારના બપોરના સમયે નયનતારાને હૉસ્પિટલેથી લેવા માટે ઑફિસેથી રવાના થયો. હૉસ્પિટલના ગેટની અંદર પ્રવેશ કરતા થોડે દૂર નયનતારા તેના સખીમંડળ સાથે ચર્ચામાં મશગુલ હતી. નવા બુલેટનો માભો જમાવવા થોડી સ્પીડ વધારી તેની પાસે જઈને અને સખત બ્રેક મારી એટલે નયનતારા ચમકી ગઈ ! તેની બધી ફ્રેન્ડ્સ વિસ્ફારિત નયને જોવા લાગી. નયનતારા કહે છે : 'નવું બુલેટ આવ્યું એટલે છોકરીઓનું છેડવાનું લાયસન્સ મળી ગયું છે ?'
'તું મારા માટે કયાં છોકરી છે ?'
'તો હું કોણ છું ?'
‘ મારી ડૉકટર પત્ની છો !'
આ જવાબ આપયા પછી નયનતારાની બધી ફ્રેન્ડ્સ આનંદિત થઈ ગઈ. તેમાંની એક છાત્રા કહે છે :'ઓહ... નયનતારા તું તો બહુ એડવાન્સમાં ચાલે છે.'
એટલે નયનતારા ગુસ્સે થવાનો ઢોંગ કરી અને તેના સખીમંડળને ઉદ્દેશીને કહે છે : 'આ અજાણ્યા માણસને કહી દો કે કોઈપણ સગાઈ કે સગપણ વિધિ થયા વિના કોઈને પત્ની ન કહેવાય.'
એટલે નયનતારાની લગોલગ બુલેટને લઈ જઈને કહું છું : 'હેલ્લો...સ્વીટહાર્ટ, મારા નવા બુલેટની પાછલી
સીટ તમારી રાહ જુએ છે અને જલદી કર મારે બહુ ઉતાવળ છે.'
હવે નયનતારાનો વારો આવે છે તેની સખીમંડળને જવાબ આપવાનો : ' ચાલો...ચાલો... હવે ખેલ ખતમ થયાં અને પૈસા હજમ થયાં, મારે પણ સાસરે જવાની ઉતાવળ છે...બાય બાય... ટાટા... ઓલ.... ફ્રેન્ડ્સ.'
નયનતારા જયારે મારી પાછળ બેસે છે ત્યારે મારા માટે શકુનદાયક પળ હોય છે. બન્ને બાજુ પગ રાખીને સીટમાં બેસવાની આદત છે. કમરે ફરતે હાથનો ગાળીઓ મજબૂતીથી કસે છે ત્યારે રંગબેરંગી વલય આંખો સામેથી પસાર થતા દેખાય છે અને નવયૌવનના નવતર પ્રયોગો અસબાબી માહોલમાં સરેઆમ થાય છે. જાહેર રોડ પર પ્રેમ કરવાની આ સાર્વજનિક રીત અમને બન્નેને બહુ પસંદ આવી ગઈ છે.
'રૂઝવે જગના જખમો, આદયૉને પૂરાકરે,
ચલાવે સૃષ્ટિનો તંતુ ધન્ય તે નવયૌવનને' (
કવિ રા.વિ. પાઠક)
નયનતારાને કહું છું : 'કોઈપણ જાતની વિધિ થયા વિના કોઈના ઘરને સાસરિયું ન કહી શકાય.'
નયનતારાનો વળતચ પ્રહાર હમેશા મજબૂત હોય છે : 'તારે આ બાબતે મને કોઈ જાતની સલાહ આપવાની જરૂર નથી, આજે તું મારો ડ્રાઈવર છે અને સીધી રીતે મારા સાસરિયે લઈ લો.'
'ઘરે પછી જઈશું... મમ્મીએ કહ્યું છે કે મારી અને પ્રિયા માટે જે ગરમ સાલ લઈ આવ્યો છે તેવી સાલ નયનતારાને પણ લઈ આપજે એટલે પહેલાં સાલની ખરીદી કરવા મારા ભાઈબંધની દુકાને જવાનું છે."
'
ઓકે... સાસુમાનો હુકમ તો માનવો પડશે.' આમ કહીને કમર ફરતે હાથનો ગાળીઓ મજબૂતીથી ફરીથી કસે છે અને કહે છે : 'બહુ ઠંડી લાગે છે.'
કોણ જાણે આ બેક્ટ્રિયન ગ્રીક સુંદરી મારામાં એવું તે શું જોઈ ગઈ છે કે ગમે તે સમયે પ્રેમ કરવાની તાકમાં હોય છે. એમાં પણ જાન્યુઆરીની ફિતનાખેજ હવાઓ હોય એટલે આ કામણગારી નારીઓને શૂરાતન ચડે છે.
મારા મિત્રની રેડીમેઈડ ગારમેન્ટની દુકાનમાં પ્રવેશતાની સાથે સુંદર કલાત્મક ભરતગૂંથણ કરેલી ગરમ સાલો જોઈને નયનતારાની આંખોમાં ચમક આવી જાય છે. નયનતારાની પસંદગીની એક ગરમ સાલની ખરીદી કરી અને ત્યારે જ નયનતારાએ ઓઢી પણ લીધી.
અમો ઘર તરફ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં તળાવની પાળ આવે છે ત્યાં અમારું બુલેટ રોકાય છે. આ જગ્યા નાનપણના સમયથી મારી પસંદીદા છે. પાળી પાસે અમો બન્ને ઊભા રહીને સૂર્યના કિરણોથી ચમકતા પાણીનો નઝારો જોવામાં ડૂબી ગયાં હતાં. થોડીવાર પછી એક સિમેન્ટના બાકડા પર આસન જમાવી દીધું.
શહેરનું આ ફરવાલાયક સ્થળ હોવાથી લોકો અહીંયા આવીને સમય પસાર કરે છે. તળાવની પાળે વિશ્વપ્રસિધ્ધ બાલાહનુમાનનું મંદિર આવેલું છે. 1992 ની સાલ હોવાથી અહીં અખંડ રામધૂનનું 29 મું વષઁ ચાલે છે જે એક વર્લ્ડ રેકર્ડ છે.
નયનતારા કહે છે : 'શિયાળાની ઠંડીમાં બપોરના સમયે બેસી રહેવાની કેવી મજા આવે છે !'
‘એમાં પણ સાથે તારી જેવી છોકરી હોય તો મને તો ઔર મજા આવે છે.'
'
તે મારું કહેવું માની આખરે નવું બુલેટ લઈ આવ્યો પણ પાર્ટીની વાત તો કરી નહીં ?' આજુબાજુ નજર ફેરવું છું અને નયનતારાને કહું છું : 'અહીંયા કાંઇ પણ મળતું નથી ફકત નાળિયેર પાણીવાળાની રેંકડી ઊભી છે.
નાળિયેર પાણીની પાર્ટી આપવાની ઈચ્છા છે.'
'ચાલો નાળિયેર પાણીની પાટીઁ માણીએ અને પછી સાસરિયે જવા નીકળવું પડશે. કારણ કે મારી નણંદ રાહ જોતી હશે ! સાસુમા અડધા અડધા થઈ ગયા હશે અને સસરાજી પણ પુત્રવધૂની રાહ જોતા હશે.'
'
વાહ ! પત્ની તો આવી હોવી જોઈએ...સાસરિયાના બધા લોકોની ચિંતા છે પણ પતિની જરાપણ ચિંતા નથી. ઘરે પહોંચી અને તારો વારો નીકળે છે કે નહીં....?'
નયનતારા અને હું ઘર તરફ રવાના થયા. રસ્તામાં નયનતારા કહે છે :'બુલેટ તો મર્દ લોકોની બાઈક છે અને એમાં પણ તારા જેવા હટ્ટાકટ્ટા મર્દની પાછળ બેસીને સવારીનો આનંદ લેવો મને બહુ ગમે છે.'
'ખોટું ન લગાડતી, પણ મને નરમ અને મુલાયમ વસ્તુઓ બહુ ગમે છે અને એ પણ જયારે તું મારી પાછળ બેઠેલી હોય ત્યારે તો બહુ ગમવા લાગે છે.'
'
હલકટ માણસ....! તમે કાઠિયાવાડી લોકોને શબ્દપ્રયોગનો ઉપયોગ કરવામાં બહુ આનંદ આવે છે. આ તો તારી દયા આવે છે એટલે તને મજા કરાવું છું.' નયનતારા અહીંયા રહીને કાઠિયાવાડી શબ્દપ્રયોગો કરતા શીખી ગઈ છે.
આવી મસ્તી અને મજાકમાં અમારી મુલાકાતીનો સમય પૂરો થઈ જાય છે. નાગરપુત્રીની બુધ્ધિ, ચતુરાઈ અને હાજરજવાબી અને ઉચ્ચ અભ્યાસનો સમન્વય હોવાથી સામાન્ય પ્રેમીઓ જેવી મુલાયમતા અને કોમળતાની રસલહાણનું બાષ્પિભવન થઈ જાય છે. વારંવાર રમૂજકાંડ સરાજવાની અમારી બન્નેની આદત હોવાથી અમારા મસ્તી જ અમારો સાચો પ્રેમ છે.
રાબેતા મુજબ પ્રિયા દરવાજો ખોલી અને અમારું સ્વાગત કરે છે. નયનતારા મૌન બનીને ગંભીર ચહેરે ઊભી રહે છે. પછી બોલે છે :
'
કેમ, શું થયું ?'
'
પ્રિયા ! મારી બધી ફ્રેન્ડ્સ મારાથી નારાજ છે અને મને કહે છે કે નયનતારા અમને બધાને ભૂલી ગઈ છે ! અને દર રવિવારે સાસરિયામાં પડાવ નાખે છે ! અને તારો ભાઈ પણ કમ નથી ! અને જયારે તારો ભાઈ મને લેવા આવ્યો ત્યારે તો મારી બધી ..ફ્રેન્ડ્સ સામે તેણે હદ કરો નાખી ! પૂછી લે તારા ભાઈને શું બોલ્યો હતો ?'
પ્રિયા મારી તરફ ઘૂરકીને બોલે છૈ : 'કેમ ભાઈ, શું બોલ્યો હતો ?' આવા જવાબ આપવા માટે યુવાતીના આલમને છાકટો બનાવ્યો અને લેહકાથી બોલ્યો : 'મેં નયનતારાને એટલું જ કહ્યું હતું કે ચાલો સાસરિયે જવાનું છે.'
પ્રિયાની આંખોમાં શરારતી ભાવ ઉપસે છે અને નયનતારા ઉદેશીને કહે છે : 'નયનતારા, એમાં મારો ભાઈ શું ખોટું બોલ્યો ? એક દિવસ તો તારે અહીંયા આવવાનું પાકું છે.'
નયનતારા ભાવુક બની પ્રિયાને ભેટી પડે છે અને કહે છે : 'પ્રિયા સાસરિયામાં આવવામાટે તો હું તડપું છું. તારા ભાઈને ઘણીવખત કહ્યું કે આપણે જલદી લગ્ન કરી લઈએ, જેથી તારા ભાઈને પણ શાંતિ થઈ જાય.'
પ્રિયા ફરી ખડખડાટ હસે છે અને કહે છે :' તમારે એમ સમજવું કે આ વર્ષ સગાઈનું છે અને આવતા વર્ષ દિવાળી પછી તમારા બન્નેના લગ્ન કરી નાખીએ. આ આખું વર્ષ ખૂબ મોજમજા કરો, હરોફરો, ફિલ્મો જુઓ, એકબીજાને ફૂલોની ભેટ આપો, વેલેન્ટાઈન-ડૈ મનાવો અને નેવી ડેમાં ડાન્સ કરો. કારણ કે નેવી ડેના કારણે જ તમને બન્નેને એકબીજાને જાણવાનો મોકો મળ્યો અને એ દિવસે જ પ્રેમમાં પડી ગયા હતા.'
પ્રિયા પ્રિયાને જવાબ આપતા કહ્યું : તારી ફ્રેન્ડ તો પ્રેમમાં પાડવામાં બહુ ઝડપી છે. એક ઝાટકે મારો શિકાર કરી નાખ્યો હતો.'
નયનતારા જવાબ આપવા માટે મને ચૂપ રહેવાનો ઈશારો કરે છે અને પ્રિયાને ઉદેશી કહે છે : 'પ્રિયા...! તું તો તારા ભાઈની બધી પોલ વિશેની જાણકારી રાખે છે એટલે પેલી નેવી ડેવાળી બધી પોલ ખોલવાનો સમય આવી ગયો છે... કેમ બરાબર ને મીઠું !' ફરીથી મારી સામે જોઈને નયનતારા કહે છે : 'કેમ શરમાઈ ગયો ? કંઈક તો બોલ...?'
નયનતારા અને પ્રિયા એક થઈ જતા જવાબ આપવો પડે છે : 'હું કંઈ શરમાતો નથી, આ તો પ્રિયા અહીંયા છે એટલે...! નહીંતર હમણાં જ તને ખબર પડે કે હું કેટલો શરમાળ છું'
વાતોનો દોર પૂરો થતા પ્રિયા અને નયનતારા રૂમમાં જાય છે. મારા માટે રવિવારની બપોર એટલે ઊંઘવાની મજા લેવી ફરજિયિત છે. રવિવારની બપોરની ઊંઘ આખા અઠવાડિયાના થાકની કસર પૂરી નાખે છે અને રવિવારની સાંજ એટલે યુવાનો અને યુવતીઓને જાણે ફેશન પરેડમાં જવાનું હોય તેમ ચકાચક તૈયાર થઈને બહાર નીકળે છે. એમાં પણ રવિવારના સાંજના સમયે યુવતીઓની ખૂબસૂરતીમાં ઔર નિખાર આવી જાય છે. પ્રેમમાં પડવા માટે સિનેમા હૉલ, ફાસ્ટફુડ પાર્લરો, આઇસ્ક્રીમ પાર્લરો અને જુવાન હૈયાના ફેવરિટ સ્પોટમા ભીડની વચ્ચે કયારેક આંખોના ટકરાવ અનાયાસે આકર્ષણના ચમકારા કરે છે. આવા નાના ચમકારાઓ ધીરે ધીરે કયારે વીજળીની જેમ ચમકારો કરે અને કયારે પ્રેમની ગડગડાટી શરૂ થાય છે; એ તો જયારે બે યુવાન હૈયાઓને પ્રેમવર્ષામાં પલળેલા જોઈએ ત્યારે જ ખબર પડે છે !
વર્ષાૠતુનું શાંત આગમન થતા, દરિયો અને નદી, યુવાનો અને યુવતીઓને આહવાન આપે છે. રોમાન્સ માટેનું શ્રેષ્ઠ પર્વ, વરુણદેવ ધરતીને મળવા બેતાબ છે. શરૂશરૂમાં વરુણદેવ અમીછાંટણાઓને ધરતી પર છાંટીને ધરતીને રિઝવવાની કોશિશ કરે છે. કયારેક ધરતી લાંબા સમય સુધી રીસાઈ જાય છે. પરિણામે વરુણદેવે વસાવેલા તમામ છાંટણાઓને એકઠા કરી અને નદીઓમાં ઠાલવે છે. પરિણામે નદીઓ કામાતુર બની જાય છે. કુદરત અને મનષ્યને બન્નેને કામાતુર બનાવતા રસાયણો આ પૃથ્વી પર વર્ષાૠતુ માં વરસે છે. પ્રેમ કરવામાં શરૂઆતની નાકામીને બહાનું ન બનાવતાં કારણ કે વરસાદના દરેક પહેલા ટીપા (બુંદ) ને ફના થવું પડે છે.
મારા માનવા મુજબ અને અનેક સાહિત્યકારોના મંતવ્ય મુજબ સુખી લગ્નજીવનનું રહસ્ય એ છે કે તમારી પત્નીમાં પ્રેમિકા જોવા માંગતા હો તો એક આશિકની જેમ પ્રેમ કરો અને પ્રેમિકામાં પત્ની જોવા માગતા હો તો એક પતિની જેમ કરો. પ્રેમમાં આપૂર્તિનો અવકાશ નથી, કારણ કે સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક હોય છે. જીવનમાં દરેક સમયે કઈ જગ્યાએ પૂરવણીનો અવકાશ છે. જેનાથી કોઈપણ એક પાત્ર અજાણ્યું રહે તો લગ્નજીવનનો પથ તમને ચોક્કસ અજાણ્યો લાગશે.
પ્રેમમાં પડયા પછી અચાનક મારા વિચારમાં બદલાવ કઈ રીતે આવ્યો તે હજુ સુધી મારા માટે રહસ્ય છે. મને જવાહરલાલ નહેરુની જીવનકથા નહેરુજીના ચૌદ વર્ષની ઉંમરે થયેલું પહેલા આકર્ષણનું સત્ય જાણવા મળ્યું હતું. જે આ પ્રમાણે હતું : 'મારી ઉંમર 14 વર્ષની હતી, નવી વિચારસૃષ્ટિ અને ઝાંખી કલ્પનાઓ મારા મનમાં તરવા લાગી અને બાળાઓમાં હું કાંઈક વિશેષ રસ લેવા માંડયો, હજુ દોસ્તી તો બાળકો સાથે જ હતી. બાળાઓના મંડળમાં ભળવામાં માનહાનિ સમજતો, પણ કાશ્મીરીઓના મંડળમાં અનેક ખૂબસૂરત બાળાઓ એકઠી થાય ત્યારે અથવા તેવા બીજા પ્રસંગોમા કોઈ બાળા સાથે નયન મળે કે સ્પર્શ થાય તો અવનવો આનંદ અનુભવાતો હતો.'
નેહરુજી જેવા મહામાનવો પણ ખૂબસૂરતી અને સ્પર્શના આકર્ષણથી બચી શકયા નથી તો મારા જેવા સામાન્ય ગુજરાતી વેપારીનું શું ગજું...? પણ નયનતારાની ખૂબસૂરતી તો બ્રિટિશ ગોરી મેડમને પણ આંટી મારે તેવી હતી. વિચારોમાં કયારે આંખ બિડાઈ ગઈ તે મને યાદ નથી.
મારા બારણા પર પડતા ટકોરાના અવાજથી મારી નિંદર ઊડી જાય છે, એટલે મેં કહ્યું : 'બારણું ખુલ્લું છે. ધક્કો મારી અંદર આવી જા.'
દરવાજો ખુલ્યા પછી નયનતારા દરવાજા બહાર ઊભી રહીને મને પૂછે છે : 'હું અંદર આવી શકું છું ?'
'ખોટા નખરા કરતી અંદર આવી જા. હવે થી આ રૂમ આપણા બન્નેનો છે.'
નયનતારા થોડી આગળ આવી અને જવાબ આપે છે : 'હાલ પૂરતો તો આ રૂમ તારા એકલાનો છે. આપણા બન્નેનો નથી... સમજયો કે નહીં કે સમજાવવું પડશે...?'
'અત્યારે બપારેના સમયે તું એકલી મારા રૂમમાં આવી છે. તારો ઈરાદો પહેલા મને જણાવવો પડશે.'
મારે અમદાવાદ મમ્મી અને પપ્પા સાથે ફોન ઉપર વાત કરવી છે એટલે પ્રિયાએ કહ્યું કે ઉપર ભાઈના રૂમમાં જઈને વાત કરી લે. મને કોઈ એવા શોખ નથીકે તારા રૂમમાં આવવું પડે...!' એટલું કહીને મારા બાજુમાં બેસીને અમદાવાદ ફોનના નંબર ઘુમાવે છે.
'તો એમ કહેને કે મારા સાસુ-સસરા સાથે વાત કરવાની છે.'
નયનતારાનો જવાબ હમેશા સવાલના અનુસંધાનમાં મળે છે : 'ઘણા દિવસોથી ઘરે વાત કરી નથી એટલે મને થયું કે મારા સાસરિયાનાં ટેલિફોનનો સદ્દઉપયોગ થાય તો મફતમાં પતી જાયને...!'
'ડાલિઁગ...આ બધું તારું જ છે, તું આ ઘરની માલિકણ છે. જેટલો સમય વાત કરવી હોય તું તારે કર્યે રાખજે અને વધુ સમય લેજે એટલે મને થોડો આનંદ મળે.'
'હલકટ માણસ...!' નયનતારાને હવે અમુક કાઠિયાવાડી શબ્દોની આદત પાડવી પડે છે કારણ કે વારંવાર તેના કાઠિયાવાડી પ્રેમીની છેડતીનો ભોગ બનવું પડે છે.
એ દરમિયાન ફોન લાગી જતા નયનતારા વાતો કરવામાં મશગુલ થાય છે. નયનતારાની ખૂબસૂરતીને જોવામાં હું મશગૂલ થઈ જાઉ છું વાતો કરતાં કરતાં મારી નજીક સરકતી જાય છે. મારા તરફથી કશો પ્રતિકાર ન જણાતા આ કાર્ય આગળ વધે છે. એટલી નજીક આવીને વાતો કરતી હતી ત્યારે એકબીજાના શ્વાસોચ્છૂવાસનો ટકરાવ થતો હતો. તેના વાળ અને નવી બનાવેલી કર્લિ લટો સાથે ખેલવાનો આનંદ મેળવું છું. આંખોથી મને ડારો આપે છે. બાઈ માણહના ડારાથી કાઠિયાવાડી થોડો ડરી જાય ? એટલે તેના ચહેરા સાથે રમત શરૂ થાય છે. હવે નયનતારા પોતાની પીઠ મારી તરફ રાખી અને મારા શરીરને ટેકો લઈને આરામની મુદ્રામાં ટેલિફોનમાં વાતો કરે છે. તેની આંખો પર, ગાલ પર અને હોઠો પર આંગળીઓના સ્પર્શની મજા માણું છું. ફરીથી ચહેરો ફેરવીને આંખોથી મને ડરાવે છે. ડર્યા વિના તેના ગળા ફરતે હાથ વીંટળીને મારી તરફ ખેંચું છું. નયનતારા તરફથી કશો જ પ્રતિકાર થતો નથી. એ પણ મારી જેમ મજા માણતી હોય તેવું લાગતું હતું.
ફોનમાં શું વાત ચાલે છે તેમાં મને જરા પણ રસ ન હતો, મને તો મારી પત્ની થનારી નયનતારામાં રસ હતો. અને આ રસ શા માટે ન હોય...? આ હરીફાઈના જમાનામાં પ્રેમ પણ બાકાત નથી રહ્યો, મારા અને નયપતારા વચ્ચે પણ એક હરીફાઈ ચાલે છે. દરેક વખતે એવું સાબિત કરવા માગીએ છીએ, બન્નેમાંથી કોણ એકબીજાને વધુ પ્રેમ કરે છે ! કયારેક નયનતારાના પોઈન્ટ વધુ હોય છે તો કયારેક મારા પોઈન્ટ વધુ હોય છે !
આવી હરીફાઈ જે ઈનડોર ગેમ્સ કહેવાય છે તેમાં ભાગ લેવાનો કોઈપણ મોકો છોડતા નથી. પણ દરેક વ્યકિતઓને આવા મોકા મળતા નથી. આ માટે ખેલાડીએ માનસિક રીતે તૈયાર થવું પડે છે. કસાયેલું શરીર હોવું જોઈએ, દિમાગ સચેત રાખવું પડે, સેન્સ ઑફ હ્યુમર કેળવવી પડે, સાહિત્યનું જ્ઞાન હોવું જરૂરી છે. નહીંતર આ હરીફાઈમાં એક તરફ પરિણામ આવવાની શકયતા વધુ રહે છે. મતલબ કે ક્રિકેટની રમતમાં તેંડુલકરની સામે કોઈ સામાન્ય બોલરની જે હાલત એક ખેલાડીની હોય છે, પ્રેમમાં પડી ત્યારે હમેશા સમાન પાત્રને નજરમાં રાખો, જે રીતે દરેક રમત કે ખેલમાં ઉચ્ચકક્ષાના ખેલાડી હોય તો રસાકસી જામે છે તે રીતે પત્ની અને પતિ સરખેસરખા હોય તો પ્રેમ કરવાની પણ રસાકસી જામે છે,
વિચારોની તંદ્રા નયનતારાનો ફોન કટ અવાજ થતાં જ તૂટે છે. નયનતારા તુરંત જ પડખું બદલીને મારી તરફ જોઈને કહે છે : 'મારી સાથે જલદી લગ્ન કરી લે, એટલે ખોટા વિચાર આવતા બંધ થઈ જાય'.
'
નયનતારા ! તને ડર નથી લાગતો કોઈ આ રીતે આપણે બન્નેને જોઈ જશે તો આપણી શી હાલત થશે ?'
'
એમાં ડર શાનો ? તારું ઘર છે અને બધાને ખબર છે કે આવતા વર્ષે તું મારી સાથે પરણી જવાનો છે'.
'
નયનતારા..એક વાત પૂછું ? આપણને આ રીતે ઘણા મોકા મળ્યા છે છતાં પણ એક હદથી બંધાયેલા છીએ, તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ?' નયનતારાની ફકત મજાક કરવા ખાતર પૂછયું.
નયનતારા ગંભીર થઈને જવાબ આપે છે : 'આપણે બંનેને એકવીસ વર્ષ થયા. હું મેડિકલ સ્ટુડન્ટ છું એટલે સેકસ વિશે બધી જાણકારી ધરાવું છું. તું પણ પરિપકવ થઈ ગયો છે અને તારી જીદ્દ પણ જવાબદાર છે. નેવી-ડેના દિવસે તું નહીં માને, હું જરા બહેકી ગઈ હતી.'
નયનતારાને પરેશાન કરવા માટે ફરીથી પૂછું છું : 'કદાચ અત્યારે તારા ઉપર બળજબરી કરું તો તું શું કરશે ?'
મારો સવાલ સાંભળીને પોતાનું પૂરું શરીર મારા ઉપર નાખે છે. ચહેરો ઝુકાવીને મારા હોઠ ઉપર તેના હોઠ સખ્તાઈથી બીડે છે. થોડીવાર પછી આ પ્રેમ થકી મળતા આનંદનો અંત આવે છે અને નયનતારા દરવાજા તરફ ડગ માંડે છે અને જતા જતા મારી સાથે પણ જોક કરતી જાય છે : 'હું તો હંમેશા તૈયાર છું પહેલા તું તૈયાર થઈ જા...આ નયનતારા તારા માટે મરી જવા તૈયાર છે.'
હું મારી જાતને વધારે પડતો નસીબદાર ગણવા લાગું છું મારા જેવા ઓછું ભણેલા ધંધાદારી માણસ માટે નયનતારા જેવી મેડિકલ સ્ટુડન્ટ જે ભવિષ્યમાં એમ.એસ. બનવાની છે તે મારી પત્ની બનવાની છે, જે મારા માટે ખરેખર ભાગ્યની વાત છે.
મોટાભાગના લોકો કહેતા હોય છે કે જિંદગી ખૂબસૂરત છે. પણ શા માટે ખૂબસૂરત છે. એ નયનતારા સાથે પ્રેમમાં પડયા પછી ખબર પડે છે અને પછી તો મારી જિંદગીને રોજ નવા નવા ખ્વાબો અસબાબોથી સજાવા લાગ્યો હતો. કદાચ તકદીર બુલંદ હશે તો ખ્વાબી અસબાબ પહેરેલી નયનતારા જ મારી જિંદગી હશે ?