બકોર પટેલ :
ઓડનું ચોડ
લેખક
હરિપ્રસાદ વ્યાસ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.
Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમ
૧.ઓડનું ચોડ !
૨.વજનની ટિકિટ !
૩.કન્યાદાન
૪.શાકભાજીવાળા શિવાભાઇ
૫.ટેલિફોનનો તરખાટ !
ઓડનું ચોડ*!
એકવાર એવું બન્યું કે બકોર પટેલને ત્રણ-ચાર દિવસ માટે પોતાના વતનમાં જવાનું થયું. પટેલનું વતન તારાપુર નાનું ગામ, એટલે પટેલને આખો દિવસ ગમે નહિં, છતાં પટેલ પોતાના ઉદ્યમી સ્વભાવને કારણે રોજ કશીક પ્રવૃત્તિ શોધી કાઢે અને એ રીતે તેઓ દિવસ પસાર કરી નાખે.
એ ગામમાં એક વેપારી રહે. નામ એમનું ગરબડચંદ ગોટલાવાળા. ગડબડચંદના બાપદાદાએ કેરીના ગોટલાનો મોટો વેપાર કરેલો, તેથી એમની એવી અટક પડી ગઇ હતી. પટેલ પણ મળતાવડા એટલા જ. ગરબડચંદ સાથે બકોર પટેલને ઠીક ફાવી ગયું. બન્નેની બેઠક જામે, એટલે વખત પસાર થઇ જાય.
એકદિવસ બન્ને બેઠા હતા. ઉનાળાના દિવસો. તાપ સખત. ઘરની બહાર પણ નીકળવાનું મન ન થાય તેવા દિવસો. એવે વખતે બકોર પટેલે કહ્યું : “ગરબડભાઇ ! કેવો ગજબનો તાપ છે ! આવે વખતે આઇસક્રીમ ખાવા મળે, તો કેવી મજા આવે ! અમારા મુંબઇમાં તો આઇસક્રીમની ખોટ જ નહિ !”
ગરબડભાઇભાઇએ જવાબ આપ્યો : “વાત તો સાચી. આવા બળતા બપોરે બસ એ...ઇ આઇસક્રીમની ચિક્કાર ભરેલી ડિશ મળે, તો લહેરથી ખાતા જવાય... ને મજા પડી જાય !”
બકોર પટેલનાં મોંમાં પાણી આવી ગયું. એમણે મોટો સિસકારો બોલાવતાં કહ્યું : “વાત તમે કરો છો, ને પાણી મારા મોંમાં આવે છે !”
ગરબડભાઇ કહે : “તો એનો ઇલાજ કરીએ ! મારે ઘેર આઇસક્રીમ બનાવવાનો સંચો છે. કાલે આઇસક્રીમ ઘેર જ બનાવડાવું. અહીં હોટલોમાં તૈયાર મળે છે, પણ ઘરના જેવો ચોખ્ખો નહિ. તમે મારે ત્યાં આવશો ?
પટેલે કહ્યું : “ જરૂર આવીશ. કેટલા વાગ્યે ?”
ગરબડભાઇ કહે : “ ત્રણેક વાગ્યે આવી જજો ને ! બહુ મજાનો આઇસક્રીમ તૈયાર કરાવીશ. જોજો તો ખરા !”
આમ નક્કી થઇ ગયું. બીજે દિવસે બપોરે ત્રણ વાગ્યે ગરબડભાઇને ત્યાં આઇસક્રીમ પાર્ટીનું ગોઠવાઇ ગયું.
ગરબડભાઇ ભારે હોંશીલા. એમણે બીજા આઠ- દસ મિત્રોને પણ આમંત્રણો આપ્યાં. બધાએ ત્રણ વાગ્યે આવી જવું, એમ કહી રાખ્યું.
બીજે દિવસે અઢી વાગ્યા, એટલે ગરબડભાઇને ત્યાં મિત્રો એકઠા થવા લાગ્યા. પોણા ત્રણ વાગ્યે તો બકોર પટેલ પણ આવી પહોંચ્યા.
આવતાંની સાથે જ તેમણે કહ્યું : “ઓહો ! બધા આવી પહોંચ્યા છે ને કંઇ ! હું મોડો તો પડ્યો નથી ને ?”
બલ્લુકાકા કહે : “પટેલસાહેબ, આપણે તો આઇસક્રીમના ભગત ! આવું કંઇ હોય ત્યારે અડધો કલાક વહેલાં આવવામાં જ મજા ! બાકી મોડા પડ્યા તો...”
“તો કોઇ વાર લટકી પણ જવાય !”
બીજા મિત્ર બોલ્યા.
પટેલે કોટ કાઢીને ખીંટીએ ભેરવ્યો. પછી ત્યાં પાથરેલી ગાદી પર લાંબા થઇને સૂતા. તાપથી તેઓ ખૂબ અકળાઇ ગયા હતા.
ગરબડભાઇ ગોટલાવાળા ઝટઝટ એમની પાસે આવ્યા. એમણે પૂછવા માંડ્યું : “ કેમ પટેલ, તબિયત બરાબર નથીે? તમને કંઇ થયું છે !”
બકોર પટેલ સહેજ હસ્યા પછી કહેવા લાગ્યા : “અરે ભાઇસાબ! આ ગરમીથી તો તોબા! બપોરના સમયે અહીં આવતાં-આવતાં મારું તો તેલ નીકળી ગયું !”
ગરબડભાઇ હસી પડ્યા. બોલ્યા : “ એમ કંઇ સહેલાઇથી આઇસક્રીમ થોડો મળે છે ? મુંબઇમાં તો તમે ટેક્સીમાં બેસીને ઊપડો. અહીં તો ટાંટિયાકમળ એ જ ટેક્સી !”
બલ્લુભાઇ કહેવા લાગ્યા : “ ચાલો, તમને તારાપુરની આઇસક્રીમ પાર્ટી યાદ રહી જશે !” બકોર પટેલ એકદમ બેઠા થઇ ગયા અને બોલ્યા : “ નહિ બલ્લુભાઇ, આઇસક્રીમ પાર્ટી તો અમે એકવાર એવી આપેલી કે જિંદગીભર ભુલાશે નહિ ! ”
“હેં ? એવું શું બનેલું ? ત્યારે તો તમારે માંડીને બધી વાત અમને કહેવી જ પડશે.”
બકોર પટેલ કહે : “સાંભળો ત્યારે! એ પાર્ટી તો અદ્ભુત હતી! થયેલું એવું કે અમે એક દિવસ આઇસક્રીમ ઘેર જ બનાવવાનું નક્કી કર્યું. થોડાક મિત્રોને પણ નોતરેલ. આ ગરબડભાઇ લાવ્યા છે, તેવો આઇસક્રીમ બનાવવાનો સંચો પણ અમે લાવ્યા હતા.”
ગરબડચંદે પૂછ્યું : “પણ તો તમારે માથે સંચો ફેરવવાનું આવી પડ્યું હશે ! ખરી વાત ને ?”
બકોર પટેલ કહે : “ ના ભાઇ, ના ! એમ તો મારે ત્યાં ખુશાલબહેન નામની બહેન ઘરકામ કરવા આવે છે. પેઢીમાં વીઠુ નામનો નોકર પણ છે. એ બન્ને જણે વારાફરતી સંચો ફેરવવા માંડેલો. સંચો ઘરરર-ઘરરર ચાલે ને મારા મોંમાં પાણી આવે !”
આ સાંભળીને ત્યાં બેઠેલા બધા હસી પડ્યા. બલ્લુભાઇએ જરા ગમ્મતમાં કહ્યું : “ તમારા મનમાં એમ થતું હશે કે ક્યારે આઇસક્રીમ તૈયાર થાય અને ક્યારે ચાખું? કેમ ખરું ને, પટેલસાહેબ !”
બકોર પટેલે જવાબ આપ્યો : “ સાચ્ચી વાત ! મને એમ જ થયા કરતું હતું કે આઇસક્રીમ જરાક તૈયાર થઇ જાય કે એક લચકો મોંમાં મૂકી દઉં ! પણ પેલી કહેવત છે ને કે ‘ઉતાવળે આંબા ન પાકે !’ એમ કંઇ આઇસક્રીમ ઝટ થોડો બની જાય !”
બલ્લુભાઇ કહે : “પછી ?”
બકોપ પટેલ બોલ્યા : “ પછી મેં વીઠુને કહ્યું કે થોડી- થોડી વારે તું જોતો રહેજે. દૂધ જરાક ઠરે કે તરત મને કહેજે. આપણે થોડોક ટેસ (ટેસ્ટ) કરી લઇશું !”
“એટલે વીઠુ તો થોડી-થોડી વારે ઢાંકણું ખોલીને અંદર જુએ. હવે બન્યું એવું કે એક વાર એણે ઢાંકણું ખોલ્યું એ વખતે આજુબાજુના બરફ પર ભભરાવેલા મીઠાની ઢગલી અંદર - દૂધમાં પડી ગઇ ! વીઠુ ગભરાઇ ગયો. એણે વિચાર્યું કે કોઇને કહેવું નહિ. આટલા બધા દૂધમાં જરાઅમથા મીઠાની ખબર નહિ પડે ! એણે ઢાંકણું ઝટઝટ વાસી દીધું. પછી ડાહ્યો ડમરો થઇને સંચો ફેરવવા મંડી પડ્યો.
સંચાની આસપાસ આપણે બરફ ગોઠવીએ છીએ, તે ઓગળી ન જાય એ માટે એના ઉપર મીઠું ભભરાવવાનું હોય છે. બરફ બચાવવા વીઠુએ એની આજુબાજુ મીઠાની ઢગલીઓ કરી દીધી. પણ એ અક્કલના ઇસ્કોતરાને ભાન ન રહ્યું કે ઢગલીઓ પાથરી દેવી જોઇએ, નહિ તો ઢાંકણું ઉઘાડતાં જ બધું અંદર પડે !
“થોડીવારે એણે જાહેર જાહેર કર્યું કે આઇસક્રીમ તૈયાર થઇ ગયો છે ! આપણે તો ભાઇ, વહેલા-વહેલા સંચા પાસે ઉપડ્યા! મિત્રો આવેલા તેય બધા તમારા જેવા આઇસક્રીમ ભગત ! એટલે એ સૌ પણ ઝટઝટ પાછળ આવ્યા. સંચામાં ચમચો નાખીને મેં આઇસક્રીમ કાઢ્યો. બધાએ પણ એ રીતે થોડો-થોડો આઇસક્રીમ કાઢીને મોંમાં મૂક્યો. બીજી જ પળે બધાના મોં કટાણાં ! જોવા જેવા ! આઇસક્રીમ તો ખારો ખારો ઊસ જેવો ! દરેકની જીભે આઇસક્રીમનો લચકો, પણ ...પણ મોં છબી પાડવા જેવા! આખરે આઇસક્રીમ ફેંકી દેવો પડ્યો અને બજારમાંથી ૧૦ કિલો વેચાતો મગાવીને પાર્ટી પાર પાડી ! કહો જોઇએ, આવી પાર્ટી કઈ જિંદગીમાં ભૂલી શકાય ?”
બધા હસતાં - હસતાં કહેવા લાગ્યા : “પટેલ સાહેબ, તમારી પાર્ટીએ તો ભારે કરી ! ગરબડચંદજી ! હોશિયાર ! ખબરદાર ! મીઠું અંદર પડી જાય નહિ !”
ગરબડચંદ ઓચર્યા : “હવે આપણે સંચો ચાલુ કરાવીએ છીએ. તમે કહ્યું એમ મીઠાભાઇને સાચવી લઇશું !”
આમ વાતો ચાલતી હતી. બીજી બાજુ સંચો તૈયાર કરાતો હતો. નોકર બરફ ભાંગતો હતો. હજી શરૂઆત હતી.
અચાનક રંગમાં ભંગ પડી ગયો ! એક પાડોશીએ દોડતાં-દોડતાં આવીને કહ્યું : “ગરબડચંદ ! મારા દાદા ખલાસ! હમણાં તો બેઠા હતા- અને બેઠા - બેઠા જ ઢળી પડ્યા ! તમને બોલાવવા આવું, ન આવું, એટલામાં તો એમનું શરીર ઠંડું થઇ ગયું. જીવ ઊડી ગયો !” આમ કહીને પેલો આંખમાં આંસુ લૂછવા
લાગ્યો. ગરબડભાઇ તો સ્તબ્ધ જ બની ગયા. નવાઇ પામ્યા કે એકાએક આ શું બની ગયું ? સવારે તો પોતે દાદાની સાથે વાતો કરી હતી !”
ગરબડભાઇ બોલ્યા : “ભાઇ! ચાલ, આવું છું તારી સાથે મૂંઝાઇશ નહિ.”
બસ, બધું બંધ રહ્યું. આઇસક્રીમ આઇસક્રીમને ઠેકાણે રહી ગયો ! પાડોશમાં પોક મુકાતી હોય, ત્યારે કંઇ આઇસક્રીમ થોડો ખાઇ શકાય ? વળી, મરનારની સાથે ગરબડભાઇને ઘર જેવો સંબંધ. એવો સંબંધ હોય, ત્યારે તો ઠેઠ સુધી સાથે રહેવું પડે ને !
ગરબડભાઇ પાડોશમાં ગયા, પણ તુરત પાછા આવ્યા. આવીને કહે, “ધારતા હતા કંઇ અને બની ગયું કંઇ ! દાદાની આવરદા એકાએક ખૂટી પડી. પણ તમે કોઇ ઘેર જશો નહિ. દાદાને સ્મશાને લઇ જવા પડશે. બપોરનો વખત છે. સૌ કામધંધે ગયેલા છે, એટલે તમારી બધાની જરૂર પડશે. બેસજો. વખત થાય એટલે બોલાવીશ.”
આમ કહીને ગરબડભાઇ પાછા દોડ્યા. એમના ગયા પછી બકોર પટેલે કહ્યું : “બલ્લુભાઇ, આ તો સપડાઇ મૂઆ! બળતા બપોરે આઇસક્રીમ ખાવા આવ્યા. પણ આઇસક્રીમ તો રહ્યો ઠેકાણે અને થયું ભરબપોરે સ્મશાન જવાનું!”
લમણે હાથ દેતાં બલ્લુભાઇ બોલ્યા : “ પટેલસાહેબ, આ તો ‘આવ બલા, પકડ ગલા!’ જેવું થયું !”
કોઇ મજાકમાં બોલ્યું : “નસીબ જ કાણું લાગે છે ! ‘અક્કરમીનો પડીયો કાણો!’ નહિ તો મોં સુધી આવેલોે કોળિયો કંઇ ઝુંટવાઇ જાય !”
બકોર પટેલ કહેવા લાગ્યા : “ મેં તો વળી ભારે ડહાપણનું કામ કર્યું છે ! બૂટ રહેવા દીધા ઘેર અને ચંપલ પહેરીને અહીં આવ્યો. હવે સ્મશાન જતાં રસ્તામાં દઝાય નહિ તો સારું !”
બલ્લુભાઇ બોલ્યા : “અમે તો ટેવાઇ ગયેલા! અમને તાપ બહુ ન લાગે. પણ તમારે સાચવવું પડશે.”
બધા અંદર-અંદર આવી વાતો કરવા લાગ્યા. કેટલીક વારે ગરબડભાઇ આવી પહોંચ્યા. તેમણે કહ્યું : “ હું તમને બધાને ધોતિયાં આપું છું. પછી આપણેે જઇએ. દાદાને કાઢી જવાની (સ્મશાને લઇ જવાની) તૈયારી કરીએ. તમે બધા હાજર છો તે સારું છે. બાકી દાદાને સ્મશાને લઇ જવાની બહુ પંચાત થઇ પડત- અત્યારે કોઇ ઘેર મળે નહિ ને, એટલે !”
ગરબડભાઇએ બધાને ઘોતિયાં આપ્યાં, પછી બધા બહાર નીકળ્યા, અને પાડોશના મકાનના ઓટલા પાસે આવ્યા. બધી તૈયારી થઇ ગઇ, એટલે દાદાના સગા નનામી બહાર લાવ્યા. બધા ડાઘુઓ સ્મશાન તરફ ચાલવા લાગ્યા. ડાઘુઓ એટલે તમે સમજ્યા ને ! મૃતદેહ ઊંચકીને સ્મશાનમાં લઇ જનારા બધા ડાઘુઓ કહેવાય. આપણા દોસ્ત બકોર પટેલ પણ ડાઘુ!
રિવાજ એવો છે કે દરેક જણ શબને વારાફરતી ઊંચકવા લાગે. દાદાના શબનું પણ એવું જ બન્યું. શરૂઆતમાં ચાર જણ ઊંચકીને ચાલતા હતા. એમને છોડાવવા માટે બીજા ચાર ગયા. એમ, વારાફરતી સૌ નનામી ઊંચકતા રહ્યાં. એમ કરતાં-કરતાં બકોર પટેલનો વારો આવ્યો. એમણે પણ પોતાના ખભા પર નનામી ઊંચકી. પછી ‘રામ બોલો ભાઇ રામ’ કરતા બધા સાથે ઘસડાવા લાગ્યા!
ઉનાળાના દિવસો ને માથું ફાટી જોય તેવો તાપ ! ચારે તરફથી સખત લૂ વાય. શરીરે બળ્યા ઝળ્યા થઇ જવાય. બીજા ડાઘુઓએ તો માથા પર પેલા વધારાનાં ધોતિયાં ફેંટા (માથે વીંટવામાં આવતું લૂગડું- ફાળિયું)
પેઠે વીંટાળેલાં. પણ બકોર પટેલ તો મુંબઇગરા શેઠિયા! ફાળિયું બાંધતાં શરમ આવે ! ફાળિયું બાંધીએ તો કેવું વિચિત્ર દેખાય! એટલે તેમણે માથે કંઇ વીંટ્યું નહિ.
બલ્લુભાઇ કહેવા લાગ્યા : “પટેલસાહેબ ! માથે ધોતિયું વીંટી દો, નહિ તો માથું દુખવા આવશે !”
પણ બકોર પટેલ કહે : “ કંઇ વાંધો નહિ. મારુ માથું નક્કર છે !”
પરંતુ, ખરી વાત એ હતી કે એમને શરમ આવતીતી, પરિણામે પટેલનું માથું ખુલ્લું રહ્યું અને સખત તપી ગયું.
ખભે નનામી, માથા પર સખત તાપ, અને ચંપલ પહેરેલાં, એટલે ગરમ ધૂળ પણ પગને અડકે અને તેથી દઝાય ! પટેલ મનમાં વિચાર કરવા લાગ્યા : “ વાહ નસીબ, વાહ! ધારીએ છીએ શું અને બને છે શું ?ક્યાં આઇસક્રીમ પાર્ટીનો જાફત (મિજબાની) અને ક્યાં આ ટાંટિયાતોડ આફત !”
આમ વિચાર કરતા-કરતા બકોર પટેલ ઝટ-ઝટ ચાલવા માંડ્યા.
સખત તાપ અને નનામીના વજનથી અકળાઇને નનામી ઊંચકનારાઓ ખૂબ ઉતાવળા ચાલતા હતા. કેટલાક તો જાણે દોડતા હોય એવું લાગે ! ત્રણ જણ ઉતાવળા ચાલતા હતા એટલે ચોથા બકોર પટેલને પણ એ ત્રણેની પાછળ દોડવું-ઘસડાવું પડ્યું!
પછી ખરી ગમ્મત થઇ. ઉતાવળાં-ઉતાવળાં ચાલતાં પટેલનું ચંપલ તૂટી ગયું ! અણીને વખતે ચંપલે દગો દીધો ! અને રસ્તા પરની ઘૂળ તો આગ-આગ!
એક જણે આવીને બકોર પટેલ પાસેથી નનામીનો છેડો લઇ લીધો. પટેલ છૂટ્યા, પણ તૂટી ગયેલી ચંપલે ચલાય કેવી રીતે ? થોડે સુધી તો એમ ને એમ ચંપલ ઘસડ્યું ! પણ એ કંઇ લાંબુ પહોંચે ?
ગરબડભાઇ બોલ્યા : “પટેલ સાહેબ! એમ કરો, ચંપલમાં પગ નાખીને આસપાસ રૂમાલ બાંધી દો. ઉઘાડા પગે ચાલશે નહિ !”
લાચાર ! પગ અને ચંપલ પર રૂમાલ વીંટ્યા વિના છૂટકો નહોતો ! એમણે ચંપલમાં પગ નાંખ્યો. પાછી પાટાની પેઠે રૂમાલ વીંટી દીધો! હાડવૈદે પગે પાટો બાંધ્યો હોય તેવું લાગે! પછી જેમ તેમ બધાની સાથે પટેલ ઘસડાવા લાગ્યા.
આખરે સ્મશાને પહોંચ્યા. નનામી નીચે ઉતારી. લાકડા ખડક્યાં. છેવટે શબને અગ્નિદાહ દેવાયો.
પણ પટેલને ગરમી ખુબ લાગેલી. જેમણે ફાળિયા વીંટેલા, એ સૌ ને ખાસ ગરમી નહોતી લાગી. ગરબડચંદ કહે : “પટેલસાહેબ! નકામા શરમમાં તણાતા લાગો છો ! ફાળિયું માથે વીંટી દો, નહિ તો ઘેર પહોંચતાં તો તમને તમ્મર આવી જશે. બળતા બપોરે બહાર નીકળ્યા, ત્યારે વળી શરમ કેવી!”
છેવટે પટેલના મગજમાં વાત ઊતરી. ધોતીયું માથાની આસપાસ ફાળિયાની પેઠે (જેમ) વીંટી દીધું. આ જોઇ સ્મશાન જેવી જગ્યામાં પણ બલ્લુભાઇને હસવું આવી ગયું.! બોલી ઊઠ્યા : “ વાહ-વાહ! મુંબઇગરા શેઠિયા તે બની ગયા તારાપુરગરા !”
કામ પત્યે બધા ઘેર આવવા નીકળ્યા. પટેલે લૂલા -લંગડાની પેઠે જેમતેમ ચાલવા માંડ્યું. પગે રૂમાલ બાંધેલો, તે વળગીને રહે નહિ. જરા ઉતાવળા ચાલે કે રૂમાલ છૂટી જાય અને ચંપલ પગમાંથી નીકળી, ઊછળીને આઘાં પડે ! પગ શેકાઇ જાય ! એવા તાપમાં પાછા નીચે બેસી જઇને રૂમાલ બાંધવો પડે ! આમ કરતાં-કરતાં આખરે ગામમાં આવ્યાં.
બકોર પટેલને તો મનમાં બહુ જ શરમ આવે. એમનો વેશ પણ કેવો ! તાપથી મોઢું કાળું પડી ગયેલું. રસ્તાની ધૂળ ઊડીને શરીરે ચોંટેલી! માથે ફાળિયું અને પગે લંગડખાં!
ગરબડભાઇના ઘરમાં પેસીને પટેલ પાણીના પીપ પાસે પહોંચી ગયા. ખૂબ ઠંડું પાણી માથે રેડ્યું. પછી પુષ્કળ નાહ્યા. પછી ‘હાઆઆશ...’ કરીને ગરબડભાઇ પાસે બેઠા. હાથ વતી પંખો ખાતાં-ખાતાં બોલ્યા : “બલ્લુભાઇ! તમે કહ્યું તેમ આ તારાપુરી પાર્ટી પણ જિંદગીભર યાદ રહેવાની ! પેલી પાર્ટીએ તો ૧૦ કિલો આઇસક્રીમનું પાણી કરાવ્યું, પણ તારાપુરી પાર્ટીએ તો માથું બાળ્યું ને ટાંટિયા પણ સળગાવ્યા !”
પટેલની વાત સાંભળી સૌ હસી પડ્યા.
વજનની ટિકિટ !
એકવાર બકોર પટેલ સ્ટેશન તરફ જતા હતા. સામે ટીમુ પંડિત મળ્યા. પણ આજે એમનો વેશ જોવા જેવો હતો!
માથે ઘંટીના પડ જેવી પાઘડી.
ગળામાં રુદ્રાક્ષની માળા.
કપાળમાં ત્રિપુંડ.
દાઢી વધારેલી.
ટીમુ પંડિતે પાસે આવી કહ્યું : “ શતં જીવ શરદઃ”
આમ કહીને એમણે બે હાથ ઊંચા કર્યા, જાણે આશીર્વાદ આપ્યા !
પટેલ તો ધૂનમાં ને ધૂનમાં ચાલતા હતા. ટીમુ પંડિતને ઓળખી જ શક્યા નહિ ! એ તો સમજ્યા કે આ કોઇ ફાલતુ બ્રાહ્મણ હશે. દક્ષિણા માગવાનો વિચાર હશે.
એટલે પટેલ મનમાં ચિડાયા. એમને થયું કે આવા ને આવા કેટલા ફૂટી નીકળતા હશે !
તેઓ ભવાં સંકોચીને બોલ્યા ઃ “આવા ને આવા...”
પણ પછી નજર સીધી ચહેરા પર પડી, એટલે તરત ઓળખી કાઢ્યા.
“ઓહો ! પંડિતજી ! આ વેશમાંં ?”
ટીમુ પંડિત હસ્યા. એમણે જવાબ આપ્યો : “હાજી ! માસોમાં ઉત્તમ એવો શ્રાવણ માસ ચાલે છે. આપણે આપણાથી બનતું કરી છુટવું. રોજ અત્યારે મહાદેવના દર્શન કરવા જાઉં છું. જમું છું પણ એક જ વાર.”
પટેલ બધું સાંભળી રહ્યા. પછી પંડિતની દાઢી તરફ જોઇને પુછ્યું : “આ દાઢી કેમ વધારી છે ? બાવાની માફક તમે પણ શરૂ કર્યું કે શું ?”
જવાબમાં પંડિત હસ્યા. તેમણે કહ્યું : આ તો શ્રાવણ માસમાં પંચકેશ વધાર્યા છે !
“હવે સમજ્યો !” પટેલ બોલ્યા. પછી ખિસ્સામાંથી એક નવું પાકીટ કાઢી એમણે ટીમુ પંડિતને આપ્યું.
“લ્યો પંડિતજી ! આ નવું પાકીટ. મારા તરફથી ખાસ ભેટ! મારા ગ્રાહકો માટે આ વરસે આવી જાતના પાકીટો તૈયાર કરાવ્યાં છે. તમે અત્યારે મળી ગયા, એટલે તમારાથી શુકન કરું છું.”
ટીમુ પંડિતે પાકીટ હાથમાં લીધું. આમ તેમ તપાસી જોતાં ખુશ થઇ ગયા. બોલ્યા : “આજે વજનની ટિકિટનું ભવિષ્ય સાચું પડ્યું! શબ્દેશબ્દ આબાદ સાચો !”
પટેલે પુછ્યું : “કઇ વજનની ટિકિટ ? શેનું ભવિષ્ય?”
ટીમુ પંડિત કહેઃ “ અહીં સ્ટેશન પર વજન કરવાનું મશીન છે ને ! એમાં આજે મેં વજન કરાવ્યું. વજનની ટિકિટની પાછળ વજન કરાવનારનું ભવિષ્ય પણ લખેલું હોય છે.”
“એમ કે ? તમારી ટિકિટ પાછળ શું લખેલું ?”
ટીમુ પંડિતે ગજવામાંથી ટિકિટ કાઢી. પછી ટિકિટમાં જોઇને જવાબ આપ્યો : ‘આજનો દિવસ તમારા માટે અત્યંત લાભકર્તા છે.’ આવું લખેલું છે. ને જુઓ! આ પાકીટનો લાભ તો વગરમાગ્યે થયો જ ને! અને મહાદેવમાં હતો ત્યારે એક વેપારી મળી ગયા. એમણે મને એકાવન રૂપિયાની દક્ષિણા આપી. કહે કે મહાદેવજીને સવાલક્ષ (સવા લાખ) બીલીપત્ર(બીલી ઝાડનાં પાંદડાં) મારા વતી ચડાવજો! કહો હવે, ભવિષ્ય આબાદ સાચું પડ્યું ને!
પટેલે ટીમુ પંડિત પાસેથી એકદમ ટિકિટ લઇ લીધી. એની પાછળ વાંચ્યું, તો ટીમુ પંડિતે કહ્યું તેવું જ ભવિષ્ય છાપેલું!
પટેલને વજન કરાવવાનું - ખાસ તો પોતાનું ભવિષ્ય જાણવાનું મન થઇ ગયું. એમણે કહ્યું : “પંડિતજી! મારે પણ વજન કરાવવું છે. ચાલો આવો છો ?”
પંડિત કહે : “હા. હા. ચાલોને! સ્ટેશન ક્યાં આઘું છે ? વળી, હું તો અત્યારે નવરો ધૂપ (કામકાજ વગરનો) છું. બપોરે ફરીથી નાહીધોઇને પૂજામાં બેસીશ, ચાલો!”
બન્ને ત્યાંથી સ્ટેશને આવ્યા. બહાર જ પેલું વજન કરવાનું મશીન હતું.
મશીનના આગલા ભાગ ઉપર પટેલ ઊભા રહ્યા. કાચની અંદરનું ચક્કર ગોળ - ગોળ ફરવા માંડ્યું. ચક્કર ફરી રહ્યું, એટલે પટેલે ખાનામાં એક રૂપિયાનો સિક્કો નાખ્યો. થોડી વારે ખટ્ક અવાજ થયો અને ટપ દઇને વજનની ટિકિટ બહાર નીકળી પડી.
ટિકિટ ઉપાડી લઇ પટેલ વજનકાંટા પરથી નીચે ઊતરી ગયા. ટિકિટમાં શું લખ્યું હશે, તે જાણવા મન તલપાપડ (ઉત્સુક) થઇ ગયું.
તેમણે ટીમુ પંડિતને પુછ્યું :“પંડિતજી! મારું ભવિષ્ય સારું હશે કે ખરાબ ?”
પંડિત હસીને બોલ્યા : “ટિકિટ તો તમારા હાથમાં છે. જોઇ નાખોને!”
બકોર પટેલ કહે : “ના, એમ ન જોવાય! કદાચ ખરાબ ભવિષ્ય નિકળે તો ? માટે ભગવાનને જરા પ્રાર્થના કરી લેવા દો!”
આમ કહેતા બકોર પટેલે આંખો મીંચી દીધી. પછી કંઇ બબડવા માંડ્યું.
આમ, ઊભા-ઊભા પટેલને બબડતા જોઇને ત્રણ-ચાર જણને અજાયબી થઇ. તેઓ આતુરતાથી ત્યાં ઊભા રહ્યા. એ રીતે બે-ત્રણ મિનિટમાં તો ખાસ્સું મોટું ટોળું એકઠું થઇ ગયું!
એક જણ કહે : “કોઇ જાદુગર લાગે છે !”
બીજો કહે : “કોઇને ચકલી બનાવી દેશે ચકલી!”
ત્રીજો કહે : “અરે, આ તો બકોર પટેલ છે! ઓળખતા નથી એમને ? અહીં રસ્તા વચ્ચે એકાએક એમને શું થઇ ગયું ?”
એટલામાં પટેલે આંખો ઉઘાડી. જુએ છે તો ખાસ્સું મઝાનું ટોળું!
પટેલ તો આભા બની ગયા! મનમાં સમજી ગયા.
તેમણે ટીમુ પંડિતને કહ્યું : “ચાલો હવે. આ તો જરા ચક્કર આવ્યા જેવું લાગતું હતું. હવે સારું છે!”
પટેલની વાત સાંભળી ટોળું વિખરાઇ ગયું.
પછી બકોર પટેલ થોડેક દૂર ચાલ્યા. સાથે ટીમુ પંડિત પણ ખરા.
પટેલે હવે પેલી ટિકિટ પરનું લખાણ વાંચવા માંડ્યું.
“આજે તમારા પાસા પોબારા પડશે. જે કરશો એમાં સફળ થશો.” પોતાનું ભવિષ્ય વાંચીને પટેલનું મોં હસું-હસું થઇ ગયું.
બકોર પટેલ ખૂબ ગેલમાં આવી ગયા.
એમણે ટીમુ પંડિતને કહ્યું : “પંડિતજી! મારું ભવિષ્ય તો બહુ મજાનું આવ્યું! મારા પાસા પોબાર પડશે એમ લખે છે. પણ પાસા ખરેખર પોબાર પડશે?”
ટીમુ પંડિત કહે : “પટેલસાહેબ! તમે તો ભારે વહેમીલા, ભાઇસાબ! સંસ્કૃતમાં કહ્યું છે કે ‘સંશયાત્મા વિનશ્યતિ!’ એટલે કે જે મનમાં શંકા રાખે છે, તેનો નાશ થાય છે ! સમજ્યા? માટે શંકા તો રાખવી જ નહિ!”
પટેલ થોડી વાર વિચારમાં પડ્યા. પછી એમણે કહ્યું ઃ “પણ પહેલાં કંઇ ખાતરી તો કરવી જોઇએ ને! ચાલો, તમે કહેતા હો તો પેલા આવનારની ટોપી નીચે પાડી દઉં, એ ચિડાય નહિ, તો હું માનું કે આજે આપણા પાસા પોબાર છે! ને એ લડવા આવ્યો, તો પછી આપણે છીએ બે જણા. તમે મદદમાં રહેશો ને ?”
ટીમુ પંડિત મૂંઝાઇ ગયા. પકોર પટેલે સાવ વિચિત્ર વાત કરી! પણ પીછેહઠ પણ કેમ થાય!
ટીમુ પંડિતે મનમાં વિચાર કર્યો : “લાવને, જરા તમાશો તો જોઇશું! પટેલને અને પેલાને ઠેરી જશે (ઝઘડો થશે) તો ભારે મજા પડશે! બે ઘડી જોવા જેવી યાદવાસ્થળી (લડાઇ) થશે.”
આમ વિચાર કરી ટીમુ પંડિત બોલ્યા : “ અરે, હા રે હા! તમેતમારે એની ટોપી ઉપાડીને ફેંકી દેજો! ભવિષ્યવાણીની પરીક્ષા કરી જોઇએ. શું થાય છે તે જોઇએ તો ખરા!”
આમ, પટેલને પ્રોત્સાહિત કરીને પંડિત જરા આઘે જઇને ઊભા. પેલો આવનારો હવે નજીક આવી પહોંચ્યો. પટેલ તો બિચારા ભોળા! ઝટપટ એની પાસે ગયા! પછી એને માથેથી ટોપી ઝડપી લઇ સાચેસાચ નીચે ફેંકી દીધી !
પેલો તો આભો જ બની ગયો! બીજા રાહદારીઓ પણ વિચારમાં પડી ગયા. તેઓ પણ ઊભા રહી ગયા.
ટીમુ પંડિત આઘે ઊભા હતા. તમાશો જોઇને મનમાં ને મનમાં ખૂબ મલકાવા લાગ્યા !
પણ એકાએક ભારે નવાઇ જેવો બનાવ બન્યો! એક રાહદારીની નજર પેલી નીચે પડેલી ટોપી પર પડી. જુએ છે તો ટોપી પર નાનકડો વીંછી!
“ઓ બાપ રે !” પેલો બોલી ઊઠ્યો : “ટોપી પર તો વીંછી છે!”
હવે બીજા રાહદારીઓની નજર પણ ટોપી પર ગઇ. એમણેય વીંછી જોયો, ને સૌ ચોંકી ગયા!
એક જણે પેલા ટોપીવાળાભાઇને કહ્યું : “આટલા માટે જ પેલા ભાઇએ આપના માથા ઉપરથી ટોપી ફેંકી દીધી હશે!”
હવે ટોપીવાળાને પણ ભાન થયું. પટેલ પાસે આવીને એણે હાથ જોડ્યા : “આપનો ઉપકાર માનું છું મહાશય! આપે મારી ટોપી ફેંકી ન દીધી હોત, તો વીંછી મને કરડત! ઘેરથી ટોપીમાં વીંછી ભરાઇ ગયો હશે! ડોક પર થઇને ખમીસ (શર્ટ)ની અંદર ઊતર્યો હોત તો! ઓ માડી...રે...!”
પટેલ આ બધુ જોયા કરતા હતા. કોઇકે ટોપીને લાત મારી. વીંછી નીચે ઊતરી ગયો. પછી એણે ટોપી હાથમાં
લીધી, ને ટોપીવાળાભાઇને પાછી આપી. બીજાએ વીંછીને દીવાસળીના ખોખામાં પૂરી લીધો. પછી સૌ વિખેરાયાં. હવે ટીમુ પંડિત બકોર પટેલ પાસે આવ્યા. ખોંખારો
ખાઇને એમણે કહ્યું : “કેમ, પટેલસાહેબ! મારી વાત સાચી ને? તમારા પાસા પોબાર પડ્યા ને!”
પટેલ કહે : “વાત તો સાચી. સાહસ કર્યુ, ને પાર પણ પડી ગયું!”
“એમ ત્યારે,” ટીમુ પંડિતે કહ્યું : “આજનો દિવસ તમારા માટે સોનાનો છે. જ્યાં હાથ નાખશો, ત્યાં પાસા પોબાર છે, રાજા!”
ટીમુ પંડિત હોહોહોહો કરતા હસી પડ્યા. પછી કહેવા લાગ્યા : “ચાલો ત્યારે, એક સુગંધીદાર મસાલાનું પાન થઇ જવા દો, રાજા! પછી હું મારે રસ્તે પડું !”
સામે જ પાનવાળાની દુકાન હતી.
બકોર પટેલ તથા ટીમુ પંડિત પાનવાળાની દુકાને ગયા. પટેલે દુકાનવાળાને કહ્યું : “દો પાન, મીઠા મસાલા, ઇજમીટકા ફૂલ, વલીઆરી, ઇલાયચી ઓર ટીકડીકથ્થા!” “અચ્છા સાબ!” કહી પાનવાળાએ પાન ઉપર કૂટડો ઘસવા માંડ્યો. પછી ટપટપ બધો મસાલો નાખ્યો. છેવટે નાની શીશીમાંથી ગુલાબજળ છાંટ્યું, બાદ પાનના બીડાં વાળીને આપ્યાં.
બન્ને જણે પાન મોંમાં મૂક્યાં. પછી ટીમુ પંડિત કહે : “ઠીક ત્યારે, જયજય! આપ હવે જાઓ. હું ઘેર જાઉં છું. રાત્રે મળીશ, નમસ્તે!”
આમ કહી ટીમુ પંડિત ગયા અને બકોર પટેલ ટ્રેન પકડવા ઊપડ્યા.
બકોર પટેલના પગ જોરમાં હતા. એમના પાસા પોબાર પડ્યા હતા. ટ્રેનમાં બેસીને પેઢી પર આવ્યા. ત્યાં ટપાલ જોઇ.
ટપાલમાં પણ શુભ સમાચાર હતા. મોટો ઓર્ડર મળ્યો હતો. એ પત્ર મોટી પેઢીનો હતો. પટેલને એ વેચાણમાંથી સારી કમાણી થાય એમ હતું.
પટેલ મલકાઇ ગયા. એક-બે વખત તો એમનાથી હસી પડાયું. એમને થયું :“રોજ આવો દિવસ ઊગે તો કોવી મજા! વાહ-વાહ! વજનની ટિકિટે સાચું ભવિષ્ય ભાખ્યું. બધું સાચું પડતું જાય છે!”
પટેલને ખૂબ હરખ થવા લાગ્યો. હરખમાં ને હરખમાં એમને વિચારો આવવા લાગ્યા.
જાતજાતના વિચાર! એકમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો!
પછી પટેલને થયું : “લાવ આજે ચારે તરફ ફતેહ છે. માટે થોડાક શેરની લે-વેચ કરું.”
આમ વિચાર કરી તેમણે દોંગાજી દલાલને ફોન કર્યો ઃ “હલ્લો! કોણ ?દોંગાજી ? કેમ છો? હું બકોર પટેલ, બજાર કેમ છે ? મારે થોડોક વેપાર કરવો છે.”
દોંગાજી કહે : “ઓહોહો શેઠ, કંઇ બહુ દાડે ? બજાર હમણાં ખૂલે છે. જોકે અત્યારે મંદી ચાલે છે!”
“ત્યારે શું કરવું ? તમારી શી સલાહ છે ?”
દોંગાજીએ જવાબ આપ્યો : “એમ કરો, શેઠ ! સોએક ડાયમન્ડ અને સોએક પેરેમાઉન્ટના શેર વેચો. પછી ભાવ ઘટે, ત્યારે ખરીદી લેજો. વચલો નફો મળી જશે.”
બકોર પટેલ બોલ્યા : “તમારી સલાહ હોય તેમ કરું.”
દોંગાજી બોલ્યા : “એવું છે ને શેઠ, કે તમને યોગ્ય લાગે તે ખરું. બાકી આજકાલ શેરના ભાવ ગગડતા જાય છે. ૬૦૫માં વેચો અને બે-ચાર દિવસે ભાવ ગગડીને ૫૦૦ થઇ જાય તો શેર દીઠ ૧૦૫ રૂપિયા તો મળે જ. વધારે નહિ તો પચાસ-પચાસ શેરનું કરો.”
પટેલના મગજમાં સવારમા બધા બનાવ તાજા થયા. એમણે કહ્યું : “દોંગાજી શેઠ, એમ કરો. પચાસ પેરેમાઉન્ટ અને પચાસ ડાયમન્ડ વેચો. પછી મંદી થાય ત્યારે ફોન કરજો. મને જરૂર યાદ દેવડાવજો. બાકી આજે તો મારા પાસા બધી જગ્યાએથી પોબાર પડે છે!”
સોદો થવાથી દોંગાજી આનંદમાં આવી ગયા.
એમણે કહ્યું : “ભલે શેઠ, બન્ને જાતના પચાસ - પચાસ શેરનું વેચાણ કરાવી દઉં છું. ભલે! ભલે! તમારા પાસા પોબાર પડવાના જ!”
આમ કહીને એમણે ફોન મૂક્યો.
પટેલ નવરા પડ્યા. એમના મગજમાં ભાવના પેલા આંકડા રમી રહ્યા હતા. ૬૦૫ના ૫૦૦ થઇ જાય,તો શેર દીઠ ૧૦૫ રૂપિયા મળે. બે જાતના પચાસ પચાસ શેર. એટલે કુલ રૂપિયા ૧૦૫૦૦ થાય! વાહ વાહ! એક જ સોદામાં દસ હજારને પાંચસો!
પટેલે કંઇ-કંઇ વિચાર કરી નાખ્યા. પછી એમનું મન પેઢીના કામમાં ચોટ્યું નહિ. કોઇ સિનેમામાં જઇને બેસવાનો વિચાર કર્યો.
પટેલ બપોરના ખેલમાં ઊપડ્યા. ટિકિટ લઇને થિયેટરમાં ગયા. થોડીવારે ફિલ્મ શરૂ થઇ. પટેલ ફિલ્મ જોવામાં પરોવાયા. એટલે એમના આગલા વિચારો પણ શમી ગયા.
ત્રણ કલાક પછી પટેલ થિયેટરની બહાર આવ્યા. ઓચિંતું શેરબજાર યાદ આવ્યું. શું ભાવ રહ્યા એ પૂછવાની ઇચ્છા થઇ આવી.
તેઓ નજીકના ઉપાહારગૃહ(રેસ્ટોરન્ટ)માં ગયા. ત્યાંથી એમણે ટેલિફોન જોડ્યો : “હલ્લો! દોંગાજી કે ? શેરના શા ભાવ રહ્યા ?”
સામેથી દોંગાજીનો ગભરાટભર્યો અવાજ આવ્યો : “તમે ક્યાં ગયા હતા, શેઠ ? મેં પચીસેક વખત ફોન જોડ્યો!”
“કેમ ? શું થયું ?”
“અરે શું વાત કરું! તેજી!ભયંકર તેજી! બજાર બધા ફાટી ગયા છે! બોનસ શેર આપવાની વાત આવી છે! શેર દીઠ સો સો રૂપિયા વધી ગયા છે, શેઠ!”
“હે...એં...એં...એ... ?” બકોર પટેલનું મોઢું પહોળું થઇ ગયું.
“હાજી! શેરદીઠ દસ-પંદર રૂપિયા વધ્યા કે તરત મેં ટેલિફોન જોડ્યો. પણ કહે કે બહાર ગયા છે. હવે તમારી રજા સિવાય સોદો(વેપાર) રદ પણ કેવી રીતે કરું ?”
“હવે ? હવે તમારી શી સલાહ છે ?”
“હવે તો ભારે તેજી બેસે છે, મારા શેઠ! હજી બજાર વધતું જ જાય છે. મારી તો સલાહ છે કે આટલેથી અટકી જઇએ. પછી જોઇશું.”
પટેલ નરમ ઘેંશ થઇ ગયા. આ ફટકો કંઇ જેવો તેવો ન હતો! એમણે કહ્યું : “ભલે, એમ કરીએ.”
ત્યાંથી પટેલ ઘેર આવ્યા. ટાંટિયામાંથી બધું જોર જતું રહ્યું હતું!
બંગલામાં પેઠા તો ટીમુ પંડિત અગાઉથી આવીને ત્યાં બેઠા હતા. બોલ્યા : “નમસ્તે, પટેલસાહેબ નમસ્તે!”
પટેલ કહે : “શું નમસ્તે! હમ સબ કુછ સમજતે હૈૈં !”
ટીમુ પંડિત કંઇક ઝંખવાણા પડી ગયા. શું થયું એની એમને કંઇ ખબર પડી નહિ.
એટલામાં શકરી પટલાણી આવી પહોંચ્યાં. પટેલને પાણીનો પ્યાલો આપ્યો.
ટીમુ પંડિત કહે : “પણ આમ ગરમ કાં થઇ જાઓ, ભાઇસાબ! શું થયું, તે તો કહો!”
પટેલ ધબ દઇને ખુરશીમાં બેસી ગયા. પછી કહેવા લાગ્યા : “શું કહું ! મારું કપાળ! મેં તો ઠંડે પાણીએ નાહી નાખ્યું!”
આમ કહી પટેલે બધી હકીકત વિગતવાર સમજાવી.
પટલાણી દિલગીર થઇને બોલી ઊઠ્યાં : “મેં તમને નહોતું કહ્યું કે હવે શેરફેરના ઘંઘા કરશો નહિ! છતાં તમે ઝાલ્યા ન રહ્યા!”
પટેલ વીલું મોઢું કરી બોલ્યા : “પણ મેં તને કહ્યું નહિ કે આજે મારા પાસા પોબાર જ પડતા હતા, તેથી! નહિ તો એ શેરબજારને હું સંભારું પણ નહિ!”
આમ કહી પટેલે ટીમુ પંડિત સામે જોયું.
ટીમુ પંડિત ઢીલું મોઢું કરીને બોલ્યા : “પણ મને ભારે લાભ થઇ ગયો, તે જાણો છો પટેલસાહેબ!”
“કેમ ? શું થયું ?”
ટીમુ પંડિતે જમણો પગ ઊંચો કરીને બતાવ્યો, ઢીંચણ સુધી પાટા વીંટેલા હતા!
“આ શું થયું ?” પટેલે પૂછ્યું.
“મોટરસાઇકલ (બાઇક) સાથે ટકરાઇ ગયો!”
કહેતાં પંડિત ઊભા થયા અને દીવાનખાનામાં લંગડખાંની પેઠે ચાલતા ચાલતા બોલ્યા : “અને જુઓ આ અમારી મહાદશા ! બની ગયા તૈમુરલંગ બીજા!”
ટીમુ પંડિતે બરાબર લંગડા જેવો અભિનય કર્યો અને ત્રણે જણ ખડખડાટ હસી પડ્યાં!
કન્યાદાન !
એક સાંજે બકોર પટેલ આનંદથી હસું-હસું થતા ઘેર આવ્યા. શકરી પટલાણીએ એમના મોં સામે જોઇને તરત કહ્યું : “કેમ આજે કાંઇ બહુ ખુશમિજાજમાં છો! માનો ન માનો, પણ કંઇ શુભ સમાચાર છે ખરા !”
“કેમ ? શા ઉપરથી કહે છે ?” પટેલે પૂછ્યું.
“એ તો તમારું મોઢું જ કહી આપે છે! તમારું મોં લાપશી ખાતું હોય તેવું જણાય છે!”
બકોર પટેલ ફુઉઉઉઉઉ દઇને હસી પડ્યા. તેઓ બોલ્યા : “તારું અનુમાન તદ્દન સાચું છે. એ વાત પર અત્યારે લાપશી બવાની દે! શુકનમાં લાપશી જ બરાબર કહેવાય!”
“ભલે, અત્યારે લાપશી જ બનાવીશ, પણ શું બન્યું છે એ તો કહો.”
પટેલ : “કહું ત્યારે, સાંભળ. વાત જાણે એમ છે... કે હું આજે પઢી ઉપર ગયો ત્યારે અહીંથી જાણે કે લોકલમાં બેઠો. ત્યાંથી ઉતરીને પેઢીએ પહોંચ્યો. આપણું કામ તું જાણે છે ને! અહીં ઘેરથી પાન ખાઇને નીકળું, છતાં આપણે બંદા ત્યાં ફરીથી પાન ખાવાના જ! એ વિના કામકાજ શરૂ જ ન થાય! એટલે મેં તો નોકરને પાન લેવા મોકલ્યો. ત્યાંનું પાન કેવું હોય છે, તને ખબર છે ? એ ફસ્ટક્લાસ બનારસી, બોરલી સોપારીનો ચૂરો, જીનતાનની સુગંધીદાર ગોળી, કાગદી એલચી...”
પટેલની વાત આગળ ચાલવા માંડી, પણ શકરી પટલાણી ઊંચાનીચાં થઇ ગયા. એમની ધીરજ ખૂટી પડી. તેઓ બોલ્યા : “અરે! પણ મુદ્દાની વાત કરો ને! શું થયું એ જણાવો. આ બધી વાતની શી જરૂર છે ? જે કહેવાનું હતું તે તો આવ્યું નહિ!”
પટેલે જવાબ આપ્યો : “તું સાંભળ તો ખરી. એ વાત હવે આવે છે. પૂરી વાત તને માંડીને કહું ને!”
“ના, ના! મારે માંડીને વાત સાંભળવી નથી. મુદ્દાનું કહેવાનું છે, તે પહેલાં કહો.”
“ઠીક ત્યારે. પહેલા એ કહી નાખું. વિગત પછી કહીશ. પેઢીમાં એકસાથે બે સમાચાર આનંદના મળ્યા. પરદેશથી માલ આયાત કરવા માટે સરકારી લાઇસન્સ માટે આપણે અરજી કરી હતી. ભલભલાને આવું લાઇસન્સ મળતું નથી. આપણા નસીબે આપણને લાઇસન્સ મળી ગયું.”
“તેથી શો લાભ થાય ?”
“અરે, હવે પૈસા જ પૈસા એમ સમજ ને!”
“સારું! પછી બીજા ક્યા શુભ સમાચાર છે ?”
“બીજા સમાચાર તને કહૂં. લૂણેજમાં તેલ નીકળ્યું, તે સમાચાર તો તે વાંચેલાને ?”
“જુઓ પાછા! તમારી ગાડી આડે પાટે ચડી ગઇ ! મુદ્દાની વાત કરતા નથી ને લૂણેજના તેલની મોંકાણ માંડો છો!”
“પૂરેપૂરું સાંભળ તો ખરી તું! ત્યાં પેટ્રોલ મળી આવ્યું, એ તો ખબર છે ને ?”
“હા.”
“આપણું ગામ તારાપુર પણ ખંભાતની નજીક આવ્યું, એ તો તને ખબર છે જ ને ?”
“હા. પણ આવી બધી આડીતેડી વાત શાને કરો છો! મૂળ વાત પર ઝટ આવો ને !”
“તારાપુરમાં આપણું ખેતર છે. એ ખેતર તેલપટ્ટીના વિસ્તારમાં આવી જાય છે! આપણા ખેતરમાંથી પણ પેટ્રોલ નીકળે, તો પછી પૈસા જ પૈસા સમજો ને !”
આ સાંભળી શકરી પટલાણી પણ ભારે આનંદમાં આવી ગયાં.
એ રાત્રે એમણે શુકનમાં લાપશી બનાવી.
બન્ને જણ આનંદથી જમ્યાં.
મોડેથી દીવાનખંડમાં તેઓ વાતોએ ચડ્યાં, એ વખતે શકરી પટલાણીએ વાત ઉપાડી.
“ભગવાને આપણા પર મહેર કરી છે. આપણને ઠીક - ઠીક પૈસા મળવા માંડ્યા છે. એટલે મને એક વિચાર આવ્યો છે.”
“શાનો?”
“તારાપુરમાં પેલા જીવા પટેલ છે, એમની મને બહુ દયા આવે છે. બિચારાને દીકરી પરણાવવી છે, પણ પૈસા નથી. મારી ઇચ્છા છે કે આપણે એમને મદદ કરીએ.”
“તારો વિચાર તો સારો છે. એવી મદદ કરીએ, તો કંઇ ખોટું નહિ. કન્યાદાનનું પુણ્ય મળે.”
“તો પછી એમ કરીએ. એમને લખી દઇએ કે કન્યાદાન દેવા અમે જ બેસીશું. લગ્નનો તમામ ખર્ચ પણ ઉપાડી લઇશું. બરાબર?”
“હા બરાબર છે. આપણે જાતે ત્યાં જઇશું. કન્યાદાનનું પુણ્ય પણ મળશે.”
“વળી, ગરીબના આશિષ મળશે. તમે એમને કાગળ લખી દો.”
પટેલે જવાબ આપ્યો : “હા, અત્યારે આપણા પાસા સીધા પડ્યા છે. માટે વહેલામાં વહેલી તકે શુભ કામ કરી નાખવું જોઇએ. લાવ મારી બોલપેન! એક કાગળ જીવા પટેલને લખી નાખું. બીજો લખી દઉં માધા પટેલને.”
“માધા પટેલને શું લખવાનું છે?” શકરી પટલાણીએ પૂછ્યું.
“આપણા ખેતર વિશે શી હકીકત છે, તેની તપાસ કરે. એ જરા હોંશીલા છે, મુખી કે પટેલની પાસે પહોંચી જાય તેવા છે, એટલે સાચી માહિતી લાવ્યા વિના રહે નહિ.”
શકરી પટલાણી ઊભાં થયાં. એમણે કાગળ તથા બોલપેન આપ્યાં.
બકોર પટેલે બે કાગળ લખી નાખ્યા. પછી પરબીડિયાં પર સરનામા લખી નાખ્યાં.
પણ કાગળ બીડવામાં થઇ ગઇ ભારે ગફલત !
જીવા પટેલનો કાગળ માધા પટેલના પરબીડિયામાં બિડાઇ ગયો! ને માધા પટેલનો કાગળ જીવા પટેલના પરબીડિયામાં!
બન્ને પરબીડિયા પર પટેલે ટિકિટો પણ ચોડી દીધી.
બીજી સવારે ખુશાલબહેન પાસે પરબીડિયાં ટપાલમાં પણ નખાવી દીધા!
હવે શી ગમ્મત થઇ તે જોઇએ.
બકોર પટેલે બે કાગળ લખ્યા. કાગળમાં ‘ભાઇશ્રી’ જ લખેલું. ફલાણાભાઇ કે એવું તેવું કંઇ નામ લખેલું નહિ!
એટલે જીવા પટેલ પરનો કાગળ માધા પટેલને પહોંચ્યો! માધા પટેલે એ પરબીડિયું ફોડ્યું અને કાગળ વાંચીને અચંબામાં પડી ગયા.
ભાઇશ્રી,
તમે સૌ ખુશી-આનંદમાં હશો. ઘણા વખતથી તમને કાગળ લખવાનો વિચાર કરતો હતો. છેવટે આજે ઠેકાણું પડ્યું. બીજું, પત્રની વિગત જાણીને તમને ખૂબ આનંદ થશે એમ હું માનું છું. તમારે દીકરી છે. પૈસાની મૂંઝવણને લીધે તેનાં લગ્ન કરી શકતાં નથી. આ હકીકત તમે મને પણ કહેલી, તેથી સ્પષ્ટ લખવામાં કંઇ ખોટું હોય, એમ લાગતું નથી. આ બાબતમાં ઘણા સમયથી અમે વિચાર કર્યા કરતાં હતાં. આખરે લાગ્યું કે બધો ખર્ચ અમારે જ ઉપાડી લેવો. કન્યાદાન આપવા માટેય અમારે બેસવું. એ રીતે કન્યાદાનનું પુણ્ય મેળવવું.
માટે તમને લખવાનું કે હવે કોઇ વાતે મૂંઝાશો નહિ. લગ્નની તૈયારીઓ કરી નાખો. જે વસ્તુઓ લાવવી પડે, એ મારા નામે લઇ આવશો. શેઠ ગરબડચંદ ગોટલાવાળાની દુકાનેથી બધું લાવજો. આ કાગળ એમને બતાવજો. એટલે તમને જે જોઇએ તે બધું આપશે. એમની દુકાને બધું જ મળે છે. છતાં બીજેથી કોઇ વસ્તુ લાવવી પડે, તોય લાવજો. એ માટે મારે ખાતે લખાવીને કોઇની પણ દુકાનેથી મારે નામે જોઇએ એટલો ઉપાડ કરજો.
હવે ઝપાટાબંધ લગ્નની તૈયારી કરી નાખો. પોષ સુદ છઠનું મુહૂર્ત ઘણું સારું છે. ૯૯ ટકા તો એ દિવસ જ રાખજો, એ પહેલાં તો અમે ત્યાં આવી જઇશું.
લિ.સ્નેહાધીન
બકોર પટેલ
કાગળ વાંચીને માધા પટેલ આભા જ બની ગયા! એમને પણ પરણાવવા જેવડી દીકરી હતી! પૈસાની મૂંઝવણ પણ હતી !
એમણે આકાશ સામે જોઇને ભગવાનનો ઉપકાર માન્યો. એમને થયું કે સંકટ વખતે ભગવાન બેસી રહેતો નથી! એ દુખિયાનો બેલી છે.
હવે જીવા પટેલને જે કાગળ મળ્યો તે જોઇએ :
ભાઇશ્રી,
તમે સૌ મજામાં હશો. બીજું તમને ખાસ તસ્દી આપવાની છે. તમારા વિના આ બાબત બીજા કોને લખવી? તમે જ મને સાચી હકીકત જણાવી શકો તેમ છો.
એવા સમાચાર મળ્યા છે કે લૂણેજની તેલપટ્ટી આપણા તારાપુર સુધી જાય છે. કદાચ આપણાં ખેતરોની અંદર તેનો વિસ્તાર પહોંચી ગયો હોય.
મારા ખેતરોથી તો તમે બરાબર માહિતગાર છો. તો ખાસ ક્યા ખેતર તરફ એ વિસ્તાર આવે તેવો સંભવ છે, એની ચોક્કસ તપાસ કરશો. જે કંઇ ખબર મળતી રહે, એ મને જણાવતા રહેશો.
આપણા તારાપુરમાંથી તેલ નીકળે, તો આપણાં બધાંનાં નસીબ ફરી જાય. જરૂર ખબર રાખતા રહેજો અને
મને લખવા જેવું લાગે, ત્યારે તરત જણાવશો. બીજી નવાજૂની પણ લખશો.
લિ.સ્નેહાધીન
બકોર પટેલ
જીવા પટેલે કાગળ વાંચ્યો. તેલપટ્ટીની વાતો બહુ આવતી હતી, પણ ક્યાં ક્યાં ખેતરો તેમાં સમાઇ જાય છે તે કળવું મુશ્કેલ હતું. છતાં હવે ખાસ તપાસ કરવાનું તેમણે નક્કી કર્યું. બકોર પટેલના ખેતર ઘણાં હતાં- કોઇક ખેતર તેલપટ્ટીના વિસ્તારમાં આવતું હોવાનો પૂરેપૂરો સંભવ. તેથી કાળજીપૂર્વત તપાસ કરવાનો જીવા પટેલે નિશ્ચય કર્યો.
આમ, ભારે ગોટાળો થઇ ગયો. મદદ જીવા પટેલને કરવાની હતી. કન્યા પરણાવવાનો ખર્ચ તેમના વતી ઉપાડી લેવાનો હતો. પણ એ કાગળ મળ્યો માધા પટેલને, અને માધા પટેલ ખૂબ હરખાઇ ગયા!
માધા પટેલે કાગળ ગજવામાં નાખ્યો. પછી ઉપડ્યો શેઠ ગરબડભાઇ ગોટલાવાળાની દુકાને! ત્યાં જઇને એમના હાથમાં ફોડેલું પરબીડિયું આપ્યું.
ગરબડચંદે પરબીડિયામાંથી કાગળ કાઢ્યો. વાંચી જોયો.
કાગળ વાંચીને ગરબડચંદ કહેવા લાગ્યા : “માધાભાઇ, આપણા બકોર પટેલ તે બસ બકોર પટેલ! કહેવું પડે! ભગવાને એમને સારા પૈસા આપ્યા છે. પણ એ પૈસાનો સદુપયોગ પણ તેઓ બરાબર કરી જાણે છે. કેમ બોલ્યા નહિ?”
“તદ્દન સાચી વાત છે. આ જીવતો-જાગતો દાખલોે જ જુઓ ને! વળી, દરેક જણની વાત કેટલી બધી યાદ રાખી શકે છે! આપણે જાણીએ કે એ વેપારધંધામાં પડ્યા, બધું ભૂલી જાય, પણ ના ! મારી દીકરી મોટી થઇ. એને પરણાવવાની ચિંતામાં હું અડધોે થઇ ગયો હતો. મૂંઝવણ ભારે હતી. પણ તેય તેઓની ધ્યાનબહાર ન રહ્યું!”
ગરબડભાઇ કહે : “એનું નામ તે લાગણી! વળી, પટેલ પોતે અને શકરી પટલાણી કન્યાદાન દેવા બેસશે, વાહવાહ!”
“હું તો બધાંયને કહેવાનો જ છું કે તમામ ખર્ચ બકોર પટેલે ઉપાડી લીધો છે.”
“તો ભલે માધા પટેલ, જે-જે વસ્તુ જોઈએ તેની યાદી આપી જજો. ચંચળ પટલાણીને પૂછી જોજો ગબા ગોરને પણ પૂછી જોજો, પછી યાદી પૂરેપૂરી બનાવીને આપજો. સોપારીથી માંડી શ્રીફળ સુધી બધું આપણે ત્યાં મળે છે. બાજઠે મૂકવા કાપડનાં લાલ કપડાં પણ છે. માટે આખી યાદી મને જ આપજો. કોઈ ચીજવસ્તુ નહી હોય તો મંગાવી આપીશ. પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા રોકજા પણ જોઈએ, ત્યારે લઈ જજો.”
‘ઠીક ત્યારે, રજા લઉં છું.’ કહી માધા પટેલ ઉઠ્યા. એમના હૈયામાં આનંદ માતો ન હતો !
માધા પટેલે ગોરને ત્યાં સંદેશો કહેવડાવી દીધો. દીવાબત્તી થયાં, એટલે ગબા ગોરનો ઘાંટો (મોટો અવાજ, બૂમ) ફળિયામાં ગરજી ઉઠ્યો.
ગબા ગોરને ટેવ એવી કે ફળિયામાં જે કોઈ મળે એની સાથે વાતો કરે. મોટા-મોટા ઘાંટા પાડીને બોલે. આખા ફળિયામાં ખબર પડી જાય કે ગોર પધાર્યા છે! એમનું ‘લાઉડ-સ્પીકર’ છાનું રહે જ નહિ!
ચંચળ પટલાણીએ તરત માધા પટેલને કહ્યું : “ગબા ગોર આવ્યા લાગે છે!”
માધા પટેલ રહે : “ભલે, આવવા દો. આપણે તૈયાર જ છીએ. એ આવે એટલે આપણે યાદી કરી નાખીએ. તેં પાન તો તૈયાર રાખ્યાં છે ને ? આપણા મહારાજ પાન બહુ ચાવી જવાના!”
“બધું તૈયાર છે. એમને આવવા દો. લ્યો, આ આવી પહોંચ્યા. ગોરમહારાજની સો વરસની આવરદા છે!”
ગબા ગોર દાખલ થતાં જ બોલ્યા : “કોની વાત કરો છે ? મારી ને ? ફક્ત સો વરસ ? ઊંહું, પટલાણી! આપણે તો સવાસો વરસ જીવવું છે, હા, સ-ને કંઈ નહિ સ. વ-ને કાનો વા, સ-ને કાનોમાતર સો! સવાસો! હા રાજ્જા! પૂરા સવાસો વરસ જીવવું છે ! હવે કહો, કેમ ચાલે છે ?”
“આવો ; બિરાજો ગોરમહારાજ!”
“તમારો સંદેશો મળ્યો હતો. ચાલો, બહુ રૂડું થયું. ગામમાં વાત ફેલાઈ ગઈ છે. બકોર પટેલને બધાં ધન્યવાદ આપે છે. નરસિંહ મહેતાની હૂંડી ભગવાને સ્વીકારી ખરી!”
“એ તો એવું છે ને, ગબાભાઈ, કે જેનો કોઈ નથી તેનો પરમેશ્વર છે!”
ગબા ગોરના મોંમાં પાન હતું. એ વાગોળતાં- વાગોળતાં તેઓ આમતેમ જોવા લાગ્યા.
“પાનબાન છે કે નહિ, માધા પટેલ?”
“અરે, તમારે માટે તૈયાર રાખ્યા છે ને! તમારી ટેવ જાણું ને! ઘરમાં પાન નહોય તો ગમે ત્યાંથી મગાવી રાખું”
“ભાઈસા’બ, આપણે પાન તો ખાસ જોઈએ. પાન મળ્યાં એટલે બધું મળી ગયું. લાવો ત્યારે. હું પાન ચોપડું છું અને તમે જરા યાદી બનાવવા માંડો. યાદી બનાવવી છે ને ?”
“હા, હા તેથી તો તમને બોલાવ્યા છે.”
ગબા ગોરે પાનનું ડીંટું કાપીને આઘું મૂક્યું. પાનની નસ ઉતારી નાખી. પછી ચૂનો ચોપડતાં-ચોપડતાં લખાવવા માંડ્યું. “લખો જાણે કે નાડાછડીનું એક પિલ્લું, અબીલ- ગુલાલ અને કંકુ કિલો કિલો. પછી પુગીફળ લખો પાંચ કિલો.”
“પુગીફળ ?”
“હા, હા તમેતમારે લખો ને!”
“એ પુગીફળ શું છે વળી ?”
“અરે તમારી ભલી થાય, માધાભાઈ ! એટલું સમજતા નથી ? પુગીફળ એટલે સોપારી”
“એમ કે ? તમારી બામણિયા ભાષામાં અમને શી ખબર પડે ? પણ સોપારી એટલી બધી ? પાંચ કિલો પાં...ચ કિ...લો... ?”
માધાપટેલનું મોઢું અને આંખો પહોળાં થઈ ગયાં!
ગબા ગોરે આંખો ઝીણી કરીને જવાબ આપ્યો : “તમેય શું માધા પટેલ! ભોજરાજા દાન કરે અને ખજાનચીનો જીવ બળે, અવું તમે તો કરો છો! ખરચનાર બકોર પટેલ છે. પછી ચિંતા તમે શાને કરો છા ે?”
માધા પટેલે ગંભીર મોં કરીને જવાબ આપ્યો : “ખરી વાત, પણ તેથી કંઈ ગમે તેમ ખરચાય ? વળી, તમે મગાવેલી ચીજો માટે પણ ઝીણવટથી ચકાસણી થવાની છે. એ ચકાસણી માટે ખાસ એક પંડિત આવવાના છે!”
“કોણ ?”
“ટીમુ પંડિત. એ પણ ગોરપદું કરે છે... મુંબઈમાં એમણે ઘણાં લગ્નો કરાવ્યાં છે. બકોર પટેલ એમને પણ તેડી લાવવાના છે. પછી ટીમુ પંડિત યાદી જોવા-તપાસવા બેસશે ત્યારે ? ત્યારે આપણી શી દશા થશે!એ તો ભારે ચીકણા છે. તમે જાણતા નથી!”
માધા પટેલે ટીમુ પંડિતનું નામ અધ્ધર જ દીધું હતું. પણ એ નામ સાંભળતાં જ ગબા ગોર નરમઘેંશ થઈ ગયા! એમને લાગ્યું કે ટીમુ પંડિત તો બકોર પટેલની જ તરફેણ કરે! ખોટી વસ્તુ તરત પકડી પાડે ! પછી શો જવાબ અપાય?
ગબા ગોરે ફેરવી તોળ્યું. તેઓ બોલ્યા : “એમ કરો હાલ તુરત તો ૫૦૦ ગ્રામ કાચી સોપારી લખો. પછી જરૂર હશે તેમ મગાવી લવાશે.”
“ઠીક, એમ કરીએ. હવે આગળ બોલો,”
“આગળ લખો. અક્ષત તો ઘરમાં છે ને ?”
“અક્ષત?”
“હા, હા. કેમ વળી!”
“પાછું તમે બામણિયા ભાષામાં બોલ્યા! આપણી ગુજરાતી ભાષામાં વાત કરો, ભાઈસા’બ!”
“અરે ભગવાન! લગન વિવાહ વખતે ‘અક્ષતમ્ સમરપયામિ’ કહેવડાવીને ચોખા મુકાવું છું, તે ભૂલી ગયા ? અક્ષત એટલે ચોખા!”
“ઠીક, ભાઈ ઠીક. એ તો ઘરમાં છે જ.”
આમ લમણાંફોડ કરતાં-કરતાં ગબા ગોરે યાદી આગળ ચલાવી. ત્યાં સુધી છ-સાત પાનનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો! છેવટે ગોર મહારાજે પૂજાપાની (પૂજાની સામગ્રીની) યાદી પૂરી કરી.
પછી ગામ આખાની નવાજૂની કહીને ગોર ઊઠ્યા.
ગોરના ગયા પછી ચંચળ પટલાણીએ પોતાની યાદી કરાવી. માધા પટેલે પોતાના તરફથી પણ ઉમેરો કર્યો. આમ, લગન (લગ્ન)માં લાવવા માટેની ચીજોની યાદી તૈયાર થઈ ગઈ. બીજે દિવસે માધા પટેલ ગરબડશેઠની દુકાને એ યાદીઓ આપી આવ્યા. શેઠે બધી વસ્તુઓ માધા પટેલને ત્યાં પહોંચતી કરી.
પછી માધા પટેલ માંડવો બાંધનારને કહી આવ્યા; રસોઈયાનું નક્કી કર્યું ; માળીને પણ ખબર આપી દીધી. આમ, લગ્નની તડામાર તૈયારીઓ થવા લાગી.
હવે મુંબઈમાં શું થયું તે જોઈએ.
બકોર પટેલ બંગલામાં બેઠા હતા, એ વખતે ટપાલીએ (પોસ્ટમૅને) બૂમ પાડી. ખુશાલબહેન જઈને ટપાલ લઈ આવ્યાં.
ટપાલનો અવાજ સાંભળી શકરી પટલાણી દીવાનખાનામાં આવ્યાં. ખુશાલબહેનના હાથમાં ટપાલ જોઈને એમણે આઘેથી અનુમાન કર્યું : “કોઈની કંકોત્રી આવી લાગે છે!”
પટેલે કંકોત્રી ખોલી. પછી મોં મલકાવીને બોલ્યા : “આ તો માધા પટેલની કંકોત્રી છે. આખરે એમણે દીકરીનાં લગન લીધા ખરાં!”
“એમ? ક્યારનાં છે ?”
કંકોત્રી વાંચીને બકોર પટેલ બોલ્યા :
“પોષ સુદ છઠ! અરે, આ તો આપણે જીવા પટેલને મૂરત લખી જણાવેલું તે જ દિવસ! બન્ને જણે એક જ દિવસે લગન લીધાં કે શું ?”
“પણ જીવા પટેલનો કાગળ જ ક્યાં છે ? આપણે હવે તારાપુર ક્યારે જવું છે ?”
“આજે જીવા પટેલને કાગળ લખી દઈશ. પછી ત્યાં જવાની તૈયારી કરીએ. આપણું મકાન બંધ અને અવાવરું છે. જીવા પટેલને ત્યાં જ ઊતરીશું. એમણેય લગ્નની તૈયારી કરી હશે ને ?”
આમ, પટેલે તારાપુર જવાનું નક્કી કરી લીધું. જીવા પટેલ પર કાગળ પણ લખી નાખ્યો. પછી ગામ જવાની તૈયારીઓ કરવા માંડી.
આ બાજુ જીવા પટેલને કાગણ પળ્યો. બકોર પટેલ સીધા એમને ઘેર જ આવવાના હતા, તેથી એમણે મેડો સાફ કરાવ્યો. ગાદીતકીયાં પથરાવી દીધાં. પાણીનાં બેડાં ભરાવી લીધાં.
બકોર ુપટેલ અને શકરી પટલાણી આવવાનાં હતાં, તે દિવસે પટેલને લેવા સ્ટેશને જવા જીવા પટેલ તૈયાર થઈ ગયા. મનમાં નક્કી કર્યું કે, બકોર પટેલ પર બહુ જ ખોટું લાગ્યું હોય તેવો દેખાવ કરવો. એ જાણે છે કે મારે પૈસાની ખરેખરી ભીડ છે, તેથી તો દીકરીને પરણાવી શરતો નથી. અને મદદ એમણે માધા પટેલને કરી! મારી સાથેનો સંબંધ તો લક્ષમાં લીધો નહિ!
જીવા પટેલ સ્ટેશન પર સામા ગયા. ગાડી આવી પહોંચી. બકોર પટેલ તથા શકરી પટલાણી ડબ્બામાંથી ઉતર્યાં.
જીવા પટેલે આવકાર સાવ ઠંડો આપ્યો. ખરો તાલ કરવા માંડ્યો. ખપ જેટલું જ બોલે! પૂછે એનો જવાબ આપે! બાકી તદ્દન મૌન. સાવ મૂંગા!
ગાડીમાં બેસીને બધાં ઘેર આવ્યા. પણ ગાડીમાંય જીવા પટેલ ઝાઝું બોલ્યા નહીં !
બકોર પટેલ વિચાર કરે કે આમ કેમ હશે ? કંઈ સમજ પડી નહિ.
પરંતુ મુકામે આવ્યા, તો બકોર પટેલે લગનની કશી તૈયારીઓ ન દીઠી! અચંબો થયો.
કપડાં કાઢીને ગાદી પર બેઠા. પછી કહેવા લાગ્યા : “જીવા પટેલ! માધા પટેલને ત્યાં દીકરીનાં લગ્ન છે. ખરુ ં?”
“હોય જ ને!”
“ત્યારે તમે તૈયારી કેમ નથી કરી ? હજી સુધી બધું ઠંડુ કેમ છે ?”
“શું કરીએ ? પૈસાની સગવડ જોઈએ ને ?”
બકોર પટેલ આ સાંભળીને ચમકી ગયા. શકરી પટલાણીને પણ આશ્ચર્ય થયું.
પટેલે પૂછ્યું : “મારો કાગળ નહોતો મળ્યો ?”
“હા, મળ્યો હતો. તમે જણાવ્યા મુજબ ખેતરોની તપાસ મેં કરી છે.”
“ખેતરોની? ક્યાં ખેતરોની ?”
“તમારાં ખેતરોની વળી!”
“પણ મેં ક્યાં તમને એવું લખ્યું હતું ?” પટેલનું આશ્ચર્ય વધતું જતું હતું.
“હોય ! તમે જે કહો તે ખરું. અમારા જેવા ગરીબનો વિચાર તમને ક્યાંથી આવે ? તમને તો માધા પટેલ સાંભરે ! એની દીકરીનો ખર્ચ તમે ઉપાડી લેવા તમે તૈયાર! એની દીકરીને તમે પરણાવી આપો! આ જીવો પટેલ કંઈ કામનો છે ? એની દીકરી પરણે તોય શું અને ન પરણે તોય શું ? આપણે તો જોઈ લીધું ! આ દુનિયામાં કોઈ કોઈનું નથી. સૌ સ્વાર્થનાં સગાં છે! સમય આવ્યે સૌની બરાબર ઓળખાણ પડે છે કે કોણ કેવું છે !”
જીવા પટેલ તો ખૂબ ઉકળી ગયા. એમણે મનમાંનો ઊભરો જોશભેર ઠાલવવા માંડ્યો!
પણ આ ગરબડગોટો શો છે, એની બકોર પટેલને સમજ પડી નહિ. પટલાણી પણ ગૂંચવાયાં.
બકોર પટેલે પૂછ્યું : “તમે આ શું કહો છો ? મને કંઈ સમજ પડતી નથી. માધા પટેલની વાત શી અને એની દીકરી પરણાવી આપવાની વાત કેવી ?”
“હં...મ...મ...મ...!” જીવા પટેલ ડોકુ ગોળગોળ ફેરવીને બોલ્યા : “તમે તો છેક (તદ્દન) અજાણ્યા જ થઈ જાઓ ને ! વાત તમારે છાની રાખવી હશે ! પણ આખું તારાપુર જાણે છે કે માધિયાની દીકરીનાં લગનનો ખરચ તમે આપવાના છો ! વાત કંઈ છાની રહે ? ગરબડચંદ ગોટલાવાળાની દુકાનેથી એ સીધુંસામાન લઈ આવ્યો. તમારે નામે લખાવ્યું બધાંય એ જાણે છે. કંઈ છાનું રહ્યું નથી. નકામા ઢોંગસોંગ ન કરો.”
ગરબડચંદ નામ સાંભળી પટેલને કંઈક ખ્યાલ આવવા માંડ્યો. શકરી પટલાણીને પણ હવે પાકો વહેમ પડ્યો.
તેઓ વચ્ચે બોલ્યાં : “જીવા પટેલ, માનો ન માનો, પણ કંઈક ગોટાળો થયો છે! અમે તો તમારા પર કાગળ લખેલો. તેમાં ખાસ લખેલું કે તમારી દીકરીનાં લગનના
ખર્ચ માટે કશી ફિકર કરશો નહિ. બધો ખર્ચ અમે ઉપાડી લઈશું.”
“આ તે કેવી વાત તમે કરો છો! ઊભા રહો. તમારો કાગળ જ તમને બતાવું. તમે તો મને ખેતરોની તપાસ કરવા લખેલું. લૂણેજમાં તેલ નીકળ્યું છે. તેની તેલપટ્ટી ક્યાં સુધી લંબાય છે, એમાં આપણાં ખેતરો આવી જાય છે કે નહિ વગેરે બાબતની તપાસ કરવા જણાવેલું છે.”
આમ કહેતાં જીવા પટેલ ઊભા થયા. ભીંતમાં કબાટ હતું. એ ઉઘાડી એમણે પરબીડિયું કાઢ્યું.
પરબીડિયું હાથમાં લઈને જીવા પટેલ ઘડી વાર જોઈ રહ્યા. સરનામું વાંચી જોયું. સરનામું બરાબર હતું. પછી કાગળ બહાર કાઢીને વાંચવા માંડ્યો. રખે ને બકોર પટેલે બીજું કંઈ લખ્યું હોય ને વાંચવામાં ભૂલ થઈ હોય !
જીવા પટેલે આખો કાગળ વાંચી જોયો. પાછળ ફેરવી જોયો. ખૂણેખૂણા તપાસી જોયા. ખાતરી થી કે પોતાની કશી ભૂલ થઈ નથી.
એમણે કાગળ પરબીડિયામાં પાછો નાખી દીધો. પછી બકોર પટેલના હાથમાં આપ્યો.“લ્યો, જુઓ તમારો કાગળ! તમે પોતે જ વાંચી જુઓ કે આપે શું લખ્યું છે!”
બકોર પટેલે પરબીડિયામાંથી કાગળ પાછોે કાઢ્યો. થોડોક ભાગ વાંચતાં જ એ ચમક્યા !
“અરે ! આ કાગળ તમારા પર ક્યાંથી ? આ તો મેં માધા પટેલ પર લખેલો !” પરિણામ કેવું આવ્યું ! ભલે હવે, માધા પટેલની દીકરી પરણે તોય મને વાંધો નથી. એને પણ મારી દીકરી જ ગણીશ ! એનો ખર્ચ ઉપાડી લેજો, એટલે બસ!”
બકોર પટેલ પણ પોતાની ભૂલ પર હસવા લાગ્યા.
કેવી ગંભીર ગફ્લત થઈ ગઈ !
બકોર પટેલના મોં પરના શકરી પટલાણીને પણ ખૂબ નવાઈ લાગી ! એમણે પણ કાગળ હાથમાં લઈને જોયો. થોડી વાર સુધી એ પણ વિચારમાં પડી ગયાં !
પછી પરબીડિયા પરનું સરનામું તપાસી જોયું ને એકદમ બોલી ઊઠ્યો : હં, હં, સમજાયું હવે ! ગોટાળો તો ભારે થઈ ગયો છે ! જીવા પટેલ, તમારા પરનો કાગળ માધા પટેલને ગયો, ને આ કાગળ એમના પર મોકલવાનો હતો, એ ભૂલથી તમારા સરનામાવાળા પરબીડિયામાં મુકાઈ ગયો !
ગોટાળાની સમજ તો પડી ગઈ, પણ પછી થોડીવાર સૌ વિચારમાં પડી ગયાં. જીવા પટેલ ગોટાળો સમજી ગયા, એટલે બકોર પટેલ પરનો એમનો ગુસ્સો ઉતરી ગયો. એમણે બકોર પટેલના બે હાથ પકડી લાધાં. પછી મોટેથી હસી પડ્યા અને કહેવા લાગ્યા : “બકોરભાઈ ! તમે તો ભારે કરી નાખી ! કાગળ હેરફેર થઈ ગયા, તો તેનું પરિણામ કેવું આવ્યું ! ભલે હવે, માધા પટેલની દીકરી પરણે તોય મને વાંધો નથી. એને પણ મારી દીકરી જ ગણીશ ! એનો ખર્ચ ઉપાડી લેજો, એટલે બસ!”
બકોર પટેલ પણ પોતાની ભૂલ પર હસવા લાગ્યા.
કેવી ગંભીર ગફ્લત થઈ ગઈ !
બકોર પટેલના મોં પરના ભાવ શકરી પટલાણી જોવા લાગ્યાં. પછી એમણે ધીમેથી કહ્યું ઃ કંઈ વાંધો નહિ. થઈ ગયું તે થઈ ગયું. પણ એમ કરો. જીવા પટેલની દીકરીનાં લગન પણ થવાં જોઈએ. એમનો ખર્ચ પણ આપણે જ આપવાનો. એનું કન્યાદાન પણ આપણે જ દઈશું !
બકોર પટેલ બોલ્યા : “ભલે, એમ રાખીએ ! જીવાભાઈ, તમે પણ ઝડપથી જ લગનની તૈયારીઓ કરો. જે જોઈએ તે લાવી દો. હું અહીં જ છું. કોઈ પણ વાતે મૂંઝાશો નહિ. વળી, માધા પટેલની દીકરી પણ ભલે સારી રીતે પરણે. એમને પણ મદદની જરૂર છે. ભગવાને ઘણું આપ્યું છે. પૈસાનો સદુપયોગ થશે.”
આમ, વાતો ચાલતી હતી, એ વખતે માધા પટેલ આવી પહોંચ્યા.
“ઓહોહો! બકોરભાઈ! આપ આવ્યા, ને મારા પર તો કંઈ કાગળપત્તર જ નહિ! આપણે ત્યાં જ પધારવું હતું ને! મને તો હમણાં જ ખબર પડી!”
પટેલે અમને હેતથી આવકાર આપ્યો : “આવો, માધાભાઈ, કેમ, બધું તૈયાર છે ને?”
“હા, હા, હા! બધું જ તૈયાર છે. આપની મહેરબાનીથી બધું ઊભું થઈ શક્યું.”
આમ કહી માધાભાઈએ તમામ વિગત કહી સંભળાવી. યાદી વિશે જણાવ્યું. જમણવારની હકીકત કહી. અડધો કલાક બીજી-ત્રીજી વાતો પણ કરી. પછી ઘેર આવવાનું આમંત્રણ આપી માધા પટેલ ઊઠ્યા.
એ ગયા પછી બકોર પટેલે પૂછ્યું : “જીવાભાઈ પેલા ખેતરની તપાસ કરી ?”
“અરે હા! એ તો કહેવાનું રહી ગયું. તમારાં ઘણાં ખેતર તેલપટ્ટીમાં આવી જાય છે ! ભારે રકમ આપીને કદાચ સરકાર એ ખરીદી લેશે!”
શકરી પટલાણીના હરખનો પાર ના રહ્યો. તેઓ બોલી ઊઠ્યા : “જોયું? આપણે ઉદાર મન રાખ્યું, તો આમ કુદરતી લાભ થયો !”
પટેલને પણ ખૂબ હરખ થયો. એમને થયું કે એક હાથે આપેલું, તે બીજે હાથે પાછું મળે જ છે!
બન્ને જણની દીકરીઓનાં લગન પટેલે કરાવી આપ્યાં. એમણે અને પટલાણીએ ચોરીમાં બેસીને ખૂબ આનંદથી બન્ને કન્યાદાન દીધાં. બધું રંગેચંગે પાર ઊતરી ગયું.
પણ હવે પછી બકોર પટેલ પરબીડિયામાં કાગળ બીડે છે, ત્યારે ત્રણ-ત્રણ ચાર-ચાર વાર તપાસી જોયા પછી જ પરબીડિયું બંધ કરે છે !
શાકભાજીવાળા શિવાભાઇ
બકોર પટેલ ઑફિસેથી ઘેર આવ્યા. ઘેર આવીને એમણે શરબત પીધું અને સાથે નાસ્તો પણ કર્યો. પછી બંગલાના કમ્પાઉન્ડમાં રોપેલા ફુલના છોડવાઓને પાણી પાવા માંડ્યા.
છોડને પાણી પાવાનો પટેલને ખૂબ શોખ. ખુશાલબહેનને માથેથી કામનો એટલો બોજો ઓછો થાય, એ વિચાર પણ ખરો. તેથી વખત મળે ત્યારે ત્યારે છોડવાઓને પાણી પાય.
ગુલાબનાં ફૂલ એમને બહુ ગમે. તેથી ગુલાબના પાંચ છોડ રોપેલા. બધા પર સરસ-સરસ ગુલાબ આવતા. ગુલાબનાં ફૂલ ચૂંટીને એ ટેબલ પરની ફૂલદાનીમાં સરસ રીતે ગોઠવતા.
શાકભાજી વાવવા પણ એમણે પ્રયત્ન કરેલો, પણ એમાં બહુ સફળતા મળી નહોતી. માત્ર ભીંડા વધારે ઊતરે. બીજાં શાક બરાબર ઊગે નહિ અને પટેલને ફાવે પણ નહિ. બાગાયત (બગીચામાં શાકભાજી વગેરેની ખેતી કરવી તે)ના જાણકારની સલાહ લેવાનો વિચાર ઘણી વાર કર્યો, પણ આળસમાં રહી જાય.
એ દિવસે હાથમાં રબરની પાઇપ લઇને બકોર પટેલ છોડવાઓ પર પાણી છાંટતા હતા. અચાનક એમને કંઇ યાદ આવ્યું. એમના મોં ઉપર આનંદની રેખાઓ પથરાઇ ગઇ.
“હત્તેરીની! એ તો ભૂલી જ ગયો! ચાલ, ફોન કરું.” આમ બબડી એમણે પાઇપ મૂકી દીધી. પછી ચપટી વગાડતાં-વગાડતાં બંગલામાં જવા ઊપડ્યા.
એકીસાથે બબ્બે પગથિયાં કૂદી એ ડ્રૉંઇગરૂમમાં પહોચ્યા. વાઘજીભાઇ વકીલને ફોન જોડ્યો. વાઘજીભાઇનો બંગલો તદ્દન નજીકમાં. છતાં કામ હોય ત્યારે પટેલ નોકરને ધક્કો ખવડાવતા નહિ. બને ત્યાં સુધી ફોન જ કરી દેતા.
ફોન જોડાયો એટલે પટેલે વાત શરૂ કરી : “હેલ્લો! આવી પહોચ્યાં છો કે?”
“હાજી. કોણ, પટેલસાહેબ ?”
“હા, સેવક જાતે-પંડે-પોતે ! એક ખુશખબર આપવાના છે!”
“શું?”
“એમ ફોનમાં અપાય નહિ! અહીં રૂબરૂ આવો.” “એમ વાત છે? તો ચાલો, હમણાં જ આવું છું.” કહી વાઘજીભાઇને ફોન મૂક્યો.
આ બાજુ પટેલ ખુશમિજાજમાં આંટા મારવા લાગ્યા.
થોડીવારમાં વાઘજીભાઇ આવી પહોેંચ્યા. આવતાંની સાથે જ એમણે પૂછ્યું : “કેમ, કંઇ એકાએક યાદ કર્યા?”
પટેલે હસીને જવાબ આપ્યો : “તમારા લાભની જ વાત છે! જરા બેસો તો ખરા. શરબત પીને ઠંડા પડો. પછી વાત કરીએ.”
“શું છે ? કોઇ કેસ છે ?”
“ના!”
“ત્યારે કોઇનો પત્ર આવ્યો ?”
“ના!”
“તમે તો મગનું નામ મરી પાડતા નથી (ચોખવટ કરતા નથી)!” વાઘજીભાઇ ઇંતેજારીથી (આતુરતાથી) બોલ્યા : “મારી ધીરજ રહેતી નથી! તમારી જગ્યાએ હું હોઉં તો ઝટ કહી દઉં! આ તો ભારે પંચાત કહેવાય. હું વાત જાણું નહિ, ત્યાં સુધી મારા પેટમાં ખદબદ-ખદબદ થયાં કરશે!”
“ભલે ખદબદ થાય! પહેલાં શરબત; પછી બધી વાત!”
વાઘજીભાઇ ઊંચાનીચા થતા બેસી રહ્યા. પટેલે ખુશાલબહેનને બૂમ પાડી : “ખુશાલબહેન! વકીલસાહેબ માટે શરબત લાવજો.”
“લાવું છું.” અંદરથી જવાબ મળ્યો.
વાઘજીભાઇ પેટ દાબતાં-દાબતાં કહેવા લાગ્યા ઃ “તમે મારી આતુરતા એટલી બધી વધારી દીધી છે કે મારા પેટમાં દુખવા માંડ્યું!”
બરાબર એ વખતે બંગલાનાં પગથિયાં આગળથી ગાવાનો અવાજ આવતો સંભળાયો :
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
હે નાથ નારાયણ વાસુદેવ !
વાઘજીભાઇ અવાજ ઓળખી ગયા અને હસીને બોલી ઊઠ્યા : “ટીમુ પંડિત પધારતા લાગે છે!”
પટેલે સ્મિત કરી જવાબ આપ્યો : “હા, એ જ છે!” એટલામાં ટીમુ પંડિત ડોલતાં-ડોલતાં ડ્રૉંઇગરૂમમાં આવી પહોંચ્યા.
“કલ્યાણમસ્તુ, મહેરબાનો!” ટીમુ પંડિતે આવતાં જ કહ્યું : “આજે કંઇ નવાજૂની લાગે છે! નહિ તો વકીલસાહેબ આટલા વહેલા પધારે નહિ!”
બકોર પટેલે જવાબ આપ્યો : “તમે પણ પધારો. આજે તમારા સૌ માટે એક ખુશખબર છે!”
આમ વાત ચાલતી હતી, એટલામાં શકરી પટલાણી શરબતના ગ્લાસ લઇને આવી પહોંચ્યાં. ટેબલ પર ગ્લાસ મૂકીને તેઓ સામેના સોફા પર બેસી ગયાં.
ઝટઝટ શરબત પીને વાઘજીભાઇએ ગ્લાસ નીચે મૂક્યો. પછી પટેલ તરફ જોઇએ બોલ્યા : “હવે પેલી વાત કહો. શરબત મેં ખલાસ કર્યું.”
શકરી પટલાણી વચ્ચે બોલી ઊઠ્યાં : “આ બધી શી બાબત છે ? ક્યારની હુંય સાંભળ્યા કરું છું. કંઇ ખાસ ખબર છે ?”
બકોર પટેલે હસીને જવાબ આપ્યો : “અરે! આજ કી તાજાખબર છે! જુઓ, સાંભળો! હં!”
“બોલો ને!”
“કહું ત્યારે! જાણે એમ છે કે આપણને નવાં-નવાં શાકભાજી સસ્તાં અને તાજાં મળે એવી એક જણે યોજના કરી છે! રોજ ભાતભાતનાં શાક! વળી વાડીમાંથી તાજાં જ આણેલાં અને કિંમતમાં એકદમ સસ્તાં!”
“હેેં?”
“હા!”
બધાંનાં મોં પર આનંદ છવાઇ ગયો!
વાઘજીભાઇએ પૂછ્યું : “યોજના કોણે ઘડી છે!”
“આપણા બંગલાની નજીકમાં જ છે. નવ નંબરના બંગલામાં રહે છે. નામ શિવાભાઇ. એમની મોટી વાડી છે. ત્યાં જાતજાતનાં શાકભાજી તેઓ ઉગાડે છેે. એમના ગ્રાહક આપણે અગાઉથી થવાનું.”
“અગાઉથી થવાનું ?” ટીમુ પંડિતે વચ્ચે પૂછ્યું.
“કેમ વળી ? નવાઇ લાગે છે ? કોઇ સામયિકનું લવાજમ અગાઉથી નથી ભરતા ?એવી રીતે આ શાકભાજીના પૈસા અગાઉથી ભરવાના. પછી ત્રણ-ત્રણ દહાડે એમને બંગલે જઇ તાજું શાક લઇ આવવાનું. નોકર મોકલવો હોય તે નોકર મોકલે. ત્રણ દહાડાનું શાક સામટું આપે.”
શકરી પટલાણી બોલ્યા : “ત્રણ દહાડાનું શાક વાસી ન થઇ જાય ?”
“ના! શાકભાજી વેચનારાઓ બધાં શાકને કેવાં કોલ્ડ સ્ટોરેજમાં જાળવી રાખે છે! આપણે પણ તેવું કરવાનું. ફ્રીજમાં શાક રાખી મૂકવાનું. મેથી કે પાલકની ભાજી હોય એને પહેલાં રાંધી નાખવાની. બટાકા, ડુંગળી જેવાં સૂકાં શાક બહાર રહેવા દેવાનાં. જરૂર પડે ત્યારે એ રંધાય. એ કંઇ થોડાં બગડી જવાનાં છે ? અઠવાડિયાનું કુલ આઠદસ કિલો શાક તો મળે!”
વાઘજીભાઇ આતુરતાથી બોલી ઊઠ્યા : “શાક સાથે ભાજી પણ મળવાની ?”
“અરે જાતજાતની ભાજી! પાલક, મેથી, તાંદળજો વગેરે ! શાકમાં ભીંડાં, રીંગણાં, બટાકા, ડુંગળી, દૂધી, કોળું, સૂરણ, શક્કરિયાં, ફણસી, પાપડી, કાકડી ઇત્યાદિ! અને મસાલા કે ચટણી માટે રોજ પહોંચે એટલાં કોથમીર, આદું, લીલા મરચાં, ફુદીનો, મીઠો લીમડો વગેરે પણ ખરાં !”
શકરી પટલાણી આ સાંભળીને ઊભાં થઇ ગયાં. કહે : “આપણે નામ નોંધાવી આવો ! આપણા બાગમાં ભીંડા બહુ થાય છે તે ખાઇખાઇને કંટાળી ગયાં. નજીકના બજારમાં જુદુંજુદું શાક રોજ મળતું નથી. આવું દરેક જાતનું શાક મળતું હોય તો બહુ સારું કહેવાય !”
ટીમુ પંડિત બોલ્યા : “કલ્યાણ થજો એ સસ્તા શાકની યોજનાવાળાનું ! પણ પૈસા કેટલા ભરવાના ?”
“છ મહિનાના પૈસા અગાઉથી ભરી દેવા પડે.”
“છ મહિનાના ?”
“હા.”
“છ મહિનાના કેટલા રૂપિયા ભરવા પડે ?”
“૯૦૦૦”
“પણ છ મહિનાના એકસામટા રૂપિયા શું કામ ભરવાના ?”
“એટલા માટે કે યોજનામાંથી કોઇ અધવચ નીકળી જાય તો એની બધી ગોઠવણ તૂટી પડે ને !”
“વાત તો સાચી. પણ રૂપિયા કેટલા કહ્યા તમે ? ૯૦૦૦ રૂપિયા ને ? તો તો મહિને ૧૫૦૦ થયા. રોજના ૫૦ એ તો બરાબર કહેવાય. અને વાડીમાં જાતભાતનાં શાક થતાં હોય તેનો લાભ મળે તે જુદો ! હું પણ નામ નોંધાવી દઉં.” ટીમુ પંડિત રાજી થઇને બોલ્યા.
આમ વાત બધાંને ગમી ગઇ. બધાંએ તે સાંજે જ નામ નોંધાવી દેવાનું અને એડવાન્સમાં રૂપિયા ભરી દેવાનું નક્કી કર્યું.
ટીમુ પંડિત બોલ્યા : “પટેલસાહેબ! ખુશખબર તો બરાબર લાવ્યા! એ માટે ધન્યવાદ. પણ આપણો ટૅક્સ હજી ચૂકવાયો નહિ ?”
આ સાંભળી પટેલ હસી પડ્યા અને શકરી પટલાણી તરફ જોવા લાગ્યા.
વાઘજીભાઇને કંઇ સમજ પડી નહિ! એમણે પૂછ્યું : “શાનો ટૅક્સ ?”
પટેલે હસીને જવાબ આપ્યો : “મગજની લાડુડી ! પંડિતજી આવે ત્યારે અમે એમને મગજની લાડુડી આપીએ છીએ! એ આરોગ્યા પછી જ તેઓ સિધાવે છે. એક વાર ઘરમાં પ્રસાદ માટે લાડુડીઓ બનાવેલી. પંડિતજીએ તે ચાખી. ત્યારથી એમણે અમારા ઉપર આ ટૅક્સ નાખ્યો છે!”
વાઘજીભાઇ મોટેથી હસી પડ્યા!
થોડીવારે પટલાણી મગજ લઇને આવ્યાં. બધાંએ પ્રસાદ લીધો. પછી પંડિતજી અને વાઘજીભાઇ વિદાય થયા.
તે રાત્રે બકોર પટેલ નવ નંબરને બંગલે પહોંચી ગયા. સસ્તાં શાકભાજીવાળા શિવાભાઇને ત્યાં પોતાનું નામ નોંધાવી આવ્યા. વાઘજીભાઇ તથા ટીમુ પંડિતે પણ પૈસા ભરી નામ નોંધાવી દીધાં.
બીજા સવારે શકરી પટલાણીએ ખુશાલબહેનને શાક લેવા મોકલ્યાં. એ શું શાક લઇને આવે છે તે જોવા બકોર પટેલ પણ આતુરતાથી આમતેમ આંટા મારવા લાગ્યા.
થોડીવારે ખુશાલબહેન થેલી ભરીને આવ્યાં, એટલે બન્ને આતુરતાથી તેમને વીંટળાઇ વળ્યાં!
શકરી પટલાણીએ થેલી લઇને ધીમેથી ઊંધી કરીને ખાલી કરી.
“આ હા હા!” બકોર પટેલ ખુશ થઇને બોલી ઊઠ્યા ઃ “શાક તો ભાતભાતનું છે! રીંગણાં, બટાકા, ડુંગળી, મજાની કાકડી, ફણસી, ભાજી, કોેથમીરની ઝૂડીઓ, લીલા મરચાં!”
“અને આ લીબું તો જુઓ !” શકરી પટલાણી મરક-મરક હસતાં કહેવા લાગ્યાં : “ચાર-ચાર લીબું છે. રંગ પણ કેવો મજાનો પતંગિયા જેવો છે!”
બન્નેને ખૂબ સંતોષ થયો. પટેલને વિચાર થયો કે વાઘજીભાઇને જરા પૂછી જોઇએ.
એમણે તરત ફોન જોડ્યો : “હલ્લો ! વાઘજીભાઇ કે?”
“હા.”
“કેમ ? શાકભાજી આવી ગયાં ?”
“અરે હા! હમણાં જ નોકર લઇ આવ્યો. બહુ મજાનાં શાક છે ! ચટણીની સામગ્રી પણ ખૂબ છે ! હવે રોજ શાક ખાવાની મજા પડશે!”
પટેલે ફોન મૂકી દીધો. તે દિવસે એમણે શાક ખૂબ હોંશથી ખાધું. લીબુંની ચીરીઓ કરી તેનો સારી રીતે ઉપયોગ કર્યો! શકરી પટલાણીએ પણ ઠીક લાગી એવી શાકની વ્યવસ્થા કરી નાખી.
આમને આમ એક મહિનો ચાલ્યો ગયો. શાકભાજીની વ્યવસ્થાથી બધાને ખૂબ સંતોષ હતો. સસ્તાં શાકભાજીવાળા શિવાભાઇને ત્યાં પણ ગ્રાહકોની પડાપડી થતી હતી! રોજ સંખ્યાબંધ નામો નોંધાતાં હતાં.
આમ કામકાજ સરળ રીતે ચાલ્યા કરતું હતું. ત્યાં એક દિવસ સવારમાં જ ટીમુ પંડિત બકોર પટેલને ત્યાં આવી પહોચ્યાં.
એમને સવારમાં આવેલા જોઇ પટેલ નવાઇ પામ્યા! પૂછ્યું : “આવો, પંડિતજી! કેમ - આજે કંઇ એકાએક, અત્યારમાં ?”
પંડિતજીએ જવાબ આપ્યો : “ખરખરો (શોક) કરવા !”
આમ કહી ખરખરો કરવા બેઠા હોય તેમ પંડિતજીએ ખભેથી ખેસ ઊંચો કરી માથે ઓઢ્યો!
પટેલ આશ્ચર્યથી પૂછવા લાગ્યા : “પણ કોણ ગુજરી ગયું ? તમારા સસરાજી ? સાસુજી ? કોનો ખરખરો ?”
પંડિતજી કહે : “સસ્તાં શાકભાજીવાળા શિવાભાઇનો !”
પટેલ ચમક્યા ! એમણે આતુરતાથી પૂછ્યું : “કેમ ? શિવાભાઇ ગુજરી ગયા?”
“ના, ગ્રાહકોના ફક્ત પાંચ લાખ રૂપિયા લઇને નાસી ગયા! ઓ મારા શિવાભાઇ રે... એ... એ... એ... એ...!”
પંડિતજીનો દેખાવ જોઇ, આવા શોકના સમાચાર વખતે પણ બકોર પટેલને હસવું આવી ગયું! એમણે પંડિતજીને માથેથી ખેસ હટાવી એમના ખભે નાખ્યો. શિવાભાઇનાં પરાક્રમોની બધી વાતો સાંભળી. પછી હસીને કહેવા લાગ્યા : “પંડિતજી! થઇ ગયું તે થઇ ગયું! લોભમાં ને લોભમાં વાઘજીભાઇ જેવા ચાલક વકીલ ફસાઇ ગયા, તો તમારું ને મારું શું ગજું ? ચાલો, પેલી લાડુડી ખાવી છે ને!”
લાડુડીનું નામ સાંભળતાં જ પંડિતજી પ્રસન્નચિત્તે કૂદકો મારીને પાછા ખુરશી પર બેસી ગયા!
ટેલિફોનનો તરખાટ
થોડા સમય પહેલાં બકોર પટેલના ટેલિફોનનો નંબર બદલાયો. જૂનો નંબર હતો તે રદ કરી નવો આપ્યો : ૧૧૨૨૩૩૪૪! વહીવટી સરળતાને ખાતર અમુક- અમુક વખતે આવી રીતે નંબર બદલાતા હોય છે. જૂના નંબરો રદ કરીને નવા નંબરો અપાય છે.
નવા નંબરના આંકડા જોઇ બકોર પટેલ ખુશ-ખુશ થઇ ગયા! કેટલી સહેલાઇથી યાદ રહે તેવા આંકડા ! “અગિયાર, બાવીસ, તેત્રીસ, ચુમ્માળીસ!”
નવો નંબર આવ્યો, એટલે પટેલ બધાંને પત્રો લખવા બેસી ગયા. પત્ર લખીને સૌને પોતાના નવા નંબરની ખબર આપી દીધી. પોતાના નામનાં લેટરપૅડ હતાં, તેમાં સુધારો કર્યો. નામનાં કાર્ડ હતાં. તેમાં પણ નંબર સુધાર્યો. આમ નવા નંબરની ખબર બહુ ઝડપથી પટેલે બધાંને આપી.
પછી તેઓ વિચાર કરવા લાગ્યા ઃ “વાઘજીભાઇને તો ફોનથી જ ખબર આપી દઉં. એમનો નંબર પણ કદાચ બદલાયો હશે. એમનો બંગલો નજીકમાં જ છે, માટે નંબરમાં પણ ફેરફાર થવો જ જોઇએ.”
એમણે જૂનો નંબર જોડી જોયો. નંબર જોડાયો તો ખરો, પણ સામેથી કોઇ બીજાનો અવાજ આવ્યો!
“એલાવ! કોણ, વાઘજીભાઇ કે ?”
“તમે કોણ છો?”
“તમે કોણ ? મારે વાઘજીભાઇનું કામ છે.”
“અહીં વાઘજીભાઇ પણ નથી અને બિલ્લીમાશી પણ નથી! સરકસ જોવા જાઓ, સરકસ !” કહેતાં સામેવાળાએ દડ દઇને ફોન મૂકી દીધો!
બકોર પટેલે માથું ખંજવાળવા માંડ્યું!
થોડી વારે એમણે ટેલિફોન ખાતાના ‘પૂછપરછ વિભાગ’માં ફોન કર્યો. એમને ખબર મળી કે વાઘજીભાઇનો નંબર પણ બદલાયો છે!
વાઘજીભાઇનો નવો નંબર બકોર પટેલે નોંધી લીધો અને પછી તે જોડ્યો.
સામેથી વાઘજીભાઇનો જ અવાજ આવ્યો : “એલાવ!”
“હા! હું બકોર પટેલ! કેમ નવો નંબર આવી ગયો ને! મેં તો હમણાં જૂનો નંબર જોડ્યો હતો!”
“વાહ ભાઇ વાહ ! ત્યારે તો બડી ગમ્મત થઇ હશે! કંઇ ખાનગી વાત તો કહી દીધી નથી ને?”
“ના, ના! એમ કંઇ હું કહી નાખું તેવો નથી! મારો બદલાયો એટલે ખાતરી જ હતી કે તમારો નંબરે ય બદલાયો હશે!”
“તમારો નવો નંબર?”
“૧૧૨૨૩૩૪૪ !”
“વાહવાહ ! ટપ યાદ રહી જાય તેવો છે! ચાલો, પછીથી મળીશું. સાહેબજી!”
કોઇનો ફોનનંબર બદલાય અને ધ્યાન ન રખાય તો ઘણી વાર ઊંધું વેતરાય છે. મોટાં શહેરોમાં તો ફોનનો વારંવાર ખપ પડે એટલે ફોન નંબરના ફેરફારો બહુ ચોકસાઇથી ધ્યાનમાં રાખવા પડે.
બકોર પટેલને જે નવો નંબર (૧૧૨૨૩૩૪૪) મળ્યો, તે અગાઉ એક પ્રોવિઝન-સ્ટોરનો હતો. પ્રોવિઝન- સ્ટોરમાં કરિયાણાની તથા ઘરવપરાશની તમામ ચીજવસ્તુઓ મળે. ઘણીવાર તો ગ્રાહકો ફોન કરીને પોતાને જોઇતી ચીજવસ્તુઓની યાદી લખાવે. પછી એ વસ્તુઓ નોકર સાથે પોતાને સરનામે મોકલવા કહે.
પ્રોવિઝન-સ્ટોર હતો ત્યાં દુકાનની ઉપર જ સ્ટોરના માલિક રહેતા હતા. દુકાનના ફોનની લાઇન ઉપર પણ હતી. આ કારણે રાત્રે સ્ટોર બંધ થઇ જાય, તોપણ ગ્રાહકો સ્ટોર ઉપર ટેલિફોન કરે. માલિક એ સાંભળી લે; ઘટતી નોંધ પણ કરી લે. બીજે દિવસે સવારે એનો અમલ કરે.
એક સવારે બકોર પટેલ ચા-નાસ્તો કરવા બેઠા હતા. તે વખતે ફોનની ઘંટડી રણકી. ચાનો કપ પટેલ મોં સુધી લઇ ગયેલા, તે પાછોે મૂક્યો. પછી ઝટ ફોન પાસે ગયા.
“એલાવ!”
“હા જી! જુઓ, આપણે સરસ નીલગીરીની ઑરેન્જ પેકો ચા જોઇએ! પાંચસો-પાંચસો ગ્રામના ચાર પૅકેટ મોકલજો. માલ ઊંચી જાતનો જોઇએ, સમજ્યા?”
બકોર પટેલ ગૂંચવાઇ ગયા.
“ચાના પૅકેટ?” તેમનાથી બોલાઇ ગયું : “કયો નંબર જોઇએ છે તમારે?”
“અરે ભાઇ, તમારો નંબર ૧૧૨૨૩૩૪૪ છે ને ?”
“હા!”
“તો પછી ઑર્ડર નોંધી લ્યો ને!”
“કેવો ઑર્ડર?”
“તમે પ્રોવિઝન-સ્ટોરમાંથી બોલો છો ને ? તમે કોણ છા? બોલાવો તમારા શેઠને ફોન પર! જરા કહું કે આવા ને આવા બબૂચક નોકર રાખ્યા છે? પૂરો ઑર્ડર પણ સમજતા નથી!”
હવે બકોર પટેલ ગોટાળાનું કારણ સમજી ગયા. એમણે ખુલાસો કર્યો : “તમે માગો છો એ સ્ટોર આ નથી. ફોનના નંબર બદલાઇ ગયા છે.”
પછી વધારે માથાકૂટ કર્યા વિના પટેલે ફોન મૂકી દીધો. પાછો ચાનો પ્યાલો હાથમાં લીધો.
પણ તે જ પળે પાછી ફોનની ઘંટડી ફરી વાગી.
ચાનો પ્યાલો મોં સુધી ઊંચો કરેલો, એ પટેલે પાછો મૂકી દીધો.
એ ઝટ ટેલિફોન પાસે ગયા.
“કોણ છો આપ?”
સામેથી જવાબ આવ્યો : “જુઓ, પહેલાં હું કહું તે બરાબર સાંભળી લ્યો. મારે આજે પાર્ટી માટે ચાર કિલો કાજુ જોઇએ છે.”
“ખાજું?”
“ખાજું નહિ, પણ કાજુ! કાઆ-આઆઆ જુઉઉઉઉ! કને કાનો કા, જમરૂખનો જ ને હ્રસ્વ જુ, કાઆઆઆજુ! ખાવાનાં કાજુ! બરાબર સાંભળ્યું ? નહિ તો તમે વળી કાજુને બદલે ખાજું મોકલી દેશો!”
“હા, પણ...પણ...આ...”
“યાર, તમારી આ ટેવ જ બહુ ખરાબ છે! સામાને પુરું બોલવા જ દેતા નથી!
દરેક વખતે વચ્ચે કૂદી પડો છો. પહેલા મારું કહેવાનું બરાબર સાંભળી લ્યો, પછી તમારે જે કહેવું હોય તે કહેજો. જુઓ, કાજુ હાઇક્લાસ જોઇએ. તદ્દન આખાં, એક પણ કકડો નહિ, અને સારી રીતે ભૂંજેલાં! નહિ વધારે ભૂંજેલાં, નહિ ઓછાં ભૂંજેલાં! આખી પાર્ટીમાં વાહવાહ થઇ જાય કે, ‘તમારાં પ્રોવિઝન-સ્ટોરનાં કાજુ તો બસ કહેવું પડે!’ જોજો, મારી વાહવાહ થશે એની સાથે તમારી પણ વાહવાહ થશે. કહો હવે, શું કહેતા હતા?”
“હું એમ કહેતો હતો કે આ કોઇ પ્રોવિઝન-સ્ટોર નથી!”
“તમેય ખરા છો ને! તો પછી પહેલેથી જ કહી નાખવું હતું ને ? નકામી આટલી જ લાંબી પીંજણ કરાવી! ત્યારે કોણ છો તમે ?”
“તેનું તમારે શું કામ છે?” પટેલે જવાબ આપ્યો : “આ પ્રોવિઝન-સ્ટોર નથી નથી નથી!”
“ભલે. મૂકી દો.”
પટેલે ફોન મૂકી દીધો. પાછા ટેબલ પાસે ચા પીવા ગયા. પણ ચાનો કપ ઉપાડે, ત્યાં તો ફોનની ઘંટડી પાછી રણકી!
પટેલ ઊભા થઇ ગયા!
શકરી પટલાણી ચિડાઇ ગયાં.
“લાવો, હું જ ફોન લઉં છું. તમે નિરાંતે ચા પીઓ.”
પટેલ હસીને કહેવા લાગ્યા : “પછી તને બધો ખુલાસો કરું છું. આ વખતે મને સાંભળવા દે.”
“હલ્લો, કોણ? પ્રોવાઝન-સ્ટોર કે?”
“ના, ભાઇ ના! આ કોઇ પ્રોવિઝન-સ્ટોર નથી! પાછો અહીં જ જોડ્યો ?”
“તમે કોણ?”
“તમે હમણાં જેને કાજુપુરાણ કહી સંભળાવ્યું તે!”
“ત્યારે તમારો નંબર ૧૧૨૨૩૩૪૪ નથી ?”
“એ જ મારો નંબર છે! પણ પ્રોવિઝન-સ્ટોરનો નંબર બદલાયો છે!
તમે ટેલિફોન ઑફિસમાં નવા નંબર માટે પૂછો!”
પટેલે ફોન મૂકી દીધો અને હસતા-હસતા જઇ ચા પીવા બેઠા.
શકરી પટલાણી બકોર પટેલને પૂછવા લાગ્યાં : “ટેલિફોનની આ બધી શી ગરબડ છે?”
પટેલે ખુલાસો કર્યો : “આપણો નંબર બદલાઇ ગયો. તેનો આ ગરબડગોટાળો ચાલ્યા કરે છે! આપણને નવો નંબર ૧૧૨૨૩૩૪૪ આવ્યો ને ?”
“હા.”
“પણ અસલ આ નંબર કોઇ પ્રોેવિઝન-સ્ટોરનો હતો. તેેથી પ્રોવિઝન-સ્ટોરના ગ્રાહકો હજુ એ જૂનો નંબર જોડ્યા કરે છે અને ઘરરર ખરરર આપણે ત્યાં થાય છે!”
શકરી પટલાણી હસી પડ્યાં!
“આ તો એક બાજુ હસવું આવે છે અને બીજી બાજુ ચીડ ચડે છે!”
આમ વાતો ચાલતી હતી એટલામાં પાછું ઘરરર ખરરર!
“જો પાછો! કોઇ પ્રોવિઝન-સ્ટોરનો ગ્રાહક જ ટપક્યો હશે!” પટેલ હસીને બબડ્યા.
શકરી પટલાણી કહેવા લાગ્યાં : “હવે ટેલિફોન લેશો જ નહિ ને ! ભલે ને ઘંટડી વાગ્યા કરે! આખરે એ થાકશે!”
બન્ને જણે તાલ જોવા માંડ્યો! ઘંટડી વાગવા માંડી. વાગે અને અટકે! વાગે અને અટકે!
થોડી વારેે તે બંધ થઇ. પણ નંબર જોડાનારે ફરી નંબર જોડ્યો હશે, તેથી ફરીથી પાછું ‘ટ્રીન...ટ્રીન...! ટ્રીન...ટ્રીન...! ટ્રીન...ટ્રીન...!’ શરૂ થયું.
શકરી પટલાણી કહે : “જોઇએ તો ખરાં, ક્યાં સુધી ઘૂરકે છે!” ઘંટડી થોડી વાર વાગી ને બંધ થઇ. પણ પાછી તરત જ શરૂ થઇ!
સામાવાળાએ ફરીથી નંબર જોડ્યો હતો!
બકોર પટેલ હવે થાકીને ઊઠ્યા અને ફોન પાસે ગયા. રિસીવર ઉપાડ્યું :
“એલાવ કોણ છો ?”
“કોણ, પટેલસાહેબ કે ? હું વાઘજીભાઇ! કેમ કોઇ ટેલિફોન ઉપાડતું ન હતું ? બધાં બગાસાં ખાતાં હતાં કે શું ?”
“ઓહો! વાઘજીભાઇ! કહો, કેમ છો ?”
“હોય તો શું ? રસગુલ્લાં આવ્યાં છે! કોલકાતા (કલકત્તા)થી એક મિત્ર આવેલા, એ આપી ગયા છે! મેં વિચાર કર્યો કે પટેલસાહેબને પણ ચખાડું. પણ તમારે ત્યાં તો કોઇ ફોન જ ઉપાડતું નહોતું ને!”
“અમને ખબર નહિ કે આ રસગુલ્લાંને માટે ફોન છે! તમે રસગુલ્લાં લઇને ઝટ આવી પહોંચો. બધો ખુલાસો રૂબરૂમાં.”
થોડીવારે વાઘજીભાઇ રસગુલ્લાંનો ડબ્બો લઇને આવી પહોચ્યાં.
સૌએ રસગુલ્લાં ઉડાવ્યાં. પછી પટેલે ટેલિફોનના તરખાટની હકીકત કહી, એટલે વાઘજીભાઇ પેટ પકડીને હસ્યા!
મોડેથી વાઘજીભાઇ વિદાય થયા.
સંધ્યાકાળ પછી પટેલ જમવા બેઠા. હજી તો કોળિયો મોંમા મૂકે છે, ત્યાં તો ઘરરર ટ્રીન ટ્રીન ટ્રીન!
શકરી પટલાણી કંટાળી ગયાં.
“બળ્યો આ ફોન! કવખતે જ ઉઠાડે છે! કાં તો ચા પીતાં હોઇએ કે કાં તો જમતાં હોઇએ, ત્યારે જ એને મુરત (મુહુર્ત-શુભ સમય) આવે છે!”
પટેલ ઊભા થતા બોલ્યા : “હોય, એ તો! ટેલિફોનનું કામ છે! ચાલ્યા કરે!”
સામેથી અવાજ આવ્યો : “જુઓ સાહેબ! પેલો ચેક કાલે મોકલી આપીશ. એટલા ખાતર ખોટું લગાડશો નહિ. વેપારધંધો રહ્યો! બેચાર દિવસ મોડુંય થાય. હમણાં જરા ભરાઇ પડ્યો હતો, તેથી ચેક મોકલી શક્યો ન હતો. હવે પૈસા આવી ગયા છે. વેપારનાં કામ જ એવાં. ધાર્યા પૈસા છૂટા ન થાય. કાલે ચેક જરૂર મોકલી આપીશ. એકાઉન્ટપેયી એક (જેના નામનો ચેક હોય તેના ખાતામાં જ જમા થાય તેવો) મોકલું કે બેરર ચેક (ચેક રજૂ કરનારને નાણાં મળે તેવો)?”
પટેલને પણ થોડીક મજાક કરી લેવાનું મન થયું ! તેઓ બોલ્યા : “ચેક તો એકાઉન્ટપેયી જ મોકલજો. હું હાજર ન હોઉં તો કોઇ પણ મારા ખાતામાં ભરી શકે.”
“ભલે સાહેબ, આભાર !”
વાત કરીને પટેલ હસતા-હસતા પાછા આવ્યા. એમણે પાછું જમવાનું શરૂ કર્યું.
શકરી પટલાણીએ પૂછ્યું : “કેમ ? તમે શી સૂચના આપી ? ફોન આખરે આપણો જ નીકળ્યો ને ?”
“ના” પટેલ હસીને કહેવા લાગ્યા. “ફોન તો પ્રોવિઝન-સ્ટોર પરનો જ હતો, પણ મેં એમના વતી સૂચના આપી દીધી !”
આ સાંભળી શકરી પટલાણીને પણ હસવું આવી ગયું!
એમણે કહ્યું : “જોજો, મજાકમાં બિચારા કોઇનું ઊંધું મારશો નહિ!”
આખરે પટેલ જમ્યા.
સાંજનું છાપું આવી ગયું હતું. તે લઇને ટ્યુબલાઇટ નીચે ખુરશી નાખીને પટેલ વાંચતા બેઠા.
પાછો ટેલિફોન ગાજી ઊઠ્યો!
પટેલે ખુરશી જ ટેલિફોન પાસે ખસેડી. પછી રિસીવર ઉપાડી શરૂ કર્યું :
“એલાવ!”
“હાં! ૧૧૨૨૩૩૪૪ કે ? જુઓ, પત્ર-પેન્સિલ લઇને લખવા માંડો!”
પટેલને પણ મશ્કરી સૂઝી. ઊઠીને પત્ર તથા પેન્સિલ લઇ આવ્યા. પછી નમ્રતાથી બોલ્યા : “ફરમાવો શેઠ! શું નોંધી લઉં ?”
“જુઓ, જાણે કે...લખો :
૧ કિલો બદામ
૨ કિલો સાકર...”
“પછી ?” પટેલે એમ કહી ચલાવ્યું.
“સો ગ્રામ સાલમ (એક કંદ)
પચાસ ગ્રામ ઇલાયચી
પચાસ ગ્રામ ચારોળી
પચાસ ગ્રામ પિસ્તાં
પચાસ ગ્રામ સૂંઠ
પચાસ ગ્રામ મગજતરી (અમુક મીંજવાળાં બીજ)
પચાસ ગ્રામ મરી કાળાં
પાંચ ગ્રામ કેસર
બે કિલો ચોખ્ખું ઘી
બધું લખી લીધું ને ?”
“હા જી. બધું બરાબર લખી લીધું.”
“ત્યારે, એ બધું કાલે સવારના મારે ત્યાં મોકલી આપજો.”
“ભલે, દશ વાગ્યા પહેલાં આપને બધું જરૂર પહોંચી જશે!”
“ભૂલશો નહિ, હો!”
“સારું” કહી પટેલે ફોન મૂકી દીધો.
શકરી પટલાણી કહેવા લાગ્યાં : “આ બધી લમણાઝીંક તમારે શા માટે કરવી પડે ? ચોખ્ખું કહી દેતા હો તો ?”
“આ તો બે ઘડી ગમ્મત!”
પણ આ ગમ્મત બકોર પટેલને જરા ભારે પડી ગઇ! પટેલ હજી ઊંઘતા હતા, ત્યાં છેક સવારમાં પાંચ વાગે ફોન ગાજ્યો!
સવારમાં કોણ હશે, એમ વિચારતા-વિચારતા પટેલ આંખો ચોળતા-ચોળતા ઊઠ્યા. ફોન લીધો.
“એલાવ!”
“હં! ૧૧૨૨૩૩૪૪ ને ? જુઓ, અત્યારે તમને યાદ દેવડાવું છું! કાલે બધી ચીજો લખાવેલી ને! યાદી
મુજબની બધી વસ્તુઓ દશ વાગ્યા પહેલાં મારે ઘેર આવી જવી જોઇએ! વૈદરાજ આવવાના છે. તેમની પાસે સાલમપાક બનાવડાવવાનો છે. જોજો, એમને ખોડી થવું પડે નહિ!”
પટેલે ફોન મૂકી દીધો અને શકરી પટલાણીને બોલાવ્યાં :
“લે હવે, આ ટેલિફોન તારે હસ્તક! હું ઉપાડીશ નહિ! આપણા કોઇનો ફોન હોય તો જ મને બોલાવજે. બાકી પ્રોવિઝન-સ્ટોર પરના ફોન હોય, તો તું જ પતાવી દેજે! હજી તો પથારીમાં છું અને સવારના પાંચ વાગ્યાથી હેરાનગતિ શરૂ થઇ ગઇ!”
પટેલ કંટાળી ગયા. એમણે શકરી પટલાણીને ફોનનો હવાલો સોંપી દીધો.
શકરી પટલાણીએ તો ઝટ ને ફટ ખુલાસા કરવા માંડ્યા, એટલે થોડા દિવસમાં બકોર પટેલના ટેલિફોનનો તરખાટ શમી ગયો!