Maa baapne bhulsho nahi in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | મા બાપને ભૂલશો નહીં

Featured Books
Categories
Share

મા બાપને ભૂલશો નહીં

મા બાપને ભૂલશો નહીં.

પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

સેકન્ડ ઈનિંગ વૃધ્ધાશ્રમમાં આજે રવિવારની સવારથી જ હલચલ મચી ગઈ હતી. ઘડપણમાં ઊંઘ ઓછી થવાને લીધે લગભગ બધા જ વૃધ્ધો રાત્રે મોડા સૂતા અને સવારે, સવારે શું પરોઢિયાના જાગી જતા. ‘હરે કૃષ્ણા હરે કૃષ્ણા‘ બોલતા બોલતા માંડ માંડ પથારીમાં બેસતાં અને પછી ડગુમગુ ચાલે પથારીમાં થી ઉતરીને ઓસરીમાં આવતાં. કેટલાંક બાથરૂમ તરફ પ્રયાણ કરતાં, તો કેટલાક થેલામાંથી ટુથપેસ્ટ અને બ્રશ કાઢીને પ્રાત:કર્મમાં ઢીલા ઢીલા જોડાતાં.

એમને મન બધા વાર સરખા જેવા જ હતા એટલે યાદ પણ નહોતું રહેતું કે ‘આજે કયો વાર છે?’ તહેવારોનું પણ લગભગ એવું જ હતું. હા, કોઈવાર કોઈ સખાવતી કે દાનેશ્વરી વ્યક્તિ આવીને એમની સાથે સમય ગાળે, વાતો કરે, એમની સંભાળ લે તે દિવસ એમને માટે મોટો તહેવાર બની જતો. એવા વખતે એમને પોતાના ઘરની અને સંતાનોની યાદ કોઈ શૂળની જેમ સતાવતી.

બધા ભેગા મળે ત્યારે પોતપોતાના સંતાનોની વાત અનાયાસે જ નીકળી જતી. પોતે સંતાનોને કેટલો પ્રેમ કરતાં, એમને જીવથી પણ વધુ વહાલા સંતાનોને કેટલી કાળજી લઈને ઉછેર્યા, કેવા કેવા દુ:ખો વેઠ્યા. પોતે પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવ્યા, પરણાવ્યા, સેટલ કર્યા...એની ગાથાઓ ગૂંથાતી અને સામૂહિક નિશ્વાસ સાથે સભા બરખાસ્ત થતી. પિતાઓની વેદના મૂંગી રહેતી અને માતાઓની વેદના વાચાળ.

પણ આજના રવિવારનો દિવસ લગભગ તમામ વૃધ્ધ્જનો માટે જરા જુદો જ ઉગ્યો હતો. સવાર સોનેરી અને સપના ગુલાબી થઈ રહ્યાં હતાં. બધા જ વડીલો ઉત્સાહથી થનગનતા હતાં. પ્રાત:ક્રિયા સ્ફૂર્તિથી પતાવી રહ્યાં હતાં. થેલામાં દિવસોથી પૂરાઈ રહેલાં નવા અને સારા લૂગડાં –કપડાં બહાર નીકળીને વડિલોના શરીર પર શોભી રહ્યાં હતાં. નાસ્તાગૃહમાં આજે કોઈ ફરક્યું નહીં એટલે વૃધ્ધાશ્રમના કાર્યકારી સનતભાઈ બધાંને ચા –નાસ્તો કરવા બોલાવવા આવ્યાં, ત્યારે બધાંએ કહી દીધું, ‘હમણાં નહીં, થોડીવાર પછી’

સનતભાઈ સાનમાં સમજી ગયાં કે -આજે તો બધાએ મળવા આવનાર સંતાનોની સાથે બેસીને ચા-નાસ્તો કરવાનું પ્લાનિંગ કર્યું લાગે છે. પુલકિત ચહેરે, ‘ભલે, થોડીવાર પછી આવો’ કહીને એ જતા રહ્યાં.

-આજે તો મારો દિકરો વિનય હમણાં મને મળવા આવવાનો છે. – હસુ હસુ થતા બોખા મોંએ રમાબા બોલ્યા.

-અરે, આજે તો મારો દિકરો સ્નેહલ પણ આવવાનો છે. હું તો એની સાથે ખુબ બધી વાતો કરીશ, ઘરમાં બધાંની ખબર પૂછીશ. – વસુમાની ખુશીનો પણ કોઈ પાર નહોતો.

-આજે મારો અનિલ પણ આવશે, હું તો એને વઢવાની જ છું કે કેટલા બધા દિવસે, અરે દિવસે શું કેટલા બધા મહિનાઓ પછી મોઢું દેખાડવા આવ્યો. – હેતાબાએ મીઠી રીસ કરતા હોય એમ કહ્યું.

ખુશાલભાઈ, બાબુભાઈ અને અમૃતભાઈ પણ આ ઘેલી ડોસીઓની વાત રસપૂર્વક સાંભળતા હતાં. એ સૌના મોં પર પણ આનંદના ભાવ તો હતા જ, પણ વ્યક્ત નહોતાં કરતાં. એમના દિકરાઓ પણ આજે મળવા આવવાના હતાં. આજે વૃધ્ધાશ્રમમાં અનોખું સ્નેહ-મિલન યોજાવાનું હતું.

તમને થશે એવું તો વળી શું થયું કે બધાં સંતાનો એક સાથે ફરજ પરસ્ત થઈ ગયાં? એવું શુ થયું કે જે સંતાનો પોતાના મા બાપને વૃધ્ધાશ્રમમાં મૂકીને ભૂલી ગયાં હતાં તે આજે અચાનક એમને મળવા આવવાના? એવો તે શું ચમત્કાર થયો કે બધા બાળકોને પોતાના મા બાપ યાદ આવી ગયાં?

તો બન્યું એવું કે – ભારત દેશમાં વધી રહેલી વૃધ્ધોની વસતી અને એના સંદર્ભમાં વધી રહેલાં વૃધ્ધાશ્રમની વસતીને લક્ષમાં લઈને – (ચીનની સરકાર પાસેથી પ્રેરણા લઈને - ચીનના શાંઘાઈમાં આ કાયદો ઓલરેડી ૧ લી મે, ૨૦૧૬ થી અમલમાં મૂકાઈ ગયો છે.) ભારત સરકારે વૃધ્ધાશ્રમાં કે એકલાં રહેતાં વડિલોના સંતાનો માટે નીચે મુજબનો સખત કાયદો ઘડી કાઢ્યો છે અને તાત્કાલિક અમલમાં મૂક્યો છે.

આ કાયદો આ મુજબ છે, ‘એકલા રહેતા માતા- પિતા ને જો સંતાનો મળવા નહીં જાય કે એમના ખબર અંતર નહીં પૂછે તો એમનો ‘ક્રેડિટ સ્કોર ઘટાડી દેવામાં આવશે’ એટલે મા બાપની ઉપેક્ષા કરનારને હવે આર્થિક નુકસાન વેઠવું પડશે. મા બાપને મળવા ન જનારા સંતાનોને ‘અપ્રમાણિક’ ગણવામાં આવશે અને એની સીધી અસર એમની નોકરી ઉપર પડશે.’

આવા ‘અપ્રમાણિક’ સંતાનોને ક્રેડિટ કાર્ડ કે લોન મળશે નહીં. બેંક પણ એમને વધુ સુવિધાઓ આપશે નહીં. આ કાયદો આવ્યા પછી જે બાળકો ઘણા દિવસો સુધી કે પછી મહિનાઓ સુધી ઘરે નથી જતાં, એમને મા બાપ કોર્ટમાં પણ ઘસડી શકે છે. કોર્ટના ચુકાદા ની ‘ઐસી કી તૈસી’ કરનાર પર ક્રેડિટ રેટિંગ વિભાગ તવાઈ લાવશે. એવાને નોકરીમાં પ્રમોશન નહીં મળે અથવા નોકરીમાંથી પાણીચું પણ મળી શકે છે.

વૃધ્ધોના અધિકારોનું રક્ષણ કરતો આ કાયદો હવે વૃધ્ધોનું જીવન સરળ અને રસમય બનાવશે? શંકા તો છે જ કેમ કે દરેક કાયદાને છીંડા હોય છે તેમ જ કાયદો બને છે જ તોડવા માટે.

દાખલા તરીકે:

આનંદ:હલ્લો પિતાજી, કેમ છો? આ તમારા માટે હું ફળો અને નાસ્તો અને કપડાં લાવ્યો છું.

મોહનલાલ: તમે કોણ છો ભાઈ ? આજે તો મારો દિકરો સૌમિલ મને મળવા આવવાનો હતો ને?

આનંદ: પિતાજી, મને સૌમિલભાઈએ જ મોકલ્યો છે, એમના વતીથી હું તમને મળવા, તમારી ખબર પૂછવા આવ્યો છું. આ ચીજ વસ્તુઓ તમે સ્વીકારો અને મુલાકાતના આ ફોર્મ પર સહી કરી આપો.

આમ વ્યસ્તતાને કારણે સંતાનો પોતે ન આવી શકે તો પોતાના વતીથી કોઈ બીજા માણસને ભાડેથી લઈને મોકલી આપશે. આવા કેસમાં સરકાર કેવાં પગલાં લેશે એ ખબર નથી. પણ હવે વૃધ્ધો અને વડિલો જાગૃત થવા માંડ્યા છે. પોતાની પાછલી જિંદગી સારી જાય એ માટે પ્લાનીંગ કરવા માંડ્યા છે. સંતાનો પરાણે મિલકત પચાવી પાડે તો એમને કોર્ટમાં ઘસડી જવાની હિંમત પણ કરવા માંડ્યા છે. અને હવે તો કાયદો પણ એમની ફેવરમાં આવી ગયો છે.

પણ કેટલાક મા બાપ પોતે જ પોતાના સંતાનો સાથે રહેવા નથી માંગતા. સંતાનોની ફાસ્ટ અને કેરલેસ લાઈફ સ્ટાઈલ સાથે એમની સ્લો અને નિયમિત રીતની લાઈફ સ્ટાઈલ મેચ નથી થતી. સંતાનો પોતે જરા પણ બદલાવા કે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નથી, પરિણામે મા બાપને એમની સાથે રહીને જીવવાનું માફક નથી આવતું.

ઘણા કેસમાં બધું જ બરાબર એટલે કે - સંતાનો અને મા બાપ વચ્ચે સુમેળ હોય છે, પણ સાથે રહેવાના સંજોગો નથી હોતા. કેમ કે મા બાપ વર્ષોથી વતનના ગામમાં રહેતા હોય છે અને સંતાનો ભણવા કે નોકરી અર્થે મોટા શહેરમાં કે ભારતની બહારના દેશોમાં જાય છે અને વસી જાય છે. મા બાપને વતન છોડવું નથી હોતું અને સંતાનો વર્કપ્લેસ છોડી શકે એમ નથી હોતા. પરિણામે વચ્ચેનો રસ્તો - એક બીજાના ઘરે વારે તહેવારે થોડા દિવસો કે મહિનાઓ માટે જઈને સાથે રહેવાનો આનંદ ઊઠાવાય છે.

કેટલાક મા બાપ પોતાનો જીદ્દી સ્વભાવ છોડવા નથી માંગતા. જમાના પ્રમાણે બદલાવા કે સંતાનો સાથે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નથી. જુના રીત રિવાજોને અડિયલ પ્રમાણે વળગી રહેવા અને સંતાનોને પોતાના કંટ્રોલમાં રાખવા માંગે છે, પરિણામે સંતાનો જ એમનાથી જુદા રહેવા જતા રહે છે અથવા એમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે.

છતાં પણ ‘છોરૂં કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય’ એ કહેવત હજી પણ મોટે ભાગેના કેસોમાં પૂરવાર થાય છે. તકલીફ અહીં એક જ વાતની છે કે - સંતાનો મા બાપને મળે, વાતચીત કરે કે ખબર અંતર પૂછે તો - મા બાપને ‘બત્રીસે કોઠે દીવા થાય છે’ આ વાત સંતાનો સમજે છે, પણ ખુબ મોડી મોડી –કે જ્યારે તેઓ મા બાપ તરીકે વૃધ્ધ થાય છે ત્યારે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.