sonography in Gujarati Fiction Stories by Dr.CharutaGanatraThakrar books and stories PDF | સોનોગ્રાફી

Featured Books
Categories
Share

સોનોગ્રાફી

પ્રસ્તાવના

પ્રસ્તુત લઘુનવલમાં ‘દીકરીઓ’ અને ‘બેટી બચાવો’ વિશેની વાત વણી લીધી છે. તબીબી વિજ્ઞાનની શાખા એવી રેડીઓલોજી અને વરદાન રૂપી શોધ એવી સોનોગ્રાફીનો લોકો બેફામ દુરુપયોગ કરી, ગર્ભમાંના બાળકની જાતી જાણી કન્યાભ્રુણ હત્યાનું પાપ વ્હોરે છે. અહીં એ પ્રકારના કથાનકને શરૂઆતમાં પ્રસ્તુત કર્યા બાદ, નાયકને પછીથી થતો સાચો પસ્તાવો તથા પોતાની જ દીકરી માટે નાયકનો પ્રેમ ઉલ્લેખનીય છે.

કથાનક એ સમયનું છે, જયારે ગર્ભમાંના જાતી પરીક્ષણ અંગે કોઈ ખાસ કાયદો અમલમાં નહોતો. પણ સાથે જાગૃત તબીબની વાત પણ વણી લીધી છે, જે ગર્ભનાં જાતી પરીક્ષણને નકારે છે.

હું પણ એક દીકરી, અને તે પણ મારા માતા પિતાનું એક માત્ર સંતાન છું. મારા માતા પિતા – શ્રીમતી મૃદુલાબહેન અને શ્રી હિતેનભાઈ ગણાત્રાએ મને આપેલ પ્રેમ, સંસ્કાર અને શિક્ષણ માટે મને ગર્વ છે. વ્યવસાયે પપ્પા એડવોકેટ છે, અને મમ્મી નેચરોપેથીમાં ડોક્ટર છે, હાઉસવાઈફછે. વાંચન-લેખન વારસો દાદા અને નાના બંને ઘર તરફથી મને મળ્યો. અને આજે એક લઘુનવલના રૂપમાં એ વારસો આગળ વધારતા હર્ષની લાગણી અનુભવું છે. મારા લગ્ન બાદ, મારા શ્વસુર પક્ષ તરફથી પણ મને સંપૂર્ણ સહકાર અને પ્રેમ મળ્યો છે. મારા પતિ, શ્રી સમીર ઠકરાર મારા વ્યવસાય અને આ પ્રવૃત્તિઓને હંમેશા પ્રોત્સાહન આપે છે.

હું વ્યવસાયે એક તબીબ છું. હોમિયોપેથીમાં એમ.ડી. કર્યુ અને, રાજકોટ ખાતે છેલ્લા અગિયાર વર્ષથી હોમિયોપેથીક પ્રેક્ટીસ કરું છું.

પરિવાર ભાવના અને સંબંધોની ખાટી મીઠી વાતો સાથે, ‘બેટી બચાવો’ એ મધ્યવર્તી વિચાર સાથે લખેલ આ લઘુનવલ વાચકો સમક્ષ પ્રસ્તુત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું.

આ તબક્કે મારા પરિવારજનો, વાચકો અને માતૃભારતી ટીમનો અંતઃકરણપૂર્વક આભાર.

(નોંધ : આ કથા કાલ્પનિક છે, તેમાં સમાવિષ્ટ નામ, સંસ્થાના નામ કાલ્પનિક છે.)

સરનામું :” “ડો. ચારૂતા ગણાત્રા ઠકરાર

“સ્વર્ગ” “”,તા. ૨૪-૫-૧૬

એએ – ૧ અમી પાર્ક,

૧૫૦ફૂટ રીંગ રોડ,

મોદી સ્કુલ પાસે,

રાજકોટ – ૩૬૦૦૦૭

મોબાઈલ નં. – ૯૮૨૫૮૨૮૫૪૩

ઈ-મેઈલ :

અર્પણ

મારા સર્વે પરિવારજનોને....

સાદર....

ડો. ચારૂતા

સોનોગ્રાફી

: ૧ :

......સોનોગ્રાફી......

.......સોનોગ્રાફી......

....એટલે તબીબી વિજ્ઞાનની એક ઉપયોગી અને આશિર્વાદરૂપ શોધ. શરીરનાં અંદરનાં અંગોમાં ચાલતી કઈંક બાધારૂપ પ્રક્રિયાઓ, રોગો, પથરી, ગાંઠ વિગેરેને સુક્ષમ તરંગોથી પકડી પાડતુ યંત્ર.

....સોનોગ્રાફીનાં યંત્રનો અન્ય પણ એક ઉપયોગ ધ્યાનમાં આવ્યો... બાળક જયારે ગર્ભાશયમાં વિકાસ પામતુ હોય ત્યારે બાળકનો વિકાસ બરાબર છે કે નહીં, કોઈ ખોડ-ખાંપણ તો નથી ને! બાળકનાં ધબકારા તો બરાબર છે ને..! વાહ, આને કહેવાય વિજ્ઞાનનાં આશિર્વાદ..

...પણ....

...સિક્કાની બે બાજુ હોય છે. આ તો ઉજળી બાજુ થઈ. આશિર્વાદ થયા. પણ તેનાથી પણ વધુ ખતરનાક અભિશાપ..! હા, એક એવો અભિશાપ કે જે વર્ષોથી કે તેનાથી પણ વધુ સદીઓથી સામાજીક કલંક સ્વરૂપે ચાલ્યો આવે છે..

...સોનોગ્રાફી અભિશાપરૂપ ત્યારે બને છે, જયારે ગર્ભાશયમાં ઉછરતા બાળકની જાતિ એ ચકાસે છે. કાયદાકીય રીતે ભલે ને આ અપરાધ કહેવાય, પણ જાણવાવાળા તો બાળકની જાતિ જાણી જ લે છે.. અને બહુ ઓછા એવા દંપતિ હશે, જે બાળકની જાતિ 'દીકરી' તરીકેની જાણીને ખુશ થઈને બાળકને જન્મવા દેશે. બાકી એક અજન્મા બાળકની હત્યાનું પાપ વહોરી લેતા બીલકુલ નહીં અચકાય! અગાઉનાં જમાનામાં દીકરીને દૂધ પીતી કરવાનો કુરિવાજ હતો. અને આ એક અન્ય કુરિવાજ!

દહેજ જેવા કુરિવાજોનું પ્રમાણ, અને સામાજીક અંતુલન, દીકરા-દીકરીની અસમાન સંખ્યાથી સામાજીક આગેવાનોની આંખ ઉઘડી(!) અને.. અત્યારના જમાનામાં કઈંક સંતોષપ્રદ સુધારો આવ્યો, આ કુરિવાજમાં..! 'ગભૅમાં ઉછરતા બાળકોની જાતિ જાણવી કાયદાકીય અપરાધ છે..' એવુ લખાણ રેડીયોલોજીસ્ટ તબીબોને ત્યાં જોવા મળવા લાગ્યુ. જો કે હું જયારની વાત કરવાનો છુ ત્યારે તો આવા કોઈ નિયમો પણ નહોતા. પણ હા, અમુક તબીબો જાગૃત હતા.

....પણ..!

..હા, ફરીથી 'પણ' આ પૈસા શું નથી કરાવી શકતા! હજી પણ સામાજીક દ્રષ્ટિએ દીકરા-દીકરીની સંખ્યામાં બહુ મોટી અસમાનતા છે. કયાંક દીકરી કે સ્ત્રીવિહોણો સમાજ બનાવવાની મૂખૅતાભરી વિચારસરણી તો મનમાં નથી રમતી ને!

જો..જો.. આટલા પરથી મારા માટે કોઈ ખૂબ સારો અભિપ્રાય ન બાંધી લેતા.. હું કોઈ સામાજીક કાયૅકર નથી કે નથી તબીબ. આજથી બરાબર પંદર-સોળ વર્ષ પહેલા એટલે કે ઈ.સ.૧૯૯૩ની આસપાસ, હું પણ આવી જ પછાત વિચારસરણી ધરાવતો યુવાન હતો.

અંતરંગ મિત્રોથી શું છુપાવવુ! હું તમને બધાને ૧૯૯૩થી ર૦૦૯ સુધીની યાત્રા ચોક્કસ કરાવીશ. ફેબ્રુઆરી ૧૯૯૩માં મારા લગ્ન થયા. ત્યારે હું પચ્ચીસ વર્ષનો હતો. વત્સલ સેજપાલ મારૂ નામ. મારી સાથે જ બી.કોમ. અને પછી એમ.બી.એ.માં અભ્યાસ કરતી ચક્ષુતા સાથે મારા ધામધૂમથી લગ્ન થયા... અને સ્વગૅ જાણે ધરતી પર આવી ગયુ! દુનિયાનો સૌથી સુખી માણસ કોણ? મને જવાબ એક જ મળતો.. વત્સલ સેજપાલ... ચક્ષુતા દરેક રીતે સારી હતી. ફકત દેખાવે જ નહીં, સ્વભાવે પણ તે સાલસ હતી.

અમારા લગ્ન પછીનાં દિવસો ખૂબ સારી રીતે પસાર થવા લાગ્યા.

--------

“વત્સલ, આજે કઈ તારીખ?”

“..આજે? કેમ કઈં ખાસ છે?!” વત્સલે અજાણ બનીને પુછયુ.

“સાવ આવુ જ ને! હજી તો લગ્નને એક મહિનો જ થયો છે ત્યાં તમે ભૂલી પણ ગયા..!!” કોલેજમાં ભલે મિત્રો, પણ લગ્ન પછી ચક્ષુતા વત્સલને માનાર્થે બોલાવતી.

“અરે..રે.. હજી તો એક જ મહિનો થયો..! તારી સાથે આખી જીંદગી કેમ કરીને જશે..” વત્સલે હળવેથી નિ:સાસો નાખ્યો.

“હું જઉં છુ. મારે તમારી સાથે વાત પણ નથી કરવી.”

ચક્ષુતાએ રૂમનો દરવાજો ખોલ્યો, ત્યાં તો બંનેનો લાડકો, વત્સલનો નાનો ભાઈ ચૈતન્ય ત્યાં ઊભો હતો.

“ચૈતન્ય, આ તારા ભાઈ જો ને. તેમને તો એ પણ યાદ નથી કે...” ચક્ષુતા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી.

“ભાભી, હમણાં જ તેમને કાન પકડાવુ છુ.” ચૈતન્ય ધીમેથી ભાભીને બોલ્યો.

વત્સલે કઈં ચક્ષુતાને અટકાવવાની ચેષ્ઠા નહોતી કરી. અને પોતાનાં કામમાં પરોવાઈ ગયો હતો.

“હં.. તો હમણાં હમણાં પત્નીથી ત્રસ્ત પતિની ભૂમિકા ભજવતા લાગો છો. પણ ઘરમાં નાટકબાજી કરવાની મનાઈ છે. યાદ છે કે પછી પપ્પાને બોલાવુ?” ચૈતન્ય જાણે મોટોભાઈ હોય તેમ કરડાકીથી બોલ્યો.

“હેં! તારા મોટાભાઈ....નાટકનાં કલાકાર..!”હવે નવાઈ પામવાનો વારો ચક્ષુતાનો હતો.

ચાલુ વાતચીતે પપ્પા-મમ્મી શ્રી અનુરાગભાઈ, રાગીણીબહેન પણ અંદર આવ્યા અને ખુરશી પર બેઠા.

“મહારાજ, ફરિયાદીની અરજ પર ધ્યાન આપો. ફરિયાદી વતી, હું ગુનેગારને રજુ કરૂ છુ.” ચૈતન્ય બોલ્યો.

“શું ગુનો છે ગુનેગારનો?” પપ્પા પણ નાટકીય ઢબે જ બોલ્યા.

“મહારાજ, ફરિયાદીથી ઘણી વાતો છુપાવીને ગુનેગારે ગંભીર ગુનો કર્યો છે... જે યોગ્ય નથી. આપ શ્રી યોગ્ય કરશો.” ચૈતન્ય બોલ્યો.

“ફરિયાદીને કઈં કહેવુ છે?” મમ્મી ચક્ષુતા તરફ જોઈને બોલ્યા.

ચક્ષુતાની રીસ, ગુસ્સો કયાંય ઉડી ગયા હતા. તેને હવે નાટકમાં મજા આવવા લાગી હતી.

“ના, મમ્મી. અરે, ના.. ના મહારાણી. મારે કઈં કહેવુ નથી. મારા વતી કહેવાયેલ કેફિયત સાચી છે.”

“તો પછી અપરાધીને દંડ આપવામાં આવશે..”

“મહારાજ, દયા રાખજો. હજી તો મારા લગ્ન થયે એક મહિનો જ થયો છે. હજી તો મારે મારી પત્ની સાથે આખી જીંદગી સરસ રીતે પસાર કરવાની છે...”

“તો તો ગુનેગારને વધુ કડક દંડ આપવો પડશે, મહારાજ. ગુનેગાર ફરિયાદી સાથે અણમાનીતુ વતૅન કરે છે.. અને એ યાદ હોવાની પણ ના પાડે છે કે આજે તેમનાં લગ્ન દિવસને એક મહિનો પૂરો થયો..” ચૈતન્ય બોલ્યો.

“હા, મહારાજ. અને હું જવા લાગી તો તેમણે મને રોકી પણ નથી..” ચક્ષુતા ઉંચા સ્વરે બોલી.

“અપરાધીને પોતાનો ગુનો સ્વીકાર છે?”

“હા, મહારાજ..” વત્સલનો ધીમો સ્વર સંભળાયો.

“તો પછી ગુનેગારે ફરિયાદીની માફી માગવી પડશે અને ભેટ પ્રસ્તુત કરવી પડશે. દીકરા, રીસાયેલી પત્નીને કઈ રીતે મનાવવી એ મારે તને શીખવવાની જરૂર નથી.” અનુરાગભાઈ હસીને બોલ્યા.

“આઈ એમ સોરી ચક્ષુતા.” ચૈતન્યએ કહયુ હતુ એમ જ વત્સલે કાન પકડીને માફી માગી. “અને આ તારી ભેટ.”

એક રંગબેરંગી અને વજનદાર ભેટ વત્સલે ચક્ષુતાનાં હાથમાં મુકી. હળવેથી ચક્ષુતાએ એ ભેટ ખોલી અને તેમાંથી એક પુસ્તક નીકળ્યુ.

“આ શું છે?”ચક્ષુતાને નવાઈ લાગી. કાવ્ય સંગ્રહ 'માધુયૅ'!”

પહેલુ પાનુ ખોલી ચક્ષુતાએ વાંચ્યુ.

અપૅણ...

જેણે એક મહિનાનાં સહજીવનમાં જ મારા જીવનને માધુયૅથી ભરી દીધુ, એવી મારી પત્ની ચક્ષુતાને સપ્રેમ..

“ઓહ! આવી સરસ ભેટ..!” ચક્ષુતા ખુશ થઈ ગઈ.

“હા, ચક્ષુ. તારી જીંદગીનાં આ દિવસને હું યાદગાર બનાવવા માગતો હતો. એટલા માટે જ તો મારે આ બધુ કરવુ પડયુ.” વત્સલે વ્હાલથી કહયુ.

“મને ચૈતન્યની તો ખબર હતી કે એ કઈંક નવુ તીકડમ ઉભુ કરશે. પણ તમે બધા!” ચક્ષુતાને નવાઈ લાગી.

“ચક્ષુતા બેટા, આ ચૈતન્યની જ કરામત છે. બંને ભાઈઓએ ભેગા મળીને અમને બંનેને પણ સાથે ઘસડયા.” રાગિણીબહેન બોલ્યા.

“ચૈતન્ય..! આમ કરાય? હું ખરેખર ચાલી ગઈ હોત તો?” ચક્ષુતાએ કૃત્રિમ ગુસ્સાથી કહયુ.

“તમારે જવાનું તો છે જ ભાભી. પણ... પણ એકલા નહીં. ભાઈ સાથે. 'માધુયૅ' કાવ્ય સંગ્રહનાં વિમોચન સમારંભમાં. ભાઈએ એ માટે આજે સાંજનો જ સમય ગોઠવ્યો છે.” ચૈતન્ય ખુબ ખુશ દેખાતો હતો.

તે દિવસે તો ભાવતા ભોજન બન્યા. ચૈતન્યને કઈં વધુ કહેવાપણુ નહોતુ. ચક્ષુતાને ચૈતન્ય ખુબ વહાલો લાગતો. ચક્ષુતાને ભાઈ ન હોવાથી બંનેને દિયર-ભાભીનો નહીં,પણ ભાઈ-બહેનનો સબંધ હતો. અને ચૈતન્યની આવી ટીખળો ચક્ષુતાને પણ ગમતી.

••••••••••••••••••

: ર :

હા, મિત્રો. આ જ તો છે મારી- અમારી જીંદગીનાં યાદગાર પ્રસંગોનું પહેલુ પ્રકરણ. અમારા બંનેનાં લગ્નને એક એક કરીને છ મહિના પસાર થઈ ગયા. અને કહેવાયુ છે ને કે જીવન એટલે અનેક ચડાવ ઉતારનો સમન્વય. પણ મેં કહયુ એમ, દુનિયાનો સૌથી સુખી માણસ એટલે હું મારી જાતને જ માનુ છુ. મારી જીંદગીમાં કોઈ ઉતાર ન આવતા. પડતી નહોતી આવી. બસ, પ્રગતિનાં શિખરો સર કરવા તરફની અવિરત ગતિ ચાલુ થઈ હતી. જે હજી ચાલુ હતી.

----------

“મમ્મી...” ચક્ષુતા રાગિણીબહેનનાં કાનમાં કઈંક ગણગણી.

રાગિણીબહેન આશ્ચયૅમિશ્રિત સ્વરે બોલી ઉઠયા, “ સાચ્ચે જ...”

ચક્ષુતાએ હા પાડી. સૌથી પહેલા તો રાગિણીબહેન રસોડામાંથી મંદિરમાં દોડી ગયા. ભગવાન પાસે માથુ ટેકવીને બોલ્યા, “કેટલા વર્ષે ઈશ્વર ફરી અમારા દ્વારે પધારશે... એ પણ બાળકનાં સ્વરૂપે..”

ચક્ષુતાએ આવીને મંદિરમાં મીઠાઈ ધરાવી. અને પછી અનુરાગભાઈને મીઠાઈ આપી. રાગિણીબહેને ખુશખબર આપ્યા. ચક્ષુતાએ અનુરાગભાઈનાં આશિર્વાદ લીધા, અને પછી પોતાનાં રૂમમાં ગઈ. વત્સલનાં આવવાનો સમય થઈ ગયો હતો. તે વત્સલને ખુશખબર આપવા ઉત્કટ હતી.

....દરવાજો ખખડયો અને....

“અરે, આવી ગયા તમે? ..હું તમારી જ રાહ જોતી હતી. તમે સાંભળ્યુ કે.. અરે ચૈતન્ય તંુ છે.. મને એમ કે વત્સલ આવી ગયા.”

“આજે તો તમે ખુબ સારા સમાચાર આપ્યા છે. પણ પછી મને ભુલી તો નહીં જાવ ને?”

“તારૂ સ્થાન તો અટલ રહેશે... એ વિષે નિશ્ચિંત રહેજે.” ચક્ષુતા પ્રેમથી બોલી.

“ભાઈને નથી ખબર ને? તો તેમને અત્યારે કઈં ન કહેતા... પ્લીઝ.. હું કઈંક ધમાલ સાથે તેમને વાત કરીશ. પ્લીઝ.... પ્લીઝ...”

“પણ...”

“પ્લીઝ ભાભી...”

“ઠીક છે.” ચૈતન્યની પ્રેમભરી ઈચ્છા ચક્ષુતા નકારી ન શકી.

ચૈતન્યએ અનુરાગભાઈ અને રાગિણીબહેનને પણ બધુ સમજાવી દીધુ. અને પોતે પણ ઘમાલ કરવા સý થઈ ગયો. ચક્ષુતાનો પણ તેમાં સાથ હોવાનો જ.

દરવાજો ખખડયો. વત્સલનો આવવાનો સમય હતો. એટલે દરવાજા પર એ જ હોય. એક નહીં, બે વખત દરવાજો ખખડાવ્યા પછી પણ કોઈએ દરવાજો ન ખોલ્યો.

'આશ્ચયૅની વાત છે. અત્યારે તો કોઈ કયાંય બહાર પણ ન જાય. દરવાજો કેમ નહીં ખુલતો હોય! મારી ચાવીથી દરવાજો ખોલી લઉ...' મનોમન વિચારી વત્સલે દરવાજો ખોલ્યો.

ઘરમાં પ્રવેશીને જોયુ તો ઘરમાં અંધારૂ.. 'આ સાંજે સાડા સાત વાગ્યે ઘરમાં લાઈટ કેમ ચાલુ નથી? મમ્મી-પપ્પાની તબિયત તો.. તેઓ તો પોતાના રૂમમાં જ છે. બગીચા તરફ તેમનું ધ્યાન છે.' વત્સલને ખુબ આશ્ચયૅ થયુ. 'હું ઘરમાં આવી ગયો, લાઈટ ચાલુ કરી અને હજી ઘરમાં કોઈનું ધ્યાન નથી! ચૈતન્ય, ચક્ષુતા પણ નથી દેખાતા..'

“ચક્ષુતા, ચૈતન્ય, કયાં છો તમે બધા?” વત્સલે મોટેથી બુમ પાડી.

“અરે દીકરા, તું કયારે આવ્યો? તારી ચાવીથી દરવાજો ખોલીને આવવાની શું જરૂર હતી દરવાજો ખખડાવ્યો હોત તો!” રાગિણીબહેન બોલ્યા.

“મમ્મી, કમાલ કરો છો! બે વખત દરવાજો ખખડાવ્યા પછી ચાવીથી દરવાજો ખોલ્યો. મને લાગ્યુ કે બધા બહાર ગયા છો. ચૈતન્ય નથી આવ્યો હજી? અને ચક્ષુતા પણ નથી દેખાતી. ઘરમાં અંધારૂ..” વત્સલે ઘણાં બધા પ્રશ્નો એક સાથે પુછી લીધા.

“.....દીકરા, તારા પ્રશ્નોનાં જવાબ હવે ચક્ષુતા આપી શકશે અથવા ચૈતન્ય... અમે બંને તો કોઈ ઉકેલ નથી લાવી શકતા.” અનુરાગભાઈ ઉંડો નિ:સાસો નાખીને બોલ્યા.

“પણ શું થયુ? ચૈતન્ય, ચક્ષુતા, બહાર આવો બંને..” વત્સલે કઈંક અઘટિત બન્યા હોવાની આશંકા સાથે કહયુ.

“શું વાત છે ચક્ષુ?”

“પુછો તમારા લાડલા ભાઈને..” ચક્ષુતા છણકો કરીને બોલી.

“ચૈતન્ય...” વત્સલે કરડાકીથી પુછયુ. “તેં તો ભાભીને કઈં કહયુ નથી ને?”

“ભાઈ, મેં તો ફકત...” ચૈતન્ય થોથવાયો.

“વત્સલ, વાત જાણે એમ છે કે... ચક્ષુતાએ...” રાગિણીબહેન ઢીલા અવાજે બોલ્યા.

“અરે, હવે મને કોઈ કહેશો કે વાત શું છે?” વત્સલે મોટેથી રાડ પાડી.

“ઘરમાં મારૂ કોઈ સ્થાન છે કે નહીં? હું કહુ છુ કે મારી નાની અમસ્તી વસ્તુની માગણી પણ તમારો પરિવાર ન સ્વીકારે? એક વસ્તુ મેં મારી પસંદગીની મગાવી, તો એ પણ તમારો લાડકો ભાઈ એની મરજીથી લઈ આવ્યો... મારી પસંદગી કે મારી ઈચ્છાનું જો કોઈ મહત્વ જ ન હોય, તો પછી હું અહીં કઈં બોલીશ જ નહીં...” ચક્ષુતા ગુસ્સાથી બોલી.

“જુઓ ભાભી. તમે મારી ઉપર ખોટો આક્ષોપ લગાવો છો. ભાઈની સામે મને...! મને પણ કઈં હોંશ હક્ક હોય કે....”

સ...ટા...ક...

વત્સલે ચૈતન્યને જોરથી તમાચો મારી દીધો. ઘરમાં સોપો પડી ગયો. “તારી ભાભીનો ઘરમાં પુરતો હક્ક છે...”

“...અરે..અરે આ શું કરો છો? ચૈતન્ય, મેં તને કહયુ હતુ ને કે આવી ધમાલ ન કરતો! તમારે આવો ગુસ્સો કરાય? અને એ પણ ભાઈ ઉપર! ખરા છો તમે! જુઓ અહીં, ચૈતન્યને કેટલુ વાગી ગયુ છે!”

“ભાભી...ભાભી, કઈં નથી થયુ. હા...શ! ભાઈ આજે તો મજા આવી ગઈ. મને વિશ્વાસ બેસી ગયો છે કે તમે મારા ભાભીને ખુબ ખુબ પ્રેમ કરો છો. અને... આવનાર મહેમાન પણ એ સ્થાન નહીં લઈ શકે.” ચૈતન્ય હસીને બોલ્યો.

“મમ્મી, આ બંને એ ભેગા મળીને શું કર્યુ એ કઈં ખબર ન પડી. હું આવ્યો ત્યારે તો કટ્ટર દુશ્મનની જેમ વતૅતા હતા. અને અત્યારે! અને શું બોલે છે તું ચૈતન્ય? મહેમાન આવશે... કોણ મહેમાન!”

“તમે તો કઈં સમજતા જ નથી.” ચક્ષુતા પોતાનાં રૂમમાં દોડી ગઈ.

“સોરી ભાઈ. પણ ખુશખબરનાં દિવસને હું યાદગાર બનાવવા માગતો હતો માટે આ બધુ...” ચૈતન્ય બોલ્યો.

“આટલા સારા સમાચાર તેં આપ્યા એટલે તને માફ કરૂ છુ.” વત્સલે ચૈતન્યનાં ગાલ પર ટપલી મારીને કહયુ.

“તને, ચક્ષુતા દીકરીને અને આવનાર બાળકને અમારા આશિર્વાદ છે દીકરા.” અનુરાગભાઈ પ્રેમથી બોલ્યા.

વત્સલ પોતાનાં રૂમમાં ગયો. આખો રૂમ નાના બાળકોનાં ફોટા અને રમકડાઓથી સજાવેલો હતો. વત્સલ અને ચક્ષુતાનાં ફોટાઓ પણ સુંદર ગોઠવેલા હતા.

“ચક્ષુતા, થેંકયુ વેરી મચ. આ દિવસની હું ઉત્સુકતાથી રાહ જોતો હતો.”

“આજનો દિવસ તમને યાદ રહી જાય એવો બનાવી દેવો હતો, માટે ચૈતન્યએ..”

“આવા તોફાનો કરવામાં ચૈતન્ય મોખરે હોય એ મને ખબર છે. પણ તું તેનો સાથ આપવાની હો એવી તો મને કલ્પના પણ ન હોય! મેં તેને બહુ જોરથી માર્યુ...!”

“સાચુ કહુને વત્સલ, ચૈતન્યની આવી વાતો મને ગમે છે. તેની હાજરીથી જ તો ઘરનું વાતાવરણ જીવંત રહે છે. મારે તો ભાઈ પણ નથી. તો લગ્ન પછી તે આ વાત જાણી ગયો હશે, કે મને ભાઈ ની કમી લાગે છે. ઘણી વખત મને ભાભીને બદલે દીદી કહીને બોલાવે છે. હું કહુ કે કોઈ એક સંબોધનથી મને બોલાવે, તો મને કહે, “હું તો બંને સબંધોનો હક્કદાર છુ. તો પ્રેમ પણ મને બંને સબંધોનો મળવો જોઈએ ને..” તેની વાત પણ સાચી. અત્યાર સુધીનો આપણો અપૂણૅ પરિવાર હવે પૂરો થશે.”

ઠક...ઠક...ઠક... “વત્સલભાઈ, અંદર આવુ કે...”

“આવ ભાઈ આવ, બેસ.” વત્સલે પ્રેમથી કહયુ.

“બેસવાનું નથી. અને તમે બંને પણ બહાર ચાલો. આ યાદગાર સાંજની ઉજવણી કરવાની બધી તૈયારી કરી લીધી છે. અને ભાવિ દાદા-દાદી સાથે ભાવિ નાના-નાની પણ વાતો કરે છે. તમારી બંનેની હાજરી ની જ જરૂર છે.”

“મમ્મી પપ્પા આવી ગયા? થેંકયુ ચૈતન્ય, તેં એમને પણ બોલાવી લીધા.”

“ના..ના ભાભી, મેં નહીં. મમ્મીએ તેમને બોલાવ્યા છે. હવે તમે બહાર તો આવો.”

••••••••••••••••••

: ૩ :

એ સાંજ તો યાદગાર બની અને પછીનાં દિવસો પણ યાદગાર બનતા રહેવાના હતા. ચૈતન્યની ઉજવણી કરવાની તૈયારીએ રંગ રાખ્યો. બરાબર સાત-આઠ મહિના પછી મારૂ બાળક મારા હાથમાં હશે એ કલ્પનાથી હું રોમાંચિત થઈ ઉઠતો. બધી રાશિ પ્રમાણે બાળકનાં નામ હું વિચારતો હતો. અને એક અલગ કાગળમાં ટપકાવતો રહેતો. તે દિવસે ચક્ષુતાએ મને નામની યાદી લખતો જોયો.

-----------

“વત્સલ, આ શું લખો છો તમે?”

“જો ચક્ષુતા, બાર રાશિ હોય. પણ આપણા દીકરાની કઈ રાશિ આવે એ તો કેમ ખબર પડે! માટે બધી રાશિઓનાં સારા નામની યાદી લખતો જઉ છુ. જરા નજર તો કરી લે. અને તને યાદ આવે તે નામ તું પણ ઉમેરી દે.”

“પણ દીકરાનાં નામ શા માટે? દીકરી પણ આવી શકે ને..”

“નહીં, મારે તો દીકરો જ જોઈએ.” વત્સલે ઉંચા અવાજે કહયુ અને ત્યાંથી બહાર ચાલ્યા ગયા.

બીજે દિવસે...

“વત્સલ, આજે ડોકટર પાસે જવાનું છે. તમને કયારે સમય છે, ત્યારે આપણે જઈ આવીએ.”

“સાંજે સાત વાગ્યા પછી તો હું ઘરે જ હોઉ છુ. હું ઘરે આવુ ત્યારે તૈયાર રહેજે. પછી જઈ આવીશું.” વત્સલ આટલુ કહીને ઘરેથી નીકળ્યા.

ચક્ષુતા પણ દીકરો કે દીકરી એ બાબતે આગલા દિવસે ઘરે થયેલી વાત ભૂલી ગઈ હતી. પણ વત્સલ એ વાત નહોતો ભુલ્યો. સાંજે ડોકટર પાસે વત્સલે એ વાતનો ઉલ્લેખ કર્યો.

“મેડમ, મારે જાણવુ છે કે આવનાર બાળક દીકરો છે કે દીકરી. તો..” વત્સલે ડો.સરિતામેડમને પુછયુ.

“મી.સેજપાલ, અહીં આવી તપાસ થતી નથી. ગભૅનાં બાળકની જાતિની તપાસ ગેરવ્યાજબી છે. એટલે કયાંય પણ આવી તપાસ કરાવતા પણ નહીં. મારી તો તમને સલાહ છે કે બાળક તો ઈશ્વરનું વરદાન છે. બાળક સ્વરૂપે ઈશ્વર જ આપના આંગણે પધારે છે. તો આ વરદાનનું અપમાન શા માટે?!” મેડમ સમજાવતા બોલ્યા.

વત્સલ ત્યારે તો કઈં ન બોલ્યા, પણ મેડમની હોસ્પિટલેથી બહાર નીકળીને બબડયા, 'પૈસા આપવાથી કોઈપણ કામ વ્યાજબી બની જાય છે. તમે નહીં તો બીજુ કોઈ...'

અને વત્સલ બીજા દિવસે સોનોગ્રાફી કરાવવા ચક્ષુતાને લઈ ગયો. ખાનગીમાં ત્યાંથી વત્સલને જાણકારી પણ મળી કે બાળક દીકરી છે. અને બસ પત્યુ...

તે દિવસે રવિવાર, ૧૯૯૩ની પંદર ઓગસ્ટ હતી. ભારતની આઝાદીનો દિવસ, પણ ચક્ષુતા હજી આઝાદ નહોતી. ખાનગીમાં જવાબ મેળવવાનો હોઈ રવિવારનો દિવસ વત્સલને ગમ્યો. રસ્તામાં જ...

“ચક્ષુતા, ડોકટરે મને કહયુ છે કે દીકરી છે. દીકરો નહીં. મારે આ બાળક ન જોઈએ. મેં આવતીકાલનો બપોરનો સમય લઈ લીધો છે. એબોશૅન કરાવી લેવાનું છે....” વત્સલે સત્તાવાહી સ્વરે કહયુ.

રસ્તામાં કઈં બોલવાનો અવકાશ નહોતો. અને તેને ચક્ષુતાની મૂક સંમતિ સમજી વત્સ્લ ખુશ થયો. ઘરે આવીને જયારે મમ્મી-પપ્પાને આ વાતની ખબર પડી ત્યારે...

“વત્સલ, આ તું શું કરવા બેઠો છે! તારા પોતાનાં અંશની હત્યા.. તારા બાળકની હત્યા...!” રાગિણીબહેનનો અવાજ ફાટી ગયો.

“મમ્મી, મારે દીકરી ન જોઈએ. એક જ નક્કી વાત છે. કોઈએ એમાં વચ્ચે નથી આવવાનું. મારો નિણૅય અંતિમ છે.”

“પણ મારે મારૂ બાળક જોઈએ છે..” ચક્ષુતા મોટેથી રડી પડી.

“તારી વાત નહીં સાંભળુ. કાલે ડોકટર પાસે જવાનું છે.”

“વત્સલ, અમારે દીકરી જોઈએ છે. તું એની સામે પણ નહીં જોતો. તારી દીકરીને અમે ઉછેરીને મોટી કરીશું.” અનુરાગભાઈ બોલ્યા.

“પપ્પા...”

“ના દીકરા, હું તારા પપ્પા તરીકે નહીં, આ ઘરનાં વડીલ તરીકે મરો નિણૅય જણાવુ છુ. અને મારો બીજો નિણૅય એ છે કે ચક્ષુતા દીકરી આ સમય દરમિયાન ચિંતામાં કે મુંઝવણમાં ન રહેવી જોઈએ. માટે તું તારી નોકરીમાં ટ્રાન્સફર લઈ લે. ચક્ષુતાની જવાબદારી અમારી. તું એક-દોઢ વર્ષ પછી પાછો અહીં આવજે...”

“....નવા આવનાર તોફાની માટે તેના કાકા રમકડા લાવ્યા છે.... દરવાજો ખોલો.. નહીંતો રમકડા પડી જશે...” બહારથી ચૈતન્યનો અવાજ આવ્યો.

ચક્ષુતાએ દરવાજો ખોલ્યો. ચૈતન્યનાં હાથમાંથી રમકડા લઈ તેને અંદર આવવામાં મદદ કરી. પણ ઘરનું વાતાવરણ જોઈ ચૈતન્યને મનમાં શંકા ગઈ.

“ભાભી, ડોકટર પાસે તમે જઈ આવ્યા? બધુ બરોબર છે ને..!”

ચક્ષુતાએ કઈં જવાબ ન આપ્યો. વત્સલ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. અનુરાગભાઈ અને રાગિણીબહેનનો ચહેરો પણ કઈંક અલગ વાત કરતો હતો.

“મમ્મી, શું વાત છે? પપ્પા, મને કહો ને, પ્લીઝ. મને ચિંતા થાય છે...”

“દીકરા, તારી ભાભીને દીકરી આવશે એ વાત વત્સલને મંજુર નથી. માટે એ દીકરી આપણે ઉછેરીશું. વત્સલ આ સમયગાળામાં અહીં નહીં રહે. તે ટ્રાન્સફર લઈને ચાલ્યો જશે. બાકી બાળકનાં જન્મ પહેલા જ તેની હત્યા કરવાનું પાપ હું નહીં કરવા દઉ.” રાગિણીબહેન દ્રઢતાથી બોલ્યા.

ચૈતન્ય કઈં બોલી ન શકયો. 'ખરેખર આ મારા જ વત્સલભાઈ હશે! માનવામાં નથી આવતુ..!' ચૈતન્યને મનોમન વિચારતા નવાઈ લાગી.

“ભાભી સાથે તમે રહેજો, મમ્મી. મારા રૂમમાં સુઈ જજો. હું પપ્પા સાથે અથવા અહીં ડ્રોઈંગરૂમમાં જ સુઈ જઈશ.” ચૈતન્ય બોલ્યો.

તે રાત્રે કોઈને જમવાનું ન ભાવ્યુ. બે-ચાર કોળીયા જેમ તેમ જમીને બધા સુવા ગયા. પણ ખરેખર બધા સુઈ શકવાના હતા? કે પછી ફકત પડખા બદલવાના હતા!

••••••••••••••••••

: ૪ :

જોયુ ને મિત્રો, વત્સલ, નામે હું, જેનામાં વાત્સલ્યનો અંશ પણ નહોતો. મારા વિષેની થોડીઘણી પણ સારી, હકારાત્મક માન્યતા જો તમારી હતી, તો તેનો તો છેદ જ ઉડી ગયો ને!

હા, મેં જ આવુ કર્યુ હતુ. અને સામે મારા પપ્પા હતા જેથી હું કઈં મારૂ ધાર્યુ ન કરી શકયો....

....કદાચ એક ઘોર પાતકમાંથી ઈશ્વરે મને બચાવી લીધો અને મારી આંખો ઉઘાડી નાખી.... સારૂ થયુ, મારી આંખો ઉઘાડી નાખવા ઈશ્વરે મારી પાસેથી બહુ મોટી કિંમત વસુલ ન કરી.....

સાંભળ્યુ છે કે સારા લોકો સાથે હંમેશા સારૂ થાય છે. શું હું ખરેખર સારો હતો? મારા અંતરમનમાંથી તો 'ના' જ આવે છે. છતા ઈશ્વરે મારી સાથે સારૂ શા માટે કર્યુ હશે! લગ્ન પછી પતિ પત્નીનો એકબીજાનાં સુખ દુ:ખ પર અધિકાર હોય છે. કદાચ ચક્ષુતાને તો મેં મારા ભાગનું દુ:ખ નહોતુ આપી દીધુ ને...!

ત્યારે હજી મારા લગ્નને છ મહિના આરામથી પસાર કરીને હું આનંદ મેળવતો હતો ત્યાં જ મારો ઊભો કરેલો ઝંઝાવાત મેં મારા પરિવારને આપી દીધો!

---------

સોળમી ઓગસ્ટની સવાર પડી. સોમવાર એટલે અઠવાડીયાનાં પહેલા દિવસની શરૂઆત ગણાય. પણ અમારૂ નિવાસ સ્થાન 'ગુંજન' કોઈ જ ગુંજન કરવા સક્ષમ નહોતુ. ઘર મટી મકાન બની ગયુ હતુ. અકલ્પનીય શાંતિ વચ્ચે પણ મનમાં અશાંતિ અનુભવાતી હતી.

“વત્સલભાઈ, તમારી કોફી અને નાસ્તો અહીં રાખ્યા છે. સાત વાગવા આવ્યા. ઉઠો છો ને?” ચૈતન્યએ વત્સલને ઉઠાડતા કહયુ.

“અરે! આજે તું કોફી અને નાસ્તો લાવ્યો છે? ચક્ષુતા..” વત્સલ બોલતા બોલતા અટકી ગયો. કદાચ આગલી રાતની વાત તેને યાદ આવી ગઈ.

“જી...ભાભી... તેમણે જ મને તમારી પાસે મોકલ્યો છે. તમને બ્રશ કરી તરત કોફી જોઈએ માટે..”ચૈતન્ય બોલ્યો.

“ઠીક છે.. ઠીક છે.. તારૂ પી.એચ.ડી.નું કયાં પહોંચ્યુ?”

“એ તો ચાલ્યા કરે છે. ઠક્કર સરે કહયુ છે કે હજી થોડુ સંશોધન ઉમેરવુ જરૂરી છે. માટે હવે એ તૈયારીઓ ચાલે છે. સાથે પછી લેકચર તૈયાર કરવાની જવાબદારીઓ હોય માટે..”

“સરસ. તેં નાસ્તો કર્યો કે નહીં?”

“હા. હું જઉ છું, ભાઈ.” કહી ચૈતન્ય વત્સલભાઈનાં રૂમની બહાર નીકળ્યો અને જાણે તેણે હાશકારો અનુભવ્યો. વત્સલભાઈનાં ગઈકાલનાં સ્વભાવને જોયા પછી ચૈતન્યને વત્સલભાઈની હાજરીમાં ગુંગળામણ થતી હતી.

“મમ્મી, પપ્પા, ચૈતન્ય.. ચાલો નાસ્તો તૈયાર છે.” ચક્ષુતાએ રસોડામાંથી બુમ પાડીને બધાને બોલાવ્યા.

બધા સાથે નાસ્તો કરતા હતા ત્યારે વત્સલ પોતાનાં રૂમમાંથી તૈયાર થઈને નીકળ્યો. કોઈની સાથે વાત કરવાનો અવકાશ જ નહોતો છતા અનુરાગભાઈએ વત્સલને ઉભો રાખ્યો.

“વત્સલ, તારી ટ્રાન્સફર ની વાત કરી લેજે.”

કઈં જવાબ આપ્યા વગર ધુંધવાઈને વત્સલલ ઘરની બહાર નીકળી ગયો. ચક્ષુતાની આંખમાં આંસુ આવી ગયા.

“પપ્પા, કોઈ બીજો ઉપાય નથી શું? તેઓને હંમેશાથી નવા નવા નાટકીય વ્યવ્હાર કરવાની ટેવ છે. એવુ તો નથી ને..? ખરેખર તેઓ આમ કરવા માગતા હશે...” ચક્ષુતા ઉદાસીથી બોલી.

“દીકરી, હું વત્સલને સારી રીતે ઓળખુ છુ. તેનાં ચહેરા પરના ભાવ કહેતા હતા કે તેનું ચાલે તો આ બાળકને જન્મવા જ ન દે. પણ ઈશ્વર જેવુ તત્વ પણ હોય કે નહીં! તે ભલે અહીંથી ચાલ્યો જાય. તું કોઈ બાબતે ચિંતા ન કરતી.” રાગિણીબહેન મક્કમતાથી બોલ્યા.

“તું એક જ કામ કર. ખુશ રહેવાનું, આનંદમાં રહેવાનુ. બાળક પર સારી અસર થશે. મનમાં જરા પણ ઓછુ નહીં લાવવાનું. અમે તારા માતા-પિતા જ છીએ. સરસ જમવાનું, સારૂ વાંચન કરવાનું...” અનુરાગભાઈ લાગણીથી બોલ્યા.

“ભાભી, મારી કોલેજમાં પણ સારી ચોપડીઓ હોય છે. હું લઈ આવીશ. બાકી તમને ખુશ રાખવાની જવાબદારી મારી...” ચૈતન્ય બોલ્યો.

બધાનાં પ્રેમમાં ભીંજાતી ચક્ષુતાએ પોતાની જાતને નસીબદાર માની. પણ આટલા સારા પરિવાજનોમાં વત્સલ શા માટે અલગ પડી આવતા હશે! ચક્ષુતા આ ગડમથલ અનુભવતી હતી. પણ તેનો અત્યારે કોઈ ઉપાય ન મળતા તે ઉભી થઈ અને અંદર ગઈ.

“રાગિણી મને વિચાર આવે છે કે જો વત્સલની ટ્રાન્સફરની અરજી વિગેરેનો કોઈ ઉકેલ ન મળે તો આપણે બંને ચક્ષુતાને લઈને આપણા પંચવટી સોસાયટીનાં ઘરે ચાલ્યા જઈશુ. આમ પણ ત્યાં બગીચો વિગેરે સારૂ છે. ચક્ષુતાને ગમશે.” અનુરાગભાઈએ પોતાનો મત જણાવ્યો.

“હા, વાત તો સાચી છે. ચૈતન્ય અહીં રહે તો પણ વાંધો નહીં. રસોઈ વિગેરેની અહીંની વ્યવસ્થા કરીને આપણે જશું.”રાગિણીબહને પણ અનુરાગભાઈની વાતમાં પોતાનો સુર પુરાવ્યો.

“મમ્મી, મને અહીં રહેવાનું ન કહેતા. તમારી આ વાત હું માની નહીં શકુ. મને વત્સલભાઈની હાજરીમાં ભય લાગે છે. ગુંગળામણ થાય છે. હું તો ભાભી અને તમે બંને જયાં હશો ત્યાં જ આવીશ.” ચૈતન્ય લાગણીથી બોલ્યો.

“ભલે, તારી ઈચ્છા, બેટા. અને પંચવટી સોસાયટીનું ઘર ખોલી સફાઈ કરાવી રાખવી ખરી. અમસ્તુ પણ કયારેક મન થાય તો ત્યાં જઈ શકાય.” અનુરાગભાઈએ કહયુ.

“હા, એ વાત બરાબર છે. ચૈતન્ય, તું શકય બને તો આજે જ ત્યાં જઈ આવજે.”

“સારૂ મમ્મી. અત્યારે નીકળુ.” ચૈતન્ય પણ ઘરની બહાર નીકળ્યો. દરવાજા પર જ..

“...ભાભી, જુઓ જોઈએ કોણ આવ્યુ છે! સમીર અંકલ અને રેણુ આંટી આવ્યા છે...” ચૈતન્યએ ચક્ષુતાભાભીને બોલાવીને કહયુ.

“આવો વેવાઈ આવો. પધારો..”અનુરાગભાઈએ ચક્ષુતાનાં મમ્મી પપ્પાને આવકાર્યા.

ચક્ષુતા પણ અંદરથી બહાર આવી. બધા સાથે બેઠા, પણ ચક્ષુતાનાં આંખોની ભીનાશ તેની ચકોર માતાની આંખોથી અજાણ ન રહી.

“ચક્ષુતા દીકરી, રડતી હતી? શા માટે?” રેણુબહેને પુછયુ.

“મમ્મી, આ તો ખુશીનાં આંસુ છે. હું મંદિરમાં બેસીને ભગવાનનો આભાર માતી હતી કે તેમણે મને આટલો ખુશીનો દિવસ દેખાડયો. ભગવાનની કૃપા વિષે વિચારતા વિચારતા આંખો ભીની બની...” ચક્ષુતા વાત સંભાળતા બોલી.

“હા, એ વાત તો સાચી દીકરી. તું તારા પરિવારમાં સુખી છો એનો મને અને તારા પપ્પાને પણ સંતોષ છે.” રેણુબહેન હસીને બોલ્યા.

“કયાં છે અમારા વત્સલ દીકરા?” ચક્ષુતાનાં પપ્પા સમીરભાઈએ પુછયુ.

“પપ્પા, એ તો ઓફિસે નીકળી ગયા છે. આજે થોડુ કામ હતુ, તો વહેલા નીકળી ગયા.” ચક્ષુતા બોલી.

બધા બેસીને વાતો કરતા હતા દરમિયાનમાં, રાગિણીબહેન નાસ્તો લઈ આવ્યા. થોડીવાર બેસી, વાતો કરી સમીરભાઈ અને રેણુબહેન નીકળ્યા.

“ચક્ષુતા, તેં વાત સંભાળી લીધી. બાકી મને લાગ્યુ કે તારા મમ્મી-પપ્પાને આ વાત ની ખબર પડે તો તેમને કેટલુ દુ:ખ થાય! રાગિણીબહેને કહયુ.

“સાચી વાત કરી રાગિણી. મને તો આપણા વત્સલ વિષે, તેનાં વિચારો વિષે વિચારતા શરમ આવે છે. પણ ચક્ષુતા દીકરી પર ગવૅ થાય છે.” અનુરાગભાઈ લાગણીથી બોલ્યા.

“પપ્પા-મમ્મી, વત્સલની ભુલ છે એ વાત સાચી. પણ એમાં તમારા બંનેનો કે ચૈતન્યનો શું વાંક? હું કઈં વાત કરૂ એ ગેરવ્યાજબી કહેવાય. વત્સલની ટ્રાન્સફર વિષે પણ કઈં વાત કરવની થશે તો સિફતથી વાત કરીશ.” ચક્ષુતા બોલી.

“ખુબ સારા વિચારો છે તારા...સુખી થા દીકરી.” અનુરાગભાઈ બોલ્યા.

••••••••••••••••••

: પ :

....તો આવુ બન્યુ મારી ભુલથી..

....મારો વ્હાલો પરિવાર વિખેરાવા લાગ્યો હતો એ મારી ભુલને કારણે. ના..ના. મારો પરિવાર નહોતો વિખેરાયો. હું હાથે કરીને મારા પરિવાથી દુર થયો હતો. પ્રેમ અને લાગણીનાં પાયા પરની ઈમારતનો પાયો હું નષ્ટ કરવા માગતો હતો. પણ એ પાયો કઈં એવો કાચો નહોતો કે ઈમારત પડી ભાંગે.. તે દિવસે હું ઓફિસે ગયો અને પછી..

---------

“આવો સેજપાલસાહેબ. આવો.. આજે ઘણા વહેલા આવી ગયા..” વત્સલનાં મિત્ર તેજસ સોલંકીએ કહયુ.

“તું પણ શું સોલંકી, મને સાહેબ સાહેબ કહે છે..! વત્સલે ચિડાઈને કહયુ.

“બસ, યાર. તું ચિડાય એ જોવાની મજા આવે એટલે કયારેક કયારેક આમ ચાલી જાય. પણ તું કેમ વધારે ચીડાયેલો છે? મારી નાનકડી વાત પર આટલો ઉશ્કેરાયો?” તેજસને નવાઈ લાગી.

“માફ કરજે દોસ્ત. આજે જરા..” વત્સલ બોલતા બોલતા અટકી ગયો અને કઈંક વિચારમાં ખોવાઈ ગયો.

“વત્સલ, શું વિચારમાં પડી ગયો છે? ઘરે કઈં..!”

“.............” વત્સલ અનુત્તર રહયો.

“ભાભીની તબિયત? માસા- માસી કે ચૈતન્ય તેમને કોઈને કઈં...!”

“.........હું અહીંની ઓફિસમાંથી આપણી ભૂજની ઓફિસમાં ટ્રાન્સફર કરાવી લેવાનો છુ.” વત્સલ થોડુ અટકીને બોલ્યો.

“કેમ... અચાનક જ? સરે કઈં કહયુ?! પણ ગુસાણી સાહેબ તો એવા સ્વભાવનાં નથી કે...!” તેજસનાં મનમાં ગુંચવણ વધતી જતી હતી.

“જો તેજસ, ઓફિસની કોઈ વાત નથી. જરા પસૅનલ વાત છે. વાત જાણે એમ છે કે હું પિતા બનવાનો છુ, અને મારે..”

“અરે..ખુબ ખુબ અભિનંદન દોસ્ત... તો તો પછી તારે ટ્રાન્સફર લેવાની વાત આવે જ નહીં. ગુસાણીસાહેબે કઈં કહયુ હોય તો તેમને પણ..”

“ચુપ રહે તેજસ. કહયુ તો ખરૂ કે ઓફિસની વાત નથી, પણ તું..” વત્સલ ખુબ ગુસ્સાથી બોલી અને જવા લાગ્યો.

“તારી વાત તો પૂરી કરતો જા.” તેજસ ધીમેથી બોલ્યો. પણ તેને મનમાં કઈંક શંકા ગઈ. વત્સલનું બદલાયેલુ વલણ તેને ન સમજાયુ. દરદોજ ઓફિસમાં થતી હસી મજાકની વાતો તેને યાદ આવી ગઈ. સદાનો હસમુખો વત્સલ આવે આમ કેમ કરે છે!

“....મારે દીકરી નથી જોઈતી. એબોશૅન કરાવવાનું કહુ છુ તો ઘરનાં કોઈ મારી વાત સાંભળતા નથી. અને ઉપરથી પપ્પાએ તો કહી દીધુ કે હું ટ્રાન્સફર લઈ ને ચાલ્યો જઉ. મારા જ ઘરમાં મને રહેવા નહીં મળે...” વત્સલ ઉશ્કેરાઈ ગયો. “બોલ, હવે આવી પરિસ્થિતીમાં મારે શું કરવુ..!”

“અહીંથી ટ્રાન્સફર લઈને ચાલ્યા જવુ. અને જો ઘરે જવુ હોય તો ઘરે બધાની માફી માગી તારી ભુલને ભુલી જવાની.” તેજસ ગંભીરતાથી બોલ્યો.

“માફી મારે માગવાની?! શેની માફી! મેં ભુલ કરી છે એમ તું કહેવા માગે છે?!” વત્સલ ફરી ઉશ્કેરાયો.

“એક વાર નહીં, સો વાર તારી જ ભૂલ છે.” તેજસ ગંભીરતાથી બોલ્યો.

“એટલે તું કહેવા શું માગે છે?”

“વત્સલ, મારે એક વર્ષની દીકરી છે. એનાં જન્મથી લઈને અત્યાર સુધીની દરેક યાદગીરી મારા મનમાં છે. એ મારૂ પોતાનું સંતાન છે. એના જીવન પર મારા કારણે જોખમ ન આવવા દેવાય. અત્યારે ઘરે જઉ છુ ત્યારે એ આતુરતાથી મારી રાહ જુએ છે. આવા બધા સુખદ સંસ્મરણો હું કયાં લેવા જવાનો! એનાં નાનકડા, નાજુક હાથનો સ્પશૅ, એનાં હાસ્યનો કણૅપ્રિય અવાજ, એની મુગ્ધ આંખો, તોતડો અવાજ, ચાલવાનો પ્રયત્ન...”

“....બસ કર તેજસ..”

“હું તો કદાચ ચુપ થઈ જઈશ. પણ તું પસ્તાઈશ વત્સલ. મને તો લાગે છે કે તારા મમ્મી પપ્પાનો નિણૅય સાચો છે. તું ચાલ્યો જા એ વધારે વ્યાજબી છે.”

“તેજસ, તું પણ એ લોકોની વાતમાં સાથ આપે છે! મારો મિત્ર છો. મને સમજવાનો પ્રયત્ન તો કર દોસ્ત.” વત્સલ, તેજસનાં જવાબની રાહ જોઈ રહયો.

“તારો દોસ્ત છુ. ચોક્કસ તારો સાચો દોસ્ત છુ. અને માટે જ તને સાચી સલાહ આપુ છુ. આમ પણ દીકરી લક્ષમી કહેવાય. લક્ષમીને તો આનંદે આવકાર અપાય. એક રીતે દીકરી માં શક્તિ નો અવતાર કહેવાય. અને દોસ્ત, આપણી માતા કે પત્ની પણ કોઈકની દીકરી જ છે ને..”

“.....તારી સલાહોની મારે કોઈ જરૂર નથી. હું સર પાસે જઉ છુ. સર આવી ગયા છે. ટ્રાન્સફર લઈને આજે જ અહીંથી ચાલ્યો જઈશ. મારૂ અપમાન કરવાનું, અવગણવાનું તો બધા બંધ કરો...” વત્સલ ટેબલ પર હાથ પછાડી ને ચાલ્યો ગયો.

••••••••••••••••••

: ૬ :

એક તો દોસ્ત મળવો મુશ્કેલ હોય. તેમાં પણ આ તો સાચો દોસ્ત. જેને હું મારી મૂર્ખામી થી ગુમાવી રહયો હતો. તેની સાચી વાતને અવગણવાની ભુલ કરતો હતો. મારી આ ભુલથી ઘણુ બધુ એવુ બની રહયુ હતુ કે જે ન બનવુ જોઈએ. હા, તેજસ નહોતો બદલાયો. તે તેની વાત પર અડગ હતો.

ગુસાણીસાહેબ પાસેથી ટ્રાન્સફર લેવાની સંમતિ મેળવી હું નિશ્ચિંત બની ગયો હતો. એક અઠવાડીયા પછી મારે ભુજ હાજર થઈ જવાનું હતુ. ત્રેવીસમી ઓગસ્ટે સવારે ઓફિસમાં હાજર થવાનું હોવાથી હું એકવીસમી એ જ નીકળી જવાનો હતો. જેથી રવિવારે ત્યાં આરામ પણ થઈ જાય અને મારો સામાન પણ ગોઠવાઈ જાય. ચક્ષુતા ત્યાં કયાં આવવાની હતી કે મારે ચિંતા હોય. જો કે ચક્ષુતાની ચિંતા તો કયાં મને હતી જ!

એ પછી તેજસે મને એકાદ વખત ફરી સમજાવવાનો પ્રયાસ કર્યો. પણ મારા ચહેરાના બદલાતા હાવ ભાવ જોઈ તેણે વાત બદલાવી નાખી.

હું તો મારી મસ્તીમાં જ હતો, જીદ કરવામાં જ હતો. ઘરેથી નીકળતી વખતે મમ્મી પપ્પાને પગે લાગ્યો ત્યારે પણ તેઓ 'સુખી થા દીકરા. ઈશ્વર તને સદ્દબુદ્ધિઆપે.' એવા આશિષ આપવાનું નહોતા ભુલ્યા. સંસ્કારી ચક્ષુતા તથા વ્હાલો ભાઈ ચૈતન્ય પણ મારા આશિર્વાદ લેવાનું નહોતા ચુકયા.

અને હું...! એ બધા પરિવારજનોનાં પ્રેમભર્યા હ્રદયને તોડીને ચાલી નીકળ્યો....

જયારે ઘરમાં...

---------

“ચક્ષુતા દીકરી. રડવાનું રહેવા દે. અમે બધા તારી સાથે જ છીએ.” રાગિણીબહેને કહયુ.

“ભાભી, ચાલો. આપણે બધા બહાર જઈએ.” ચૈતન્ય બધાને બહાર લઈ ગયો. ચક્ષુતા થોડી સ્વસ્થ બની.

બાવીસમી ઓગસ્ટે રવિવાર હતો. સવારે જ ચક્ષુતાનાં મમ્મી પપ્પા રેણુબહેન અને સમીરભાઈ આવ્યા.

“આવો મમ્મી પપ્પા. કેમ છો?” ચક્ષુતાએ હસીને તેમને આવકાર્યા.

“કેમ છે બધા?” રેણુબહેને પુછયુ. ત્યાં રાગિણીબહેન પણ આવી ગયા.

“મજામા છીએ. આવો, પધારો.” રાગિણીબહેને સ્વાગત કર્યુ.

“રાગિણીબહેન, અમે તમારી પાસે રજા લેવા આવ્યા છીએ. ઈશ્વર કૃપાથી ચક્ષુતાને સારા દિવસો છે. તો પછી તેને લઈને અંબાજી અને શ્રીનાથજી દશૅન કરી આવીએ. વત્સલકુમાર અને તમે બધા પણ સાથે ચાલો.”

“મમ્મી, વત્સલને તો તેમનાં કામને કારણે ભુજ જવુ પડયુ છે. થોડા દિવસ ત્યાં જ રહેશે.” ચક્ષુતા બોલી.

“ચૈતન્યને અહીં કોલેજનું, પી.એચ.ડી.નું ચાલતુ હોય. માટે અમે પણ નહીં આવી શકીએ. ચક્ષુતાદીકરીને લઈને તમે જરૂરથી જઈ આવો. કયારે નીકળવાના છો?”

“રાગિણીબહેન, નીકળવુ તો આવતા ગુરૂવારનું વિચાર્યુ. પણ ચક્ષુતાને બે દિવસ અગાઉથી ઘરે લઈ જઈએ તો?”

“રેણુબહેન. બે દિવસ અગાઉ શા માટે? આજે જ તેને લઈ જવી હોય તો લઈ જાઓ. સામાન પણ આપણે બંને મળીને તૈયાર કરી લઈએ.” રાગિણીબહેન લાગણીથી બોલ્યા.

“મમ્મી, આવતીકાલે નિંરાતે જઈશ. આજે રવિવાર છે, તો બધા સાથે રહી શકીએ. ચૈતન્ય પણ ઘરે જ છે.” ચક્ષુતા બોલી.

“સરસ દીકરી. તારો નિણૅય સરસ છે. કાલે તને લેવા આવીશુ.” સમીરભાઈ પણ ચક્ષુતાનાં નિણૅયથી ખુશ થયા.

બધા નાસ્તો કરતા હતા તે દરમિયાન જ ચૈતન્ય ગરમ ગરમ ગાંઠીયા જલેબીનો નાસ્તો લઈ આવ્યો. બધાએ સાથે નાસ્તો કર્યો. નાસ્તો કર્યા બાદ રેણુબહેન અને સમીરભાઈ નીકળ્યા.

“મમ્મી, આવતીકાલથી તો હું નહીં હોઉ, પણ ત્યાં કોઈ વાત નહીં ઉચ્ચારૂ એટલો વિશ્વાસ રાખજો.”

“ચક્ષુતાદીકરી, એ તો તારી ઉપર પુરતો ભરોસો છે. વત્સલે અયોગ્ય વતૅન કર્યુ, પણ તું ડાહી છો એટલે...” રાગિણીબહેનનો સ્વર ભીનો બન્યો.

“દીકરી, તેં વત્સલની ટ્રાન્સફરની વાત ન કરતા વત્સલ ત્યાં થોડા દિવસ ગયો છે એમ કેમ કહયુ!” અનુરાગભાઈને નવાઈ લાગી.

“પપ્પા, મારો વિશ્વાસ કહે છે કે તેઓ થોડા દિવસમાં જરૂર પાછા આવશે.” ચક્ષુતા વિશ્વાસથી બોલી.

ચક્ષુતાનો દ્રઢ વિશ્વાસ જોઈ બધાને નવાઈ લાવી, કારણ કે વત્સલનું વતૅન તેમણે અનુભવ્યુ હતુ. છતા, ચક્ષુતાની ઈચ્છા ઈશ્વર પૂરી કરે એ પ્રાથૅના કરી બધા પોતાના કામમાં પરોવાયા. ચક્ષુતાને આજે આરામ હતો, કારણ કે રસોડાનો ભાર આજે ચૈતન્ય પર હતો.

ચૈતન્યએ બનોલી સ્વાદિષ્ટ વાનગીઓથી બધાને જમવાની મજા આવી ગઈ. ચક્ષુતાએ તો પુછી પણ લીધુ, “ચૈતન્ય, તું આટલુ સરસ જમવાનું બનાવતા શીખ્યો કયાંથી?”

“એ તો છે ને ભાભી, મમ્મી-પપ્પાને એક વખત દસ દિવસ માટે બહારગામ જવુ પડયુ અને ત્યારે વત્સલભાઈએ....” વત્સલનું નામ આવતા ચૈતન્ય અટકી ગયો. “....સોરી ભાભી. મારે... મને ભુખ નથી.” અને હાથ ધોઈ ચૈતન્ય અંદર ચાલ્યો ગયો.

“ચૈતન્ય, દીકરા આટલો ઉદાસ શા માટે થઈ ગયો...” અનુરાગભાઈ ચૈતન્ય પાસે આવ્યા.

“પપ્પા, તમે નથી જાણતા શું?! વત્સલભાઈ આવુ કરી જ કેમ શકે?” ચૈતન્ય રડી પડયો.

“બહાર આવીને જમવા બેસ, બેટા. ચક્ષુતા પણ નથી જમતી. તેને ખુશ રાખવાની જવાબદારી આપણા બધાની છે. પાછુ કાલે તે જવાની છે એ તે સાંભળ્યુ....”

“હા, પપ્પા, ચાલો જમવા આવુ છુ.” મોઢુ ધોઈને ચૈતન્ય બહાર જમવા આવી ગયો.

તે દિવસે સાંજે પણ ચૈતન્યએ જ બધા માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવી. ચક્ષુતા તો બીજે દિવસે જવાની હતી. માટે ઘરે ખુશી, છતા પછીનાં દિવસોમાં લાગવાની એકલતાનું વાતાવરણ હતુ.

••••••••••••••••••

: ૭ :

સોમવારે સવારે...

“ભાભી, તમારા સામાનમાં કઈં રહી નથી જતુ ને?” ચૈતન્યએ પુછયુ. બધુ તૈયાર હોય તો ચાલો હું તમને મુકતો જઉ. હું નીકળુ જ છુ.”

“મમ્મી, હું નીકળુ?”

“હા, દીકરી. આનંદથી જા.” રાગિણીબહેને પ્રેમથી કહયુ.

અનુરાગભાઈ તથા રાગિણીબહેનનાં આશિર્વાદ લઈ ચક્ષુતા નીકળી. તેને 'આવજો' કહી અનુરાગભાઈ તથા રાગિણીબહેન અંદર આવ્યા.

“ચક્ષુતાનાં જતા ઘર કેટલુ ખાલી લાગે છે ને!” અનુરાગભાઈ બોલ્યા.

“હા, પહેલા વત્સલ આવુ વતૅન કરીને ગયો અને પછી ચક્ષુતા આપણી રાજીખુશીથી ગઈ છતા...! પણ મને લાગે છે કે આપણે વત્સલ વગર ટેવાઈ જવુ જોઈએ.”

“પણ રાગિણી, ચક્ષુતાનાં મનનો વિશ્વાસ તો તું જો! કેટલા વિશ્વાસથી તે બોલી હતી કે વત્સલ થોડા દિવસોમાં જ પાછો આવી જશે!”

“શ્રીનાથજી બાપા તેની ઈચ્છા પૂરી કરે. જગતજનની અંબામાં આપણાં બધા બાળકોનું રક્ષાણ કરે... સદબુદ્ધિ આપે...” રાગિણીબહેન ઈશ્વર પ્રત્યેની આસ્થાથી બોલ્યા.

બપોરે જમીને સુવાને બદલે રાગિણીબહેન જુના ફોટાઓનું આલબમ જોવામાં પરોવાયા. વત્સલનાં નાનપણનાં ફોટાઓ જોતી વખતે...

“અરે, સાંભળો છો? જુઓ તો , આ ફોટો કોનો છે..!?”

“આ.. આ ફોટો... અરે આ તો પેલો મલ્લપા.. વેંકટ.. હા, એ જ. વેંકટ મલ્લપા...”

“તો પછી વત્સલ સાથે આવી વ્યકિત અહીં શું કરે છે.. આપણો વત્સલ કેવો સરસ રૂપાળો અને આ માણસ શ્યામ...” રાગિણીબહેન બોલી ઉઠયા.

“ભુલી ગઈ રાગિણી? વત્સલ આપણી પાસે કેવા સંજોગોમાં આવ્યો એ ભુલી ગઈ?”

“..............”

“યાદ કર, આપણે દક્ષિાણમાં ફરવા ગયેલા, ત્યાં તિરૂપતી દશૅન કરી વખતે...”

“અરે હા... તમે યાદ કરાવો છો ત્યારે યાદ આવે છે કે વત્સલ તો એ વેંકટનો, કે ના તેનો પણ નહીં, કોઈનો દીકરો..! એ વાત તો કયારેય યાદ રહી જ નથી.”

“દક્ષિાણભારતમાં આપણાં પ્રવાસનો આપણો ગાઈડ એટલે એ વેંકટ...” અને અનુરાગભાઈ ભુતકાળમાં સરી પડયા.

--------------

“અરે, ભાઈ સાહબ લગતા હૈ આપ લોગ યહાં ઘુમને આયે હૈ. સાહબ, હોટલ મીલ ગયા.. આપ યહાં રૂકે હૈ...”

“રાગિણી, વધુ પાછળ જોયા વગર ચાલ્યા જ કરજે. પ્રવાસન સ્થળોએ તો આવી રીતે બધા આવ્યા કરે.”

“અનુરાગ, પણ જુઓ તો ખરા, એ ગાઈડ લાગે છે.”

“સા'બ, હમ ગાઈડ હું. આપકો હોટેલ સે લે જાઉંગા, યહાં સબ જગહ ઘુમાઉંગા. આપ તો ટેકસી લેકર આયે હૈ. નઝદીક કહીં જાના હો તો ભી મેં આઉંગા સા'બ....”

“દેખો, હમે કોઈ ગાઈડ નહીં ચાહીયે. તુમ જાતે હો યા...”અનુરાગભાઈ ખીજાઈને પાછળ જોઈને બોલ્યા, પણ બોલીને તરત અટકયા.

એ તરફ નજર કરી, તો પેટ અને વાંસો જાણે ચોંટી ગયા હોય એવો દુબૅળ માણસ. પણ ચહેરા પર અજબ ખુમારી. કોઈ ઠગ કે નક્કામો લવારો કરનાર વ્યકિત કરતા કોઈ જરૂરિયાતમંદ હોય એવુ લાગ્યુ. અનુરાગભાઈએ ખીજાઈને જવાનું કહયુ એટલે જાણે ખુમારી ભરેલી આંખોનાં દરિયામાં નિરાશાની ઓટ આવી ગઈ... પણ એ વ્યકિત ક્ષાણાધૅ પણ ન રોકાયો. અનુરાગભાઈએ જ તેને ઉભો રાખ્યો. “ઠહેરો ઝરા, કયા બોલા તુમને? હોટેલ પર લેને આઓગે..?”

“હાં, સાહબ...” ફરી તેની આંખોમાં ચમક આવી.

“અચ્છા, ઠીક હે. દેખો, હમ સબ જગહ પર આરામસે ઘુમના ચાહેંગે. આરામસે હમે સભી જગહ પર લે જાના. જલ્દી જલ્દી કુછ નહીં..” અનુરાગભાઈએ તાકીદ કરી.

“નહીં નહીં સાહબ. આપ જહાં બોલેંગે, જીતના બોલેંગે હમ સબ દીખાઉંગા...”

“અચ્છી બાત હે. દેખો, હમ યહીં પાસ કી હોટેલ મેં ઠહેરે હૈ. તુમ ચલો ઓર થોડી દેર યહાં બેઠો. હમ થોડી દેરમેં કમરે સે આ જાયેંગે. યા ફિર તુમ ઘર જા કે ખાના ખાકે આ જાઓ.”

“સાહબ, મેં યહીં બેઠતા હું.” કહી તે હોટેલ માં જ બેઠો.

“સુનો ભૈયા..” રાગિણીએ તેને સંબોધ્યો.

“જી મેમસા'બ...” તે ઝડપથી ઉભો થયો.

“તુમને અપના નામ તો બતાયા હી નહીં..!”

“જી મેરા નામ વેંકટ... ઔર સા'બ આપકા નામ જાન સકતા હું..?” તે અચકાઈને પુછવા લાગ્યો.

“વેંકટ, મેરા નામ અનુરાગ હૈ, ઔર યે મેરી પત્ની હૈ. ઈસકા નામ રાગિણી હૈ. તુમ બેઠો. હમ આતે હૈ.” અનુરાગભાઈ તથા રાગિણીબહેન અંદર ગયા.

વેંકટ અમારી ઈચ્છા પ્રમાણે અમને બધે લઈ જતો અને અમને ગમે તેટલી વાર અમે ત્યાં રહેતા. વેંકટ અમારી સાથે હોય, પણ જેવી નાસ્તો કરવાની કે જમવાની વાત આવે, તે દૂર ભાગતો. કયારેય નાસ્તાનો એક કણ પણ તેણે અમારી સાથે નથી લીધો. દરરોજનાં નક્કી કર્યા પ્રમાણેનાં પૈસા અમે તેને રોજ આપી દેતા.

આટલો સારો ગાઈડ મળવા બદલ અમે હજી પોરસાતા જ હતા ત્યાં તે દિવસે વેંકટ સવારે દસ વાગ્યે આવ્યો જ નહીં. અમને લાગ્યુ કે આજે તે નહીં આવે. આટલા દિવસોમાં તે કયાં રહે છે તે પણ અમે નહોતુ જાણ્યુ, અને ઉપરથી તે થોડા પૈસા એડવાન્સમાં લઈ ગયો હતો. અનુરાગભાઈ મનમાં ધુંધવાતા હતા ત્યાં જ તે દૂરથી આવતો દેખાયો. દોડતો આવતો હતો અને અમારી નજીક પહોંચ્યો ત્યાં તો હાંફી ગયો હતો.

“સાહબ વો....”

“હાં, જાનતા હું. અબ તુમ બહાને બનાઓગે...ઔર..” ફરી અનુરાગભાઈની નજર વેંકટ પર પડી. ચાર નજરો મળી અને ફરી વાર એ જ.. એ બે આંખોમાં નિરાશાની ઓટ...! “વેંકટ કમ સે કમ બતા તો દેતે કી દેર સે આઓગે..” અનુરાગભાઈએ નરમાશથી કહયુ.

અનુરાગભાઈની સ્વભાવગત નરમાશ સામે વેંકટે જે જવાબ આપ્યો તે..

“સાહબ, છોટા બચ્ચા બીમાર થા... તો મુજે રૂક જાના પડા.”

“કીતને બચ્ચે હૈ તુમ્હારે?”

“સાહબ, મેરે તો દો બચ્ચે હૈ. લેકીન વે દોનો ઠીક થે. એક ઔર બચ્ચા ભી હૈ. એકાદ મહિનેકા હોગા. વો બીમાર હૈ.”

વેંકટ કઈં કોયડા જેવુ બોલ્યો. અને અનુરાગભાઈને પોતાનું બાળક, બીજુ બાળક... કઈં ખબર ન પડી. તેમણે વેંકટને જ પુછયુ. “કયા પહેલી બુજા રહે હો વેંકટ?! સાફ સાફ બતાઓ.”

“સાહબ, બાત યે હૈ કી.. સાહબ, મૈં પહેલે ગાઈડ નહીં થા. યહાં રેલવેમેં સફાઈ કીયા કરતા થા. મેરી ઘરવાલી કા સબ્જીયોંકા ઠેલા હૈ. હમારે દો બચ્ચો કે સાથ હમ ખુશ થે. ઉસ દિન, મુજે યાદ હૈ, રવિવાર કા દિન થા. હમ જેસે લોગો કે લિયે આમ દિન કયા ઔર છુટ્ટી કા દિન કયા! મૈં સબેરે કામ પર નીકલા. ઉસ દિન યાડૅ કી સફાઈ કે લિયે મુજે જાના થા. વહાં ટ્રેઈન કે એક ડિબ્બે કે પાસ એક બચ્ચે કી રોને કી આવાઝ સુનાઈ દી. મુજે લગા કી વો ભુખા હોગા. ઉસ બચ્ચે કો સાથ લેકર ઉસકી માં યહીં કહીં હોગી. થોડીદેર મૈંને ધ્યાન નહીં દીયા. લેકીન બચ્ચેકા રોના બંધ નહીં હુઆ. મેં વહાં ગયા તો કયા દેખતા હું..! એક સાફ ચાદરમેં છોટા બચ્ચા લીપટા હુઆ થા. ભુખ સે બેચારા બીલખ રહા થા. રો રહા થા. પહેલે તો મૈંને આસપાસ દેખા કી શાયદ કોઈ વહીં નઝદીક હો. લેકીન યાડૅ કે કરીબ વૈસે કોઈ આતા જાતા નહીં થા. તો ફિર યે બચ્ચા! મુજે સમજનેમેં દેર ન લગી કી ઈસ નન્હી સી જાન કો છોડકર કોઈ કઠોર માં ચલી ગઈ હૈ. રેલવે પુલિસ કે પાસ જાતે જાતે મેરે કદમ રૂક ગયે. મૈંને બચ્ચે કો હાથમેં ઉઠાયા. મેરે હાથમેં આતે હી બચ્ચેને રોના બંધ કર દીયા. બડે હી પ્યારસે વો મુજે દેખ રહા થા.”

“આગે કયા હુઆ, વેંકટ?” રાગિણીએ પુછયુ, પણ વેંકટ આગળ ન બોલ્યો.

“સાહબ, આગે કી બાત મેરી ઘરવાલી આપકો બતાયેગી.... લેકિન...”

“લેકિન કયા વેંકટ? ચલો, અપને ઘર લે ચલો. તુમ્હારી ઘરવાલી સે મુજે પુરી બાત સુનની હૈ.” રાગિણીબહેન બોલ્યા.

“મેમસાહબ, આપ મેરે ઘર...! વો તો..! ઔર આજ ઘુમને કા?”

“વેંકટ, બડે છોટો મેં હમ નહીં માનતે. તુમ અપને ઘર લે ચલો. ઘુમને હમ કલ ભી તો જા સકતે હૈ.” અનુરાગભાઈ બોલ્યા.

વેંકટ અમને બંનેને પોતાના ઘર તરફ લઈ જવા લાગ્યો. દિવસનાં ભાગે પણ થોડો અંધકાર લાગે તેવી સાંકડી ગલીમાંથી તે અમને લઈ જવા લાગ્યો. એક મીનીટ માટે તો એમ પણ થઈ ગયુ કે વેંકટ અમને અંધારી ગલીઓમાંથી કોઈ ગેરવ્યાજબી જગ્યાએ તો નથી લઈ જતો ને! પણ વેંકટનો ચહેરો જોઈ અમારી શંકાનો છેદ ઉડી જતો હતો. અને ઉપરથી તેનો ઉત્સાહ સાથે સંકોચ ભર્યો 'આઈએ સાહબ' કહેવાનો લહેકો તેની સચ્ચાઈનો રણકો દર્શાવતો હતો.

એક નાનકડા ઘર પાસે જઈને તે ઉભો રહયો. ઘર તો કેમ કહેવુ! ઈંટો ગોઠવીને ઉપર પતરા નાખેલા હતા અને ઈંટોને સીમેન્ટ માટીથી લીંપેલી હતી. વેંકટ અંદર જઈને તેની પત્ની કવિતાને બહાર બોલાવી લાવ્યો. વેંકટે અંદર અમારી ઓળખાણ આપી હશે તેથી કવિતા પણ 'આઈએ મેમસા'બ' કહેતી ઓછી ઓછી થવા લાગી. વેંકટ અંદરથી એક ખાટલો લઈ આવ્યો. અને અમને બહાર બેસાડયા. કવિતા અંદર જઈ પાણી લઈ આવી.

“કવિતા, મેમસા'બ હમારે તીસરે બચ્ચે કે બારેમેં જાનના ચાહતી હૈ...” વેંકટ બોલીને અટકયો. કવિતા આશ્ચયૅથી વેંકટની સામે અને પછી અમારી સામે જોવા લાગી.

“બતાઓ કવિતા. ઉસ બચ્ચેકે બારે મેં બતાઓ. અબ ઉસકી તબિયત કૈસી હૈ?” રાગિણીબહેનની ધીરજ ન રહી.

“બચ્ચા તો બભી ઠીક હૈ. લેકિન આપ કયોં...!” કવિતાને નવાઈ લાગી.

“સાહબ અચ્છે લોગ હૈ, કવિતા. તુ બતા, કયા હુઆ થા. મૈં હી ઈન્હે તુમ્હારે પાસ લે આયા હું.”

વેંકટની સંમતિ મળતા કવિતાએ વાત શરૂ કરી. “મેમસા'બ, ઉસ દિન જબ ઈન્હે બચ્ચા મિલા, તો વો ઉસે લેકર મેરે પાસ આ ગયે. ....બચ્ચે કો રોતા દેખકર મૈં સમજ ગઈ કી કયા હુઆ હોગા. જલ્દીસે બચ્ચે કો મૈંને અપને હાથ મેં લીયા ઔર અપની સબ્જી કા ઠેલા યે લેકર આને લગે. હમને બચ્ચે કે લીયે વહીં નઝદીકસે દુધ લીયા ઔર ઉસે પીલા દીયા. ભુખ સે રો રો કર થકા હુઆ બચ્ચા દુધ પીને કે બાદ બડે ચૈનસે સો ગયા.”

“હમ દોનો કે મનમેં સવાલ થા કી અબ ઈસ બચ્ચેકા કયા કરે. લેકિન હમારી દુવિધાકો હમારે બડે લડકેને સુલજા દિયા. બચ્ચેકો દેખતે હી વો બોલા, “ઈતના અચ્છા ભાઈ, ઈતની પ્યારી સુરત.. મુજે બહોત અચ્છા લગા...” જૈસે હમારા બચ્ચા હમારી મનકી બાત સમજ ગયા. ઔર સાહબ, તબસે વો બચ્ચા હમારે પાસ હી હૈ.” વેંકટ બોલ્યો.

“હમ નહીં જાનતે, યે બચ્ચા કીસકા હૈ. લેકિન અબ વો હમારા પ્યારા બચ્ચા હૈ.” કવિતાએ કહયુ.

“કયા હમ બચ્ચેકો દેખ સકતે હૈ?” અનુરાગભાઈ બોલ્યા.

કવિતા અંદરથી એ બાળકને લઈને બહાર આવી. બાબો સરસ રમતો હતો. એમાં પણ રાગિણીબહેન પાસે આવીને તે ખિલખિલાટ હસવા લાગ્યો. રાગિણીબહેન પણ બાળકને રમાડવામાં મશગુલ થઈ ગયા.

“સાહબ, તાજા ઈડલી ચટની લાયા હું.” વેંકટ અમારી નજીક આવીને બોલ્યો. અમે બાબાને રમાડવામાં મશગુલ હતા ને પાછળથી વેંકટ અમારા માટે નાસ્તો લઈ આવ્યો. અમારી આગતા સ્વાગતા કરવાની જરૂર પણ ન હોય, છતા પણ એ...

“વેંકટ, ઈસકી કયા ઝરૂરત હૈ!”

“હમારે ગરીબ ઘર મેં આપ જૈસે મહેમાન કહાં! મેરી ઔકાત નહીં કી ઈસસે ઝયાદા કુછ લા સકુ. પર સાહબ, બડે પ્યાર સે લાયા હું. થોડા લે તો..”

અમે વેંકટનાં પ્રેમ સામે ના ન પાડી શકયા. અમે ધરાઈને નાસ્તો કર્યો. વેંકટ અને કવિતા પણ નાસ્તો કરવામાં અમારી સાથે હતા. ખરેખર, કવિતા અને વેંકટનો પ્રેમ અદભુત હતો.

તે દિવસનું ફરવા જવાનું તો મુલતવી જ રહયુ. અમે વેંકટનાં એ દીકરાને રમાડવામાં ફરી મશગુલ બની ગયા અને નિંરાતે હોટેલ પર આવ્યા. વેંકટને તથા તેના પરિવારને અમે થોડા પૈસા પણ આપ્યા. અમારા આગ્રહ સામે વેંકટ એ પૈસા લેવાની ના ન પાડી શકયો.

હોટેલ પર જઈને રાગિણીબહેન ઉદાસ હતા.

“રાગિણી, અત્યારે ઉદાસ કેમ લાગે છે?”

“આપણે પેલા બાળકને રમાડયો તો મને પણ ઈચ્છા થઈ ગઈ કે આપણા પોતાના બાળકની ઈચ્છા ઈશ્વર કયારે પૂરી કરે અને કયારે...” રાગિણીબહેનની આંખોમાં આંસુ આવી ગયા. “એવુ ન બને તો આ બાળક જ....”

“પણ એ તો વેંકટનો દીકરો..” અનુરાગભાઈ બોલ્યા.

“એ હકીકતે એનો દીકરો કયાં છે? અને આપણે વાત કરીએ. સાંજે જ એનાં ઘરે જઈએ. તેને જોઈએ તો થોડા પૈસા...” રાગિણીબહેન ભાવુક બની ગયા.

“પૈસાનો સવાલ નથી રાગિણી. વેંકટનો એ દીકરા માટેનો પ્રેમ જોતા લાગે છે કે વેંકટ નહીં માને..”

“હું એને સમજાવીશ. વિનંતી પણ કરીશ.” રાગિણીબહેન દ્રઢતાથી બોલ્યા.

તે દિવસે સાંજે જ વેંકટનાં ઘરને શોધતા શોધતા રાગિણીબહેન તથા અનુરાગભાઈ હોટલ પરથી નીકળ્યા. ઘર શોધતા થોડી વાર લાગી, પણ વેંકટનું ઘર મળી ગયુ આથી રાગિણીબહેન ખુશ થયા. દરવાજો ખખડાવી તેઓ બહાર ઉભા રહયા.

વેંકટ બહાર આવ્યો તો આશ્ચયૅમાં પડી ગયો. “સાહબ, આપ લોગ ઈસ વકત! આઈએ.. મૈં અંદર સે કુર્સી લે આતા હું.”

“કોઈ બાત નહીં વેંકટ. હમ અંદર હી આતે હૈ.” કહીને અનુરાગભાઈ-રાગિણીબહેન અંદર ગયા. વેંકટનાં બંને બાળકો તથા નાનકડો બાબો, ત્રણે ખુશખુશાલ દેખાતા હતા.

વેંકટનાં અને કવિતાનાં ચહેરા પર પ્રશ્ન હતો. અને વાતની પૂવૅભુમિકા કઈ રીતે બાંધવી એ અનુરાગભાઈને નહોતુ સમજાતુ. છતા વાતની શરૂઆત કરવા તેઓ બોલ્યા, “હમ સબેરે ઈસ બચ્ચે કે સાથ ખેલને મેં ઈતના ઉલજ ગયે તો તીનો બચ્ચો કે નામ હી નહીં પુછે. અભી ટહેલને નીકલે તો સોચા કી તુમ્હારે યહાં હો આયે. ઔર હમ આ ગયે.....”

“હાં, સાહબ. અચ્છા કીયા. વો તો આપકો અચાનક દેખકર...! સાહબ, યે હમારા બડા બેટા સુધાકર. યે છોટા દીપક. ઔર યે સબસે છોટા. ગુડ્ડુ. ઈસકા નામ હમને અભી નહીં રખ્ખા.” વેંકટ હોંશે હોંશે બોલ્યો.

“વેંકટ, ગાઈડ તો તુમ બડે અચ્છે હો. ઈસકે અલાવા તુમ કયા કામ કરતે હો?” અનુરાગભાઈએ પુછયુ. “ઈસ મહેંગાઈમેં પાંચ લોગો કા ગુઝારા..!”

“સાહબ, કવિતા કે સાથ સબ્જીકા ઠેલા હી ચલાતા હું.”

“સાહબ, ઈસકો એક આદત બડી ખરાબ હૈ. યે હંમેશા સે લોટરી કી ટીકટ ખરીદતે હૈ. કઈં બાર ઈસીમેં હમારે પૈસે બરબાદ હુએ હૈ.”

“લોટરી કી આદત તો બુરી આદત હૈ. તુમ યે ઠીક નહીં કર રહે હો, વેંકટ.”

“જાનતા હું સાહબ, કે યે ઠીક નહીં હૈ. લેકિન કયા કરૂ! કભી કભી તો ઈતની મુશ્કિલ બઢ જાતી હૈ કી કયા બતાઉ. ફીર લગતા હૈ કી અગર લોટરી લગ જાયે તો અચ્છા. કુછ તો કમા સકતા હું, ઔર પરિવાર કા ગુઝારા અચ્છે સે કરવા સકતા હું...” વેંકટ ગળગળો થઈ ગયો.

થોડીવાર કોઈ કઈં ન બોલ્યુ. મૌન તોડતા રાગિણીબહેન બોલ્યા, “વેંકટ, તુમસે ઔર કવિતા તુમસે ભી મેરી એક બિનતી હૈ.”

“મેમસા'બ, આપ હમસે બિનતી કયું કરતી હૈ? આપ હુકમ કીજીયે...” કવિતા બોલી.

“કવિતા, મૈં તુમસે કુછ માગના ચાહતી હું, ઈસીલીયે બિનતી કરતી હું.... તુમ્હારા ગુડ્ડુ મુજે દે દો.... મેરી ખાલી ઝોલી ભર દો...”

“યે કયા કહે દિયા...! સાહબ યે..” વેંકટ આઘાતનો માર્યો કઈં બોલી જ ન શકયો. કવિતા રડવા લાગી.

“વેંકટ, હમારી શાદી કો દો સાલ સે ઝયાદા વકત ચલા ગયા, ફીર ભી અભી ભગવાન કી કૃપા હમ પર નહીં હુઈ હૈ. તિરૂપતી દશૅન કરને હમ ઈસી લીયે આયે હૈ... કઈં મન્નતે માગી લેકિન...” અનુરાગભાઈની આંખ ભીની બની ગઈ. તેઓ આડુ જોઈ ગયા.

“મૈં અપના ગુડ્ડુ નહીં દુંગી. આપ લોગ ચલે જાઈએ..” કવિતા રડતા રડતા બોલી.

“સાહબ, આપ ઐસા કૈસે કહે સકતે હૈ મૈં ઔર કવિતા આપ કી બડી ઈઝઝત કરતે હૈ. આપ સાહબ...”

“વેંકટ, ભગવાનકા દીયા હમારે પાસ સબકુછ હૈ. બસ, એક બચ્ચેકી કમી હૈ. કયા પતા, હમારી તુમ્હારી મુલાકાત ઈસી કારણ હુઈ હો... હમારી બાત માન લો વેંકટ. હમારી તુમસે બિનતી હૈ.” અનુરાગભાઈ ફરી બોલ્યા. “કુછ પૈસે ભી લે લો..”

“સાહબ, ઈસ વકત આપ યહાંસે ચલે જાઈએ. મૈં કુછ સુનના નહીં ચાહતા. મેરી આપસે હાથ જોડકર બિનતી હૈ.”વેંકટ સહેજ ઉગ્ર સ્વરે બોલ્યો.” હમ ઈતને ભી ગરીબ નહીં કી અપના બચ્ચા બેચ દે.”

કવિતા તો ગુડ્ડુને પોતાની પાસે એવી રીતે રાખીને બેઠી હતી, જાણે તેનાં ગુડ્ડુને લઈને રાગિણીબહેન ચાલ્યા જવાનાં હોય. બાળક પ્રત્યેનાં ખેંચાણને કારણે રાગિણીબહેનને ત્યાંથી લઈ જવાનું અનુરાગભાઈને અઘરૂ પડયુ.

હોટેલ પર આવીને રાગિણીબહેન રડે અને ઘરે કવિતા રડે. અનુરાગભાઈ અને વેંકટની પરિસ્થિતી સરખી હતી. તેઓ બંને પોતપોતાની પત્નીને કઈં પણ સમજાવવા અસમથૅ હતા.

બીજે દિવસે સવારે વેંકટ હોટેલ પર આવ્યો. અનુરાગભાઈએ તેને રૂમમાં બોલાવી લીધો.

“સાહબ, કલ જો ભી હુઆ, કુછ ઠીક નહીં હુઆ.. કલ કી બાત ભુલકર હમ આજ સે..”

“હમ તુમસે માફી ચાહતે હૈ વેંકટ. હમ... મૈં તો શાયદ કલ કી બાત ભુલ ભી જાઉંગા, લેકિન રાગિણી નહીં ભુલ પાયેગી. કલ રાત સે ઉસે તેઝ બુખાર હૈ. ના કુછ ખાયા, ના પીયા. બસ, ગુડ્ડુ કો યાદ કરતી હૈ. ઈસીલીયે આ જ તો હમ કહીં નહીં જા સકેંગે. યે લો તુમ્હારે આજ કે પૈસે. કવિતાસે ભી હમારી ઓર સે માફી માગ લેના.”

“સાહબ, મૈં બીના કામ કીયે પૈસે નહીં લે સકતા.”

“વેંકટ, તુમ્હારે ઘર કી પરિસ્થિતીસે ભલી ભાંતિ વાકેફ હું. આજ પૈસે નહીં મીલે તો તુમ્હે તકલીફ હોગી. મેરી ખાતિર પૈસે લે લો, દોસ્ત!”

વેંકટ કઈં ન બોલ્યો અને ઘરે ચાલ્યો ગયો. અનુરાગભાઈ રાગિણીબહેનની સુશ્રુષામાં પરોવાયા.

“અરે, આજ આપ બડે જલ્દી આ ગયે! ઘુમને નહીં લે જાના હૈ કયા?” કવિતાએ પુછયુ, પણ વેંકટ વિચારમાં હતો. તે કઈં જવાબ ન આપી શકયો. “આપને કુછ બતાયા નહીં? કુછ સોચ મેં હૈ કયા? કહીં સાહબ ને તો કામ સે નિકાલ... દીયા...!”

“હં.... નહીં, સાહબને નહીં નિકાલા. વો તો બડે ભલે હૈ. આજ કહીં જાના નહીં, ફીર ભી સાહબ ને મુજે પૈસે દીયે. મેરી, તમ્હારી માફી માગી...”

“ઔર મેમસા'બ.. વો કુછ ના બોલી?”

“વો કહાં કુછ બોલને કે હાલાત મેં થી..! વે બડી બીમાર હૈ. તેઝ બુખારમેં તડપ રહી હૈ. કલ રાત સે કુછ નહીં ખાયા પીયા.. નીંદ મેં ભી ગુડ્ડુ કે બારેમેં બડબડા રહી હૈ. સાહબ બડે ચિંતિત હૈ.”

'અરે દેવા... યે કયા હો ગયા.. કીસી ઔર કે બચ્ચે સે ઈતના ઝયાદા પ્યાર! હમ કુછ ગલત તો નહીં કર રહે ના..?' કવિતાને પણ આવો વિચાર આવી ગયો. તે બોલી, “સુનીયે, હમ ગુડ્ડુ કો ઉન્હે દે દેતે હૈ....”

“લેકિન કવિતા...”

“હમારે તો ભગવાન કે દીયે દો પ્યારે બચ્ચે હૈ. ઔર ઉનકે પાસ! ઔર મૈં એક માં હું. મૈં ઉનકા દદૅ સમજ સકતી હું. આપ અભી ચલો. ભગવાન ન કરે, મેમસા'બ કો બીમારી મેં કુછ હો ગયા તો મૈં અપને આપ કો કભી માફ નહીં કર પાઉંગી....”

“એક ઔરત હી દુસરી ઔરત કો ભલી ભાંતિ સમજ સકતી હૈ, કવિતા. મૈં તુમસે યે બાત કહેના ચાહતા થા, પર ડરતા થા કી તુમ કયા સોચોગી! અગર તુમ બુરા માન ગઈ તો! પર તુમને યે બાત કહેકર મેરે મનકા બોજ હલકા કર દિયા. મુજે તુમ પર ગવૅ હૈ...” વેંકટ હસીને બોલ્યો.

હોટેલનાં રૂમ પર ફરી વેંકટ અને કવિતા આવ્યાનાં સમાચાર અનુરાગભાઈને મળ્યા તો તેમને નવાઈ લાગી. છતા તેમણે વેંકટને અને કવિતાને અંદર બોલાવી લીધા.

“સાહબ, સંભાલીયે અપને ગુડ્ડુ કો. ઔર મેમસા'બ ભી અબ જલ્દીસે ઠીક હો જાયેગી.” વેંકટે બાળક અનુરાગભાઈનાં હાથમાં સોંપ્યુ.

“વેંકટ, કવિતા, કયા તુમ દોનો અપની મરઝીસે..? કવિતા, ઈસને તુમ પર કોઈ દબાવ તો નહીં ડાલા ના?” અનુરાગભાઈએ પુછયુ.

“નહીં સાહબ. હમ અપની મરઝીસે હી આયે હૈ. મેમસા'બ ઉઠીયે. દીખિયે આપકા ગુડ્ડુ આયા હૈ.” કવિતાએ હળવેથી રાગિણીબહેનનાં માથા પર હાથ ફેરવ્યો.

રાગિણીબહેન ગુડ્ડુનું નામ સાંભળી પથારીમાંથી બેઠા થઈ ગયા. ઓહ! આટલી ખુશી તો તેમને કયારેય નહોતી થઈ.

“કવિતા, મૈં તુમ્હારા યે ઉપકાર કભી નહીં ભુલુંગી. બોલો, તુમ્હે કયા ચાહિયે?” રાગિણીબહેન અશકત પણ ખુશીનાં સ્વરે બોલ્યા.

“બસ, આપ ગુડ્ડુ કો અચ્છે સે સંભાલીયે. યહી હમેં ચાહીયે. ઔર કુછ નહીં..” કવિતા સાહજીકતાથી બોલી.

તે વખતે તો ગુડ્ડુને રાગિણીબહેન અને અનુરાગભાઈ પાસે રમતો છોડી કવિતા અને વેંકટ ચાલ્યા ગયા. પણ પાછળથી અનુરાગભાઈ અને રાગિણીબહેને નક્કી કરીને વેંકટને એક સારા વિસ્તારમાં ઘર લઈ આપ્યુ. આટલા વર્ષો પહેલા તો ઘર પણ આટલુ મોંઘુ ન આવતુ. વેંકટનાં બાળકો સારૂ શિક્ષાણ મેળવી શકે એ માટે પણ તેમણે વ્યવસ્થા કરી.

“વેંકટ, યહાં દસ્તખત કર દો.” અનુરાગભાઈએ વેંકટને ઘરે જઈને કહયુ.

“સાહબ, યે કયા હૈ?”

“વેંકટ, હમને તુમ્હારે લીયે એક ઘર ખરીદા હૈ. કુછ બેંક રસીદે હૈ. ઔર એક છોટી સી કાયૅવાહી કે રૂપમેં એક કાગઝ ઔર ભી હૈ, કી તુમ ગુડ્ડુ કો અપની મરઝીસે હમે સોંપ રહે હો, તાકી તુમ્હારે યા હમારે જાન પહેચાનવાલે કોઈ બાદ મેં કુછ ના કહે.” અનુરાગભાઈ સમજાવતા બોલ્યા.

“સાહબ, ગુડ્ડુ કે વાસ્તે તૈયાર કીયે ગયે કાગઝકી બાત અલગ હૈ, લેકિન ઘર...!” વેંકટને નવાઈ લાગી.

“વેંકટ, યે ઘર સિફૅ ઔર સિફૅ હમારી તરફ સે, તુમ્હારે લીયે... હમારા પ્યાર... યાદ... સાથમેં કુછ પૈસે ભી હૈ, તાકી તુમ અપના બીઝનેસ શુરૂ કર દો ઔર ખુદ સાહબ બન જાઓ. અચ્છે સે રહો.” રાગિણીબહેન પ્રેમાળ સ્વરે બોલ્યા. “ઔર અપની કવિતાકો ભી કુછ મનચાહી ચીઝે ખરીદકર દે સકો...”

વેંકટ અને કવિતાની આંખમાં આંસુ આવી ગયા. “સાહબ, હમારા આપકા આખિર રીશ્તા હી કયા હૈ, જો આપ હમારે લીયે ઈતના કુછ કર રહે હે!”

“ભગવાન તિરૂપતી કો ભી વેંકટ હી કહેતે હૈ ના! તો સમજ લો, હમારે લીયે તુમ વહી હો...!” અનુરાગભાઈએ કહયુ.

“સાહબ...! ઈતના ઉંચા દરજજા મેરા નહીં હો સકતા. આપકા બડપ્પન હૈ, કી મુજ જૈસે છોટે આદમી કો...”

કોઈ ખાસ સંબંધ નહીં છતા પરસ્પરની લાગણી! અને આ લાગણીની સુવાસ લઈ ને જ તો બધા છુટ્ટા પડયા. ખાલી હાથે તિરૂપતીનાં દશૅન કરવા ગયેલ દંપતિને ભગવાને ખુબ આપ્યુ.

જો કે ગુડ્ડુ ને લઈને પાછા આવ્યા પછી અનુરાગભાઈ કે રાગિણીબહેનને કયારેય બાળક દત્તક હોવાનું અનુભવ્યુ કે જણાયુ પણ નહીં. અને વેંકટ કે કવિતા કે સુધાકર, દીપકને કયારેય મળવાનું પણ ન થયુ.

-----------

“....અરે હા.. યાદ આવી ગયુ. પછી તો આપણા વાત્સલ્યનાં પ્રતિકનું નામ આપણે વત્સલ પાડયુ. સમય પસાર થતો ગયો અને વત્સલનાં પગલે ઘર ખુશખુશાલ બન્યુ અને ચૈતન્ય પણ જનમ્યો...” રાગિણીબહેન રોમાંચિત થઈને બોલ્યા.

“વત્સલ આપણા જીવનમાં કેટલો વણાઈ ગયો છે, જોયુ ને રાગિણી! તને કે મને એ વાત યાદ જ ન આવી કે વત્સલ આપણું સંતાન નથી અને ચૈતન્યને પણ...”

અનુરાગભાઈનું બોલવાનું પુરૂ ન થયુ ત્યાં તો બહાર કઈંક અથડાવાનો અવાજ આવ્યો. તેમણે જઈને જોયુ તો...

“ચૈતન્ય, તું..?!”

“હા, પપ્પા. આવી ગયો. અને ન સાંભળવાનું સાંભળ્યુ. આ તો જન્મનાં જ સંસ્કાર હશે કે વત્સલભાઈ...!” ચૈતન્ય રડી પડયો.

“કયારેક આવુ બની જાય. અને કોઈકનાં જીવનમાં આવી નબળી ક્ષાણ હોય તો કોઈકને માટે એ ક્ષાણો ને બદલે દિવસો-મહિનાઓ બની જાય...” રાગિણીબહેન બોલ્યા.

“પણ વત્સલભાઈ! મમ્મી, તમારા સંસ્કારોમાં કે પપ્પાનાં પ્રેમમાં કે પછી મારા વતૅનમાં કયાં ખામી રહી ગઈ એ નથી સમજાતુ... એક દત્તક સંતાન..”

“ચૈતન્ય, વત્સલ ત્યારે પણ દત્તક નહોતો. અત્યારે પણ નથી. એ વાત ફરી કયારેય ન ઉચ્ચારતો અને ભૂલી જજે.” રાગિણીબહેન લાગણીથી બોલ્યા.

ચૈતન્ય પણ એ વાત ભૂલવા માગતો હતો. રાગિણીબહેન અને અનુરાગભાઈ વત્સલની યાદમાં એટલા ખોવાઈ ગયા હતા કે તેઓ ભુલી ગયા કે ચૈતન્યને જમવાનું બાકી છે. ચૈતન્ય પણ વધુ કઈં કહયા વગર પોતાનાં રૂમમાં ગયો...

પરિસ્થિતી ડામાડોળ બની જ ચુકી હતી. પછી એ ઘરનું વાતાવરણ હોય કે ચૈતન્યની મનોસ્થિતી કે પછી અનુરાગભાઈ-રાગિણીબહેનનું સ્વભાવગત ચિંતિત થવુ.

અને આ તરફ વત્સલની પરિસ્થિતી પણ ડામાડોળ હતી. વૈચારિક મતભેદ હવે પરિવારજનો સાથેનાં મનભેદમાં પરિણમ્યો હતો. વત્સલ હવે ભૂજમાં હતો....

••••••••••••••••••

: ૮ :

હા, હું દત્તક સંતાન છુ. મને પણ નવાઈ લાગી હતી જયારે મને આ વાતની ખબર પડી. પણ મને આ વાત ખબર પડતા સુધીમાં તો મારા ઘર અને જીવનમાં અનેક ઉથલ પાથલ મચી ગઈ હતી. ખરૂ કહુ ને તો મારા માતા-પિતાને ધન્યવાદ દેવા ઘટે, કારણ કે તેમનો મારા માટેનો પ્રેમ લાગણી કયારેય ઓછા નહોતા જ થયા, અને પછી પણ તેમણે મને ખુબ પ્રેમ આપ્યો. અને ચૈતન્ય! મારો અને તેનો સંબંધ જાણ્યા પછી પણ 'ભાઈ.. ભાઈ...' કહેતા તેની જીભ ન સુકાતી. ઘરનાં સભ્યોનું વતૅન મારા માટે દયનીય કયારેય નથી રહયુ. પરંતુ તેમનું વતૅન એટલે લાગણીભીનો, પ્રેમભીનો વ્યવ્હાર....

એ નબળી ક્ષાણ મારા જીવનમાં શા માટે આવી એ નથી સમજી શકતો. પણએ સમયે અમને બધાને વધુ નજીક લાવી દીધા, એ હકીકત છે.

ભુજ તો હું પહોંચી ગયો અને પછી ત્યાં....

---------

“હું એક દિવસ વહેલો જ આવી ગયો, સર. જેથી રવિવારે ગોઠવાઈ જવાય અને સોમવારથી કામ શરૂ કરી શકુ.”વત્સલે ઓફિસનાં સરને કહયુ.

“સરસ, મી.વત્સલ. તમારી કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ મને આનંદ થયો. જો કે ઓફિસ રવિવારે બંધ હોય છે. પણ તમે આવતા હતા માટે તમને આવકારવા આજે અહીં આવ્યો. તમારી અહીં રહેવાની વ્યવસ્થા ઓફિસ તરફથી કરવામાં આવી છે. તમને કવાટૅર બતાવી દેવામાં આવશે. અરે, મનોહર. સેજપાલ સાહેબને તેમનું કવાટૅર બતાવી દેજે. તમે મનોહર સાથે જાઓ, મી.સેજપાલ. આવતીકાલે મળીએ.”

“થેંકયુ સર. તમે ખાસ મારા માટે આજે અહીં આવ્યા.” વત્સલ સરની ચેમ્બરની બહાર નીકળ્યો.

ભુજ ખાતેની ઓફિસમાં વત્સલનું કામ ખુબ સરસ રીતે ચાલવા લાગ્યુ. ઓફિસનાં બધા લોકો દર વર્ષે બે થી ત્રણ વખત સપરિવાર મળતા, એકબીજાને ઓળખતા, ઓળખાણ વધારતા.

ત્રેવીસમી ઓગસ્ટથી વત્સલે ઓફિસમાં કામ શરૂ કર્યુ. એ વર્ષમાં ઓફિસમાં બધાનું મળવાનું સપ્ટેમ્બરનાં બીજા અઠવાડીયે નક્કી થયેલુ. સપ્ટેમ્બરનાં બીજા રવિવારે બધા લોકો મળ્યા.

“નમસ્તે સર. હું સમયસર તો આવી ગયો છુ ને?” વત્સલે આવીને સરને મળતા કહયુ.

“તમારો પરિવાર?” સાહેબે પુછયુ.

“મારો પરિવાર? સર બધા રાજકોટ છે. અત્યારે હું અહીં એકલો જ આવ્યો છુ.” વત્સલે જવાબ આપ્યો. જો કે તે તો પરિવાર છોડીને આવ્યો હતો. પણ સરને કઈં એમ થોડુ કહેવાય?

“હા, એ તો હું જાણુ જ છુ કે તમે એકલા આવ્યા છો. પણ ઓફિસનાં ફોમૅમાં તો 'પરણિત' એવુ લખ્યુ છે. તમને અહીં આવ્યે પંદરેક દિવસથી વધુ સમય થયો. તો તમારા પત્ની હજી નથી આવ્યા! હજી તમે કેન્ટીનનું જ જમવાનું જમો છો?” સર નવાઈ પામતા બોલ્યા.

“હા, સર હમણાં તો...” ત્યાં જ વત્સલને કોઈ બોલાવી ગયુ. સરને, 'હમણાં જ આવુ' કહી તે આગંતુક સાથે વત્સલ ગયો, અને છુટકારો અનુભવ્યો. મનોમન તે બોલ્યો પણ ખરો, 'આ સર તો પાછળ જ પડી ગયા હતા. પણ શું કરૂ!' ગુસ્સામાં તેણે પોતાનાં હાથની મુઠ્ઠી વાળી દીધી. પણ પોતે પાર્ટીમાં છે એવુ યાદ આવતા પુન: સ્વસ્થ બન્યો.

ઘરે કવાટૅર પર જઈને તાળુ ખોલતી વખતે તેને ઘરનાં બધા યાદ આવી ગયા. તેણે ઈચ્છયુ પણ ખરૂ કે તેનો કોટ ચૈતન્ય આવીને લઈ જાય. ચક્ષુતા પાણીનો ગ્લાસ ભરીને લાવે. મમ્મી માથા પર હાથ ફેરવે અને પપ્પા પ્રેમાળ સ્વરે 'આવી ગયો દીકરા..' કહે. પણ અહીં કયાં એ બધા હતા! ફરી તે ધુંધવાયો. રાત્રે મોડેથી ઉંઘ આવી.

સવારે તો વત્સલ ઓફિસે સમયસર પહોંચ્યો અને પહોંચ્યો કે તરત જ સરે તેને બોલાવ્યો. 'અરે, આ સર મને શા માટે બોલાવતા હશે! હું તો સમયસર આવ્યો છુ. કયાંક ગઈકાલની અધુરી વાત તો... અરે બાપરે... ચાલો જઉં તો ખરો. જે થશે તે જોયુ જશે...' વિચારીને વત્સલ સર પાસે ગયો.

“સર, તમે મને બોલાવ્યો?”

“હા, વત્સલ. ગઈકાલની આપણી વાત અધુરી રહી ગઈ હતી. મુળ મુદે હું એમ કહેતો હતો કે તમે કેન્ટીનને બદલે મારી સાથે જમો. મારા ઘરે મેં જયારે વાત કરી કે તમે ટ્રાન્સફર લઈને આવ્યા છો અને અત્યારે એકલા જ આવ્યા છો, ત્યારથી જ મારા મમ્મી પપ્પા મને કહે છે કે તમને ઘરે જમવા લઈ જવા.”

“સર, મને અહીં ફાવે છે. કેન્ટીનનું જમવાનું ઘર જેવુ જ હોય છે. તમારી તથા મોટા સાહેબની લાગણી બદલ આભાર.” વત્સલે કહયુ.

“મેં તો મારા પપ્પાનો સંદેશો તમને પહોંચાડયો. હવે તમારો જવાબ તમે રૂબરૂ આપી જાઓ તો વધુ સારૂ. આમ પણ તમે મારા પછીનાં તરતનાં કમૅચારી છો. આપણો સબંધ વધુ નિકટ કહેવાય.”

“સર, તમારી લાગણી બદલ ફરી એક વખત આભાર. પણ હું તમને હેરાનગતિ આપવા નથી માગતો.” વતસલે સાહજીકતાથી કહયુ.

“તમારી ભાવનાની કદર કરૂ છુ, મી.સેજપાલ. છતા મારી અને મારા પપ્પાની લાગણીને માન આપી એક વખત તમે ઘરે આવી જાઓ, બસ!”

“ભલે સર. આજે સાંજે ઓફિસેથી આવીશ. આભાર સર.”

વત્સલ તો સરની ચેમ્બરની બહાર નીકળ્યો, પણ મનમાં કોયડો સતત હતો કે તેને આટલુ માન આપવાનું કારણ શું હોઈ શકે! રાજકોટની ઓફિસમાં તો ગુસાણીસાહેબ સામાન્ય કામકાજથી વધુ વાતચીત ન કરતા.

તે સાંજે વત્સલ તેનાં સરનાં ઘરે ગયો. ઘરનું નામ હતુ 'અનુરાગ'. બહાર તકતી પર વત્સલે નામ વાંચ્યા તો કોઈ નામ નહોતા. ફકત 'મલ્લપાઝ' એટલુ લખેલુ હતુ. ઓફિસમાં પણ સરનાં નામને બદલે ફકત મલ્લપા લખેલુ હતુ. 'અનુરાગ' એવુ ઘરનું નામ વાંચી વત્સલને તેનાં પપ્પા યાદ આવી ગયા. પણ તરત તેણે પોતાની જાત સંભાળી લીધી.

“નમસ્તે સર. નમસ્તે મોટા સાહેબ, મેડમ...”વત્સલે બધાને વારાફરતી નમસ્તે કહયા.

“બેસો બેટા. અને મને આમ મોટાસાહેબ કહેવાની જરૂર નથી. અંકલ કહી શકો છો અને મેડમને બદલે આંટી કહેજો.”

“આભાર... અંકલ. આ અજાણ્યા ગામમાં મારો કોઈ સબંધ છે એ વાતથી ધરપત રહેશે. પણ સર, તમારા બધાનાં નામ જાણી શકુ? અહીં કોઈનાં નામ નથી લખ્યા.” વત્સલે કહયુ.

“ચોક્કસ દીકરા. હું વેંકટ મલ્લપા. તારા આંટી કવિતા. તારા સર એટલે મારો મોટો દીકરો સુધાકર. અને તેની પત્ની કોમલ. આ મારો બીજો દીકરો દીપક અને તેની પત્ની માધવી. અને સુધાકરનો દીકરો વત્સલ.” વેંકટભાઈએ બધાની ઓળખાણ કરાવી.

“ઓહ! સરનાં દીકરાનું નામ અને મારૂ નામ એક જ છે. તમને બધાને મળીને આનંદ થયો. પણ અંકલ, તમે તો, દક્ષિાણભારતીય નામ! અને આટલુ સારૂ ગુજરાતી તમે બોલો છો તો!”

“અમે દક્ષિાણભારતીય જ છીએ. પણ ઘણાં વર્ષોથી અહીં આવી ગયા માટે હવે ગુજરાતી બોલતા બરોબર ફાવી ગયુ. અને અહીં ભુજમાં રહીને થોડી કચ્છી ભાષા પણ આવડી ગઈ.” વેંકટભાઈ હસીને બોલ્યા.

“પપ્પા, જમવાનું તૈયાર છે.” અંદરથી માધવીએ બધાને જમવા માટે બોલાવ્યા.

“જમવાનું અને તેમાં પણ ઘરનું જમવાનું જમીને વત્સલ ખુશ થલ ગયો. તેણે કહયુ પણ ખરૂ, “સર, ઘણા વખતે ઘરનું જમવાનું જમ્યો. મજા આવી.”

“સરસ, મી.સેજપાલ. તમને ઈચ્છા થાય ત્યારે ચોક્કસથી અહીં આવી જજો.”

“દીકરા, તમારા પરિવારનો પરિચય તમે ન આપ્યો?” કવિતાબહેને પુછયુ.

“આંટી મારા પરિવારમાં મારા મમ્મી, પપ્પા, મારી પત્ની અને નાનો ભાઈ. અમે બધા પહેલેથી જ રાજકોટ રહીએ છીએ અને...”

વત્સલની વાત ચાલતી હતી ત્યાં જ વેંકટભાઈનાં ફોનની રીંગ વાગી. “ઓહ...! અચ્છા. અમે હમણાં જ આવીએ છીએ..” વેંકટભાઈએ ચિંતિત સ્વરે વાત કરી.

“પપ્પા, શું થયુ?” દીપકે પુછયુ.

“મારા મિત્રની તબિયત બગડી છે. આપણે જવુ પડશે...”

“સર, હું નીકળુ છુ. અને જરૂર હોય તો તમારી સાથે આવુ...”

“ના ના, મી.સેજપાલ. તમે નીકળો. ચાલો પપ્પા, આપણે પણ નીકળીએ. સોરી, મી.સેજપાલ. મેં જ તમને આમંત્રણ આપ્યુ અને હું જ...”

“ અરે, ના સર. એમ કઈં ન હોય. તમે અત્યારે નીકળો. હું ફરી કયારેક આવીશ.

“નમસ્તે અંકલ, આંટી, આવજો ભાભી...”

••••••••••••••••••

: ૯ :

વાત પરથી પડદો ઉઠતા ઉઠતા રહી ગયો. થોડી જ ક્ષાણો જો હું ત્યાં રહયો હોત તો તે ભેદ હું જાણી જાત અને મમ્મી પપ્પાની મહાનતા પણ જાણી શકત. પણ ઈશ્વરની લીલા એ જ જાણે. મને એ ભેદ જણાવવા તેમણે કઈંક અલગ રમત રમી.

----------

“સુધાકર, ભુપેન્દ્રની તબિયત હવે સારી છે. સારૂ થયુ આપણે ત્યાં જઈ આવ્યા. પણ મારે વત્સલ સેજપાલને એક ખાસ વાત પુછવી હતી, તે રહી ગઈ..” વેંકટભાઈ બોલ્યા.

“જાણુ છુ પપ્પા. રાજકોટની એ મહાન વ્યકિતની ભાળ મેળવવા જ તમે વત્સલને અહીં બોલાવેલ. જેમની મહાનતાને કારણે જ તો આપણો પરિવાર સધ્ધર બન્યો. એમની નિશ્રામાં હંમેશા રહી શકાય તે માટે આપણાં ઘરનું નામ આપણે એ જ રાખ્યુ... વળી 'વત્સલ એ. સેજપાલ' માં 'એ' એટલે અનુરાગભાઈ તો નહીં હોય ને! એવો સવાલ મને પણ ઘણી વખત થયો. હું એમ કરૂ પપ્પા, આવતીકાલે રવિવાર આવે છે. સવારથી જ વત્સલ સેજપાલને ઘરે બોલાવી લઉ.” સુધાકરે કહયુ.

“હા, એ સારૂ રહેશે. અત્યારે ફોન પર વાત કરી લે. તું આજે ઓફિસે તો જવાનો નથી.”

સુધાકરે ફોન કરી વત્સલને ઘરે આવવાનું કહયુ. થોડી આનાકાની પછી વત્સલે સુધાકર સાહેબનાં ઘરે જવાની હા પાડી. હજી હમણાં જ તો તે સાહેબની ઘરે ગયો હતો, તો ફરી કેમ બોલાવ્યો એ તેને ન સમજાયુ.

રવિવાર તો આવી ગયો. સવારે દસેક વાગ્યે વત્સલ વેંકટભાઈનાં ઘરે પહોંચ્યો.

“નમસ્તે અંકલ, આંટી.” વત્સલ વેંકટભાઈ તથા કવિતાબહેનને પગે લાગ્યો.

“અરે... અરે દીકરા, આ શું કરે છે..?” કવિતાબહેન બોલ્યા.

“તમે મારા માટે સાહેબને બદલે અંકલ આંટી બન્યા છો, મારા વડીલ છો. મારે તમારા આશિર્વાદ લેવા જોઈએ.”

“સુખી થા દીકરા. બેસ.

“સુધાકર સાહેબ. આજે ફરી તમે મને જમવા બોલાવ્યો. રવિવારનો એક દિવસ જ તો તમને આરામનો પરિવારજનો સાથે વિતાવવાનો મળતો હોય ત્યાં...”

“તમે પણ અમારા પરિવારજન જેવા જ છો, વત્સલભાઈ. ઘરે આવીને સુધાકર ઘણી વખત તમારી કામ પ્રત્યેની નિષ્ઠાની વાત કરતા હોય છે.” રસોડામાંથી કોમલભાભીએ કહયુ.

“વત્સલ દીકરા, તે કહયુ કે તમે લોકો ઘણા વર્ષોથી રાજકોટમાં રહો છો તો મારે એક વાત પુછવી હતી. તારા પરિવારની ઓળખ પણ અધુરી રહી.”

“હા, અંકલ, કહો ને. રાજકોટમાં લગભગ બધાને હું ઓળખતો હોઈશ.”

વત્સલનાં કહેવાથી વેંકટભાઈ અંદર જઈને એક જુનુ કાડૅ તથા થોડા ફોટાઓ લઈ આવ્યા. “જો દીકરા, હું આ વ્યકિતને શોધુ છુ, જેમનાં નામ પરથી મેં મારા ઘરનું નામ રાખ્યુ છે.”

ફોટા તથા કાડૅ જોઈ વત્સલ પોતાની જગ્યા પરથી ઉભો થઈ ગયો. “પપ્પા-મમ્મી! તમે તેમને કઈ રીતે ઓળખો?”

“અનુરાગભાઈ જ તારા પપ્પા? તું જ એમનો દીકરો...?” વત્સલની વાત સાંભળી વેંકટભાઈની આંખમાં આંસુ આવી ગયા. “આટલા વર્ષે ભગવાન તિરૂપતિએ મારી પ્રાથૅના સાંભળી.”

“પણ પપ્પાને તમે કઈ રીતે ઓળખો?!” વત્સલ હજી ગુંચવાતો હતો.

“એ બધી વાત પછી. તું પહેલા તેમની સાથે મારી વાત કરાવ...”

“જી... હું ઘર છોડીને આવ્યો છુ.... પપ્પા-મમ્મી સાથે મારે હવે કોઈ સબંધ નથી રાખવો...” વત્સલ ધીમા અવાજે બોલ્યો.

વત્સલનું બોલવાનું પુરૂ થયુ ત્યાં તો વેંકટભાઈનો તમાચો વત્સલનાં ચહેરા પર પડયો. “જેણે તારી ઉપર ઉપકાર કર્યો તેની સાથે તારે સબંધ નથી રાખવો? કઈ જાતનો સ્વભાવ છે તારો!”

“અંકલ, એ મારા ઘરનો અંગત મામલો છે... તમે પ્લીઝ તેમાં....”

“શાનો અંગત મામલો! તારા કરતા હું એ દેવતા સમાન વ્યકિતને ઓળખુ છુ. શું વાત છે એ તારે કહેવુ જ પડશે...” વેંકટભાઈ વધુ ઉગ્ર બન્યા.

“સર, અંકલ આમ શા માટે કહે છે? મારા અંગત મામલામાં દખલ દેવાની...”

“જો વત્સલ, શું વાત છે એ તારે કહેવુ પડશે.”

“હું ફકત એટલુ જ કહીશ કે તેમણે જ મને ઘર છોડીને જવાનું કહયુ હતુ. પણ તમે આ બધુ મને કયા હક્કથી પુછો છો?” વત્સલ બોલ્યો. ઘર યાદ આવવાથી તેનાં મનમાં કડવાશ વ્યાપી ગઈ હતી.

“અનુરાગભાઈ કયારેય તને ઘર છોડીને જવાનું ન કહી શકે. તારી જ કઈં ભુલ હશે. અને મારો તારા ઉપરનો હક્ક જાણવા માગે છે તો સાંભળ...”

“નહીં, પપ્પા. તમે વચન આપ્યુ હતુ.” સુધાકર વેંકટભાઈને રોકતા બોલ્યો.

“સર, અંકલને ન રોકતા. આજે હું પણ જાણુ અંકલનાં એ 'દેવતા સમાન' વ્યકિતને. માતા પિતા કયારેય બાળક પર ઉપકાર નથી કરતા.” વત્સલ પણ થોડો ઉગ્ર બની ગયો. “અને મેં ઘર છોડયુ તેનું કારણ પણ તમને જણાવી દઉ. મારી પત્ની માતા બનવાની છે. અને તેને દીકરી આવવાની છે. મારે દીકરી ન જોઈએ એમ કહયુ ત્યાં તો બધા પરિવારજનો પરાયા બની ગયા અને પપ્પાએ મને ઘર છોડવા કહી દીધુ.”

“તો તો પછી અનુરાગભાઈએ બરોબર જ કર્યુ છે. જોયુ સુધાકર. જન્મનાં સંસ્કાર બોલ્યા વગર નથી રહેતા. પછી પાલકનાં સંસ્કાર ભલે ને દેવતાઈ હોય!” વેંકટભાઈ કડવાશથી બોલ્યા.

“એટલે.. તમે કહેવા શું માગો છો? શું જાણો છો તમે મારા વિષે? અને શું સબંધ છે તમારો અને મારો...!?” વત્સલને કઈંક અલગ વાત લાગી.

“તારા જન્મ પછી કોઈ તને...”

“પપ્પા, પ્લીઝ. ન બોલો. મમ્મી, ભાઈ.. તમે પપ્પાને અટકાવો.” દીપકે વેંકટભાઈને રોકયા.

“દીપક. બોલી લેવા દે પપ્પાને. કદાચ નિયતિની આ જ ઈચ્છા છે.” સુધાકરે કહયુ. “કહો પપ્પા. અમે જે વાત જાણીએ છીએ એ વાત વત્સલે કઠણ મન કરીને સાંભળવી જ પડશે.”

“તને જન્મ આપીને કોઈ તને ત્યાં મુકી ગયુ હતુ. દક્ષિાણભારતમાં તિરૂપતીમાં... અને હું તને ત્યાંથી લઈ આવ્યો. એક મહિનાનો તું થયો ત્યાં સુધી મારી પાસે હતો. અને તારા મમ્મી પપ્પા જયારે તિરૂપતી ફરવા આવ્યા ત્યારે હું તેમનો ગાઈડ હતો. એ જ મારી ત્યારની પરિસ્થિતી હતી. સાહેબ તને અમારી પાસેથી પોતાનો દીકરો, પોતાના વાત્સલ્યનું પ્રતિક 'વત્સલ' નામ દઈને લઈ ગયા. અને આજે તે મારા મોઢે આ વાત જાણી. બાકી, ભવિષ્યમાં પણ તેઓ તને કયારેય આ વાત ન જણાવા દેત.... આ છે હકીકત. મારો કે સાહેબનો દીકરો ન હોવા છતા તેમણે તને આટલો પ્રેમ, માન, ભણતર, સંસ્કાર આપ્યા. અને તેં આ બદલો આપ્યો! ધન્ય છે દીકરા, ધન્ય છે...”

“વત્સલ, કોઈ મનુષ્ય જન્મથી મહાન નથી હોતુ. તેને મહાન બનાવે છે તેના કર્મો. તે તારી મહાનતા ગુમાવી દીધી ભાઈ...!” સુધાકરથી નિ:સાસો નખાઈ ગયો.

“નહીં... આ હકીકીત ન હોઈ શકે... આમ કયાંથી થાય! પપ્પા કે મમ્મી એ મને કયોરય કઈં કહયુ નથી, અંકલ તમે ખોટુ કહોછો ને... સુધાકર સાહેબ, આંટી, દીપકભાઈ.. કઈંક તો કહો..” વત્સલ હાંફળો ફાંફળો થઈ ગયો.

“આ હકીકત છે, દીકરા. તેં તારા માતા પિતાને દુભવીને યોગ્ય નથી કર્યુ. આખો જન્મારો નહીં, જન્મો જન્મ તેમની સેવા કર, તો પણ તેમનાં ઉપકારનો બદલો તું ન ચુકવી શકે.” કવિતાબહેન બોલ્યા.

વત્સલ ત્યાં જ બેસી પડયો. અચાનક પગ નીચેથી જમીન ખસી ગઈ અને તે આધાર વિહોણો હોવાનું અનુભવવા લાગ્યો. થોડીવાર કોઈ કઈં ન બોલ્યુ. અચાનક વત્સલ ઉભો થઈને બહાર જવા લાગ્યો.

“વત્સલ, કયાં જાય છે?” દીપકે તેને અટકાવ્યો.

“મારી ભૂલનું કોઈ પ્રાયશ્ચિત નથી. મને જીવવાનો હક્ક નથી. પપ્પા મમ્મીની સામે હું કઈ રીતે જઈશ...”

“હું તને તારા પપ્પા પાસે લઈ જઈશ. મારે પણ સાહેબને મળવુ છે. ફકત હું નહીં, અમે બધા સાથે આવીશું. પણ તારે મારી એક વાત માનવી પડશે.” વેંકટભાઈ વત્સલનાં માથા પર હાથ ફેરવીને બોલ્યા.

વત્સલ કઈં ન બોલ્યો. ફકત નીચુ જોઈને જડવત ઉભો રહયો. “કેમ કઈં જવાબ નથી આપતો દીકરા? મારી સામે જો..”

“કયા મોઢે જવાબ આપુ! ઝુકેલુ મસ્તક ઉંચુ ન કરી શકુ એવુ કામ કર્યુ છે કે મને મારા અસ્તિતત્વ પર શરમ આવે છે. મને તમે રેલવે યાડૅમાં જ મરી જવા દીધો હોત તો મમ્મી પપ્પાએ આ દિવસ તો ન જોવો પડત. ચક્ષુતાને તો હું આ રીતે ન કહેત.. પણ પોતાનાં બાળકને ત્યજી દેનાર ક્રુર માતાનાં સંતાન પાસેથી આવી ક્રુરતાની જ આશા રાખી શકાય.” વત્સલ રડી પડયો.

“તારી આંખનાં આંસુ જ તારૂ પ્રાયશ્ચિત બતાવે છે. તારૂ માનસ અને હ્રદય બંને પરિવતૅન પામ્યા છે.” કવિતાબહેન બોલ્યા.

“થોડા દિવસો તમે પણ મને ઉછેર્યો છે. તમારો પણ મારી ઉપર હક્ક છે જ. જે કામ તમે રેલવે યાડૅમાં નથી કર્યુ, તે હવે કરો. મને અહીં થી જવા દો... મારા જીવનનો કોઈ અથૅ નથી.”

“અમે તો તને નહીં જવા દઈએ. દીકરા, ચક્ષુતાને, તારા આવનારા બાળકને, તારા નાના ભાઈને અને ખાસ તો તારા મમ્મી પપ્પાને તારી જરૂર છે. સુધાકર, અત્યારે જમીને આપણે બધા રાજકોટ જઈએ છીએ. આવતીકાલથી જ ઓછામાં ઓછી એક અઠવાડીયાની રજા લઈ લેજે. અને વત્સલની રાજકોટ ટ્રાન્સફર કરાવી લેજે. દીપક, તું પણ રજાની વ્યવસ્થા કરજે. બેટા કોમલ, માધવી, જવાની તૈયારી કરીએ.” વેંકટભાઈએ ઘરનાં બધાને પોતપોતાની જવાબદારી સોંપી. “અને હા, સુધાકર હું થોડી ખરીદી કરી આવુ, મારા સાહેબ માટે.. વત્સલને સાંચવજે. આપણે સાહેબને સરપ્રાઈઝ આપીશું.” કહીને વેંકટભાઈ બજારમાં ખરીદી કરવા નીકળી ગયા.

••••••••••••••••••

: ૧૦ :

તે દિવસે ર૬મી સપ્ટેમ્બર ૧૯૯૩ નો દિવસ હતો. મને યાદ છે, હજી ર૧મી ઓગસ્ટે તો હું કેવો તડફડ કરીને ઘરની બહાર નીકળી ગયો હતો... અને એક જ મહિનાનાં ટુંકા ગાળામાં પાછો ઘરે જઈ રહયો હતો. પણ હવે મારૂ ત્યાં કોઈ સ્થાન હશે...!

વેંકટભાઈ-કવિતાબહેન.. મારા પ્રથમ પાલક પિતા અને માતા, મારા બંને ભાઈ-ભાભી, અને અમે બંને વત્સલ.. અમે સાથે નીકળ્યા. નાનકડા વત્સલે મારી તરફ આંગી ચીંધી પુછયુ પણ ખરૂ, “આ કોણ છે?” સુધાકરભાઈ તરત બોલ્યા, “એ તારા કાકા છે, દીકરા. વત્સલ કાકા.” મારૂ મન ચિત્કાર કરી ઉઠયુ. 'એનું નામ બદલી નાખો સુધાકરભાઈ... કયાંક મોટો થઈએ એ પણ મારી જેમ...'

આખા રસ્તે હું કઈં જ ન બોલ્યો. બસ એક દિશાશૂન્યની જેમ ગાડીની બહાર તાકતો બેસી રહયો. એ ભેદ પરથી પડદો ઉઠી ગયો હતો.. મારા માનસપટલમાં ધમાસાણ યુધ્ધ ચાલતુ રહયુ અને ગાડીની રાજકોટ તરફની સફર ચાલુ રહી.

ઘરે પહોંચીને શું મારે શું કહેવુ, શું કરવુ એ નહોતુ સમજાતુ. પણ એટલુ ચોક્કસ હતુ કે મમ્મી પપ્પાની મહાનતીની પરાકાષ્ઠા હશે તો અને માત્ર તો જ મને એ ઘરમાં ફરી પ્રવેશ મળશે... અને મને પ્રવેશ મળ્યો પણ ખરો...

-----------

“ગુંજન.. વાહ દીકરા, ઘરનું નામ તો ખુબ સરસ છે. પણ ઘરમાં આટલી શાંતિ કેમ છે?” વેંકટભાઈ ગાડીની બહાર નીકળતા બોલ્યા.

“મારા જેવી વ્યકિત જે ઘરમાં હોય એ ઘર...”

“દીકરા, આજથી નવી શરૂઆત કરવાની છે. હવે ભુતકાળ ભુલી જા.” કવિતાબહેન પ્રેમથી બોલ્યા.

બધાનાં કહેવાથી વત્સલ ઘરમાં આવવા તૈયાર થયો પણ તે બારણામાં પ્રવેશવા નહોતો માગતો. વેંકટભાઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો. થોડીવારે બારણુ ખુલ્યુ. ચૈતન્ય દરવાજા પર હતો. ચૈતન્યને દુરથી જોઈને જ વત્સલને થયુ કે ચૈતન્ય કેટલો નિ:સ્તેજ લાગે છે! 'ચક્ષુતા અને મમ્મી પપ્પા બરાબર તો હશે ને..?'વત્સલને વિચાર આવી ગયો, પણ તે બારણા નજીક ન ગયો.

“જી, વડીલ. આપને કોનું કામ છે? મેં તમને ન ઓળખ્યા..!” ચૈતન્યએ પુછયુ.

“બેટા,મારે અનુરાગભાઈ-રાગિણીબહેનનું કામ છે. તેઓ ઘરે છે?” વેંકટભાઈએ પુછયુ.

આ દરમિયાન જ અનુરાગભાઈ અંદરથી આવ્યા. તેમણે વેંકટભાઈ તરફ જોયુ. આ આંખોને તો તેઓ કયાંથી ભુલે..! પહેલા પણ આ આંખોમાં આવી જ સચ્ચાઈ અને હાસ્ય રમતા..

..વેંકટ.. તું! તું આટલા વર્ષે દેખાયો ભાઈ! કયાં હતો..? અરે હું તો ભુલી ગયો.. તું તો હિન્દી સમજતા હૈ ના..! દેખો રાગિણી, કૌન આયા હૈ..”

“સાહેબ, હવે તો ગુજરાતી બોલુ છુ અને સમજુ પણ છુ. છેલ્લા દસેક વર્ષથી તો ગુજરાતમાં છુ.” વેંકટ શુધ્ધ ગુજરાતીમાં બોલ્યો.

“અરે વાહ..! ખુબ ફાંકડુ ગુજરાતી બોલવા લાગ્યો છે તું તો! આવ ભાઈ અંદર આવ. કવિતા અંદર આવ.” રાગિણીબહેન આવીને બોલ્યા.

“તારા બંને દીકરાઓ સુધાકર અને દીપક કયાં છે?” અનુરાગભાઈએ પુછયુ. જવાબમાં બે યુવાનો, તેમની પત્ની તથા બાળક અનુરાગભાઈ અને રાગિણીબહેનને પગે લાગ્યા. “અરે.. અરે.., કોણ છો ભાઈ..?..!”

“તમે જ તો પુછયુ સાહેબ કે સુધાકર અને દીપક કયાં છે? હું સુધાકર છુ સાહેબ. આ મારી પત્ની કોમલ, નાનો ભાઈ દીપક, માધવી અને મારો દીકરો વત્સલ.” સુધાકરે કહયુ.

“......વત્સલ! હા, ખુબ સરસ.. આ ચૈતન્ય છે. મારો નાનો દીકરો. અને ચૈતન્ય, આ વેંકટ અંકલ છે. મારા મિત્ર.” અનુરાગભાઈએ ચૈતન્યની ઓળખાણ કરાવી. ચૈતન્ય તરત બધાને પગે લાગ્યો.

“વેંકટ, ભાઈ તારે અહીં રોકાઈ જવાનું છે. સાંજે સાથે જમીશું અને થોડા દિવસો કયાંક ફરવા જઈશું.” રાગિણીબહેન આગ્રહપૂવૅક બોલ્યા.

ઘરનું બારણું ખુલ્લુ હતુ.બહારથી વત્સ્લે જોયુ બધાને મળવાથી મમ્મી પપ્પા ખુશ હતા. તે ચાલ્યો જાત. પણ તેણે વેંકટભાઈને વચન આપ્યુ હતુ કે વાતનો નિવેડો આવ્યા વગર નહીં જાય.

“વેંકટ, પછીનાં દિવસોમાં તે શું કર્યુ? આજે તો આપણે આટલા વર્ષે મળ્યા.” અનુરાગભાઈએ પુછયુ.

“સાહેબ, પછી...”

“હવે હું તારો સાહેબ નથી, ભાઈ. મને તારો મિત્ર-ભાઈ માન. પછી તે શું કર્યુ એ કહે..”

“એ પછી હું ભણ્યો, કવિતા પણ ભણી. પૈસા તો હતા, પણ છતા મને મન થયુ કે તમારી જેવી ભલી વ્યકિતનાં આપેલ પૈસામાંથી લોટરીની ટીકીટ લીધી. મને ઈનામ લાગ્યુ. અને પછી મેં મારો બીઝનેસ શરૂ કર્યો. ત્યારથી પાછુ વળીને નથી જોયુ. અત્યારે ભુજમાં છીએ. પણ સાહેબ, તમને કયાં કયાં નથી શોધ્યા! તમારા જુના કાડૅ પરથી પણ તમને ન શોધી શકયો. પણ તિરૂપતી ભગવાનની કૃપા કે તમને મળી શકયો.” વેંકટે કહયુ.

“વેંકટ, કવિતા. તમારી અમાનત ગુડ્ડુ વત્સલ વિષે એક વાત કરવી છે.” રાગિણીબહેન અચકાઈને બોલ્યા.

“એ પહેલા હું કઈંક કહેવા માગુ છુ, સાહેબ.. વત્સલ વિષે હું બધુ જાણી ચુકયો છુ. અને પોતાની હકીકત વત્સલ પણ જાણી ચુકયો છુ. મેં મારૂ વચન તોડયુ એ માટે માફી ચાહુ છુ.”

“વેંકટ, તો પછી વત્સલ...!”

“સાહેબ, એ બહાર જ ઉભો છે. ભુજ જે ઓફિસમાં તેની ટ્રાન્સફર થઈ તે ઓફિસનો સાહેબ એટલે સુધાકર.”

“વેંકટ, વત્સલ વિષે જયારે તમે લોકો બધુ જાણી જ ચુકયા છો તો હું નથી ઈચ્છતી કે હવે એ આ ઘરમાં ફરી આવે. અને નવી કોઈ ઉથલ પાથલ મચાવે.” રાગિણીબહેન કડકાઈથી બોલ્યા.

“બહેન, એ વાતનો વત્સલને પસ્તાવો પણ છે. એણે તમારી સાથે કે ચક્ષુતાદીકરી સાથે બરોબર વતૅન નથી કર્યુ એ વાત એ જાણે છે.” કવિતા બોલી.

“કવિતા, બધી વાતની જયારે તને ખબર જ છે, તો..! ચક્ષુતા, બહાર આવ. તમને લોકોને જયારે ખબર છે, તો ચક્ષુતા સાથે પણ ઓળખાણ કરાવુ. આ બનાવ બન્યા પછી મેં ચક્ષુતાને બધી વાત જણાવી દીધી હતી. વત્સલની તો ખબર નથી, પણ ચક્ષુતા મારી વહુ નહીં દીકરી છે.” રાગિણીબહેને ચક્ષુતાની ઓળખાણ બધા સાથે કરાવી.

“અંકલ, વત્સલ બહાર ઉભો છે. તેને અંદર લઈ આવુ? તેને ખરેખર ખુબ પસ્તાવો થાય છે.” સુધાકરે કહયુ.

“હા, લઈ આવ. હું પણ જોઉ તેનો પસ્તાવો!” રાગિણીબહેન વ્યંગમાં બોલ્યા.

સુધાકર વત્સલને બહારથી પરાણે અંદર લઈ આવ્યો. વત્સલ અંદર આવ્યો, પણ તેનામાં આંખ ઉંચી કરીને જોવાની હિંમત નહોતી. નિસ્તેજ અને આંસુઓથી ખરડાયેલો વત્સલનો ચહેરો જોઈ એકાદ સેકન્ડ અનુરાગભાઈ પીગળી ગયા, પણ રાગિણીબહેન મક્કમ હતા.

અનુરાગભાઈ-રાગિણીબહેનને પગે લાગવા વત્સલ જેવો નમ્યો કે 'નાટક કરવુ રહેવા દે' કહી રાગિણીબહેન દુર ખસી ગયા. ફરી વત્સલની આંખોમાં આંસુ ધસી આવ્યા. તે હાથ જોડી ઉભો રહયો અને ફકત એટલુ જ બોલ્યો, “મમ્મી, પપ્પા, ચક્ષુતા, ચૈતન્ય.. તમારા બધા ઉપરનો હક્ક ગુમાવી ચુકયો છુ. છતા મને માફ કરશો તો આભારી થઈશ. અને નહીં તો પછી હંમેશા ને માટે કયાંક ચાલ્યો જઈશ. તમારી જીંદગીમાં ખલેલ પહોંચાડવા નહીં આવુ. કયારેય નહીં આવુ..”

“સાહેબ, વર્ષો પેહલાનો નાનકડો અબોધ વત્સલ કે આજનો અબોધ વત્સલ.. બંનેમાં કોઈ જ ફરક નથી. વત્સલને માફ કરો બહેન.” વેંકટે કહયુ.

“મમ્મી, ભાઈ પાછા આવી ગયા એ આનંદની વાત છે. તેમને માફ કરી દો...” ચૈતન્યએ રાગિણીબહેનને સમજાવ્યા.

“ચક્ષુતાને કે આવનાર બાળકને નુકશાન પહોંચાડવાનો તારો કોઈ ઈરાદો હોય અને એ ઈરાદાથી તું આ ઘરમાં ફરી પ્રવેશવા માગતો હોય તો...”

“મારો એવો કોઈ જ ઈરાદો નથી. મારા તે દિવસનાં વતૅન બદલ માફી ઈચ્છુ છુ. બાળક ઈશ્વરની દેન કહેવાય, એ જાણી સમજીને હું ઈશ્વરનો આભારી છુ. મારા જન્મદાતાએ ઈશ્વરનાં આશિષને ન સ્વીકારીને ભુલ કરી અને એ જ વસ્તુ હું કરવા જઈ રહયો હતો. પણ મારા માતા-પિતાનાં સંસ્કારોએ જ મને આમ કરતા રોકયો છે.” વત્સલ નીચુ જોઈને બોલ્યો.

“તો પછી તને આ ઘરમાં પ્રવેશ છે.” રાગિણીબહેન અવાજમાં મીઠાશ લાવવાનો પ્રયત્ન કરતા બોલ્યા.

••••••••••••••••••

: ૧૧ :

ર૬ સપ્ટેમ્બર મારા માટે ગૃહપ્રવેશનો દિવસ બની ગયો. વેંકટભાઈ-કવિતાબહેન, સુધાકરભાઈ-દીપકભાઈ, બંને ભાભી, થોડા દિવસો અમારા ઘરે રોકાયા પછી ભુજ જવા નીકળ્યા, પણ પપ્પા મમ્મીને સંતોષ હતો કે આટલા વર્ષે જુના સબંધો પૂવૅવત બન્યા.

ઘરે પાછા આવ્યા પછીનાં દિવસો મારા માટે કપરા બન્યા. દત્તક હોવાનું કોઈ દુ:ખ નહોતુ કારણકે આટલા વર્ષો સુધી જેમણે મને આ વાત ન જણાવવા દીધી, એ માતા-પિતા, આ વાતને કયાંથી મહત્વ આપવાના! પણ હું પૂર્વવત જેવો વત્સલ હતો તેવો બની જ ન શકતો. મમ્મી-પપ્પા સામે આવે તો હું ત્યાંથી કયાંક દુર ચાલ્યો જતો, જાણે મારો ગુનેગાર ચહેરો તેમનાંથી છુપાવતો હોઉ.

ચક્ષુતા કે ચૈતન્ય પાસે જતા ડરતો. જો કે તેઓ તો હંમેશ ની જેમ જ મારી સાથે વતૅતા. મારો ચહેરો અરીસામાં જોતા જ મને ડર લાગતો. મારા ચહેરામાં મને એક ક્રુર ચહેરો દેખાતો. ઘરમાં રહેવા છતા હું ઘરનાં લોકોથી દુર થવા લાગ્યો. ઓફિસે પણ એ જ હાલત થવાની હતી, કારણ કે ત્યાં તેજસને પણ ખરી ખોટી કહેલી. ત્યારે તો તેજસ રજા પર હતો, પણ તેની રજા પુરી કરી તે આવશે ત્યારે....

અને એક દિવસ....

-----------

“ચક્ષુતા દીકરી, અહીં આવ, તને એક વાત કરવી છે.” રાગિણીબહેને ચક્ષુતાને બોલાવી.

“શું વાત છે મમ્મી?”

“દીકરી, તું વત્સલને કઈંક સમજાવતી હો તો! મને અને તારા પપ્પાને વત્સલની ચિંતા રહયા કરે છે. અરે, એ આ ઘરનો મોટો દીકરો છે.. અમારૂ પહેલુ સંતાન..”

“વત્સલને જયારથી પોતાનાં દત્તક હોવા વિષેની ખબર પડી છે ત્યારથી એ જાણે પારકો બની ગયો છે! તેનું વતૅન... અકળ છે....” અનુરાગભાઈ ચિંતાતુર થઈને બોલ્યા.

“મમ્મી, મેં એમને સમજાવ્યા. આજે કેટલા દિવસ થઈ ગયા. પણ મારી સાથે બહુ ઓછી વાત કરે છે. મેં પુછયુ તો પણ બહુ સરખો જવાબ નથી આપતા. એક જ રટણ, '...મેં ભુલ કરી, મને કોઈનાં માટે પ્રેમ નથી. ઘરનાં બધા મારા માટે ખુબ કરે છે... પણ એ પ્રેમને લાયક હું નથી...' એમ જ કહયા કરે. હું પણ તમને શું વાત કરૂ એ વિચારમાં હતી.” ચક્ષુતાએ કહયુ.

“પપ્પા, મમ્મી, ભાભી. આ ચિંતા મારી ઉપર છોડી દો. હું વહેલાસર આ સમસ્યાનો ઉકેલ લાવીશ. ભાઈ એમ કહે છે ને કે તેમને કોઈ માટે પ્રેમ નથી. ખોટી વાત. પ્રેમ તો છે. એ પ્રેમને બહાર લાવવો પડશે... બે ત્રણ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ પાક્કો. દિવાળી પહેલા જ ભાઈને પહેલા જેવા બનાવી દઈશ.” ચૈતન્ય વિશ્વાસથી બોલ્યો.

ત્રણ દિવસ પછી રવિવાર હતો. બધા સાથે જ જમવા બેઠા. વત્સલ તેની ટેવ પ્રમાણે જલ્દી જમીને રૂમમાં ભરાઈ જવા માગતો હતો. પણ જમવાનું તૈયાર જ ન હોય તો શું કરવુ!

જમતી વખતે વત્સલનું ધ્યાન હતુ જ નહીં કે બાજુમાં કોણ છે, શું ચાલે છે... બસ, તે જલ્દી જમી લેવા માગતો હતો એટલુ જ તેનાં મનમાં હતુ. તીખુ શાક અને ફીક્કી દાળ પર તેનું ધ્યાન જ ન ગયુ.

એટલામાં જ ફોનની ઘંટડી વાગી. અનુરાગભાઈએ ફોન લીધો. “હેં... શું કહો છો...! કઈ હોસ્પિપલ..? મધુર... હા, હું આવુ જ છુ..”

“શું થયુ?” રાગિણીબહેનને હોસ્પિટલનું નામ સાંભળી ચિંતા થઈ.

“ચૈતન્યનું એકસીડન્ટ થઈ ગયુ. મધુર હોસ્પિટલમાં છે...” અનુરાગભાઈનો અવાજ તરડાયો.

“હા, ચાલો આપણે જલ્દીથી જઈએ... ચક્ષુતા.. વત્સલ.., વત્સલ કયાં ગયો!?” હજી રાગિણીબહેનનાં મોઢામાં શબ્દો છે ત્યાં જ બહારથી સ્કુટર ચાલુ થવાનો અવાજ આવ્યો. સ્કુટરમાં વત્સલ જ હતો. તેણે સ્કુટર મધુર હોસ્પિટલ તરફ દોડાવ્યુ.

મધુર હોસ્પિટલમાં...

“ડોકટર સાહેબ કયાં છે? સિસ્ટર.. હમણાં જ એક અકસ્માતનો કેસ આવેલ છે, એ કયાં છે?” વત્સલ હાંફતો હતો.

“હા, હમણાં મી.સેજપાલનો કેસ આવ્યો છે. રૂમ નંબર ૩૦રમાં.. તમે દર્દીનાં સગા છો?”

“હા, હું તેનો મોટોભાઈ છુ. શું વાત છે?”

“જુઓ, તેમને આમ સારૂ છે. પણ હજી ઘેનમાં છે. દવાની અસર છે, તેથી થોડીવારમાં જાગી જશે. તમારે હોસિપટલમાં પૈસા જમા કરાવવાનાં છે.”

વત્સલે પૈસા જમા કરાવી દીધા અને લીફટ તરફ દોડયો. પણ લીફટ ઉપર હોવાથી જલ્દી પગથીયા ચડી વત્સલ ત્રીજા માળે રૂમ નંબર ૩૦ર માં પહોંચ્યો. ચૈતન્ય સુતો હતો. માથામાં અને હાથમાં ઈજા થયેલી. પાટા બાંધેલ હતા.

“ચૈતન્ય! આમ કેમ થઈ ગયુ? કયાંક કુદરત મારી ભુલની સજા તને તો..!” વત્સલ બોલતા બોલતા રડી પડયો.

હોસિપટલમાં ડોકટરને ખબર પડી કે ચૈતન્યનાં ભાઈ આવેલ છે, તો તેઓ તરત મળવા આવ્યા. “હેલો મી.સેજપાલ. અરે! તમે તો ચિંતામાં પડી ગયા. ચૈતન્યને કઈં નથી થયુ. સામાન્ય ઈજા છે. સ્કુટર સ્લીપ થતા પડી ગયો. હું તો રવિવાર હોવાથી હોસ્પિટલે આવુ નહીં, પણ આજે આવવાનો હતો. મારી નજર સામે જ તો તેનું સ્કુટર સ્લીપ થયુ. અને જલ્દીથી તેને મારી હોસ્પિટલે લઈ આવ્યો.” ડો.મયંક ઠક્કર બોલ્યા.

“આભાર, ડોકટર. પણ હજી ચૈતન્ય ભાનમાં...”

“કઈં નથી. દવાની અસર છે, માટે ઉંઘ આવી ગઈ હશે. થોડીવારમાં જાગશે. બાકી તેનાં બધા રીપોટૅ, મગજનો સ્કેન, બધુ તદન નોમૅલ છે. તમે બીલકુલ ચિંતા કરતા નહીં. લો, ચૈતન્ય

પણ જાગી ગયો.”

“ચૈતન્ય દીકરા... શું થયુ.....?” અનુરાગભાઈ સપરિવાર અંદર આવ્યા.

“ઘરનાં પણ બધા આવી ગયા..? સરસ. ચૈતન્યને કઈં નથી થયુ. જુઓ જોઈએ, એ બરોબર વાતો કરે છે કે નહીં? આરામ કરવાને બદલે મારી સાથે વાતો કર્યા કરતો હતો માટે તેને ઘેનની દવા આપી હતી. ચાલો, કઈં તકલીફ હોય તો મને કહેવડાવજો. બાકી, ચૈતન્યને સાંજે ઘરે લઈ જઈ શકાશે. હું રજા લઉ.” ડો. મયંક ત્યાંથી નીકળ્યા.

“પપ્પા, તમે કોઈ ચિંતા નહીં કરતા. કઈં જ નથી થયુ. સ્કુટર સ્લીપ થયુ અને પડી ગયો. એ તો સારૂ હતુ કે રવિવારને કારણે રસ્તા પર વાહનો ઓછા હતા. નહીંતો કદાચ પાછળની તરફથી કોઈ ટ્રક આવીને..”

“બસ કર ચૈતન્ય. મારી ભુલની સજા તને શા માટે..?” વત્સલ બોલી ઉઠયો.

“ભુલ? તમારી કઈ ભુલ?” ચૈતન્યએ પુછયુ.

“મારી કઈ ભુલ! આ તું પુછે છે?” મારા પરિવારને ન સમજવાની ભુલ, લાગણીવિહીન હોવાની ભુલ, મારા બાળકને..”

“તમને આજે એક વાત જણાવુ, જે મમ્મીએ મને કહી હતી, જયારે તમે ભુજ હતા. તબીબી રીતે પરિસ્થિતી એવી હતી કે મમ્મી કયારેય બાળકને જન્મ આપી શકશે કે કેમ તે નક્કી ન કહેવાય. સારવાર ચાલુ હતી, પણ કારગત નહોતી. તમે આ ઘરમાં આવ્યા અને તમારા પ્રેમનાં પગલે, વાત્સલ્યનાં પગલે હું આ ઘરમાં આવ્યો. શું એ પ્રેમ નથી! અને અત્યારે! જમતી વખતે હાથ પણ ધોયા વગર, ખુલ્લા પગે દોડી આવવાને તમારી લાગણીવિહીનતા કેવી રીતે કહેવાય?! તમે હાથ ધોવા કે ચંપલ પહેરવા જેટલો સમય પણ ન વેડફયો, શું આ પ્રેમ નથી? અને જો આ પ્રેમ નથી તો દુનિયામાં કયાંય પણ પ્રેમ નથી, ભાઈ.”

ચૈતન્યની કહેલી વાત વત્સલ ભીની આંખે સાંભળતો રહયો. પછી હળવેથી બોલ્યો, “હું બધાને ખુબ ખુ...બ પ્રેમ આપવા ઈચ્છુ છુ. પણ મારાથી એવી ભુલ થઈ ગઈ કે...”

“હવે એ વાત ભુલી જા, દીકરા. ઘરેથી જમવાનું મોકલાવુ છુ. બંને ભાઈઓ સાથે જમી લો.” રાગિણીબહેન બોલ્યા. “અને સાંજે ખરા અથૅમાં ગૃહપ્રવેશ કર.”

••••••••••••••••••

: ૧ર :

ત્રીજી ઓકટોબરે, દિવાળી પહેલા મેં ખરા અથૅમાં ગૃહપ્રવેશ કર્યો. બીજા દિવસે સવારે હું ઓફિસે જવા તૈયાર થયો. હું અને મારો પરિવાર પરસ્પર એકબીજાને મેળવીને ખુશ હતા.

ઓફિસે પહોંચતા જ મને યાદ આવ્યુ કે આજે તેજસ આવી જવાનો હતો. પણ તેજસનો સામનો કેમ કરવો! આમ પણ તેજસ વહેલો આવી જતો. માટે તેને મારા પાછા આવી જવાના ખબર તો મળી જ ગયા હશે.

-----------

ઓફિસે પહોંચીને વત્સલે જોયુ કે તેજસ તેના કામમાં ગળાડુબ હતો. હળવેકથી વત્સલે તેના ખભા પર હાથ મુકયો. “કેમ છે ભાઈ?”

“તું? તું પાછો આવી ગયો?” તેજસનાં સ્વરમાં ઉગ્રતા હતી કે પછી વ્યંગ!

“હા, આવી ગયો. સવારનો ભુલેલો હતો. સાંજે પાછો આવી ગયો. બહુ દુર જઉ એ પહેલા જ..”

“હવે રહેવા દે. હું તને ન ઓળખુ..!” તેજસ ફરી વ્યંગમાં બોલ્યો.

“માફ કરજે દોસ્ત. મારા તે દિવસનાં વતૅન બદલ મને અફસોસ છે. હું એમ કરૂ, આજે હું અને ચક્ષુતા તારા ઘરે સાંજે આવીએ. તારી ઢીંગલીને રમાડવા..”

“કેમ?” તેજસ વ્યંગ ભરેલી વેધક નજરે જોઈ રહયો.

“મારી આવનારી ઢીંગલી પણ તારી દીકરી જેવી જ મીઠી મીઠી વાતો કરે, એવી જ સુંદર હોય..” વત્સલ તેની આવનારી દીકરીની મધુર કલ્પનામાં ખોવાઈ ગયો.

તેજસ પોતાની જગ્યા પરથી ઉભો થઈ વત્સલને ભેટી પડયો, ત્યારે વત્સલને ધ્યાન પડયુ કે તે ઓફિસમાં ઉભો છે. “તને પછો મેળવી ખુબ ખુશ થયો દોસ્ત! મારા ઘરે તમારા બંનેનું સ્વાગત છે.”

ઓફિસનું કામ પુરૂ કર્યા પછી વત્સલે ઘરે જઈને ચક્ષુતાને પણ આ ખબર આપ્યા.

“પણ, વત્સલ, આજે તો ચોથી તારીખ છે.”

“હા, તો કઈં છે આજે? વત્સલને કઈં યાદ ન આવ્યુ.

“આજે તમે મને આપણી દીકરીનું નામ વિચારીને કહેવાના હતા.વિચાર્યુ કે ભુલી ગયા?”

“એ કઈં ભુલાય? આપણી દીકરીનું નામ 'કલગી' રાખીએ. કૃષ્ણ ભગવાનને વ્હાલા મોરપીચ્છની કલગી...” વત્સલ ફરી કલ્પનામાં ખોવાયો.

“પણ મને અને ઘરનાં બધાને 'પોયણી' નામ ગમે છે. નાજુક, કમળનાં પાંદડાઓ જેવી..”

“તો પછી બીજી દીકરીનું નામ કલગી રાખીએ..”

વત્સલની વાત સાંભળી ચક્ષુતા શરમાઈ ગઈ. ત્યાંજ બારણે ટકોરા પડયા. “ભાભી, તમે લોકો મેડમ પાસે જવાના છો કે નહીં? મારે મોડુ થાય છે. ન જવાના હો તો હું નીકળુ.”

“ડોકટર મેડમ પાસે? ના.. ના મારે નથી આવવુ. મેડમ તો મને જોઈને જ ચીડાશે.”

“મેં મેડમ પાસે સમય લઈ રાખ્યો છે. તમારે આવવુ જ પડશે. મેડમ કઈં કહે એવુ કેમ માની લીધુ?”

“કઈં કહેશે તો પણ સાંભળી લઈશ, ડીયર. મારી ભુલ હતી અને મને કહેશે ને.. પણ હું તો ખુશ જ છુ કે મારી ભુલ મેં સમયસર સુધારી લીધી છે.”

ચૈતન્યને લઈ વત્સલ તથા ચક્ષુતા સરીતામેડમ પાસે જવા નીકળ્યા. ચૈતન્યને રસ્તામાં કામ હતુ ત્યાં ઉતારીને વત્સલ અને ચક્ષુતા ડો.સરીતામેડમ પાસે પહોંચ્યા. એપોઈન્ટમેન્ટ લીધી હોવાથી તરત વારો આવી ગયો.

“યસ, કમ ઈન મીસીસ... ઓહ! તમે..! ફરી આવ્યા? હું હમણાં પોલીસને ફોન કરૂ છુ.” સરીતામેડમે ગુસ્સે થઈ તરત જ પોલીસને ફોન કર્યો.

“પણ મેડમ, મારી વાત તો સાંભળો..” ચક્ષુતા મેડમને અટકાવતા બોલી. “અમે અહીં ચેક અપ માટે જ આવ્યા છીએ.”

“હેલો, પોલીસ સ્ટેશન.. જુઓ, સાહેબ, હું ડો. સરીતા બોલુ છુ. મારા દવાખાને ગભૅનું જાતિપરીક્ષાણ કરાવવા એક દંપતિ આવેલ છે....” મેડમ ગુસ્સાથી બોલતા હતા. “હા, તમે જલ્દીથી આવો.”

ફોન પછાડીને મુકતા મેડમ બોલ્યા, “હવે જુઓ, તમને મજા ચખાડુ છુ.”

“મેડમ, તે દિવસ માટે હું માફી ચાહુ છુ. હું તો મારી ભુલ સુધારવા આવ્યો છુ. પહેલાનો વત્સલ સેજપાલ બદલાઈ ચુકયો છે.” વત્સલ નરમાશથી બોલ્યો.

“ખરેખર મીસીસ સેજપાલ?” ડો.સરીતામેડમે પુછયુ.

“હા, મેડમ. તેઓ સાચુ કહે છે.”

વાત ચાલુ જ હતી ત્યાં જ બારણે ટકોરા પડયા અને ઈન્સપેકટર માલીની અંદર પ્રવેશ્યા. “મેડમ, આ બંને જ છે એ, જેના વિષે તમે ફોન પર વાત કરી હતી?”

એકાદ સેકંડ અટકીને ડો.સરીતા બોલ્યા, “માફ કરશો મેડમ. તમને ફોન કર્યો કે તરત જ તેઓ અહીંથી ચાલ્યા ગયા. આ બંને તો ખુબ જાગૃત દંપતિ છે, મી. એન્ડ મીસીસ સેજપાલ.”

“બધા તમારી લોકોની જેમ જાગૃત રહે તો કેટલુ સારૂ કહેવાય! એની વે. હું જઉ છુ. ફરી કયારેય આવુ બને તો બેધડક મને કહેજો.” અને ઈન્સપેકટર માલીની મેડમ ત્યાંથી નીકળ્યા.

માલીનીમેડમ ત્યાંથી નીકળ્યા કે તરત જ વત્સલે આભાર માનતા કહયુ, “તમે ઈચ્છત તો માલીનીમેડમને અમારા વિષે કહી શકત. પણ તમે એમ ન કર્યુ. આભાર મેડમ.”

“સજા ગુનેગારને મળે છે, મી.સેજપાલ. સારા, જાગૃત નાગરીકને નહીં.” સરીતામેડમ હસીને બોલ્યા.

“સારો અને જાગૃત નાગરીક તો હું હવે બન્યો મેડમ. બાકી મેં તો ત્યારે જ જાણી લીધુ હતુ કે બાળક દીકરી છે અને કદાચ..”

“પણ પછી તો મેડમ, સંજોગો જ એવા બન્યા કે તેમને તેમની ભુલ સમજાઈ ગઈ. હવે તો અમને બધાને, ખાસ તો વત્સલને આવનાર બાળક માટે ખુબ પ્રેમ છે. ઈનફેકટ, તેમણે તો બાળકનું નામ પણ વિચારી લીધુ છે... 'કલગી' જો કે અમને બધાને 'પોયણી' નામ ગમે છે.” ચક્ષુતા બોલી.

“સરસ. તમને તમારી ભુલ સમજાઈ ગઈ તેનો મને આનંદ છે. ચાલો, હું ચેક અપ કરી લઉં.”

ચેક અપ કર્યા પછી...

“મી.સેજપાલ. તમારા પરિવારે એક નહીં, બે બાળકોનાં આગમનની તૈયારી રાખવાની છે. દીકરા-દીકરી વિષે તો હું કઈં નહીં કહુ.”

“મારે જાણવુ પણ નથી, મેડમ. જો બંને દીકરીઓ હશે, તો મારા બે નામ તૈયાર જ છે. અને દીકરો હશે તો હું નામ વિચારી લઈશ.” વત્સલ ખુશ થતા બોલ્યો.

“મને તમારી પાસેથી આવા જ જવાબની અપેક્ષા હતી, મી.સેજપાલ. હેવ એ નાઈસ ટાઈમ. અને ચક્ષુતા, કામ ઓછુ, આરામ વધુ કરજો અને બંને ખુબ ખુશ રહેજો.”

“હવે કયારે બતાવવા આવીએ મેડમ?”

“આમ તો શરૂઆતમાં દર મહિને આવો એ જરૂરી. પણ તમારે જોડીયા બાળકો છે, માટે પંદર થી વીસ દિવસે એક વખત બતાવવા આવજો. બને તો બંને સાથે આવજો. આ સમય દરમિયાન પતિ-પત્ની બંને જેટલો સમય વધુ સાથે રહે છે તેટલુ બાળક પણ સલામતી અનુભવે છે.” સરીતામેડમે સમજાવતા કહયુ.

ડોકટર પાસેથી ચક્ષુતા તથા વત્સલ ખુશખુશાલ નીકળ્યા. તેજસની સાથે વાત થયા પ્રમાણે તેનાં ઘરે જઈ, તેની દીકરીને રમાડી ચક્ષુતા અને ખાસ તો વત્સલને ખુબ જ ગમ્યુ. તેજસને ત્યાંથી ઘરે જતી વખતે રસ્તામાંથી ચૈતન્યને પણ ઘરે લેતા ગયા.

ઘરે જઈને...

“મમ્મી, પપ્પા.. તમે લોકો બેવડી ખુશી માટે તૈયાર રહેજો. એક નહીં, બે બાળકોનાં દાદા દાદી તમે બનશો.”

“ખરેખર...!” અનુરાગભાઈ ખુશીથી ઉભા થઈ ગયા.

“બીજુ બાળક દીકરો છે કે દીકરી એ ન જાણતો આવ્યો...?” રાગિણીબહેન વ્યંગમાં બોલ્યા.

ચૈતન્યને લાગ્યુ કે મમ્મીએ આમ પુછવાની જરૂર નહોતી. કદાચ ભાઈ ચીડાશે. પણ એવુ કઈં ન થયુ.

વત્સલે શાંતિથી કહયુ, “મમ્મી. મેં એવુ કઈં નથી પુછયુ. હું સમજી ગયો છુ કે આવનાર બાળક કુદરતની ભેટ કહેવાય. ભેટ શું છે એ અગાઉ થી જાણી લેવામાં મજા નથી. એ તો તેનાં યોગ્ય સમયે જ જાણવામાં આવે એ વ્યાજબી.”

“ખુબ સરસ, દીકરા. આજે મને લાગે છે કે તું ખરેખર મને પાછો મળી ગયો.” રાગિણીબહેન વત્સલને ગળે લગાવીને બોલ્યા.

••••••••••••••••••

: ૧૩ :

“પપ્પા..પપ્પા, શું કરો છો? અમે બંને કયારના તમને બોલાવીએ છીએ, તો સાંભળતા નથી!” કલગીએ તેનાં પપ્પાને સહેજ હચમચાવીને પુછયુ. કંદપૅ પણ સાથે જ આવીને ઉભો હતો.

“અરે! તમે બંને કયારે આવ્યા? હું અચાનક ૧૯૯૪માંથી ર૦૦૮માં આવી ગયો.

“કયારનાં તમને બોલાવતા હતા પપ્પા. અમારો જન્મદિવસ આવે છે. તેની તૈયારી નહીં કરીએ?” કંદપૅ રીસાઈને બોલ્યો. કલગી કરતા તે પુરી બે મીનીટ મોટો હતો. અને નાનકડી લાડકી કલગી.

“અરે, એ દિવસ તો કેમ ભુલાય! આમ પણ હવે પછી તમારી પરીક્ષાઓ આવશે. બોલો શું કરશુ આ વખતનાં જન્મદિવસે? પાર્ટી કે પછી કયાંય જવુ છે?”

“દાદા-દાદી, કાકા-માસી, પોયણી અને આપણે બધા સાથે ફરવા જઈએ. પણ અત્યારે નહીં, વેકેશનમાં. બધાને પરીક્ષા આવે છે માટે આપણે પછી જ જઈશું.” કલગીએ કહયુ.

“સારૂ. તમે ત્રણે નક્કી કરો એ જગ્યાએ બધા જશું. અને તમારા જન્મદિવસે ભેટ શું જોઈએ છે?”

“પપ્પા, અનાયાસે મારો કલગીનો અને પોયણીનો જન્મદિવસ એક જ દિવસે આવે છે. ભેટ તો અમે એક જ લેશું. અમારા માટે ચિત્રશિક્ષકને ત્યાં જવાની વ્યવસ્થા અને ચિત્રનાં સાધનો.” કંદપૅ બોલ્યો.

“પોયણીને તો આ ભેટ ગમે છે ને?”

“અદા, મને તો ચિત્ર બહુ જ ગમે.” પોયણી મારી પાસે આવીને બોલી.

“ભલે, તો તમારા માટે ભેટ પાક્કી. ખુશ?”

“ખુબ ખુશ..” બોલીને ત્રણે બાળકો સાથે દોડી ગયા.. ઘરનાં બીજા સભ્યો પાસેથી પોતાની ભેટ મેળવવા માટે..

-----------

કઈંક તો અંદાજ તમને સૌને આવ્યો જ હશે. મારે જોડીયા બાળકો એટલે કંદપૅ અને કલગી. ચૈતન્યની દીકરી પોયણી અને અનાયાસે ત્રણે બાળકોની જન્મતારીખ એક જ- ૧૮ એપ્રીલ. વર્ષ ૧૯૯૪માં કંદપૅ અને કલગીનો જન્મ અને વર્ષ ૧૯૯૮માં પોયણીનો જન્મ.

કલગીનું કાકા-માસી બોલવાનું કારણ એટલુ કે ચૈતન્યની પત્ની મૃણાલએટલે ચક્ષુતાની નાની બહેન. ચૈતન્ય અને મૃણાલનાં લગ્ન પણ એક મજાની વાત છે. એક દિવસ એવુ બન્યુ કે...

------------

“વત્સલભાઈ, હું પુનિતનગર તરફ જવાનો છુ. તમારે કઈં કામ છે?” નાસ્તો કરતી વખતે જ ચૈતન્યએ પુછયુ.

“હા, મારે કામ છે. મારા મામા ત્યાં જ રહે છે. ચૈતન્ય, તું મામાનાં ઘરે જજે. ત્યાં મારી બહેન મૃણાલને આ પુસ્તકો આપી દીજે. તેણે મગાવ્યા હતા. પણ ઘણા દિવસથી હું તો જઈ નથી શકી.” ચક્ષુતાએ કહયુ.

“ભલે ભાભી. હું જઈ આવીશ. બીજુ કઈં કહેવુ છે?”

“ના. અરે, હા. મૃણાલરસાયણવિજ્ઞાનમાં અનુસ્નાતકનું ભણે છે અને તેને થોડુ નથી સમજાતુ. તું તો પી.અચ.ડી. કરે છે તો તેને સમજાવી દેજે.”

“હા, હું સમજાવી દઈશ.” કહી ચૈતન્ય નીકળ્યો.

રસ્તામાં જ ચૈતન્ય કોઈ સાથે અથડાયો. બંને સ્કુટર પરથી ફંગોળાયા. ખાસ વાગ્યુ તો નહીં, પણ ચૈતન્ય બરાડી ઉઠયો, “જોઈને નથી ચલાવી શકાતુ, મીસ...”

“તમે રોંગસાઈડમાં છો, મીસ્ટર. હું તો શાંતિથી ધીમે ધીમે જતી હતી. ખબર નહીં શું સમજે છે પોતાનાં મનમાં..” તે છોકરી બબડતી બબડતી પોતાનું સ્કુટર ઉભુ કરવા લાગી.

તેની વાત પણ સાચી હતી. ચૈતન્ય ઉતાવળને કારણે થોડુ અંતર રોંગસાઈડથી કાપવા ગયો અને અથડાઈ ગયો. તરત ચૈતન્યને તેની ભુલ સમજાઈ. “તમારી વાત સાચી છે. આઈ એમ સોરી. પણ હું મારા ભાભીનાં કહેવાથી આ તરફ આવ્યો છુ. રમેશભાઈ મસરાણીનું ઘર શોધુ છુ. પણ રસ્તો યાદ નથી આવતો અને સરનામુ ઘરે ભુલી ગયો! શું તમે મને મદદ કરી શકશો?”

“તમારે મારા પપ્પાનું શું કામ છે? ઓહ! તો તમે ચક્ષુતાદીદીનાં કહેવાથી અહીં આવ્યા છો.. આવો ઘરે જઈએ. ઘર નજીક જ છે.”

“તમે ભાભીનાં બહેન મૃણાલ છો, બરોબર? પણ તમને કયારેય જોયા નથી..”

“હા, પણ દીદીનાં લગ્નમાં હું અહીં નહોતી. પછી પણ દીદી, જીજાજી અહીં આવતા. બે દિવસ પહેલા જ દીદી સાથે વાત કરી હતી.” મૃણાલબોલી.

વાતો કરતા કરતા બંને ઘરે પહોંચ્યા. ઘરે ચૈતન્યની યોગ્ય સરભરા કરી. ચૈતન્યએ પુસ્તકો મૃણાલને આપ્યા અને તેના રસાયણવિજ્ઞાનનાં પ્રશ્નો પણ ઉકેલ્યા. ચૈતન્ય નીકળ્યો, પણ તેનું હ્રદય મૃણાલ પાસે રહી ગયુ હતુ.

ફોનથી ચૈતન્ય-મૃણાલ વાતો કરતા પણ મળવાનું ઓછુ બનતુ. ચૈતન્ય ઘણી વખત કહેતો, “ભાભી, પુનિતનગરનું કઈં કામ હોય તો કહેજો.”

એકાદ બે વખત તો ચક્ષુતાએ વાત પર કઈં ધ્યાન ન આપ્યુ. આમ પણ કંદપૅ કલગી બે બાળકોની જવાબદારીમાં ચક્ષુતા ગુંચવાયેલી રહેતી. પણ એક દિવસ...

“ભાભી, પુનિતનગરનું કઈં કામ હોય તો કહેજો.”

“હા, જરૂર કહીશ. પણ વાત શું છે? અઠવાડીયામાં બે-ત્રણ દિવસ ત્યાં કઈં કામ ન હોય! લાગે છે કોઈ ગંભીર વાત છે, જેની ઉપર મારૂ ધ્યાન નથી. અરે હા, મૃણાલ જેવુ સુંદર કારણ હું કઈ રીતે ભુલી ગઈ!”

મૃણાલનું નામ સાંભળી ચૈતન્યનાં ચહેરા પર હાસ્ય ફરકી ગયુ. તેનો ચહેરો ચમકવા લાગ્યો. તે બોલ્યો, “હા ભાભી. મૃણાલને મળવા માટે મને વારંવાર ત્યાં જવુ ગમે છે. મને... મને મૃણાલ ગમે છે...” ચૈતન્ય માટે ચક્ષુતા એટલે ભાઈ, બહેન મિત્ર.. બધુ હતા.

“તો પછી આટલા દિવસ મને કેમ ન કહયુ ભાઈ! વત્સલને કહી હું આજે જ મમ્મી પપ્પા સાથે અને મામાનાં ઘરે વાત કરુ છુ. મને એમ થાય કે મૃણાલનાં વારંવાર ફોન આવતા રહે તેમાં 'બાકી બધા મજામાં ને?' એવુ વારંવાર પુછતી. હવે આ 'બાકી બધા' નો અથૅ હું સમજી...” ચક્ષુતા આનંદવિભોર થઈને બોલી.

એ સમય દરમિયાન જ ફોનની રીંગ વાગી. “હેલો દીદી. મૃણાલબોલુ છુ. કેમ છો તમે દીદી? અને જીજાજી, કંદપૅ, કલગી?”

“બધા મજામાં છીએ મૃણાલ. તું અહીં કયારે આવે છે?”

“હું અનુકુળતાએ ફોન કરીને આવીશ. બાકી બધા મજામાં?” મૃણાલબોલી.

“હા, બાકી બ....ધા મજામા. તારે 'બાકી બધા' સાથે વાત કરવી છે?” ચક્ષુતા બોલી.

“હેં... દીદી?!” મૃણાલને કઈં ન સમજાયુ.

“મૃણાલ, ચૈતન્યએ મને બધી વાત કરી છે. હું ખુબ ખુશ છુ. ઘરમાં વાત કરી મામા સાથે વાત કરીશ. ચૈતન્ય સાથે વાત કર.”

-------------

એ દિવસે ચક્ષુતાએ મારી સાથે વાત કરી. અને મમ્મી-પપ્પાએ ચક્ષુતાનાં મામા રમેશભાઈ સાથે વાત કરી. બંને પક્ષા તરફથી આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારાઈ જતા મૃણાલઅને ચૈતન્યનાં ધામધૂમથી લગ્ન થયા. બંને બાળકો મૃણાલને 'કાકી' ન કહી શકતા. માટે ચૈતન્ય અને મૃણાલ એટલે બંને બાળકોનાં કાકા-માસી.

••••••••••••••••••

: ૧૪ :

બાળકોની પરીક્ષા તો પૂરી થઈ ગઈ. અને નક્કી કર્યા પ્રમાણે અમે ફરવા નીકળ્યા. બાળકોએ ફરવા માટે સાપુતારા પર પસંદગી ઉતારેલી. અમે નક્કી કર્યા પ્રમાણે પહેલા શિરડી, અને શનીશિંગળાપુર તથા નાસીક-ત્ર્યંબક દશૅન કરી પછી સાપુતારા રોકાયા.

-------------

“આજે તો સૂર્યોદય જોવા જવાનું છે. તમે કેમ હજી સુતા છો?” ચક્ષુતા વત્સલને ઉઠાડવા આવી.

“કઈં નહીં થોડો પેટનો દુ:ખાવો છે. ચાલ હમણાં તૈયાર થઈ જઉ છુ.” વત્સલ ઉઠીને તૈયાર થયો.

સાપુતારા સપરિવાર ફરવાની મજા બધા માણતા હતા, તેવામાં મારા પેટનાં દુ:ખાવાને કારણે બધી મજા બગડી ન જાય તે માટે મેં પેટનો દુ:ખાવો ગણકાર્યો જ નહીં. ચાર દિવસ સાપુતારા રોકાયા. પછી રાજકોટ આવ્યા. ત્યાં તો ઘરગથ્થુ ઉપચારથી તબિયત ઠીક રહી. પણ રાજકોટ પહોંચીને દુ:ખાવો ફરી વધી ગયો.

“ચક્ષુતા, દુ:ખાવો ઘણો વધારે લાગે છે. આજે ઓફિસે પણ નહીં જઈ શકાય. ઘરે આરામ કરૂ.” વત્સલે કહયુ.

“દીકરા, વધારે તકલીફ છે તો પછી તું અને ચક્ષુતા ડોકટર પાસે જઈ આવો.” અનુરાગભાઈએ કહયુ.

બધા સાથે જ નાસ્તો કરતા હતા. ચૈતન્યએ કહયુ, “ચાલો, હું પણ તમારી સાથે આવુ છુ.”

'મારે ડોકટર પાસે જવાની ઈચ્છા નથી. પેટનાં દુ:ખાવાને કારણે ડોકટર સોનોગ્રાફી કરવાનું કહેશે તો પછી..' વત્સલે મનોમન વિચાર્યુ.

“શું વિચારો છો?”

“હં... કઈં નહીં ચક્ષુતા. ઘરે આરામ કરી લઉં અને ખાવામાં સાદુ ખાઈશ એટલે વાંધો નહીં આવે. આમ પણ આટલા દિવસથી આપણે બહારનું જમીએ છીએ માટે...”

“ભાઈ, તમારી કોઈ વાત મારે સાંભળવી નથી. ચાલો, ડોકટર પાસે. હું પછી ઘરે આવીને નાસ્તો કરીશ.” ચૈતન્ય જાણે વત્સલનો મોટોભાઈ હોય તેમ ટપારતા બોલ્યો.

“કદાચ બધાને હું સમજાવી દઉ, પણ ચૈતન્ય પાસે મારૂ કઈં ન ચાલે. ચાલ, જઈ આવીએ, બસ...” કહી વત્સલ ઉભો થયો.

ડોકટર પાસે...

“અરે, આવો આવો મી.સેજપાલ. આજે ચૈતન્ય આવ્યો છે? ચક્ષુતાબહેન નથી આવ્યા?” ડો.પ્રકાશભાઈએ તેમને આવકાર્યા. ડો.પ્રકાશભાઈ એટલે ડો.સરીતામેડમનાં પતિ. તેઓ પેટરોગ વિષેશજ્ઞ છે. કંદપૅ, કલગી અને પોયણીનાં જન્મ બાદ પ્રકાશભાઈ અને સરીતામેડમ અમારા પારિવારિક મિત્ર બની ગયા હતા.

“સર, ભાઈને ઘણા દિવસથી પેટનો દુ:ખાવો છે. માંડ તમારી પાસે લઈ આવ્યો છુ.” ચૈતન્યએ કહયુ.

“કોઈ દવા લીધી વત્સલભાઈ?”

“બસ, ઘરગથ્થુ ઉપચારો. પણ કઈં તકલીફ લાગતી નથી પ્રકાશભાઈ. અપચો હશે. ઘણા દિવસથી બહાર જમુ છુ, માટે. ઘરે આરામ કરી લઈશ તો વાંધો નહીં આવે.”

“જુઓ, ડોકટરસાહેબ, ભાઈ કઈં પણ કહે, તમારે તેમની વાત નથી માનવાની. જે કઈં રીપોટૅ જરૂરી હોય તે કરાવી લઈએ.” ચૈતન્યએ કહયુ.

“મને નિણૅય લેવા દો, વત્સલભાઈ. કોઈ તકલીફ ન હોય તો મારે કયાં દવા દેવી છે! મને ચેક અપ કરી લેવા દો.” પ્રકાશભાઈએ એક તબીબ તરીકેની પોતાની સત્તા વાપરીને કહયુ.

વત્સલભાઈ અને ચૈતન્યની સામસામી ટસલનો કોઈ અથૅ ન રહયો. ડો. પ્રકાશભાઈએ ચેક કરતી વખતે જોયુ કે પેટનાં એક ભાગમાં દબાણ આપવાથી વત્સલભાઈને દુ:ખાવો ખુબ વધી જતો હતો. બાકી પેટનાં દરેક ભાગમાં સતત દુ:ખાવો ચાલુ રહેતો.

“વત્સલભાઈ, કબજીયાત, ગેસ જેવી કોઈ તકલીફ?” ડોકટરે પુછયુ.

“ના, સાહેબ. કોઈ જ તકલીફ નથી.”

“પેટમાં દુ:ખે ત્યારે ઉલટી થાય કે ઉબકા આવે ખરા?”

“ના. એવી કોઈ તકલીફ નથી. કયારેક એસીડીટી થાય ખરી. અને એટલી એસીડીટી થાય કે ખુબ ખાટા ઓડકાર આવે. દાંત ખાટા થઈ જાય. બે-ત્રણ દિવસ એમ થાય કે કઈં ખાવુ નથી. પણ જમવાનો સમય અનિયમિત રહયો માટે કદાચ એસીડીટી...”

“તમે તો કયારેય ફરિયાદ નથી કરી..!” પ્રકાશભાઈને નવાઈ લાગી.

“ડોકટરસાહેબ, એસીડીટીમાં વળી ફરિયાદ શું કરવી! એ તો મટી પણ જાય. ચાલ્યા કરે.” વત્સલભાઈ હસીને બોલ્યા.

“કોઈ ચિંતા કે ટેન્શન રહે ખરૂ?” ડોકટર ધીમે ધીમે પોતાના નિદાન તરફ આગળ વધતા જતા હતા.

“તમને એવુ લાગે છે પ્રકાશભાઈ?”

“હા, વત્સલભાઈ. મને તમારા રોગમાં ચિંતા કારણભુત હોય એમ લાગે છે. ચૈતન્ય, તને કઈં ધ્યાનમાં છે ભાઈ?”

“ના, મને તો કયારેય આવુ કઈં બોલ્યા જ નથી. હકીકતે ભાઈને એસીડીટીની આટલી ફરિયાદ છે એ પણ મને આજે ખબર પડી.” ચૈતન્ય નવાઈ પામતા બોલ્યો.

“ખરે! મને અત્યારે તો લાગે છે કે પેટમાં ચાંદુ પડી ગયુ છે. લીવરમાં પણ થોડો સોજો લાગે છે. કદાચ કમળો હોય અથવા બીજુ કઈં. હું લોહી, પેશાબ અને સોનોગ્રાફીનાં રીપોટૅ જોઈ લેવા માગુ છુ.” પ્રકાશભાઈએ કહયુ. “ત્યારબાદ જરૂર પડયે એન્ડોસ્કોપી (પેટમાં દુરબીન નાખીને થતુ નિદાન) નો રીપોટૅ કરીશું.”

“ભલે સર. અત્યારે જ તમે કહો એ રીપોટૅ કહાવી લઈએ.” ચૈતન્યએ ભાર પૂવૅક કહયુ.

ડોકટરે લખેલા રીપોટૅનાં કાગળ લઈને વત્સલભાઈ અને ચૈતન્ય ઘરે આવવા નીકળ્યા.

“પણ ચૈતન્ય, હું રીપોટૅ કરાવવા નથી માગતો. સોનોગ્રાફી તો નહીં જ.” વત્સલભાઈએ ઉંચા અવાજે કહયુ.

“વત્સલભાઈ, હું તમારી વાત નથી માનવાનો. ફકત આરામ કરવો એ ઈલાજ નથી. આ રીપોટૅ કરાવવા આવવુ જ પડશે. અને સોનોગ્રાફી કરાવવામાં આખરે વાંધો શું છે?” સોનોગ્રાફી ન કરાવવાની વાત ચૈતન્યને ન સમજાઈ.

વત્સલભાઈએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. ચૈતન્ય ધુંધવાઈને ગાડી ચલાવતો રહયો.

“ભાભી, ભાઈને સમજાવો તો જરા..” ચૈતન્યએ ચક્ષુતાને કહયુ. ઘરનાં બધા સભ્યો પણ ત્યાં જ હતા. બાળકો બહાર રમતા હતા.

“વત્સલ, શું વાત છે?” અનુરાગભાઈએ પુછયુ.

“પપ્પા, કઈં નથી. ચૈતન્ય રાઈનો પહાડ બનાવે છે. કઈં જ નથી. કદાચ પેટમાં ચાંદુ હોય કે પછી..” વત્સલે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

“અને રાઈનો પહાડ ન કહેવાય દીકરા. ડોકટર શું કહે છે ચૈતન્ય?”રાગિણીબહેને પુછયુ.

“મમ્મી, ડોકટર તો લીહી, પેશાબનો રીપોટૅ અને સોનોગ્રાફી કરાવવાનું કહે છે. પણ ભાઈ ચોખ્ખી ના પાડે છે...” ચૈતન્ય ચીડાઈને બોલ્યો. “તમારી તબિયત બાબતે તમે નહીં માનો એ નહીં ચાલે.”

“ચક્ષુતાદીદી, તમે રડો નહીં.. જીજાજીને આપણે સમજાવીએ છીએ ને!” મૃણાલે રડતી ચક્ષુતાને સમજાવી.

“ચૈતન્ય,એ સોનોગ્રાફીનો વિરોધ કરે છે એ હું જાણુ છુ.”એક વાકય બોલી ચક્ષુતા અટકી.

“મમ્મી, પપ્પા. સોનોગ્રાફીએ આપણાં જીવનમાં વર્ષો પહેલા કેવી ઉથલ પાથલ સર્જી હતી એ તો હું કેવી રીતે ભુલુ? અને ફરી સોનોગ્રાફી..” વત્સલે ધીમા અવાજે કહયુ.

ઘરમાં એક મીનીટ માટે સોપો પડી ગયો. જુના દિવસો જાણે કે બધાની નજર સામે તરવરવા લાગ્યા.

“મમ્મી, આપણો પરિવાર, બાળકો અને ઘર સલામત છે, એટલુ બસ છે. ત્યારે મેં ઓછી ભુલો નથી કરી...”

“વત્સલ, તારા બદલે મને કે ચૈતન્યને કે અન્ય કોઈને આવી ફરિયાદ હોત, તો તું શું સોનોગ્રાફી ન કરાવવા દેત?” અનુરાગભાઈએ પુછયુ.

“પપ્પા, એ આખી વાત અલગ છે. હું જાતે તમને સોનોગ્રાફી કરાવવા લઈ જાત. પણ મારા માટે એ પરિસ્થિતી અલગ છે. અને મારો નિણૅય અંતિમ છે.” વત્સલે દ્રઢતાથી કહયુ.

“આ ઘરમાં હજી નિણૅય કરવાવાળો હું બેઠો છુ. બેટા, ભુતકાળને વાગોળીને વતૅમાનમાં જીવન ન જીવી શકાય. ગઈકાલ ગઈ તે ગઈ અને એની વાત પૂરી થઈ. અત્યારની પરિસ્થિતીનો વિચાર કર. તારા આ નિણૅયથી તું તો હેરાન થઈશ. ઘરનાં બધા પણ દુ:ખી થશે.” અનુરાગભાઈએ વત્સલને સમજાવ્યો.

--------------

એક ક્રુરતા વર્ષો પહેલા ચક્ષુતા અને મારા બાળકો માટે મેં આચરી હતી. અને આજે હું મારા માટે ક્રુર બની ગયો. પણ ઘરનાં સભ્યોની લાગણીની જીત થઈ. હોજરીમાં ચાંદુ નહોતુ એ એન્ડોસ્કોપીમાં સ્પષ્ટ થયુ. હા, કમળો હતો અને માટે આરામ ફરજીયાત હતો.

••••••••••••••••••

: ૧પ :

'આરામ હૈ હરામ' એ વાત મેં મારા જીવનમાં ભલે અપનાવી હોય, પણ આ માંદગીની પરિસ્થિતીમાં મારમે આરામ કરવો ફરજીયાત હતો. ઘણા વર્ષો પછી હું મારી પોતાની સાથે રહી શકયો. વેકેશન હોવાથી બાળકો ઘરે હોય. તેમની રમતો, મમ્મી-પપ્પાની મમતા, ચૈતન્ય-મૃણાલનું વાત્સલ્ય અને ચક્ષુતાનો પ્રેમ હું મેળવતો રહયો. મૃણાલતો મારી નાની લાડકી બહેન બની ગઈ હતી. કમળો હોવાને કારણે ફીક્કુ ખાઈને કંટાળતો. કયારેક પેટમાં ખુબ દુ:ખાવો ઉપડી આવતો, માટે ખાઈ ન શકાતુ. પણ મૃણાલનો હાથ હું પાછો ન ઠેલી શકતો.

આરામ તો જરૂરી હતો જ, પણ સાથે સાથે હોમીયોપીથીની દવા પણ ચાલુ હતી. કમળા માટે અને બીજા ઘણા બધા રોગ માટે પણ હોમીયોપીથીમાં અકસીર દવાઓ છે. ડો.પ્રકાશભાઈનાં નાના ભાઈ ડો.ચંદ્રેશભાઈ હોમીયોપેથીક ડોકટર હતા. બાળકોની દવાઓ તો તેમની પાસે થી જ લેતા, પણ મારા માટે પણ મેં તેમની દવા શરૂ કરી દીધી હતી.

ચક્ષુતા એક દિવસ રૂમમાં સફાઈ કરતી હતી, ત્યાં તેના હાથમાં આલબમ આવ્યુ. “વત્સલ, જુઓ જોઈએ. આ જુનુ આલબમ મને અહીંથી મળ્યુ. કંદપૅ અને કલગી નાના હતા ત્યારનાં બધા ફોટાઓ...! જુઓ તમે લખ્યુ પણ છે , બંનેનાં દર મહિને લીધેલા ફોટાઓ. અને જોયા, અમુક ફોટાઓ તમે કેટલા સુંદર પાડયા છે!”

મને મારો વર્ષો જુનો ફોટોગ્રાફીનો શોખ યાદ આવ્યો. બાળકોનાં ફોટા મેં જોવા માટે હાથમાં લીધા અને જુની યાદગીરી પણ મનમાં ઘોળાવા લાગી.

કંદપૅ નવુ નવુ બોલતા શીખ્યો હતો. કલગી બહુ બોલવાનો પ્રયત્ન ન કરતી. બસ, મને અને ચક્ષુતાને જોયા કરતી, હસતી, રમતી. કંદપૅનું બોલવાનું એટલે એટલી બધી ગરબડ હોય, કે કઈં ન સમજાય. અને કયારેક એ ખુબ સ્પષ્ટ ઉચ્ચારોથી બોલતો.

-------------

“કંદપૅ, જો હું તારા પપ્પા છુ. અને આ કાકા..” વત્સલે નાનકડા કંદપૅને બોલતા શીખવ્યુ.

પણ કંદપૅ કઈં ખાસ ન સમજયો હોય તેમ ચૈતન્ય સામે જોઈ 'પા' અને વત્સલ સામે જોઈ 'કા' બોલ્યો. પછી તો દાદા-દાદી એટલે 'દા' અને મમ્મી એટલે 'મા'.

“ચૈતન્ય, આ મારા કરતા તારો દીકરો વધારે છે. મને એ પપ્પાને બદલે કાકા જ કહે છે. જો, હજી પણ 'કા' કહી મારી સામે જ આંગળી ચીંધી છે.” વત્સલે મીઠી ટીખળ કરી.

“હા, એ વાત ખરી, ભાઈ. એ તો મારો જ દીકરો છે. તમે ઘરે ન હો એ દરમિયાન કંદપૅ મારી પાસે જ સતત રહે છે. આમ પણ ભત્રીજો તો મારો એકલાનો ને...” ચૈતન્ય હસીને બોલ્યો.

-------------

“જો, ચક્ષુતા. કંદપૅ મને 'કા' કહીને બોલાવતો અને એ માટે ચૈતન્ય મને ચીડવતો ત્યારનો ફોટો.” મેં ચક્ષુતાને ફોટો બતાવ્યો.

“અને, આ ફોટો જુઓ. કલગી બગીચાની ધુળમાં રગદોળાઈ ગઈ હતી ત્યારનો ફોટો..”

“ધુળમાં રગદોળાયેલી કલગી પર તું પહેલા ગુસ્સો કરતી. પણ તેનું મીઠુ હાસ્ય તારો ગુસ્સો ભુલાવી દેતા. સારૂ કર્યુ, તે આ ફોટાઓ મને બતાવ્યા. બાળકોનાં બાળપણ માં ફરી જઈ આવ્યો.” વત્સલે હસીને કહયુ.

“અરે, આ તો પોયણી. જુઓ કેવુ લુચ્ચુ હસે છે! અદ્દલ મૃણાલ જેવી લાગે છે. મૃણાલ નાની હતી ત્યારે આવી જ હતી...” ચક્ષુતાએ પોયણીનો ફોટો બતાવ્યો.

“ઓહ! તો ભાઈ ફોટા જુએ છે! આરામનાં સમયનો સારો ઉપયોગ કરો છો. હું એક કામ કરૂ, આ ફોટાઓની સી.ડી. બનાવી લઉ. પછી નિંરાતે સી.ડી. જોવાશે.” ચૈતન્ય વત્સલ પાસે આવીને બોલ્યો.

“ચૈતન્ય, તું ઘરે આવે એટલે સમય જોવાની જરૂર જ ન હોય. બપોરે એક અને રાત્રે આઠ. તારો આવવાનો સમય. પણ તું તો બહાર બેસીને બધા સાથે જમી લે. હું અહીં જમી લઈશ. રૂમની બહાર તો તું મને નીકળવા નથી દેતો!”

“જીજાજી, મારે કે દીદીને કે મમ્મી-પપ્પાને અહીં જમવુ હોય તો પણ તેઓ ના પાડી દે. મને કહી દે કે 'ભાઈ સાથે તો હું જ જમીશ.' એ તમારૂ નહીં માને.”મૃણાલ થાળી પીરસતા બોલી.

“મને લાગે છે, હું માંદગીનો વૈભવ માણી રહયો છુ. બાકી આટલો આરામ કયારેય કર્યો નથી એટલે લાગતુ હતુ કે આરામ કરીને કંટાળી જવાશે. પણ ખરૂ કહુ ને તો ચૈતન્યનાં આવવાની રાહ તો મને પણ હોય છે. પોતે પ્રોફેસર રહયો, પણ અન્ય પ્રોફેસર જેવો કંટાળાજનક નથી. તેની હાજરીથી વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય છે.” વત્સલે કહયુ.

-------------

દિવસો પસાર થતા જતા હતા. અને તબિયત પણ સુધરતી જતી હતી. વચ્ચે વચ્ચે પ્રકાશભાઈ અને ચંદ્રેશભાઈ આવીને તબિયત જોઈ જતા. હવે તો કમળો પણ મટવા આવ્યો હતો.

••••••••••••••••••

: ૧૬ :

એક એ સોનોગ્રાફી હતી, કે જેનાથી ઘરમાં ઝંઝાવાત સર્જાયા. અને એક આ સોનોગ્રાફી, જેનાથી મારી ફરિયાદનું નિદાન કરાયુ. તબીબી વિજ્ઞાનનાં આશિર્વાદને સમજીને ચાલવામાં ફાયદો હોય છે, જે મેં ફરી એક વખત અનુભવ્યુ.

માંદગીનો વૈભવ પૂરા વીસ દિવસ ચાલ્યો. આ વીસ દિવસ દરમિયાન આળકોની સાથે સતત અને વધુ સમય રહયો. પહેલા તો મને મારી મુર્ખામી ઉપર ગુસ્સો આવતો. પણ ઘર-પરિવારનાં સહકારથી એ વાત ભુલાઈ ગઈ હતી. મારા મનનાં અંદરનાં ખુણામાં તો આ વાત ધરબાયેલી જ રહેતી. સમાજનાં આ ગભૅપરિક્ષાણનાં દુષણને નાથવા સતત કઈં કરવાની ઈચ્છા થતી. કદાચ તેમાં જ મારૂ પ્રાયશ્ચિત સમાયેલુ હશે.

ઘરનાં બધા સાથે હોય, છતા કયારેક એકલો પડતો ત્યારે આ વાત પર મનોમંથન કરતો અને એક વિચારે જન્મ લીધો, જે મેં ઘરનાં બધાને જણાવ્યો. બાળકોને પણ સાથે રાખ્યા.

--------------

“મમ્મી, પપ્પા. તમારો લગ્નદિવસ આવે છે. અને મેં આ દિવસ માટે એક ખાસ કાયૅક્રમ વિચાર્યો છે. પણ એક વાત હું સાથે કહેવા માગુ છુ. ખાસ તો કંદપૅ કલગીને..” વત્સલ બોલ્યો.

“હા, પપ્પા. કહો ને..” કલગી ઉત્સાહથી બોલી.

વત્સલ ફીક્કુ હસીને બોલ્યો, “સાંભળ દીકરી. તારા જન્મ પહેલાની વાત છે. અત્યારનાં તારા વ્હાલા પપ્પા થોડો સમય માટે બહુ ખરાબ બની ગયા હતા. સોનોગ્રાફી દ્વારા મેં જાણી લીધુ હતુ કે આવનાર બાળક દીકરી છે અને બાળક ન જોઈએ એ વિચાર પણ કરી લીધો....”

“આ શું કહો છો? એવુ કયાં કઈં બન્યુ હતુ?” ચક્ષુતા વચ્ચેથી વાત કાપીને બોલી.

“એ દિવસો યાદ આવતા, તને અને પરિવારને મેં આપેલી માનસિક યાતનાનો ખ્યાલ આવતા જ, આજે પણ મારા મનમાં કડવાશ વ્યાપી જાય છે.પણ સમયસર આ ભુલ સુધરી ગઈ. મારી આંખ ઉઘડી ગઈ. અને પ્રાયશ્ચિત સ્વરૂપે મેં કયારેય મારી પોતાની સોનોગ્રાફી ન કરાવવાનો નિણૅય કર્યો. આટલા વર્ષો સુધી એવી કઈં જરૂર ન પડી. પણ આ માંદગી એવી હતી કે સોનોગ્રાફી કરાવવી પડી.” ચક્ષુતાની વાત લક્ષામાં લીધા વગર વત્સલે પોતાની વાત પૂરી કરી.

“પપ્પા, તમને મારા માટે જરા પણ પ્રેમ નથી?” કલગી રડી પડી.

“એ નબળી ક્ષાણો પસાર થઈ ગઈ બેટા. હવે તો તું જાણે છે કે તને જોયા વગર મારા દિવસની શરૂઆત પણ નથી થતી. તને તારા પપ્પા ઉપર ભરોસો નથી, શું?”

“છે, પપ્પા. ભરોસો છે. તમે મને ખુબ પ્રેમ કરો છો.” કલગી વત્સલને વળગી પડી.

“ભાઈ, આ વાતનો ઉલ્લેખ ઘરમાં હવે પછી કયારેય ન કરતા. તમે મમ્મી-પપ્પાનાં લગ્ન દિવસની કઈંક વાત કરતા હતા.” ચૈતન્યએ વાત બદલી.

“પપ્પા, તમારા લગ્ન દિવસે એક સંસ્થાની શરૂઆત કરીએ, 'શિશુ માંગલ્ય' એ નામથી. ખાસ કરીને મારી જેમ માગૅ ભટકેલા દંપતિ હોય તેમનાં માટે પ્રશિક્ષણ કેન્દ્ર. જેથી સમાજમાંથી ગભૅનાં જાતિ પરિક્ષણનાં આ કુરિવાજને આપણે આપણાં પ્રયત્નથી નાબુદ કરી દઈએ.”

“વાહ, તારો વિચાર તો ખુબ સરસ છે.” અનુરાગભાઈએ 'શિશુ માંગલ્ય' નાં વિચારને બીરદાવ્યો.

“પપ્પા, વર્ષ દરમિયાન જેટલા દંપતિ સંસ્થાની મુલાકાત લે, તે પૈકી બાળકનાં જન્મ પહેલા અને જન્મ પછી શ્રેષ્ઠ કાળજી લેવાઈ હોય તેવા દંપતિનું સન્માન પણ કરીશું. ઉપરાંત અન્ય લોકોને જાગૃત અને પ્રશિક્ષિત કરવા અલગ અલગ કાયૅક્રમો જેવા કે નાટક, તબીબી સલાહ, બૌદ્ધિક વગૅનાં સુચનો વિગેરે અમલમાં મુકીશું.”

ઘરનાં સર્વેનાં અનુમોદનથી 'શિશુ માંગલ્ય' સંસ્થા શરૂ કરવાનો વિચાર અમલમાં મુકાયો. અને મમ્મી-પપ્પાનાં લગ્ન દિવસે આ સંસ્થા શરૂ કરાઈ. ચૈતન્ય, મૃણાલ, ચક્ષુતાનો સાથ અને મમ્મી-પપ્પાનાં આશિર્વાદથી સંસ્થા શરૂ થઈ.

--------------

આજે રવિવાર છે. અને રવિવાર એટલે 'શિશુ માંગલ્ય' ને ફાળવેલો સમય. કેટલા વર્ષો પસાર થઈ ગયા, પણ ગભૅનું જાતિપરીક્ષાણ-આ કુરિવાજ હજી ગયો નથી. કોઈ પણ નવુ કાયૅ શરૂ કરવુ અઘરૂ હોય છે. પણ લક્ષય સુધી પહોંચવા માટે પહેલુ ડગલુ માંડવુ પડે. અને આ પહેલુ ડગલુ એટલે અમારી આ સંસ્થા.

હું જોઈ રહયો છુ કે દીકરા દીકરીની સામાજીક અસમાનતા, દીકરા કરતા દીકરીની ઓછી સંખ્યા-આ બધાનું પ્રમાણ વધતુ જાય છે.નિરાશાવાદી ચિત્ર કહી શકાય એ પરિસ્થિતી ખરી. પણ નિરાશામાં આશા સમાન 'શિશુ માંગલ્ય' દ્વારા કુરિવાજ દુર કરી શકાશે તેનો મને ભરોસો છે.

....અને આ કુરિવાજ સમાજમાંથી દુર કરવો એટલે જે સમાજમાં આપણે રહીએ છીએ, જે સમાજમાં આપણે પોતે પણ કહેવાઈએ. માટે મનમાંથી પણ આ કુરિવાજનાં મૂળ દુર કરવા જરૂરી કહેવાય.

હજી વધુ સમય નથી થયો અમારી સંસ્થા શરૂ થયે. પણ સભ્ય સમાજમાં આવી રહેલી જાગૃતિ સંસ્થાની મુલાકાતે આવનાર દંપતિની ઉત્તરોત્તર વધતી સંખ્યા પરથી જાણી શકાય છે.

બસ, આ કાયૅ કઈં અઘરૂ નથી. જો પહેલુ ડગલુ માંડીને એકબીજાને સહકાર આપીએ તો.....

......આપીશું ને....!!

••••••••••••••••••

લેખિકા : ડો.ચારૂતા એચ. ગણાત્રા

લઘુનવલ લખ્યા તા.ર૯.૪.ર૦૦૯