IPC section 366 - Part - 7 in Gujarati Short Stories by Maneesh Christian books and stories PDF | IPC section 366 - 7

Featured Books
Categories
Share

IPC section 366 - 7

દરેક વ્યક્તિ અંદરથી અદાકાર હોય છે જ. ફક્ત મોકો મળવાની જ રાહ જોવાતી હોય છે.

“ક્યાં હતો આટલી બધી વાર.” અંદર આવનાર વ્યક્તિ દેવેન્દ્ર હતો. તેણે રડમસ બનેલા તેના અવાજનો ઉપયોગ પોતાની રમત માટે કરી લીધો. દેવેન્દ્ર તો એકદમ હેબતાઈ ગયો. તેના નસીબમાં આ સુંદરતા? આ લાવણ્ય? આ પ્રેમ? તે ફક્ત એટલું જ સમજ્યો કે મારું બહાર જવું તેનાથી સહન નથી થયું.

“તીર નિશાના ઉપર વાગી ચુક્યું છે”. ઓરડીમાં હતી તે બંને વ્યક્તિના મગજમાં અત્યારે આ મહાવરો રમવા લાગ્યો. “હવે દાવ મારવાનો સમય થઇ ગયો છે.” બંને એ લગભગ એકસાથે જ વિચાર્યું હશે.

“હું એમ-એક વાત..” બને આ શબ્દો એકસાથે બોલ્યા અને પછી એકબીજાની સામે જોઈ મુક્ત રીતે હસી પડ્યા. જેમાં એક હાસ્યમાં ચાલાકી હતી અને બીજામાં લાલચ. પણ પહેલું કોનું તીર નિશાના ઉપર વાગશે એ તો સમય જ બતાવી શકે તેમ છે.

“અચ્છા, તું બોલ..”એક પુરુષ તરીકે સ્ત્રીને જ પહેલો મોકો આપવો જોઈએ તેવું દેવેન્દ્રને લાગ્યું અને પોરસાયો.

“ના...તમે કહો.” તેણે શરમાઈને વળતો જવાબ આપ્યો.

“જો પાછુ તમે?” દેન્વેદ્રએ ખીજાવાનો ડોળ કર્યો. “તને કીધુને તું મારી સાથે એક મિત્રની જેમ જ વાત કર.” ઠાવકાઈથી તેણે ઉમેરો કર્યો.

“ઓહ! સોરી. હું ભૂલી જ ગઈ. પણ તું ...(થોડું હસીને) પહેલા બોલવા જતો હતો એટલે પહેલા તારે જ કહેવું પડશે. એમાં હું કઈ નહિ ચાલવું.” તેણે હક્ક કરવાની અદાકારી બખૂબી કરી બતાવી. દેવેન્દ્ર પૂરો પલળી ગયો હતો તે સમજવામાં કોઈને પણ વાર ના લાગે.

“હું તને અહીંથી બહાર લઇ જાઉં પછી તું મારી જોડે લગન કરીશ.” ગંધાતા કાળા હોઠ ઉપર આવેલી શરમ જરા પણ સારી નોહતી લાગતી. સ્નેહને કદાચ ઉલટી થઇ જાત. પણ તેણે ખુબ સંયમ રાખ્યો હશે પોતાની જાત પર એટલે જ તેના ચહેરાના હાવભાવ ઉપર અણગમો જરાપણ જાહેર ના થયો.

તેણે પોતાની અદાકારીનો સહારો લેવા પ્રયત્ન કર્યો. અત્યાર સુધી જોયેલી ફિલ્મો કે વાંચેલી નવલકથાઓની સ્મૃતિમાંથી શોધી અને આવા સમયે શરમાઈ જઈ નીચું જોઈ જવું અને કોઈ જ જવાબ ના આપવો તે અદાકારી તેને યોગ્ય લાગી. તે આછું સ્મિત હોઠો ઉપર ચોટાડી નીચું જોવા લાગી.

સામેવાળી વ્યક્તિ પણ આ પરિસ્થિતિથી વાકેફ હોય તેવું લાગ્યું. એટલે તેણે પણ શરમાળ ચુપકીદીણે હા સમજી લીધી. તે નાનું ટેબલ ખેંચી તેની એકદમ નજીક આવીને બેસી ગયો. એટલો નજીક કે સ્નેહને તેના ઉચ્છવાસમાં આવતી તમાકુની ગંધ આવવા લાગી. તેણે ખરબચડા પંજામાં નિયમિત બ્યુટી ટ્રીટમેન્ટ લેતો ગૌર ચહેરો લીધો. આ સ્પર્શ સ્નેહાને માનસિક અને શારીરિક બંને રીતે કર્કશ લાગ્યો. પણ કઈ થાય તેમ તો હતું નહિ. તેના ગંધાતા હોઠ તે વધુ નજીક લાવી રહ્યો હતો. સ્નેહાને લાગ્યું કે હમણાં જ હું બેહોશ થઇ જઈશ. અચાનક તેના મગજમાં ગતિસંચાર થયો. તે કશુક સમજી હોય તેમ પોતાને છોડાવી ઉભી થઇ અને દોડીને બારી બાજુ જતી રહી. ત્યાં દીવાલ તરફ ઉભી રહી બંને હથેળીમાં ચહેરાને છુપાવી લીધો.

“બધું લગ્ન પછી.” એ બે લીસ્સા પંજાઓ પાછળથી ફક્ત આટલો જ દબએલો અને શરમાએલો અવાજ આવ્યો. દેવેન્દ્રનો ચહેરો વિજય પતાકા જેવો લહેરાવા લાગ્યો. તે ગઢ જીતી ચુક્યો હતો. હવે બળજબરી કરી આ આખી જિંદગી મળનારી મિજબાનીણે એકવારની લિજ્જત કરી બગાડવા માંગતો નોહ્તો.

“ઠીક છે તું જેમ કહે તેમ.” દેવેન્દ્ર પોતાના માથામાં હાથ ફેરવતો રહ્યો. તેને અત્યારે કોઈ ફિલ્મના હીરો જેવી લાગણી આવી રહી હતી.

“જીતના પ્યાર હૈ આપસે,

ઉસસે ઔર જ્યાદા પાને કો જી ચાહતા હૈ.

જાને વો કોનસી ખૂબી હૈ આપમે,

કી હર રીસ્તા આપસે બનાને કો જી ચાહતા હૈ.”

છેલ્લું વાક્ય તે સ્નેહા તરફ આંગળી ચીંધીને બોલ્યો. તેના ફિલ્મી હીરોનો સ્વાંગ સ્નેહા જોઈ રહી. એક કારકિર્દી લક્ષી છોકરીને આ વેવલાવેડા પસંદ જ ના હોય અને હોય તો પણ તેના સમકક્ષ કોઈ જુવાનીયો હોય. આ ગોબરો ગુનેહગાર તેને આટલી હદ સુધી પ્રેમ-પલાખા ભણાવે તો એને કચ-કાચવીને તમાચો જ મારવાની ઈચ્છા થાય. એવી જ કોઈ લાગણીઓ વચ્ચે પણ સ્નેહાએ જવાબનું શાયરના સ્મિત તેની બાજુ ફેંક્યું. “એકવાર હું અહીંથી બહાર નીકળું બચ્ચું.” એવા કોઈ ભીતરના ભાવ સાથે.

“હું તને એક વાત પૂછું તો સાચો જવાબ આપીશ?” સ્નેહાએ કોઈ દિવસ વિદ્યાર્થી જીવનમાં પણ નહિ કર્યો હોય એવો અભિનય કરી રહી હતી.

“કેમ તને વિશ્વાસ નથી કે હું સાચું કહીશ.” તે પરિક્ષા કરવા ગયો.

“ના જ હોયને હજુ આપણને મળ્યે કેટલાક કલાક તો થયા. નથી હું તને બરાબર ઓળખતી કે નથી તું મને...” એ આટલું બોલી ત્યાં દેવેન્દ્ર વચ્ચે જ બોલ્યો.

“હું તો ઘણા સમયથી તને ઓળખું છું. નહીતો તારી ફેવરેટ વેફર્સ કઈ છે મને કેમની ખબર હોય.” પોતાના ખિસ્સામાં હાથ નાખતા તેણે આવું કહ્યું.

“ઓ મા..”સ્નેહા સમસમી ગઈ. આ કોણ છે? કેમ મારી જાણકારી રાખે છે? ક્યારથી રાખે છે? કેવી રીતે મને ઓળખે? કોના કહેવાથી મારી બધી વિગતો રાખે છે? કઈ કેટલાય પ્રશ્નો તેના મગજમાં શેરડીના સંચાની જેમ ફરવા લાગ્યા. તેની યાદદાસ્તનો બધો કસ કાઢી નાખવા છતાં તે તાગ મેળવી ના શકી કે આ કોણ હશે. એટલે તેણે વિચારવાનું પડતું મુક્યું. તેણે કોઈ અંદરની ગડમથલનો ભાવ ચહેરા ઉપર આવવા દીધો નહિ.

“એ તો તું ઓળખતો હોઈશ. અને એવા તો કેટલાય મને જોતા અને ઓળખતા હશે. તું અલગ છે એ મને કેમની ખબર પડે.” તેણે એક ચપ્પુ છુટ્ટું માર્યું જાણે જે પેલાની મર્દાનગી ઉપર ખુંપી ગયું. હવે તો સાબિત કરવું જ રહ્યું કે આ મરદ બચ્ચો જ એ બધા કરતા અલગ અને વધારે છે.

“તો પૂછ, જો હું સાચું ના કહું તો બે બાપ નો.” તેણે શુરાતાનમાં સામો ઘા કર્યો.

“મને અહી કેમ લાવ્યા છો? મારા અપહરણમાં કોણ-કોણ છે? મારા અપહરણ પાછળનો ઈરાદો શું છે?” તે બરોબર સામે આવી કમ્મર ઉપર હાથ દઈ ઉભી રહી. જાણે જવાબ નહિ પણ પેલાની વિશ્વાસનીયતા ચેક કરતી હોય તેવો ડોળ કરવા લાગી પણ તેને તાલાવેલી તો જવાબની જ હતી.

ધડામ દઈ એ પ્રેમી તેમના પ્રેમના આકાશમાંથી હકીકતની જમીન ઉપર પછડાયા તેવું સ્નેહાએ પણ જોયું. તેને લાગ્યું કે જવાબ અહીં મળે એટલે તે કટાક્ષમા હસી પાછું ફરી “જોઈ લીધો તારો પ્રેમ” કૈક એવા ભાવ સાથે. તરત જ પાછળથી તેનું કાંડું પકડાયું. ઝટકા સાથે દેવેન્દ્રએ તેને પોતાની તરફ ખેંચી.

“તારા જીવની ચિંતા ના હોત ને તો તને બધું કહી દીધું હોત.”

“એટલે?’

“એટલે એમ કે જેમણે તને ઉઠાવાડાવી છે ને એમને તું ઓળખતી નથી. તારા જેવી છોકરીને પીંખી નાખતા એમને પળની પણ વાર ના લાગે.” તેણે આજુ-બાજુ જોઈ અવાજ થોડો હળવો કર્યો. “તને કઈ નુકશાન નહિ થવા દવું એ મારુ વચન છે તને, બસ મને લાગ મળવા દે એટલે આપણે બંને અહીથી રફુ ચક્કર.” છેલ્લા વાક્ય સાથે તેના ચહેરા ઉપર ખુશી આવી ગઈ હતી.

“પણ તને એ લોકો શોધી કાઢીને કઈ કરે તો.” બાજી બગડતી જોઈ સ્નેહા એ સુધારી લેવા પ્રયત્ન કર્યો.

“કારણ જે હોય તે. આ તો મને કાઢવાનું કહે જ છે ને અહીંથી, તો પછી લપમાં પાડીને શું કરવા બાજી બગાડવી, એકવાર બહાર નીકળું અને આ એકલો જ હોય જોડે તો ગમે તે રસ્તો કરી શકાય.” આટલા બધા વિચારો એ એક ભાવ વાળા વાક્યનો ડાયલોગ બોલતા સુધીમાં તેના મગજમાં સાંકેતિક ભાષાની જેમ રમી ગયા.

“અરે! મને કઈ નહિ થાય. મને શું તને પણ કઈ નહિ થાય. આપણે અહી રહેવાના જ નથી ને.” ક્યાં રહેવાના છે એ પ્રશ્ન તે અધીરાઈથી ઝંખવા લાગ્યો. ખુશીથી ફાટ-ફાટ તે સ્નેહા સામે જોઈ રહ્યો. સ્નેહાને ક્યાં તેની સાથે ક્યાય જવું છે તે પંચાત હોય પણ તેનું અડધું ખૂલેલું ડાચું જોઈ તે સમજી ગઈ કે ઉત્સાહ બતાવવો જ પડશે.

“એમ તો ક્યા જઈશું આપણે.” તેણે એકદમ નકલી ઉત્સાહ બતાવ્યો જે તરત જ પકડાઈ જાય, પણ આ ભાઈને અત્યારે તો આવું કઈ જ ભાન નોહ્તું.

“ને..પા..ળ..” આટલું લાંબુ તે બોલ્યો.

સ્નેહા પણ ચમકી ગઈ. એને એમ કે અહી-તહીનું જ કોઈ નામ કાઢશે. પણ આ તો મગજનો વિફરેલ લાગે છે, અથવા તો પૂરો પાગલ. આવા કેટલા સપના જોઈ રાખ્યા હશે. તેણે મનોમન નક્કી કર્યું કે બહાર નીકળ્યે જો મોકો મળ્યો તો એકવાર તો આને એક લાત ફટકારીશ જ તો તેને તેની ઓકત ખબર પડે.

“તને ભૂખ લાગી છે?” દેવેન્દ્રએ એકદમ જ વિષય બદલ્યો. સ્નેહને પણ કોઈ જાણકારી મળવાની તક ના લાગી એટલે તેણે પણ આગળ પ્રયત્ન કરવાનું માંડી વળ્યું.

“ના” બસ આવો એકક્ષરી જવાબ આપી તે માંચડા ઉપર પલાંઠી વાળી બેસી ગઈ અને બંધ રાખેલી બારી બાજુ જોવા લાગી.

“તો બપોરે તારે શું જમવું છે?” કઈ ના સુઝતા દેવેન્દ્રએ આ વાત ચલાવી.

“જે હશે તે ચાલશે.” એકદમ સપાટ જવાબ આપી દીધો.

રૂઠેલી રાણી હોય ત્યારે તેને મનાવવા જાત-જાતના કારસા કરવા પડે તે દરેક પ્રાણીમાં રહેલું પુરષતત્વ જાણે છે. અને જ્યાં સુધી પ્રેમથી ભોગવી શકાય તેમ હોય ત્યાં સુધી બળજબરી કરી ભોગવવામાં એ આનંદ ના હોય તે મનુષ્યમાં રહેલ પુરુષ જાણે છે. એટલે મનાવવી તો પડે જ.

“પંજાબી ખાવાનું માંગવું? અહી નજીકની એક એ.સી. હોટલમાં બહુ સરસ મળે છે.” તે કઈ પણ કરી શકે છે તેમ બતાવવું હતું. પણ અહી સ્નેહા એક ટીપીકલ ઉચ્ચ-માધ્યમ પરિવારનું ફરજંદ હતી. તેને જાણે ઝબકારો થયો.

“ના હો, એવું કઈ નથી ખાવું બસ ફ્રુટ જ્યુસ હશે તો ચાલશે.” તેણે માંગણી પણ અહેસાન કરતી હોય તેવી રીતે કરી. થોડી ક્ષણ દેવેન્દ્ર પણ થોભ્યો.

“જ્યુસ? ખાવું નથી?” તે કોઈ બીજા જ વિચારોમાં હતો.

“કેમ અહી નહિ મળે?” આ એક તરકીબ જેવું લાગ્યું. તેણે મુકેશના જવાબની રાહ જોઈ.

“તું એકવાર ટેસ્ટ તો કર અહીનું પંજાબી ખાણું.” દેવેન્દ્રએ અપેક્ષા કરતા અલગ જ જવાબ આપ્યો.

“અરે ના રહેવા દે.” તેને લાગ્યું કે દાળ નહિ ગળે એમ. “તું ખાલી દાળ-રાઈસ માગવી આપજે.” આટલું બોલી તે પછી બારી બાજુ ફરી. તેને ખબર પડી ગઈ હતી કે તેની ઉપેક્ષા થાય તે તેનાથી સહન નથી થતું. એટલે વારે-વારે તે એ જ હથિયાર ઉપડી લેતી હતી.

“ચાલશે એટલાથી? મતલબ પેટ ભરાશે?” તેને બહુ ચિંતા છે સ્નેહની એ બતાવવાની તો એક પણ તક ચૂકાય તેમ નથી.

“હા” એકાક્ષરી જવાબ.