ભાગ ૮
આગળ ભાગ ૭ માં આપે જોયું કે, અનમોલને હ્રીતિક રોસનનો ફની ડાન્સ કરતા જોઈ જાનવી ખડખડાટ હસવા લાગે છે. જાનવીને હસતા જોઈ અનમોલ તેમની પાસે જવા એક ડગલું ભરે છે ત્યાજ તેમનો પગ લપસતા તે નીચે જમીન પર કીચડમાં પડે છે. અનમોલના શરીર પર લાગેલ કીચડ દુર કરતા જાનવીએ કહ્યું,” હ્રીતિકની નકલ કરે એમની દશા તો આવી જ થાય. મારો હ્રીતિક તો કરોડોમાં એક છે “
અનમોલે ગુસ્સો કરતા કહ્યું, “તારો હ્રીતિક ? તો પછી લગ્ન પણ તારે તારા હ્રીતિક સાથે જ કરવા હતા ને...!”
જાનવી અનમોલને ધક્કો ફરી કીચડમાં ધકેલતા કહે છે, “ અરે વાહ..., મેં ફક્ત આજે ‘મારો હ્રીતિક’ કહ્યું તો તમને આટલો ગુસ્સો આવી ગયો અને તમે આખો દિવસ પેલી શ્રેયા ઘોસાલના જ ગીતો સાંભળો છો તો શું મને તમારા પર ગુસ્સો નહિ આવતો હોય...!”
“તું વાતને ક્યાંથી ક્યાં ખેચી જાય છે..! મને ફક્ત શ્રેયાનો અવાજ ગમે છે કારણ કે એમના અવાજમાં કોયલના અવાજ જેવી મીઠાસ છે”
આખી દુનિયાએ લતા મંગેશકરના અવાજને કોયલના અવાજ સાથે સરખાવ્યો છે જયારે તમે ફક્ત શ્રેયાના અવાજને જ કેમ કોયલના અવાજ સાથે શરખાવી રહ્યા છો?”
અનમોલ કઈ પણ બોલે એ પહેલા જ જાનવી આગળ બોલવા લાગે છે, “કોઈ જ જવાબ નથી ને તમારી પાસે ? ક્યાંથી હોય જવાબ..! બોલતી જ બંધ થઇ ગઈ ને ? કઈ વાંધો નહિ, હું જ આપું છું જવાબ... તમને લતાજીના અવાજ કરતા શ્રેયા ઘોસાલનો અવાજ વધુ ગમે છે કારણ કે શ્રેયા યંગ છે ઉપરથી દેખાવમાં ખુબ સુંદર છે”
અનમોલ પોતાના શરીર પર લાગેલ કીચડ સાફ કરતા ઉભા થવાની કોસીસ કરે છે. તે પોતાનો એક હાથ ફેલાવી જાનવીની મદદ માંગતા કહે છે,” શું કઈ પણ બોલે છે ? શું તને મારા પ્રેમ પર એટલો પણ વિશ્વાસ નથી ?”
જાનવી પોતાનો હાથ અનમોલને આપી તેમને કીચડ માંથી બહાર લાવતા કહે છે, “અરે, મારા વ્હાલા પતિદેવ.. હું તો બે ઘડી મજાક કરું છું. અને આમ પણ મારે ચિંતા કરવાની શું જરૂર છે..! એ ક્યાં અહી આવવાની છે..! ‘ક્યાં રાજા ભોજને ક્યાં ગંગુ તેલી’ ક્યાં એ આટલી મોટી સિંગર ને ક્યાં તમે કીચડમાં લપસીયા ખાઈ રહેલ...”
જાનવીની વાત કાપતા અનમોલે કહ્યું, “સમાજની દ્રષ્ટીએ હું ભલે ગંગુ તેલી હોય, પણ તારા જીવનમાં તો તારો રાજકુમાર જ છું ને..!
અનમોલની વાત સાથે સંપૂર્ણ સહમત થતા જાનવીએ કહ્યું, “ હા તમારી એ વાત તો સાચી, “તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા. તુમ્હી દેવતા હો..”
એકબીજાનો હાથ પકડી પોતાના ઘર તરફ જતા બંને એકી સાથે જ બોલી ઉઠે છે, “ચલ ચલે, અપને ઘર, હમસફર...”
હવે આગળ
ધીમે ધીમે દિવસો પસાર થાય છે. અનમોલ જાનવીની સંભાળ રાખવામાં કોઈ જ ઉણપ નથી રાખતો. જાનવીની તમામ ઇચ્છાઓ અને દરેક નાની મોટી જરૂરિયાતો પૂર્ણ કરવા તે અવિરત હાજર રહેતો. જોત જોતામાં નવ માસ પૂર્ણ થતા જાનવી એક સુંદર બાળકીને જન્મ આપે છે. આ બાળકી અનમોલ અને જાનવીના જીવનમાં પરી બનીને દુનિયાની અઢળક ખુશી લાવી હતી માટે બંને આ બાળકીનું નામ એન્જલ રાખે છે.
અનમોલ અને જાનવીનું જીવન તો આ પરી સમાન એન્જલની આસપાસ જ ફર્યા કરતુ. ત્રણેયને જાણે દુનિયાની તમામ ખુશી મળી ચુકી હતી. સમયનું ચક્ર વાયુ વેગે ફરવા લાગે છે. એક દિવસ સવારે હોલની બારી માંથી ઉગતા સૂર્યને જોયને એન્જલના મુખ માંથી અચાનક “મમાં” એવો શબ્દ સરી પડે છે. એન્જલના મુખેથી પહેલી વાર “મમાં” શબ્દ સાંભળતા જાનવી કિચન માંથી બહાર હોલમાં દોડી આવે છે અને એન્જલને પોતાના ખોળામાં લઇ વ્હાલના ચુંબનોથી નીતરાવી દે છે. જાનવી અને એન્જલને એક સાથે આટલા ખુશ જોય સીડી ઉતરી રહેલ અનમોલ પણ ખુશીનો અનુભવ કરે છે. આજનો આ દિવસ અને આજના દિવસની આ અમુલ્ય ક્ષ્રણ અનમોલ અને જાનવીને જીવનના સૌથી મુલ્યવાન સમયનો અસેસાસ કરાવી રહી હતી.
અનમોલ ફટાફટ સીડી ઉતરી જાનવી અને એન્જલ પાસે આવે છે. તેમને એન્જલને જાનવીના ખોળા માંથી પોતાના ખોળામાં લેતા કહ્યું , “ બેટા.. પપ્પા બોલ, પપ્પા...”
જાનવીએ પોતાની જાત પર ગર્વ કરતા કહ્યું, “ જોયું..! મારી દીકરીએ પહેલો શબ્દ ‘મમાં’ જ બોલ્યો, ‘પપ્પા’ નહિ”
અનમોલ કઈ બોલે એ પહેલા જ એન્જલે અનમોલના ગાલ પર ચુંબન કરતા કહ્યું, “પપ્પા”
એન્જલના મુખે બોલાયેલ પ્રથમવાર “પપ્પા” શબ્દ સાંભળી અનમોલે એન્જલ અને જાનવીને પોતાની બાહોમાં ભરતા કહ્યું, “it’s my family”
જાનવી અને અનમોલ કાયમ સંધ્યા સમયે એન્જલને લઇ ગાર્ડનમાં જતા. આ એજ ગાર્ડન હતું કે જ્યાં જાનવી અને દેવાંગ છેલ્લીવાર મળ્યા હતા. એક દિવસ વર્ષાઋતુની સંધ્યાએ ત્રણેય પોતાના નિત્યક્રમ મુજબ ગાર્ડનમાં કુદરતી સૌદર્ય માણવા જાય છે. છોડ પરના અમુક ફૂલો સંપૂર્ણ ખીલી ચુક્યા હતા તો અમુક ફૂલોની કળીઓ ખીલીને ફૂલ બનવા થનગની રહી હતી. પતંગિયાઓ ફૂલોનો રસ ચૂસવા એક ફૂલથી બીજા ફૂલ પર ગેલ કરી રહ્યા હતા. આકાશમાં છવાયેલ સપ્તરંગી મેઘધનુષ લીલી છમ હરિયાળી જોઇને મંદ મંદ હસી રહ્યું હતું. પક્ષીઓ અન્નની શોધમાં આકાશમાં વિહાર કરી રહ્યા હતા અને પક્ષીઓના નાના તાજા જન્મેલ બચ્ચા ઘટાદાર વૃક્ષની ગોદમાં કલરવ કરી રહ્યા હતા.
એન્જલ ઉડતા પક્ષી અને પચરંગી પતંગિયાઓને જોઈ ખીલખીલાટ હસવા લાગે છે. પોતાની બાળકીને પ્રથમવાર આટલી ખીલખીલાટ હસતા જોઈ અનમોલ અને જાનવી તેમના ભવિષ્યના સુંદર સપનાઓમાં ખોવાય જાય છે. જોતજોતામાં એન્જલ ઉડી રહેલ પતંગિયાને પકડવા એક ઘટાદાર વૃક્ષ પાસે જતી રહે છે. તે વૃક્ષ નીચે એક યુવાન ઉદાસ ચહેરે આકાશ સામે જોઈ કઈક વિચારી રહ્યો હતો. એન્જલને પતંગિયા પાછળ દોડતા જોઈ તે યુવાન એન્જલને પોતામાં ખોળામાં લઇ વ્હાલ કરવા લાગે છે. એન્જલ પણ તે યુવાન સાથે બહુ જલ્દી હળીમળી જાય છે. તે યુવાન પોતાની આસપાસ ઉડી રહેલ એક પતંગિયાને પકડી એન્જલની હથેળી પર મૂકી આપે છે. પોતાની હથેળી પરથી ઉડવા જઈ રહેલ પતંગિયાને જોઈ એન્જલ ફરી ખીલખીલાટ હસવા લાગે છે.
આ તરફ આકાશમાં વીજળીનો ચમકારો થતા જાનવી અને અનમોલ ફરી વર્તમાનમાં આવે છે. એન્જલને પોતાની આસપાસ ન જોતા બંને તેમને શોધવા ચિંતાતુર બને છે.અનમોલ ગાર્ડનની બહાર એન્જલને શોધી રહ્યો હતો જયારે જાનવી ગાર્ડનની અંદર જ એન્જલને શોધી રહી હતી. એવામાં તેમની નજર ઘટાદાર વૃક્ષ નીચે બેઠેલ યુવાન પર પડે છે કે જેમના ખોળામાં એન્જલ રમી રહી હતી. જાનવી તે યુવાનને જોતા ત્યાં જ સ્તબ્ધ થઇ જાય છે. તે યુવાન કોઈ બીજો નહિ પણ દેવાંગ જ હતો. જાનવી દોડીને દેવાંગના ખોળા માંથી એન્જલને છીનવી લે છે અને તુરંત પાછા પગે અનમોલ પાસે જવા લાગે છે. અચાનક આટલા વર્ષ બાદ જાનવીને જોતા દેવાંગ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. વષોથી દેવાંગ જાનવીને કઈક કહેવા તડપી રહ્યો હતો માટે આજે જાનવીને પોતાની સામે જોતા તે જાનવી તરફ જવા ઉભો થઈને એક ડગલું આગળ ભરે છે. પણ જાનવી તેમને ઇસારાથી ત્યાં જ ઉભા રહેવાનું કહે છે.
દેવાંગ વર્ષોથી આજના આ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો માટે આજે જયારે એ સમય આવી ગયો છે ત્યારે ફરી તે એ સમયને ગુમાવવા ઇચ્છતો ન હતો. પરિણામે જાનવીના ના કહેવા છતાં દેવાંગ તેમની પાસે જતા કહે છે, “ હું જાણું છું કે તું મને ખુબ જ નફરત કરે છે, પણ શું આપણો સંબંધ એટલો ખોખલો હતો કે આજે આટલા વર્ષો બાદ નિયતિ સામેથી આપણને એકબીજાની સમક્ષ લાવી છે આમ છતાં આપણે બે ઘડી વાત પણ ના કરી શકીએ...!
જાનવીએ પોતાની અંદરમાં વર્ષોથી ધરબી રાખેલ ગુસ્સો અને મનોવ્યથા વ્યક્ત કરતા કહ્યું, “સંબંધ..! તું કયા સંબંધની વાત કરે છે? આપણી વચ્ચે કયો એવો સંબંધ હતો કે જેના આધારે આજે તું બે ઘડી વાત કરવાનું કહે છે ? અરે,... સંબંધ તો એ કહેવાય જેમાં નિરંતર સ્નેહની સરવાણી વહેતી હોય, પણ તે તો એ સરવાણીના પ્રવાહને સ્વાર્થના પથ્થરોથી આગળ વહેતા જ અટકાવી દીધો હતો. હું નથી જાણતી કે મારો ભૂતકાળ કોણ હતો અને કેવો હતો. આજે હું ફક્ત એટલું જાણું છું કે મારો વર્તમાન અને મારું ભવિષ્ય માત્ર મારા પતિ અને મારી દીકરી છે” આટલું કહ્યા બાદ જાનવી પોતાના ગુસ્સા પર કાબુ રાખતા એક ઊંડો શ્વાસ લે છે અને ત્યાંથી જતી રહે છે. પણ જતી વેળાએ તેમના પગનું એક જાંજર ત્યાં જ નીકળી જાય છે.
સાત આઠ ડગલા ચાલ્યા બાદ જાનવીએ પાછળ ફરતા કહ્યું, “ અને... હા...મિસ્ટર દેવાંગ,.... આજે હું તને THANK YOU ચોક્કસ કહેવું ઇચ્છું છું. જો ભૂતકાળમાં તે મારા સ્નેહ સાથે સ્વાર્થની રમત ન રમી હોત તો આજે મને અનમોલનો સાચો સ્નેહ કદી ન મળ્યો હોત. આજે મારી પાસે દુનિયાની તમામ ખુશી છે. તારા લીધે જ આજે હું માત્રને માત્ર મને જ પ્રેમ કરનાર અને મને સમજનાર દુનિયાની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિને પતિ તરીકે પામી શકી છું. ઉપરાંત અમારા બંનેના પ્રેમની નિશાની આ એન્જલ મારા જીવનનું સર્વસ્વ બની ચુકી છે.આજે મારા જીવનમાં દુર દુર સુધી તારું કોઈ જ અસ્તિત્વ નથી. GOOD BYE”
જાનવીની આખો ગુસ્સાને લીધે લાલ થઇ ચુકી હતી અને તેમનું હૃદય અનહદ રડી રહ્યું હતું. પણ આજનું આ રુદન દેવાંગ માટે નહિ પણ પોતાના પતિ અનમોલ માટેનું હતું. દેવાંગ કઈ પણ કહે એ પહેલા જ જાનવી એન્જલને લઇ ત્યાંથી જતી રહે છે. જાનવી અને દેવાંગ વચ્ચે થયેલ તમામ વાતો વૃક્ષની પાછળ ઉભેલ અનમોલ ખુબ જ ધ્યાન પુર્વુક સાંભળી રહ્યો હતો. આજે તેમને પોતાના પ્રેમ અને નસીબ પર ગર્વ હતો. જાનવીના એક એક શબ્દો અનમોલના હદયમાં સંવેદનાના સુરો છેડી રહ્યા હતા. જાનવી ખુબ જ જડપથી એક એક ડગલું આગળ ભરી રહી હતી. તેમની ચાલમાં એક અલગ જ ખુમારી દેખાઈ રહી હતી. તે ગાર્ડનની બહાર નીકળવા એક ડગલું વધુ ભરે છે ત્યાં જ પથ્થરની ઠોકર વાગવાથી જાનવીના પગમાં મોચ આવી જાય છે અને તેમના મોઢેથી ‘આહ.........’ એવી ચીસ નીકળી જાય છે. તે એ જ ક્ષણે નીચે જમીન પર બેસી જાય છે.
જાનવીની ચીસ સંભળાતા અનમોલ અને દેવાંગ એકી સાથે તેમના તરફ દોડી આવે છે. અનમોલનો જાનવી પ્રત્યેનો સાચો અને નિસ્વાર્થ પ્રેમ જોઈ દેવાંગ ત્યાંથી બે ડગલા પાછો વળી જાય છે. અનમોલ જાનવીને ગોદમાં ઉચકીને કારમાં બેસાડી એન્જલને જાનવીના ખોળામાં સોપે છે. અચાનક જાનવીને યાદ આવે છે કે પોતાનું પર્સ તો ગાર્ડનમાં બેંચ પર ભૂલાય ગયું છે. માટે અનમોલ જાનવીનું પર્સ લેવા ફરી ગાર્ડનમાં જાય છે.
દેવાંગને વૃક્ષ નીચે ઉદાસ ચહેરે ઉભેલ જોય અનમોલ કહે છે, “ ‘Thank you so much’ તે ભૂતકાળમાં રાધા અને મીરાનો ત્યાગ કર્યો માટે જ આજે એ રાધા અને મીરાને હું પત્ની તરીકે પામી શક્યો છુ. આજે મારી પાસે વિશ્વની સૌથી મુલ્યવાન ભેટ છે જે માત્ર ને માત્ર મારી જ છે”
આટલું કહી અનમોલ ત્યાંથી જતો રહે છે અને પોતાની કાર લઇ જાનવી અને એન્જલ સાથે તે સ્થેળેથી વિદાય લે છે. દેવાંગ દુર જઈ રહેલ જાનવીની કારને એકી નજરે નિહાળી રહ્યો હતો. એવામાં ઝરમર વરસાદ વરસવાનું શરુ થાય છે. દેવાંગની આંખ માંથી વરસી રહેલ આંસુ વરસાદના પાણી સાથે ભળી અદ્રશ્ય થઇ જાય છે. રાત થવા આવી હતી આમ છતાં દેવાંગ હજુ ત્યાજ ઉભો હતો. થોડીવાર બાદ ગાર્ડનના માળીએ દેવાંગ પાસે આવી તેમના ખંભા પર હાથ મુકતા કહ્યું, “ ભાઈ....રાત થવા આવી છે, તમારે ઘેર નથી જવું? હું સાંજ નો તમને અહી જ જોવ છું”
દેવાંગ માળીની વાતનો જવાબ આપ્યા વિના જ ત્યાંથી ઘેર જવા નીકળે છે. બે ત્રણ ડગલા ચાલતા તેમની નજર નીચે જમીન પર પડેલ જાનવીના ઝાંઝર પર પડે છે. અનમોલ એ ઝાંઝરને જાનવીના સ્નેહની નીસાની સમજી પોતાના ખિસ્સામાં મુકે છે. તેમની પાસે કાર હોવા છતાં આજે તે ચાલીને ઘેર જઈ રહ્યો હતો. રસ્તામાં તેમને જાનવીના તમામ વાક્યો ફરી ફરીને યાદ આવી રહ્યા હતા. રસ્તા પર ચાલી રહેલ દરેક કપલમાં તેમને અનમોલ અને જાનવી જ દેખાઈ રહ્યા હતા. ક્યાંક રસ્તા પર વરસતા વરસાદમાં ગરમા ગરમ પકોળા ખાઈ રહેલ નિહાળે છે તો ક્યાંક મકાઈનો શેકેલ ડોડો ખાઈ રહેલ નિહાળે છે. પોતાનું ઘર ગાર્ડનથી સાવ નજીક હોવા છતાં આજે તેમને ખુબ દુર લાગી રહ્યું હતું. દેવાંગ કાયમ રાત્રે ઘેર મોડો જ આવતો. ક્યારેક મોડે સુધી ફૂટપટ પરની બેંચ પર બેસી રહેતો તો ક્યારેક ઓફિસે જ સુઈ જતો માટે તેમની પત્ની કાવ્ય દરવાજો અંદરથી લોક કરી સુઈ જતી. દેવાંગ હમેશા પોતાના ખિસ્સામાં પોતાના ઘરની એક ચાવી અચૂક રાખતો માટે ડોરબેલ માર્યા વિના ચાવીથી દરવાજો ખોલી અંદર આવી જતો અને ભૂખ હોય તો ડાયનીંગ ટેબલ પર ઢાંકીને રાખેલ ભોજન ખાઈને સુઈ જતો. આજે વર્ષો બાદ તેમને પોતાનો ભૂતકાળ વર્તમાનમાં દેખાઈ રહ્યો હોવાથી દેવાંગ જમ્યા વિના જ બેડરૂમમાં સુવા જતો રહે છે. થોડીવાર બાદ તેમને ખ્યાલ આવે છે કે પોતાના કપડા ખુબ ભીના છે. કપડા ચેન્જ કરતા તેમના ખિસ્સામા રહેલ જાનવીનુ જાજર તેમને ફરી જનવીની યાદ અપાવે છે. તે કપડા ચેન્જ કરી બેડ પર લાંબો થાય છે. સતત બે કલાક સુધી બેડ પર પડખા ફેરવે છે પણ તેમને ઊંઘ આવતી ન હતી. તેમનું શરીર થાકને કારણે આરામ ઇચ્છી રહ્યું હતું પણ મનમાં ઉઠેલ વિચારોના તુફાને તેમની ઊંઘ છીનવી લીધી હતી. તેમની આંખ સમક્ષ વારેવારે જાનવી, અનમોલ અને એન્જલનો ખુશીથી ખીલેલ ચહેરો આવી જતો હતો. તે વિચારોના તુફાન માંથી બહાર નીકળવા બાલ્કનીમાં આવી પોતાના મોબાઈલમાં ઈયરફોન જોડી એફ એમ સાંભળવા લાગે છે. મોટા ભાગે રાત્રીના ૧૨ વાગ્યા પછી એફ એમ પર જુના ગીતો જ સાંભળવા મળે છે.
એફ એમ ચાલુ થતા જ અનમોલને કટી પતંગ ફિલ્મનું ટાઈટલ સોંગ સંભળાય છે, -
“ના કોઈ ઉમંગ હે, ના કોઈ તરંગ હે.
મેરી ઝીંદગી હે ક્યાં, એક કટી પતંગ હે”
આજે એફ એમ પણ જાણે દેવાંગના દાજ્યા પર મીઠું ભભરાવી રહ્યું હોય તેમ દેવાંગને વધુ દુખી કરી રહ્યું હતું.
ક્રમશ: ..........
( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)
ધર્મિષ્ઠા પારેખ
8460603192