Pincode -101 Chepter 9 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 9

Featured Books
Categories
Share

પિન કોડ - 101 - 9

પિન કોડ - 101

પ્રકરણ-9

આશુ પટેલ

સાહિલને ખાતરી થઇ ગઇ કે તેની ડાબી બાજુમાં એક ટેબલ છોડીને પછીના ટેબલ પર બેઠેલો માણસ નતાશા પર ધ્યાન રાખી રહ્યો છે અને તેની અને નતાશા વચ્ચે થતી વાત સાંભળવાની કોશિશ કરી રહ્યો છે. આ દરમિયાન પેલા માણસને પણ કદાચ સમજાઇ ગયું હતું કે સાહિલ તેની નોંધ લઇ રહ્યો છે. તેણે સેલ ફોનમાં ધ્યાન પરોવી દીધું. હવે તે સેલ ફોનમાં કદાચ કોઇ મેસેજ ટાઈપ કરી રહ્યો હતો.
સાહિલ હવે એકધારો તે માણસ તરફ જોવા લાગ્યો.
નતાશાએ તેનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે તેની આંખો પાસે પોતાની આંગળીઓ લઇ જઇને, જોરથી ચપટી વગાડીને કહ્યું, ‘હેલ્લો મિસ્ટર સાહિલ સગપરિયા, આઇ એમ નતાશા નાણાવટી! હું તમારી સામે બેઠી છું!’
‘ઓફ્ફ! તને આવી સ્થિતિમાં પણ મજાક સૂઝે છે, નતાશા?’ સાહિલ અકળાઇ ગયો.
‘હું સિરિયસલી જ કહું છું! આપણે અહીં ગંભીર વાત કરવા જ બેઠાં છીએ અને તું વારેવારે આજુબાજુમાં નજર ખોડીને બેસી જાય છે!’
નતાશાના એ શબ્દોને અવગણીને સાહિલે તેને પેલી તરફ જોવા ઇશારો કરતાં કહ્યું, ‘પેલો માણસ ક્યારનો છૂપી નજરે તને જોઇ રહ્યો છે.’
‘અચ્છા? પણ હવે એવી જાહેરાત તો નહીં કરાયને કે કોઇને નતાશા નાણાવટીની સામે જોવાની પણ મનાઇ છે! કમ ઓન યાર, અમને સ્ત્રીઓને આવા પુરુષોની નજરોની આદત પડી ગઇ હોય છે. આવા પુરુષો અને એમની નજરોની પરવા કરનારી સ્ત્રી ઘરની બહાર પણ ના નીકળી શકે. મોટા ભાગના પુરુષોની મથરાવટી મેલી જ હોય છે.’
‘નતાશા આ માણસની નજર એવી નથી.’
‘અચ્છા. તો એ માણસ મને એક પિતાની જેમ વાત્સલ્યભરી નજરે જોતો હશે! કે પછી મને જોઇને તેને તેની નાની બહેન યાદ આવી ગઇ હશે!’ નતાશાએ કટાક્ષ કર્યો.
‘સ્ટોપ ધિસ નોનસેન્સ, નતાશા. તે માણસ તારા પર નજર રાખી રહ્યો છે.’
નતાશાએ તે માણસ તરફ જોયું. એ વખતે તે માણસ હજી સેલ ફોન પર મેસેજ ટાઇપ કરી રહ્યો હતો.
નતાશાએ પ્રશ્ર્નાર્થ નજરે સાહિલ તરફ જોયું. એ જ વખતે પેલા માણસે વેઇટરને બિલ લાવવાનો ઇશારો ર્ક્યો.
નતાશાએ સાહિલને ટોણો માર્યો: ‘એ માણસ સેલ ફોનમાંથી બહાર નીકળે તો મને જુએને? મને લાગે છે કે તારે ઓટોમોબાઇલ એન્જિનિયરને બદલે ડિટેક્ટિવ બનવા જેવું હતું!’
‘નતાશા મને શંકા છે કે એ માણસે તારો ફોટો ખેંચ્યો છે.’ સાહિલ હજી તનાવ અનુભવી રહ્યો હતો.
‘મને નથી લાગતું.’ નતાશાએ કહ્યું. પછી તરત તેણે ટીખળ કરી: ‘બાય ધ વે, આ તારી ચકોર દૃષ્ટિ પરથી મને એક વિચાર આવ્યો કે આપણે પૈસા કમાવા માટે ડિટેક્ટિવ એજન્સી શરૂ કરવી જોઇએ. તું સારો ડિટેક્ટિવ બની શકે તેમ છે!’
‘નતાશા!’
‘આઇ એમ નોટ કિડિંગ, સાહિલ. હું સાચે જ કહું છું. તું ડિટેક્ટિવ બનવાના મારા આઇડિયા પર વિચાર કર. તને બે દિવસ પહેલાંની જ વાત કરું. કોઇ બે માણસની વાત મારા કાને પડી હતી. એ લોકો કંઇક વાત કરી રહ્યા હતા. જેમાં કોઇ મોહિની નામની છોકરીનો ઉલ્લેખ વારંવાર થતો હતો.’
‘અત્યારે કોઇ છોકરીની વાત ક્યાં વચ્ચે લાવે છે તું?’
‘એ બે માણસો જે રીતે કોઇ મોહિની નામની છોકરીની વાત કરતા હતા તે સાંભળીને મને શંકા છે કે એ લોકો કદાચ તે છોકરીનું ખૂન કરવાનું પ્લાનિંગ કરતા હોઇ શકે? કે પછી અપહરણ? રેન્સમ, યુ નો? પણ મને ડિટેક્ટિવ બનવાની બહુ ઇચ્છા નથી એટલે મેં તેમની વાતોમાં બહુ રસ ન લીધો.’
વેઇટર બિલ લાવ્યો ત્યાં સુધી પેલો માણસ સેલ ફોનમાં જ કંઇક પ્રવૃત્તિ કરતો રહ્યો. બિલ આવ્યું એટલે તે પૈસા ચૂકવીને રવાના થઇ ગયો. તેણે નતાશા અને સાહિલ સામે જોયું પણ નહીં.
નતાશાએ સાહિલને કહ્યું, ‘ગયો તે માણસ, હવે શાંતિથી વાત કર.’
‘આપણે કાલે મળ્યા ત્યારથી હું તને ગંભીર બનીને વાત કરવા કહી રહ્યો છું પણ તને કોઇ પણ સ્થિતિમાં મજાક જ સૂઝે છે, નતાશા.’
નતાશા હવે એકદમ ગંભીર થઇ ગઇ. તેણે કહ્યું, ‘જો દોસ્ત. ખરાબ સ્થિતિમાં મોઢું ચઢાવીને બેસી રહેવાથી કે ‘મરી ગયા, મરી ગયા, કોઇ બચાવો’ એવી બૂમો પાડવાથી ખરાબ સ્થિતિ દૂર નથી થઇ જતી હોતી. ઊલટું માણસ ખરાબ સ્થિતિમાં ઘાંઘો થઇ જાય તો તે વધુ ખરાબ સ્થિતિમાં ધકેલાઇ જતો હોય છે. એટલે મુસીબત આવી પડે ત્યારે એના બોજ હેઠળ દબાઇ, ગૂંગળાઇ જવાને બદલે સ્થિતિને હળવાશથી લેવાની કોશિશ કરીએ તો કંઇક રસ્તો શોધવાનું સહેલું થઇ જતું હોય છે. મોટા ભાગના માણસોના જીવનમાં ક્યારેક તો ખરાબ દિવસો આવી જ જતા હોય છે. મોટા ભાગના લોકો એ દિવસો રડી-કકળીને, દુ:ખી થઇને વિતાવે છે. પણ ઘણા માણસો એવાય હોય છે કે જે ખરાબ દિવસોમાં પણ હસી શકતા હોય છે. હસવાને કારણે તેમની મુશ્કેલી દૂર નથી થઇ જતી હોતી પણ તેમને પેલા રડવા-કકળવાવાળા માણસો કરતાં અંદરથી ઓછી તકલીફ થતી હોય છે. હા, તમે ક્યારેક પોતાના માણસ પાસે હૈયું હળવું કરવા રડી લો તો ઠીક છે, જેમ મે કાલે તને વળગીને રડી લીધું. ક્યારેક મજબૂત મનોબળવાળો માણસ પણ થોડી ક્ષણો પૂરતો ઢીલો પડી જઇ શકે પણ તે ઝડપથી પોતાની નબળી ક્ષણો પર કાબૂ મેળવી લેતો હોય છે. સતત મુશ્કેલીનાં રોદણાં રડવાને બદલે મુશ્કેલી સાથે બાથ ભરવાનું ઝનૂન રાખીએ તો જિંદગી જીવવાનું સહેલું બની જતુ હોય છે.’
સાહિલ અવાક બનીને નતાશાને તાકી રહ્યો. તે નતાશાનું આ પાસું પહેલી વાર જોઇ રહ્યો હતો. કોલેજમાં પણ તેણે હંમેશાં નતાશાને ધમાલ-મસ્તી કરતાં જ જોઇ હતી. તે કંઇક બોલવા જતો હતો પણ એ પહેલાં તેના હાવભાવ જોઇને નતાશાએ મલકાઇને કહ્યું : ‘આઘાત લાગી ગયો તને?’ પછી તરત તેણે કહ્યું, ‘ઓકે. તુ શું કહેતો હતો?’
સાહિલે કહ્યું: ‘નતાશા, જ્યાં સુધી તને કે મને કોઇ સારો બ્રેક ના મળે ત્યાં સુધી જોઇએ તો હુ કોઇ નાની-મોટી નોકરી લઈ લઈશ અને સાથે મારી કોશિશ ચાલુ રાખીશ, જેથી આપણે આ શહેરમાં સ્વમાનભેર જીવી શકીએ. બાકી તો આપણા બેમાંથી એકનો સંઘર્ષ પૂરો થશે એ સાથે આપણા બેયના સંઘર્ષના દિવસો પૂરા થઇ જશે.’
‘થેન્ક્સ, સાહિલ. આવા શબ્દો એક સાચો દોસ્ત જ કહી શકે. તે આપણા બંનેની વાત કરી છે. તને અને મને બેયને ખબર છે કે આપણા બેમાંથી એકનો સંઘર્ષ પૂરો થશે એ સાથે બીજાના સંઘર્ષના દિવસો પણ પૂરા થઇ જ જશે. સાચી દોસ્તી આવી જ હોય. એકનો ખરાબ સમય આવે તો બીજો દોસ્ત હાજર હોય અને એક દોસ્તનો સારો સમય આવે એટલે બીજા દોસ્તનો સારો સમય પણ આપોઆપ શરૂ થઇ જ જાય.’
અચાનક નતાશાના સેલ ફોનની રિંગ વાગી. નતાશાએ કોલ રિસીવ કર્યો અને સામેવાળાની વાત સાંભળીને કહ્યું: ‘શ્યોર સર. આઇ વિલ બી ધેર વિધિન હાફ એન અવર. થેન્ક્સ અ લોટ, સર.’
સેલ ફોન પર વાત કરી લીધા પછી નતાશાએ સાહિલ સામે સ્મિત કરીને કહ્યું, ‘ચાલો કદાચ થોડા સમય પૂરતી તો કડકી દૂર થઇ જશે! હિન્દી નાટ્ય દિગ્દર્શક અહર્નિશ ચેટર્જીનો કોલ હતો. તેઓ મને એક રોલ આપવાનું વિચારી રહ્યા છે. તેઓ મને અડધો કલાક પછી પૃથ્વી થિયેટરમા મળશે.’
* * *
સાહિલ અને નતાશા એવું નક્કી કરીને છૂટાં પડ્યાં કે સાહિલ રાતે નતાશાની બેગ લઇને તેને બોરીવલી સ્ટેશન પર મળશે. બે-ત્રણ રાત પૂરતી નતાશા બોરીવલી સ્ટેશન નજીક કોઇ ઓછા ખરાબ ગેસ્ટ હાઉસમાં રોકાવાની હતી. અને એ દરમિયાન તેના રહેવાની વ્યવસ્થા માટે તે અને સાહિલ કોશિશ કરવાના હતા.
નતાશા અને સાહિલ વિલે પાર્લે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પરથી છૂટાં પડ્યાં. સાહિલ પ્લેટફોર્મ પર ગયો અને નતાશા રિક્ષા પકડવા વેસ્ટમાં ઊતરી. એ વખતે તેને લાગ્યું કે કોઇ તેને બોલાવી રહ્યું છે. નતાશાને થયું કે તેને ભ્રમ થયો છે, પણ બીજી વાર અવાજ એકદમ તેની પાછળથી આવ્યો.
નતાશાએ પાછળ ફરીને જોયું. નતાશાને એ ચહેરો યાદ આવ્યો. સાહિલને રામકૃષ્ણ રેસ્ટોરાંમાં જે માણસ પર શંકા ગઇ હતી એ જ માણસ તેને બોલાવી રહ્યો હતો!
નતાશાના શરીરમાંથી જાણે ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું.

(ક્રમશ:)