Mari Dairynu ek Panu - 1 in Gujarati Biography by Well Wisher Women books and stories PDF | મારી ડાયરીનું એક પાનું --૧

Featured Books
Categories
Share

મારી ડાયરીનું એક પાનું --૧

''
મારી ડાયરી નું એક પાનું ''

[૧]
આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે.
હા, મારી અંગત ડાયરી એટલે જીવન ના અલગ અલગ તબક્કે બદલાતી અને પુષ્ટ થતી
મારી લાગણી અને વિચાર ધારા, કહી ન શકાય એવી અઢળક વાતો , ફરીયાદોની
શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ,
સંતોષ- અસંતોષ અને અંતરનો ઉમળકો હૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની
હૈયાવરાળ ને નીતારવા માટે નો એક માત્ર સુરક્ષિત અરીસો, કોઈ પણ જાતના આડંબર કે સમાજ ની
બીક વગર ઠલવાતો હૃદયસ્થ ખીલેલા અને મુરઝાયેલા ફૂલો નો સાત્વિક કચરો. જે ડાયરીના પાનાંમાં
ઉતાર્યા પછી હૈયું હળવાશ અનુભવે છે ! આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે.




તા - ૧૧/૫/૮૫

આજે હું ખુબ જ વ્યથિત છું, કારણ હું મારા પ્રેમલગ્ન માટે ધિક્કારની લાગણી અનુભવું છું. મેં મારા
પેરેન્ટ્સની વાત ન માની ને હાથે કરીને પગ ઉપર કુહાડી મારી છે. વિવેકને હું ખુબ પ્રેમ કરતી હતી.
કોલેજ કાળથી અમે બંને ગળાડૂબ પ્રેમમાં હતા. બે વર્ષ વીતી ગયા હતા અને હિંમત કરીને મેં મોટાભાઈને [ફાધરને અમે મોટાભાઈ કહેતા ] ને કહ્યું. અને આનાકાની અને સમજાવટ ને અંતે બંને પક્ષે ધામધુમથી
લગ્ન પણ થયા. બંને એકબીજા ને અનહદ પ્રેમ કરતા હતા આજે લગ્ન ને ત્રણ વર્ષ થયા એક વર્ષ ની
દીકરી પણ છે. પણ વિવેક નું વર્તન મારા માટે સાવ બદલાઈ ગયું છે. જાણે લાગતું કે તે મારા થી દુર ભાગે
છે. ખુબ જ મન ભરાઈ આવ્યું હતું અને પ્રેમલગ્ન હોવાથી કયા મોઢે પેરેન્ટ્સને વાત કરાવી એ સમજાતું ન હોતું...પણ હું મારા ફાધરની લાડકી હતી અને ખુબ જ નજીક હતી.
થોડી હિંમત ભેગી કરીને મોટાભાઈ ને મળવા પિયર ગઈ. હોશે હોશે બધાને મળી વાતો કરી સાથે જમ્યા પણ
મોટાભાઈ મારા મન ને કળી ગયા હતા. હિંડોળા ખાટે હું અને મોટાભાઈ હીંચી રહ્યા હતા અને અચાનક મોટાભાઈ એ મને પૂછ્યું કે આજે મારી ઢીંગલી અંદરથી થોડી ઉદાસ છે, શું વાત છે ? મને નહિ કહે ?
અને મારો તો હૈયા બંધ ખુલી ગયો અને ધ્રુસકે ધ્રુસકે બધી વાત કહી. મોટાભાઈ એ મને શાંત પડી પાણી
પીવડાવ્યું અને નાનકડી વાત કરી.
બેટા, તારી નાનકડી દીકરી ટ્વિન્કલ એક વર્ષની છે અને એ બાર્બી ડોલ ની જીદ કરે છે અને એને બાર્બી ડોલ
નહિ એનો પૂરો સેટ જોઈએ છે. આપણને ખબર છે કે બાર્બી માટે હજુ ટ્વિન્કલ નાની છે અને થોડી મોટી થાય એટલે અપાવીશ એવું કહીશું. હવે જ્યાં સુધી એને બાર્બી અપાવીશું નહિ ત્યાં સુધી એ રોજ એની કાલી કાલી
ભાષામાં એની જ વાતો કરશે કે બાર્બીનું આવું ફ્રોક હોય,આવા વાળ હોય, આવો કોમ્બ હોય,શુઝ આવા હોય !
એના નાનકડા મગજમાં ફક્ત બાર્બી રમતી હોય અને એનું કુતુહલ. જ્યાં એને બાર્બી અપાવીએ એટલે ખુશી
એના ચહેરે ચળકતી હોય અને રોજ બાર્બી સાથે આમ કરે ને તેમ કરે. થોડા દિવસ માં જ એનું કુતુહલ શાંત થઇ જાય એટલે એ સ્કુલ માં ધ્યાન આપે, હોમવર્ક કરે અને બાર્બી માંથી થોડું ધ્યાન હટી જાય....એટલે આપણે શું સમજવાનું કે હવે એને બાર્બી પહેલા જેટલી વ્હાલી નથી ? ના એવું નથી. આજે પણ એને બાર્બી એટલી જ વ્હાલી છે એની સાથે રમે છે પણ આખો દિવસ નહિ કારણ એને ખબર છે કે હવે મારી બાર્બી મારી પાસે જ છે.
એનો એને સંતોષ છે એટલે બાકીના કરવા જેવા કામ ઉપર પણ ધ્યાન આપે છે ....ખરુંને મારી ઢીંગલી ???
જીવન પ્રત્યેની દ્રષ્ટિ એટલે જ 'સંસ્કાર' ! પણ બેટા, એક વાત યાદ રાખજે કે સંસ્કાર એ Staticconcept
નથી પણ Growing concept છે. એટલે કે સમય, કાળ, પરિસ્થિતિ અને સમાજમાં થતા ફેરફારો
પ્રમાણે સંસ્કારો બદલાય છે. બેટા જેમ જેમ સમય જશે તેમ તેમ તને આ ચિત્ર ક્લીઅર દેખાશે. પણ બેટા ધીરજ અને સંયમ થી કામ લેવાનું. સફળ દામ્પત્ય જીવનની અદભુત ચાવી છે ''વિશ્વાસ''!
અને મોટાભાઈની આંખોમાં આંખો પરોવીને મેં સિગ્નલ આપી દીધો કે મને સમજાઈ ગઈ છે જીવન ની વાસ્તવિકતા !





નીતા શાહ

[૨]

જીવનની ડાયરીનું એક પાનું.-----------------------------------------

અધરાતની લક્ઝરી મુસાફરી
ને અચાનક પલટી ખાતી બસ..
સુનકાર રાત્રીની રહ્દય દ્રાવક ચીસાચીસ....
સીટ નીચે દબાતું યૌવન.....
મા લાચાર...
પડખે જ ..
છતાં બેબસ...
આવ્યા તારણહાર...અજાણ્યા-
બસ ડ્રાઇવર કંડકટર...
બચાવ્યું જીવન...!!!

...લતા...

એ 18.5.2007 ની ગોઝારી રાત જીવનની ડાયરીમાંથી કોઈ દિવસ ભુલાશે કે ભૂંસાશે નહિ.

હું મારા મી. ને મારી દીકરી સોમનાથદાદા ના દર્શને રાતની બસમાં જતા હતા. નિરાંતે સ્લીપર કોચમાં સુતા હતા..ઉપર ની ડબલ શીટ માં હું ને દીકરી..મને રાત્રે ઉઠવા જોઈએ એટલે હું બહારની બાજુ સુતી ને દીકરી અંદરની બાજુ. મારા મી. સિંગલ શીટ માં પણ ઉપર જ સુતા હતા.

ને અચાનક... જોરદાર ઝાટકા સાથે બસ હાલક ડોલક થવા લાગી. કોઈ કઈ સમજે એ પહેલા તો બસ જોરથી ઉછળી ને આડી પડી. બધું થોડી જ ક્ષણોમાં થઇ ગયું. કોઈ ને કઈ દેખાતું ન હતું ને સમજાતું ન હતું કે શું થયું ને શું થઇ રહ્યું છે.

ચીસાચીસ ને રડારડના અવાજો વાતાવરણ એવું ભયાનક બનાવતા હતા કે જેણે અનુભવ્યુ હોય એને જ ખ્યાલ આવે.. પ્રભુ કોઈને એવો અનુભવ ન કરાવે.

થોડીક જ મિનિટો માં હાહાકર મચી ગયો. હું અંધારામાં મારો જમણો પગ ક્યાંક લટકાવી ને એક પગે ઉભી હતી. થોડી વારે ખ્યાલ આવ્યો મારી દીકરી નીચે પડી હતી. ને મારો એક પગ એને અડતો હતો. એ ઉભી થઇ શક્તી ન હતી. કેટલીયે વાર પછી ખ્યાલ આવ્યો કે એ સીટની નિચે દબાયેલી છે ને સીટ કેમે ખસી શકે એમ ન હતી. મારા મી. નો અવાજ આવ્યો. ત્યારે ખયાલ આવ્યો કે તેઓ સલામત છે. ધીરે ધીરે સહુ બસ માંથી ભહાર નીકળવા લાગ્યા. કોઈ ન નીકળી
શક્યા એમને બીજા બસ ની બહાર લઇ જવામાં મદદ કરવા લાગ્યા.

પણ હું ને મારી દીકરી અંદર જ હતા. બધા બહાર થી બૂમો પાડે બહાર આવો પણ દીકરી ને મૂકી ને કેમ જાઉં! અંદર તો જાણે ઘડી માં ધૂળ ઉડે. બસની બારીનો ભાગ માટીમાં ને અમે ત્યાં. દીકરી તો જાણે કબર ખોદાઈ હોય ને એમાં કોઈ હોય ...ઉપરથી બધા માટી નાખતા હોય એવી
કરુણ હાલત...! તો એ એણે પોતાના શર્ટમાં ભરાવેલા ચસ્મા એક હાથે પહેર્યા જેથી આંખમાં ધૂળ ન જાય.

બસની નીચે થી ઘણા એ લાકડી નાખી ધૂળ હટાવી અમને બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ એ પણ શક્ય ન હતું. લગભગ કલાક આમનામ ચાલ્યું. ત્યાં એક બીજી લક્ઝરી આવી ને એના ડ્રાઇવર કંડકટર આવ્યા. એમને તરત ક્યાંકથી લાકડીઓ ભેગી કરી 4 જણ અંદર આવ્યા.
આ બધું રાતના અંધારામાં 2 થી 3 ની વચ્ચે જ ચાલતું હતું. ચંદ્રના પ્રકાશમાં ને કોઈ પાસે મોબાઈલ હોય એના પ્રકાશમાં.

તરત મને કહે બેન તમે અંદર થી બહાર આવો અમે દીકરી ને બહાર લાવશું. મને થોડી હાશ થઇ. ખુબ નાની જગા હતી કોઈ ને કઇ દેખાતું ન હતું. કોણ ક્યાં પગ મૂકી ને ચાલે છે એ પણ.
ખરી કઠણાઈ એ જ હતી કે દીકરી જે પાટિયા...સીટ નીચે દબાઈ હતી બધા એની પર જ પગ મુકી ને નીચે ઉતરતા હતા. કોઈ ને ખ્યાલ પણ નોતો વાસ્તવિકતા નો. એ દીકરી ને વધારે ભારે પડ્યું.

બધાએ ભેગા મળી લાકડા ની મદદથી સીટ ઉંચી કરી દીકરી ને ધીરે થી ઉંચી કરવા ગયા ને કંડકટર જે પચીસેક વર્ષનો લાગતો હતો એને ખ્યાલ આવી ગયો કે દીકરી ના હાડકા તૂટી ગયા છે. એણે નીચેથી ધીરેથી હાથ નાખી ને ગોદમાં લઇ લીધી ને બસની બહાર આવ્યો. ને રોડ ઉપર જ લક્ઝરી ઉભી હતી ત્યાં જ સીધા લઇ ગયો ને અમને પણ તરત બસમાં આવી જવા કહ્યું.
એ ભાઈ એ સીધી દીકરી ને બસમાં લાવી ને જ સુવડાવી.

અમારી બસના કંડકટર ને ડ્રાઇવર તો બસ ખેતરમાં આડી પડવા ગઈ ત્યારે જ કૂદકો મારી ભાગી ગયા હતા. બસ રોડથી લગભગ 20 ..25 ફુટ નીચે ખેતરમાં પડી હતી..ઉનાળો હોવાને કારણે ખેતર વાવ્યા વગરનું જ હતું.

આ તો ભગવાને જાણે દૂત મોકલ્યા.

બસમાં ઘણા ને નાનું મોટું વાગ્યું હતું. ઘણા અમે જેમાં બેઠા એ બસમાં આવ્યા. આ બનાવ રાજકોટ પહેલા 25 કી.મી. રે થયો હતો.

આ બધી ધમાલમાં મારુ પર્સ બસમાં જ રહી ગયું. રાજકોટ સિવિલ માં લઇ જવાનું નક્કી કર્યું. હું બોલી પૈસા તો નથી..ત્યાં દીકરી એ કહ્યું મારા ખીસામાં 900 રૂપિયા છે. કંડકટર ને ડ્રાઇવર બંને મળી ને એમની પાસે જેટલા પૈસા હોય. એ અમને દેવા લાગ્યા. જોકે જરૂર ન પડી. રાજકોટ સિવિલ આવતા તરત કંડકટર જાતે સ્ટ્રેચર લઇ આવ્યો
બસમાં જ અમને ખ્યાલ આવી ગયો હતો કે એનો એક પગ કામ નથી કરતો...એટલે બધા ને એની ગંભીરતા નો અહેસાસ હતો.
ને પોતે જ દીકરી ને ધીરેથી ઉંચકી સ્ટ્રેચર પર સુવડાવી. ને બીજા પેસન્ટ પણ ઉતાર્યા. પછી બીજા પેસેંજર ને લઇ ને બસ આગળ ગઈ.

આ બધા જ સમય દરમ્યાન મારી દીકરી એ ખરેખર રંગ રાખ્યો. ખુબ જ સહનશક્તિ ની મૂર્તિ બની રહી. પુરી કઠણ થઇ ને
રહી. ન રડારડ કે ન ચીસાચીસ.
એક્સરે કાઢ્યો ત્યારે ખબર પડી કે એને મલ્ટીપલ ફેક્ચર છે. કુલ 6 ફેક્ચર હતા. પેલવિક રિંગ ને 5 ફેક્ચર ને 1 પગના જોઈટ ના બોલ માં. જાણે ભગવાને એને કઠણ બનાવી દીધી..સહન કરવાની જાણે શક્તિ પણ આપવા લાગ્યા. મારા મી. ને માથામાં વાગ્યું હતું. ને મને પેટમાં ને પગમાં. પણ અમે તો દીકરી ની હાલત જોઈ ને અમારું બધું ભૂલી ગયા.

એક રાતે જાણે જીવન માં પલટો લાવી દીધો.

લતા કાનુગા.

[૩]

મારી ડાયરીનું એક પાનું...... [30/07/2015] ''
જ્યારે જ્યારે ચાહ્યું છે મળ્યું છે મને શરણ તારું, એક ભરોસો તારા નામનો, આપજે પ્રભું નિશદિન સ્મરણ તારું... !!
ઘરનાં વહાલાં, જુવાન દિકરાના આકસ્મિક સ્વર્ગવાસ નો પંદરમો દિવસ હતો, કોઈની આંખના આંસુ સુકાતા નહોતા.. સઘળી અંતિમ ક્રિયા ઓ પૂર્ણ કરી ને,પરાણે મન કાઠું કરી ને સૌ એ પરત ઘરે આવવાનું નક્કી કર્યુ,,,, ને ત્યાં આકાશ પણ જાણે સૌના રુદનથી વ્યથિત થયુ હશે કે શું? બસ અનરાધાર હેલી કરી વરસી પડ્યું,,,, ત્રણ દિવસ સતત વરસાદ,,,સાવ અંતરિયાળ ગામ,ને,નજીક માં જ વિસતપુરા કાળિયાર અભયારણ્ય ફોરેસ્ટ આવેલ છે જે પુરાતન ઈતિહાસ ધરાવે છે,પાંડવો ના સમયમાં ચુંવાળ પંથકમાં, હિડિંબા વન આવેલું હતું.. એવું અંતરિયાળ ગામ ને નજીક ગાઢ જંગલ વિસ્તાર છે, કાચા રસ્તા ને લાઇટ પાણી નો પણ કાપ... ચોથા દિવસે થોડો વરસાદ રોકાયો ને ગામમાં પાણી ઉતર્યા એટલે સૌએ નિકળવાનું મન કર્યુ....પાણી ભરાયાં હોવાથી વાહન લઇ ને કાચા રસ્તે આવવા જવાનું મુશ્કેલ હોવાથી, સૌએ પગપાળા બીજા ગામ જવાનું ને ત્યાં થી,પછી વાહન મળે તો સૌ અમદાવાદ પહોંચી શકાય,એવું વિચારી, નિકળી પડ્યાં બીજા ગામમાં જવા, ચારથી પાંચ કિલોમિટર રસ્તો કાપવા નો હતો.. વચ્ચે કેનાલ પણ આવે છે, ભગવાન ભરોસે ઘરનાં બે નાના બાળક,સહિત 18સભ્ય, ચાલી નિકળ્યાં.... ખરી પરિક્ષા હવે થશે એનાથી અજાણ સૌ આગળ વધી રહ્યા હતાં, વરસાદ ફરી શરું થઇ ગયો હતો,,,, કેનાલ સુધી પહોચતાં અઢી કિલોમિટર નો રસ્તો પસાર કર્યો, ત્યાં પહોંચી જોયું તો,,, કેનાલ માં ગાબડું પડ્યું હતું, એકમાત્ર પુલ જે સામે નાં ગામમાં જવા નો રસ્તો હતો,, એ હવે હયાતીમાં નહોતો... બાવળ અને વનકટી, કાંટાળી ઝાડીઓ,ને,રસ્તો પાણી માં ગરકાવ હતો, હવે પાછા પણ વળી શકાય એમ નહોતુ, અધુરા માં પુરું, સામે ના ગામનું તળાવ તુંટ્યુ હતું , જેનાથી અમે બધાં અજાણ હતાં ... પાણી નો પ્રવાહ વધવા લાગ્યો,મારા જેઠ -જેઠાણી, અચાનક તણાવા લાગ્યા,, પરાણે પરાણે, લાકડા ના સહારે એમને બચાવ્યા,, એકબીજા નો હાથ,પકડી અમે આગળ વધતા હતાં, પણ મોતના મુખમાં જઇ રહ્યા છીએ, એનાથી સૌ અજાણ હતાં, રસ્તો ભટકી ગયેલા ને,ગામ થી વિપરિત દિશામાં, જ્યાં થી પાણી વધી રહ્યુ હતું એ તરફ અમે જઇ રહ્યા હતાં,,,, ગળા સુધી પાણી,, પગ નીચે કાંટાળી ઝાડીઓ,પાણીમાં તરતાં ઝેરી જીવજંતુ,, જોઈ રુંવાડા ઉભા થઇ જતા,,,, અચાનક નજર સામે કાળ ધસમસતા પાણી રૂપે આવતો દેખાઇ રહ્યો હતો,,, સૌ મનમાં ભગવાન ને યાદ કરતાં ને એકબીજા ને હિંમત આપતા હતાં,,,, રસ્તો થોડો'ક જ બાકી હતો ને, અમે ત્રણ કલાક થી સતત ચાલતા હતાં છતાંય રસ્તો ખૂટતો નહોતો,,,, અમને મનમાં શંકા પડી,ને મેં બધાં ને ઊભા રહેવા કહ્યું,,,,, પાછા નજર નાંખી તો,,,,, અમે ઉંધા રસ્તે છીએ એ ભૂલ સમજાઈ,,,,,, પણ હવે? પાણી તો વધતું જતું હતું,, એક દિકરા ના જવાનો ગમ હજુ ભૂલ્યા નહોતા, ને,,,
આજે ઘરના અઢાર સભ્ય ખતરામાં હતાં,
મનમાં મનમાં મારા શ્યામ ને સમરતી, ને,બધાં છોકરાં ને હાથમાં હાથ પકડી ભગવાન ને યાદ કરવા નું કહી હિંમત આપતાં,, ફરી, ચાલવા લાગ્યા.... ને,,,,
સામે કેનાલ ના તુટેલા, ટેકરા પરએક ગોવાળિયો ભાઈ દેખાયો,,,,
અમને આવતા જોઈ, એ ભાઈ સામે બૂમો પાડતો,અમને સાવધાન કરતો,રસ્તો બતાવતો રહ્યો,,,
નજીક પહોંચી અમે એ ભાઈ ને વિનંતી કરી કે, ''ભાઈ અમે રસ્તો ભૂલ્યા છીએ, અમને રસ્તો બતાવશો સામે ગામમાં જવાનો,
ને પુછ્યું કે'' તમે અહીં આ ઉજ્જડ વગડામાં આટલા પાણીમાં શું કરો છો?

ત્યારે એ ભાઈ હસતાં હસતાં બોલ્યા કે, '' મારું ખોવાયેલું ધણ પાછું વાળવા આવ્યો છું ! તમે મારી પાછળ પાછળ આવો,
મારા ધણ ને સહી સલામત તેના મારગે વળાવ્યું, એમ તમને પણ પાર ઉતારી લઇ જઇશ ચિંતા ના કરો .હવે તમે પહોંચી જવા આવ્યા છો,,, ,
અને માત્ર 10 મિનિટ માં જ એ ભાઈ અમને સામે ગામ લઇ ગયાં, ચારે તરફ પાણી જ પાણી,
સડક પર ઢીંચણ સમા પાણી જોઈ, સૌ મૂંઝવણમાં હતાં.
ત્યાં અમે પાછળ વ઼ળી જોયું તો,,
''
પેલાં ભાઈ ગાયબ ! ને મને મારા મુરલી મનોહર પરની શ્રધ્ધા નો સાક્ષાત પુરાવો મળ્યો,,,
આજે પણ એ દિવસની યાદો અમારા પરિવાર ના તમામ સભ્ય, ના સ્મૃતિપટ પર અંકિત થઇ ગઈ છે. ,,,,
એ ઘટના યાદ કરી ભગવાન ને વંદન કરે છે,ભગવાન પરત્વે ની,''
સાચી શ્રધ્ધા અને અડગ વિશ્વાસ'' ,
ગમે તેવી કપરી પરિસ્થિતિ માં થી તમને અવશ્ય ઉગારે છે....!!

રેખા સોલંકી