છેતરામણું માર્કેટિંગ
કોઈપણ માણસ હોય,’એને જીવવા માટેની મજબૂરી કહો કે જરૂરિયાત પણ રૂપિયાની મૂંઝવણ સહુ કોઈને રહેતી હોય છે.’ભારત જેવા વિકાસશીલ દેશમાં માનવ સમાજમાં ગરીબ કે પછી કચડાયેલો વર્ગ બહુ મોટાપાયે વસવાટ કરે છે.સમાજની વસ્તીમાં વચ્ચેનો એક મોટો ભાગ એવો છે જે મિડલ ક્લાસ ફેમીલી તરીકે ઓળખાતો હોય છે.આ ઉપરાંત એક વર્ગ અમીરોનો છે.તેઓની પાસે રૂપિયા વધુ અને તેમની વસ્તી ઓછી છે,આર્થિક રીતે તો સમગ્ર સમાજ પર તેઓનું જ રાજ ચાલતું હોય છે.વિકાસશીલ દેશોમાં કેટલાક પ્રોબ્લેમ મોટાપાયે રહેતા હોય છે જેમાં વસ્તીવધારો,મોંઘવારી,બેકારી અને આતંકવાદ મુખ્ય છે.
વાત આપણે સોશીયલ-સાયન્સના માધ્યમિકમાં ભણેલા મુદ્દાઓની નથી કરવી પણ એ તકલીફોથી આગળ વધીને સમાજમાં વિકસિત દેશો તરફથી લાવેલા કોન્સેપ્ટને લોકો સામે અમુક ખોટી રીતે બતાવવામાં આવે છે તેની કરવી છે.
લોકોને જયારે સરકાર દ્વારા કે પછી ઉદભવતી રોજગારીની તકોમાં નિષ્ફળતા મળતા સમાજમાં રહેલા કેટલાક લેભાગુ તત્વો દ્વારા જે પ્રમાણે ઊંચા સપના બતાવવામાં આવે છે કે પછી કાગળ પર કરોડપતી બનાવાય છે અને છેલ્લે છેતરાવાનું થાય છે તેની આ પ્રસંગોઉંચિત વાત છે.તે પણ વળી કાયદાની કેટલીક છટકબારીઓ શોધીને એક નકલી દુનિયા બતાવાય છે કે સામેવાળી વ્યક્તિ તેમની વાતોમાં કલાકોમાં અંજાય જાય છે.આવા અવનવા ફંડા લોકોને જાળમાં ફસાવવા માટે વ્યવસ્થિત રીતે પાથરવામાં આવે છે અને આ વાત થઇ રહી છે એક એવા વિષયની કે જેની જાળમાં ક્યારેક હું પણ ફસાયો હોઈશ અને તમે પણ...! આ વિષય છે છેતરતું માર્કેટિંગ.
નવાઈ લાગે તેવી વાત છે કે જ્યાં હજારોની સંખ્યામાં બીઝનેસ સ્કુલો હોય છે.જ્યાં માર્કેટિંગ મુખ્ય વિષય છે.જેના ઉપર લોકોનો વિશ્વાસ છે.જ્યાં એ દિમાગના ખેલથી પ્રોડક્ટ વેચતા રૂપિયાનો ધોધ વરસે છે ત્યાં કાયદાની મર્યાદા સાચવીને માનવતાની મર્યાદા ઓળંગવામાં આવે છે.એવું એક ફિલ્ડ આકાર લઇ રહ્યું છે કે જેને સમજવા માટે સામાન્ય માણસ વિચારી શકતો નથી કે પછી વિચારતો નથી.જેમ કે અત્યારની ટીવી જાહેરાતોમાં સોફ્ટ ટાર્ગેટ તરીકે બાળકોનો બખૂબી ઉપયોગ થાય છે.જેથી તે પ્રોડક્ટનો વેચાણ દર ઉંચો આવે કારણ કે બાળકોના દિમાગ પર તેની છાપ છોડવી સહેલી છે અને તે જીદ કરીને પણ તેની ખરીદી કરાવી શકે છે.
વાત માર્કેટિંગના દુરુપયોગની કરવી છે.ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.’ આપણી જનતા પર છેતરામણા માર્કેટિંગના સંદર્ભમાં કહેવત સીધી જ લાગુ પડે છે.બેકારી જેવી સમસ્યા હોય ત્યારે પેટનું પૂરું કરવા માટે અભણ લોકો જે મળે તે મજુરી કરી લેતા હોય છે પણ આ શિક્ષિત બેરોજગારોનું શું? બધાને નથી તો સરકારી નોકરી મળતી કે નથી મળતી ઊંચા પગારની પ્રાઈવેટ નોકરી.જ્યાં તકલીફ ઘર પૂરું કરવાની હોય ત્યાં પોતાના ખુદના કંઈક કરવાના સપના દેખીને એ દિશામાં આગળ વધવાની તાકાત બહુ ઓછા વિરલાઓમાં હોય છે અને આવી જ મજબુરીનો ફાયદો કેટલાક લોકો વિચિત્ર ઢબથી ઉઠાવી જાય છે કે જ્યાં સામેવાળો વ્યક્તિ છેતરાઈ જાય છે ને હસતા મોંઢે ઘરે આવે છે.શાંતિથી વિચારે અને વાસ્તવિકતાની દુનિયામાં તે છેતરામણી વાતોને અમલી બનાવવા જાય છે ત્યારે મળતી નિષ્ફળતાથી તેને અંદાજો આવે કે તે છેતરાયો છે પણ કોઈને કહી શકે એમેય હોતો નથી.હાલના સમયમાં આવી જ એક ચાલતી છેતરામણી માર્કેટિંગ કલાનો સેમીનાર મેં ખુદ ભર્યો.તેઓની વાતોને સાંભળી બહુ શાંત ચિત્તે.મારા કેટલાક અવલોકનો હતા તેમના વિશેના જે લખી રહ્યો છું.
શરૂઆત તેમની ઓફિસથી કરીએ તો એક નાના શહેરના એક કોમ્પ્લેક્ષમાં સેકંડ ફ્લોર પર ડેકોરેટ કરેલી તેમની ઓફીસ.બહુ સામાન્ય માણસ પહેલીવાર આવે ત્યારે જ એક જાતનું કોર્પોરેટ કલ્ચર દેખતા જ અંજાઈ જાય.કદાચ હાલમાં છેતરાયા છે એવું ના સમજતા લોકોની એક આખી વ્યવસ્થિત રીતે ટાઈ જેવા ડ્રેસકોડથી બનાવેલી અદ્દલ નકલી કોર્પોરેટ ફોજ કે જ્યાં બહુ મોટી મોટી વાતોથી તેમને બદલવાના એમના સપના.માનવ સ્વભાવની નાની નાની વાતો પર સ્થિરતા ગોઠવી ને તૈયાર કરેલી તેમની ભલભલાને આંજી નાંખે તેવી એક સ્પીચ.ઉપલી હેડના એમના બનાવેલા મેનેજર કે જે કોમ્યુંનીકેશન સ્કીલના બાદશાહ હોય છે.મલ્ટીપલ લેન્ગ્વેજના બોલકા ભાઈ.વાતે વાતે એમણે અલગ અલગ દેશોની સફર ખેડેલી તેની વાતો.પુરાવા રૂપે ફોટો અને વિડીયોની ભરમાર.જલ્દીથી રીપ્લાય ના કરતા સામેવાળા વ્યક્તિ સાથે કોમ્યુનીકેટ કરવાની તેમની આદત.ફેમીલી બેકગ્રાઉન્ડ અંગે જાણકારી મેળવી નાણાકીય નિષ્ફળતા માટેના બદલાવની લોભામણી વાતો.
કોમ્પ્યુટરમાં પાવરપોઈન્ટના પાવરફુલ પ્રેઝન્ટેશનની ધારદાર રજૂઆત હોય કે પછી પોતાની સક્સેસની વાતો.કરોડપતી બનાવવાના સપના અને વાતોમાં નકરી સકારાત્મકતા રાખીને સામેવાળા વ્યક્તિના દિલો-દિમાગ પર છવાઈ જવાનો એક પ્રી-પ્લાન્ડ કારસો.સામેવાળી વ્યક્તિની દરેક નબળી નસ ઓળખી લઇ તેને રીપેર કરવાના અવનવા નુસખા.તેઓ પાસે માણસના દરેક બહાનાનો જવાબ તૈયાર હોય અને કોઈપણ રીઝન સામે તમને બતાવાતા ઊંચા ઊંચા સપના.આ સપનાઓનું વ્યવસ્થિત રીતે વિકસાવેલું કેલ્ક્યુલેશન.વર્ષોની નોકરીને અંતે લાખો કમાશો અને અમારો બીઝનેસ જોઈન કરીને બે વર્ષમાં તેટલું કમાશો કહીને સામેવાળી વ્યક્તિને આપવામાં આવતો ગુગલી પરનો માસ્ટરશોટ.વાતેવાતે તમારા દિમાગ પર છવાઈ જાય અને એકના ડબલ,ડબલના બીજા ડબલ કરીને તમારા દિમાગને કામ કરતુ બંદ કરવાનો અજીબ નુસખો.
આ બધી જ વાતો છાપામાં આવતા ઘરે બેઠા મહીને ૨૦ થી ૨૫ હજાર કમાઓની પાર્ટ ટાઇમ જોબ માટેના પર્સનલ સેમીનારનીં છે.તેઓ પોતે એક આખી સાયકલ સિસ્ટમ ચલાવે છે.આપણને તેમાં જોડીને આપણે ફરીથી બીજાને જોડીએ ત્યારે અર્નિંગ કરી શકીએ તેમ કહીને લોકોને છેતરવાનો સારો કારસો રચે છે.કાયદાની ચુંગાલમાંથી બચવા માટે પોતાની ઈ-પ્રોડક્ટનું પોર્ટલ બતાવે છે.તેની કીંમત સમજાવે છે.ઈ-કોમર્સ વેબ અંગેની તેમની પાસે લોભામણી જાહેરાતો હતી.તેમની વાતો અજીબ તો ત્યારે લાગી કે તેઓ વેબ-ડીઝાઇનીંગ જેવો અઘરો કોર્સ તેમના ૨૯૦૦/- ના પેકેજમાં વિડીયોથી શીખવાડી શકતા હતા પણ રૂપિયા કમાવાની ઉત્તેજિત વાતોમાં ગેરંટી જેવું કઈ હતું નહી.તેમની વાતોમાં બસ વધારે રૂપિયા આમ જ કમાવાય તેવો ખ્યાલ બહુ કુટી-કુટીને ભરેલો હતો.
તેઓના બીઝનેસ સાયકલના ફોરમેટમાં બસ બધું ચાલે જ રાખતું હતુ,તેઓ દ્વારા બસ કોઈ મોટી કંપનીઓના માલિક સાથેની અમુક માનસીક રીતે તમને ફેરવી નાંખે તેવી સરખામણીઓ હતી.એમ છતાયે કદાચ એમની ખુદની કમ્પનીનું ટર્ન-ઓવર પૂછવાની મારી હિંમતે ય ના થઇ...! તેઓનો મુખ્ય ટાર્ગેટ કદાચ વિદ્યાર્થીઓ જ હતા અને એ ટાર્ગેટ અંગે ઓફિસમાં મારી આજુબાજુ ટોળે વળેલા એમના ચહેરાઓ જોઇને જ કહી શકતો હતો.તેમની વાતો સાયકોલોજીકલ બહુ વ્યવસ્થિત રીતે ગઠિત હતી અને આ વાતો એ ટોળે વળેલા લોકોની ટ્રેનીંગ માટે પણ હતી.કારણ કે હજુ એ જાળમાં કેટલાયે ચહેરાઓ ફસાવાના હતા.
બધી જ વાતો પત્યા પછી તમારી ચેઈન સીસ્ટમ આગળ કઈ રીતે ચલાવવી અને હજુ આગળ કેટલાને એના ભોગ બનાવી શકો એનો બેસુમાર ફર્મો તેમની પાસે તૈયાર જ હતો.ફ્રેન્ડના સ્પેલિંગના દરેક અક્ષર પર તેઓએ તૈયાર કરેલા ટાર્ગેટ ફ્રેન્ડસનું લીસ્ટ હતું.એ લીસ્ટના સરવાળામાં વળી પાછા તેમની આ ઓફર માટે કેટલી ટકાવારીમાં લોકો નેગેટીવ વિચારશે એ પણ તેઓ % માં કહી શકતા હતા.તેમનો રસપ્રદ સર્વે નીચે મુજબ..
નેગેટીવ ૩૦%
પોઝીટીવ ૩૦%
કંઈ નક્કી નહી ૩૦%
કારકિર્દી પ્રત્યે કોઈ જ ચિંતા નહી ૧૦%
બધું જ પત્યા પછી વાત એમણે રાખેલી ફી પર આવે ત્યારે ફરીથી એ ૨૯૦૦ રૂપિયા માટે અવનવા ખ્યાલ બતાવાય.પહેલો ખ્યાલ એવો કે આપણે એ ૨૯૦૦ રૂપિયાને વાળીને ડબ્બામાં ૧ વર્ષ માટે મુકીએ તો શું થાય?? જવાબ આપણે આપતા કહીએ તેટલા જ રહે.એટલે વળી પાછો બીજો ખ્યાલ આપે કે એને બેંકમાં મુકીએ તો ૧૨૪ રૂપિયા વ્યાજ મળે અને અહિયાં...! અહિયાં તો તમે ૪,૧૦,૦૦૦ રૂપિયા કમાઈ શકો એમના સાયકલના ફોરમેટમાં કામ પૂરું કરીએ એટલે.એમની સાયકલ(કાગળ પર દોડાવેલા કરોડપતી બનવાના ઘોડાઓ) નીચે પ્રમાણે,
૧ મહિનો * ૨ ટાર્ગેટ પર્સન
૨ મહિનો * ૪ ટાર્ગેટ પર્સન
૩ મહિનો * ૮ ટાર્ગેટ પર્સન
૪ મહિનો * ૧૬ ટાર્ગેટ પર્સન
૫ મહિનો * ૩૨ ટાર્ગેટ પર્સન
૬ મહિનો * ૬૪ ટાર્ગેટ પર્સન
૭ મહિનો * ૧૨૮ ટાર્ગેટ પર્સન
૮ મહિનો * ૨૫૬ ટાર્ગેટ પર્સન
૯ મહિનો * ૫૧૨ ટાર્ગેટ પર્સન
૧૦ મહિનો * ૧૦૨૪ ટાર્ગેટ પર્સન
૧૧ મહિનો * ૨૦૪૮ ટાર્ગેટ પર્સન
૧૨ મહિનો * ૪૦૯૬ ટાર્ગેટ પર્સન
વાતો એમની અભીભૂત કરી નાખે પછી સામેવાળા વ્યક્તિના પરિવારજનો સુધી સમજાવવાની ખાતરી આપે.બિચારા ભોળા માં-બાપ છેતરાઈ જાય.તેમને તો ઓલી લાખોની વાતો અને એમાય દીકરો કમાતો થાય એની લાગણીમાં ૨૯૦૦/- રૂપિયા ઝાઝા ના લાગે.છેવટે ૬ મહિના પછી દીકરો મહેનત કરીને થાકે અને કંઈ ના ભાળે ત્યારે છેતરાવાની લાગણી થાય એ સાથે જ બીજા કેટલાયે લોકોને જોડે રહીને છેતરાવે ત્યારે અંતે ગાળો પડે એ અલગ.છેવટે આવી કંપનીનો એક સધ્ધર દેવતા ખુદ કરોડપતિ બનીને ગાયબ થઇ જાય અને પેલા કોમ્યુનીકેટ કરવાવાળા શોધ્યા ના જડે.
email-modhpratik1@gmail.com