“રૂકમણી! તું સાચી હતી. આજે મારો ભ્રમ તૂટી ગયો. આપણી દીકરીઓ જાણે વાદળોની રજાઈ બની મને હુંફ આપી રહી છે. જીંદગીનો સાચો રિપોર્ટ આજે મેં જાણ્યો... આજે મેં સંબંધોની સોનોગ્રાફી સમજી લીધી.”
સંબધોની સોનોગ્રાફી
સોનાનાં હીંચકે ઝૂલતાં-ઝૂલતાં સાત પેઢી આરામથી વૈભવીજીવન મ્હાલી શકે એવી ધનસુખશેઠને ત્યાં ઝાકઝમાળ. ધનસુખશેઠને આંખનાં રતન હોય એમ બે દીકરાઓ અને આંખનાં કણાંની જેમ ખૂંચતી ચાર દીકરીઓ. દીકરાઓ પાણી માંગે ત્યાં ચાંદીના પવાલામાં દૂધ, વિવિધ જયુસ લઈને કતારબંધ નોકર-ચાકરો સેવામાં હાજર થઈ જતા. પણ દીકરીઓ એ કયારેય એક પવાલું દૂધ દીઠું ન હતું. પત્નિ રૂકમણીનો જીવ ઘણો કાગારોળ કરતો પણ ધનસુખશેઠના મગજમાં અને હ્રદયમાં કોઈ વાત કેમે કરીને ઉતરે નહી. એમને મન તો દીકરીઓ એટલે સાપનો ભારો..
સમાજમાં માનમોભો અને વટ જમાવવા ધનસુખશેઠે દીકરીઓને કરીયાવર સાથે સાસરે વિદાય આપી. રૂકમણીએ પણ દીકરીઓને પોતાની ખાનગી જમાપૂંજીમાંથી સારાં એવાં ધરેણાં અને રોકડા આપ્યા અને કહયું- “આ સંકટ સમયની સાંકળ છે. તમારી મા ના આશીર્વાદ સમજી તમારી સાથે લઈ જાઓ. મારા ગયા પછી તમારા બાપુ કે ભાઈઓ તમારી વ્હોર કદીએ નહીં આવે. એમને મન દીકરીઓ એટલે પારકી.” દીકરીઓ પોતપોતાના સાસરે ઠરીઠામ થઈ ગઈ. ધનસુખશેઠની છાતી ફૂલી સમાતી ન હતી. સાપનાં ભારા માથા પરથી હેમખેમ ટળી ગયાનો આનંદ ખુલ્લેઆમ પ્રકાશિત કરતા હતા.
સમય જતાં બંને દીકરાઓને પણ ધામધૂમથી પરણાવી હરખાતા હતા. બંને વહુઓ ચતુર હતી. બંને જાણતી હતી _’પોતાના ધણીઓથી શેકેલો પાપડ પણ તૂટે એમ નથી.”’ આથી સસુરજીની ખુશામત કરવામાં બંને પાવરધી રહેતી હતી. જાણે હરીફાઈ જામતી. ધનસુખ શેઠની એક હાંકથી બંને વહુઓ હાજર થઈ જતી. ધનસુખ શેઠ મુછે તાવ દઈ પત્ની રૂકમણીને કહેતાં ““જુઓ, હુ તમને ન’તો કહેતો ઘડપણમાં વહુ-દીકરા જ કામ આવે. દીકરીઓ પારકી થાપણ એ આપણને શું કામની!?” પતિ રૂકમણી આગળ પોતે ૧૦૦% સાચ્ચા પડયાનો દાવો કરી મૂંછ મરોડતા. વહુઓ જાણી ગઈ હતી સસરાજી પુત્ર પ્રેમમાં મોહાંધ છે. આથી વહુઓ કોઈપણ તક ખુશામતખોરી અને ચાપલૂસી કરવાની ચૂકતી નહી. સમય, સંજોગ, લાગ જોઈ વહુઓએ ધનસુખશેઠની કરોડોની મિલકત પોતાનાં પરિવારનાં નામે કરાવી દીધી. પત્નિ રૂકમણી ઘણીવાર ધનસુખ શેઠને રોકતી પણ ખરી. . પણ સાંભળે એ બીજા..
પત્નિ રૂકમણી સ્વધામે પહોંચી ગયા. ઉંમરને કારણે ધનસુખ શેઠની તબિયત લથડવા લાગી. શરૂઆતમાં બંને દીકરાઓ અને બંને વહુઓએ સેવા કરી. ધનસુખ શેઠની તબિયત વધારે ને વધારે લથડતાં ડોકટરોએ કહયું હવે મોટા સ્પેશીયાલીસ્ટ ડોકટરને બતાવવું પડશે.” ધનસુખ શેઠને મલ્ટી સ્પેશીયલ હોસ્પીટલમાં દાખલ કર્યા. લોહી, પેશાબ, સોનોગ્રાફી, સી.ટી.સ્કેન, વિગેરેજાતજાતના પૃથ્થકરણ અંતે ડોકટરે બંને ભાઈઓને પોતાની કેબિનમાં બોલાવી કહયું ““ધનસુખ શેઠની બંને કીડનીઓ બગડી ગઈ છે. હવે એક જ ઉપાય કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો.....”” આ સાંભળતા બંને દીકરાઓ તેમની પત્નિઓ સાથે ધનસુખ શેઠને હોસ્પિટલનાં બિછાને છોડી ભાંગી ગયા. દીકરા –વહુની વાટ જોતાં-જોતાં દીવસો પર દીવસો વિત્યા પણ, બે માંથી એકય દીકરો કે વહુ ફરકયા સુધ્ધાં નહીં.
દીકરીઓને પોતાનાં બાપની જાણ થતા દીકરીઓ બાવરી થઈ ગઈ. દોડતી-ભાગતી પોતાના બાપુ પાસે આવી પહોંચી. ચારેય બેહેનો ડોકટરને મળી. ડોકટરે બધી વાત સમજાવી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બેહેનોએ ડોકટરને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સંમતિ આપી. ચારેય દીકરીઓએ પોતાનાં કરીયાવરમાં મળેલ ઘરેણાં, માં એ આપેલ કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ તેમજ પોતાની પાસે જમા થયેલ થોડી-ઘણી બચત બધુ ડોકટરના ટેબલ પર મૂકી પોતાનાં બાપુને સાજાં કરી દેવા આજીજી કરી.
સફળ ઓપરેશન પછી પોતાનાં પલંગની ફરતે ચારેય દીકરીઓને હાજર જોઈને ધનસુખ શેઠની આંખોમાંથી ચોઘર આસું વહેવા માંડયા. પોતાની પત્નિસાથે મનોમન વાત કરતાં બોલ્યા “”રૂકમણી! તું સાચી હતી. આજે મારો ભ્રમ તૂટી ગયો. દીકરી સાપનો ભારો નહીં પણ વ્હાલનો દરિયો છે, લીલી વનરાઈઓની મહેંક છે, લાગણીઓની મુશળધાર હેલીઓ છે. જોને રૂકમણી ! આપણી દીકરીઓ જાણે વાદળોની રજાઈ બની મને હુંફ આપી રહી છે. આ ડોકટરોનાં મોટાં-મોટાં રિપોટોની ફાઈલો .. એ બધુ તો ઠીક છે, મારા ભાઈ ... જીંદગીનો સાચો રિપોર્ટ આજે મેં જાણ્યો... આજે મેં સંબંધોની સોનોગ્રાફી સમજી લીધી.”
સૂના વનની
વ્હાલપની વાંસળી
દીકરી મારી
" દરિયા સમ દીકરીને મા પર અગાધ પ્રેમ હતો તેથી જ વિશ્વાસને પેલે પર વિશ્વાસથી પણ પર એની ઈચ્છા શક્તિ પ્રબળ હતી. “આજે હું મા ની દવા લઈને જ ઘરે જઈશ."
વિશ્વાસને પેલેપાર
આમ તો શેરડીનો ચિચોડો સવારે નવ વાગ્યે ચાલુ થાય. પણ આજે રૂપલી સવારે આઠ વાગ્યે જ નાહી-ધોઈ અનેરા ઉત્સાહભેર સાથે ચિચોડા પર કામે લાગી ગઈ. ચિચોડાનો માલિક રતન આવે તે પહેલાં તો રૂપલીએ આખા ચિચોડાને વાળી-ઝૂડી સાફ સુથરો કરી નાંખ્યો. આંગણમાં પાણી છાંટી મધમધતું બનાવી દીધું. બળદોને પણ નીર પીરસી દીધો. અને હા, પાટિયાં પર લખ્યું હતું. ‘“નુકસાન કરનારે ભરપાઈ કરવું.’” એને પણ ભીનાં કટકાથી લૂછીને ચમકાવી દીધું. રતનમાલિકનાં ગલ્લા અને ભગવાનનાં ફોટાને ધૂપ-દીપ, અગરબતી કરી. ભગવાનને પ્રાર્થના કરી – ““હે પરભુ ! આજે મારા હેઠીયાનો ધંધો ધોમધોકાર ચલાવજે.” કારણ રૂપલીને શેરડીના રસના એક ગ્લાસ પર ૧૦ પૈસા મજૂરી મળતી હતી.
ભગવાને પણ સાચ્ચે જ રૂપલીની પ્રાર્થના સાંભળી. સવારથી જ ગ્રાહકોની કતાર લાગી ગઈ. રૂપલી ઉત્સાહભેર ચાર હાથે અને ચાર પગે અનેરા આનંદથી જોમભેર કામ કરતી હતી. લગભગ દોઢેક કિલોમીટર દૂર આવેલાં કાપડનાં માર્કેટમાં પણ અવારનવાર ચકકર લગાવી આવતી. બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં પણ આંટાફેરા કરી આવતી. સામેની ફૂટપાથ પર બેઠેલ મોચી કાનજી રૂપલીની ઝડપ અને ઉત્સાહથી વિચારમાં પડયો. એણે રૂપલીને પાસે બોલાવી પૂછયું “એ અલી રૂપલી! આજે હુ છે કે તું ખૂબ કામ કરે સે....?” રૂપલીએ જવાબ આપ્યો – “મા ખાંહી- ખાંહી ને અધમુઈ થૈ ગૈ સે....... સરકારી દાકતરે બા’રની દવા લખી આલી સે......એ બાટલી આણવામાં મને અવે બાર રૂપિયા ઘટે સે, આજે હું ઈ બાર રૂપિયા ભેગા કરીને મા ને માટે દવાની બોટલ લૈ જવાની સુ ઈટલે.........” મોચી કાનજી કહયું “હારું હારું હું એ પરભુને પારથના કરીશ કે તને ઘટતાં રૂપિયા આજે જ ભેગા થૈ જાય.” રૂપલી ટૂંકમાં વાત પતાવી ફરીથી રસનાં ગ્લાસ લઈને દોડવા મંડી. આખો દિવસ અટલ વિશ્વાસ સાથે કામ કર્યું. રાતે નવ વાગ્યે ચિચોડો બંધ કર્યો. રતને રૂપલીનો હિસાબ કર્યો. રૂપલીનાં હાથમાં પુરા સોળ રૂપિયા ૭૦ પૈસા આવ્યા. રૂપલી રાજીની રેડ થઈ ગઈ. એણે ભગવાનનો લાખ-લાખ પાડ માન્યો. રૂપલીનાં મોં પરની ખુશી કોઈથી છૂપી ન રહી સામેવાળો કાનજી પણ સમજી ગયો આજે રૂપલીનો દિ’ હતો.
રતન અને રૂપલી નીકળવાની તૈયારીમાં જ હતા. ત્યાં ધારાસભ્ય એમનાં પરિવાર સાથે ચિચોડે આવ્યા. ધારાસભ્યને તો કેમ ના પડાય! ફરીથી ચિચોડો ચાલુ કર્યો. રૂપલીને દવા લેવા જવું હતું એ ઉતાવળે કામ પતાવવા માંગતી હતી. ત્યાં તો ખણણણ....... એનાં હાથમાંથી ગ્લાસ છટકી ગયો. રતનશેઠના ભવા ઊંચા ચડી ગયા. રતનની આંખો સામે લટકાવેલ પાટિયા તરફ ઈશારો કરી રહી હતી. રૂપલી ધ્રુજવા મંડી. રતનશેઠ ત્રાડુકે એ પહેલાં જ રતનશેઠના હાથના ઇશારે રૂપલીએ પુરી વફાદારીથી બાર રૂપિયા નુકશાની પેઠે ચૂકવી દીધા. રૂપલીનાં હ્રદયમાંથી આક્રંદનો પ્રવાહ ધસમસી આવ્યો પણ આંખોની પાળે એ પ્રવાહ અટકાવી દીધો. રૂપલી પુરાં વિશ્વાસથી બાજુમાં આવેલ ઢોસાની લારી પર વાસણ ધોવાનાં કામે ચડી ગઈ. વિશ્વાસની પેલે પાર એનો આત્મવિશ્વાસ પોકારી રહયો હતો કે – “આજે હું મા ની દવા લઈને જ ઘરે જઈશ.”
હિનામોદી
99256-60342
ઘરઆંગણે
ઝૂમતું સપ્તરંગી
ઝૂમખું : બેટી
અગ્નિદાહ
આખું ગામ હીંબકે ચડ્યું. ૮૮ વર્ષનાં જૈફ વીરબાની અંતિમયાત્રામાં નાના-મોટાં સૌ જોડાયા. અને, કેમ ન જોડાય!? ધર્મનિષ્ઠ, કર્તવ્ય પારાયણ, પરગજુ એવાં વીરબા રસ્તે ચાલતાંને પણ મદદ કરતા, અડધી રાતે પણ એમનું બારણું ખખડાવતાં કોઈ અચકાતું ન હતું. એવા હતા ગામલાડીલા વીરબા.
વીરબાની સહેલી સોનબા એ વીરબાનાં વૈભવ યુકત વેદનામય આખા આયખાંની વાત માંડી. વીરબાનાં કૂખે એક પછી એક એમ પાંચ દીકરીઓ અવતરી હતી. આખું ગામ કહેતું “એ “વીરડી! પેટે પથરા શું જાણે છે? દીકરો જાણશે તો તને અગ્નિદાહ દેશે.” પિંડદાન કરનાર દીકરો તો જોઈને જ ને ... નહીં તો તારો જીવ અવગતે જશે.” ઘણી બધા- આખડી પછી વીરબાને ત્યાં પાંચ દીકરી પર એક દીકરો અવતર્યો.
વીરબા અને આખું ઘર જીવન ધન્ય થયાનો અનુભવ કરતા હતા. એકના એક દીકરાને ખૂબ લાડકોડથી મોટો કર્યો. પાંચ-પાંચ બહેનો અને મા આમ છ – છ મા એ પ્રશાંતને લાડ લડાવ્યા, ખૂબ ભણાવ્યો અને વિદેશ મોકલ્યો. દીકરો પ્રશાંત પોતાનાં પરિવાર સાથે વિદેશી રંગમાં એવો તે રંગાય ગયો કે એને પોતાની મા-બહેનોની કયારેય યાદ ન આવી.
શબરી પેઠે દીકરાનાની વાટ જોત-જોતાં આખરે, ૮૮ વર્ષના વીરબા અંતિમયાત્રાએ નીકળી પડ્યા. “ચાર દીકરીઓએ વીરબાને ખાંધ આપી અને પાંચમીએ અગ્નિદાહ.......અંતિમદર્શને આવેલ સૌ કોઈ વીરબાનાં મુખારવિંદ પર દીકરીઓની મા હોવાનો ઝળહળતો સૂર્ય નિહાળી અભિભૂત થઈ ગયા.”
હિના મોદી, સુરત
99256-60342
દીકરી તું તો
ઘર ઉંબરે રચે
મેધધનુષ !