દીકરી મારી દોસ્ત
18
દસ રૂપિયાના હારનું મૂલ્ય .....
ભીની પાંપણો.. થીજી ગયેલ... મીઠી પ્રતીક્ષા.. વહાલી ઝિલ,
સ્મરણોનું ગોરસ તો રોજ છલકાઇ રહ્યું છે. કઇ વાત યાદ કરું ને કઇ ભૂલુ ?
જીવન એટલે થનગનતા..અને મનગમતા સમયની ફૂલદાની..એવું કયાંક વાંચેલ. દીકરીની મા પાસે એવા સમયની ખોટ કયારેય નથી હોતી. મા પાસે દીકરીની ભીની લાગણીઓ હોય છે તો બાપને તો દીકરીનો એક કેફ હોય છે. ” આ કેફ ઉતરે તો કેમ ઉતરે? દીકરી છે સાથે, હું એકલો નથી.”
આવું કયા પિતાએ લખ્યું છે..એ તો આ ક્ષણે યાદ નથી. પણ બધા પિતા માટે કદાચ આ સાચું જ હશે. કહે છે..પુરુષના “ હું ” ને કેવળ દીકરી જ ઓગાળી શકે. દીકરા સાથે જોડાયેલ વહાલની કડીઓ કયારેક ઢીલી પડી શકે છે. દીકરી સાથે સંકળાયેલ વહાલની સાંકળ હમેશા રણકતી જ રહે છે. મંદિરના ઘંટારવની જેમ. બાપ અને દીકરી નો એક જ સંબંધ કદાચ કોઇ અપેક્ષા વિનાનો ..છે. ગમે તેવા કઠોર પુરુષની આંખમાં પણ દીકરીની વિદાય પાણી લાવવા સમર્થ છે. અને એમાં યે કોઇ પણ કારણસર મા ગેરહાજર હોય ત્યારે દીકરી પિતા માટે એની “મા’ સમાન જ બની રહે છે. પ્યારથી પિતાને કોઇ ધમકાવી શકતું હોય તો એ પુત્રી જ છે. અને એનો એ ઠપકો પિતા હોંશે હોંશે સાંભળી લે છે. પિતાના હ્રદયને દીકરીનો સ્નેહ લીલુછમ્મ રાખે છે. મોઢેથી ન બોલતા ..લાગણી વ્યકત ન કરતા....કે ન કરી શકતા પિતાના અંતરમાં પણ વાત્સલ્યનું પુનિત ઝરણુ વહેતું જ હોય છે.
યાદ છે..? એકવાર કોલેજમાં તારે ફકત એક જ દિવસની રજા હતી. અને તને ઘેર આવવાનું બહું મન થયેલ.પરંતુ મેં ના પાડી..કે એક દિવસ માટે હેરાન નથી થવું. પછી તેં મારી સાથે તો દલીલ ન કરી. પણ પપ્પાને ફોન કર્યો. અને પપ્પા વહાલી પુત્રી ને ના કેમ પાડી શકે ? અને તું ત્યાંથી નીકળી અને પપ્પા અડધે સુધી ગાડી લઇને દીકરી ને લેવા ગયા.મારી ના કોણ સાંભળે? દીકરીને બાપનો સપોર્ટ હતો પછી મમ્મી ના પાડે એની કયાં ચિંતા હતી? અને આવી ને તમે બંને બાપ દીકરી ખૂબ ખુશખુશાલ થઇ હસતા હતા.અને મનમાં હરખાતી હું કૃત્રિમ ગુસ્સો કરતી હતી. સવારે આવી ને સાંજે તો તારે પાછું જવું પડે તેમ હતું. એ થોડા કલાકો ઘરમાં કેવા જીવંત બની ગયા હતા.!!
તારા બધા લાડકોડ જીવનમાં પૂરા થાય...એ ભાવના સરી રહે છે.
સ્મરણૉના છલકતા ગોરસની મટુકીમાંથી કંઇક યાદો બહાર આવવા મથી રહી છે.પણ...
” કાગળના કટકામાં કેમ કરી ચીતરવી, રુદિયામાં રણઝણતી વાત.. કાગળની તે શી વિસાત ? ”
શબ્દોની તાકાત અમાપ છે. એની ના નહીં. પણ ઘણીવાર દિલની લાગણી ઓ સામે એ વામણા બની રહે છે. એવું પણ લાગે જ છે. અને છતાં લાગણીને વ્યકત કરવા શબ્દોનો સહારો જ લઇ એ છીએ ને ?
વેકેશનમાં તું આવે એટલે સ્વાભાવિક રીતે જ શુભમના ફોનની અવરજવર વધી જાય. જોકે આમ તો એ બહુ હોંશિયાર છે. તારા આવવાના બે દિવસ પહેલાં એ અચૂક મને ફોન કરી લે, ‘ કેમ છો મમ્મી ? ‘ એનો રણકતો અવાજ સાંભળી ત્યારે તો હું ભૂલી જાઉં. પણ પછી યાદ આવે ઓહ..! આ તો ઝિલ આવવાની છે..એની પૂર્વતૈયારી છે !
“તમારા આજ અહીં પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે, ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની યે નજર નીચી થઇ ગઇ છે.”
તું ઘરમાં પગ મૂકે ને શુભમનો ફોન રણકયો જ હોય..! પરફેકટ ટાઇમીંગ.! હું મીઠુ ખીજાઉ, ‘ અરે, એને ઘરમાં પગ તો મૂકવા દે.’ અને કેટલી યે મસ્તી કરું. અને કહું ,’ પહેલા કહે, ઝિલ કોની ? મારી કહે તો જ ફોન આપું ’ અને પૂરી ઠાવકાઇથી એ કહેતો, ‘ હા,મમ્મી, એ તો તમારી જ છે ને ? ’ અને હું ખુશ થઇને ફોન તને આપી દઉં.. એ તરત હસતા હસતા ફેરવી તોળે, ’મમ્મીને ખોટું બોલીને કેવા રાજી કરી દીધા ને ! ’ અને તું ખડખડાટ હસી પડતી, અને મને કહેતી ’ મમ્મા, જુઓ..આ શુભમ શું કહે છે હું સમજી જતી..અને કહેતી, ’ હવે એ કંઇ ન ચાલે. એક વાર તો “ મારી ” એમ કહેવું પડયું ને ? ’ મસ્તીભર્યા દિવસોની કેવી રેલમછેલ હતી..
“ ડાળી પર કૂંપળ ફૂટયાની ઘડી છે, એના ભીના ઓવારણા લેજે. ”
યાદ છે..? એક દિવસ આપણે ચારે જમવા બેઠા હતા. ત્યાં પોસ્ટમેનની બૂમ આવી. તમે બંને ભાઇ બહેન એકબીજા સામે જોતા હતા..કે કોણ ઉભુ થાય ? પછી મીત ઉભો થયો. અને કવર લઇ ને કૂદતો કૂદતો આવ્યો, ‘મમ્મી, શુભમનો પત્ર છે. ને તું ઉછળી પડી. ભાઇલો તો દૂરથી કવર બતાવે, અક્ષર બતાવી ખાત્રી કરાવે..પણ એની પાસેથી એ મેળવવું કંઇ સહેલુ થોડુ હતું ? આવો મોકો કંઇ વારંવાર થોડો મળે? તેં મદદ માટે અમારી સામે જોયું. પણ તમારા ભાઇ બહેન ના મામલામાં હું કે પપ્પા કોઇ શા માટે પડીએ ?
અંતે મીતે તને ખાસ્સી રીતસરની ઉઠબેસ કરાવી..કેટલી યે હેરાન કરી..અને એ પછી જ કવર તારા સુધી પહોંચ્યું. ત્યારની એ તાજગીભરી મસ્તી આજે યે યાદ આવતા હું મલકી રહું છું. મીત કહે, ’ લેતી જા...ઉભી ન થઇ ને ? ‘ ત્યારથી તો પોસ્ટમેનની એક બૂમે તું હમેશ માટે દોડતી થઇ ગઇ. બિટ્ટુ,યાદ છે ને ? મને ને પપ્પાને તો તમારા ભાઇ બહેનની મસ્તી માણવાની મજા પડી ગઇ હતી. હવે
કયારે આવશે એ દિવસો ? ભાવિના ગર્ભમાં શું છૂપાયેલ છે..એ કોણ કહી શકે ?
”ખૂલ જા સિમસિમ કરતા ખૂલ્યા.....મબલખ ખજાના મન ના..” યાદોના આ ખજાના મનને શીળો છાંયડો..વિસામો આપી રહે છે.
મસૂરી ટ્રેકીંગમાં ગયેલા તમે ભાઇ બહેન...કે સ્કૂલમાંથી સાથે ઝરિયા મહાદેવ ગયેલા ત્યારની તમારી મધુર યાદો આલ્બમના પાનાઓ ની સાથે સાથે મનઝરૂખે પણ સચવાયેલી છે જ...
પ્રવાસમાં ફરવાનો આનંદ તો મળે જ છે. સાથે સાથે આવા સમયે કુદરતને નિરાંતે...શાંતિથી મનભરીને માણવાનો..જાણવાનો..તેની નજીક જવાનો લહાવો મળે છે. અલગ અલગ જગ્યાનો..માણસો નો પરિચય કેળવાય છે. મનની વિશાળતા ને એક નવી પરિભાષા મળે છે. સારા નરસા..અનુભવોથી જીવન અનાયાસે ઘડાય છે. પ્રવાસ મનને સમૃધ્ધ કરે છે. અને વિચારોનો વ્યાપ વધારે છે. અન્ય સંસ્કૃતિનો પરિચય થાય છે. ભેદભાવ દૂર થતા રહે છે. મન વિશાળ ..ખુલ્લુ બને છે. પ્રીતિ સેનગુપ્તા જેવા વિશ્વપ્રવાસી તો બધા ન બની શકે..પરંતુ શકય તેટલો પ્રવાસ તો દરેકે કરવો જ જોઇએ. એનાથી મનની ક્ષિતિજો વિસ્તરે છે. અને કૂવામાના દેડકા જેવી સંકુચિતતાથી છૂટી શકાય છે.
તમે બંને મસૂરી, સિમલા ગયા ત્યારે આવી ને કેટલા ઉત્સાહથી અવનવી વાતો કરતા હતા. કેટકેટલા અનુભવોનું ભાથુ તમને મળેલ. સિમલા વિશે વાંચી ને યાદ રાખવું તમને મુશ્કેલ લાગે પરંતુ નજરે નિહાળેલ કયારેય ભૂલી શકાય ખરું ? ત્યાંના રિતરિવાજો, વાતાવરણ, માણસો, સ્થળો વિગેરે વિષે તમે કેટલી અવનવી વાતો જાણી હતી.! હું લંડન ગઇ હતી ત્યારે ગુજરાતી નહીં..કોઇ ભારતીય મળે તો પણ ખુશ થઇ જતી. પ્રવાસ મનની સંકુચિતતાને ઓગાળી નાખે છે. ઓહ..! આ તો આપણા !!
અહીં હોઇએ ત્યારે ગુજરાતી, મદ્રાસી, બંગાળી...એવું લાગે..પણ પરદેશમાં જઇ એ ત્યારે બધા ભેદભાવ કયાંય મટી જાય અને ભારતીય બની જઇ એ..આ મારો જાતઅનુભવ છે. તને યે થશે જ આ અનુભવ. બધા ભેદભાવ આપોઆપ અદ્રશ્ય થઇ જશે. મનની ક્ષિતિજો અનાયાસે વિસ્તરીને વિશાળ બને છે. જોકે વતનની યાદ એટલે શું ? એ તો વતનથી દૂર રહેનાર જ ને કદાચ સંપૂર્ણ રીતે સમજાય. મૂળિયા એક ધરતીમાં હોય..અને ડાળ ..પાંદડા સાથે લીલાછમ્મ બીજી ધરતીમાં થતા હોઇએ ત્યારે મૂળિયાનો સાદ સંભળાતો જ રહે. અને કદાચ એટલે જ દૂર રહેતો માણસ પોતાની સંસ્કૃતિને પોતપોતાની રીતે જાળવી રાખવા મથે છે. કથા..વાર્તા, દેવ દર્શન કદાચ તેને મૂળ સાથે જોડાયાનો એહસાસ કરાવે છે. કોઇ ભાષાને જાળવવા મથે છે, કોઇ ધર્મને જાળવવા મથે છે. કોઇ અન્ય રીતે મૂળ સાથે સંકળાયેલ રહેવાનો પ્રયાસ કરે છે.
આ સાથે જ મનના મલકમાં બીજા એક નાનકડા પ્રવાસની યાદ ડોકિયુ કરી ગઇ. વાત નાની છે..પણ એથી એનું મૂલ્ય ઓછું નથી થતું.
એ પ્રવાસ યાદ છે ને ? કયો ? નાનકડો એ પ્રસંગ આપણે ઘણીવાર યાદ કરીએ જ છીએ.
મીત પહેલીવાર સ્કૂલમાંથી એકલો ટ્રીપમાં બહારગામ ગયેલ. ત્યારે તે ત્રીજા ધોરણમાં હતો. સાથે કંઇ પૈસા લઇ જવાના નહોતા.પણ મેં દસ રૂપિયા આપેલ કે તેને જોતા હોય તો કામ આવે. અને તારા ભાઇલા એ તે પૈસા કેમાં વાપર્યા હતા? બીજા બધા છોકરાઓએ કોલ્ડ્રીંક પીધું હતું..જયારે તારા ભાઇલાએ તેની બધી યે મૂડી ખર્ચી ને તારા માટે નેકલેસ લીધો હતો. બ્લુ રંગનો ચમકતો નેકલેસ..! ઘેર આવીને કેવા યે ઉત્સાહથી તને આપી ને કહ્યુ, ’હું તારા માટે હાર લઇ આવ્યો..! ’
દસ રૂપિયાના એ હારની કિમત ત્યારે મારે માટે..આપણે માટે લાખ રૂપિયા થી ઓછી નહોતી.! એ હારનું મૂલ્ય આંકી શકાય ખરું ?.તે દિવસે પોતાનું સર્વસ્વ ભાઇલાએ આપી દીધુ હતુ .વરસો સુધી એ “હાર” આપણે સાચવ્યો હતો. ભાઇની એ પહેલી ભેટ હતી. પોતાની મૂડીમાંથી આપેલી અમૂલ્ય ભેટ.
ભાઇ બહેનનો પ્રેમ જોઇ કઇ મા ની આંખો અને હૈયુ ન ઠરે ? ભરઉનાળે પણ આવી મધુર પળોની યાદો જીવનને છલોછલ ઠંડક અર્પી રહે છે.
“ રૂપિયા આના પાઇનો તું છોડ સરવાળો હવે, આ તો પ્રેમનો વેપાર છે, હમેશા ખોટ કરશે. ”
“ બેટા, સફળ જીવન એ કોઇ સંગીત સાજ બજાવવા જેવું છે. જેમ ગમે તેવા મહાન સંગીતકારે પણ હમેશા રિયાઝ કરતાં રહેવો પડે છે..અને ચાલુ જ રાખવો પડે છે. તેવી જ રીતે જીવનને પણ સફળ બનાવવા...સૂરીલુ બનાવવા રિયાઝ કરવો જ રહ્યો.વર્તનનો રિયાઝ....શબ્દોને...વ્યવહારને... લાગણીઓને. પરિપકવ કરવાનો રિયાઝ જીવનભર ચાલતો જ રહેવો જોઇએ..વાસણ જેમ માંજી માંજી ને ચકચકિત થાય તેમ આપણે દરેકે પોતાની દિનચર્યાને માંજતા રહેવું પડે છે.એને ઘસી ઘસી ને શુધ્ધ કરતા રહેવું પડે છે. જેથી એની ગુણવત્તા સુધરી શકે. અને દરેક દિવસ સોનાની જેમ ચળકી રહે. Caring is Loving...એ વાત હમેશા યાદ રાખજે. ” હું તને બહુ પ્રેમ કરુ છું..કે મને તારા માટે બહું લાગણી છે..” એ ખાલી શબ્દોનો કોઇ અર્થ નથી.જ રોજિંદા જીવનમાં ..દરેક નાની વાતમાં આપમેળે વ્યકત થવું જોઇએ. હું વાતો કરું અને મારા વ્યવહારમાંથી તમે કોઇ ઉષ્મા પામી ન શકો....અનુભવી શકો...તો સ્વીકારી શકો ખરા એ કોરા શબ્દોને ? આપણી વ્યક્તિની પૂરતી સંભાળ રાખવી..તન ની અને મનની..એ દરેક દંપતીનું અરસપરસ કર્તવ્ય છે. બંને એ કર્તવ્યનું પાલન કરે તો જ જીવનમાં સૂરીલુ સંગીત ગૂંજી રહે.