RAIN VS MAN
એક વાર રસ્તે જાતા માણસને સામે વરસાદ મળ્યો..
માણસ તો વરસાદને સામે જોઇને જ હરખાઈ ગયો અને વરસાદમાં જ ભીંજાતા ભીંજાતા એક સામટો આટલો વરસાદ જોઇને હરખનાં આંસુ આવી ગયા પરંતુ વરસાદના પાણીના કારણે આંસુ દેખાયા નહી.
થોડીવાર બાદ એ માણસ પાંસુ (પાણી+આંસુ) લુછીને થોડો ગુસ્સામાં હોય એમ વરસાદને કેહવા લાગ્યો, “કાં લુચ્ચા, તને હવે અમારી પરવા થઇ ? તે.. આજે વરસ્યો આટલાં દિવસ તડકામાં તારી રાહ જોઈ ને તો તે જીવ જ અધ્ધર કરી નાખ્યો અમારો “.
વરસાદ તો એને લુચ્ચો કહ્યું એટલે વીફર્યો થોડીવારમાં તો ગાજણ વીજણ કરી નાખી. વીજળીઓના કડાકાઓનો તો રીતસર એમને વરસાદ કરી નાખ્યો. અને માણસને કેહવા લાગ્યો,“ તમારામાં ધીરજના હોય એમાં મારો શું વાંક ? અને પાછા મને લુચ્ચો કહો છો ? “
માણસ પણ ઢીલું મુકે એવો નહોતો, અને કહ્યું “ ઓહો ..હો..આમ અચાનક કેમ લુચ્ચો શબ્દ ખરાબ લાગવા માંડ્યો ?? અમે તો નાનપણ થી જ તને લુચ્ચો વરસાદ જ કહીએ છીએ. અમને તો ભણાવવામાં આવે છે નક્કી ના હોય અને અચાનક તું વરસી પડે. અને રાહ જોતાં હોઈએ ત્યારે આંખ માંથી ટીપા પડે પણ વરસાદના ટીપાનું તો ટીપુ પણ ના પડે. બિચારા ખેડુતો તો તારા આવાની જ રાહ જોતાં હોય એમ વારંવાર આકાશ તરફ નજર માંડીને નવી દુલ્હનની જેમ તારી રાહ જોતાં હોય પણ ...ના તને તો તારા પર અભિમાન છેને તને આ બધું દેખાતું જ નઈ હોય ” આટલું બોલીને માણસતો ભાવ વિભોર થઇ ગયો.
વરસાદ પણ માણસની લાગણીને જાણે સમજતો હોય એમ થોડો લાગણીવસ થઇ થોડો હેતભર્યું ઝાપટું વરસાવી દીધું અને કેહવા લાગ્યો, “ માણસને તો બધું એને જોઈતું હોય ત્યારે ને ત્યારે જ જોઈએ એમાં જો થોડું ઘણું પણ આગુ પાછું થાય તો એ અધીરો થઈ જાય. પાછો માણસ તો જબરી માયા છે ભાઈ આજ દી’ સુધી મને સમજાઈ નથી બોલો .” આટલું બોલીને તરત વરસાદે આમ તેમ નજર ફરાવીને જોઈ લીધું કે ક્યાય કોરાડ તો નથી રહેતી ને.
માણસ તો આજે જ હૈયારાડ કહિ દેવી હોય એમ વરસાદને કહેવા લાગ્યો, “ તારા માં માણસાઈ છે કે નઈ ? તું તારું કામ કરવામાં આળસ કરે સમયસર તને વરસવાનું તારું કામ છે અને એમાય તને મન ફાવે એમ નખરા કરે, ક્યાંક એટલો વર્ષે કે પુર આવી જાય અને ક્યાંક તો કોરું પટ છાંટોય નહિ, અને પાછો કહે છે અધીરા તો માણસ. નફફટ છો સાવ તું તો “ એટલા આવેશમાં આવીને આ કહ્યું કે શરીર પર રહેલું વરસાદનું પાણી પણ વરાળ બની ઉડી ગયું અને શરીર પણ કોરુંચાંત થઇ ગયું.
“ હું માણસ નથી એટલે માણસાઈની વાત જ ક્યાંથી આવી ? પણ તમે તો માણસ છો તમારામાં માણસાઈ છે? વરસાદ જોઈએ પણ વૃક્ષો વાવતાં કાંટા લાગે અને વાવીએ તો એની માવજત કરવાની તો માણસ કહેશે એ બીજાની જવાબદારી અમે વાવ્યાં છે એય શું ઓછું છે તે બધું અમે કરીએ, વૃક્ષો વાવવાનું તો દુર રહ્યું પણ સામે વાવેલાં વૃક્ષો પણ કાપી નાખે પોતાના ક્ષણિક સ્વાર્થ માટે. અને ભલે મારા વરસવા અને વૃક્ષો વાવવા સાથે જાજો સબંધ નહિ તમારા સાઈન્સના પ્રમાણે પરંતુ આટલું બધું પાણી આપું છું એને સાચવતા શીખી જાઓને તો પણ ભવ પાર છે મારા વહાલા.” વરસાદે કહ્યું.
સ્વાર્થી, અધીરો જેવા શબ્દો સાંભળી અને માણસાઈ પર પણ સવાલ ઉઠતાં જોઈ માણસ થોડો મુઝાયો પણ રામાયણના એક સૂત્ર ને થોડું અલગ જ રીતે જાણે ચરિતાર્થ કરી રહ્યાં હોય એમ , સૂત્ર : પ્રાણ જાયે પણ વટ ના જાય. એ મુઝબ વટ જાય તો (ભલે પછી તમે ખોટા કેમ ના હોવો) એ માણસ નહિ.
માણસ હવે ડર લાગતો હતો કે આ ચર્ચામાં હવે આપણે જો હારી જાશું તો આપણો તો વટ નહિ રહે, એટલે એને થોડું આમાં રાજકારણ ભેળ્યું અને કેહવા લાગ્યો, “ જો વરસાદ..તને જો તુંજ સાચો છો એવું અભિમાન હોય તો મારે તારી જોડે જીભાજોડી નથી કરવી અને તને સત્ય જાણવું જ હોય કે કોણ સાચ્ચું છે તો ચાલ કોર્ટમાં જઈ એ નહિ તો નક્કી થઇ જ નઈ શકે( માણસને એમ કે કોર્ટ માં લઇ જાશું તો આમેય કઈ નિરાકરણ તો નઈ આવે અને ચુકાદો તો આવતા ભવ નીકળી જાશે એટલે આપણે ત્યાં સુધી આપણે જ સાચા છીએ એમ વટ થી કહિશું).
“થોડીવાર પણ કોર્ટમાં હું ના આવી શકું અને ત્યાં તો જજ પણ માણસ જ હોય ત્યાં ન્યાય પારદર્શક થાય એમ હું કેમ માની શકું? મને મારા સાચા હોવા પર વિશ્વાસ છે તને ના હોય તો એક કામ કરીએ આપણે અદાલતમાં જઈએ પણ ભગવાન ઇન્દ્રની આ માણસોની નહી, અને આમેય ભગવાન ભેદભાવ નહિ કરે અને નિષ્પક્ષ ફેસલો આપસે”. વરસાદે કહ્યું.
માણસ ફરી મુંઝાયો કે આતો એને ફસાવા જતા આપણે ફસાયા પણ પ્રાણ જાય પણ વટ ના જાય પ્રમાણે પીછે હટ તો ના કરી શકાય. એટલે ના છૂટકે “હા” કહી.
વરસાદ તો લઇ ગયો માણસને ઇન્દ્રનાં દરબારમાં. ઇન્દ્રના દરબાર માં પહોચતાવેંત જ માણસ તો ત્યાનો માહોલ જોઇને જ આભો થઇ ગયો. શણગાર, આભુષણો, દરબારની વિશાળતા આ બધું માણસ વિસ્મયરીતે જોઈ રહ્યો હતો. ત્યાં જ ઇન્દ્રનું આગમન થયું, એમના ચહેરાનું તેજ એમના ચાલવાનો રુહાબ અને આંખોની તેજસ્વીતા એમના ભગવાન હોવાનો જાણે પુરાવો આપતી હોય એવું લાગતું હતું. એમની પાછળ અપ્સરાઓ પણ ત્યાં આવી અને માણસની નજર તો જાણે ત્યાંજ સ્થિર થઇ ગઈ હોય એમ આજુ બાજુનું બધું જ દ્રશ્ય વિસરાઈ ગયું. ઇન્દ્રએ બે થી ત્રણ વાર માણસને બોલાવ્યો પણ અપ્સરામગ્ન માણસને એ સંભળાયું નહિ. એટલે વરસાદે એમના પર થોડો પાણીનો છંટકાવ કર્યો અને જાણે કોઈ મધુર સ્વપ્નમાંથી જાગ્યો હોય એવું લાગ્યું.
ઇન્દ્રએ બધી વાત ધ્યાનથી સાંભળી અને બન્ને સામે જોતાં કહ્યું,” તમારા કેસમાં એકને ન્યાય આપશું તો બીજાને અન્યાય થાય એવી પરિસ્થિતિ છે અને આ સંજોગોમાં મારે વરુણ દેવ સાથે થોડી વાતચીત કરવી જોઇશે એટલે આ કેસની શુનાવણી આવતીકાલે કરશું .
બીજા દિવસે તો આવા અનોખાં કેસને જોવા દેવો તેમજ ભુદેવોના ટોળા ઉમટ્યાં હતાં ઇન્દ્રના દરબારમાં. બધાની નજરમાં એક જ વાતની રમઝટ હતી કે કોણ જીતશે આ રૈન વર્સેસ મેનના કેસમાં..? દેવો પણ મૂંઝાયેલા લાગતા હતા ત્યાં વરુણ દેવ આવ્યાં અને કેસની શુનાવણી આપતાં કહ્યું કે,” આ કેસમાં..” આટલું બોલતાં જ સન્નાટો છવાઈ ગયો ઇન્દ્ર દરબારમાં અને માણસ જે આ કેસમાં હતો એનાં મનમાં તો ફરીથી એનાં સૂત્રની જ યાદ આવતી હતી ‘કે જો આપણે હાર્યા તો ગામ આખામાં અને માણસજાત આખામાં મારો તો વટ જ નહિ રહે’ એટલે એમને વરુણ દેવની વાત અધ્ધવચ્ચે થી જ કાપી અને બોલ્યો,” વરુણ દેવ વચ્ચે થી અટકાવા બદલ માફી માગું છું પરંતુ મને તમારી પાસે નિષ્પક્ષ ન્યાયની આશા છે જો એ નહિ મળે તો ભગવાન પરથી માણસનો વિશ્વાસ જ નહિ રહે એટલે હે.. ભગવાન આ વાતને ધ્યાનમાં રાખીને ચુકાદો આપવાં વિનંતી અને માણસજાત ને એમની હાર તો જરાય ગમતી નથી એ તો તમે જાણો છો .” આમ રાજકારણયુક્તી થી પોતાનો પક્ષ રાખીને માણસ તો હરખાવા લાગ્યો.
“તમે પહેલા ચુકાદો સાંભળી લ્યો આમ અધીરા ના થાઓ” વરુણદેવે કહ્યું
વરસાદ થોડો વિચારમાં પડી ગયો એને પણ થયું કે ચાલને હું પણ થોડું રાજકારણ કરી લઉં પણ એ ક્યાં માણસ હતો કે એને રાજકારણ આવડે બિચારો વરસાદ મુંગા મોઢે બધું સાંભળતો રહ્યો. એની મનની ગડમથલ જોઈ ઇન્દ્ર એ પૂછ્યું, “ વરસાદ અને માણસ તમને કઇ પણ તમારા પક્ષમાં બોલવું હોય તો અત્યારે બોલો”
બન્ને સામે જોયું અને કઈપણ જવાબ ના આપ્યો એટલે કાર્યવાહી આગળ વધારવાનો ઇન્દ્રએ હુકમ કર્યો.
વરુણ દેવ ૨ સેકંડ માટે આંખો બંધ કરી અને ખોલી ને બોલ્યા,” માણસ અને પ્રકૃતિ વચ્ચેનો આ પહેલો કેસ છે અને હું ઈચ્છું છું કે આ છેલ્લો કેસ બની રહે અને બન્ને વચ્ચે આત્મીયતા જળવાય એ સમસ્ત બ્રહ્માંડ માટે હિતાવહ રહેશે. બન્ને પક્ષો એ એમની જવાબદારી સમજવી જોઈએ અને એ મુજબ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી એમની ફરજ નિભાવવી જોઈએ. પરંતુ આજે બન્ને પક્ષો તેમની ફરજને ફરસ પર મૂકી મનને અનુરૂપ કાર્ય કર્યું છે જે નિંદાને પાત્ર છે. જો આમ જ બની રહેશે તો પ્રકૃતિ અને માણસ વચ્ચેનો સબંધ પણ નેવે મુકાઇ જશે જેનું પરિણામ સર્વેનાશ જ હશે. અહી ભૂલ બન્ને પક્ષોની છે અને દોષિત પણ બન્ને પક્ષકાર હોવાથી બન્ને જો આંતરિક સમજુતી કરવા તૈયાર હોય તો આ ઇન્દ્ર દરબાર એમને મધ્યસ્થી કરશે.” અને વરુણ દેવ બન્ને સામું જોયું.
બન્ને પક્ષકારોએ સહમતી દર્શાવી આંતરિક સમજુતી માટે.
વરુણ દેવ એ આ મધ્યસ્થી માટે ઇન્દ્રદેવ ને વિનંતી કરી અને ઈન્દ્રદેવ એમની ગાદી પરથી ઉભા થઇ બોલ્યાં,” વરુણ દેવ ની વાત સત પ્રતિશત સાચી છે ભૂલ બન્ને પક્ષકારની છે. અને આંતરિક સહમતી માટે બન્ને પક્ષ રાજી છે માટે આ સ્ટેમ્પ પેપર પર લખાણ લખ્યું છે એ હું વાંચી સંભળાવું છું તમે સહમત થાઓ બધા જ મુદ્દાઓ પર પછી તમારા હસ્તક્ષાર કરવામાં આવશે.
મુદ્દો ૧ : માણસ આજથી જ વૃક્ષો વાવશે અને એનું જતન પણ કરશે.
૨: માણસ જો વૃક્ષો કાપશે એમની જરૂરીયાત માટે તો સામે એટલાજ વૃક્ષો વાવવા ફરજીયાત.
૩: વરસાદ તરફથી મળતા પાણીનો સંગ્રહ કરવો જેથી પાણીની અછતના સર્જાય.
૪: વરસાદને વગર મૌસમે વરસવું નહિ.
૫: વર્ષારૂતુમાં વરસવામાં આળસ કરવી નહિ.
૬: વરસાદે ક્યાંક મુસળધાર અને ક્યાંક છાંટોય નહિ એવો ભેદભાવ નહિ કરવો.
આ બધા જ મુદ્દાઓ પર સહમતી હોય તો હસ્તક્ષાર કરો ” ઇન્દ્ર ભગવાને કહ્યું.
વરસાદ અને માણસ તો મૂંઝાયા કે આટલી બધી શિષ્ટતા તો શક્ય જ નથી પાળવી છતાંય બન્ને સંપૂર્ણ ખોટા નહોતા ઠર્યા આ કેસમાં એની ખુશીમાં બન્ને એ હસ્તાક્ષાર કર્યા. અને ત્યાં ઇન્દ્ર દરબારમાં હાજર રહેલ સર્વે દેવ અને ભૂદેવો એ આ ચુકાદાને સહહર્ષ વધાવ્યો.
ઇન્દ્ર દેવે તો આ કેસની પુર્ણાહુતી પ્રસંગે અપ્સરાઓ ને નાચવા માટે આદેશ કર્યો..
અપ્સરાઓ તો બધા જ હાજર આમત્રિત તેમજ બિનઆમંત્રિત મહેમાનો ને મંત્ર મુગ્ધ કરી નાખ્યા હતાં ત્યાંજ માણસને કંઇક અવાજો સાંભળવા લાગ્યાં. અચાનક બધું એની નજર સામેથી બધું ગાયબ થતું લાગ્યું અપ્સરાઓ, દેવો, એમના અવાજો બધું જાણે એકાએક દુર થવા લાગ્યાં.
અને ત્યાંજ એક જોર થી ઝટકો લાગ્યો અને માણસ નિદ્રા માથી જાગી ગયો, સામે એની પત્ની ચા નો કપ હાથ માં લઇ ચંડીની જેમ કોપાયમાન થઈને ઉભી હતી. “તે આજ વળી કઈ અપ્સરાના સ્વપ્નમાં ખોવાયા હતાં તે આમ જાગવામાં તકલીફ પડી રહી છે, ક્યારનીય બૂમાબૂમ કરું છું સંભળાતું નથી તમને હે....?”
“હા..પણ સવારના પહોરમાં બરાડા કેમ પાડે છે”
“તે પાડું જ ને.. ક્યારનોય મિલ માંથી ફોન પર ફોન આવ્યાં કરે છે શેઠને પુચ્છો લાકડાં જંગલમાંથી કાપી લાવ્યા એ ક્યાં રાખવાનાં છે ? કામ તમારા અને માથું તો અમારું ખાવાનું અને શેઠ તો અહી નવી નવી અપ્સરાઓના સ્વપ્નો ને છોડે તો ને” પત્ની નોન સ્ટોપ બોલ્યે જ જાતી હતી વગર અલ્પવિરામ કે પૂર્ણવિરામ મુક્યા વગર અને આ બાજુ એ માણસ એમને આવેલા સ્વપ્ન અને એમાં સ્ટેમ્પ પેપર ઉપર ૬ મુદ્દા પર કરેલાં હ્સ્તક્ષાર યાદ કરતો હતો ત્યાંજ મિલ પરથી ફરી ફોન આવ્યો અને એમને ઉપાડીને કહ્યું “ એ લાકડાઓ આપણા મિલના અંદર જ મુકો અને વ્યવસ્થિત રાખજો કેમકે હજી બીજા જંગલમાં આજે કાપવા જવાનું છે એમની પરમીશન પણ મળી ગઈ છે.”
ફરી થી એજ ક્રમ થી શરૂઆત અને એજ અંત.....અનંત..
સ્વપ્ન સ્વપ્ન જ રહ્યું...