Varsadi Medap in Gujarati Love Stories by pratik books and stories PDF | વરસાદી મેળાપ

The Author
Featured Books
Categories
Share

વરસાદી મેળાપ

Modh Pratik

modhpratik1@gmail.com

વરસાદી મેળાપ

‘નિતિશની પ્રિયતમાનો જીંદગીનો સાથ છોડ્યા પછીનો નિતિશનો જીંદગી સાથેનો લડવાનો પ્રસંગ..’

વાતાવરણ અશાંત બની રહ્યું હતુ.બજારનો કોલાહલ શાંત થઇ રહ્યો હતો ને બસ ધોધમાર વરસાદ આવવાની શરૂઆત હોય એમ આકાશમાં બહું ઘનઘોર વાદળો દોડી આવ્યા હતા.હમણાં જ વરસાદ તૂટી પડશે એવા ભાવ સાથે બધુંય લોક ઘર બાજુ ભાગી રહ્યું હતું.તારા ટમટમતા હોય એમ પવન સાથે ઝોલાતા કદાચ સીઝનના પહેલાં વરસાદનાં એ બારીક સા જળબુંદ સૂકી જમીન પર પડતાવેંત પોતાનું અસ્તિત્વ ગુમાવતા હતા.

બસ આજ એક શરૂઆત માત્ર હતી પોતાની જાતને એ વરસાદની શરૂઆતી બુંદમાં શોધવાની.શરૂઆત ફક્ત હતી પણ એનો અંત કદાચ બહું મોટા વહેણનાં સ્વરૂપે આસપાસની દુનિયાને ઘમરોળી નાંખશે એની ખબર નીતિશના અંતર્નાદને પણ નહોતી.

નિતિશ ઓફીસેથી નીકળી ગયો ને આ વાતાવરણ પણ ઘેરાઈ ગયુ હતું.બહું ઉતાવળે બાઇક ચલાવવા માંડ્યું છતાંય આજનો વરસાદ એમ અમસ્તો જ પલાળ્યા વિના છોડે એમ લાગતું નહોતું.બુંદો પડવા લાગી ને નિતિશનાં બાઇકની સ્પીડ વરસાદની વધતી સ્પીડ સાથે ઘટવા લાગી.કપડાં પલળવા લાગ્યા ને નિતિશ ઘેરાતો ગયો.કોઇ બીજાથી નહી પણ પોતાની જાતથી...!

છેલ્લા ત્રણ વર્ષથી બચતો હતો આ વરસાદી બુંદોથી.દુર ભાગતો જતો હતો આ જીવનની ધમાલથી ને બસ ખાલીપાનો બંગલો બનાવી લીધો હતો.આ બંગલાનો કડીયો પણ કોઇ આભાસ હતો ને માલીક પણ આભાસ.છતાંય એ બંગલાના પ્લોટનો માલીક હતો નિતિશ.ખાલીપાનું રણ એટલું સપાટ હતું કે છેક દુર દુર સુધી એનો ક્ષિતિજ સાથેનો મેળાપ નજરે ના પડતો.

આજે કેમ પલળી ગયો હું ? નિતિશ મનોમન વિચારતો હતો.આ વિચારમાં જ ખુદ નિતિશને પણ ભાન ના રહ્યું કે તે આ વરસાદમાં નાચી રહ્યો છે.નાચવા માટે કોઇ સાથ આપી રહ્યું હતું.હવે અંદરથી ઉભરો આવી રહ્યો હતો.મન ભરી લે નિતિશ.મને જ તો જકડી લે હવે.હું તારા મેળાપને ત્રણ વર્ષથી ઝંખતી હતી ને તે મને તારી બાહોમાંય ના લીધી.નિતિશનાં અંદર અવાજો ઉભરાવા લાગ્યા.

નિતિશને સાથ મળ્યો એની કોરીધાકોર લાગણીઓનો.એ તો જાણે કૂણી નવી ફૂટેલી કુંપળ બની ગઇ.આજે નિતિશ રોડ વચ્ચે નાચી રહ્યો હતો.આજુબાજુ બીજાં બાળકોને કોઇ મોટા માણસનો સાથ મળી ગયો હતો એટલે એય જોરમાં હતા.રોજ પોતાની બાલીશ હરકતો માટે લોકો શું વિચારશે એવા નિતિશને આજે આજુબાજુનું લોક પણ જોવા ભેગું થઇ ગયું ને બીજા કેટલાય લોકો જોડાઇ ગયાં.આજે બધા લોકોમાં મસ્તી હતી ને નિતિશ પણ ખુશ હતો.તેને તો કોઇનો વર્ષો પછી સાથ મળ્યો હતો..!

વરસાદ બહું ધોધમાર બનતો ગયો ને હવે રોડ પરનું વહેતું પાણી વહોળા જેવું થઇ ગયું.નિતિશ સાથે પલળનારા ઓછા થવા લાગ્યા ને હવે તો બાળકોય ભાગવા લાગ્યા પણ દુનિયાની નજરે તો નિતિશ હજુય બસ અમસ્તો જ નાચી રહ્યો હતો.નિતિશને આજે રિચાનો સાથ મળ્યો હતો.એની સાથે પલળવાનો બહું વર્ષ પછી મોકો મળ્યો હતો.જીંદગીને જીવવા માટેનું જૂનૂનિયત મળ્યું.એનો પરિવાર મળ્યો હતો.

સીઝનના પહેલાં વરસાદમાં રિચા તેને પકડીને અગાસી પર નહાવા લઇ જતી.બંને ખુબ નાચતા.એકબીજાને જાણે આ વરસતા ટીપાઓ સાથે યુગો યુગનો સંગાથ હતો.સથવારો હતો.

જ્યારે મેઘરાજાની સવારી ગાંડી થઇ જતી ને કાટકા ને વીજળી પડતા તો બંને એકબીજાને બાહુપાસમાં જકડી લેતાં.બંનેને એકબીજાને જકડતાવેંત બધુંજ ક્ષણભંગૂર બની જતું.રગોમાં લોહીનો પ્રવાહ અણધારી ગતિથી વહી જતો.વિશ્વાસનાં પ્રણયનો તાગ રચાતો.ઝરમરતા વરસાદની બુંદો એ મિલનની પળોને વધારે ઉષ્મા આપતી.હોઠ પર હોઠ મૂકાતાં ને અદમ્ય ઊર્જાનો ઝબકારો બંને શરીરમાં થઇ જતો.

આજે નિતિશને રિચાના આભાસ માત્રથી આ બધુંજ થઇ રહ્યું હતું.તે વહી જતા પાણીમાં રીચા સાથે જાણે પ્રણય પામી રહ્યો હતો.આજે હ્રદયમાં ખાલીપો નહોતો બસ હતી તો માત્રને માત્ર ખુશીઓ.નિતિશને લાગી રહ્યું હતુ જાણે રિચા લાંબા અંતરાલ પછી ફરી આવી છે...!

નિતિશનાં ગાંડાપણા સામે તો વરસાદ પણ હાર્યો.એય બંધ થઇ ગયો ને છેવટે રોડ પરનું વહેતું પાણી ઓછું થઇ ખાડાઓમાં ભરાવા પૂરતું રહી ગયું.નિતિશનો ભાસ તૂટ્યો અને પેલી અણધારી ખુશીઓનું મોજુ સમી ગયું પણ હવે દિલોદીમાગ પર એકમાત્ર રિચા જ છવાયેલી હતી.હવે કદાચ નિતિશને ખુદની જાત પર ભાન નહોતું.બાઇક ત્યાં જ પડી

રહ્યું ને બેગ પણ.

નિતિશ હવે કદાચ રિચામય બની ગયો હતો.તેને ના તો દુનિયા સાથે નાતો રહ્યો ના એ રિતિરિવાજનાં જીવન સાથે.બસ એ અણધારી રખડપટ્ટીની સિઝનનાં પહેલાં વરસાદ સાથે શરૂઆત થઇ ગઇ.એ સાંજનો ઓફીસનો શુટ-ટાઇ સાથેનો યુનિફોર્મ બદન પર લાગેલો જ હતો.તેને વરસાદમાં રિચા દેખાતી.તેના માટે પ્રેમ ઊભરાઈ આવતો.હરેક ઝાપટાં સાથે તે નાચતો.હરેક આભાસી આલિંગનમાં તે પ્રણયમાં રાચતો.

દિવસભર ભટકવામાં કોઇનો એંઠો વડાપાવ કે નકરો એંઠવાડ મળી જતો.સમય સાથે શહેરને એક નવો ગાંડો મળ્યો હતો.ક્યાંક લોકોનો ધૂત્કાર હતો ને ક્યાંક હમદર્દી.કોર્પોરેટ કલ્ચરનો આદમી ડર્ટી કલ્ચરમાં આવી ગયો હતો.

છેવટે વરસાદ પત્યો ને રિચાનો આભાસ મિથ્યા થતો ગયો.એ જૂનૂન ચાલી ગયું સ્મૃતિપટ સપાટ બની ગયું.અસ્તિત્વ સામે ખુદ અસ્તિત્વ ભૂંસાયુ.બધું હારવા લાગ્યું ને શિયાળાની વહેલી સવારે બસ-સ્ટેશનનાં વળાંકમાં એક બસે નિતિશને સંપૂર્ણ રિચામય બનાવી દીધો.બસ ડ્રાઇવર ડરીને ભાગી ગયો હતો પણ તેણે અજાણતા કરેલું કામ નિતિશને રિચામય બનાવવા માટેનું એક પૂણ્ય જ તો હતું....!