Vrutti in Gujarati Motivational Stories by Lata Hirani books and stories PDF | વૃત્તિ

Featured Books
Categories
Share

વૃત્તિ

પ્રભાતનો સમય છે. આકાશમાં પક્ષીઓ અને વાદળો વિહરી રહ્યાં છે. માનવીના ચિત્તના આકાશમાં વૃત્તિઓ પણ આમ જ વિહરતી હોય છે. અલબત્ત એ દેખાતી નથી. ઢંકાયેલી રહે છે, છુપાયેલી રહે છે. વર્તનમાં એનું પ્રતિબિંબ દેખાય, આચારમાં એની ઓળખ પ્રગટે. વર્તનનું મૂળ એ વૃત્તિ. વર્તનનું કારણ એ વૃત્તિ. મનને વાયુની જેમ ડોલાવતી, મદારીની જેમ રમાડતી વૃત્તિઓ મનને વશમાં કરે એટલે એ પ્રમાણે વર્તનને પણ દોરે, નિયંત્રિત કરે.

માનવીને ઇશ્વરના સાન્નિધ્યે લઇ જતી કે પતનના પાતાળે પહોંચાડતી વૃત્તિ વિશે વાત કરીએ છીએ ત્યારે આ શબ્દને ય થોડો તપાસી લઇએ. વૃત્તિ શબ્દ બોલીએ એટલે મનમાં ગુંજે સદવૃત્તિ. આમ તો વૃત્તિઓ બંને પ્રકારની છે. સદવૃત્તિ અને દુર્વૃત્તિ. કેટકેટલી વૃત્તિઓ !! ત્યાગવૃત્તિ, સેવાવૃત્તિ, પરોપકારવૃત્તિ, સમાધાનવૃત્તિ, વેરવૃત્તિ, દ્વેષવૃત્તિ, લડાયકવૃત્તિ, હિંસકવૃત્તિ... દરેક ભાવ અને કુભાવ એ વૃત્તિઓ જ છે.

ભગવદગીતામાં ત્રણ પ્રકારની ચિત્તવૃત્તિઓ વર્ણવી છે. સાત્વિક, રાજસી અને તામસી. દરેક મનુષ્યમાં વત્તેઓછે અંશે આ ત્રણે વૃત્તિઓનું સંમિશ્રણ જોવા મળે છે. જે વૃત્તિનો પ્રભાવ વધારે હોય એ પ્રમાણે એનો સ્વભાવ ઘડાય. એ વૃત્તિ જ એના આચરણનો પાયો બની જાય. સાત્વિક વૃત્તિ ધરાવનાર સમતાવાળો અને ઉચ્ચ્ગુણોથી વિભુષિત હોય છે. રાજસી વૃત્તિ ધરાવનાર માનવી મધ્યમ અને ભૌતિકતામાં રાચનારો હોય છે. તામસીવૃત્તિ ધરાવનાર કનિષ્ઠ જીવન વિતાવે છે.

માણસમાત્ર વૃત્તિઓથી ઘેરાયેલો રહે છે. એક સ્થાયી ભાવ, એક સ્થાયી વૃત્તિ જે એનો સ્વભાવ બને છે. એ ઉપરાંત બીજી કેટલીયે વૃત્તિઓ સમય, સ્થળ, સંજોગ અને જરુરિયાત પ્રમાણે બદલાતી રહે છે. એ ફેરફાર બાહ્ય હોય છે. ક્યાંક માનવી નમ્ર રહે કે ક્યાંક કડક. ક્યાંક એ શુષ્ક રહે ને ક્યાંક કોમળ. ક્યાંક સ્નેહ અને ક્યાંક આક્રોશ પણ એનો મોટાભાગનો વ્યવહાર એની મૂળ વૃત્તિ પ્રમાણેનો રહેવાનો.

સમાજમાં ડગલે ને પગલે અથડાયા કરતી વૃત્તિ તે દુર્વૃત્તિ. સ્નેહ અને સખ્યને બદલે વેર અને ઝેર પેદા કરતી તે દુર્વૃત્તિ. એ ઘણીવાર સારપનો અંચળો ઓઢીને રહે છે. સામેની વ્યક્તિને છેતરવા માટે પણ એ હંમેશા ઢંકાઇને નથી રહી શકતી. સંતાયેલી દુર્વૃત્તિ કંઇક ને છેતરે છે ને જ્યારે એ ઉઘાડી પડે છે ત્યારે આ દુનિયા જીવવા જેવી નથી રહેતી. પણ દુર્વૃત્તિના ચિત્રો દોરીને શું કરવું ? માનવીને પહોંચવાનું એ લક્ષ્ય નથી. ઇશ્વરે આપેલી સુંદર જિંદગી પર કાળા ધબ્બા લગાવનાર દુર્વૃત્તિ જ છે. જેના તરફ જાગૃત થવાનું છે, જે દિશા તરફ ડગલાં ભરવાના છે એ છે સદવૃત્તિ. એને સહજ વૃત્તિ તરીકે ઓળખશું તો એ વધારે ઉઘડશે.

માણસે શીખવાની બાબત છે સહજવૃત્તિ. આમ જુઓ તો ઇશ્વરે માનવીને બાળક સ્વરુપે સહજવૃત્તિથી ભરપૂર બનાવીને જ આ પૃથ્વી પર મોકલે છે. બાળકનું ઉંઘવું, જાગવું, ખાવું, પીવું, રડવું, હસવું બધું જ સહજવૃત્તિને આધીન. ક્યાંય કશો આયાસ નહીં કે પ્રયાસ નહીં. કોઇ ઢાંકપિછોડો નહીં કે દંભ નહીં. આ સહજવૃત્તિથી બાળકમાં અને એની આસપાસમાં જે નિર્મળતા પ્રગટે છે, સંવાદિતા પ્રગટે છે ; સૃષ્ટિનું અને જીવનનું સૌંદર્ય ત્યાં જ પૂરબહારમાં નિખરે છે. બધી જ દુન્યવી વૃત્તિઓ સુકા પાંદડાની જેમ ખરી પડે... પછી સહજ ભાવ આવે..

જન્મ પછી જ્યારે આપણામાં સાચી સમજણ પ્રગટે ત્યારે આપણી યાત્રા સહજવૃત્તિ તરફ આરંભાય. ઇશ્વરની વૃત્તિ સહજ છે. કશાય આયાસ વગર કે જરાય વિચલિત થયા વગર સમગ્ર બ્રહ્માંડનું સંચાલન સહજતાથી કર્યે જાય છે. પ્રકૃતિને નીરખો. કેટલી હળવાશથી અને નરમાશથી એની વૃત્તિ પ્રગટ્યા કરે છે !! કેટલી સહજતાથી નમણાશ ધરીને પ્રભાત અને સંધ્યાના રંગો ખીલે છે !! ખરો મધ્યાન્હ આકરો ભલે લાગે સૂર્યનું એ સહજ સ્વરુપ છે. ધીમા પગલે એ પૃથ્વીને આલિંગવા ચાલ્યો જ આવે છે. ખીલતી ગુલાબી ચામડી પર કેટલી સહજતાથી સમય અનુભવના સળ પાડી જાય છે એની આપણને ખબર પણ ક્યાં પડે છે !!

પ્રકૃતિના તમામ તત્વો સહજ સંવાદિતાનું અનુપમ ઉદાહરણ છે. આકાશની વૃત્તિ છે વિશાળતા તો પૃથ્વી સ્થિરતાનું ભાથું બંધાવે છે. જળ સહજ રીતે વહ્યા કરે છે તો વાયુની વૃત્તિ ચૈતન્ય અને ગતિ છે. અગ્નિનું સત્ય એક જ છે, ઉર્જા. ક્યાંય કશાયનો વિરોધ નથી. બધું જ સહજતાથી અને સરળતાથી નિરંતર ચાલ્યા જ કરે છે. પ્રકૃતિના રૌદ્ર રુપો પણ જો ઉત્પતિ અને લયના સિધ્ધાંતને સમજીએ તો એ ય સહજભાવનું પ્રાગટ્ય છે. વર્ષાઋતુમાં વાદળ સહજતાથી વરસે છે ને ધરતીની વૃત્તિ સદાય ભીંજાવાની જ હોય છે. તૃણ અને મૂળને ઉગવા, ખીલવા ને ઉપર જવા સિવાય બીજો કોઇ ધર્મ નથી.

આપણો ધર્મ સતત વૃત્તિથી અનાસક્ત રહેવાનું શીખવે છે. જીવનમાં ‘ત્યાગીને ભોગવી જાણો’નો સંદેશ ઇશાવાસ્ય ઉપનિષદ આપે છે. ભોગવવાની ના નથી પણ મોહવૃત્તિ, રાગવૃત્તિ ત્યજીને. પ્રાણીઓમાં પણ વૃત્તિ જોવા મળે છે. પરંતુ પશુ અને માનવીમાં ભેદ જ આ છે. ત્યાગીને ભોગવવાની વાત પશુમાં સંભવિત નથી. ત્યાગવૃત્તિ માનવીમાં જ હોઇ શકે. પરમાર્થવૃત્તિ માનવી જ કેળવી શકે. ભોગવૃત્તિ પરસ સંયમ માનવી જ બતાવી શકે. અને આનાથીયે ઉંચી વૃત્તિ અત્યંત વિરલ છે. એ છે બીજાના કલ્યાણ માટે ખપી જવાની વૃત્તિ. કોઇના સુખ માટે પોતાના સુખ કે પોતાનું સમસ્ત બલિદાન આપવાની વૃત્તિ.

સહજવૃત્તિ માનવીને વિષાદમાંથી સંવાદ તરફ લઇ જાય છે. વૃક્ષ પર પાંદડું કેટલી સહજતાથી ઝુલ્યા કરે છે !! હવાની લહરીનીયે એ પ્રતિક્ષા નથી કરતું. લ્હેરખી આવે તો એ ઝુલી લે નહીંતર પોતાના સ્થાને જાણે સ્થિતપ્રજ્ઞ યોગી. એને માટે સુખ કે દુખના કોઇ વર્ગીકરણ નથી. એનું કોઇ નથી દોસ્ત, નથી દુશ્મન !!

સહજવૃત્તિની આવૃત્તિઓ મળ્યા કરે છે યોગીઓમાં, સંતોમાં !! એમનામાં રહેલા ચૈતન્યનો ક્ષણભરનો સ્પર્શ માનવીને જાગૃત કરી દેવા સમર્થ હોય છે. જેનાથી સમસ્ત જગત પ્રસન્ન, પવિત્ર અને પુલકિત થાય, ચારે તરફ સંવાદના મધુર સ્વર રેલે એવી ત્યાગવૃત્તિ અને કલ્યાણવૃત્તિનો આપ સૌને સંગ થાય એવી આ મધુર પ્રભાતે ઇશ્વરને પ્રાર્થના.

જીવનમાં પ્રવેશેલી તમામ દુન્યવી વૃત્તિઓને ભુંસવા કટિબધ્ધ થવું, ફરીથી મૂળ સ્વરુપ તરફ વળવું એટલે કે ઇશ્વર સુધી પહોંચવાની યાત્રાનો આરંભ અને એ જ સહજવૃત્તિ.