Sachvelu sonu in Gujarati Spiritual Stories by Vijay Trambadia books and stories PDF | સાચવેલું સોનુ

Featured Books
Categories
Share

સાચવેલું સોનુ

સાચવેલું સોનું

આંસુ આ પૃથ્વી પર સાંભળી શકે એવી મનુષ્યની પરમાત્માને સૌથી સુંદરતમ પ્રાર્થના છે, હૃદયની કવિતા છે. જે રીતે વિચાર મનની ભાષા છે, એ રીતે આંસુ તો ઊંડા હૃદયમાંથી આવતી લાગણીની ભાષા છે. આંસુ શા માટે આવ્યાં એનું વિશ્લેષણ અર્થહીન છે. એનું મૂલ્ય બીજી કોઈ વ્યક્તિ સમજી ન શકે. હૃદયમાં જ્યારે લાગણીઓનું ઘોડાપૂર ઊમટે ત્યારે આંખોમાંથી આંસુઓ છલકાવા લાગે છે. વ્યક્તિનાં હૃદય જેટલાં સાફ, એટલાં આંસુ વધારે વહેવા લાગે. એટલે જ તો સ્ત્રીઓને, જલદીથી આંસુ આવી જાય છે.

જ્યારે પાષાણ હૃદયનાં લોકોની આંખો પથ્થરની જેમ શુષ્ક હોય છે. આંસુ અને આનંદ બન્ને ભીતરથી આપણી ચેતનામાં એકબીજા સાથે ગૂંથાયેલા છે, જેને અભિવ્યક્ત થવામાં સરખી ઊર્જા વપરાય છે. આંસુ આવે ત્યારે કોઈ દોષની લાગણી અનુભવવાની જરૂર નથી. જ્યારે આપણી પ્રાર્થનામાં આંસુનાં ગંગાજળની પવિત્રતાની ખુશ્બૂ આવશે ત્યારે ઈશ્વર તરફનો ખરો માર્ગ પકડાશે. આંસુ તો પરમાત્માનાં ચરણોમાં સમર્પિત કરેલાં ફૂલો છે.

– સં. પરેશ અંતાણી (ઓશો-રજનીશની દષ્ટિએ)

મારે મહાત્મા નથી થવું

હું મહાન મનુષ્યત્વ ચાહું છું. દુનિયાને મહાત્માઓની કશીયે જરૂર નથી. મહાન માનવીની જરૂર છે. એટલે મહાત્મા બનવાની કોઇ ઇચ્છા કે આકાંક્ષા મારા મનમાં નથી. હું ઈચ્છું છું કે મહાત્માના દિવસો હવે પૂરા થઇ જવા જોઈએ

રોગને વધારવાનો સૌથી સહેલો ઉપાય છે જીવન વિશે સર્વાંગી જ્ઞાન ઉત્પન્ન થવા જ ન દેવું. જીવનનાં સૌથી વધારે કેન્દ્રો વિશે માણસ જાણી જ ન શકે તેમ કરવું. કારણ કે એ કેન્દ્રો વિશે જ્ઞાન થવાથી અનીતિ તત્કાળ ચાલી જાય છે. એ વિશે કંઇ ન જાણવાથી જ અત્યાચાર ને ભ્રષ્ટાચાર ફેલાય છે.

કામ મનુષ્યની અનીતિનું સર્વાધિક મૂળભૂત કેન્દ્ર છે. એ જ મનુષ્યના વ્યભિચારનું, મનુષ્યની વિકતિનું સૌથી મૌલિક, સૌથી વધારે આધારભૂત કેન્દ્ર છે. એટલે જ ધર્મગુરુઓ એ વિશે જરા પણ વાત કરવા નથી માગતા.

એક મિત્રે સૂચના આપી છે કે, કોઇ સંત મહાત્મા સેકસની વાત કરતા નથી. તમે એની વાતો કરી એથી અમારા મનમાં તમારા પ્રત્યેનો આદર ઘટી ગયો છે. એમને હું કહું છું કે એમાં કોઇ ભૂલ નથી થઇ. પહેલાં જો આદર હતો તો ત્યાં જ ભૂલ છે. આમાં શી ભૂલ છે? મારા પ્રત્યે આદર હોવાની શી જરૂર છે? મને આદર આપવાનું પ્રયોજન શું છે? મને આદર આપો એવી માગણી મેં કયાં કરી હતી?

તમે આપતા હતા તે તમારી ભૂલ હતી. હવે નહીં આપો તો તો તમારી કૃપા. હું મહાત્મા નથી, મારે થવુંય નથી. મને જો મહાત્મા થવાની વાસના હોત તો મેં પણ આવી વાતો કરી ન હોત. આટલીય ચાલાકી ન હોય તો મહાત્મા થવાય શી રીતે? પણ હું મહાત્મા હતો નહીં, હું મહાત્મા છું નહીં. મારે મહાત્મા નથી થવું. એ પણ અતિ સૂક્ષ્મ અહંકારની આકાંક્ષા છે.

જયાં આટલા મોટા જગતમાં આટલા દીનદલિત માણસો છે, જયાં આટલા હીન આત્માઓ વસે છે ત્યાં એક માનવી મહાત્મા બનવા ઇચ્છે એનાથી વધુ નિકષ્ટ પ્રવૃત્તિ અને સ્વાર્થથી સભર માનવી બીજો કયો હોઇ શકે? આવા જગતમાં મહાત્મા થવાની કલ્પના અને વિચાર પણ પાપ છે. હું મહાન મનુષ્યત્વ ચાહું છું અને મહાન મનુષ્યોને હું ચાહું છું.

મહાત્મા બનવાની કોઇ ઇચ્છા કે આકાંક્ષા મારા મનમાં નથી. મહાત્માના દિવસો હવે પૂરા થઇ જવા જોઇએ. મહાત્માઓની કશીયે જરૂર નથી. મહાન માનવીની જરૂર છે. મહાન મનુષ્યત્વની જરૂર છે. મહાન માણસો ઘણા થઇ ચૂકયા. આનાથી શો ફાયદો થયો? હવે મોટા માનવીની જરૂર નથી રહી. જરૂર છે મોટી માણસાઇની.

મને બહુ સારું લાગ્યું. કમસે કમ એક માનવીનો ભ્રમ તો તૂટયો, એક માણસને તો ભાન થયું કે આ માણસ મહાત્મા નથી, એક માણસનો ભ્રમ તૂટયો એ મોટી વાત છે, કદાચ એ એમ વિચારતા હશે, આવી રીતે કહીને મને પ્રલોભન આપવા માગતા હશે કે જો હું આવી વાતો ન કરું તો મને મહાત્મા મહર્ષિ બનાવી શકાય.

આજ સુધી મહાત્માઓ ને મહર્ષિઓને એમ જ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એટલે મહાત્માપદ ન ઝૂંટવાય માટે જ એ લોકોએ, નિર્બળોએ આવી વાતો કરી નથી. પોતાનું મહાત્માપદ ટકાવી રાખવાના એવા પ્રલોભન પાછળ જીવનનું કેટલું અહિત થઇ શકે એનો એમણે વિચાર જ નથી કર્યો.

- ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન :

એક ઓશો સંન્યાસી

ઓશો આપણે ત્યાં અને વિદેશમાં સમાજના પરિવર્તન માટે વાવટો ફેલાવનાર વ્યક્તિ હતા. તેની વિચારસરણી સમાજથી ઉપર ઊઠીને હતી. હંમેશા તે જીવનમાં સફળ, સુખી અને શાંતિ મેળવવા માટે પરંપરા ઓળંગીને આગળ જવાની વાત કરે છે. તેની વિચાર ધારા બધાને વળગીને વિખેરાઈ જવામાં ન હતી તેની વિચારધારા હતી કે તમે જાતે જ કશું પામી શકશો, બસ તેના માટે થોડી સમજ અને થોડી આત્મશ્રદ્ધા જરૂરી છે.

આવી જ કંઈક વાત અને સમાજનો એવો જ કંઈક અનુભવ સો-દોઢસો વર્ષ પહેલા ગુજરાતના એક કવિએ વ્યક્ત કરેલો. સાચી વસ્તુ મેળવવા શું ધ્યાન રાખવું, કેવી સમજ કેળવવી, કેવા રસ્તે જવું તેની વાત કરેલી, ગુજરાતના ફિલોસોફર કવિએ.

અખા ભગત ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં જો ડોકીયું કરીને તેની ઓળખાણ આપવામાં આવે તો તે જ્ઞાન માર્ગી કવિ. વ્યક્તિ તરીકે તે સોની. પોતાના કુટુંબના એક પછી એક મૃત્યુ જોયાં અને પછી તેની ધર્મની બહેને તેના પર કર્યો વિશ્વાસઘાત વાત એવી ઘટી કે તેને તેની બહેનને આપેલું ઘરેણું તે બીજા સોની પાસે ખરાઈ કરાવા ગઈ, આ વાતની જાણ અખાને થતાં તેણે સંસારમાંથી રહી સહી આશા પણ નાશ પામી અને તે તીર્થાટન માટે નિકળી પડ્યા. તેણે સમજામાં જે જોયું, અનુભવ્યું તે તે વાતો તેણે કરી છે. ધર્મ, ધર્મગુરુઓ, જ્ઞાન, તીર્થ આ બધા શ્રદ્ધાના સ્થાન પર તેણે અવળવાણી બોલી છે જે ખરેખર આપણને વિચારતી કરી મુકે છે.

ધર્મમાં રહીને ધર્મથી ઉપર જીવન માટેની તેની અમુક એવી વાતો જે તમને સાચો માર્ગ ચીંધે છે તે માટેની વાતો તેણે કરી છે જે જાણીએ....

વેશતણું રાખે અભિમાન, સામું તેણે થાએ જાન;
સંસારી મળ ધોવા કાજ, સાબુ મેલને દીધે વાજ;
અખા મેલ જો નવ નીકળે, તો મેલું તે કયી પેરે ટળે.

વેશનું જે અભિમાન રાખે છે, તેને તો તેનો વેશ જ તેની સામે થાય છે. સંસારી શરીરનો મેલ ધોવા માટે સાબુ ઘસીઘસીને થાકી જાય છે, તો પણ મેલ ન નીકળે તો તે શું કરે વેશ કાઢીને પોતાના મેલને ઢાંકે છે.

સામાન્ય સમજ એવી છે કે ખોટો આડંબર જીવનમાં સમય રોકે છે, થાક આપે છે, જેટલા સહજ રહેશો તેટલો વધારે ફાયદો થશે.

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

ધર્મને માનનારાઓ તિલક લગાવીને વૃદ્ધ થઈ જાય છે, માળા ફેરવીને મણકા તૂટી જાય છે, તીર્થ ફરીને પગ થાકી જાય, બ્રહ્મજ્ઞાનની વાતો સાંભળી સાંભળીને કાન દુખવા લાગે, તો પણ તેને કશું પ્રાપ્ત થતું નથી.

આપણે અહીં એ જ સમજવાનું છે કે તમારે કોઈ વસ્તુ વિશે જાણવું છે તો પરંપરા પ્રમાણે વળગી ન રહો નહીં તો વૃદ્ધ થઈ જશો પણ કશું નીકળશે નહીં, વર્ષોથી આવી સ્થિતિ ચાલતી આવે છે. માટે તમે મૂળ વસ્તુને પ્રાપ્ત કરવા માટે વારંવાર એકને એક વાત કરવા કરતાં કશું સાચી દિશામાં કામ કરો.

એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.

સાચા ઈશ્વરના વિચાર માટે તેણે આ વાત કરી છે કે પથ્થરના ભગવાનને પૂજવા એ તો મૂર્ખ વાતો છે, ધર્મપરંપરામાં જાણ્યાવગર ડુબેલા માણસો પવિત્ર જળ મળે ત્યાં સ્નાન કરવા મંડે, તુલસીના પાન તોડી નમન કરવા લાગે અખાના મતે તો આ બધો ઉત્પાત છે. તે પણ કહે છે કે ઘણાં પરમેશ્વર તે ક્યાંની વાત, ઈશ્વર એક છે બ્રહ્મ. સબકા સ્વામી એક તેના જેવી વાત કરે છે.

અખો અહીં એટલું જ સમજાવવા માંડે છે કે ધર્મ પણ એક વિજ્ઞાન છે, તેને સમજીને અપનાવો. અને જીવન માટે આ વાત એ રીતે લઈ શકાય કે ઘેંટાની જેમ કામ કે માન્યતા ન રાખો. તમે એક વસ્તુને વળગી રહો તે તમને સફળ બનાવશે.

આંધળો સસરો ને સણગટ વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
કહ્યું કાંઇને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું;
ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

અખાનો આ કટાક્ષ પણ સમાજ તરફી છે, તે કહે છે કે લોકો એ રીતે કથા, ધર્મ, પોતાના કામમાં ચાલી નીકળે છે જેમ અંધ સસરો ઘરમાં હોય અને વહું ઘુમટો કાઢીને ફરતી હોય.

ધર્મમાં પણ એવું જ થયું છે શાસ્ત્રો કહે છે કંઈક અને આપણે સાંભળીએ છે કશું જુદું જ જેમ પાગલ થઈને આંખનું કાજળ ગાલ પર ઘસીને જે સ્થિતિ સર્જાય તેવી સમાજની સ્થિતિ સર્જાય છે. ઊંડા કુવામાં તમે ઉતરો અને પછી તેના સ્તર પડવા લાગે ન તો તમે તેમાંથી બહાર નીકળી શકો ન કોઈની મદદ લઈ શકો.

અખો સમાજને ઘેંટાના પ્રવાહ તરીકે જ જુએ છે, કહે છે તમારે તમારા જ્ઞાનના બધા સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ. વિવેક ભાન એવો શબ્દ આપણા શાસ્ત્રો વાપરે છે, જે સમજના રૂપે આપણે ઉપયોગ કરીએ છીએ તેવી બુદ્ધિ હોવી જોઈએ.

દેહાભિમાન હૂતો પાશેર, વિધા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય

બની બેસેલા ધર્મગુરુઓ પર કટાક્ષ કરતાં અખો કહે છે કે જેને થોડું ઘણું પણ શરીરનું અભિમાન હોય, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તો વેંત એક ઊંચો ચાલે, ચર્ચામાં પોતાના જ્ઞાનની ડંફાસ મારે, એમ અભિમાન વધતું જાય તે તમને ક્યારેય સાચું જ્ઞાન આપી શકતો નથી.

સમજ એ વાતની લેવા જેવી છે કે તમારે કોઈ વાતની માસ્ટરી લેવી હોય તો તેની પાસેથી લો કે જે જ્ઞાનમાં છલોજલ હોય પણ પોતાના જ્ઞાનની વાત ન તો તેના વેશ ઉપર કે ન તો તેની વાણીમાં ઝલકતું હોય છે.

- સંકલન - આનંદ ઠાકર