“તને પ્રેમ કરૂ
કે
નફરત જિંદગી...”
૧
-ઃ લેખક :-
ધવલ પટેલ
E-mail : dhaval94284@gmail.com
Mo. : 9978401003, 932828257
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રય વાચક મિત્રો,
તને પ્રેમ કરૂં કે નફરત જીંદગી ! શબ્દ સ્વરૂપે જીંદગીને આ પુસ્તકના માઘ્યમથી આપી સમક્ષ રજુ કરી રહયો છું. મારું આ પ્રથમ પુસ્તક આપના હાથમાં છે ત્યારે મારે તમને બે શબ્દ કહેવાની આ અમુલ્ય તક ઝડપી લેવી છે.
વ્યકિતના જીવનમાં સુખ અને દુખ સતત આવ્યા જ કરે છે. તેવામાં જીંદગીને નિર્માની થઇને જીવવાની મજા કંઇક અલગ જ હોય છે. આજે સ્વાર્થી બનેલો માનવી કોઇ પણ સંબંધોથી સંતોષી નથી. પશ્વિમી સંસ્કૃતી તરફ આગળ વધતા દેશમાં આજે ભારતીય સંસ્કૃતી અને પરંપરાનો નાશ થઇ રહયો છે, જેને કારણે વ્યકિત જીંદગીના પથ ઉપર વારંવાર દુખ અનુભવી રહયો છે અને સુખ તેની આસપાસ હોવા છતાં તેનો અનુભવ તે કરી શકતો નથી. ત્યારે આ પુસ્તકના માઘ્યમથી જીવનના અનેક સુખ દુખની વાતો આપની સમક્ષ રજુ કરી રહયો છું.
પ્રસ્તાવના
ઊજળા જીવનની હાથપોથી
‘કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ?’ આટલા શબ્દો નજરે ચડે કે કાને પડે તો એ લખનાર કે બોલનાર વિશે તમે કેવી ધારણા બાંધો ? કદાચ એ કોઇ નીવડેલો ફિલસૂફ હશે, એ કથાકાર કે ઉપદેશક પણ હોઇ શકે. કાં તો પછી સમર્થ કવિ કે નાટયકાર. સમાન્ય રીતે આ પૈકીનો કોઇ એક જવાબ સાચો પડી શકે. પરંતુ આ શબ્દો નથી કોઇ સાધુસંત કે નીવડેલા તત્ત્વવેત્તાના કે નથી એના લખનારની કોઇ પ્રસ્થાપિત બાપુ-બ્રાન્ડ ઓળખ. એ તો તરવરિયો તોખાર છે. ઊર્જાથી સભર, હળુ હળુ લાગણીઓની ફૂલછાબ લઇ છુટે હાથે લ્હાણી કરવા નીકળી પડેલો હરફન મૌલા મસ્ત ફકીર. હજી તો એના ઘટમાં ઘોડા થનગને છે અને યૈાવન પાંખો વીઝીં રહયું છે. જિંદગીના વિજયરથનો આ અસવાર હજી કુરુક્ષેત્રના કિનારે ઊભો છે પણ બોલી રહયો છે બ્રહમની ભાષા.
જિંદગીને દાર્શનિકોએ વિધવિધ વ્યાખ્યાઓમાં બાંધવાના ધમપછાડા કર્યા છે છતાં એનો અસલી મર્મ પકડાયો નથી. એ આજપર્યત એક વણઉકેલ્યો કોયડો જ રહી છે. ‘આનંદ’ ફિલ્મનું પેલું યાદગાર ગીત સ્મરણે ચડે છે : જિંદગી - યે કૈસી હૈ પહેલી, કભી યે હસાએ કભી યે રુલાએ...
આ ચિંતનગ્રંથના સર્જક ધવલ પટેલ જિંદગી નામની મોંઘામૂલી જણસને જુદી જુદી રીતે સમજવા અને સમજાવવા પ્રયાસ કરે છે. પોતે જાણે છે કે આ લપસણી જણસને મૂલવવાનું કામ અઘરૂં છે. ભલભલા મહારથીઓ એની ભુલભુલામણીમાં અટવાઇ ગયા છે ત્યાં આપણી તે વળી શી હેસિયત ? છતાં સુખ નામનાં ઝાંઝવાં પાછળ ઝાવાં મારતા પામર મનુષ્યને જો દુખની કિંમત સમજાય તો એનું જીવતર સાર્થક બની રહે, એટલું તારણ તો એ કાઢી જ લે છે. કુન્તીએ કૃષ્ણ પાસે એટલે જ દુખ માંગ્યું હશે. લેખક કહે છે : સુખ તમામ વ્યકિતઓને સંબંધોથી દૂર કરે છે અને દુખ વ્યકિતઓને સંબંધોથી નજીક રાખે છે. સારપની અને સોડમની કદર તો થઇને જ રહે છે. લેખકે માણસને ‘સારા’ બનવાની ગુરુકિલ્લી આપી દીધી છે : સારા બનવા માટે પૈસાની જરૂર નથી હોતી. સારા બનવા માટે મોંઘા વસ્ત્રો કે મોંઘીદાટ મોટરકારોની જરૂર પણ નથી પડતી. સારા બનવા માટે બસ લોકોને રાજી રાખવાની જરૂર છે. સંબંધોનું મૂલ્ય નહીં સમજનાર માનવી દુખી જ થાય - આ સત્ય સમજાવતાં તે કહે છે : ‘માન-પ્રતિષ્ઠા અને પૈસાની લાલચમાં આંધળો બનેલો આજનો મનુષ્ય પોતાના તમામ સંબંધોનો નાશ કરી રહયો છે જેને કારણે તેના પોતાના કહી શકે તેવા તેની પાસે ખૂબ ઓછા લોકો છે અથવા તો છે જ નહીં.’
આ પૃથક્કરણ કેટલું વેધક અને છતાં કેટલું સાચું છે ! લેખક એક ઝુઝારુ જીવનવીર છે. વ્યવસાયે પત્રકાર ધવલ પટેલ કહેવાતા ‘મોર્ડન’ માનવીની જયોતીષ-ઘેલછા પર તીખો કટાક્ષ કરે છે : જે વ્યકિતને પોતાના ભવિષ્યની ખબર નથી હોતી તેની આગળ તે તેનું સર્વસ્વ લૂંટાવી દેતો હોય છે... દિવસની શરૂઆત જ કહેવાતા જયોતિષીબાપાના માર્ગદર્શનથી કરે છે.
લેખકની ભાષામાં પ્રવાહિતા છે, ઓજસ અને માધુર્ય છે. વચ્ચે વચ્ચે એ સૂત્રાત્મક બની જાય છે. દાઃત; હંમેશા સમયની સાથે ચાલવાનું રાખો. સમય પહેલા ચાલવાથી કે પછી ચાલવાથી દુખી થવાય છે. સુખનો સ્વભાવ તોડવાનો અને છૂટા પડાવવાનો છે અને દુખનો સ્વભાવ જોડવાનો છે. જેનાં અન્ન જુદાં એનાં મન જુદાં થઇ જાય છે.’
આ શબ્દો કોઇ નીવડેલા તત્ત્વચિંતકના જ હોઇ શકે. ધવલ પટેલે તરુણવયમાં ચિંતનનાં આવાં ગુરુશિખર સર કર્યા છે, તે આજના યુવાજગતની એક મંગલઘટના છે. લેખક લાગણીના વૈભવનો મહિમા કરે છે. સમૃઘ્ધ પરિવારો કરતાં આ લાગણીનું મૂલ્ય ગરીબ લોકો વધુ સારી રીતે સમજતા હોય છે. તેથી લેખકના જ શબ્દોમાં કહીએ તો, ગરીબના ઘરમાં હંમેશા ખુશી હોય છે. ભલે ત્યાં પૈસો નથી પણ ત્યાં માન છે, સન્માન છે અને સૌથી મોટો કહી શકાય તેવો સંતોષ છે. સાંજ પડયે પરિવારનું પેટ ભરાય છે તેનો તેને આનંદ છે અને તેમાં જ તે હંમેશા ખુશ છે.
લેખક અઢળક કુદરતી સંપત્તિની વાત કરતાં હળવો કટાક્ષ કરી લે છે : આજનો માનવી આ બધું જાણીને પણ અજાણ છે. તેનું કારણ એ છે કે કુદરતે તેની આ સંપત્તિનાં ક્યારેય બિલો મોકલાવ્યાં નથી ! લેખકે આપણા જુગજુના શણપણનો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. આપણે ઘરડેરાંના મોઢે સાંભળેલી આવી સૂક્તિઓ જ્યારે તરુણ વયના ધવલની કલમે અવતરતી જોઇએ ત્યારે સ્વાભાવિક રીતે જ મનના અંધારા ભંડકિયામાં અજવાળું થઇ જાય. વાંચો -
‘ધરતી તેની ઉપર વધતો જતો પાપાચાર હવે સહન કરી શકતી નથી અને તેથી જ તે ભૂકંપ અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોથી બધું સરભર કરવાનો પ્રયત્ન કરી રહી છે. માણસ જ્યારે સારું જીવે છે ત્યારે સતયુગ છે અને જ્યારે તે ખરાબ જીવે છે ત્યારે કળયુગ છે. આમ, સતયુગ-કળયુગ જીવનમાં જ આવી જાય છે. પહેલા માણસો કુદરતગત થઇને રહેતા અને અત્યારે માણસો યંત્રગત થઇને રહેતા થયા છે.’
આ યંત્ર એક દિવસ જીવતા જાગતા માનવીને યંત્રમાં ન ફેરવી દે, એની ચિંતા કરવાની જરૂર છે.
નવોદિત લેખક ભારઝલ્લું ફિલસૂફીનું ભરપટ ભાથું લઇને આવ્યા છે પરંતુ એમની પીરસવાની પઘ્ધતિ એવી હળવી છે કે એનો ભાર વાચકને વરતાતો નથી. આ ગ્રંથમાં લેખકે અત્યાર સુધીના એમના અંગત અનુભવો, વાંચન-મનન અને ચિંતનનો સામટો હિસાબ આપવાની ઉદાર ચેષ્ટા કરી છે. અનેક ઉદાહરણો અને દ્રષ્ટાંતો ટાંકી એમણે આપણા ભવ્ય અને ભાતીગળ અતીતનો મહીમા કર્યો છે. પશ્વિમની સંસ્કૃતિએ આપણા જીવન અને સંસ્કારોને અપાર ક્ષતિ પહોંચાડી છે. આપણે લગભગ ‘પોઇન્ટ ઓફ નો રિટર્ન’ સુધી પહોંચી ગયા છીએ. સામે ભયંકર ખાઇ છે, આપણે લપસી રહયા છીએ અને પાછા વળવાની કોઇ જ શક્યતા બચી નથી ત્યારે આ ધવલ નામધારી સંસ્કારી યુવાન દોટ મૂકીને આપણને બચાવી લેવા જીવના જોખમે ધસી આવે છે. એ આપણને અધોગતિની ખીણમાં ખાબકતાં અટકાવવા એની તમામ તાકાત કામે લગાડી દેવા કૃતસંકલ્પ છે. એ ફક્ત લાલ બત્તી ધરીને અટકી નથી જતો, એ આપણને પેલા લપસણા માર્ગેથી પાછા વળવા એનો હૂંફાળો હાથ લંબાવી, હજી કશું બગડી નથી ગયું એવો દિલાસો બંધાવે છે.
આજે જ્યારે આપણું યૈાવન અને જીવન અવળી દિશામાં ભટકી ગયું છે અને પરિવારજીવન છિન્નભિન્ન થઇ ગયું છે ત્યારે ફક્ત ભૌતિક સુખસુવિધાઓ પાછળ આંધળૂકિયાં કરાવનારાં ઢગલાબંધ પુસ્તકો વચ્ચે ધવલ પટેલનું આ પુસ્તક સાચા મોતી જેવું નજરાણું બની રહેશે. લેખકે એમના અંગત અનુભવો ટાંકીને આપણા વ્યવહારને કેવો લૂણો લાગી ગયો છે એની નેત્રદીપક ટકોર કરી છે. અત્ર, તત્ર, સર્વત્ર બસ ભ્રષ્ટાચારની જ દુર્ગધ ફેલાયેલી છે. ત્યારે આવી જિંદગીને પ્રેમ કરવો કે નફરત ? લેખકનું ગોત્ર આપણા વૈદિક સંસ્કારોમાં છુપાયેલું છે. કોઇ યોગભ્રષ્ટ ઋષિ ધવલ સ્વરૂપે એકવીસમી સદીના કુછંદે ચડેલા પોતાના વંશજોને જીવનનો સાચો મર્મ સમજાવવા આવ્યા હશે કે શું ? ઉપનિષદની ગરજ સારે એવું આ ચિંતન વિશેષપણે યુવાવર્ગ માટે તો જિંદગી જીવવા માટેની હાથપોથી બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. કેટલાકને લેખકના અમુક વિચારો જુનવાણી લાગે એમ બને, પરંતુ એ સંસ્કારોનો સાવ જ છેદ ઉડાડી દેવાથી કેટલું નુકશાન થયું છે એનો હિસાબ માંડીશું તો લેખકની અતીતરાગી વિચારધારા પણ અમુક અંશે સાચી લાગશે. જૂનું એટલું બધું જ સોનું ન હોય. પરંતુ આજે ભારતીય સંસ્કારોનું નામું લખાઇ ચૂક્યું છે, એની તો શી રીતે ના પાડી શકાશે ? જુનવાણી અને પુરુષ પ્રધાન સંસ્કૃતીનાં પરિચાયક કે ‘ગામડિયા’ લાગતાં કેટલાંક ગૃહીતો સાથે સહમત ન પણ થઇ શકીએ છતાં લેખકની ચિંતા સકારણ છે, એટલું તો કબૂલવું જ રહયું. યહેરીકરણ, આધુનિકીકરણ અને ભૌતિકવાદની આંધીમાં આપણી સંસ્કારિતા અળપાઇ છે, એને વેળાસર સાચવી - સંગોપી લેવાની જરૂર છે. સ્ત્રી-પુરુષના અંગત જીવનમાં બેવફાઇ પ્રવેશી છે, પિતાપુત્ર વચ્ચે પહેલાં જેવો સ્નેહસેતુ નથી બચ્યો - તે હકીકત છે. લેખક જરા વધુ પડતા રૂઢીવાદી અભિગમથી આ બધી કડવી હકીકતો રજૂ કરે છે ત્યારે નવા જમાનાના ખુલ્લા મનથી વિચારનારાઓ અને મારા જેવા વ્યકિત સ્વાતંત્ર્યના પુરસ્કર્તાઓને એમના બધા વિચારો સાથે સહમત થવાનું ન ગમે તો પણ એક વીસીમાં ચાલી રહેલા યુવાન ચિંતકને એના પરંપરાગત સંસ્કારોની રખેવાળી કરવાની ખેવના જાગી છે, તે કોઇ નાનીસૂની કે હસી નાખવા જેવી બાબત નથી જ નથી.
હું ભાઇ ધવલને અંતરના ઉમળકાથી શબ્દની દુનિયાના અલગારી અવધૂત તરીકે આવકારું છું. એની કલમમાં કૌવત છે, શબ્દચયનની સૂઝબૂઝ છે. વ્યાપક અનુભવ અને ખાનદાની સંસ્કારોનું સંયોજન કરી અદના આમ આદમીથી લઇ પ્રબુઘ્ધ સાક્ષરને વિચારતા કરી મૂકે એવો ચિંતનસંપુટ પહેલા જ પ્રકાશન લેખે સંપડાવનાર લેખક લાંબી રેસનો ઘોડો પુરવાર થશે એવી આશા બંધાય છે. ભવિષ્યમાં લેખક પાસેથી આથી પણ ઊજળું વિચારભાથું મળતું રહેશે એવી અપેક્ષા રાખવાનો આપણને અધિકાર છે. આજના ભૂલા પડી ગયેલા માનવી માટે તો આવાં પુસ્તકો દીવાદાંડીની જ ગરજ સારે.
પુનઃ ભાઇ ધવલ પટેલને ખૂબ શુભકામનાઓ.
-ડો.કેશુભાઇ દેસાઇ
૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૪
૧૩ - ઐશ્વર્ય-૧, પ્લોટ નં.૧૩૨,
સેક્ટર : ૧૯, ગાંધીનગર.
જીંદગી વિષેના કિનખાબી ખ્યાલો વિષે ઘણું રચાયું-લખાયું અને વંચાયું, છતાં જીંદગીના તાણા-વાણાનું મનોમંથન જારી છે! જીંદગી વિષેના અહેસાસની શબ્દયાત્રા અવિરત છે. જીંદગી શબ્દ મૂળ તો શ્વાસ અને વિશ્વાસનો વિષય છે. વહેતા સમયની સાથે જે વણાઇ ગઇ તેને જીંદગી નામ અપાયું હશે. પણ ખરેખર જીંદગી એટલે શું ? જીંદગીના અર્થ-મર્મ અને ભરમને પામવા પમરાવવા અનેક શબ્દ આરાધકોએ જીંદગીને આંસુઓમાં, ખુશીઓમાં, વ્યથાઓમાં અને વંદનાઓમાં પરોવી છે.
ભાઇ ધવલ પટેલે જીંદગી વિષેના તેના પોતિકા શરબતી ખ્યાલો અને તેમાં જીંદગાનીના સપ્તરંગી ખ્યાલો વિષેની માહિતી અહીં પ્રસ્તુત કરે છે.
કાશ! વાચકોને ગમશે. જીંદગી જીવતા અને નહીં જીવતા વાતાવરણને જીંદગી વિષેનો ખ્યાલ પ્રાપ્ત થશે. આ પુસ્તક વાચકોના નાદનો જય ઘોષ કરાવનારૂ નીવડે તેવી શુભેચ્છા.
-રાજેન્દ્ર રાવલ
તાશના પત્તાઓથી ઘર નથી બનતું,
એક હારથી કોઇ ફકીર કે એક જીતથી કોઇ સિકંદર નથી બનતું,
દુનીયા જીતવાની ખ્વાઇશ રાખો, મુકદ્ર કદમ દગાબાજ નથી હોતું
જિંદગીનો અર્થ અને મર્મ હજુ પણ ગૂઢ છે. જીંદગીનો મારગ. આ રસ્તો એક એવી કેડી છે, જ્યાથી દરેક વ્યક્તિને ફરજીયાત પસાર થવું જ પડતું હોય છે. ચાહે તે વ્યક્તિ અમીર હોય, ગરીબ હોય કે પછી કોઇ સાધુુ-સંત. જન્મથી મૃત્યુ સુધી આ પથ ઉપરથી માત્ર અને માત્ર શીખવાનું જ હોય છે અને જ્યારે બધું શીખી જઇએ છીએ ત્યારે બસ આ જીંદગીના રસ્તાનો અંત આવી ગયો હોય છે અને ક્યારેક ઘણું બધું શીખવાનું બાકી હોય ને અંત આવી જતો હોય છે.
જીંદગીના રસ્તેથી જો વાત કરીએ તો, ખુશી ખુશી દિવસો પસાર થતા હોય અને ઓચિંતુ દુુઃખ કે ચિંતા આવી પડે કે પછી દુઃખી દુઃખી દિવસો પસાર થતા હોય અને ઓચિંતુ સુખ આવી પડે તેનું નામ જીંદગીનો રસ્તો. આ રસ્તો એક જ છે પણ વ્યકિતના જીવનકાળ દરમ્યાન વાગેલી ઠોકરોએ તેને અનેક નામ આપી દીધા છે. વ્યકિત જો જીંદગીના આ રસ્તાનો અનુભવ અને તેને માણવાનું શરૂ કરી દે તો તેને કયારેય આ રસ્તો દુઃખ કે સુખથી ભરેલો કે ખાલી નથી લાગતો. એક સંતના જણાવ્યા અનુસાર જીંદગી એટલે ત્રણ કાળ વચ્ચે ઝુલતો-ઝઝુમતો માણસ. ભૂત, ભવિષ્ય અને વર્તમાન. આ કાળમાં માણસનું અસ્તિત્વ પીસાતું રહે છે. મોટાભાગના લોકો ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે એવા દબાઇ ગયેલા હોય છે, કે તેને વર્તમાનનો અહેસાસ જ નથી થતો. કાં તો તે વ્યકિત ગઇકાલમાં જીવે છે અને કાં તો આવતીકાલમાં. લોકો ગઇકાલે બનેલી ઘટના ભુલી શકતા નથી અથવા આવતીકાલના સપનામાં રાચતા રહે છે અને આજે જે જીવવાનું હોય તે ભુલી જાય છે.
લેખક કૃષ્ણકાંત ઉનડકટના મત મુજબ જીંદગી એટલે, જે સમય જાય છે તેનો અફસોસ ન થાય તે રીતે જીવવાની કળા. જીંદગીના આ રસ્તાને શબ્દોમાં આલેખવો આમ તો ખુબ કઠીન છે પરંતુ હસતા-રમતા અને ગીતો ગાતા-ગાતા આ એક પ્રયત્ન કર્યો. જીદંગીના રસ્તા અનેક આકાર વાળા છે અનેક તમામ રસ્તે એક નવો વળાંક છે. કયાંક અજાણ્યો તો કયાક જાણીતો વળાંક છે, ક્યાંક સુુખનો તો કયાંક દુઃખનો વળાંક છે, કયાંક સંબંધનો તો કયાંક દુશ્મનાવટનો વળાંક છે, ક્યાંક અમીરી તો ક્યાંક ગરીબીનો વળાંક છે આમ અનેક વળાંકોથી ભરપુર છે જીંદગીનો રસ્તો. જ્યાંથી કંઇક નવું શીખવાનું છે, કંઇક નવું અપનાવવાનું છે. કોઇ પણ વ્યકિત જ્યારે સફળતાના ઉચ્ચ શિખરો સર કરે છે અથવા તો ગરીબીના પાયા તરફ વળે છે ત્યારે હંમેશા તેને જીંદગી અવનવા રસ્તાઓની સફર કરાવે છે. જીદંગી કેવી છે અને કેવી રીતે જીવવી જોઇએ તેની મારી એક સૌથી લોકપ્રિય વાત કરુ તો, રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફિસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઇને હું ચોંકી ઉઠયો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. હા! કાલે રાત્રે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતુ હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને ? હું ઘડીયાળ તરફ નજર કરું છું. અરે! દસ વાગી ગયા છે? મારી ચા કયાં છે? અરે! મારે ઓફિસે જવાનું કેટલું મોડું થઇ ગયું છે? મારો બોસ મારી ઉપર ખીજાશે. બધા કયાં જતા રહયા? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે? અરે! આટલા બધા લોકો? ચોક્કસ કંઇક ગરબડ લાગે છે. અરે! કોઇક રડી રહયા છે. બીજા ચુપચાપ ઉભા છે. અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી. ક્યાં કોઇ મને સાંભળે છે! અલ્યાઓ! હું મૂઓ નથી, જુઓ આ રહયો. મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઇએ કશું સાંભળ્યું જ નહીં.
કોઇને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નિશ્વેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઇ રહયા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો. મેં મારી જાતને પુછયું, શું હું ખરેખર મરી ગયો છું? અરે ! મારી પત્ની, મારું બાળક, મારાં મા-બાપ, મારા મિત્રો- બધા ક્યાં છે? બાજુના ઓરડામાં ગયો, બધા ત્યાં રડી રહયા હતા, એકમેકને આશ્વાસન આપી રહયા હતા. મારી પત્ની સૌથી વધુ આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધુ દુઃખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઇ રહયું છે, તેને કાંઇ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની માં રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું. અરે, મારા એ વ્હાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહયા વિના હું શી રીતે વિદાય લઇ શકું? મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહયા વગર હું શી રીતે મરી શકું? એકવાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું. મા-બાપને એકવાર તો કહી દઉં કે હું જે કાંઇ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત, એમ એમને કહયા વિના, હું કેવી રીતે વિદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કોઇ કામમાં આવ્યો નથી, એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું? જો ને પેલા ખુણામાં છાનાં આંસું સારી રહયો છે. અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડયા હતા, અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા. હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. મારા દોસ્ત! મને માફ કરી દે. એમ કહેવું હતું. અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નિષ્ઠુર છે? હું આટલી સરળતાથી મારુ હૈયું ઠાલવી રહયો છું, તો પણ એ હજુ કેટલો અભિમાની છે? ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ના થવું જોઇએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય? ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું. અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દિવસો જીવતો કરી નાખ. હું મારી પત્ની, મારા માં-બાપ, મારા મિત્રો એ બધાને એકવાર સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વ્હાલા છે? એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે? હું બરાડી ઉઠું છું, અલી ઓ! તું ખરેખર સુંદર છે! પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે? મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહયા હતા ખરા? હું મોટી ચીસ પાડી દઉં છું, અરે ભગવાન ! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે! હું રડી પડું છું. મને એક જ છેલ્લી તક આપી દે મારા વ્હાલા! હું મારા વ્હાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય તેવા બે શબ્દો તેમને કહી દઉં. મારા મિત્રોને મેં જે કાંઇ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે તેમનો આભાર માની લઉં. મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડયો. મેં ફરી એક પોક મૂકી. અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વ્હાલા!... મારી પત્નીએ મને હળવેથી જગાડયો અને વ્હાલથી કહયું, તમે ઉંઘમાં આમ કેમ રડી રહયા છો? તમને કંઇ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે! અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી. કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ? જીંદગીનો રસ્તો કે પછી જીંદગી ક્યારે વ્યકિતને દગો કરે છે તેનું કંઇ નકકી નથી. જેનો તમને મારી આ વાત ઉપરથી ખ્યાલ ચોકકસ આવી જ ગયો હશે. વ્યકિત હંમેશા તેની સાથે દગો કરનારા કે ખોટું કરનારાઓથી ત્રાસી ગયો હોય છે પરંતુ તેને ખ્યાલ નથી હોતો કે તેના માટે સૌથી મોટો દગાખોર જો કોઇ હોય તો તે તેની પોતાની જીંદગી જ છે. જીંદગી પોતાની હોવા છતાં ક્યારે દગો કરશે તે નકકી નથી હોતું. તેમ છતાં આપણે હંમેશા પોતાને મહાન ગણાવી બીજાને નીચા દેખાડવાના અર્થાગ પ્રયત્નો કરતા હોઇએ છીએ પરંતુ આપણે તે વાતથી બિલકુલ અજાણ છીએ કે આપણે સૌથી વધુ નીચા છીએ. જીદગીના કેટલા વળાંકો છે, ચાલો તેની વાત શરુ કરીએ. જીંદગીના અનેક વળાંકો છે. દરેક વ્યકિતના જીવનમાં જીંદગીના વળાંકો અલગ અલગ હોય છે.
જ્યાં જીવન જીવવાની શરુઆત જ થઇ હોય ત્યાં જીંદગી પોતાનો રસ્તો બદલી દે છે અને તેથી જ અહીંથી પસાર થનારા દરેક લોકોને તેનો અનુભવ અલગ-અલગ થતો હોય છે. ક્યારેક સુખનો કે ક્યારેક દુઃખનો તો કયારેક આ બંન્નેથી અલગ જ અનુભવ થાય છે. દરેકના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવતા રહે છે અને તેનો અનુભવ કોઇ પણ વ્યકિત આ રસ્તેથી કરી શકે છે. જીંદગી અણમોલ છે તેનો કોઇ મોલ નથી તે વાત તદન સાચી છે, પરંતુ ક્યારેક આ જીંદગી મોલ ઉપર પણ પહોંચી જાય છે જ્યાં તેનો મોલ લગાવવા વાળા હંમેશા તત્પર હોય છે. જીવનમાં કોઇ પણ વસ્તુ સ્થિર રહેતી નથી તો પછી આપણે કેમ તેનો મોહ કરીએ છીએ તે સમજાતું નથી હોતું. કોઇ પણ વ્યકિત નિર્જીવ વસ્તુની માવજત કર્યા કરતા તેની પાસે રહેલા હયાત સંબંધની માવજત કરતો થાય તો તેને જીવનના રસ્તાઓ ઉપર અનેક લોકોની હૂંફ મળી રહે છે. આજનો માનવી સંબંધ કરતા પૈસાનો મહોતાજ વધુ બન્યો છે જેને કારણે તેના પરીવારમાં માન-સન્માન અને સંસ્કૃતિની ઓછપ જોવા મળે છે. આવા વ્યકિતઓ માટે જીવનના રસ્તાનું કોઇ મહત્વ નથી તેમને માટે ફકત પૈસો જ જીવન છે. આવા લોકોને પૈસા બહારની દુનિયા અંગે કંઇ પણ જાણકારી નથી હોતી, બસ પૈસામાં જ રાચવાનું અને પૈસાના જ મહોતાજ બનવાનું. જીંદગી જ્યારે કોઇ વ્યક્તિને થપાટ મારે છે ત્યારે તેને ફરી બેઠાથવાની તાકાત પણ નથી આપતી અને જો કોઇને બેસવાની તાકાત આપે તો તેને ક્યારેય ઉભો રહેવાનો સમય નથી આપતી.
દરેક વ્યકિતના જીવનના રંગ અલગ અલગ હોય છે અને તેને માણવાની પઘ્ધતિ પણ દરેક વ્યકિતની અલગ અલગ હોય છે. ઘડિયાળ અને તારીખીયું જીવનમાં હંમેશા એ વાત યાદ કરાવે છે કે બધું સતત બદલાતું જ રહે છે. જનારો સમય ક્યારેય પાછો આવતો નથી અને આવનારો સમય ક્યારેય વહેલો આવતો નથી. એટલે હંમેશા સમયથી પહેલા અને સમયના પછી વ્યક્તિ ક્યારેય કોઇ કાર્ય કરી શકતો નથી. આજે કોઇપણ વ્યકિત તેની શરતો મુજબ જીંદગી જીવવાનો લક્ષ રાખતો થયો છે અને તેથી જ તે પોતાની જીંદગીથી કાયમ દુઃખી ને દુઃખી જ છે. આજે વ્યકિતને કોઇ પણ પ્રકારનો સંતોષ નથી. તેને વધુ હોશિયાર થવું છે, તેને વધુ આગળ વધવું છે, તેને વધુ પૈસા કમાવી લેવા છે, તેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રીનો સંગ કરવો છે, તેને ઘણું બધું કરવું છે પણ આ બધું કરવા જતા તે પોતાની જીંદગી કયાં છે? અને શું છે? તે ભુલી જઇ રહયો છે અને તેથી જ તે દુઃખી છે.
પોતાના કરતા મોટા લોકોથી પ્રભાવિત થતો કે તેની જાહોજલાલીથી અંજાઇ જતો વ્યકિત હંમેશા તેના દરેક કામથી અસંતુષ્ટ બને છે અને પોતાનાથી નીચા વ્યકિતની રહેણી કરણી જોઇને સંતોષ માનતો વ્યકિત હંમેશા તેના દરેક કામથી સંતુષ્ટ બને છે. જીંદગીના દરેક રસ્તા ખરાબ છે એવું નથી અને જીંદગીના દરેક પથ સારા છે એવું પણ નથી. મોજથી જીવનારા માટે જીંદગીનો મારગ ગુલાબના ફૂલોથી ભરેલો છે અને દુઃખી જીવનારાઓ માટે આ જ મારગ કાંટાળી જાળ છે. કોઇ પણ વ્યકિતની જીંદગીનો રસ્તો એક સરખો નથી હોતો. દરેક રસ્તેથી જીંદગીનું વર્ણન કરવા જઇએ તો મુશ્કેલ છે કેમ કે જીંદગી તેના દરેક રસ્તે એક નવો વળાંક આપતી હોય છે. જીંદગીના રસ્તેથી જ્યારે કોઇ વ્યકિત પસાર થાય છે ત્યારે તેને અનેક નવા નવા અનુભવો થતા હોય છે. ધારો કે કોઇ વ્યકિત તેની કાબેલીયત પ્રમાણે નવા ધંધામાં ઝંપલાવે છે તો તેને અનેક અવનવા અનુભવો થવાના. ક્યારેક નફો તો ક્યારેક ખોટ. આ તમામ જીંદગીના રસ્તાના એક પ્રકારના વળાંકો જ કહી શકાય અને જો તેવામાં વ્યકિત નાસીપાસ થઇ જાય તે જીંદગીના આ વળાંકોમાં ક્યારેક ભયાનક અકસ્માત પણ થઇ જાય છે.
સુખી થવા જીંદગીના રસ્તે એક સરખા મને ચાલવું હોય તો હંમેશા જીંદગીને તેની શરત મુજબ જીવો નહીં કે તમારી શરત મુજબ અને તેની શરત બસ એટલી જ હોય છે કે તેને અનુકૂળ રહો અને તેને અનુકૂળ વર્તન કરો. જીંદગીને અનુકૂળ રહેવું એટલે, કોઇ વ્યકિત ગરીબ છે પરંતુ સવાર સાંજ પેટનો ખાડો પુરવા જેટલું કમાઇ લે છે તો તે વ્યકિતએ ધીમે ધીમે પોતાની શકિત મુજબ આગળ વધવું જોઇએ, નહીં કે તે વ્યકિત તેવા સમયે બીએમડબલ્યુ કે મર્સીડીસના સપનાની દુનિયામાં જ ખોવાયેલો રહે. કેમ કે, આમ કરવાથી વ્યકિત તેની હયાત જીંદગી માણી શકતો નથી, તેનો આનંદ ઉઠાવી શકતો નથી. તમારી આજને તમે એવી રીતે જીવો કે કાલે કોઇક યાદ કરે પરંતુ આજે એવું ન જીવો કે કાલે કોઇ યાદ જ ન કરે અને એ જીવન માટે જરુરીયાતમંદ લોકોની સેવા કે જરુરીયાતમંદ લોકોને મદદ કરવી વધુ હિતાવહ રહે છે આમ કરવાથી જીંદગીના દરેક રસ્તાઓ ઉપરથી તમને હંમેશા આવકાર મળશે અને તેના તમામ વળાંકો તમને ખુબ સહેલા અને સુખથી ભરપુર લાગશે. ગુજરાતીમાં એક કહેવત છે કે પૈસાથી ક્યારેય સુખ ખરીદી નથી શકાતું, પૈસાથી ક્યારેય મા-બાપ ખરીદી નથી શકાતા, પૈસાથી ક્યારેય સંબંધ નથી ખરીદી શકાતો અને પૈસાથી ક્યારેય માનવી નવી જીંદગી નથી ખરીદી શકતો. આ તમામ વાતો પાછળનું તાત્પર્ય એટલું જ કે, વ્યકિતના જીવનમાં પૈસાનું કોઇ જ મોલ નથી. પૈસાથી જો કોઇ વ્યકિત તેને જરુરી વસ્તુ જ ન ખરીદી શકે તો તે પૈસાનું શું મૂલ્ય? વ્યકિત પાસે અમૂલ્ય કહી શકાય તેવું કાઇ હોય તો તે છે સંબંધો. જીવનમાં લોકો પાસે સારા સંબંધો હશે તો તેની જીત દરેક ક્ષેત્રે નિશ્વિત છે અને તેની જીંદગીના તમામ રસ્તા તેને સુખથી ભરેલા લાગશે. માણસનો જન્મ થાય ત્યારે તે હંમેશા ખાલી હાથે આવે છે અને જાય છે તો પણ ખાલી હાથે જ જાય છે. તેમ છતાં આપણે હંમેશા હાય રે જીંદગી હાય, હાય રે પૈસો હાય.. કરીને જ જીંદગી જીવી લઇએ છીએ પણ ક્યારેય જરુરીયાતમંદ લોકોને મદદ કરી શકતા નથી. આપણે એટલા તો અમીર બની જઇએ છીએ કે કોઇને મદદ કરવામાં પણ આપણે સંકોચ અનુભવતા હોઇએ છીએ. ખરા અર્થમાં તો ભિખારી એ નથી જે પૈસાથી ગરીબ છે પરંતુ ભીખારી એ છે કે જે સંબંધથી ભીખારી છે જેના નામ માત્રથી પાંચ રૂપીયા આપવા કોઇ તૈયાર નથી. બીજી વાત કરીએ તો દરેક વ્યકિતએ પોતાની જીંદગીને અનુકૂળ વર્તન કરવું જોઇએ નહીં કે અભિમાની બનીને ભાડુતી શરીરનો મોહ રાખી તેના ઉપર ગર્વ કરવો. ઇશ્વરે દયા ખાઇને આપેલી આ જીંદગી અને તેને રહેવા માટે આપેલું આ ભાડુતી શરીર. જે ગમે તે સમયે, ગમે ત્યારે ખાલી કરવાનું છે અને પછી તેનો કોઇ જ મોલ નથી, તેને કોઇ સાચવતું પણ નથી કે તેને કોઇ આજીવન મુકી રાખતું પણ નથી. બસ જીવ ગયો એટલે તેને અગ્નિદાહ આપીને પંચમહાભૂતમાં વિલિન કરી દેવામાં આવે છે. અત્યારે દરેક વ્યકિત એટલે દુઃખી થઇ રહયો છે કેમ કે તે જીંદગીનું મૂલ્ય કે જીંદગીના રસ્તાને હજુ સુધી સમજી શકયો નથી. તેના મન તો પૈસો અને જાહોજલાલી જ મોજની જીંદગી છે. પરંતુ હકીકત આ સત્યથી કંઇક જુદી જ છે. જીંદગીના રસ્તે આવનારા અનેક વળાંકો વ્યકિતની સમજદારી અને તેની ઇમાનદારીને અનુરુપ વળેલા હોય છે. કોઇનું સારું કરનાર વ્યકિતની જીંદગીના રસ્તે ક્યારેય કોઇ ખોટું કરનાર નહીં આવી શકે અને જો આવશે તો તે ફાવી નહીં શકે. જીંદગી સંબંધો જેવી જ છે અથવા દરેક સંબંધો તેના જેવા જ છે એમ પણ કહી શકાય. દરેક વ્યકિતની જીંદગીનો રસ્તો ખુબ ટૂંકો જ છે પરંતુ તેને તેના જીવનકાળ દરમ્યાન કરેલા આડા ધક્કા અને આડા કામો થકવી નાખતા હોય છે.
વ્યકિત હંમેશા તેના જીવન કરતા લોકો તરફ ઇર્ષા કરવામાં વધુ સમય ફાળવતો હોવાથી હંમેશા તેને પોતાની જીંદગીથી જ ફરીયાદો, ફરીયાદો અને ફકત ફરીયાદો જ હોય છે. આપણી બાજુમાં જો કોઇ મહાન વ્યકિત આવીને ઉભી રહે તો આપણે આપણી જાતને એટલી બધી નીચી મુકી દઇએ છીએ કે આપણે તેના વ્યકિતત્વની આગળ શૂન્ય બની જઇએ છીએ અને તેથી જ આપણે મનથી પણ કંઇક નવું કાર્ય કરવાની ઇચ્છાથી ભાંગી પડીએે છીએ. દરેક વ્યકિત તેના જીવનમાં સુખ-દુઃખ ઉભું કરે છે. સુખ કે દુઃખ કંઇ કુદરતની દેણ નથી કે, ઇશ્વરની પૂજા કરવાથી સુખ મળે કે ઇશ્વરની પુજા કરવાથી પૈસો મળે. જો આમ જ થતું હોય તો દરેક ભિખારી ભીખ માંગવાને બદલે ભગવાનના મંદિરમાં જ આખો દિવસ બેસીને તેની પૂજા અર્ચના કર્યા કરે. મંદિર અને ઇશ્વરની પૂજા તો દરેક વ્યકિત મનની શાંતી અને પોતાના સ્વાર્થ માટે કરતો આવ્યો છે. કોઇ વ્યકિત સ્વાર્થ વિના મંદિર જતો નથી કે સ્વાર્થ વિના ભગવાનની પુજા અર્ચના કરતો નથી. લોકો હંમેશા એવું કહેતા આવ્યા છે કે માનતા આવ્યા છે કે, કુદરત જ સુખ-દુઃખનો હિસાબ કરે છે. પરંતુ હકીકત આ સત્યથી વેગળી છે. કુદરત દુઃખ આપે તો એવા આપે જે મનુષ્ય ક્યારેય જીરવી પણ ન શકે. વાવાઝોડું, ભૂકંપ, પુર, ભારે વરસાદ, દુષ્કાળ આ બધા કુદરતના દુઃખો છે જેની સામે વૈજ્ઞાનિક બનતો મનુષ્ય આજે પણ જીતી શકતો નથી. આપણા જીવનમાં દુઃખ ઉભા કરવા વાળા પણ આપણે પોતે જ છીએ અને સુખ ઉભું કરવાવાળા પણ આપણે પોતે જ છીએ. કોઇને મદદ કરીશું તો સુખ છે અને જો કોઇના માટે મુશ્કેલી બનીશું તો તે દુઃખ છે. બસ, આમ જ સુખ-દુઃખ વ્યકિતના જીવનમાં જ આવી જાય છે અને દરેક વ્યકિતએ તેને માણવું પણ પડે છે અને એ જ જીંદગીનો રસ્તો છે જ્યાથી તમને સતત સુખ-દુઃખનો અહેસાસ થતો રહે છે. મુશ્કેલ જીંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો ઝીરવાય તોય ઘણું છે.
દુઃખની મજા સુખ છે અને સુખની મજા પાછી દુઃખ છે. દુનિયાનો ગમે તેટલો મહાન વ્યકિત કે ગમે તેટલો ધનવાન વ્યકિત ક્યારેય એવો દાવો નહીં કરી શકે કે તે સંપૂર્ણ સુખી છે અને દુનિયાનો ગમે તેટલો ગરીબ વ્યકિત એવો દાવો નહીં કરી શકે કે તે સંપૂર્ણ દુઃખી છે. દરેકની જીંદગીના રસ્તે સુખ અને દુઃખ એમ બંન્ને સાથે જ છે. ગમે તેટલો સુખી વ્યકિત કે પરીવાર હશે તો પણ તેને જીંદગીના રસ્તેથી ફરીયાદ હશે જ. કેમ કે જીંદગીનો રસ્તો સૌ કોઇ માટે એક સરખો છે બસ લોકો તેમાં પોતાની મરજી મુજબ ચાલવાનો પ્રયાસ કરે છે અને વારંવાર ઠોકરો ખાય છે. કોઇ પણ વ્યકિત કયારેય ભરપુર દુઃખમાં જીવી નથી શકતો કે ક્યારેય ભરપુર સુખમાં જીવી નથી શકતો. ગુજરાતી ભાષામાં એક ભજનની સુંદર કડી છે જે કહે છે કે,
સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં.
ગમેતેટલું સુખ હોય પણ તેમાં આપણે આપણી મર્યાદા ભુલીને છકી ન જવું જોઇએ અને ગમેતેટલું દુઃખ હોય તો પણ ક્યારેય રડવું ન જોઇએ. સુખ-દુઃખ તો જીંદગીના રસ્તા છે તે તો દરેકના જીવનમાં આવ્યા કરે. બસ, એને જોયા કરો અને માણ્યા કરો. સાથે એક વાત પણ યાદ રાખો કે સુખ કે દુખ ક્યારેય કોઇ પણ વ્યકિતના જીવનમાં કાયમી આવતું નથી. આવે છે અને જાય છે. પરંતુ આ બધાની વચ્ચે સાચવી સાચવી અને સમજી સમજીને ચાલનારા વ્યકિતની હંમેશા જીત થાય છે. પણ ખુબ ઓછા લોકો આ જીતના સરતાજ બને છે. બાકી તો ખુબ ભણેલા લોકો પણ અહીં નપાસ થઇ જાય છે અને અભણ લોકો પાસ થઇ જાય છે. જીંદગીના તમામ રસ્તાઓ ઉપર આપણું ધાર્યુ અને આપણને મનગમતું જ થવું જોઇએ તેવો વિચાર આપણને હંમેશા દુઃખી જ કરે છે. આપણું ધાર્યુ અને મનગમતું બધુ થાય એટલે સુખ અને ન મળે તો દુઃખ. પણ હકીકતમાં જીંદગીની વ્યાખ્યા અને તેને માણવાની રીત આ બધાથી પર છે. જીંદગીના રસ્તે વ્યકિત દ્બારા કરવામાં આવતી અતિ અપેક્ષા એ હંમેશા દુખનું કારણ બને છે. સુખ અને દુખમાં જ આપણે હંમેશા આપણી જીંદગીનો રસ્તો કાપવાનો છે. તે એક ભરતી અને ઓટ છે અને તેની સાથે સાથે આપણે તણાઇએ છીએ એટલે હંમેશા દુઃખી થઇએ છીએ. વર્ષો જુની વાત છે. એક નાનકડું ગામ અને એ ગામમાં દ્રારમશી કરીને એક વ્યકિત તેના પરીવાર સાથે રહેતો હતો. તે હંમેશા પોતાની આવડત અને બુઘ્ધિથી દરેક ક્ષેત્રમાં જીતી જતો હતો અને ગામ આખામાં તેનું ખુબ માન-સન્માન. એક દિવસ બાજુના ગામમાં એક સ્પર્ધા યોજાઇ જેમાં ધરમશીએ પણ ભાગ લીધો અને તે જીતી ગયો. ધરમસીની બુઘ્ધિ અને આવડત જોઇ ગામના રાજાએ કીધું કે, ધરમશી તારી જીત અને બુઘ્ધિથી અમે ખુબ પ્રભાવિત થયા છીએ તેથી અમે તને ઇનામમાં ગામની જમીન આપીએ છીએ. સવારથી સાંજ સુધીમાં તું જેટલી જમીન ફરતે દોડીશ કે ચાલીસ એ બધી જમીન તારી. લોભમાં આંધળો બનેલો ધરમશી કંઇ પણ વિચાર્યા વિના દોડવા લાગ્યો અને બપોર સુધીમાં થાકીને લોથપોથ થઇ ગયો. ધરમસીના મનમાં જાગેલા લોભના કારણે વધુ પડતું દોડવાથી તેનું હદય બેસી ગયું અને દોડતા દોડતા તે મૃત્યુ પામ્યો. અંતમાં ખબર પડી કે, બસ આટલી જ જમીનની જરુર છે વ્યકિતને જીવનમાં. જીવનકાળ દરમ્યાન જીંદગીના રસ્તે ખોટી ખોટી દોટ મૂકી અને હંમેશા દુખી દુખી થતો રહયો, ક્યારેય જીંદગીને મોજથી જીવી ન શક્યો અને અંતમાં ખબર પડી કે જીંદગી તો ખરેખર આમ જીવાય પરંતુ ત્યાં સુધી ખુબ મોડું થઇ ગયું હતું. જીંદગીના રસ્તે અતિ સુખ ભોગવનારા દરેક લોકો પાછળથી દુખી થયા છે. સુખમાં જીવેલો વ્યકિત ક્યારેય દુખમાં નથી જીવી શકતો અને દુખમાં જીવેલો વ્યકિત ક્યારેય સુખમાં છકી નથી જતો. આ જ જીંદગીના બે ભાગ છે કે, સુખવાળી
રાત્રે વ્યકિત ઊંઘતો નથી અને દુખવાળી રાત્રે વ્યકિત ઊંઘી શકતો નથી. રાજા દશરથ, રામ અને અયોઘ્યાની પ્રજાને પણ અતિ સુખ મળ્યા પછી અતિ દુઃખ ભોગવવું પડયું હતું. અયોઘ્યાના રાજા દશરથને કોઇ સંતાન ન હતું જેના કારણે પ્રજાને અને દશરથ રાજાને હંમેશા એમ થતું હતું કે, મહારાજાને એક દિકરો હોય તો સારું. એકને બદલે ચાર દિકરાનો જન્મ થયો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. દિકરાઓના જન્મ પછી ફરી પાછી ઇચ્છા વધી. વધુ પડતી ઇચ્છા કે અપેક્ષા હંમેશા દુખનું કારણ બને છે. પુત્રોના જન્મ પછી રાજા દશરથ અને અયોઘ્યાની પ્રજાને એમ થયું કે, હવે આ પુત્રો મોટા થાય તો સારું. મોટા થયા પછી એમ થયું કે, હવે આ પુત્રોનો યજ્ઞોપવિત થાય તો સારું. યજ્ઞોપવીત આપ્યા પછી એમ થયું કે, ચારેય પુત્રોના લગ્ન થાય તો સારું. યજ્ઞોપવીત આપ્યા પછી એમ થયું કે, હવે ચારેય દિકરાના લગ્ન થાય તો સારું. ચારેય પુત્રોના લગ્ન થયા પછી એમ થયું કે, હવે રામને ગાદી આપે તો સારું. દશરથ રાજા અને અયોઘ્યાની પ્રજાને ખબર ન હતી કે, અપેક્ષા મુજબ પુરી થતી તમામ ઇચ્છાઓ ક્યારેક વધુ પડતું દુખનું પરીણામ બનશે. જીંદગીના રસ્તે આવતું અતી સુખ તેની સાથે દ્ુખના વાદળો પણ સાથે લઇને આવે છે. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પરણીને જનકપુરમાંથી અયોઘ્યામાં આવ્યા પછી ચારે દિશાઓમાંથી સુખની નદીઓ અયોઘ્યામાં આવી હતી. નદીઓ જેમ તેના અંતમાં સાગરને મળે છે તેમ દુનિયાનું તમામ સુખ અયોઘ્યામાં આવી ગયું હતું અને તે સુખ તેની સાથે રામને વનવાસ જવાનું વાદળ પણ આકાશમાં લેતું આવ્યું હતું. પોતાની ઇચ્છા મુજબ આવતા સુખને ભોગવતી અયોઘ્યાની પ્રજાને ખબર ન હતી કે ટુંક સમયમાં ભગવાન રામનો વિયોગ થવાનો છે. વધુ પડતા વરસાદ પછી વ્યકિત હંમેશા ઉઘાડની આશા રાખે છે તેમ ભગવાન રામને પણ થયું હશે કે, હવે અતિ સુખમાં થોડા વિયોગની જરુર છે. કબીર કહે છે કે, હસવું છોડીને રુદન સાથે પ્રીતિ બાંધો. અને એટલે જ કદાચ કુન્તાએ કૃષ્ણ પાસે વરદાન માંગ્યું હશે કે, કૃષ્ણ મને હંમેશા વિપત્તી આપજે, મને હંમેશા દુખ આપજે. કેમ કે, વિપત્તિમાં હું તને ભુલુ નહીં, સુખમાં કદાચ હું તને ભુલી જાઉં. સુખ તમામ વ્યકિતઓને સંબંધોથી દુર કરે છે અને દુખ વ્યકિતઓને સંબંધોથી નજીક રાખે છે. ઝાડ પર ઉગતા ફૂલડાનું આયુષ્ય ખુબ ટૂંકું હોય છે તેમ છતાં તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેની આસપાસના તમામ લોકોને સુગંધ આપતું રહે છે. તેના દુશ્મન સમા તેને તોડનારા વ્યકિતને પણ તે હંમેશા પોતાની સુંદરતા અને સુંગંધથી રાજી કરી દે છે. સારી વસ્તુ અને સારા લોકોની હંમેશા જગત કદર કરે છે. સારા બનવા માટે પૈસાની જરુર નથી હોતી. સારા બનવા માટે મોંઘા વસ્ત્રો કે મોંઘીદાટ મોટરકારોની જરુર નથી હોતી. સારા બનવા માટે બસ લોકોને રાજી રાખવાની જરુર છે. આજ-કાલ વ્યકિત દેખા-દેખીમાં પોતાનું વર્ચસ્વ અને પોતાનું માનસન્માન ગુમાવી રહયો છે. તેને ખબર નથી પડતી કે તે શું છે અને શું બનવા જઇ રહયો છે. આ અજ્ઞાનતાને કારણે જ વ્યકિત અંતમાં દુઃખી થતો હોય છે. પણ પછી તેની પાસે પસ્તાવા સિવાય કાંઇ હોતું નથી. જીંદગીના રસ્તાઓ આજે દરેક વ્યકિતને દુખી એટલા માટે લાગવા લાગ્યા છે કેમ કે, વ્યકિત પોતાના અમૂલ્ય સંબંધોને જાળવવાનું ભુલી ગયો છે. માન-પ્રતિષ્ઠા અને પૈસાની લાલચમાં આંધળો બનેલો આજનો મનુષ્ય પોતાના તમામ સંબંધોનો નાશ કરી રહયો છે જેને કારણે તેના પોતાના કહી શકે તેવા તેની પાસે ખુબ ઓછા લોકો છે અથવા તો છે જ નહીં. પૈસો ભરપુર હોય તેવા સમયે સાથે રહેનારા મિત્રો કે લોકો ક્યારેય દુઃખના સમયે સાથે નથી હોતા અને દુઃખના સમયે હંમેશા સાથે રહેનારા લોકો ક્યારેય સુખમાં આગળ નથી આવતા. જીંદગીના રસ્તે સારા નરસા માણસોને ઓળખવાની પણ એક કળા કે સમજણ હોવી ખુબ જરુરી છે. આ રસ્તાના અંતમાં જ્યારે વ્યકિત પોતે કરેલા કામોનો હિસાબ લગાવવા બેસે છે ત્યારે તેને કંઇજ મળતું નથી કેમકે, હંમેશા તેને પોતાનું જ વિચારીને સઘળા કામો કર્યા હોય તો ક્યાંથી જીંદગીના અંતનો હિસાબ મળી શકે. કવિ તુલસીદાસજીનું મૃત્યુ થયું હોવા છતાં તેઓ આજે પણ રામાયણના રુપમાં શેરીએ અને ગલીએ જીવિત છે. જીવતે જીવ એવા કામ કરો કે જીંદગીના તમામ રસ્તેથી લોકો યાદ કરતા થઇ જાય. પરંતુ જીવતે જીવ એવા કામ ન કરો કે જીંદગીના રસ્તેથી તમામ લોકો ભુલી જાય. જીંદગીનો રસ્તો ભલે ગમે તેવો હોય તેમાંથી સૌ કોઇ એ પસાર થવાનું છે. જીંદગીનો રસ્તો ક્યારેય એ નથી જોતો કે તેના રસ્તે ચાલનારો વ્યકિત ખરાબ છે કે સારો છે ? રાજા છે કે રંક છે ? જીંદગીનો રસ્તો તો સૌ માટે સમાંતર જ છે પણ તેની ઉપર ચાલનારાઓ અલગ-અલગ સ્વભાવના અને અલગ-અલગ વિચારના છે. બાકી તો જન્મ પછી જુવાની અને જુવાની પછી ઘડપણ તો સૌને આવવાનું જ છે. કોઇ વ્યકિત કાયમ માટે જુવાન નથી રહેવાનો કે કોઇ વ્યકિત કાયમ માટે ઘરડો નથી રહેવાનો. આજનો વ્યકિત પૈસા અને મોર્ડન બનવાની હોડમાં તેના અમૂલ્ય સંબંધોનો નાશ કરવા લાગ્યો છે અને તેથી જ તેને જીંદગીના રસ્તાઓ બિસ્માર અને ડરામણાં લાગવા લાગ્યા છે. વ્યકિત ગમે તેવા દુઃખમાં હોય ત્યારે તેને સાચવેલા સંબંધો જ કામ લાગે છે, સંબંધમાં બંધાયેલા માનવીઓ હંમેશા એકબીજાની મદદ કરતા હોય છે. દુનિયાનો કોઇ વ્યકિત એવો નથી કે જે દાવો કરી શકે કે તેને જીંદગીના તમામ રસ્તાઓ કોઇ પણ વ્યકિતના સાથ સહકાર વિના પસાર કર્યા હોય. આ રસ્તાઓ એટલા બિહામણા અને ડરામણાં છે કે ત્યાંથી એકલા પસાર થવું અશક્ય છે. વ્યકિતનો જન્મ થાય એટલે માં, બાપ, દાદા, દાદી, કાકા, કાકી, માસા, માસી, મામા, મામી, જેવા અનેક સંબંધો તેની પડખે હોય છે. પરંતુ જેમ જેમ તે મોટો થતો જાય છે, જેમ જેમ તે સમજણો થતો જાય છે તેમ તેમ તે આ તમામ સંબંધોથી દૂર થતો જાય છે અને જીંદગીના રસ્તે અનેકવાર હારી જાય છે. સારો સબંધ એ એક એવો અમૂલ્ય નાતો છે કે, જે તમારી પડખે હોય તો તમને દુખનો અહેસાસ પણ નથી કરાવતો અને સુખમાં તમારી પડખે હોય તો તમને આઝાદ થવાનો રસ્તો પણ નથી બતાવતો. પરંતુ આજના યુગમાં કોઇ પણ વ્યકિત આ બધાથી ઉપર થવા જઇ રહયો છે. આજે વ્યકિતને સંબંધ કરતા પૈસાનો મોહ વધુ છે અને તેથી જ તેને કોઇ પણ બિમારી આવે કે કોઇ દુખ આવે તો તેની પડખે ગણ્યાં ગાંઠયા લોકો હોય છે, પરંતુ ખરા અર્થમાં જેની જરુર હોય તેવા પોતાના જ કોઇ હોતા નથી. આજના વ્યકિતને પોતાના પારકા લાગવા લાગ્યા છે અને પારકા પોતાના. જીંદગીના રસ્તેથી હું જ્યારે દરેક વ્યકિતનું જીવન જોઇ રહયો હતો ત્યારે મને ખબર પડી કે વ્યકિત હંમેશા પોતાના જ કર્મોથી દુખી થતો આવ્યો છે અને દોષનો ટોપલો જીંદગીના રસ્તે નાખી તેને બદનામ કરી દીધો છે. જીંદગીના રસ્તે વ્યકિત જેવું કામ કરશે તેવું જ ફળ તેને મળશે. એક પત્રકાર તરીકે હું હંમેશા જ્યોતીષ શાસ્ત્રનો વિરોધી રહયો છું. મોર્ડન સંસ્કૃતિની ચાદર ઓઢી હોવા છતાં આજનો વ્યકિત એવા વિચારો ધરાવે છે કે, જે વ્યકિતને પોતાના ભવિષ્યની ખબર નથી હોતી તેની આગળ તે તેનું સર્વસ્વ લૂંટાવી દેતો હોય છે અને લૂંટવાવાળા લૂંટી લે તેમ છતાં તે તેના મોહમાં એટલો બધો અંધ બની જાય છે કે દિવસની શરુઆત પણ કહેવાતા જ્યોતિષ બાપાના માર્ગદર્શનથી જ કરે છે. અરે જો સારા-નરસા દિવસો આવા જ્યોતિષો જ નકકી કરતા થઇ જશે તો દુનિયામાં કોઇ વ્યકિતને દુખમાં નહીં જીવવું પડે, કોઇ વ્યકિતને ગરીબી નહીં ભોગવવી પડે. જે જ્યોતિષને પોતાની આજની કે કાલની નથી ખબર તેવા કહેવાતા જયોતિષીઓ શું લોકોનું સારું કરવાના. જેની જરુર નથી તેની કિંમત કરે છે અને જેની જરુર છે તેની કિંમત કરવાનું ભુલી ગયેલો આજનો વ્યકિત તેના જીંદગીના રસ્તે વારંવાર દુખી થાય છે. સ્વાર્થ પૂરતી જ આ દુનિયા છે જેને ભુલતા વાર નથી લાગતી. મૃત્યુ પછી કોઇ પણ વ્યકિત તેના સારા કામો કે સારા સંબંધોથી જીવિત હોય છે. દિવસે દિવસે વ્યકિત જેમાં પીસાઇ રહયો છે તેવા સ્વાર્થરુપી સંબંધો ખુબ ટૂંકા હોય છે. તેની નીકટ જતા જ તે તૂટી જતા હોય છે. જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્વિત છે તે સૌ કોઇ જાણે છે તેમ છતાં તેઓ પોતાની જીંદગીના રસ્તાને ખોટી મોહમાયામાં ફસાવવાનું વધુ યોગ્ય માને છે. હંમેશા સમયની સાથે ચાલવાનું રાખો. સમય પહેલા ચાલવાથી કે પછી ચાલવાથી દુઃખી થવાય છે. સુખનો સ્વભાવ તોડવાનો અને છુટા પડાવવાનો છે અને દુઃખનો સ્વભાવ જોડવાનો છે. ઘનવાન માણસો સગવડતા માટે થઇને જુદા થઇ જાય છે, જેના અન્ન જુદા એના મન જુદા થઇ જાય છે. આજે ઘનવાન માણસો કરતાં ધનનાં ઢગલાં ઘણાં થઇ ગયા છે. જેમની પાસે અઢળક સંપત્તિ તો છે પણ સાંજ પડે સુખ-દુખની વાતો સાંભળવા કે કરવાવાળું કોઇ નથી, દીકરાઓ છે પણ તેઓ જુદા રહે છે તેથી તેમની પાસે સમય નથી. પૈસો છે પણ અભિમાન ખુબ છે તેથી નાના માણસો કે મિત્રોની કોઇ કિંમત નથી. જ્યારે દુઃખ હંમેશા વ્યકિતઓને ભેગા કરવાનું કામ કરે છે. પેઢીઓથી સંબંધોમાં અબોલા હોય કે સંબંધોમાં તિરાડ પડી હોય તો પણ પરીવારમાં જો કોઇ મૃત્યુ પામે તો સૌ એક થઇને એક છત નીચે આંસુ સારે છે. ભારતની એક પરંપરા સદા ચાલી આવી છે કે, સુખ હંમેશા વહેંચવા જવું પડે છે જ્યારે દુઃખ લોકો લેવા આવે છે. સુખમાં હંમેશા લોકોને આમંત્રણ આપવું પડે છે કે અમારે ઘરે સુખનો પ્રસંગ છે સૌ કોઇ આવજો. દુઃખમાં હંમેશા લોકો સામે ચાલીને આવતા હોય છે. આપણે ત્યાં મરણ થાય કે કોઇ સ્વજનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તમામ સગા-વ્હાલા દોડીને આવે છે એ સમયે કોઇને આમંત્રણ આપવામાં નથી તેમ છતાં લોકો દોડીને આવે છે. ભીખુદાન ગઢવીએ કહયું છે કે,
અહીં દુખની દુનિયામાં અનેક રંગ જોયા છે,
ભલે સુખનું જગત હોય પ્રકારે પ્રકારે.
સ્વજનની કબર હોય, કે હોય ગુનેગારની,
છે સરખી ઉદાસી મજારે મજારે.
જીવનભરના તોફાનો ખાલી રહયો છું,
ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે.
ગમે ત્યાં હું ડુબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન વિતાવ્યું સહારે સહારે.
જીવન વિતાવવા હંમેશા વ્યકિતને સહારાની જરુર પડે છે. ફરક બસ એટલો જ છે કે સમય સમયે તે સહારો બદલાઇ જતો હોય છે. બાળપણમાં માતાપિતાનો સહારો, જુવાનીમાં પત્નીનો સહારો અને ઘડપણમાં લાકડીનો સહારો. આ બધા સહારા જીંદગીના એક પડાવો છે જે સૌ કોઇએ પાર કરવાનાં હોય છે. આ તમામ પડાવોમાં અંતિમ પડાવ જીવનની પરીક્ષાનો પડાવ છે. આખું જીવન તમે શું કર્યુ, શું મેળવ્યું ? તે આ પડાવ ઉપર નકકી કરવાનું હોય છે અહીં જીંદગીનો હિસાબ લખાય છે. કોઇએ સારા કર્મો કર્યા હોય તો તેને તેના સંતાનોનો સહારો અને પ્રેમ મળતો હોય છે પણ જો ખરાબ કર્મો કર્યા હોય તો તેને દુખ સિવાય કંઇ મળતું નથી. જીંદગીનો રસ્તો ખુબ નાનો છે તે ક્યાં કપાઇ જાય છે તેની ખબર પણ નથી પડતી. જીંદગીના રસ્તે આજે સંબંધોનું મહત્વ ખત્મ થઇ ગયું છે. જેનું મુખ્ય કારણ કુસંસ્કાર અને પૈસાની મોહમાયામાં અંધ થતો માનવી જવાબદાર છે.
આજે માં-દીકરી કે બાપ-દીકરા વચ્ચે કોઇ પણ પ્રકારની મર્યાદા રહી નથી. માંના સંસ્કાર દિકરી જુવાન થાય ત્યાં સુધી તો વિલાઇ ગયા હોય છે અને તમામ મર્યાદાઓ નેવે મૂકીને પૈસા માટે આંધળી દોટ લગાવી રહી છે. જ્યારે દીકરો પિતાની મર્યાદા ભુલીને, પિતાના સંસ્કાર ભુલીને પશ્વિમી સંસ્કૃતિ તરફ દોટ મુકી શરાબ અને કબાબના વ્યસને બંધાઇ ગયો છે. આ સંબંધોમાં હવે લાગણી જેવું કંઇ જ રહયું નથી અને તેથી જ આવા તમામ લોકો માત્રને માત્ર દુઃખી થતા જઇ રહયા છે. ગરીબના ઘરમાં હંમેશા ખુશી હોય છે. ભલે ત્યાં પૈસો નથી પણ ત્યાં માન છે, સન્માન છે અને સૌથી મોટો કહી શકાય તેવો સંતોષ છે. સાંજ પડે પરીવારનું પેટ ભરાય છે તેનો તેને આનંદ છે અને તેમાં જ તે હંમેશા ખુશ છે. આજનો વ્યકિત દેખાદેખી અને પૈસો પેદા કરવાની લાલચમાં ખરાબ રસ્તે આંધળી દોટ મુકી રહયો છે તેને ખબર નથી કે આ જીંદગીનો રસ્તો તેને ક્યાં લઇ જઇને ઉભો કરી દેશે. આ સંસારમાં કુદરતે તેની સમૃઘ્ધિના અપાર ભંડારો ભર્યા છે પણ વ્યકિત તેને લૂંટી શકવાની બુઘ્ધિ ધરાવતો નથી. કુદરતની સમૃઘ્ધિ એટલે સૂર્ય, ચંદ્ર, ધરતી, આભ, વરસાદ, પવન, હિમાલય, દરીયો. જેની કલ્પના પણ ન કરી શકાય તે બધી કુદરતની સંપત્તિ છે. પણ આજનો વ્યકિત આ બધુ જાણીને પણ અજાણ છે તેનું કારણ એ છે કે, કુદરતે તેની આ સંપત્તીના ક્યારેય બિલો મોકલાવ્યા નથી. જો તેણે તેની આ સંપત્તીના પણ બિલો મોકલાવ્યા હોત તો આજના માનવીઓને આપઘાત કરવાનો સમય આવે. સુર્ય, ચંદ્ર, વરસાદના બિલો આવતા હોત તો વ્યકિતની શું દશા થઇ હોત. આજના વ્યકિતને જલ્દી પૈસો કમાવી લેવો છે, મહેનત વિનાનો પૈસો કમાવી લેવો છે અને અણહકનો પૈસો ક્યારેય ટકતો નથી કે ક્યારેય સુખ આપતો નથી. મારા ઘરથી થોડે દુર એક ભાઇ રહે. અમરતભાઇ એનું નામ. લોકો એને ગાંડો કહે અને મારે.
એક દિવસ હું મારા ઘરની બહાર બેઠો હતો અને અમરતભાઇને જોતો હતો. મારી શેરી આગળ એક કૂતરું તડપી રહયું હતું. અમરતભાઇએ તે કુતરુ જોયુ અને તેને તડપતું બચાવવા તેની ઉપર ચાદરુ ઓઢાડયું અને થોડા પાણીનો છંટકાવ કર્યો પણ કૂતરાને ખબર નહીં શું થયું હતું તે થોડી વાર તડપ્યું અને મૃત્યુ પામ્યું. કૂતરાને શ્વાસ બંધ થઇ ગયો હોવાની ખબર પડતા અમરતભાઇએ આ કુતરા ઉપરથી ચાદરુ લઇને એક કપડું ઓઢાડી દીધું. તેમની આંખમાંથી આંસુ સરી ગયા અને આકાશ સામે જોઇ બે હાથ જોડયા. મને એમ થયું કે, અમરતભાઇ એમ કહેતા હશે કે, હે ઇશ્વર! મેં તારા બનાવેલા આ પ્રાણીને બચાવવા ઘણા પ્રયાસો કર્યા પણ તારા ચોપડે એનું મોત લખેલું હતું તો હું કોણ બચાવવા વાળો. આ સમયે મને એમ થયું કે સાચો બુઘ્ધિવાળો માણસ તો આ છે જેને એક-એક જીવ પ્રત્યે દયા છે. હકીકતમાં તો ભણેલા ગણેલા ગાંડા અને અભણ તો આપણે છીએ જે ક્યારેય કોઇને સમજી શકતા નથી અને હંમેશા આપણા સ્વાર્થ માટે જ લડતા રહીએ છીએ. વ્યકિત ગમે તેટલો પૈસાદાર કે ધનવાન હોય પરંતુ તેને જીવવા માટે તો જેટલી જરુરીયાત હોય છે તેટલું જ જોઇએ છે. એવું તો નથી કે ગરીબને પહેરવા માત્ર એક જ કપડું જોઇએ અને અમીરને પહેરવા અગણિત કપડા જોઇએ. બંન્ને એક જ પ્રકારના કપડા પહેરીને જગતમાં ફરતા હોય છે ફક્ત બંન્નેના કપડાની કંપનીઓ અલગ અલગ હોય છે અને બંન્નેની જીંદગીના રસ્તા પણ અલગ અલગ હોય છે. સૌથી સુખી રસ્તો ગરીબનો હોય છે કેમ કે, સાંજ પડે તેની પાસે સુખ-દુખની વાતો કરનારા તેના પોતાના ઘણા લોકો હોય છે જ્યારે અમીર પાસે પૈસો હોવા છતાં તેની પાસે તેના સુખ-દુખની વાતો કરવાવાળા કોઇ ભાગ્યે જ હોય છે કેમ કે, તેના સંતાનો અલગ અલગ રહેતા હોય છે અને જો ભેગા રહેતા હોય તો તમામ લોકોના રુમો અલગ અલગ હોય છે અને રુમોની સાથે સાથે તેમના રસ્તાઓ પણ અલગ થઇ જતા હોય છે. આમ, અમીર અને ગરીબ વચ્ચેની કહેવાતી પાતળી રેખા કોઇકને જ સમજાય તેવી હોય છે.
જીંદગીના રસ્તે આ એક મહત્વની વાત બની જાય છે કેમ કે અમીર-ગરીબની જીંદગીના રસ્તાઓ પણ અલગ અલગ હોય છે. સમય સમયનું કામ હંમેશા કરતો રહેશે. વ્યકિતએ એ સમયને અનુરુપ ચાલવાનું છે. આજે શું થવાનું છે તેનું વર્ણન આજથી વર્ષો પહેલા થઇ ગયેલા મહાપુરુષોએ પોતાની વાણીમાં જણાવી દીધું છે, પોતાના ગ્રંથોમાં જણાવી દીધું છે. આજે જો સમાજ કે સંસ્કાર આમ ચાલતા હોય તો આવતીકાલે આમ ચાલશે તેનું સીધેસીધું ગણિત આ મહાપુરુષોએ સમજાવ્યું છે. ધરતી તેની ઉપર વધતો જઇ રહેલો પાપાચાર હવે સહન કરી શકતી નથી અને તેથી જ તે ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોથી આ બધું સરભર કરવાનો પ્રયત્ન કરી રહી છે. આજે જો સંબંધો અને વ્યકિતની કોઇ માન-મર્યાદા રહી નથી તો આવતીકાલ આવનારી પેઢી માટે કેવી આવશે. આ તમામ વાતો રામાયણ, મહાભારતમાં અનેક ઉદાહરણો આપીને અગાઉથી જ સમજાવી દેવામાં આવી છે પરંતુ તેને સમજનારા લોકો ખુબ ઓછા છે અને તેને સમજવું પણ ખુબ અઘરું છે.
માણસ જ્યારે સારું જીવે છે ત્યારે સતયુગ છે અને જ્યારે તે ખરાબ જીવે છે ત્યારે કળયુગ છે આમ, સતયુગ-કળયુગ જીવનમાં જ આવી જાય છે. જીંદગીનો રસ્તો આવનારા સમયમાં કેવો હશે તે અંગે એક રાજેશ્રી મુનિએ કહયું છે કે, આવનારા સમયમાં એવો તો હળહળતો અને ભયંકર કળયુગ આવી રહયો છે કે, માનવીનું સરેરાશ આયુષ્ય ૨૦ વર્ષનું થશે, ધર્મ રહેશે નહીં, માણસાઇ મળશે નહીં અને આ વાત આજે સાચી પડતી જઇ રહી હોય તેવું લાગી રહયું છે. જીંદગીના રસ્તેથી હંમેશા સારું જ સ્વીકારનારાઓ માટે જીવન એક સુંદર પથ છે અને ખરાબ સ્વીકારનારાઓ માટે જીવન ખરાબ પથ છે. દિવસે દિવસે બદલાતો જતો યુગ વ્યકિતની જીંદગીના રસ્તાને પણ બદલી રહયો છે. જીંદગીના રસ્તે અનેક સવાલો અને જવાબો છે પણ તેને મેળવવા ખુબ અઘરા છે. જે ફક્ત સાચા લોકો અને જીંદગીને ખરા અર્થમાં સમજનારા લોકો જ તેને સમજી શકે છે. જીંદગીના રસ્તા આજે કેમ ભયંકર અને ખરાબ લાગવા લાગ્યા છે તેનું કારણ એ છે કે, ગઇકાલે દીકરો માતા-પિતાને પગે લાગીને ઘરની બહાર જતો, માતા-પિતાના આર્શીવાદ લઇને શુભ કાર્ય કરતો અને આજે માતા-પિતા પોતાના દીકરાને પગે લાગી રહયા છે. રોજ સવારે માતાપિતા પોતાના દીકરાને પગે લાગીને કહે છે કે, હે મારા વીરા અમે તને પગે લાગીએ છીએ, તું દારુ પીવાનું છોડી દે, તું જુગાર રમવાનું છોડી દે. જીંદગીમાં આવેલા બદલાવથી દરેક વ્યકિતને આજે જીંદગીના પથ ઉપરથી નફરત થવા લાગી છે.
જીંદગીનો રસ્તો ખુબ મજાનો છે, મેં આગળ પણ આપને જણાવ્યું તેમ તે ખરાબ નથી કે તે દુઃખ કે સુખથી ભરેલો નથી. તેને સારો, ખરાબ કે સુખ-દુઃખથી ભરપુર બનાવવા આપણે જાતે જ પ્રયાસો કરવાના છે. આપણે તેને જેવા વળાંકો આપીશું તેવા વળાંકો તે આપણને આપવાનો છે. એક સ્ત્રીના પતિનું મૃત્યુ થયું. તેમ છતાં તેની આંખમાંથી આંસુ ન હતાં. લોકોએ તેને પુછયું કે કેમ બાઇ તુ રડતી નથી? તને દુખ નથી થતું? તારો પતિ મૃત્યુ પામ્યો છે. સ્ત્રીએ જવાબમાં કહયું કે, આ મારો પતિ જીવ્યો ત્યાં સુધી હંમેશા ખરાબ કામ કરતો રહયો છે, ક્યારેય તેને સારું કામ નથી કર્યુ તો શું કામ તેની પાછળ હવે રડવાનું. મિત્રો, સારા કામ કરનારા પાછળ લાખ્ખો લોકો રડવા તૈયાર હોય છે, લાખ્ખો લોકોના દિલમાં તેને સ્થાન મળે છે પણ હંમેશા ખરાબ કામ જ કર્યા હોય તો બધા એમ જ વિચારતા હોય છે કે આ હવે જલ્દી મૃત્યુ પામે તો સારું. આપણે જ આપણા કર્મોથી આપણે જીંદગીને બદનામ કરતા જઇ રહયા છીએ. પહેલાના માણસો કુદરતગત થઇને રહેતા હતા, કુદરતના ખોળે જીવતા હતા અને અત્યારે માણસ યંત્રગત થઇને રહેતા થયા છે, યંત્રોના ખોળે જીવતા થયા છે.
પહેલા માણસ સૂર્ય અને ચંદ્રના પ્રકાશમાં જીવતો હતો, અત્યારે માણસ વિજ્ઞાનના પ્રકાશમાં જીવતો થયો છે. કુદરતના આધારે જીવતો માણસ આજે યંત્રગત થઇ ગયો છે. યંત્રના સહારે તે જીવી રહયો છે અને તેની પાછળ તે કુદરત અને કુદરતી શકિતઓનો નાશ કરતો જઇ રહયો છે તેથી તેને જીંદગીના રસ્તાઓ પણ યંત્રવત લાગી રહયા છે. પહેલાનો માણસ જીંદગીના રસ્તે પોતાના સતકર્મથી ચાલતો હતો અને આજનો માણસ જીંદગીના રસ્તે તેના યંત્રથી ચાલવા લાગ્યો છે. માણસ માણસને ચાહતો હતો અને આજે માણસ યંત્રને ચાહે છે. જે વસ્તુ આપણા માટે રુએ તેને ચાહો, તેને પસંદ કરો, તેની સાથે લાગણી બાંધો. પણ જે વસ્તુ આપણા માટે રુએ નહીં તેને ચાહશો નહીં. આજે માણસ ટીવી, મોટરકાર, બાઇક, બંગલો, જમીન, મોબાઇલ જેવા યંત્રોને ચાહવા લાગ્યો છે તેના વિના રહી નથી શકતો. આ તમામ નિર્જીવ છે તે ક્યારેય તમારા દુઃખ સમયે રડતા નથી. તમારા દુઃખ સમયે જો કોઇ રડનાર હોય તો તે તમારા પોતાના મિત્રો, સગા-વ્હાલા જ છે અને જીવનમાં તેને પ્રેમ કરશો તો જીવન તમને પ્રેમ કરશે. માણસ જ્યારે કુદરતના આધારે જીવતો હતો ત્યારે તે કુદરત જેવો હતો, આજે માણસ યંત્રના આધારે જીવે છે તેથી તે યંત્ર જેવો બની ગયો છે. તેનામાં પ્રેમ નથી રહયો, તેનામાં માનવતા નથી રહી, તેનામાં સંસ્કાર નથી રહયા, લાગણી નથી રહી. આજે ભર યુવાનીમાં નારીનો ચૂડલો ભાંગી રહયો છે. પંડીતો એટલી હદે પહોંચી ગયા છે કે, ગીતા અને પોથીનું આજની નવી પેઢીને કંઇ જ્ઞાન જ નથી. પહેલાના જમાનામાં જીંદગીના રસ્તા મોજ-મસ્તીથી ભરેલા અને સુખી લાગતા હતા તેનું કારણ હતું કે, પહેલા માણસમાં મર્યાદા હતી, સંસ્કાર હતા અને આજે આ જ રસ્તાઓ દુખી લાગવા લાગ્યા છે કારણ કે, અત્યારે માણસ મર્યાદા ભૂલી ગયો છે, આજે માણસ સંસ્કાર ભૂલીને કુસંસ્કારનું ઓઢણું ઓઢીને બેઠો છે. પરણેલી સ્ત્રીનો પતિ પરદેશ કે શહેર ગયો હોય તો સ્ત્રી ક્યારેય શણગાર સજતી નહતી, પલંગ ઉપર પથારી ન કરે, માથામાં તેલ ન નાખે. તેની તુલનામાં આજની સ્ત્રીઓ એ પુરુષો કેવું જીવન જીવી રહયા છે આપ કલ્પના કરી શકો છો. કહેવાય નહીં, પરંતુ આજે સ્ત્રી તેના પતિ સિવાય બીજા પુરુષના સંગમાં પડી છે અને પતિ બીજી સ્ત્રીના સંગમાં પડયો છે અને તેથી જ આજે પતિ અને પત્નિ વચ્ચે સુખ નથી, સંબંધો નથી અને જોઇએ તેવો પ્રેમ નથી. પોતાના સંતાનો હોવા છતાં આજના પિતાને બહારની સ્ત્રીના સંતાનોમાં પ્રેમ થયો છે જ્યારે સ્ત્રીને બહારના પુરુષના સંતાનમાં પ્રેમ થયો છે. આ બધા કળીયુગના એંધાણ વર્તાઇ રહયા છે. માં-બાપ, સાસુ-સસરા, ભાઇ-બહેન, દિયર-નણંદનું આજે માનસન્માન કે મર્યાદા રહી નથી. ઠેર ઠેર બધા સુખથી વંચિત થતા જઇ રહયા છે અને અંતે જીંદગીના રસ્તાઓ જ ખરાબ છે તેમ કહી તેને બદનામ કરી રહયા છે. માણસને જન્મ આપતી વખતે તેનો જન્મદાતા બંધાયો છે કે તે ક્યારેય ભુખ્યો નહીં સુવડાવે. ગમે તેટલો ગરીબ હોય પણ સાંજ પડે તેને રોટલો મળી જતો હોય છે.
આજે વ્યકિત ગરીબના નામે અમીર બની રહયો છે અને અમીરના રોટલા ખાતો થઇ ગયો છે એટલે સતત દુખી થતો જઇ રહયો છે. ઠેરઠેર ગરીબો કે ભુખ્યાને નામે ચાલતી સંસ્થાઓમાં કરવામાં આવતું દાન ગરીબો કરતા ટ્રસ્ટીઓના પેટ ભરવા વધુ વપરાઇ રહયું છે. સોનું ચાંદી કે મોતી ગમે તેટલા મોંઘા હોય પરંતુ તેને ખવાતા નથી. આજે પૈસાદાર બાપની દીકરી કે દીકરો શરાબ અને કબાબના રવાડે છે, અને તેના માતા-પિતા શાનદાર પાર્ટીના શોખીન બન્યા છે. આ જીવનમાં માં-બાપ, દિકરો-દિકરી તમામના રસ્તાઓ અલગ અલગ થઇ ગયા છે. જુવાનીના જોશમાં મદમસ્ત બનેલા લોકોને તેનો અહેસાસ તો થતો નથી પણ જ્યારે ઠોકર વાગે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. દુનિયામાં હવે કેટલાક જ ઘર એવા રહયા છે જ્યાં વડીલો અને માં-બાપના સંસ્કારો હજુ પણ અકબંધ રહયા હોય બાકી તો જન્મતા વેંત જ પિતાને ડેડ અને માતાને મોમ બનાવી દેનારી સંસ્કૃતિનો પુરજોશમાં ઉદય થઇ ગયો છે જેને કોઇ રોકી શકે તેમ નથી. અત્યાર સુધી ચાલનારો જીંદગીનો રસ્તો પણ હવે સમયની સાથે સાથે બદલાઇ ગયો છે જેની કલ્પના ગઇકાલ અને આજને સરખાવતાં જ થઇ શકે છે. અમીરીમાં બે ભાગ છે. એક શ્રીમંત અને બીજો ધનવાન. આજે લોકો શ્રીમંત કરતા ધનવાન વધુ થઇ રહયા છે. એક્ ગામમાં એક ધનવાન શેઠ રહેતા હતા. ઘડપણના દિવસો હતા. નખ નખમાં રોગ હતા, ખુબ પીડાતા હતા. તેમ છતાં તેમની સારવાર કરવા વાળું કોઇ જ નહતું. અસહય પીડા પછી એક દિવસ અચાનક શેઠનું મૃત્યુ થયું. મૃત્યુ સમયે માત્ર ગણ્યાં-ગાંઠયા લોકો જ ભેગા થયા. સ્મશાન યાત્રામાં પણ માત્ર ૧૦ થી ૨૦ માણસો જ એકઠા થયા. તમને નવાઇ લાગશે કે, આટલો મોટો ધનવાન વ્યકિત અને તેની સ્મશાન યાત્રામાં માત્ર ૧૦ થી ૨૦ માણસો જ. આટલી ઓછી સંખ્યાનું કારણ એ હતું કે, મૃત્યુ પામનાર શેઠે હંમેશા પૈસો જ ભેગો કર્યો હતો. તેણે અનેક લોકોના પેટ ઉપર પાટા મારીને અનેક લોકો સાથે છેતરપીંડી કરીને બેનામી સંપત્તિ ભેગી કરી હતી. તે ક્યારેય જમીન ઉપર પગ નહતો મુકતો, જ્યાંથી તે શેઠ ચાલતા તે રસ્તે લાલ જાજમ પથરાઇ જતી, સોનેથી ઢાંકેલા શરીરમાંથી બસ દારુ અને કબાબની જ દુર્ગધ આવતી. પોતાની યુવાનીમાં રંગીન મિજાજમાં હંમેશા રહેતા. પૈસાનું તેને ખુબ અભિમાન હતું. તેના અભીમાનપણાંના કારણે તેના કોઇ મિત્રો ન હતા અને તેથી જ તેના મૃત્યુ સમયે રોવાવાળા પણ કોઇ ન હતા. આવા લોકોને ધનના ધાનેરા કહેવાય છે. આવા લોકો પાસે ધનના અપાર ભંડાર હોય છે પણ સુખ નથી હોતું, સુખ-સુવિધાના નામે તેમના પોતાના જ દિકરાઓ તેમનાથી વિખૂટા પડેલા હોય છે. જ્યારે બીજા ગામમાં એક શ્રીમંત પરીવાર રહેતો હતો. આ શ્રીમંત પરીવારના મોભીનું મૃત્યુ થયું ત્યારે આખું ગામ હિલોળે ચઢયું હતું. ગામના નાના-મોટાથી માંડીને સૌ વડીલોએ આક્રંદ કરી ગામને ગજવી નાંખ્યું હતું. લોકો ગામે ગામથી આ મોભીની સ્મશાન યાત્રામાં જોડાવા આવતા. કારણ કે, શ્રીમંત પરીવારનાં આ મોભી પાસે કરોડો રુપિયાનો ભંડાર હતો. પરંતુ હંમેશા આ રુપિયાને તેમણે સત્કાર્યો કરવામાં વાપર્યા. ગામમાં જરુરીયાતમંદ વ્યકિતની દિકરીને પરણાવી, ગામમાં એક શાળા બાંધી, ગામના યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી એક મીલ સ્થાપી અને ઘરડાલોકો માટે એક સરસ મજાનો બગીચો બનાવી આપ્યો. આ મોભી હંમેશા તેમના પરીવાર સાથે એક જ છત નીચે રહેતા અને લોકોને કરેલી મદદથી તેઓ લોકો માટે ભગવાન બની ગયા હતા. આમ, ધનવાન અને શ્રીમંત વચ્ચે અનેકગણો તફાવત રહેલો છે. પોતાના માટે તો સૌ કોઇ જીવે છે પણ તેઓ ક્યારે અમર નથી થતા કે કોઇ તેમને યાદ નથી કરતું. બીજાના માટે જીવનારા હંમેશા અમર થઇ જાય છે તેઓને હંમેશા લોકો યાદ કરતા હોય છે. જીંદગીનો રસ્તો હંમેશા એમ કહે છે કે, મને એવી રીતે માણો કે તમારી આસપાસના લોકો તમારી હયાતી ન હોય ત્યારે આંસુ સારે, એવી રીતે નહિં કે તમારી હયાતી ન હોય ત્યારે તમારી ઉપર હશે કે તમને ધિક્કારે. આજે જમાનો એટલી હદે પશ્વિમી સંસ્કૃતી તરફ આગળ વધતો જઇ રહયો છે કે તેને ગઇકાલે શું થયું હતું તેની સમજ નથી અને આવતીકાલે શું થવાનું છે તેનું તેને ભાન નથી. તેને વિચારો છે તો બસ આજના અને આજે કરવાની મોજશોખના. આવા વિચારોથી તે હંમેશા દુઃખી થઇ રહયો છે અને સ્વાદ વિનાના ભોજનની જેમ ખાલી બાહય દેખાવ સાથેની જીંદગી જીવી રહયો છે. આજના વ્યકિતને એ ખબર નથી કે તે પોતે શું બનવા માંગે છે, તે પોતે ક્યાં જવા માંગે છે, તેની ઇચ્છા શું છે. તેને ખબર છે તો બસ એટલી જ કે, તેને અઢળક રુપિયામાં રાચવાનું છે અને તે રુપીયો કાળા ચોરનો પણ કેમ ન હોય. બસ, મહેનત વિનાના પૈસા પાછળ આંધળી દોટ મુકી છે અને તે દોટમાં ક્યારેક તે એવો પડી જાય છે કે તેનામાં ફરી પાછા ઉભા થવાની તાકાત રહેતી નથી કે કોઇ વ્યકિત તેને ઉભો કરનાર તેની પાસે હોતા નથી. મેં ઘણા એવા વ્યકિતઓ જોયા છે કે જેઓએ ભરપુર જાહોજલાલી ભોગવી હોય અને સમયની એક લપડાકે તેમને શૂન્ય બનાવી દીધા હોય.
લાલદરવાજા આજથી ઘણા વર્ષો પહેલા એક રાયચંદ નામના શેઠ હતા. આ શેઠને કાપડનો ખુબ મોટો ધંધો હતો. તેમને પૈસાનું ખુબ અભિમાન. જ્યાં ન વાપરવાના હોય ત્યાં શેઠ પૈસા પાણીની જેમ વેળફી નાખતા અને લક્ષ્મીનો સતત અનાદર કરતા. શેઠના પરીવારમાં ૩ દિકરીઓ જ હતી. પિતાની જાહોજલાલીમાં દિકરીઓ પાણી માંગતી તો દુધની ધારાઓ થતી. એવી તો જાહોજલાલી હતી કે તે સમયે શેઠ પાસે સૌથી મોઘીં ગણાતી ૪ વિદેશી મોટરકારોનો કાફલો હતો. સમયની વક્રતા ગણો કે રાયચંદશેઠના અભિમાનનું પતન ગણો એક સમય એવો આવ્યો કે ઘંધામાં તેમને કરોડો રુપિયાનું નુકશાન થયું. શેઠ રોડ ઉપર આવી ગયા. કોઇ સહારો નહીં. જેટલી મિલ્કત હતી તે બધી વેચાઇ ગઇ હતી. પડખે હવે બસ પત્ની અને ત્રણ દિકરીઓનો જ સહારો હતો. થોડો ઘણો સરસામાન લઇ શેઠ ભાડે રહેવા લાગ્યા અને એક કાપડની દુકાનમાં નોકરી લાગ્યા. સમય સમયની વાત છે આ બધી. ગઇકાલે લોકોને નોકરીએ રાખનારા શેઠને આજે નોકરીએ રહેવું પડયું છે. ગમેતેવી જાહોજલાલીમાં જો તમે તમારા સંબંધો કે પરીવારને ભુલ્યા તો સમજો તમારું પતન નિશ્વત છે. આજે શહેરોમાં ઘરે ઘરે ગાડીઓ થઇ ગઇ છે. ગાડીઓની કંઇ નવાઇ રહી નથી. લોકો આજે જમીનદાર થઇ ગયા છે. ઘરમાં રહેલી દિકરી કે દિકરાનું સગપણ કરવાનું છે તો તેના સંસ્કાર નહીં પણ જમીન કેટલી છે તે પ્રશ્ન પહેલો પૂછાઇ રહયો છે અને તેથી જ આજે સંબંધોમાં તિરાડ પડી રહી છે અને લગ્ન પછી છુટાછેડાના બનાવો વધી રહયા છે. વીસ-વીસ વર્ષના સબંધોનો અંત આવતા વીસ સેકન્ડ પણ નથી લાગતી. જેનું મુખ્ય કારણ છે દેખાદેખી અને અભિમાન.
જમીયતપુરાના મહંત શાસ્ત્રી સ્વામી ઘનશ્યામપ્રકાશ દાસજીએ એક દિવસ તેમના વકતવ્યમાં કહયું હતું કે, જીવનમાં ત્રણ અભિમાન ક્યારેય ન કરવા. એક પૈસાનું બીજું તમારી આવડત એટલે કે શિક્ષા(ભણતર)નું અને ત્રીજું તમારા રુપનું. આ ત્રણેય અભિમાનોનો નાશ થતા વાર નથી લાગતી. વ્યકિત જ્યારે પૈસાનું અભિમાન કરે છે ત્યારે તે તેના સંબંધોના નાશની સાથે માન-મર્યાદા ખોઇ બેસે છે અને દારુ-જુગારના રવાડે ચઢી જાય છે. આ વ્યસનો તેને ક્યારે પુરો કરી દે છે તેની તેને જાણ પણ નથી થતી હોતી. બીજુ પોતાની આવડત કે પોતાના ભણતરનું ક્યારેય અભિમાન ન કરવું કેમ કે આજે આ જગતમાં ઘણા એવા લોકો છે જેઓ લાખ્ખો રુપિયા ખર્ચીને ભણ્યા અને તેનું તેમને અભિમાન આવ્યું અને પરીણામે અભણ વ્યકિતના હાથ નીચે કામ કરવાનો સમય આવ્યો. કયારેક ભણેલા જે કામ નથી કરી શકતા તે કાન અભણ કરી જતા હોય છે. અને ત્રીજું કે કુદરતે આપેલા પોતાના રુપનું ક્યારેય અભિમાન ન કરવું. આજે યુવક-યુવતીઓને પોતાના રુપનું ખુબ અભિમાન આવી જતું હોય છે પરંતુ એક સમય એવો આવી જાય છે જે એ જ અભિમાનથી ભરેલા રુપ ઉપર ક્રોધ આવવા લાગે છે. શાસ્ત્રી સ્વામીએ કરીલી આ વાત આજે પણ અનેક જગ્યાએ સાર્થક થઇ રહી છે. જીંદગીના રસ્તે ચાલતા ચાલતા અનેક વળાંકો આવે છે બસ એને સમજવાની અને માણવાની જરુર છે. બાકી તો આ પૃથ્વી ઉપર જીવનારા તમામ લોકાનેે જીંદગીના રસ્તે જ ચાલવું પડે છે છતાં તેનાથી સંતોષ મળ્યો હોય તેવા ખુબ ઓછા લોકો છે. જો આપણને આપણી જીંદગીથી જ સંતોષ ન હોય તો કેવી રીતે એવી આશા રાખી શકીએ કે, આપણી આસપાસ રહેનારા લોકો આપણી પાસે એવું કાર્ય કરે કે આપણને હંમેશા સંતોષ જ થાય. આપણે જ જીંદગીથી અસંતુષ્ટ છીએ તો પછી બીજા કોઇ પાસે સંતુષ્ટતા માંગવાનો આપણને કોઇ અધિકાર નથી.
જીંદગીના રસ્તાને હંમેશા આપણે જ આપણા કર્મોથી ખરાબ કરતા આવ્યા છીએ. બાકી તો કોઇ મહાન સાધુ-સંત હોય એમને પુછવામાં આવે કે જીંદગીનો રસ્તો કેવો? તો તેના જવાબમાં તેમને ક્યારેય કોઇ ફરીયાદ નહીં હોય તેમના મતે જીંદગીનો રસ્તો હંમેશા સારો અને ખૂશનુમા જ હશે. માણસે બનાવેલા રસ્તાઓ ઉપર એક સરખી મોટરકાર, એક સરખી ઇમારતો કે એક સરખા માણસોના કપડાઓ ચોક્કસથી જોવા મળશે પરંતુ જીંદગીના રસ્તે ક્યારેય તમને એક સરખી સમાનતા જોવા નહિં મળે. અહીં તો જેટલા માણસો છે તેટલા રસ્તાઓ છે. તમામ લોકોના રસ્તાઓ અલગ અલગ છે અને તેથી જ સૌને જીંદગીના રસ્તાના અનુભવો પણ અલગ અલગ મળે છે. વ્યકિતના જીવનકાળ દરમ્યાન આવતો સમય હંમેશા બળવાન છે. તેની આગળ ગમેતેવો વ્યકિત પણ પડી ભાંગતો હોય છે, અને ગમેતેવો વ્યકિત પણ તાકાતવર બની જતો હોય છે. સમય સાથે દરેક વ્યકિતએ બદલવું પડતુ હોય છે. ક્યારેક સારો સમય તો ક્યારેક ખરાબ સમય વ્યકિતને અનેક સારાનરસા પરિબળો સમજાવી જતો હોય છે. વ્યકિત જીવે છે ત્યારથી મૃત્યુ પામે છે ત્યાં સુધી જીંદગીને સમજવામાં જ સમય કાઢી નાખે છે, તેને ક્યારેય મોજથી જીવી શકતો જ નથી અને જ્યારે જીવવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે જીંદગી તેના અંતે આવીને ઉભી હોય છે એટલે હંમેશા જીંદગીના દિવસોને માણો અને જીવનનો એક એક દિવસ એક ઉત્સવની જેમ ઉજવો અને પછી જુઓ જીંદગીના રસ્તાઓ તમારા માટે પથ ઉપર ફૂલોની ચાદર બીછાવશે. જીવનમાં આવતા સારા-નરસા પ્રસંગો કે સારા-નરસા લોકોનો હંમેશા આભાર વ્યક્ત કરો કેમ કે, એ લોકોએ જો તમારી સાથે કંઇ ખરાબ કે કંઇ સારું કામ ન કર્યુ હોત તો તમે ક્યારેય જીંદગીના રસ્તે આગળ વધી શકવાના ન હતા કે ક્યારેય જીંદગીના રસ્તાના અનુભવો માણી શકવાના ન હતા. વ્યકિતના જીવનમાં બે વાત હંમેશા આવ્યા કરે છે. સુખ અને દુખ. આ બે વાતો વચ્ચે જ જીંદગીનો રસ્તો પૂર્ણ થઇ જતો હોય છે. આજે એવો યુગ આવ્યો છે કે, સંસ્કૃતી અને વિકૃતી વચ્ચે એક લડાઇ જામી છે જેમાં વિકૃતીનો વિજય થતો જઇ રહયો છે. પશ્વિમી સંસ્કૃતિ તરફ પોતાના સંતાનો કે પોતાની જાતને લઇ જનારા લોકો માટે આજે જીંદગી ભાર અને દુખરુપ બની છે. પોતાની સંસ્કૃતિના ભોગે આજે વ્યકિતને અમીર બનવાનો અને દેખાદેખીનો ભારે શોખ જાગ્યો છે જેને કારણે આજનો વ્યકિત શાંતિથી જીવી શકતો નથી. પહેલાનો માણસ લોકોના દુખમાં ભાગ પાડતો હતો અને આજનો માણસ લોકોના દુખમાં વધારો કરતો થયો છે પછી ક્યાંથી તે સુખી થાય. કોઇનું સુખ જોઇ ન શકનારો માણસ આજે તેના સ્વાર્થ માટે કોઇ પણ હદે જવા તૈયાર થયો છે. ઘણીવાર સમાચારપત્રોમાં અવનવા કિસ્સાઓ આવે છે જે વાંચતા જ રુંવાડા ઉભા થઇ જાય છે. બાપે દિકરી ઉપર બળાત્કાર કર્યો, માં એ દિકરીને વેશ્યાવૃત્તિમાં ધકેલી, દિકરાએ બાપને મારી નાંખ્યો, દિકરીએ પ્રેમી સાથે મળીને માં ને મોતને ઘાટ ઉતારી દીધી. આ બધી વૃત્તિઓ પશ્વિમી સંસ્કૃતિને આવકારવાથી અને સંસ્કારો, માન-મર્યાદા ભુલવાથી વધતી જઇ રહી છે. માં-દિકરી, બાપ-દિકરાનો કેવો અમૂલ્ય સંબંધ છે. બાપની સામે ક્યારેય દિકરો ઊંચી નઝર કરી જોઇ ન શકે જ્યારે આજે બાપ અને દિકરો એક જ ગ્લાસમાં શરાબ પીતા થયા છે અને સાથે જ ગોરખધંધા કરતા થયા છે. માં તેની દિકરીને એવી શીખામણ આપી રહી છે કે, સારો કોઇ પૈસાવાળો છોકરો મળે તો ફસાવી લેવાનો અને જલસા કરવાના, આજે એક તો કાલે બીજો, ગઇકાલ ભુલી જા અને આવતીકાલે મોજ કર.
સંબંધોની થઇ રહેલી આવી હત્યાના કારણે આજે વ્યકિત દુખી દુખી બન્યો છે. આજે સંબંધોને અજવાળામાં રાખવા કરતા અંધારામાં રાખવા વધુ હિતાવહ બન્યા છે. કોઇ પણ સંબંધમાં તમે જો સચ્ચાઇનો સાથ રાખીને આગળ વધશો તો ક્યારેય તે સંબંધ જળવાઇ નહીં રહે પરંતુ કેટલીક વાતો બંધ મુઠીમાં રાખીને સંબંધ જાળવશો તો તે સંબંધ જળવાઇ રહેશે. કેમ કે, આજના વ્યકિતને સત્ય કરતા અસત્ય વધુ સારું અને અનુકૂળ લાગવા લાગ્યું છે. આજે કોઇ પણ વ્યકિત પોતાને મદદ કરનારને ભુલતો જઇ રહયો છે. જરુર પડે ગાય બનીને મદદ માંગવા આવતો વ્યકિત ગરજ પુરી થઇ જતા વાઘ બનીને સંબંધને ફાડી નાંખતો થયો છે. પણ આવા લોકોને ખુબ જલ્દી પોતે કંઇક ખોટું કર્યુ હોવાનો અહેસાસ થઇ જતો હોય છે પરંતુ ત્યાં સુધી ખુબ મોડું થઇ ગયું હોય છે. દુખમાં આગળ રહેનારો વ્યકિત આજે લોભ-લાલચે દુખમાં પીછેહઠ કરી રહયો છે. આ તમામ પરીવર્તનો વચ્ચે આજે પોતે નિર્ભય બની લોકોનું સારું જ કરતો જઇ રહેલો વ્યકિત ખરા અર્થમાં જીંદગીના રસ્તાનો આનંદ ઉઠાવી રહયો છે અને આવા વ્યકિતઓ ઓછા છે. ગામડામાંથી શહેરમાં રહેવા આવી ગયેલો કાળામાથાનો માણસ અચાનક જ બદલાઇ ગયો છે. ગઇકાલ સુધી સંસ્કૃતિમાં રહેનારો માણસ આજે વિકૃતીમાં રહેવા આવી ગયો છે તેથી તે માન-મર્યાદા અને સંસ્કાર ભુલી ગયો છે. ઘરડા માં-બાપને ગામડે મુકીને પોતે શહેરની હવા ખાવા મોર્ડન બનવાની હોડમાં લાગી ગયો છે જ્યાં તે તેના તમામ સંબંધોનો કચ્ચરઘાણ વાળી રહયો છે. એક ગામડામાં એક પતિ-પત્ની તેમના વડીલ માતાપિતા સાથે રહેતા હતા. એક દિવસ પતિએ પત્નીને કહયું કે ચાલ આપણે શહેરમાં રહેવા જઇએ. ખુબ પૈસો કમાઇશું અને ખુબ આગળ વધીશું. પત્ની તેના પતિને ખુબ સુંદર જવાબ આપે છે કે, શહેરમાં રહેવા સારું ઠેકાણું મળે નહીં અને નળનાં પાણી પીને મચ્છરોથી મુંઝાવું એના કરતા મારા માટે તો આ જંગલને વાડીઓ જ સારી છે જયાં શુદ્ધ હવા અને શુદ્ધ જળ તો મળી રહે છે. હું તો અહીં જ આનંદ ઉડાવું છું. આજે માણસ પોતાના ગામડાને છોડીને શહેર તરફ વળી રહયો છે અને શહેરમાં વસતા ધનવાન લોકો સ્વચ્છ હવા માટે ખેતરોની ખરીદી કરી રહયા છે અને ખેતરને પણ પાછું ફાર્મહાઉસ એવું મોર્ડન નામ આપી એક પ્રતિષ્ઠા બનાવી દીધી છે. ગઇકાલે સુધી લોકો કૂવાનાં પાણી પીતા હતા અને કોઇ રોગ થતા નહતા જ્યારે આજે વોટરપ્યોરીફાયર સિસ્ટમનાં પાણી લોકો પીતા થયા છે પરીણામે દિનપ્રતિદિન અવનવા રોગોનું આગમન થઇ રહયું છે. ગઇકાલ સુધી ચુલા ઉપર જમવાનું બનતું અને ખાનારને આનંદ મળતો જ્યારે આજે હોટેલોમાં જમવા જવાનું થતું હોય કે પછી ઘરમાં કોઇ મહારાજ કે બાઇ જમવાનું બનાવતી હોય તો પછી ક્યાંથી સંતોષ કે આનંદ મળે. ગઇકાલ સુધી ઘરમાં કોઇ બનાવ બન્યો હોય તો ગામના મુખી કે સરપંચ તેનું સમાધાન કરાવતા જ્યારે આજે ઘરના લોકો જ ઘરમાં થયેલા બનાવમાં દિવાસળી ચાંપીને તેને પુરો કરતા થયા છે. ગઇકાલે સંબંધનું મહત્વ લોકો તેમના અહમ કરતા વધુ સમજતા હતા જ્યારે આજે લોકો સંબંધ કરતા પૈસાનું મહત્વ વધુ માનતા થયા છે. ગઇકાલે સસરાની સામે વહુ લાજ કાઢીને ફરતી હતી જ્યારે આજે સસરાની સામે વહુ ચડા જેવા ટુંકા વસ્ત્રો પહેરતી થઇ છે. ગઇકાલે નાનો ભાઇ મોટા ભાઇની મર્યાદા જાળવતો હતો જ્યારે આજે નાનો ભાઇ જ મોટા ભાઇનું કાસળ કાઢી રહયો છે. ગઇકાલે દિકરી માતાની આજ્ઞા કે પતિની આજ્ઞા સિવાય ઘરની બહાર પગ નહતી મૂકી શકતી જ્યારે આજે દિકરી રાત્રે પાર્ટીમાં દારુ અને સીગારેટના કસ ખેંચતી પશ્વિમી સંસ્કૃતીને ભેટવા જઇ રહી છે. ગઇકાલે ઘરની સ્ત્રી આખુ શરીર ઢંકાઇ જાય તેવા કપડા પહેરતી હતી અને આજની સ્ત્રી શરીર ઉપર માત્ર નામનું કપડું પહેરતી થઇ છે. ગઇકાલે માં-બાપનો સંતાનોને ડર હતો આજે માં-બાપને સંતાનોનો ડર છે. ગઇકાલે ઘરની વહુ ઘરનો ઉમરો ઓળંગીને તેન પતિ સિવાય બહાર ન નીકળતી જ્યારે આજે ઘરની વહુ વધુમાં વધુ ઘરની બહાર સમય ગાળે છે. આમ, ગઇકાલ અને આજ વચ્ચે ઘણી એવી વાતો છે જેને બદલાતા સમય ન લાગ્યો અને તેથી જ આજે ઘરની દિકરી એક વાર લગ્ન કર્યા પછી પણ બીજે લગ્ન કરવાનું વિચારી રહી છે અને ઘરની વહુ એકવાર પરણીને આવ્યા પછી પણ પરપુરુષ સાથે સંબંધોમાં આગળ વધી છે. અવનવા કિસ્સાઓ અને વર્તન જોઇને લોકો વિચારતા થયા છે કે બસ હવે હળહળતા કળીયુગની શરુઆત થઇ ચુકી છે. જો કે વાત પણ સાચી છે કે હવે ધીરે-ધીરે તમામ વ્યકિતના પતનનાં એંધાણ શરુ થઇ ગયા છે. ગઇકાલ સુધી ૧૦૦ થી ૧૫૦ વર્ષ સુધી જીવતો માણસ આજે ૨૦ વર્ષે હદયરોગના હુમલાનો ભોગ બની રહયો છે. મોજશોખ અને પશ્વિમી સંસ્કૃતિની દુનિયામાં આગળ વધતા આજના માણસને હવે પાછો વાળવો ખુબ મુશ્કેલ બન્યો છે. આમ, જ જીંદગીના રસ્તે સુખ અને દુખની વચ્ચે પીસાતો જતો માણસ તેની ઇચ્છા મુજબ જીંદગીનો રસ્તો બનાવતો થઇ ગયો છે અને તેથી જ તેણે જાતે બનાવેલા આ રસ્તામાં તે પોતે જ પડતો જઇ રહયો છે. વારંવાર ઠોકરો ખાઇ રહયો હોવા છતાં તેનામાં જરુરી સમજણનો અભાવ વર્તાઇ રહયો છે. અત્યાર સુધી જુની વાતો કરી, જુના જમાનાને યાદ કર્યો. હવે શહેરમાં મોર્ડન બનતા જઇ રહેલા માણસની વાત કરીએ. શહેરમાં વસતા અને પોતાને મોર્ડન ગણાવતા માણસની જીંદગીના રસ્તા કેવા છે તેની ઉપર નજર કરીએ તો, અહીં વ્યકિતને હંમેશા તેની જીંદગીથી ફરીયાદો સિવાય કંઇ જ નથી. આ છે પશ્વિમી સંસ્કૃતિનું શહેર. અહીં વસે છે અનેક જીંદગીઓ અને તમામના રસ્તાઓ અલગ અલગ. શહેરના લોકો જીંદગીના રસ્તાને દુખી કરવા જાતે જ દુખ ઉભા કરી લે છે. ભાગવત, કુરાન કે અન્ય કોઇ ધર્મશાસ્ત્ર હોય. આ તમામ શાસ્ત્રોમાં એક જ વાત સમજાવવામાં અને કહેવામાં આવી છે કે વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન જેવા કામો કરશે તેવું જ ફળ તેને મળશે. અને વાત પણ સાચી કહી છે કે, કોઇનું ખરાબ કરશો તો જીંદગીના રસ્તા સદાયના માટે ખરાબ જ રહેવાના છે અને કોઇનું સારુ કરશો તો જીંદગીના રસ્તા સદાયના માટે સારા જ રહેવાના છે. વ્યકિતની મિલ્કતમાં લોકો ભાગ પડાવી શકશે પણ વ્યકિતએ કરેલા સારા કે ખરાબ કર્મોમાં કોઇ ભાગીદાર નથી હોતું. એટલે હંમેશા સત્કાર્ય કરો.
જાણે અજાણે આપણે ઘણા ખરાબ કામો કરી નાખતા હોઇએ છીએ. આજે શહેરના કોઇ વ્યકિતને સુખ નથી તેનું મુળ કારણ છે કે, તેને હંમેશા લોકોનું ખરાબ કરીને જ જીંદગી જીવી છે, ક્યારેય કોઇને મદદ નથી કરી, કયારેય કોઇનું સારું નથી વિચાર્યુ અને તેથી જ તેનું સઘળું ખરાબ જ થઇ રહયું છે. કોઇ પણ કામમાં વ્યકિતના વિચારો પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. જો વ્યકિત સારું વિચારીને કોઇ પણ કામ શરુ કરે તો હંમેશા સારું જ થવાનું છે અને જો ખરાબ વિચારીને કોઇ પણ કામ શરુ કરે તો તે કામમાં વિઘ્નો જ આવવાના છે. મારું-મારું કરીને મેળવેલી જોઇ પણ વસ્તુને વ્યકિત ભોગવી કે માણી શકતો નથી તે વાત સનાતન સત્ય છે. કારણ કે, બધુ ભેગુ કરવામાં જ વ્યકિત જીંદગીનો તમામ સમય વેડફી નાંખે છે અને જ્યારે તેને માણવાનો સમય આવે ત્યારે સાથે જીંદગીને અલવિદા કહેવાનો સમય પણ આવી જતો હોય છે. જીંદગી જ્યારે અલવિદા કહેવા આવે છે ત્યારે સૌને હથિયાર હેઠા મુકી દેવા પડે છે. ત્યાં કોઇ રાજા-મહારાજા કે કોઇ ચમરબંધીનું કંઇ જ ઉપજતું નથી. કોઇ પણ વ્યકિત ભલે ગમે તેટલો મહાન બન્યો હોય, ગમેતેટલી રાજસત્તા મેળવી લીધી હોય કે ગમે તેટલો દુનિયાનો વૈભવ મેળવી લીધો હોય પરંતુ જીંદગીના અંતિમ રસ્તે તો હારી જ જતો હોય છે. ધીરુભાઇ અંબાણીએ ભરપુર પૈસો બનાવ્યો. તેમના મૃત્યુ સમયે તેમના બંન્ને હાથ ખાલી હતા. પરંતુ તેમણે કરેલા સત્કાર્યોને કારણે આજે પણ લોકોની યાદમાં તે હયાત છે. બાકી તો બિનલાદેન અને અજમલ કસાબ જેવા લોકો પણ છે કે જેમને આજે પણ લોકો યાદ કરે છે પણ તે એક આતંકી તરીકે. આ દુનિયા ખરાબ થઇ ગઇ છે એવો મારો દાવો નથી કે દુનિયા સારી થઇ ગઇ છે એવો પણ મારો દાવો નથી. પરંતુ એવું તો ખરાબ જીવન અને વર્તન અત્યારે આવી રહયું છે કે તેની વચ્ચે જાળવી જાળવીને જીવવું વધુ જરુરી બન્યું છે.
આજે પણ રોજે-રોજ ખાનારા સંસ્કૃતિ સભર જીવનારા માણસો છે, જેઓ પૈસા કરતાં તેમની ઇજજત-આબરુ અને સંબંધ વધુ મહત્વનો માની રહયા છે. આજે શહેરમાં માણસો વચ્ચે બે પ્રકાર પડી ગયા છે. એક પોતાની સંસ્કૃતિથી જીવનારા માણસો અને બીજા પશ્વિમી સંસ્કૃતિ જીવનારા માણસો. આ બે પ્રકારમાં સંસ્કૃતિ સભર જીવનારો વ્યકિત હંમેશા પોતાની જીંદગીના રસ્તે ખુશી અનુભવે છે. તેને માટે તેનો પરીવાર જ સર્વસ્વ છે. તે તેના જીવનથી સંતુષ્ટ બન્યો છે. જ્યારે પશ્વિમી સંસ્કૃતિ જીવનારો વ્યકિત હંમેશા દુખમાં જ જીવી રહયો હોવા છતાં સુખનું ચામડું શરીર પર ઓઢીને ખોટા દેખાવો જ કરી રહયો છે. તેને માટે ઘર બહારની દુનિયા જ તેનો પરિવાર બની ગઇ છે. તે તેના જીવનથી અસંતુષ્ટ બન્યો છે. આજે સંબંધોનું કોઇ મૂલ્ય રહયું નથી. માં સામે દિકરી, પિતા સામે દિકરો, પતિ સામે પત્નિ કોર્ટમાં જઇ રહયા છે અને ખોટેખોટા દાવાઓ ઉભા કરી સંબંધને બદનામ કરવા બેબાકળા બન્યા છે. આજે મિત્રતાના નામે યુવક-યુવતીઓ વચ્ચે બનેલા સંબંધોએ તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી છે. આજની પેઢીને ફક્ત આજની જ ખબર છે તે ગઇકાલે શું થવાનું છે તે જાણતો નથી અને વિચારતો પણ નથી અને તેથી જ તે આજે દુઃખી દુઃખી થઇ રહયો છે. આજના માણસની જીંદગીના ખરાબ રસ્તે જતો વાળવો ખુબ અઘરો બન્યો છે. આજે દુનિયા દોરંગી બની છે. સાત્વિક જીવન અને ખોરાક બંન્ને જીંદગીમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. તમે જેવો ખોરાક મેળવો છો તેવું જ જીવન જીવતા હોવ છો. આજે લસણની ચટણી અને મરચાએ સૌને તેજ બનાવી દિધા છે. નાની-નાની વાતમાં મારામારી ઉપર ઉતરી જાય છે. અબોલ જીવને મારી નાંખી તેના હાડકા અને ચામડા ખાતો વ્યકિત ક્યાંથી જીંદગીને માણી શકવાનો. મેં એક વખત એક કસાઇની દુકાનમાં એક મરઘી જોઇ. તે ખુબ અવાજ કરતી હતી, આમ-તેમ કૂદતી હતી અને તેના સાથીઓ સાથે રમતી હતી. મારી સાથે મારી ભત્રીજી હતી તેને આ મરઘી જોઇને ખુબ આનંદ આવ્યો અને તે પણ તે મરઘીને જોઇને ઉછળવા લાગી, રમવા લાગી. થોડીવાર થઇ અને કસાઇ દુકાનમાંથી બહાર આવ્યો તેણે મરઘીને પકડી અને દુકાનમાં લઇ ગયો. મરઘીની ડોક પકડી કસાઇએ તેની ઉપર ધારદાર છરો વિંઝી દિધો, મરઘીના અંતિમ શ્વાસ ચાલી રહયા હતા અને તે ખુબ તડપી રહી હતી. તેના અવાજમાં મને કલ્પાંત સંભળાતો હતો. તરફડીયા ખાતા ખાતા અચાનક તેનો જીવ જતો રહયો અને તે મરી ગઇ. મારી ભત્રીજીએ મને પુછયું કાકા, પેલી મરઘી ક્યાં ગઇ? હું એ નાના બાળકને કેવી રીતે સમજાવું કે આ કાળામાથાના દયાવિહીન, લાગણીવિહીન માણસે તેને ક્રુર રીતે મારી નાંખી અને હવે તેનું ભોજન બનાવીને આરોગશે. દેખાદેખીમાં આજે માણસ લાગણીવિહીન અને દયાવિહીન બનતો જઇ રહયો છે.
આજે માણસ પૈસા પૈસા કરતો થયો છે. વીમો ઉતરાવનાર માણસ હંમેશા પુછતો હોય છે કે, એક હાથ ભાંંગી જાય તો કેટલા રુપિયા મળે ? તો વીમાકંપની કહે આટલા રુપિયા મળે, ફરી પુછે છે કે, બે હાથ ભાંગી જાય તો ? વીમાકંપની કહે તમારી વીમા રકમના ડબલ રુપિયા મળે, ફરી પુછે છે કે, બે પગ પણ ભાંગી જાય તો ? વીમાકંપની કહેકે મુળ રકમના ચારગણા રુપિયા મળે, ફરી પુછે છે કે, મરી જઇએ તો ? વીમાકંપની કહે કે મુળ રકમના અનેક ગણા રુપિયા મળે. આમ, વ્યકિતને મર્યા પછી પણ પૈસા જ મેળવવા છે. આ યુગનો પ્રભાવ છે. આજે એવો યુગ આવ્યો છે કે, બાપ-દિકરાને બનતું નથી અને માં-દિકરાને હેત નથી. પિતા જીવતા હોય ત્યાં સુધી એની સેવા ન કરી કે એની કોઇ કિંમત ન કરી અને પિતાનું મૃત્યુ થતા જ મોટો ફોટો મઢાવીને, હાર પહેરાવીને ઘરના હોલમાં મુકી દીધો. વ્યકિત જીવનમાં જ્યારથી સમજણ ધરાવતો થાય છે ત્યારથી સપનામાં રાચતો બની જાય છે અને તે સપના પુરા કરવા તે ગમે તે હદે પહોંચી જાય છે. સપનામાં ને સપનામાં તે જીવનનું તમામ ભાન ભુલીને સંબંધોનો વિનાશ કરી, અભિમાનની ચાદર ઓઢી આગળ વધતો જાય છે, અનેક લોકોનું ખોટું કરી પૈસા કમાવવાની શરુઆત કરવા લાગે છે તેમ છતાં જીંદગીના અંતે તેના સપના પુરા કરી શકતો નથી કેમ કે, તેણે તેના સ્વાર્થ માટે લોકોનું જ ખરાબ કર્યુ હોય છે, લોકોની સાથે જ રમી રહયો હોય છે. જેનું મન શુઘ્ધ છે તે વ્યકિત સદા સુખી છે અને જેનું મન શુઘ્ધ નથી તે વ્યકિત સદા દુખી છે. વ્યકિત ગમે તેટલો ખરાબ રસ્તે જઇ રહયો હોય પણ એવો સમય પણ એક ક્ષણ માટે તેની પાસે આવતો હોય છે કે તેને તે રસ્તેથી પાછા વળી જવા એંધાણ કરતો હોય. જો કોઇ વ્યકિત તે એંધાણને સમજી જાય તો સમજો તે જીતી જાય છે અને જો તે ન સમજે તો તે સદાયને માટે હારી જાય છે. જીંદગી દરેક વ્યકિતને ચાલવા માટે અનેક રસ્તાઓ આપતી હોય છે. પરંતું તેમાંથી આપણે કેવો અને કયો રસ્તો પસંદ કરીએ છીએ તે આપણી ઉપર આધાર રાખે છે.
જીંદગીના રસ્તે સુખ અને દુખના અનેક પેટા રસ્તાઓ છે. અહીં આપવામાં આવેલા યુટર્નથી વ્યકિત તેની જીંદગીના ખરાબ રસ્તેથી પાછો વળીને પણ પ્રાયશ્વિત કરી શકે છે. દરેક લોકોને જીંદગી એક સરખો સમય આપતી હોય છે. પરંતુ તે સમયને ઓળખીને પોતાનું જીવન સુધારી લેનારા ખુબ ઓછા લોકો હોય છે. જીવન દોસ્ત જેવું પણ છે અને દુશ્મન જેવું પણ છે. સમય આવે સારા અનુભવો પણ કરાવે છે અને સમય આવે ખરાબ રસ્તે ચાલવા મજબુર પણ કરે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક બનાવ બન્યો હતો. પત્રકાર તરીકે હું તે બનાવનું રિપોર્ટીગ કરવા પહોંચ્યો હતો. બનાવ એવો હતો કે ધોરણ ૧૨માં અભ્યાસ કરતી છોકરીએ તેના પિતા વિરુઘ્ધ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. મને તો સૌ પ્રથમ આ ઘટનાથી આંચકો લાગ્યો. હું તે પિતાને મળ્યો અને આખી ઘટનાના અભ્યાસ બાદ મને જાણવા મળ્યું કે માતાએ બદલો લેવા પુત્રીનો ઉપયોગ કરી પોતાના પતિ વિરુઘ્ધ તેની જ દિકરી ઉપર બળાત્કાર કર્યો હોવાનો ખોટો કેસ કરાવી દિધો. છોકરીના પિતા શરમના માર્યા આત્મહત્યા કરવાનું સતત રટણ કરતા હતા પરંતુ સમાજના આગેવાનો અને વડીલોના માર્ગદર્શનથી તેઓએ પોતે નિદોર્ષ હોવાથી લડાઇ લડવાની વિચાર્યુ અને અંતે તેનો વિજય થયો. આ ઘટના ઉપરથી કહી શકાય કે આજે વ્યકિત કેટલી નીચ માનસિકતા ધરાવતો થયો છે. વ્યકિતએ હંમેશા તેના કરેલા કર્મોના બદલા ચુકવવા જ પડે છે. મહારાજા દશરથને જો તેમણે કરેલા કર્મો ભોગવવા પડયા હતા તો પછી આજના માનવીની તો શું કિંમત. કર્મ ક્યારેય તે નથી જોતો કે વ્યકિત કોણ છે. જીવનકાળ દરમ્યાન કરેલા કર્મનાં બદલા સૌને નડે છે અને તેના હિસાબ ચુકવવા જ પડે છે જેમાંથી કોઇ છટકી શકતું નથી. આપણી સાથે કરેલા કર્મોને કારણે આપણે કદાચ કોઇ વ્યકિતને માફ કરી દઇએ પરંતુ કર્મના પુસ્તકમાં માફી નામનો કોઇ શબ્દ નથી. જીંદગીના રસ્તે સુખેથી ચાલવા હંમેશા થાય તો સારા કામો કરો પણ ખરાબ કામો ન કરો. તાજેતરમાં બનેલી કર્મની એક સત્ય ઘટના છે. ગુજરાતના ગામનો એક તલાટી. પોતાના હોદાનું ખુબ અભિમાન. પરીવારમાં પત્ની અને એક દિકરો. ખેડુતો પાસેથી ખોટા સહી સિક્કા કરાવી, બીલ્ડરો પાસેથી પૈસા પડાવી અને ખોટા સહી સિક્કા કરી કરોડો રુપિયા ભેગા કર્યા હતા. વૈભવી મોટરકાર લઇને સરકારી કચેરીમાં આવે અને સાંજ પડે એ મોટરકારમાં બેનામી રુપીયા પણ લેતા જાય. સહી કરવાના પણ રુપિયા પડાવતા આ તાલાટીથી લોકો ખુબ કંટાળ્યા હતા. દિકરો પણ એકનો એક એટલે વૈભવી મોટરસાઇકલ અને કાર લઇને પૈસા ઉછાળતો. દારુ પીતો, જુગાર રમતો અને બસ મોજ કરતો. ખેડુતની મજુરીનો પૈસો, તલાટી લાંચના માઘ્યમથી ઘરે લઇ જતો અને તે રુપિયાથી બાપ-દિકરો જાહોજલાલી કરતા. કરોડ રુપિયાનો બંગલો અને ફાર્મહાઉસ ખરીદીને તલાટી એવા તો જાહોજલાલીમાં ફસાઇ ગયા કે તેમને એવું ભાન નહતું કે એક દિવસ મારે આ બધુ ચુકવવું પડશે. સમયની વક્રતા ગણો કે જીંદગીનો વળાંક ગણો, દારુ પીને પુરપાટ ઝડપે મોટરસાઇકલ લઇને નીકળેલા આ તલાટીના દિકરાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું. તલાટીના માથે આભ ફાટી પડયું. જે દિકરા માટે મજૂરી કરી એ દિકરાએ આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. દિકરાના અંતિમસંસ્કાર કર્યા, વિધિ પુરી કરી અને પછી તેને ભાન થયું કે લોકોને મેં ખુબ લૂંટયા છે આજે કુદરતે મને લૂંટી લીધો. મિત્રો એક વાત યાદ રાખજો કે સમયની થપાટ જ્યારે વાગે છે ત્યારે અવાજ પણ નથી થતો અને વ્યકિત કાયમ માટે શૂન્ય બની જાય છે. તલાટીએ કરેલા કર્મોનું ફળ તેને મળી ગયું અને આજે તે સીધા રસ્તે જઇ રહયો છે. ક્યારેક આપણે કરેલા કર્મોનું ફળ આપણા પરીવારને ભોગવવું પડતું હોય છે અને ત્યારબાદ આંખો બંધ કરવાથી કશુંજ મળતું નથી.
કર્મ કોઇ સ્વરુપમાં નથી કે તેમાં દયા હોય, લાગણી હોય. કર્મનો બસ એક જ સિઘ્ધાંત છે. જેવું કરો તેવું ભરો. સારું કરો તો સારું અને ખરાબ કરો તો ખરાબ. દરેક ધર્મના શાસ્ત્રોએ જીંદગીના સાચા રસ્તાઓ બતાવ્યા છે. આ સારું છે, આ ખરાબ છે. આ નીતિ છે, આ અનીતિ છે. વર્ષો પહેલા લખાયેલા શાસ્ત્રોમાં લખવામાં આવેલા એક એક શબ્દો આજે સાચા પડી રહયા છે. એક ગામડામાં બનેલી સત્ય ઘટના છે. પિતાની છેલ્લી અવસ્થા હતી. ખાટલા પાસે ઉભેલો દિકરો પિતાને પોતાના ખોળામાં લે છે અને કહે છે કે, પિતાજી તમારી છેલ્લી ઇચ્છા શું છે? તમારો જીવ કેમ જતો નથી? શું તકલીફ છે. પિતાજી મને હુકમ કરો. હું મારા પ્રાણ તમને આપી દઉં. હું તમારો દિકરો છું, તમે મારા પિતા છો. છેલ્લી સ્થિતિએ એ વૃઘ્ધ પિતા દિકરાને કહે છે કે, દિકરા મારો જીવ મારી દિકરીમાં છે, મારી જુવાનધોધ દિકરીનું સૌભાગ્ય નંદવાણું છે. મને એની ચિંતા થાય છે કે મારી દિકરી કોના આધારે જીવશે. ત્યારે યુવાન દિકરો ઉભો થઇને કહે છે કે, પિતાજી તમારા જીવને સદગતિ કરો. હું તમને વચન આપું છું કે આખી જીંદગી કુંવારો રહીશ અને બહેનની સેવા કરીશ. પોતાની આખી જીંદગી કુંવારા રહી એ ભાઇએ બહેનની સેવા કરી અને બહેને ભાઇની સેવા કરી. આવા અનેક લોકોએ પોતાના સંસ્કારો જાળવી રાખ્યા અને પોતાના ખોળીયાને ઉજાગર કરી દીધું. આજે ભાઇ-બહેનના સંબંધોમાં તિરાડ પડી રહી છે. ભાઇ-બહેન વચ્ચેનો સંબંધ પુરો થઇ ચુક્યો છે અને રાખડીમાં હેત ન હોય તેવા વ્યવહાર થઇ રહયા છે. જગતમાં જો કોઇ નિદોર્ષ પ્રેમ હોય તો તે ભાઇ-બહેનનો પ્રેમ છે. ભાઇ અને બહેન વચ્ચે એટલો હેત અને પ્રેમ હતો કે ભાઇ મળે તો બહેન કહેતી કે, તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તુ ને ઘણી ખમ્મા, આશિષ આપું વીરા એટલી તું પાડજે માંને બાપ રે, વીર તુ ને ઘણી ખમ્મા ખમ્મા રે. આજે પણ આવા સંબંધો ક્યાંક ક્યાંક છે. નથી તેવો કોઇ દાવો નથી પણ તેનું મૂલ્ય ઘટતું જઇ રહયું છે. આજે ભાઇ એટલો ઘાતકી બન્યો છે કે પોતાની બહેનની મિલ્કત માટે હત્યા કરતો થયો છે. આજે ટૂંકે રસ્તેથી પૈસો કમાવાની વૃત્તિ વ્યકિતમાં આવી છે જેણે તમામ સંબંધો બગાડી નાખ્યા છે. આજે પૈસાએ પતિ-પત્નિ અને દિકરા-માં-બાપ વચ્ચેના સંબંધો બગાડી નાંખ્યા છે, કલંકિત કરી નાંખ્યા છે. મોર્ડન જમાનામાં મોર્ડન બનતી જઇ રહેલી દિકરીઓએ માં-બાપની આબરુના લીરેલીરા ઉડાડી દીધા છે. બગડતા સંતાનો પાછળ આજના માતાપિતાઓ પણ જવાબદાર બન્યા છે. પોતાનું સંતાન શું કરે છે, ક્યાં જાય છે, કેવા લોકોનો સંગ કરે છે, ક્યારે ઘરે આવે છે તેની કોઇ ચિંતા કે ઘ્યાન આજના માં-બાપ રાખતા નથી અને એટલે જ ક્યારેક પોતાની પુત્રી કે પુત્ર કોઇ ખરાબ કામને અંજામ આપીને આવે ત્યારે માતાપિતા પાસે કલ્પાંત કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી. આજે યુવતીઓ સીગારેટ, દારુ અને ચરસના રવાડે ચઢી છે અને યુવકો યુવતીઓના રવાડે ચઢયા છે. યુવતીઓ આગળ દેખાદેખી કરવા આજના યુવાઓ ચોરી અને સટાના રવાડે ચઢી ગયા છે. જલ્દીથી પૈસો કમાવી લેવો છે અને બસ બીએમડબલ્યુ, મર્સીડિસમાં ફરતા થઇ જવું છે. યુવતીઓએ પણ શરમ એવી તો નેવે મુકી દીધી છે કે દિનપ્રતિદિન તેમના વસ્ત્રો ટુંકા થતા જઇ રહયા છે. આ તમામ લોકોને પૈસાનો રંગ એવો તો ચઢી ગયો છે કે તે ઉતરવાનું નામ નથી લઇ રહયો. જીંદગીના રસ્તે એક વળાંક એવો આવે છે કે આવા તમામ લોકો નષ્ટ થઇ જતા હોય છે. આવા જીવનનું આયુષ્ય ખુબ ઓછું હોય છે. આજે યુવતી ઘરેથી શાળાએ કે કોલેજ જવાનું કહીને બોયફ્રેન્ડ સાથે ફરવા જતી થઇ છે.
સંસ્કાર, માન-મર્યાદા વિનાશના આરે હોય તેવો સમય આજે આવ્યો છે. દેખાદેખી જોઇને આંધળા બનેલા લોકોના પ્રેમલગ્ન તો થઇ જાય છે પણ તે ઝાઝું ટકતા નથી. પહેલા સંસ્કૃતિ એવી હતી કે, માં-બાપ પોતાના સંતાનના લગ્ન તેમના સમાજમાં કરવાની જ હઠ રાખતા અને સમાજમાં પોતાના સંતાનને પરણાવતા. સમાજમાં પરણેલા લોકોના ક્યારેય છુટાછેડા ન હતા થતા કેમ, કે સ્ત્રી એવું માની લેતી હતી કે હવે મારા માટે મારુ સાસરું જ સર્વસ્વ છે. મારા સાસુ-સસરા મારા માંબાપ છે, મારો દિયર કે જેઠ મારો ભાઇ છે અને અત્યારે પરણ્યા પછી તરત જ જુદા રહેવા જવાની માંગણી કરનારી વહુ ઝાઝુ ટકી શકતી નથી અને પરીણામે છુટાછેડા લઇને બીજે લગ્ન કરી લે છે. પહેલાની સ્ત્રીઓ એવું માનતી કે ક્યારેય એક ભવમાં બે ભવ ન થાય એટલે એક જ જીવનમાં ક્યારેય બે વાર લગ્ન ન થાય. પહેલા લગ્નના ફેરા ફરતા સમયે એનું મહત્વ સમજાવવામાં આવતું અને બંન્ને જણા એકબીજાને જીંદગીના તમામ રસ્તે સુખ-દુખમાં સાથ આપવાના વચનો આપતા જ્યારે આજે લગ્નના કેટલા ફેરા ફેરવવામાં આવે છે તેની વરઘોડીયાને જાણ જ નથી હોતી તો પછી વચનો કેવા. જીંદગીના રસ્તે આ વાત આવી છે તો લગ્નમાં ફરવામાં આવતા ફેરાનું મહત્વ પણ સમજી લઇએ.
લગ્નપ્રસંગે આમ તો ઘણી વિધિઓ થાય છે, પણ તે બધામાંથી લગ્નમંડપ નીચે પ્રગટાવવામાં આવતી યજ્ઞવેદી અને તેની ફરતે ફરતાં વરવધુનાં સાત પગલા(સાતફેરા)ની વાત કરીએ તો યજ્ઞવેદી કોઇ મામૂલી અગ્નિ નથી પરંતુ વિશ્વયજ્ઞનું પ્રતિક છે જેની આસપાસ વરવધુ જે પગલાં (ફેરા) ભરે છે તે વિશ્વયાત્રાના પ્રતિક છે. અગ્નિદેવતાની સાક્ષીએ લેવામાં આવતા સાતફેરા અથવા તો સાત વચનો એટલે સપ્તપદી. જેમાં પહેલું પગલું (પહેલો ફેરો) અન્ન માટે ભરવાનું સુચવવામાં આવ્યું છે. જે પેટની ભુખ અને આત્માની તૃપ્તિના સંતોષ માટે છે. બીજું પગલું (બીજો ફેરો) બળ મેળવવા માટેનું છે. જીવનના સફરમાં બન્નેએ એકબીજાના થઇને એકબીજા માટે રહેવાનું છે અને એકબીજાને બળ પુરુ પાડવાનું છે. ગમે કપરા સંજોગોમાં એકબીજાનો આધાર બની એકબીજાને સાચવવાના છે, જીવનામાં એકબીજાના ગુણદોષને છાવરી લેવાના છે. ત્રીજું પગલું(ત્રીજો ફેરો) સંપત્તિ માટેનું છે. પહેલા એકબીજાનાં શરીરની ભૂખ સંતોષવાની વાત થઇ, બીજામાં એકબીજાની રક્ષા કરવાની વાત થઇ, ત્રીજામાં એકબીજામાં પોતાને હોવાને રોપવાની વાત થઇ છે. ઘરથી પગભર થવાની વાત, સઘ્ધર થવાની વાત ત્રીજા પગલામાં કરવામાં આવી છે. સંસારને ચલાવવા માટે ઘર હોવું જરુરી છે. પુરુષ કમાઇને લાવે છે અને સ્ત્રી કમાયેલું બચાવે છે. ચોથું પગલું સુખચેન માટેનું છે. સુખચેન દુનિયામાં શોધવાથી નથી મળતા, એકબીજાને પામવાથી મળે છે. મનની શાંતિ દુનિયાના સાધનોમાંથી મળે છે જ્યારે હદયની શાંતિ એકબીજાનાં વ્યવહાર અને વર્તનમાંથી મળે છે. પાંચમું પગલું સંતતી માટેનું છે. સંસારની ગતિ વંશવેલાથી આગળ વધે છે માટે આ પગલું સંતાનની ઉત્પતિ માટેનું પગલું છે. છ ના આંકડાનો શાસ્ત્રોમાં ખુબ મહિમા થયો છે. બાળકના જન્મના છઠા દિવસે ઇશ્વર વિધિના લેખ લખે છે. સપ્તપદીના દાંપત્યયોગનું છઠું પગલું પણ એટલું જ મહત્વનું છે. આ પગલું ઋતુઓ માટેનું છે. અત્યારના સમયમાં ઋતુનો અર્થ એટલે સમય. બંન્નેએ પોતપોતાના સમય પ્રમાણે એકબીજાનો સ્વીકાર કરવાનો છે. છેલ્લે સાતમું પગલું. જેમાં બંન્નેને સાતેય પગલા સાથે ભરીને મિત્ર થવાની વાત કરવામાં આવી છે. મિત્ર જીવનનો નશો છે અને ખાલીપાનો વસવસો હસતા હસતા દુર કરે તે મિત્ર. પતિ અને પત્નિ જો સારા મિત્રો બનીને જીવન વીતાવે તો લગ્નજીવનનું સાહચર્ય સોળેકળાએ ખીલે છે. આમ લગ્ન દરમ્યાન સપ્તપદીના સાત ફેરા સાત ભવનું મૂડીરોકાણ બની જાય છે. જ્યારે આજે લગ્ન કરનાર ભાગ્યેજ કોઇ સાત ફેરાનું મહત્વ જાણતા હોય છે અને તેને નીભાવતા હોય છે. આજે લગ્નના સાત ફેરાનું મહત્વ વિધિ કરાવનાર બ્રાહમણ પણ જાણતા હોતા નથી તો તેની સમજ તેઓ વરવધુને કેવી રીતે આપી શકે. વધતા જતા મોર્ડન કલ્ચરમાં આજે વ્યકિત પોતાના શરીરમાં રહેલી વાસનાની ભૂખ સંતોષવા જ લગ્ન કરતો હોય તેવું લાગી રહયું છે. ખરા અર્થમાં તે લગ્નનું મહત્વ સમજતો જ નથી. પ્રેમ કર્યો અને કોર્ટમાં જઇને લગ્ન કરનારાને થોડા સમયમાં ફરીપાછા છુટાછેડા માટે કોર્ટનો સહારો લેવો પડે છે અને જીવનના રસ્તે દોડતી ગાડી અચાનક જ ખીણમાં ખાબકે છે.
આજે દિકરી કે દિકરો પોતાના સંસ્કારને અનુરુપ કરતા જમાનાને અનુરુપ યુવક-યુવતી સાથે લગ્ન કરવાનું વધુ પસંદ કરી રહયા છે. આજે માં બાપ પોતાની દિકરીને જાહોજલાલીમાં, પૈસાવાળા કુટુંબમાં પરણાવવાની હોડમાં દિકરીનું જીવન અસ્તવ્યસ્ત કરતા જઇ રહયા છે. પોતાના ઘરે હંમેશા સંસ્કારમાં રહેલી દિકરી પૈસાદાર નબીરા પાસે ક્યારેય જીવન વિતાવી શકતી નથી. આજે પોતાની દિકરીને સુખી ઘર એટલે કે પૈસાવાળા ઘરમાં પરણાવવાનો આગ્રહ રાખતા માં-બાપ અને સંતાનો બંન્ને દુખી દુખી બન્યા છે. પહેલા દિકરી કે દિકરાના લગ્નની વાત આવતી તો તેમની ઇજજત અને માન-સન્માન કેવું છે તે જોવાતું અને આજે દિકરી કે દિકરાના લગ્નની વાત આવે તો જમીન કેટલી છે અને મિલ્કત કેટલી છે તેની સૌથી પહેલા પુછતાછ કરવામાં આવે છે.
હુું મારા જ અનુભવ કહું તો મારા મામાના આગ્રહને વશ થઇને હું એક દિવસ અમદાવાદ નજીકના એક ગામમાં મામા સાથે છોકરી જોવા ગયો. છોકરીના પરીવારજનો મામાને બધુ પુછતા હતા એટલે આપણે શાંતિથી બેસવાનું જ યોગ્ય માની લીધું. થોડો સમય વીત્યો ત્યાં વડીલો તરફથી આદેશ થયો કે, જાઓ તમે છોકરા છોકરી અંદરના રુમમાં બેસો. તમારે એકબીજા સાથે કોઇ વાત કરવી હોય તો. પરીવાર ખુબ સુખી હતો. છોકરીએ મારું નામ પુછયું મેં મારું નામ જણાવ્યું. છોકરીનો બીજો અને ત્રીજો પ્રશ્ન સાંભળીને મને ચક્કર આવી ગયા. તેણે મને પુછયું કે, તમારે કેટલી જમીન છે અને તમારે આખી જીંદગી બે ભાઇઓએ સાથે રહેવાનું. જીવનની શરુઆત કરવાની હજુ તો વાત નથી થઇ ત્યાં આ છોકરીએ પુછેલા સવાલોએ મને હચમચાવી નાખ્યો. મને એમ થયું કે બસ અહીંથી જ પૈસો અને ભાગલા પાડવાની વાત શરુ થઇ ગઇ. હું વધુ કંઇ પૂછયા વિના નીકળી ગયો ત્યાંથી. આમ આજની સ્ત્રી પૈસા પાછળ ઘેલી બનતી જઇ રહી છે. એક આઘાતજનક વાત તમને જણાવું તો એવો હળહળતો કળીયુગ માઝા મુકી રહયો છે કે શહેરમાં આજે જેટલી જુવાન છોકરીઓ પર પુરુષો સાથે સંબંધો બાંધે છે તેનાથી વધુ લગ્નેત્તર સંબંધોમાં જોડાયેલી સ્ત્રીઓ પર પુરુષ સાથે સંબંધ બાંધતી થઇ છે જે ખુબ જ આઘાતજનક કહી શકાય. આવી હલકી માનસીકતા વધવાનું કારણ એક જ છે કે, આજે સ્ત્રી વધુ પડતી આઝાદ બની છે.
નોકરી કરવા જતી સ્ત્રી પૈસા અને પદની લાલચે તેના સહકર્મી કે ઉપરી અધીકારી સાથે સંબંધ બાંધતી થઇ છે જેને પરીણામે તે પોતાના પતિની સરખામણી પરપુરુષ સાથે કરતી થઇ છે. મેં ઘણી એવી સ્ત્રીઓ જોઇ છે જે પૈસાના મોહમાં પોતાની જનેતાની કુખ બદનામ કરી રહી છે, મેં ઘણી એવી સ્ત્રીઓ જોઇ છે જે પોતાના નિર્દોષ પતિ સાથે વિશ્વાસઘાત કરતી થઇ છે. મોજ-શોખ અને પૈસાની આંધળી દોટમાં આજે સ્ત્રી પોતાની ઇજજત વેચી મિત્રતાના નામે પરપુરુષનો સંગ કરતી થઇ છે. આ વાતથી સ્ત્રી શકિતને બદનામ કરવાનો મારો કોઇ ઇરાદો નથી પરંતુ પશ્વિમી સંસ્કૃતીમાં ચાલી રહેલી વાસ્તવીકતાનું તાદશ્ય જીંદગીના રસ્તેથી આપને જણાવી રહયો છું. મિત્રો સ્ત્રી એક એવી શકિત છે જે ધારે તો તમારુ કુળ ઉજાળે અને ધારે તો તમારા કુળનો અંત લાવી દે. દિનપ્રતીદિન વધતી જતી આ પશ્વિમી સંસ્કૃતી અને વિચારોને અટકાવવા ખુબ જરુરી બન્યા છે નહિં તો એ દિવસો બહુ દુર નથી કે આપણા ઘરમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઇ મર્યાદા જ નહિં હોય. પછી ભલે તે સંબંધ પિતા-પુત્રીનો હોય કે પછી માં-દિકરાનો. વ્યકિતના જીવનમાં આજે નાની-નાની વાતોમાં મોટા-મોટા સંબંધોનો અંત આવી જતો હોય છે. આજે વ્યકિતને તેનો પૈસો જ દુખ આપી રહયો છે અને મિલ્કત સંબંધો સળગાવી રહી છે. આજે વડીલો એકત્ર તો થાય છે પણ મિલ્કતો માટે ઝઘડવા. તમામ સંબંધોના મૂલ્યો આજે ઘસાતા જઇ રહયા છે. પ્રેમ આજે ઘટતો જઇ રહયો છે. જીંદગીના રસ્તે કોઇ લાંચ લેનાર નથી કે જેને બે-પાંચ રોકડા પકડાવ્યા અને બધી ભુલોને માફ કરી દેવામાં આવે. આ તો કર્મોનો દરબાર છે. અહીં બધા જ સરખા છે. આજે તમને એમ લાગતું હોય કે ઘરમાં શાંતિ છે. તો કલ્પના કરજો કે ઘરમાં રહેલી સ્ત્રી સહન કરે છે. શકિતના ચાર રુપ છે એક માં, બીજુ બહેન, ત્રીજું પત્નિ અને ચોથું દિકરી. આ ચાર રુપમાંથી કોઇ એક સ્ત્રી પાત્ર સહન કરી રહી છે. બાકી શાંતિની શક્યતા નથી. દિવસે દિવસે રંગરુપ બદલતી દુનિયામાં આજે આ સંબંધોનું મુલ્ય ધોવાઇ જતા ઘરોમાં ઝઘડાઓએ સ્થાન લઇ લીધું છે.
ધર્મના નામે આજે શહેરમાં ધતીંગ થવા લાગ્યા છે. વ્યકિત જ્યાં શ્રઘ્ધાથી માથું ટેકવી રહયો છે ત્યાં ધર્મના નામે વેપાર શરુ કરી દેવાયો છે તેથી ત્યાં પત્થરની મૂર્તિઓ છે પણ તેમાં ઇશ્વર નથી. અધર્મ જ્યારે ધર્મનું ઓઢણું ઓઢીને આવે છે ત્યારે હંમેશા તેનાથી ડરનો અનુભવ કરવો. આજે વ્યકિત એટલી હદે પહોંચ્યો છે કે ધર્મના નામે લોકોને છેતરતો થયો છે પરીણામે તે શાંતિ નથી મેળવી શકતો. રાવણ જો સીતાને લેવા પોતાના અસલી વેશમાં આવ્યો હોત તો સીતાનું હરણ ન કરી શક્યો હોત પરંતુ તે સાધુના વેશમાં ભિક્ષા માંગવા આવ્યો હતો અને તેથી સીતાજી છેતરાઇ ગયા. તેમ છતાં પતિની આજ્ઞા પાળવા સીતાજીએ કહયું કે, તમે અંદર આવીને ભિક્ષા લઇ જાઓ પણ રાવણે એમ કહયું કે, તમે બહાર આવો ભીક્ષા આપવા. સાધુઓનું એવું ચિંતન છે કે રાવણને એમ હતું કે, હું સાધુ બન્યો છું. સાધુ બનીને આ મર્યાદાનો ભંગ કરીશ તો દુનિયામાં કોઇ ભગવાન ઉપર ભરોશો નહિં કરે. રાવણ તો ઘણો વિઘ્ન હતો. તે શિવનો ઉપાસક હતો. તેમ છતાં તેને ભગવાન રામના હાથે મરવું પડયું હતું. આજે ધર્મના નામે અધર્મની ચાદર ઓઢીને બેઠેલા સાધુઓ ધર્મને બદનામ કરવા અધીરા બન્યા છે. ખુલ્લે આમ ધર્મના નામે વેપાર અને ધંધો શરુ કરી દીધો છે. કયા મંદિરમાં ભગવાન છે તે પણ સમજવું મુશ્કેલ બની ગયું છે.
મંદિરમાં પણ ભગવાનના દર્શન કરવા પૈસા આપવા પડે છે તેવો સમય આવી ગયો છે જેને કારણે આજે મંદિરો પણ અશાંતિભર્યા થઇ ગયા છે. દુનિયામાં દિવસે દિવસે પાપનો અને અનીતિનો પૈસો વધતો જઇ રહયો છે જે સુખ નથી આપી શકતો અને દવામાં, વેરમાં, કોર્ટમાં જતો રહે છે. સારી નોકરી કે ધંધો હોવા છતાં કે પછી પરણ્યા પછી પણ વ્યકિત આજે સુખી નથી તેનું મુળ કારણ છે કે, તે પોતાના જીવનમાં આજે સંબંધ કરતા પૈસાનું મૂલ્ય વધારતો થયો છે. જે વ્યકિતનું સતત ઘ્યાન તેના શરીરમાં હોય છે તેને હંમેશા ડોકટરો જ સાચવતા હોય છે અને જે વ્યકિતનું સતત ઘ્યાન કુદરતમાં હોય છે તેને કુદરત સાચવતી હોય છે. હંમેશા વ્યકિતને સંતોષથી જ શાંતિ મળે છે. અસંતોષ વ્યકિતને હંમેશા દુખી જ કરે છે. આજનો વ્યકિત વર્તમાનકાળને ભુલીને ભુતકાળ અને ભવિષ્યકાળને યાદ કરી દુખી દુખી થતો જઇ રહયો છે. ભુતકાળ અને ભવિષ્યકાળના સુખ કે દુખને વર્તમાન સમયમાં યાદ કરવાથી હંમેશા દુખી જ થવાય છે કયારેય સુખી નથી થવાતું. આજે દરેક સંબંધો સ્વાર્થના બન્યા છે. કોઇ પણ સંબંધમાં સ્વાર્થ સીવાય બીજી કોઇ વાત જ નથી હોતી. કોઇ વ્યકિત આપણું ધાર્યુ કરે ત્યાં સુધી તેની સાથે હિરા જેવો સંબંધ અને આપણું ધાર્યુ ન કરે તો તે સંબંધનો અંત લાવી દેવાની વૃતિએ આજે વ્યકિતને દુખી દુખી કરી દિધો છે. વ્યકિતએ આજે તમામ સંબંધોને બદનામ કરી દિધા છે. સમાજના કોઇ સંબંધ એવા નથી કે જે બદનામ ન થયા હોય. મિત્રતાના સંબંધને પણ વ્યકિતએ એટલો બધો બદનામ કરી દિધો છે કે, આજે કોઇ મિત્રતા શબ્દ ઉપર વિશ્વાસ મુકવા તૈયાર નથી. હજુ પણ ક્યાંક ક્યાંક એવી મિત્રતા છે જે અણમોલ છે. ગરીબ અમીરના ભેદભાવે આજે સંબંધોની હત્યા કરી નાંખી છે. સમાજમાં કે દુનીયામાં ઇજજત અને પોતાના નામનો ડંકો વગાડતો ફરતો વ્યકિત તેના જ પરીવારથી દુખી બનતો જઇ રહયો છે. લોકોની ખરાબી જોતો અને લોકોની હંમેશા હાંસી ઉડાવતા વ્યકિતના ઘરમાં જ એવો ખરાબ સમય આવી જાય છે કે લોકો તેની હાંસી ઉડાવતા થઇ જાય છે. સંસ્કૃતી અને સંસ્કારને મોર્ડન માનનારા આજના પરીવારો સુખથી વંચીત બન્યા છે.
આજે કોઇ પરીવાર સંપૂર્ણ સુખી હોવાનો દાવો કરી શકતો નથી. જેના ઘેર પૈસો છે તે દુખી છે, જેના ઘેર પૈસો નથી તે પણ દુખી છે પરંતુ જેના ઘેર સંતોષ છે તે સદા સુખી છે. પણ આજના જમાનામાં ભાગ્યે જ એવા લોકો છે જેમને જીવનથી સંતોષ છે. આજે સંબંધો સાચવવા વ્યકિતને અસત્યનુ ઓઢણું ફરજીયાત ઓઢવું પડે છે. જો કોઇ વ્યકિત સત્યનું ઓઢણું ઓઢીને સંબંધને સાચવવાની કોશીષ કરે તો તે સંબંધ જળવાતો જ નથી. જીવનમાં ક્યારેય સાચવવા પડે તેવા સંબંધ ન હોય. જ્યારે આજે સંબંધોને પળે પળે સાચવવાની નોબત આવી ગઇ છે. પહેલા દિકરી કે દિકરો કોઇ ખરાબ રસ્તે જઇ શકતા ન હતા કેમ કે, તેમને પરીવારના વડીલોનો ડર હતો અને આજે કોઇને પરીવારનો ડર રહયો જ નથી. જન્મથી મોટા કર્યા હોય ત્યાં સુધીના સંબંધનો દિકરી કોર્ટમાં જજ સાહેબની સામે સાહેબ મારે મારા પ્રેમી સાથે જવું છે એમ કહીને અંત લાવી દે છે. જ્યારે દુખ સામે વાળા વ્યકિત ઉપર આવે છે ત્યારે આપણે તેને અનુભવી શકતા નથી પણ એ જ દુખ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખબર પડે છે કે કેમ દુખમાં જીવાય છે. કોઇ પણ વ્યકિતની દુખમાં હાંસી ન ઉડાવી કે સુખમાં વાહ વાહ ન કરવી. સૌનો સમય એકવાર ભરપુર સુખમાં અને ભરપુર દુખમાં આવે જ છે. બલીરાજાને પોતાના સુખનું ખુબ અભીમાન હતું. તેમ છતાં તેઓ સંતોષી ન હતા અને જ્યારે ભગવાન વિષ્ણુએ બ્રાહમણનું રુપ લઇ ત્રણ ડગલા જમીન માંગી પછી પળવારમાં તેમનું તમામ સુખ છીનવી લીધું અને બલીરાજાનું અભીમાન ચકનાચુર કરી નાંખ્યું. ૧૯૮૫ કે ૮૬માં ભયંકર દુષ્કાળ પડયો હતો. આ દુષ્કાળમાં જ્ઞાની કે વૈજ્ઞાનીક કોઇ પણ વ્યકિત વરસાદ પાડી શક્યા ન હતા. સરકાર પાસે એવી બંધુકો છે કે જેનાથી એક કલાકમાં હજારો ગોળીઓ છુટે, પરંતુ એવી કોઇ બંધુકો નથી જેનાથી વાદળોમાં કાણા કરીને વરસાદ પાડી શકાય. તેમ છતાં આજે વ્યકિત આ સત્ય પારખી શકતો નથી. વ્યકિત ગમે તેટલો મહાન કે ધનવાન બની જાય તેમ છતાં તે કુદરતી આફત કે મૃત્યુને રોકી શકતો નથી. મેકિસન ગોર્કી એક વખત અમેરીકા ગયા હતા. ત્યાંના લોકોએ તેમને આખું અમેરીકા બતાવ્યું. બંગલા બતાવ્યા, ગાડીઓ બતાવી, સમૃઘ્ધી બતાવી, અમેરીકાનો વૈભવ બતાવ્યો. ૧૫-૨૦ દિવસ સુધીના પ્રવાસ બાદ તેઓ પાછા ફરી રહયા હતા ત્યારે ત્યાંના લોકોએ ગોર્કીને પુછયું કે, તમને અમેરીકા કેવું લાગ્યું ? મેકિસન ગોર્કીએ તે સમયે આપેલો જવાબ ખુબ વિચારવા જેવો હતો. તેમણે કહયું કે, અમેરીકા મને ખુબ દુખી લાગ્યું કેમ કે અહીંના લોકોને મન પ્રશ્નન કરવા કેટલા બધા વૈભવ અને ચીજવસ્તુઓની જરુર પડે છે. તેમનો આ જવાબ જીવનમાં અનેક વાતો કહી જાય છે. વ્યકિતને મન પ્રશ્નન કરવા કે સુખી થવા ફક્ત આત્માના સંતોષની જરુર હોય છે અને આજે આ સંતોષ કોઇ વ્યકિતમાં દેખાતો નથી.
દરેક જીવનનાં બે રુપ છે. એક સુખ અને બીજુ દુખ. જીંદગીના રસ્તે અનેક સુખ-દુખ રુપી વળાંકો આવ્યા છે તે તમામ રસ્તે વ્યકિત સતત દુખી જ થતો આવ્યો છે. ક્યારેય સંબંધો ન જાળવ્યા, ક્યારેય લોકોને ન સમજ્યા, ક્યારેય પોતાનાને નજીક ન રાખ્યા. હંમેશા પોતાના જ વિચારોમાં જીવનના રસ્તાઓ ખોટી ભાગદોડ કરીને વિતાવી દિધા. જીવનમાં સંતોષ મેળવવા માટે લોકોને પહેલા સંતોષ આપવો જરુરી છે. સતત આપણી આસપાસ રહેનારા લોકો જ આપણાથી સંતોષી ન હોય તો આપણે કેવી રીતે સંતોષી રહી શકવાના છીએ. ગમેતેટલા સુખ કે વૈભવમાં રાચતા વ્યકિતને વહેલા કે મોડા દુખનો સામનો તો કરવાનો જ છે અને દુખ ભોગવવાનું જ છે. વિશ્વમાં આજ સુધી ક્યારેય કોઇ વ્યકિત એવો દાવો નથી કરી શકી કે તે સંપૂર્ણ પણે સુખમાં જ જીવ્યો છે, તેણે ક્યારેય દુખ જોયું જ નથી. રીલાયન્સના ધીરુભાઇ અંબાણી હોય કે ટાટા ગ્રુપના રતન ટાટા હોય. ભલે તેઓ પૈસાની પથારી કરીને સુઇ જાય તેટલો વૈભવ ધરાવતા હોય, પરંતુ જીવનના એક ખુણામાં કોઇ એક દુખ પણ એમને સતત સતાવ્યા કરતું હોય છે. ક્યારેક વધુ પડતું સુખ તમને દુખી કરી દે છે અને ક્યારેક વધુ પડતું દુખ તમને સુખી કરી દેતું હોય છે. સુખમાં વ્યકિત હંમેશા બધુ ખોવાની જ વાતો કરતો હોય છે. સુખ વ્યકિતને કંઇ શીખવતું નથી જ્યારે દુખમાં વ્યકિત હંમેશા બધુ મેળવવાની જ વાતો કરતો હોય છે. દુખ વ્યકિતને ઘણું બધુ શીખવી જતું હોય છે. જીવનને એવું જીવો કે આપણી સાથે લોકો ઉભા રહીને ગર્વ અનુભવે, એવું નહિં કે લોકો પાસે ઉભા રહીને આપણે ગર્વ અનુભવીએ. આજે દુનીયા મોર્ડન બની છે સાથે સાથે લોકો પણ મોર્ડન બન્યા છે અને સંસ્કારોને પણ મોર્ડન બનાવતા થયા છે. લોકો આજે પુણ્ય કરતા પાપ વધુ કરતા થયા છે. લોકો આજે સંસ્કાર કરતા કુસંસ્કાર વધુ મેળવતા થયા છે. સમાજમાં બે પ્રકારનું વ્યકિતત્વ છે. એક બુલંદિ વ્યકિતત્વ. આવા વ્યકિતઓને જે કોઇ મળે તેઓ પ્રફુલ્લીત બની જાય છે. આવા વ્યકિતઓને જ્યાં લઇ જાઓ ત્યાં સમગ્ર વાતાવરણ પ્રફુલ્લીત બની જાય છે. કુટુંબમાં કે દેશમાં આવા લોકો પોતાનો ડંકો વગાડતા હોય છે. બીજું ખોડીલું વ્યકિતત્વ. આવા વ્યકિતઓ જ્યાં જાય ત્યાં તેમને ખોડ અને ખરાબી જ દેખાય. તેઓ હંમેશા લોકોનું ખરાબ પાસું જ જોઇ રહયા હોય છે. જીવનમાં હંમેશા સારા વ્યકિતઓનો સંગ કરો. વ્યકિતના જીવનમાં ધનનું આગમન થતા જ તે કુસંગના રસ્તે ચઢી જાય છે. ધનવાન વ્યકિતના સંતાનો આજે વર્ષે પાંચ પાંચ લાખ રુપીયા ખર્ચીને પોતાના માં-બાપનું નામ પાણીમાં બોળતા થયા છે અને ગરીબના સંતાનો પૈસા વિના ભણીગણીને પોતાના માં-બાપનું નામ ઉજાગર કરી રહયા છે. જેનું મુખ્ય કારણ એ છે કે અમીર પાસે જે સંપત્તી છે, જે પૈસો છે તેનું તેને માન નથી, તેની તેને કાંઇ પડી નથી અને ગરીબને મન તો એક એક પાઇ મહાન હોય છે, તે પૈસાની ઇજજત કરતો હોય છે. પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણને તેમના પુત્રથી સંતોષ ન હતો તો પછી આજના પિતાને કેમ સંતોષ હોય. આજે તો યુગ એટલો બધો મોર્ડન બની રહયો છે તેવામાં પિતા પુત્રથી સતત અસંતુષ્ટ બનતા જઇ રહયા છે. આજે જ્યાં પૈસો છે ત્યાં શાંતિ નથી અને જ્યાં પૈસો નથી ત્યાં સદા શાંતિ છે અને તેવા લોકો સુખી છે. તમને એવું લાગતું હશે કે પૈસો જ આજે પરમેશ્વર છે. પૈસો છે તો સંબંધો છે, પૈસો છે તો માન-સન્માન છે. હા, વાત સાચી છે. પણ તે સંબંધો અને માન-સન્માન સ્વાર્થના છે તે સાચા સંબંધો કે સાચું માન-સન્માન નથી. ક્યારેક કોઇ રસ્તે કુદરતની ઠોકર વાગે ત્યારે આવા તમામ સંબંધો કે માન-સન્માન દુર થઇ જાય છે. વ્યકિતની જીંદગીનો રસ્તો ફક્ત જીવનથી મૃત્યુ સુધીનો જ છે. આ સમયગાળા દરમ્યાન તે જેવા કાર્યો કરે છે તેવું ફળ મેળવે છે. મૃત્યુ બાદ વ્યકિત પોતાનું શરીર પણ પોતાની સાથે નથી લઇ જતો. વ્યકિતના જીવન તમામ દિવસો સરખા જ હોય છે. ક્યારેય એવું નથી હોતું કે આજે સારો દિવસ અને આજે ખરાબ દિવસ. વ્યકિત જો સારું જીવે તો સારો દિવસ અને ખરાબ જીવે તો ખરાબ દિવસ. અગાઉ જણાવ્યા પ્રમાણે આજે જ્યોતીષ વ્યકિતના જીવનને દુખી દુખી કરી રહયો છે. બીન લાદેનની માતાને ક્યારેય કોઇ જ્યોતીષે ન હતું કહયું કે તેનો દિકરો આતંકવાદી બનશે કે પછી લક્ષ્મી મીત્તલની માતાને કયારેય કોઇ જ્યોતીષીએ એમ ન હતું કહયું કે તેનો દિકરો સૌથી વધુ પૈસો અને નામના ધરાવતા ઉઘોગપતી થશે. તેમ છતાં આજે આપણે આપણા જીવ અને કર્મો કરતા જ્યોતીષીઓ ઉપર વધુ વિશ્વાસ મુકતા થયા છીએ પરીણામે આપણે દુખી ને દુખી થતા જઇ રહયા છીએ. પહેલા સારા અને ઉત્તમ સંસ્કાર બાપ પોતાની દિકરીને સાસરીએ વળાવતી વખતે આપતા હતા.
જન્મથી અત્યાર સુધી લાડલી તને જે હાથે રમાડી, લાડ કર્યો આજે એ હાથે તને વિદાય કરી રહયો છું. લાડલી તું તારા પિતાનો જીવ હતી, તું તારા પિતાના હદયનો હાર હતી એ વાત યાદ રાખીને તારી સાસરીમાં પિતાનું નામ અને સંસ્કાર રોશન કરજે. હવે સાસરીયું જ તારું ઘર છે અને સાસરીયું જ તારું જીવન છે. જીવનમાં આવતી કોઇ પણ પળો કાયમી નથી હોતી એમ જીવનમાં કોઇનો સાથ પણ કાયમી નથી હોતો. એક શહેનશાહ હતો. દુખ હોય કે સુખ, એને સતત ભય લાગતો હતો કે હવે શું થશે ? સુખમાં હોય ત્યારે એને થતું કે આ સુખ ચાલ્યું જશે તો ? દુખમાં હોય ત્યારે તેને એવો ડર લાગતો કે આ દુખ ક્યારેય ખતમ જ નહીં થાય તો ? આ ઉપાધિનું શું કરવું એની શહેનશાહને સમજ પડતી ન હતી. આખરે તેને વિચાર આવ્યો કે મારા દરબારમાં કેટલા બધા બુઘ્ધીરત્નો છે, એ ક્યારે કામ આવશે ? ચાલો તેને જ કહું કે મને આ મુશ્કેલીનો માર્ગ શોધી આપે. દરબાર ભરીને શહેનશાહે ફરમાવ્યું કે મને એક એવી વીંટી જોઇએ છે જે દુખમાં મને દિલાશો આપે અને સુખમા મને છકી જતા રોકે, આવી વીંટી ક્યાંથી લાવવી ? બધા દરબારીઓ મુંઝવણમાં મુકાયા. કોઇને રસ્તો સુઝતો ન હતો. એવામાં એક ફકીર ફરતો ફરતો દરબારમાં આવી ચઢયો. બધાને ચીંતામાં જોઇ તેણે કારણ પુછયું. બધાએ વીટીંની વાત કહી. જે વાત સાંભળીને ફકીર હસવા લાગ્યો. તેણે કહયું બસ આટલી જ વાત છે ? તે શહેનશાહ પાસે ગયો અને કહયું કે, તમારી વીંટી મને આપો. શહેનશાહે હાથની આંગળીમાંથી વીંટી કાઢીને આપી, ફકીરે આ વીંટી ઉપર કાંઇક લખ્યું અને પાછી શહેનશાહને પહેરાવી દિધી. વીંટીમાં માત્ર એટલું જ લખ્યું હતું કે ‘આ પણ જતું રહેશે’. ફકીરે કહયું કે સુખ કે દુખ કંઇ જ કાયમી નથી. સુખ હોય ત્યારે વિચારજો કે આ પણ જતું રહેવાનું છે એટલે તમે છકી નહિ જાઓ અને દુખ હોય ત્યારે પણ વિચારજો કે આ પણ ચાલ્યું જવાનું છે એટલે તમે હતાશ નહિ થાઓ. માણસ ગમે તે સ્થિતીમાં હોય, તે ભય હેઠળ જીવતો રહે છે. ખાસ તો દુખ આવે કે તરત જ માણસ ફફડી જાય છે, ચીંતાતુર બની જાય છે, તમામ કામમાં હારી જાય છે. હા એ વાત સત્ય છે કે જીવનમાં ક્યારેક વ્યકિત માટે એવો રસ્તો પણ આવી જતો હોય છે કે વ્યકિતનું ઘ્યાન ક્યાંય પડતું નથી. તેવા સમયે ટકી રહેવા માટે મનમાં એવો વિચાર સતત રાખવો કે ‘આ પણ જતું રહેશે’.
જીંદગીના રસ્તે આપણે સુખને સહજ માની લઇએ છીએ પણ દુખને સહજ રીતે લઇ શકતા નથી. સુખને આપણે આપણો અધીકાર સમજીએ છીએ અને દુખમાં હંમેશા રડતા રહીએ છીએ. કેટલાંક દુખો કુદરતી હોય છે, જેમાંથી માણસે પસાર થવું જ પડે છે. દુનીયાનો દરેક માણસ ક્યારેક તો આવી અવસ્થા ભોગવતો જ હોય છે. તમે તે દુખનો સ્વીકાર કેવી રીતે કરો છો તેની ઉપરથી તેની તીવ્રતા અને અસરકારકતા નક્કી થતી હોય છે. માથે હાથ દઇને રડવાથી કોઇ દુખ ચાલ્યું નથી જવાનું. જો એ વાત સનાતન સત્ય છે કે દરેક દુખ જતું જ રહેવાનું છે તો પછી માથે હાથ દઇને રડવું શા માટે ? હસતા મ્હોંએ એનો સામનો શા માટે ન કરવો ? દુખથી છુટવાના નુસખા જ વ્યકિતને વધુુ દુખી બનાવે છે. જીવનમાં દુખ આવે ત્યારે કાચબાને યાદ કરી લેવો. કાચબાને જ્યારે ભય લાગે ત્યારે તે તેના અંગો સંકોરી લે છે જ્યારે આપણે સંકોરવાને બદલે તેને ફેલાવીએ છીએ અને તેથી જ હંમેશા વધુ દુખી થઇએ છીએ. વાવાઝોડું આવે ત્યારે આપણે ઘરની બહાર નીકળવાનું ટાળીએ છીએ. વાવાઝોડાને પસાર થવા દઇએ છીએ. આપણને એ ખબર જ હોય છે કે આ વાવાઝોડું પુરુ થવાનું જ છે. દુખ પણ પુરુ થવાનું જ હોય છે. એ પસાર થવા માટે જ આવે છે, આપણે બસ એ જાય ત્યાં સુધી રાહ જોવાની હોય છે. કુદરતી દુખતો કુદરતી રીતે જ દુર થઇ જાય છે. જીવનના તમામ દુખો કુદરતી નથી હોતા. કેટલાક દુખો તો વ્યકિત જાતે ઉભા કરે છે. તેને ખબર છે કે, આ કામ કરવાથી હું દુખી થઇશ તેમ છતાં તે એવા કામો કરે છે જેનાથી સતત દુખી જ થવાય અને એવા સમયે વ્યકિત પોતાના નસીબના દોષ કાઢતો હોય છે, પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી. આજે વ્યકિત સરખામણી અને અપેક્ષાઓથી સૌથી વધુ દુખી થતો જઇ રહયો છે. દુખમાં ક્યારેય કોઇને દોષ ન આપો અને કોઇ વાતનો અફસોસ ન કરો. કેમકે આમ કરવાથી પણ કોઇ જ ફરક પડવાનો નથી. જીંદગીનું સુખ-દુખ વ્યકિતએ જાતે જ નકિક કરવાનું છે. આ બંન્નેમાં ક્યારેય અપેક્ષા ન રાખો કેમ કે વધુ પડતી અપેક્ષાઓ હંમેશા વ્યકિતને દુખી જ કરે છે. અત્યારે વ્યકિત એક જ વાતે રડતો હોય છે કે, મેં બધાના કામો કર્યા પણ મારું કોઇએ ન કર્યુ, મારી કોઇને પડી નથી, બધા મને ભુલી ગયા, મને એકલો મુકી દિધો. એક પરીવાર હતો. માતા-પિતા-દિકરી અને દિકરો એમ ચાર જણાં એક છત નીચે રહેતા હતાં. એક દિવસ અચાનક વાવાઝોડામાં મકાનની છત ધરાસાઇ થઇ ગઇ. માતા અને પિતા તેમના સંતાનોને મુકી આ દુનીયામાંથી ચાલ્યા ગયા. તેમનું અવસાન થયું. બાળકોએ કલ્પાંત કરી મુક્યો. દિકરી મોટી હતી અને દિકરો નાનો એટલે ભાઇને રાખવાની અને તેને મોટો કરવાની જવાબદારી હવે બહેનના માથે આવી ગઇ હતી. બહેને પોતાનું ભણવાનું છોડીને ભાઇને ભણાવ્યો. પોતાના મોજશોખ ભુલીને મહેનત કરી બહેન ભાઇને અને પોતે આનંદિત થતી. દિવસો વર્ષોમાં ક્યાં ફેરવાઇ ગયા ખબર ન પડી. સમય ચાલ્યો ગયો અને ભાઇનું ભણતર પુરું થતાં જ તેને સરસ નોકરી મળી ગઇ. જીવનકાળ દરમ્યાન ભેગી કરેલી થોડીઘણી મૂડીથી બહેને ભાઇના લગ્ન કરાવ્યા. ભાઇ-ભાભી એમની જીંદગીમાં વ્યસ્ત થઇ ગયા. બહેને પણ સામાન્ય ઘરમાં લગ્ન કરી લીધા. જો કે બહેન હંમેશા એક ફરીયાદ કરતી રહેતી કે, મેં મારા ભાઇ માટે કેટલું બધું કર્યુ અને હવે તે પોતાની જીંદગીમાં મસ્ત થઇ ગયો, મને કાંઇ પુછતો પણ નથી. એક સમય એવો આવ્યો કે, બહેનથી પોતાના ભાઇનું સુખ સહન ન હતું થતું. તે હંમેશા એમ કહેતી કે, ભાઇ અત્યારે કેવા જલસા કરે છે અને અમે માંડ માંડ પુરુ કરીએ છીએ.
બહેનનો પતિ સમજુ હતો તેણે કહયું કે, તે તારા ભાઇ માટે જે કર્યુ તેનો તને ગર્વ કેમ નથી ? તું ખોટો અફસોસ કરે છે. ભાઇના સુખ માટે તે બલીદાન આપ્યું હતું અને હવે તે સુખી છે તો તારાથી કેમ તે સહન નથી થતું ? તારે એક બહેન તરીકે ખુશ થવું જોઇએ કે તારે જે કરવું હતું તે તું કરી શકી. તારા ભાઇને શા માટે દોષ દે છે. આપણા પડકારો આપણા છે અને આપણે જાતે તેનો સામનો કરવાનો છે. આમ, વ્યકિત હંમેશા સુખી લોકોને જોઇને દુખી થાય છે. આજે બદલો લેવાની ભાવનાએ તમામ વ્યકિતઓને દુખી જ કર્યા છે. કુદરત દરેક માનવીને સુખી જ કર્યા છે પણ તેને ભોગવવા માટે દરેકને બુઘ્ધી અલગ-અલગ આપી છે. કોઇ પણ વ્યકિતને ક્યારેય તેનું સુખ પુરતુ લાગતું જ નથી. જીવનમાં આમ જોવા જાઓ તો દુખ હોતું જ નથી પરંતુ આપણે જ તેને ઓઢી ઓઢીને ફરતા હોઇએ છીએ. જો તમે જીવનને દરેક પરિસ્થીતીમાં તમારી જાતને સુખી સમજશો તો તમે કાયમી સુખના માલીક બની શકશો. જીવનમાં સુખદુખની અનેક વાતો અને અનેક રસ્તાઓ છે. વ્યકિતના જીવનની આત્મકથા લખવામાં આવે તો તે કંઇક આવી હોય. આજે મારા પિતા ખુબ ખુશ હતા કેમ કે તેમને મારી માતાએ ઘરમા હવે આગામી થોડા સમયમાં જ તેઓ બે ના ત્રણ થવાના હોવાના ખુશીના સમાચાર આપ્યા હતા. હું મારા માં ના ગર્ભમાં હતો અને મને ખબર પણ ન હતી કે આ દુનીયા કેવી હશે? તેના કેટલા રંગો હશે?કેવા લોકો હશે? હું શું કરીશ? થોડા મહીના પછી મારો જન્મ થયો અને જાણે કે ઘરમાં ભગવાન આવ્યા હોય તેટલો ઉત્સાહ અને ઉમંગ આવ્યો. લોકો ખુબ ખુશ હતા અને મારા માં-બાપને અભીનંદન આપતા હતા. આ વાતમાં આમ તો જીંદગીએ અનેક રસ્તાઓ અને રંગ બતાવી દીધા. સૌથી પહેલા રસ્તાની વાત કરીએ તો માં ના ગર્ભ સમયની. આ સમયમાં કલ્પનાઓ અને અંધકાર સીવાય કંઇ જ ન હતું. દુનીયા કેવી હશે કે મારા સગાવ્હાલા કેવા હશે તેનું કોઇ જ જ્ઞાન ન હતું. એમ કહી શકાય કે કોઇ મગજ વીનાનો માનવી ખાલી રસ્તે એકલો પસાર થઇ રહયો છે. જીંદગીનો રસ્તો સુમસામ, કાંઇ સમજણ નહીં કે કાંઇ સ્વરુપ નહીં. હવે જીંદગીનો રસ્તો ધીમે ધીમે વળાંક લઇ રહયો હતો. મારો જન્મ થયો અને જીંદગીના રસ્તેથી વળાંક આવ્યો. આ રસ્તે તો મને સૌથી વધુ ખુશી પ્રાપ્ત થતી હોય તેવું લાગ્યું. જુદા જુદા હાથમાં રમવાનું અને એક સ્ત્રીની હુંફ, એનો પ્રેમ. તે હતી મને જન્મ આપનારી મારી જનેતા, મારી માતા. અનેક જુદા જુદા હાથમાં મને રમાડવા માટે લોકો મને લેતા જાણે કે હું પૃથ્વી ઉપર વ્યકિત તરીકે નહીં પરંતુ એક રમકડું બની ને આવ્યો હોઉં. પણ હવે ખ્યાલ આવે છે કે હું તો રમકડું જ છું ને જીંદગી માટે તો. એક નવા જીવના આગમનથી આટલી બધી ખુશી? મને તો કલ્પના જ ન હતી કેમ કે, મેં તો આ દુનીયા પહેલી જ વાર જોઇ હતી.
આ જીવની જીંદગી શું કરશે આગામી સમયમાં તે તો હું પણ ન હતો જાણતો કે મારા માં-બાપ પણ નહતા જાણતા. જાણતા હતા તો બસ એક જ વિધાતા. ખેર, એટલું ચોક્કસથી કહી શકું કે, આ જીંદગીનો એવો સૌથી સુખદ રસ્તો હતો કે જે કયારેય પાછો નહતો આવવાનો. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને બાળપણ વીસરાતું ગયું. જીંદગીનો એ રસ્તો ભુલાતો ગયો અને પાછો નવો વળાંક આવતો ગયો. નવા રસ્તે આવતા વેંત જ શાળાના પગથીયે ચઢયા અને રડતા રડતા શાળામાં ગયા અને દુનીયાનું જ્ઞાન લેવા ગુરુવર્ય એવા શિક્ષકને વંદન કર્યા. એકડો, બગડો કે ત્રગડો શું હોય તેનું કંઇ જ જ્ઞાન નહીં. શાળાએ જતા જતા પોક મુકીને રડવાનું અને શાળાએ નહી જવાની જીદ. આ સમયે શાળા એટલે શું ? તેની કાંઇ સમજણ ન હતી પરંતુ માં-બાપને છોડીને જવાનું મન નહતું થતું કેમકે જન્મથી અત્યાર સુધી ક્યારેય તેમને મુકીને કે તેઓ આપણને મુકીને કયાંય જતા ન હતા. આખરે બુઘ્ધી વીનાના બાલુડા જો હતા. રડતા રડતા શાળાના પગથીયે ચડયા અને બસ ભણી ગણીને જીવનના રસ્તે ડગ માંડવાનું જ્ઞાન મેળવ્યું. રોજ સવારે માતા-પીતા અને શીક્ષકો સંસ્કારની વાતો કરતા, જીવનમાં સ્વજનોનું નામ ઉજળું થાય તેવા કામ કરી આગળ વધવાની સલાહ આપતા હતા. આ દિવસો જીંદગીના અંત સુધી યાદગાર રહેનારા દિવસો હતા. શાળાની એ નિદોર્ષ મીત્રતા અને મીત્રોની મસ્તી સાથે શીક્ષકોને કરવામાં આવતી હેરાનગતી. શાળાનો આ રસ્તો ક્યાં પસાર થઇ ગયો તેની કાંઇ ખબર ન પડી. શાળામાં ભણવાનું પુરુ થયું. હવે વળવાનું હતું જીંદગીના એક નવા રસ્તે, જ્યાંથી ઘણું બધુ શીખવાનું હતું, લોકો કેવા છે તેનું જ્ઞાન મેળવવાનું હતું. આખા જીવનકાળ દરમ્યાનમાં આવતા મુખ્ય રસ્તામાંથી એક આ રસ્તો બની જવાનો હતો જ્યાંથી જીવનમાં શું કરવું અને શું બનવું તે નકિક કરી તે રસ્તે આગળ વધવાનું હતું. અને તે રસ્તો હતો કોલેજ તરફનો. આ એક નવો રસ્તો એટલા માટે કે, અહીંથી હવે દુનીયાનું જ્ઞાન હકીકતમાં સમજાય છે. અનેક સારા-નરસા પરીબળો અહીં સમજવાના હોય છે. અહીંથી જીંદગીના અનેક પેટા રસ્તાઓ પણ જોવાના હતા. કોલેજકાળ શરુ થયો. અહીંતો નિદોર્ષ મિત્રતા ભાગ્યે જ જોવા મળી રહી હતી. લોકો બસ પોતાના સપનામાં જ રાચતા હતા. હું પણ મારા સપનાની દુનીયામાં જ મસ્ત હતો. રોજ લોકો ભણવા કરતા છોકરીઓ જોવા અને મોજશોખ કરવા વધુ આવતા હોય તેવું મને લાગતું. પૈસાદાર બાપના છોકરાઓ પૈસાને વેળફતા હતા. તેમના મતે પૈસાનું કોઇ મૂલ્ય જ નહતું. તેમને જોઇને એમ લાગતું કે આ લોકોના ઘરમાં પૈસાનું મહત્વ નહિં હોય. જ્યાં સંસ્કાર છે ત્યાં લક્ષ્મીની કિંમત છે, ત્યાં પૈસો વેડફવવાની વૃતી નથી. કોલેજમાં ભણતા ભણતા ખબર પડી કે દુનીયામાં વસતા વ્યકિતઓના અનેક સ્વરુપ હોય છે. આજે અહિં મિત્રો સ્વાર્થી બન્યા છે અને અત્યાર સુધી ભણતા વિઘાર્થીઓ હવે યુવાન બન્યા છે. ભણવા આવતી યુવતીઓ ભણતરની કોલેજમાં પછી, પહેલા પ્રેમની કોલેજમાં જઇ રહી છે. કેટલાક યુવાનોને બાદ કરતા તમામ યુવક અને યુવતીઓ પ્રેમ નામની મોહમાયામાં ફસાઇ ગયા છે. આ લોકોને જોતા મને હંમેશા એમ જ લાગતું કે આ પ્રેમ નથી, આ તો માત્ર શરીરની ભુખ છે. આજે પ્રેમ અને હુંફની જગ્યાએ પૈસો અને દેખાદેખીએ લઇ લીધી છે તેથી વ્યકિત સુખી નથી. કોલેજકાળનું શીક્ષણ પુરુ કરી નોકરીએ લાગ્યા. નોકરીમાં પણ અનેક સંબંધો થયા, નવા નવા લોકોને મળવાનું થયુ, અનુભવો મેળ્વયા અને પરીવારજનોની ઇચ્છાએ લગ્નના સંબંધમાં પણ બંધાઇ ગયા. હવે શરુ થઇ હતી જીંદગીની પરીક્ષા. આ પરીક્ષામાં અનેક વાર પાસ થયા અને અનેક વાર નાપાસ થયા તેમ છતાં આગળ વધતા ગયા અને જીંદગીના અનેક અનુભવો માણતા ગયા. જીંદગીના રસ્તે ચાલતા ચાલતા ઓચીંતો એક રસ્તો ક્યારે આવી ગયો તે ખબર જ ન પડી. તે રસ્તો હતો ઘડપણનો રસ્તો. જીંદગીને અનેક રંગોમાં માણ્યા પછી બસ હવે પથારીએ પડયા પડયા મોતની વાટ જોતા જન્મથી મોત સુધી જીવનના અનેક રંગો છેલ્લી ઘડીએ જીંદગીએ બતાવી દિધા. જીવનકાળ દરમ્યાન કરેલા સારા-નરસા કર્મો છેલ્લી ઘડીએ જોઇ લીધા અને બસ છેલ્લા શ્વાસ લઇને આ દેહ નિશ્વેતન થઇ ગયો. ઘરમાં પરીવારમાં રોકકળ થઇ ગઇ, ભારે આક્રંદ થયું અને લોકો મને અને મારા કર્મોને યાદ કરી આંસુ સારવા લાગ્યા. હવે હું આ તમામ લોકોની વચ્ચે ક્યારેય પાછો ફરવાનો નહતો. જીંવનકાળથી જીંદગીએ મને નિવૃતી આપી દિધી હતી. બસ, આટલી જ છે જીંદગી. જીવનથી મોત સુધીની સફર. આ સફર ખુબ ટુંકી છે. મોત આવતા વ્યકિતને એમ લાગે છે કે હજુ કાલે સવારે તો મારો જન્મ થયો છે અને આજે મોત. હા, વાત સાચી છે જ્યારે જીંદગીને ખરા અર્થમાં માણવાની શરુઆત કરો છો ત્યારે જ મૃત્યુ દરવાજો ખટખટાવે છે. એટલે હંમેશા જીંદગીને માણો તેના માટે સમયની વાટ ન જુઓ. જન્મ અને મૃત્યુ વચ્ચે અનેક લોકો અને અનેક અનુભવોનો સામનો થતો હોય છે. આ સમયમાં અનેક ખરાબ અને સારા પરીબળોનો સામનો થતો હોય છે, સુખ-દુખની વ્યાખ્યા સમજાતી હોય છે પરંતુ જો તે તમામને અહીં આલેખવા બેસીએ તો પુસ્તકો નાના પડે અને જીંદગી ની જીંદગી વિતી જાય પણ તેને આલેખવાનું પુરુ ન થઇ શકે. આજે વ્યકિત તેના કર્મોને લઇને અને જાતે ઉભા કરેલા દુખોને લઇને જાતે જ આત્મહત્યા કરતો થયો છે. જીવન અમુલ્ય છે તે વાત તે ભુલી ગયો છે અને સતત તેનો વિરોધી બનતો જઇ રહયો છે. જન્મથી જેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે તેવો જ વ્યકિતની જીંદગીનો પાયો ઘડાય છે. આજે હું કોઇ સંબંધોનું જતન નહિં કરું તો આવતીકાલે મારા સંબંધોનું પણ કોઇ જતન નહિં જ કરે તે વાત મનમાં રાખીને જ વ્યકિતએ જીવવાનું છે. આજે કોઇના ઘરે બાળકીનો જન્મ થાય તો ઝઘડા થાય છે અને બાળકનો જન્મ થાય તો ઉત્સવ ઉજવાય છે. ભણેલા-ગણેલા જમાનામાં આજે પણ આ ભેદ રેખા વધુ ઘાટી બનતી જઇ રહી છે. માં બાપને પત્નિ આવતાવેંત દુખી કરતા લોકો જરા એટલું વિચારી લેજો કે, આજે મારી પત્નિ આવી અને હું મારા માં બાપનો વિરોધી થઇ ગયો છું તો આવતીકાલે મારા બાળકની વહુ આવ્યા પછી મારું બાળક પણ મારો વિરોધી જ થઇ જવાનો છે અને તે સમયે મારી ઉપર શું વિતશે કે, મારો પોતાનો જ મારો વિરોધી બની ગયો હશે. આજે તમે જે કરો છો તેને તમારા જીવનમાં પહેલા અપનાવી જુઓ કે આમ થશે તો શું થશે અથવા તો હું આજે આમ કરીશ તો કાલે મારી સાથે શું થશે. કોઇપણ વ્યકિત જો આટલું વિચારતો થઇ જશે તો તે ક્યારેય દુખી નહિં થાય તેને ક્યારેય તેની જીંદગીના રસ્તેથી ફરીયાદ નહિં હોય.
આજે લોકો માં-બાપ મૃત્યુ પામે પછી તેની પાછળ વિધી કરાવે છે જેથી તેમનો મોક્ષ થાય. તેવામાં આજે સંતાન દુખી થાય તો તે એમ વિચારી લેતો હોય છે કે મને મારા પિતૃ નડે છે. અરે ભલા! આખા જીવનમાં હંમેશા પોતાના સંતાનનું ભલું ઇચ્છનારા માં-બાપ પોતાના સંતાનોને કેવી રીતે નડી શકે ? આજે હળહળતો કળીયુગ પગપેસારો કરી રહયો છે જેના એંધાણ એવા છે કે, પુત્રો મૃત્યુ પામે છે અને બાપને લાંબી આયુષ્ય હોય છે. વ્યકિત પારકા સાથે મિત્રાચાર રાખે છે અને સ્વજન સાથે વેર રાખે છે. વ્યકિતના કર્મ ક્રિયા-ધંધો બધું ગર્ભમાં જ નિર્માય જાય છે. ધન પ્રાપ્તિ પણ ગર્ભમાં જ નિર્માય જાય છે. જીંદગીના આ રસ્તે ક્યારેક કોઇ વ્યકિત આવતાવેંત જ ધન-વૈભવમાં રાચવા લાગે છે અને ક્યારેક કોઇ રોટી-કપડા માટે તરસતો હોય છે. ભગવાનને પણ આજે વ્યકિતએ લાંચીયો બનાવી દિધો છે. હે ભગવાન! તને દસ રુપીયાનું નારીયળ ચઢાવીશ, મારું આટલું કામ કરી આપજે. હે ભગવાન! તારા મંદિરના બાંધકામ પેટે ૫૦૦૦ રુપીયા લખાવીશ, મને ૫૦ લાખનો કોન્ટ્રાક પાસ કરાવી દેજે ને. ભગવાન પણ પોતાના ભકતોની આવી આવી વાતોથી હેરાન થઇ ગયો છે. શું કરે શું ના કરે તેમાં ભગવાન મુંઝાવા લાગ્યા છે. સાલું રોજ સવાર પડેને અનેક ભીખારીઓની લાઇન જ્યાં લાગતી હોય એવી કોઇ જગ્યા હોય તો તે છે મંદિર. હા ! મંદિર એટલે ભીખારીઓને ભીખ માંગવાનું સ્થાન. મંદિરમાં જેટલા વ્યકિતઓ જાય તે તમામ કોઇક ને કોઇક માંગણીઓ લઇને જ જાય છે. ક્યારેય કોઇ વ્યકિત એવો મંદિરે નીયમીત આવે છે કે જે ફક્ત ભગવાનને રીઝવવા જ આવતો હોય કે ભગવાનના ખબર-અંતર પુછવા આવતો હોય. ના, એવો કોઇ ભગત જ નથી ભગવાનનો. ભગવાન આપવાવાળો અને એના ભક્તો માંગવાવાળા. ફલાણી જગ્યાએ ફલાણા દેવતા નું મંદિર છે જ્યાં તમે જે માંગો એ મળી જાય કે જે બાધા રાખો એ પુરી થઇ જાય. આવી જ વાતો સાંભળવા મળતી રહે છે. જીવનમાં આજે વ્યકિતએ ભગવાનને કમાણી કરવાનું એક અંગ બનાવી દિધા છે. જ્યાં જુઓ ત્યાં મંદિર, મંદિર અને બસ મંદિર. વળી પાછું મંદિર કરવામાં પણ અત્યારે શનીદેવ, સાંઇબાબા અને હનુમાનજી હોટફેવરીટ માનવામાં આવે છે.
આજનો યુવાધન પોતાના કર્મો અને મહેનત કરતા મંદિર ઉપર વધારે નભતો થયો છે. કુદરતે આપેલી આ જીંદગી નામની રમત ઇચ્છા ન હોવા છતાં રમવી પડે છે. ક્યારેક હાર તો ક્યારેક જીત. ગામના સીમાડે એક નાનકળું સ્મશાનગૃહ. સામે હનુમાનજીની મૂર્તિ. થોડે દુર એક ઝુંપડી. દુબળો કુતરો. ઝુકેલી કમ્મરવાળા સ્મશાનના પહેરેગીર રામૈયાદાદા. એમની એક જુની લાકડી. કરચલીવાળું શરીેર. ઝાંખી આંખો. બોખલું મોં. લાશોને બાળવી, બદલામાં કંઇક દક્ષિણા લેવી, લાશની સંપત્તિ-કપડાં, ઘડો વગેરે રાખી લેવું, એ એમનો ધંધો. પેટ ભરી દિવસ પસાર કરવો હોય તો રોજની એક લાશ આવવી જોઇએ. કોઇ પત્નીને વૈધવ્ય માટે, કોઇ પતિને પત્નિના વિયોગ માટે, કોઇ માને લાડલા માટે ધ્રુસકે ધ્રુસકે રડવું પડે છે. એ આંસુઓને રામૈયાદાદાના ચુલા પર શેકાવું પડે છે. ઉઠતાવેંત દાદાની એક જ પ્રાર્થના, હે પ્રભુ! આજે એક લાશ આવવા દેજે. લોકો જીવતાજાગતા વ્યકિતઓને લુંટવા પ્રાર્થના કરે છે ત્યારે સ્મશાનમાં રહેનારા લોકોને પેટીયું રળવા લાશો આવે તેની પ્રાર્થના કરવી પડે છે. વાહ રે ! કેવી દુનીયાની રચના છે કે જ્યાં નથી જોઇતું ત્યાં ભંડારો ભર્યા છે અને જ્યાં જરુર છે ત્યાં કંઇ જ નથી. આજે ચોખામાં કાંકરાને બદલે કાંકરામાં ચોખા વીણવાના દિવસો આવવાને કારણે દાદા સમાજને ભાંડતા હતા. ત્યાં કૂતરો ભસ્યો... એક નાની છોકરી સામેથી આવી રહી હતી. મારું નામ શૈલા ! હું ત્રીજા ધોરણમાં ભણું છું. મારા પપ્પા અમેરીકા છે, મમ્મીનું નામ ડો.સુશીલા. બેટા, ભુલી પડી ગઇ ? અહીં ક્યાંથી ? આશ્વર્ય સાથે રામૈયાદાદાએ પુછયું. ના...રે...! હું તો સ્મશાન જોવા આવી છું. દિકરીના જવાબથી રામૈયાદાદાને વધુ આશ્વર્ય થયું અને કહયું કે, સિનેમા-સરઘસને બદલે સ્મશાન ? તું જરુર ભુલી પડી છે. લાવ, તને ઘરે પહોંચાડી જાઉં. ના...ના... હું કાંઇ નાની કીકલી નથી. પણ મારે તમને એક વાત પુછવી છે. મારી મમ્મીની ઇસ્પિતાલમાં એક દર્દી મરી ગયો. મેં મમ્મીને પુછયું, આને ક્યાં લઇ જશે ? એણે ગુસ્સામાં મને કહયું કે, સ્મશાનમા! હેં દાદા, અહીંથી પાછા એ લોકો ક્યાં જાય છે ? બેટી મારી ! ભગવાન પાસે. પાપ કર્યા હોય તો ભગવાન પાછા અહીં મોકલે, પુણ્ય કર્યા હોય તો પોતાની પાસે રાખી લે. પણ દાદા, લોકો મરી શું કામ જાય છે? બેટા ઉમર વધતા બધાને બુઢાપો આવે અને પછી મરણ થાય. છોકરી શ્રઘ્ધાથી સાંભળી રહી હતી. તો શું હું યે બુઢી થઇને તમારી જેમ કમરેથી વળી જઇશ ? દાદાએ વ્હાલથી છોકરીને ઉચકી લીધી, એવા બધા વિચારો ન કરીએ મારી લાડલી ! દાદા, તમારી બા ક્યાં છે ? મરી ગઇ. તો તમને ખવડાવે છે કોણ ? હું જ રાંધી લઉં છું. ધીમે ધીમે દાદા અને દિકરી બંન્નેની એકબીજા પ્રત્યે લાગણી વધવા લાગી. છોકરી પણ દાદાને દરરોજે મળવા આવે. એક દિવસ દાદા ગુમસુમ બેઠા હતા. એમને ગળે વળગી પડતાં નાનકી બોલી, દાદા આજે ચુપચુપ કેમ છો ? બે દિવસથી ખાધું નથી ? શું એકેય લાશ નથી આવી ? ના. છી.. છી.. ભગવાનમાં જરાય દયાનો છાંટો નથી, કહેતીકને હનુમાનજીની પાસે જઇને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન ! એવું કરો કે બહુ લોકો મરે અને મારા દાદાને ખુબ ખુબ પૈસો મળે. પછી પાછી દાદા પાસે આવી પુછવા લાગી, તમારે કેટલા પૈસા જોઇએ ? દસ રુપીયા બસ થાય, અજાણતા જ દાદાના મોઢેથી વાત નીકળી ગઇ. બીજે દિવસે સાંજે એ ન આવી. ત્રીજી, ચોથી સાંજ વીતી. દાદાને થયું, ગામમાં જઇને પુછવાથી તો કાંઇ નહી વળે, કોઇ માનશે જ નહિ કે અમારી વચ્ચે આવી દોસ્તી હોય ! લોકો ગાંડો કહીને કાઢી મુકે ! બીજીબાજુ સાત દિવસ સુધી એકેય લાશ ન આવી. ત્યાં આમલીના ઝાડ નીચે બેહોશ થઇ પડેલા દાદાને કોઇકે ઢંઢોળ્યા, તમને કેટલા શોઘ્યા ! અમારે બધું પતાવવું પડયું. નાની બાળકી જ હતી. દાટી દીધી. આ લ્યો તમારો લાગો. કહી દસની નોટ દાદાના હાથમાં મુકી. કઇ નાની બાળકી ? દાદાએ અધીરાઇથી પુછયું. અમારા બાબુજીની. એ તો અમેરીકા છે. છેવટની ઘડીએ દિકરીનું મોં જોવાનું નસીબમાં નહીં. ભુલ બધી શેઠાણીની જ ! સોનાની મૂર્તી જેવી અમારી નાનકી.. ઓહ, બ્લયુ સ્કર્ટ અને બુટવાળી નાનકી ? કેવી રીતે મરી ગઇ ? સાચું કહો ! દાદા આવેગમાં ચીસ પાડી ઉઠયા. એ તો રોજ સ્કુલેથી મોડી આવતી, શેઠાણી ગુસ્સે થઇ પુછતાં, પણ જવાબ ન આપતી. સાત દિવસ પહેલા એણે દસ રુપીયા માંગ્યા. ન આપ્યા એટલે એણે જીદ પક્ડી. શેઠાણીબાએ ખુબ મારી. ત્યારથી તાવ વધવા માંડયો, તાવમાં એ લવતી, દસ રુપીયા લાવો, શેઠાણીબા ખુદ ડોકટર તેથી ઘણી દવાઓ કરી પણ કાંઇ ન વળ્યું. રામૈયાદાદા સ્મશાન તરફ દોડી ગયા. નાનકીની તાજી સમાધિ ઉપર, ઓ મારી મીઠડી.. કહી એક ભયાનક ચીસ સાથે તુટી પડયા.
વ્યકિતના જ્યારે અંતરના સંબંધો બંધાતા હોય છે ત્યારે તે સંબંધો અણમોલ બની જતા હોય છે, આવા સંબંધોનો અંત ક્યારેય થતો હોતો નથી. પ્રેમ અને લાગણીના આવા સંબંધો વ્યકિતના જીવનમાં દરેક પરીબળો વચ્ચે ખુબ મહત્વનો ભાગ ભજવી જતા હોય છે પરંતુ આજે આવા સંબંધો ભાગ્યે જ જળવાઇ રહયા છે અને ભાગ્યે જ ક્યાંક જોવા મળી રહયા છે. જીંદગીમાં ક્યારેય એવી ભુલ ના કરો જે તમને જીવવા ન દે. વ્યકિત ક્યારેક એવી ઘટનાને અંજામ આપી દે છે કે જેને તે ક્યારેય ભુલી શકતો નથી. નિદોર્ષ હોવા છતાં ક્યારેક ખરાબ મિત્રોની સંગતે એવો રંગાઇ જાય છે કે તેને તેની સજા જીવનભર ભોગવવી પડતી હોય છે. પશ્વિમ વિસ્તારની એક સત્ય ઘટના. અનુપ નામનો એ છોકરો. પશ્વિમ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના નાનકળા મકાનમાં રહેતા મઘ્યમવર્ગના પરીવારનો એ મોટો દિકરો. રાજ્યના બીજા છેડે એક ઓધોગીક એકમના પ્લોટમાં ફરજ બજાવતા પિતા મહીનામાં એકાદ-બે વાર ઘરે આવતા, બાકીનો સમય માતા અને નાનો ભાઇ એમ મળીને ત્રણનો પરીવાર સાથે રહેતા. દિકરાઓને શ્રેષ્ઠ શીક્ષણ આપવાના હેતુથી અનુપને નાનપણથી એક પ્રતિષ્ઠીત અંગ્રેજી માદ્રયમની શાળામાં દાખલ કરાવ્યો હતો. જોતજોતામાં વર્ષો વીતી ગયા અને આ વર્ષે અનુપે બારમા ધોરણની પરીક્ષા આપી. પશ્વિમ વિસ્તારની અંગ્રેજી મિડિયમની અત્યંત પ્રતિષ્ઠિત શાળા હોવાને કારણે શહેરના લગભગ તમામ અગ્રણી ઉદ્રાોગપતીઓ, તબીબો, ધારાશાસ્ત્રીઓ અને રાજકારણીઓના દિકરા-દિકરીઓ પણ આ શાળામાં ભણતા હતા. એ તમામની જીવનશૈલી અને સ્તર સાથે સ્વાભાવિક રીતે જ મદ્રયમવર્ગીય અનુપ બરાબરી કરી શકે એમ ન હતો. અન્ય સહાદ્રયાયીઓને જ્યારે મોંઘીદાટ કાર શાળાએ લેવા-મુકવા આવતી ત્યારે અનુપ સાઇકલ અથવા ખખડધજ સ્કુટી લઇ શાળાએ આવતો-જતો. સંપૂર્ણપણે પશ્વિમી સંસ્કૃતીથી રંગાયેલા સહાદ્રયાયીઓમાં અનુપ જુદો જ તરી આવતો, પરંતુ એ ભણવામાં હંમેશા પ્રથમ નંબરે રહેતો. છેલ્લા છ મહિનાથી તમામ મોજશોખ, ઇચ્છા, ઓરતાઓ બાજુ પર રાખી અનુપ ધોરણ-૧૨ની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો. મદ્રયમવર્ગીય માતા-પિતાનું પ્રોત્સાહન-હુંફ અને અગવડ-સગવડ વેઠીને પણ દિકરાને સારામાં સારુ શિક્ષણ અપાવવાની એમની ઉચ્ચ ભાવનાનું એ શ્રેષ્ઠ પરિણામ લાવી ઋણ ચુકવવા માંગતો હતો. સદનસીબે થયું પણ એમ જ. તાજેતરમાં ધોરણ-૧૨ની પરીક્ષા એણે આપી. સ્વાભાવીક રીતે જ એની મહેનત રંગ લાવી હોવાના આત્મવિશ્વાસ સાથે એ થાક ઉતારી રહયો હતો. અન્ય તમામ સહાદ્રયાયીઓ માથા પરથી બોજ ઉતર્યાના અહેસાસ સાથે પોતપોતાના દરજજા અને અનુકુળતા પ્રમાણે દેશ-વિદેશમાં ફરવા નીકળી પડયા હતા. મેડિકલ કે એન્જીિન્યરીંગમાં પ્રવેશ મેળવવાનાં સ્વપ્ના જોઇ રહેલા અનુપને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે, એના જીવનમાં એક એવી ઘટના આકાર લઇ રહી છે કે જે તેના માનસીક સંતુલનને હચમચાવી નાંખશે. અનુપના એક સહાદ્રયાયીનો બર્થડે હતો. જેમાં તેણે તેના નિકટના એવા સાત-આઠ મિત્રોને પોતાના બંગલે પાર્ટીમાં બોલાવ્યા. અત્યંત શ્રીમંત સહાદ્રયાયીના બંગલે યોજાયેલી આ પાર્ટીમાં અનુપ પણ હતો. સ્વાભાવિક રીતે જ આવી પાર્ટીઓનો અસંખ્યવાર સાક્ષી બની ચુકેલો અને એવા જ સંસ્કારો-વાતાવરણમાં ઉછરેલા શ્રીમંત સહાદ્રયાયી મિત્રએ શ્રેષ્ઠ પ્રકારની ડ્રીન્કસની પાર્ટી રાખી હતી. પાશ્વાત્ય સંસ્કૃતીથી રંગાયેલી શાળામાં ભણ્યા છતાં અનુપ મદ્રયમવર્ગીય હોવાને કારણે અને ઘરના જુનવાણી સંસ્કારોથી ઘડાયેલો હોવાથી હાર્ડડ્રિન્કસથી દુર રહેતો. એના મિત્રોએ એની થોડીવાર તો ઠેકડી પણ ઉડાડી, એકાદ પેગથી કંઇ નહી થાય એમ જણાવી એને પીગળાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ અનુપ ડગ્યો નહિં. પાર્ટી બરાબર જામી હતી તેવામાં અચાનક લોકોના દોડવાના અવાજ અને હોંકારા-પડકારાથી સૌ ચોંકી ગયા. એ લોકો કાંઇ સમજે તે પહેલા તો તેમની સામે યુનીફોર્મધારી પોલીસોની એક ફોજ ખડી થઇ ગઇ. આડોશ-પાડોશમાંથી કોઇએ આ પાર્ટી અંગે ફોન કરતા પોલીસે રેડ પાડી અને એ તમામ લબરમુછીયા યુવાનોને દારુ પીતા રંગે હાથ પકડી લીધા. આખો મામલો પોલીસે મથકે પહોંચ્યો, પકડાયેલા તમામ આઠ લબરમુછીયા શ્રીમંત અને મોભાદાર કુંટુંબોના કુળદિપકો છે એવું જાણતાં જ પોલીસના મોઢામાં પાણી છુટયું. પહેલા કડક હાથે કામ લેવાનો દેખાવ કરી પોલીસે પતાવટ માટેની પૂર્વભુમીકા બાંધી. ધીરે ધીરે સંતાનોના વાલીઓ વાટાઘાટના દ્શ્યમાં ઉમેરાયા. અંતે પ્રત્યેક દિઠ રુપીયા ૫૦ હજારમાં પતાવટ નકિક થઇ. આ તમામમાં અનુપ તદ્રન ર્નિદોષ હતો તથા તેણે એક ટીંપુ પણ દારુ પીધો ન હતો છતાં તેની પાસેથી પણ ૫૦ હજારની અપેક્ષા રખાઇ. ગભરાઇને પોલીસ મથકે દોડી આવેલી અનુપની માતાએ કાલાવાલા કર્યા અને અનુપે દારુ નહતો પીધો તેથી તેને છોડવાના ૨૫ હજાર રુપીયા નકિક થયા. મદ્રયમવર્ગીય માતાએ આમ-તેમથી એકઠા કરી પૈસા આપ્યા અને હજીરા ખાતે હદયરોગથી પીડીત પતિને આ ઘટનાની જાણ ન થાય તેની તકેદારી અને કાળજી રાખી. જો કે આઠ પૈકી એકની માલેતુજાર મોટી બહેને પોલીસમથકમાં પ્રવેશ કર્યો અને દ્રશ્ય બદલાઇ ગયું. એણે પોલીસ અધીકારીને કહયું કે, હું પૈસા નહિં આપું, તમે એક નહિં જેટલા કેસ કરવા હોય એટલા કરો, પણ કાલે સવારે તમારા શરીર પર આ વર્દી નહીં હોય, તમે હજુ અમને ઓળખતા નથી. વિગેરે વિગેરે. ક્ષણભરમાં જ પોલીસ અધીકારી માટે હવે પ્રતિષ્ઠા અને અહમનો પ્રશ્ર બની ગયો. પોલીસે એફઆઇઆર ફાડવાની તજવીજ હાથ ધરી. રૂા તબક્કે અનુપની માતાએ અનુપને બાકાત રાખવા વિનંતી કરી અને એના વધારાના ૨૫ હજાર રુપીયા ચુકવ્યા. અલબત્ત મોડી રાત્રે પતાવટ સફળ થઇ અને કોઇની સામે એફઆઇઆર ન નોંધાઇ, પણ મદ્રયમવર્ગીય અનુપના કુટુંબને ૫૦ હજાર રુપીયાનો ફટકો પડી ચુક્યો હતો. લગભગ આખી રાત પોલીસમથકમાં વેઠેલી યાતના કરતાં કુટુંબની પ્રતિષ્ઠા પર ડાઘ પડયો અને આર્થીક જંગી ફટકો પડયો એ બાબતથી અવાક થઇ ગયેલો અનુપ ગુજકેટની પરીક્ષા માટેની તૈયારીમાં ફરી લાગ્યો તો ખરો પણ તે મનથી ભાંગી પડયો હતો, એની માતાએ ઉછીના લીધેલા ૫૦ હજાર રુપીયા પાછા આપવા પોતાની સોનાની બંગડીઓ વેચી મારી જ્યારે અનુપને જાણ થઇ ત્યારે એ રીતસર રડી જ પડયો. આજે પણ અનુપ મોટાભાગનો સમય એના સ્ટડીરુમમાં પુરાઇ રહે છે. એના પિતાથી છુપાવી રાખેલી આ ઘટના પછી અનુપ સાવ એકલવાયો રહેવા લાગ્યો છે અને એના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ચીંતા કરતા અને સ્વપ્ન જોતા માતા-પિતાને હજુ સુધી જાણ નથી કે, ગુજકેટની પરીક્ષા આપવા ઘરેથી નીકળેલા અનુપે પરીક્ષા આપી જ નથી. પોતે ર્નિદોષ હોવા છતાં કહેવાતી બહાદુર પોલીસે તેની સાથે કરેલા વર્તન અને તેની પોતાની લાચારીના અહેસાસે ભાંગી પડેલા અનુપની શૈક્ષણીક કારકીર્દી રળવાના પાપ માટે વર્દીના જોરે લુંટફાટ કરતા કહેવાતા રક્ષકો જવાબદાર બની ગયા. અનુપની જેવા અનેક લોકો આજે આ દુનીયામાં છે જેઓ ર્નિદોષ હોવા છતાં ગુનેગાર સાબીત થઇ જાય છે, અને જે ગુનેગાર છે તે ર્નિદોષ સાબીત થઇ જાય છે. આજ જીંદગીનો અસલી ખેલ છે જ્યાં ઇચ્છા ન હોવા છતાં રમી લેવું પડે છે. આજે સમાજ કે દુનીયાને સુધારનારા કરતા બગાડનારા લોકો વધી રહયા છે. આજ સમય છે અને આજ જીંદગી છે જ્યાં સમજ્યા પહેલા બધું જ ફટાફટ પુરુ થઇ જાય છે અને રહી જાય છે તો બસ યાદોનો મહાસાગર. આ જીંદગી વ્યકિતને એવા રસ્તે ચલાવે છે કે ક્યારેક ત્યાં સુખના સફેદ વાદળો હોય અને ક્યારેક દુખના કાળા ડીબાંગ વાદળો હોય. સફેદ વાદળોથી ક્યારેય માનવીને ડર નથી લાગતો પણ જેવા કાળા ડીબાંગ વાદળો આવે કે તુરંત જ માનવી ડર અનુભવવા લાગે છે. આ વાદળો આવતાં જ જેમ અંધારુ થઇ જાય છે તેમ જીંદગીમાં પણ દુખ રુપી આવા વાદળાઓ આવતા પલભર માટે તો અંધારુ થઇ જાય છે. આવા અજવાળું કરીને તેવા રસ્તા ઉપરથી સાચવી સાચવીને પસાર થઇ જવું વધુ હિતાવહ હોય છે.
આજે વ્યકિત વ્યકિતનો દુશ્મન બની ગયો છે અને વ્યકિત વ્યકિતનું જ પતન કરતો થઇ ગયો છે. પહેલા આખા જગતના લોકો માન-સન્માન માટે મરતા હતા અને આજે લોકો પૈસા માટે મરતા થયા છે અને એટલે જ તે વધુ દુખી થયા છે. જીવનમાં જીવવા માટે સારા સંબંધો અને સારા સંગ ખુબ મહત્વના છે. બીજાના સુખે સુખી થનારા વ્યકિતઓ ક્યારેય મહાન નથી બનતા પરંતુ બીજાના દુખે દુખી થતા વ્યકિતઓ હંમેશા મહાન બની જતા હોય છે. જ્યારે આજે લોકો બીજાના સુખે સુખી નથી થતા કે બીજાના દુખે દુખી નથી થતા પરંતુ બીજાના સુખે દુખી અને બીજાના દુખે પોતે સુખી થવા લાગ્યા છે એટલે તેઓ પોતે પણ દુખી જ થઇ રહયા છે. જેને પરીણામે તેને જીંદગીથી સંતોષ નથી. જીંદગીમાં આપણી આજુબાજુ રહેલા પરીબળો, નિર્જીવ-સજીવ એવી ઘણી વસ્તુઓ છે કે જે આપણને જીવન કેવી રીતે જીવવું તે અંગે શીખવે છે. તેમ છતાં આપણે તેમાંથી કંઇ જ શીખી શકતા નથી.
ગુલાબ, દુખમાં પણ ખીલતા રહેવાનું છે.
સુખના ગુલાબ હંમેશા નડતર રુપી કાંટા વચ્ચે જ ઉગતા હોય છે તેમ છતાં તે ક્યારેય તેનો ધર્મ ભુલતું નથી અને બીજાને સુગંધ આપે છે. ગુલાબ એ હદે તેની લોકપ્રીયતા ટકાવી રાખે છે કે તેને તોડનારા, તેને મુર્છીત કરનારા, તેને વૃક્ષથી દુર કરનારા તેના દુશ્મનને પણ સુગંધ આપી રાજી રાજી કરી નાંખે છે. જ્યારે વ્યકિત તેના દુશ્મનને તો ઠીક પરંતુ તેને જેની ઉપર ઇર્ષા થાય છે તેનું પણ હંમેશા ખરાબ જ કરતો આવ્યો છે. જીવનમાં ગુલાબની એવી ઉદારતા શીખો કે પોતાના દુખમાં પણ હંમેશા હસતા રહો, બીજાને શાંતી રુપી સુગંધ આપતા રહો. જીવનમાં પણ કાંટાઓ વટાવીને જ ગુલાબના સુંદર ફુલ સુધી પહોંચી શકાય છે. કાંટા અને ગુલાબ બંન્ને કુદરતી સર્જન છે તેમ છતાં બંન્નેના ગુણ અલગ-અલગ છે. જીવનમાં ગુલાબની ખુબસુરતી અને સુગંધ માણવા માટે કાંટાઓના ડંખ સહન કરવાની તૈયારી હોવી જરુરી છે. સુખના ગુલાબ હંમેશા દુખના કાંટાઓ વચ્ચે જ ખીલતા હોય છે પરંતુ વ્યકિતએ અવિરતપણે કાંટાઓથી ગભરાયા વિના ગુલાબની સુંદરતા અને સુગંધની સાથે જીવનને માણતા રહેવું જોઇએ.
વરસાદ, માંગ્યા વિના આપવાનું શીખવે છે.
વરસાદ એ કુદરતે મોકલેલી આનંદની એક એવી ભેટ છે જેની નાના-મોટા સૌ કોઇ રાહ જોતા હોય છે. ચોમાસામાં જો વરસાદ ન પડે તો દુષ્કાળ થાય અને દુષ્કાળ થાય તો અનેક લોકોનાં મૃત્યુ થાય છે. વરસાદ જો માનવી જેવો સ્વાર્થી બની જાય તો માનવીને ક્યારેય પાણી મળે જ નહીં. ચોમાસું આવે ને વરસાદ શરુ થઇ જાય છે. જો એકાદ અઠવાડીયું મોડો વરસાદ શરુ થાય તો વ્યકિત ધુંઆ-પુંઆ થઇ જાય છે. માંગ્યા વિના વરસાદ હંમેશા તેની ઋતુ પ્રમાણે વરસી પડે છે. આજે લોકોએ કોંક્રીટના જંગલો બનાવવા માટે કુદરતી જંગલોનો નાશ કરી નાંખ્યો છે. આજનો વ્યકિત જરુરીયાતમંદને સહાય કરવાનું ભુલ્યો છે. એટલે વરસાદ શીખવે છે કે જીવનમાં જરુરીયાતમંદ વ્યકિતને માંગ્યા વિના તેને જે જોઇએ તે આપવું જોઇએ.
ચંદન, જાતે ઘસાઇને બીજાને સુગંધ આપવાનું શીખવે છે.
ચંદન પ્રભુ ભકિત માટે વપરાય છે. લલાટે તીલક કરવા તેનો ઉપયોગ થાય છે. ચંદનના લાકડા હોય છે તેને ઘસીને પાવડરમાં રુપાંતર કરવામાં આવે છે. વ્યકિતએ પોતે જાતે ઘસાઇને બીજાને સુગંધ આપવાનું ચંદન શીખવે છે. ચંદન ઘસાઇને બીજાને હંમેશા સુગંધ અને ઠંડક આપે છે. આજે લોકો પોતાના શરીરમાં થતી ગરમી દુર કરવા ચંદન લગાવતા હોય છે પરંતુ તે ચંદનની જેમ બીજાને ઠંડક અને સુગંધ આપવાનું શીખતા નથી.
સુર્ય, નિયમિત ગતીશીલ રહેવાનું શીખવે છે.
દુનીયા આખીની ઉર્જાનો, જીવનનો, મૃત્યુનો આધાર સુર્ય ઉપર રહેલો છે. એ રોજ સવારે ઉગે છે અને ધરતી પરના તમામ ફળ, ફુલ, પશુ-પક્ષી, માનવી સહિત તમામને નવો દિવસ આપે છે, જીવન આપે છે અને સાંજ પડે આથમી જાય છે. જરા વિચારો કે તેના આ ક્રમમાં થોડો ફેરફાર થઇ જાય તો શું થાય ? આપણી સંસ્કૃતીમાં સુર્યએ માત્ર ચમકતો તારો નથી પરંતુ એકમાત્ર દ્રશ્યમાન દેવતા તરીકે તેની પુજા થાય છે. સુર્ય આપણને શીખવે છે કે પ્રકાશિત થવા માટે કોઇના ઉપર અવલંબીત રહેવાનું નથી. મહેનત કર્યા વિના જીવનમાં કશું મળતું નથી માટે સહેજ પણ થાક્યા વિના, કંટાળ્યા વિના પોતે જે કામ કરવાનું છે તે કામ પુરેપુરી નિષ્ઠા અને ઇમાનદારીથી કરવાનું છે. સુર્યએ પણ શીખવે છે કે પ્રકાશિત થવા માટે સ્વયં ધગધગતા ગોળાની જેમ બળવું પડે છે અને પ્રકાશીત થવું ત્યારે જ સાર્થક થાય છે કે જ્યારે એ પ્રકાશ બીજાના જીવનમાં રોશની બનીને રેલાઇ જાય. સુર્ય વ્યકિતની જેમ થાકી જાય કે તેનામાં આળસ આવી જાય તો ? જો આવું બની જાય તો જનજીવન અસ્તવ્યસ્ત બની જાય. લોકોના જીવનમાં પણ અંધકાર છવાઇ જાય. ચોમાસા દરમ્યાન વાદળોને કારણે જો સુર્ય ઘડી-બેઘડી અલોપ થઇ જાય છે તો પણ વ્યકિત સુર્ય આવે અને જલ્દી ઉઘાડ કરે તેવી આશા વ્યકત કરવા લાગે છે તો પછી સુર્ય ઉગવાનું જ ભુલી જાય કે થાકી જાય તો આ પૃથ્વીનો વિનાશ જ થઇ જાય. એમ વ્યકિતએ પણ પોતાના જીવનમાં હંમેશા સુર્ય પાસેથી ગતીશીલ રહેતા શીખવું જોઇએ. વ્યકિત જ્યારે થાકી જાય છે ત્યારે હંમેશા હારી જાય છે. જીવનને જીતવાનું છે, હારવાનું નથી અને જીવનને જીતવા સતત ગતીશીલ રહેવું જરુરી છે.
ચંદ્ર, બીજાને શીતળતા આપવાનું શીખવે છે.
આખા દિવસ દરમ્યાન સુર્યના તાપથી તપી ગયેલો માણસ હંમેશા રાત્રે ઠંડકની આશા રાખે છે, ચંદ્ર જેમ વ્યકિતને શીતળતા અને ઠંડક આપે છે તેમ વ્યકિતએ પણ પવિત્ર સંબંધોને શીતળતા અને ઠંડક આપવી જોઇએ. ગમેતેવું ઘનઘોર અંધારું હોય પણ ચંદ્રનો પ્રકાશ અને શીતળતા હંમેશા યથાવત જ હોય છે. ક્યારેય ચંદ્ર પણ સુર્યની જેમ આળસુ બનતો નથી કે ક્યારેય તે રાત્રે ઉગવાનું ભુલતો નથી. સુર્ય-ચંદ્ર કુદરતી સંપત્તી છે જે હંમેશા તેના કામમાં નિયમીત છે. જો કુદરત સુર્ય-ચંદ્રના બીલ મોકલે તો કોઇ વ્યકિતની તાકાત નથી કે તે તેને ભરપાઇ કરી શકે. જો ૧૦૦ કે ૨૦૦ ના ગોળાનું બીલ માણસને છેડા ફેરવી નાખવા કે મીટર બંધ કરી દેવા મજબુર કરી નાખે છે તો કુદરતના આ સુર્ય રુપી ગોળાનું બીલ માનવી કેવી રીતે ભરી શકવાનો હતો.
ભમરો, સુખ દુખમાં ગાતા રહેવાનું શીખવે છે.
ભમરો સુખમાં હોય કે દુખમાં તેની ક્યારેય ખબર પડતી નથી પરંતુ તે હંમેશા ગાતો રહે છે. તે હંમેશા ગુણગુણ કરતો હોય છે. દરેકના જીવનમાં સુખ-દુખની સાઇકલ તો ચાલતી જ હોય છે તેમ ભમરાના જીવનમાં પણ સુખ-દુખની સાઇકલ ચાલતી હોય છે તેમ છતાં તે તેના સુખ-દુખમાં હંમેશા ગાતો જ રહે છે. ક્યારેય તે તેના દુખમાં દુખી નથી થતો અને સુખમાં સુખી થઇને નાચવા નથી લાગતો. તેમ વ્યકિતએ પણ પોતાના જીવનમાં આ સારી બાબત ભમરાના જીવનમાંથી શીખવા જેવી છે.
વૃક્ષ, પરોપકારી જીવન જીવવાનું શીખવે છે.
આજનો માણસ હમણાં આગળ જણાવ્યું તેમ વૃક્ષોનો નાશ કરી કોંક્રીટના જંગલો ઉભા કરવા મહેનત કરી રહયો છે. શહેરમાં આજે વૃક્ષો ભાગ્યે ક્યાંક જોવા મળે છે. વૃક્ષ પોતે ઠંડી, ગરમી કે વરસાદ સહન કરી બીજાને સંતોષ આપવાનું કામ કરે છે. ખુબ ગરમી લાગે તો વ્યકિત વૃક્ષના છાંયડા નીચે બેસી ઠંડક અનુભવે છે, વધુ વરસાદ હોય તો વ્યકિત વૃક્ષ નીચે ઉભો રહીને વરસાદથી બચી શકે છે. વૃક્ષ તેના જીવનમાં હંમેશા તડકો-છાંયડો ઝીલીને લોકોને સંતોષી રાખે છે અને પોતાના જેમ પરોપકારી જીવન જીવવાનું શીખવે છે.
પાણી, નિર્મળ રહેવાનું શીખવે છે.
વ્યકિતના જીવનમાં ખોરાક, પાણી અને હવા મહત્વનાં પાસા છે. આ ત્રણમાંથી એક પણ પાસું જો વ્યકિત પાસે ન હોય તો વ્યક્તિ જીવી શકતો નથી. પાણી જેમ હંમેશા નિર્મળ રહીને લોકોની તરસ છીપાવે છે તેમ વ્યકિતએ પણ નિર્મળ બનીને લોકોની મદદ કરવી જોઇએ. પાણી વીના માનવીનું અસ્તીત્વ જ નથી તેવામાં જો પાણી માણસની જેમ અભીમાનના ગોટે ચઢી જાય તો આ પૃથ્વી ઉપર જીવન શક્ય જ નથી.
નદી, અવિરત વહેતા રહેવાનું શીખવે છે.
ચોમાસું હોય, શીયાળો હોય કે પછી ઉનાળો હોય. નદિ જ્યાં સુધી પોતાનામાં પાણી છે ત્યાં સુધી અવિરત વહેતી જ રહેશે. નદિના પાણી ક્યારેય સ્થીર નથી થતા તે હંમેશા વહેતા જ રહે છે. તેમ વ્યકિતને પણ નદિ હંમેશા તેના જીવનમાં વહેતા રહેવાનું શીખવે છે. સુખ હોય કે દુખ હંમેશા વહેતા રહેવું જોઇએ. વહેતા રહેવું એટલે કયારેય સુખમાં દોડવું નહીં અને દુખમાં ઉભું રહેવું નહીં. બંન્નેમાં એકસરખી રીતે અવિરત વહેતા જ રહેવું. જ્યાં સુધી નદિમાં પાણી છે ત્યાં સુધી તે અવિરત વહેતી રહેશે અને જ્યાં સુધી વ્યકિતના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તેને અવિરત વહેતા રહેવાનું છે.
સમુદ્ર, પેટ વિશાળ રાખવાનું શીખવે છે.
સમુદ્ર વિશાળ રહેલો હોય છે. નાની નદી હોય કે સરોવર હોય, તમામને સમુદ્ર પોતાનામાં સમાવી લેતો હોય છે. ક્યારેય તમે એવા સમાચાર સાંભળ્યા કે આજે આ સમુદ્રએ પોતાનામાં બીજી કોઇ નદિને સમાવવાની ના પાડી દીધી કે મનાઇ ફરમાવી દીધી ? ના. આવું શક્ય નથી. ત્યારે સમુદ્ર માણસને પોતાના જેવું વિશાળ અને ઉદાર પેટ રાખવાનું શીખવે છે.
સ્ત્રી, સહનશકિત કેળવવાનું શીખવે છે.
સ્ત્રી શકિતને શાસ્ત્રોમાં બીજા નામે દેવીશકિત કહેવામાં આવી છે. આ શકિત જો ધારે તો વ્યકિતના પરીવારને ઉજાળી દે અને ધારે તો બાળી દે. કોઇપણ વ્યકિતના ઘરમાં શાંતી માટે સ્ત્રીશકિતની સહનશકિત મહત્વની બની રહે છે. સ્ત્રીના જીવનમાં અનેક પડાવો આવે છે તેમ છતાં તે સહન કરતી હોય છે. તેનામાં સહનશકિતનો એટલો બધો સંચાર થાય છે કે તેની કોઇ સીમા નથી હોતી. એક માં જ્યારે પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે તેની પ્રસુતીની પીડા અસહય હોય છે. ગમેતેવો પુરુષ પણ આવી પીડા ભોગવી ન શકે ત્યારે સ્ત્રી શકિતની સહનશીલતા અને હિંમતનું કોઇ મોલ લગાવી ન શકાય. દરેક પુરુષને સ્ત્રી હંમેશા સહનશકિત કેળવવાનું શીખવતી હોય છે. કહેવાય છે કે દરેક સફળ પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો મુખ્ય ભાગ રહેલો હોય છે. તે સ્ત્રી માં હોય, બહેન હોય, દિકરી હોય કે પછી પત્નિ હોય. પતિ થાકીને ઘરે આવે કે ધંધામાં નુકશાન મુકીને ઘરે આવે કે પછી કોઇ માનસીક ટેન્સન સાથે ઘરમાં આવે તો તેના માટે આશ્વાસન આપનાર એક જ શકિત હોય છે જે છે સ્ત્રીશક્તિ.
બાળક, નિર્દોષ બનવાનું શીખવે છે.
બાળક તેના જીવનમાંથી અનેક પરીબળો તેના આસપાસના લોકોને શીખવે છે. બાળકમાં રહેલી નિર્દોષ બુઘ્ધી માણસને અનેક શીખામણ આપી જાય છે. આજે માણસોમાં નિદોર્ષતા દેખાતી જ નથી. કોઇ પણ બાપ તેના દિકરાને આજે જન્મથી જ એમ શીખવે છે કે બેટા નિદોર્ષ નહિં રહેવાનું નહિં તો લોકો આપણને છેતરી જાય, આવા લોકોથી દુર રહેવાનું, આવા લોકોને બોલાવવાના નહીં. આવા અનેક સંસ્કાર અને કુસંસ્કારની વાતોથી બાળક સમજતું થાય ત્યારથી જ ભેદભાવની દુનીયામાં પ્રવેશી જાય છે. જેથી સૌ પ્રથમ વ્યકિતએ બાળક પાસે રહેલા નિદોર્ષપણાને પોતાના જીવનમાં ઉતારવું જરુરી બન્યું છે.
કાતર, ર્દુગુણો કાપવાનું શીખવે છે.
દરજી કાપડનો નકામો ભાગ કાપવા કાતરનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે વ્યકિત તેના જીવનમાં રહેલા નકામા ર્દુગુણો કાપીને દુર કરી નાંખે તો તે ક્યારેય દુખી નથી થતો. કાતરની જેમ હંમેશા ર્દુગુણો દુર કરવાનું કામ કરો અને સદગુણોને સ્વીકારો.
દિપક, સ્વયંબળીને બીજાને પ્રકાશ આપવાનું શીખવે છે.
વારે-તહેવારે પ્રગટાવવામાં આવતા દિપક પાસેથી વ્યકિતએ ઘણું શીખવાનું છે. પોતે સ્વયંબળીને બીજાને પ્રકાશ આપવાનું કામ દિપક કરે છે. પોતાને બાળનારને પણ પ્રકાશ આપી ઉજળો બને છે. આજે વ્યકિત જો આ દિપકના ગુણો પોતાના જીવનમાં ઉતારે તો તેનામાં ક્યારેય અભીમાન નહિં પ્રવેશી શકે. તમામ ચીજ-વસ્તુઓ તેને એક સરખી લાગવા લાગશે. જીવનમાં ક્યારેય તેને સારા-નરસાના ભેદભાવ નહિં રહે.
સોનું, પોતાની શુઘ્ધતા ટકાવી શીખવે છે.
આજકાલ જેનું ખુબ માન-સન્માન છે, જેના ભાવો આસમાને છે તેવું સોનું જીંદગીમાં મહત્વનો સંદેશ આપે છે. સોનાને લોખંડ કે પતરા કે અન્ય કોઇ પણ ધાતુ સાથે મુકો પરંતુ તે હંમેશા તેની શુઘ્ધતા ટકાવી રાખે છે. તેમ વ્યકિત પણ આજે ગમેતેવા કુસંગ વચ્ચે રહેતો થયો હોવા છતાં તેણે તેના સંસ્કાર ટકાવી રાખવા જરુરી બન્યા છે.
કુતરો, વફાદારીભર્યુ જીવન જીવવાનું શીખવે છે.
આજે લોકો તેમના દુશ્મનોને એમ કહેતા હોય છે કે સાલો કુતરા જેવો છે. પણ જાણે-અજાણે કહેવામાં આવેલો આ શબ્દ માણસ કરતા પણ સારો છે. કુતરો ક્યારેય તેનું વફાદારીપણું નથી છોડતો જ્યારે માણસ ક્યારેય વફાદાર નથી બનતો. કુતરા પાસેથી દરેક વ્યકિતએ આજે વફાદારીભર્યુ જીવન શીખવાની જરુર છે. આજે કોઇને કોઇના ઉપર વિશ્વાસ જ નથી, કોઇને કોઇના ઉપર વફાદારી જ નથી અને તેથી તે હંમેશા ખોટું કરવાના જ વિચારો ધરાવી રહયો છે.આજે પૈસાએ વ્યકિતને વફાદારી ભુલવી દિધી છે. કોઇ પણ નોકરને ભરોસે માલીક ઘર મુકીને ગયા હોય તો નોકર ઘર લુંટીને ફરાર થઇ જાય, માલીક ઘરે પાછા આવે ત્યારે ખબર પડે કે મારી બધી મુડી લુંટીને નોકર ફરાર થઇ ગયો. આમ, આજે પૈસાના કારણે વફાદારી પણ અલોપ થઇ ગઇ છે.
હંસ, ક્ષીર નીર અલગ કરવાનું શીખવે છે.
નદિ કે સરોવરમા રહેલા હંસલા પણ વ્યકિતને કહી રહયા છે કે, હે માનવીયું તમે અમારી જેમ ક્ષીર નીર અલગ કરવાનું શીખો અને અમારા જેમ પવિત્ર જીવતર જીવો. આજે માનવી જેને જીવનમાંથી દુર કરવાના છે તેવા ખરાબ સંગત અને કુસંસ્કારને અપનાવતો થયો છે. વ્યકિતએ હંસ જેમ ક્ષીર નીર અલગ કરે છે તેમ પોતાના જીવનમાં રહેલા ખરાબ પરીબળોને દુર કરી, અલગ કરી જીવન જીવવું જોઇએ.
કોયલ, મીઠા બોલ બોલવાનું શીખવે છે.
કોયલનો અવાજ તમામ લોકોને પ્રીય હોય છે. કોઇ પણ સારા ગાયક હોય તો તેને કોયલકંઠી એમ કહેવાય છે. ત્યારે કોયલ પાસેથી પણ વ્યકિતએ મીઠા બોલ બોલવાનું શીખવું જોઇએ. આજે વ્યકિત પૈસાના મદમોહમાં આંધળો બન્યો છે તેથી લોકોને ધુત્કારવાનું જ શીખ્યો છે. કોઇને માનસન્માન આપતો જ નથી. જ્યારે તમે કોઇને માનસન્માન ન આપો ત્યારે તમારે પણ માનસન્માન મેળવવાની આશા ભુલી જવી જોઇએ.
કીડી, સંપીને રહેવાનું શીખવે છે.
કીડી નાની હોય પરંતુ ક્યારેય એકલી નહિં હોય. કીડી હંમેશા સંપ મા રહે છે. આજે વ્યકિત પૈસાના જોરે સગવડતા માટે પણ જુદો રહેતો થયો છે જેથી તેના દુખમાં પણ જુદો જ રહયો છે. કીડીની જેમ સંપીને જ્યારે પરીવાર રહેતો હોય તો જ્યારે કોઇને પણ દુખ પડે ત્યારે બધા એક થઇ જતા હોય છે. સાંજ પડે પરીવારના સભ્યો એકબીજાને સુખદુખની વાતો કરે છે. કીડીના ઝુંડને છુટા પાડવાના પ્રયાસ છતાં થોડી વાર પછી તે ભેગા થઇ જાય છે.
મરઘો, સુર્યોદય પહેલા ઉઠવાનું શીખવે છે.
આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સુર્યોદય પછી ઉઠનાર વ્યકિત હંમેશા નિરાશા અને આળસને પામે છે. મરઘો જેમ સુર્યોદય પહેલા ઉઠી જાય છે તેમ વ્યકિતએ પણ હંમેશા સુર્યોદય પહેલા ઉઠી જવું જોઇએ. ગમેતેવા દિવસો હોય મરઘો ક્યારેય પોતાનો આ ક્રમ છોડતો નથી તેમ વ્યકિતએ પણ ક્યારેય જીવનમાં સવારે વહેલા ઉઠવાના ક્રમને છોડવો જોઇએ નહિં.
વીંછણ, બાળક માટે પોતાનું બલીદાન આપવાનું શીખવે છે.
આજે દરેક માં પોતાના બાળક માટે બલીદાન આપે છે. વીંછણ જેમ તમામ દુખો સહન કરીને પણ તેના બાળક માટે પોતાનું બલીદાન આપે છે તેમ વ્યકિતએ પણ પોતાના સંતાન માટે બલીદાન આપવું જોઇએ. આપણી આવતીકાલ એ આપણાં સંતાનો છે જેના માટે આજે કરેલું બલીદાન આવતીકાલે કોઇ ફળ સ્વરુપે ઉગી નીકળશે.
મધમાખી, સંચય કરતા શીખવે છે.
જીવનમાં વ્યકિતની આસપાસ રહેલા પરીબળો અનેક ગુણો સ્વીકારવાનું સુચવે છે. મધમાખી હંમેશા વ્યકિતને સંચય કરતા શીખવે છે. આમ, માણસની દુનીયામાં માણસની સાથે જ રહેતા અનેક પરીબળોના સારા પાસાને વાત કરી તેમ વ્યકિત જો સારું જો મેળવતો અને અનુભવતો થાય તો તે ક્યારેય દુખી નથી થતો. ફુલો હંમેશા ખુશખુશાલ રહે છે, પતંગિયા આનંદથી રંગરંગીન પાંખો ફેલાવતા ઉડયા કરે છે, ભમરો ગુનગુન ગાયા કરે છે, નદી ખળખળ વહયા કરે છે અને દરીયો મસ્તીમાં ઉછળ્યા કરે છે. કુદરત હંમેશા વ્યકિતને આનંદમાં રહેવાનું શીખવે છે.
દુખ હોય કે સુખ હંમેશા આનંદમાં રહેનારા વ્યકિતઓ માટે જીવનના દરેક નવા દિવસો એક ઉત્સવરુપી છે. જે વ્યકિત આનંદમાં રહે છે અને લોકોને આનંદ આપે છે તે હંમેશા લોકપ્રીય હોય છે. જેને ખુશ રહેતા નથી આવડતું એ તમામ દુખી જ છે, આવા વ્યકિતઓનો સંગ કરવાનું કોઇ પસંદ નથી કરતું. નર્વશ ચહેરા, ગુસ્સો કરનારા, ફરીયાદ કરનાર કોઇને ગમતા નથી. જીવન એક રમત જેવું છે. રમતમાં જેમ ક્યારેક જીત તો ક્યારેક હાર થતી હોય છે તેમ જીવનમાં પણ ક્યારેક હાર તો ક્યારેક જીતનો સામનો કરવો પડતો હોય છે. તમે જે કામ અનુભવી શકશો તે કામ રબરના દડા જેવું છે. જો તમે તેને છોડી દેશો તો તે સામે અથડાઇને ફરી પાછું તમારી તરફ જ આવશે. જ્યારે જીવનમાં બધું સ્થિર થઇ ગયેલું જણાય અને નિરાશા તમને ઘેરી વળે ત્યારે આંખો બંધ કરી દો અને એક જ દિવસ જીવવાનું છે તેવું યાદ કરો અને જુઓ કે જીવન કેવું બદલાઇ જાય છે.
તમે ફક્ત તમારું કામ કરો અને જીવનને જીવનનું કામ કરવા દો. જેનું જીવન રંગીન છે તેનું જીવન સંગીન છે. જીંદગી તેના અનેક રંગો બદલતી રહે છે. આનંદ, ઉદાસી પણ એક જીવનના રંગો જ છે પરંતુ આપણા જીવનમાં રહેલી તેની અલગ અલગ માનસીકતા અને અવસ્થા તેનો રંગ આપણા ચહેરા ઉપર છલકાવી દેતી હોય છે. જીવનમાં રહેલા દરેક રંગને જીવવાનું અને જે-તે રંગે રંગાઇ જાવું તેનું નામ જ જીંદગી. જીંદગીમાં કાળો રંગ હોય કે સફેદ હોય કે પછી પચરંગી રંગ હોય તેમ છતાં ક્યારેય તેનાથી મોં ફેરવી લેવાતું નથી. જીવનમાં ક્યારેય કંઇ પણ શાશ્વત નથી. જેમ વ્યકિતની પ્રગતી શાશ્વત નથી તેમ વ્યકિતની પડતી પણ શાશ્વત નથી. દરેક અંધારી રાત પછી એક સવાર હોય છે અને દરેક સાંજ પછી એક અંધારી રાત હોય છે. જેમ અંધારી રાતથી ડરવાનું નથી તેમ પ્રકાશીત સવારથી પણ છકી જવાનું નથી. વ્યકિતના જીવનમાં દરેક પ્રકાશીત સવાર ગઇકાલે કરેલી ભુલો સુધારી આજે નવી ભુલો કરવાનું લાઇસન્સ આપે છે. પ્રગતી અને પૈસાના અંધાપામાં વ્યકિતને આજે પોેતે કરેલી ભુલો ક્યારેય દેખાતી નથી. આખરે આ તમામ ભુલો વ્યકિતની અધોગતીનું કારણ બની જાય છે.
દરેક વ્યકિતના જીવનમાં સારા સમયની જેમ ખરાબ સમય પણ આવે છે. આવા સમયે તેણે બે કામ કરવાના છે. એક કે તેણે પોતે કરેલી ભુલોનું પોસ્ટમોર્ટમ કરીને એ ભુલો કેવી રીતે અને કેમ થઇ તે શોધવાનું છે અને બીજું કે એ જ ભુલો ફરી ન થાય તે માટે મનને તૈયાર કરવાનું છે. જ્યારે એમ લાગે કે બસ, હવે જીવનમાં સર્વત્ર અંધકાર વ્યાપી ગયો છે અને કંઇ જ બાકી રહયું નથી ત્યારે એ અંધકારથી સહેજ પણ ડર્યા વિના એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાનો છે. આજે આપણે કોઇ પણ માણસને તેની આજની પરિસ્થીતીમાં જોઇ કે સ્વીકારી નથી શકતા. ગઇકાલ કે આવતીકાલના આધારે આપણે આજે માણસને માપી લઇએ છીએ. કોઇ પણ માણસ માટે આપણે જુદા જુદા લેબલો હાથમાં અને મનમાં લઇને જ ફરતા હોઇએ છીએ. એક નાની અમથી વાતમાં પણ નિર્ણય લઇને આપણે તેની ઉપર લેબલ ચીપકાવી દઇએ છીએ. સારો, ખરાબ, ઉદાર, દયાળુ, નાલાયક, લુચ્ચો, બદમાશ, સ્વાર્થી, લેભાગુ, અને બીજા અનેક લેબલો તૈયાર જ હોય છે. કોઇ મિત્ર કે સ્વજન આપણો ફોન ન ઉપાડે તો પણ આપણે તુરંત જ એવું વિચારી લઇએ છીએ કે, હવે તે મોટો માણસ થઇ ગયો છે, આપણો ફોન શા માટે ઉપાડે ? કામ હતું ત્યારે દસ ફોન કરતો હતો અને હવે તેની પાસે આપણો ફોન ઉપાડવાનો સમય નથી. લગાવી દિધું સ્વાર્થીનું લેબલ. અડધા કલાક પછી એ જ માણસનો સામેથી ફોન આવે કે હું એક કામમાં હતો એટલે ફોન રીસીવ ન કરી શક્યો અને તુરંત આપણે જુનું લેબલ ઉખાડીને નવું લેબલ લગાવી દઇએ કે, સારો માણસ છે હોં, સમય મળ્યો કે તુરંત ફોન કર્યો. આજે વ્યકિત ખોટા ખોટા અનુમાન લગાવતો થઇ ગયો છે અને પૈસાના ગુમાનમાં રાચતો થઇ ગયો છે એટલે તમામ સંબંધોનું મુલ્ય અને મર્યાદા ભુલી ગયો છે પરીણામે તે સતત દુખી થઇ રહયો છે અને તે દુખનો ટોપલો અન્ય લોકો ઉપર ઢોળી રહયો છે. આજે વ્યકિત સાચા રસ્તે જનારને અટકાવે તો પણ લોકો તેના સંબંધનો અંત લાવી દેતા હોય છે. જીવનમાં અનેક દુખના રસ્તા છે તો અનેક સુખના રસ્તા છે. જીવનમાં પૈસો જ સુખ છે એવું નથી અને પૈસો જ દુખ છે એવું પણ નથી. જીવનમાં વ્યકિતનો સંતોષ એ સુખ છે અને અસંતોષ એ દુખ છે.
વ્યકિત ગમેતેટલો ગરીબ હોય પણ સાંજ પડે તેને પેટ ભરવા રોટલો મળી જતો હોય જેનાથી તે સંતોષી હોય તો તે તેની જીંદગીમાં સુખી છે અને વ્યકિત ગમેતેટલો પૈસાદાર હોય પણ સાંજ પડે તેને પરીવારનું સુખ ન મળતું હોય જેનાથી તેને અસંતોષ હોય તો તે તેની જીંદગીમાં દુખી જ છે. પૈસો તો હાથનો મેલ છે. જે આજે છે તો આવતી કાલે નહિં પણ હોય. આજે એક થી પાંચ કરોડના બંગલાઓ બન્યા છે, તેમાં રહેનારાઓ પણ આવ્ય છે પણ તેમ છતાં તેઓ સુખી નથી. કુદરત જ્યારે વ્યકિતને કોઇ એક સુખ આપે છે તો સાથે એવું દુખ પણ આપે છે જે તેને સુખમાં પણ જીવવા ન દે. પરંતુ વ્યકિત તેને ક્યારેય સમજી શકતો નથી. જીંદગી હંમેશા વ્યકિતને તેની અપેક્ષા વિનાનું જ આપે છે. બોલીવુડમાં આજે જે શહેનશાહ તરીકે ઓળખાય છે તેવા અમિતાભ બચ્ચન રેડીયો માટે જ્યારે એનાઉન્સરનું ઇન્ટરવ્યુ આપવા ગયા ત્યારે તેમને એવું કહીને રીજેક્ટ કરી દેવામાં આવ્યા હતા કે, તમારો અવાજ રેડીયોમાં ચાલે તેવો નથી અને આજે જુઓ અનેક ડાયરેકટરો અને એડફિલ્મો વાળા તેમના અવાજ માટે મોં માંગી કિંમત ચુકવવા તૈયાર છે. દરેક વ્યકિતમી જીંદગીમાં ક્યારેક ને ક્યારેક તો રીજેક્શન આવવાનું જ છે. નિષ્ફળ એ જ માણસ છે જે પોતાના હાથે જ પોતાના ઉપર નિષ્ફળનું લેબલ મારી દે છે. જ્યાં સુધી તમે તમારી જાતને નિષ્ફળ નહિં માનો ત્યાં સુધી કોઇ તમને નિષ્ફળ કરી શકતું નથી. વ્યકિતની સફળતા માટે માત્ર તેના ઇરાદા અને મહેનત જ કામ નથી લાગતા પરંતુ બીજા ઘણા એવા પરીબળ છે જે તેને નિષ્ફળ બનાવી દેતા હોય છે તેની સામે લડનારો વ્યકિત હંમેશા સફળ થાય છે. જીંદગીમાં સફળતા જેટલું નથી શીખવતી તેનાથી અનેકગણું નિષ્ફળતા શીખવી જતી હોય છે. જીવનમાં સફળ થનારા દરેક વ્યકિતની સફળતાનો આધાર તેણે તેની નિષ્ફળતાને કેટલી ગંભીરતાથી લીધી છે તેના ઉપર રહેલો છે. સફળતાને સહજ સ્વીકારી લેવાય છે પરંતુ નિષ્ફળતાને સમજવી ખુબ જરુરી છે.
જે પોતાની નિષ્ફળતા નોંધ નથી લેતા તેવા લોકો ક્યારેય સફળ નથી થઇ શકતા. જીવનમાં કોઇ એક સવાર કાયમી નથી રહેતી તેમ નિષ્ફળતા પણ વ્યકિતના જીવનમાં કાયમી નથી રહેતી. હેલન કેલરના જણાવ્યા મુજબ, સુખનું એક દ્બાર બંધ થઇ જવાની સાથે બીજું દ્બાર ખુલી જતું હોય છે, પરંતુ આપણે બંધ દ્બાર તરફ એટલો બધો સમય જોતા રહીએ છીએ કે ખુલ્લો દ્બાર જોઇ જ શકતા નથી. જીંદગીને દરેક વ્યકિત અલગ અલગ ફરીયાદો સાથે જીવે છે. દરેક વ્યકિતને જીવનમાં કંઇક ખુટતું હોવાનો અહેસાસ નિરંતર સતાવતો રહે છે. આ ખુટતું શોધવામાં વ્યકિત આખી જીંદગી વીતાવી દેતો હોય છે અને જે હોય તેને પણ ન માણીને દુખી દુખી બની જતો હોય છે. વ્યકિત એવી જીંદગી જીવે છે કે, જીંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખુટતા નથી હોતા. જીંદગીને આજે લોકો કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલો પોગ્રામ સમજી બેઠા છે જેને પોતાની મરજી મુજબ જ ચલાવી રહયા છે. ક્યારેય જીંદગીની મરજી શું છે તે જાણવાનો પ્રયાસ કરતા નથી. જીંદગી રહસ્યમય વાર્તા જેવી છે જે પોતાનું એક પાનું દરરોજ ફેરવે છે અને નવું સસ્પેન્સ, નવી થ્રીલ, નવો ઉત્સાહ, નવો આનંદ, નવો ભય, નવું સુખ-દુખ, નવી અપેક્ષાઓ અને નવા શ્વાસ લઇને આવે છે. પછીના પાના ઉપર શું લખ્યું હોય છે તેની આપણને ખબર હોતી નથી, જીવનરુપી એ પાનું જીવવા મળશે કે કેમ તેની પણ ખબર નથી હોતી. માણસને સૌથી વધુ ફરીયાદો કોની સામે હોય છે ? મોટા ભાગે પોતાની સામે ! કંઇ ન મળે તો છેવટે પોતાના નસીબ સામે ફરીયાદી બની જાય છે. મારું નસીબ જ ખરાબ છે, કરવું હતું કંઇક અને થઇ ગયું કંઇક. ધંધામાં જેટલો હિસાબ કર્યો તેટલો નફો મળ્યો નહિં, નોકરીમાં બીજા લોકો મારાથી આગળ નીકળી ગયા. આપણી આગળ કેટલા છે તેની ચીંતામાં આપણે ક્યારેય એ જોઇ શકતા નથી કે આપણે કેટલા લોકોથી આગળ છીએ. બીજા નંબરે આવેલો માણસ પહેલા વિજેતાની ઇર્ષા કરતો હોય છે પરંતુ તેની પાછળ દોડતા અન્ય પચાસ લોકો તેને દેખાતા નથી. જ્યારે કોઇ પણ માણસ વધુ પડતો નિષ્ફળ જાય કે હારી જાય એટલે તે પોતાના લોકો પ્રત્યે ફરીયાદી બની જતો હોય છે. મને સમજાતું નથી કે મારા નસીબમાં આવા લોકો કેમ લખ્યા છે. જીંદગીને સુખી બનાવવા માટે શ્રી રવિશંકરજીએ પચ્ચીસ પગલા બતાવ્યા છે. જેનો અમલ કરવાથી જીંદગીમા સુખ સુખ પ્રવતે છે.
દરેક વ્યકિતએ પોતાની જીંદગી કેવી રીતે સુખી અને શાંતીમય બનાવવી તેના અંગે આંતરખોજ કરવી જરુરી છે. કોઇ પણ વ્યકિત અહીં ઉદાસ રહેવા નથી આવ્યા, કોઇનો દોષ કાઢવા નથી આવ્યા, તમે અહીં બિચારા બની રહેવા નથી આવ્યા, તમે અહીં ચીંતા કરવા નથી આવ્યા, તમે અહીં દેખાડો કરવા નથી આવ્યા, તમે ચીડાવા કે કોઇને ચીડવવા નથી આવ્યા. આ જીંદગી એક સુંદર રહસ્ય છે અને સૌએ નિર્દોષતાથી એને જીવવાની છે. જીવનના પચ્ચીસ પગલાની વાત કરીએ તો,
૧. જીવનનો સંદર્ભ સમજો :
લાખો વર્ષની આ સૃષ્ટિમાં આપણી સાઠ, સીત્તેર, સો વર્ષની જીંદગી કેટલી નાની છે એટલે મનમાં હંમેશા એવો વિચાર રાખો કે, જે કાંઇ પણ થાય છે, જે કાંઇ પણ થઇ ગયું છે અને જે કાંઇ પણ થવાનું છે તે તમામમાં ઇશ્વરનું રક્ષણ મારા ઉપર છે. દરેક પરિસ્થીતીમાં તમારા મનને શાંતિપૂર્ણ રાખો, બાકીનું બધું બરાબર થઇ જશે.
૨. જીંદગીની ક્ષણભંગુરતાને ઓળખો :
જીંદગીની ક્ષણભંગુરતાને જુઓ. તે સત્ય છે. બધું વીતી જાય છે, આવતીકાલ પણ વીતી જશે. આપણી જીંદગીની આ પ્રકૃતીને ઓળખો તો જણાશે કે તમારી અંદર કાંઇક છે જે નથી બદલાયું. એક એવું બિંદુ છે જેના સંદર્ભે તમે અન્ય બાબતોને બદલાતી જોઇ શકો છો, એ સંદર્ભ બિંદુ જ જીવનનો સ્ત્રોત છે. શાણપણ છે. એનાથી જીંદગીની ગુણવત્તા સુધરે છે.
૩. તમારા સ્મિતને સસ્તું બનાવો :
વ્યકિતએ હંમેશા વધારે સ્મિત બનવું જોઇએ. દરરોજ સવારે ઉઠીને અરીસામાં જોઇ પોતાની જાતને એક સરસ મજાનું સ્મિત આપો. એમ કરવાથી તમારા ચહેરાના તમામ સ્નાયુઓ રિલેક્સ થઇ જશે. મગજના જ્ઞાનતંતુ પણ હળવાશ અનુભવશે. પરંતુ આટલું કિંમતી સ્મિત તમે કેટલી સહેલાઇથી ગુમાવી દો છો. કોઇક તમને મૂર્ખાઇભર્યુ કહે એટલે સ્મિત વિલાઇ જાય છે. એ કહેનારના મગજમાં કચરો ભર્યો હોય તો એને તો એ નાખવા માટે કચરાપેટીની જરુર હોય જ. પણ તમે શા માટે કચરાપેટી બનો છો ? થોડું સમજો, જાગો. તમારા સ્મિતને કોઇના પણ સારા-માઠા શબ્દોનો ભોગ ન બનવા દો. તમારા સ્મિતને સસ્તું અને ગુસ્સાને મોંઘો બનાવો. જેથી તમે સ્મિત વધુ અને ગુસ્સો ભાગ્યે જ કરશો.
૪. ઉત્સાહી બનો અને અન્યની પ્રશંસા કરો :
ઉત્સાહ તો જીંદગીની પ્રકૃતી છે પરંતુ આપણામાંના ઘણાને કોઇના ઉત્સાહ પર ઠંડું પાણી રેડવાની આદત હોય છે. કોઇની પ્રશંસા કરીને ઉત્સાહ વધારવાની દરેક તક ઝડપી લો. ફરીયાદ કરનારને દિવ્ય પ્રેમ પ્રાપ્ત નથી થતો. તમે એવી વ્યકિત બનો જેનો ઉત્સાહ કદી ખુટે જ નહીં.
૫. ઘ્યાનને જીંદગીનો હિસ્સો બનાવો :
જીવનમાં ઉંચા લક્ષ્યો પામવા રોજ થોડી મિનિટો ઘ્યાન અને આંતરખોજ જરુરી છે. સવાલ થશે કે ઘ્યાન શું છે ? હું કહીશ કે ઘ્યાન એટલે વ્યગ્રતાવિહોણું મન. હકીકતમાં ઘ્યાન એટલે વર્તમાનની ક્ષણનો સ્વીકાર કરી પ્રત્યેક ક્ષણને ઉંડાણપૂર્વક પુરેપુરી જીવવી. બસ, આટલી સમજ સાથે રોજ ઘ્યાનની પ્રેકટીસ કરો. પછી જુઓ જીંદગીની ગુણવત્તા કેવી બદલાય છે.
૬. સૌથી સુંદર જગ્યાએ જાઓ :
આ સુંદર જગ્યા બીજે ક્યાંય નહિં પરંતુ તમારી ભીતર જ છે ! એકવાર તમે આ જગ્યાએ આવી જાઓ પછી બધા સ્થળો તમારા માટે સુંદર જ છે. આ જગ્યાએ પહોંચવા તમારે તમારા શ્વાસ માટે કંઇક જાણવું અનિવાર્ય છે. આપણા શ્વાસ પાસેથી આપણે ખુબ અગત્યનો પાઠ શીકખવાનો છે. મનના પ્રત્યેક લયને અનુરુપ એક લય શ્વાસનો હોય છે અને શ્વાસના પ્રત્યેક લયને અુનુરુપ તેમાં લાગણીનો એક લય હોય છે. એટલે જ્યારે તમે મનને સીધી રીતે હેન્ડલ ન કરી શકો ત્યારે શ્વાસ થકી તેને હેન્ડલ કરી શકાશે. એટલે જ શ્વાસની કળા શીખો. જોઇએ તો દર વર્ષે થોડાક દિવસ તમારી જાતને પ્રકૃતી સાથે જોડી દો. સુર્યોદય સાથે ઉઠો, થોડી કસરત કરો, યોગ્ય ખોરાક લો, યોગ અને શ્વાસોશ્વાસની કસરત કરો, ગીતો ગાઓ અને સર્જનનું સોંદર્ય પીતા પીતા મૌનને માણો.
૭. અસરકારક સંવાદ રચો :
દરેક સાથે અસરકારક સંવાદ કરવાની કળા શીખો. તે માટે શું કરશો ? તમારાથી વધુ જાણકાર વ્યકિતને મળો ત્યારે બાળક જેવા થઇ શીખવા માટે તમારા આંખ કાન ખુલ્લા રાખો. તમારાથી ઓછું જાણનાર વ્યકિત સાથે નમ્ર બનો અને એને પણ તમારા જેટલું કે તમારાથી વધુ જાણકાર બનાવવા પ્રયાસ કરો. યાદ રહે, હંમેશા કંઇકને કંઇક વહેંચવાનું, શીખવાનું અને શીખવવાનું હોય જ છે. આમ, તમારી વાતચીત સુધરે છે ત્યારે તમારી જીંદગી પણ સુધરે છે.
૮. તમારે માટે સમય કાઢો :
દિવસમાં કમ સે કમ થોડી મિનિટો તમારી જાત સાથે પસાર કરો. હદયના ઉંડાણ સુધી જાઓ. આંખ બંધ રાખો અને દુનીયાને ફગાવી દો. જીવનમાં આમ થોડો સમય બધું ત્યજીને બેસશો ત્યારે જ તમારી સર્જકતા કોળશે.
૯. તમારી આસપાસની દુનીયાને બહેતર બનાવો :
નદી જ્યારે સામાન્ય હોય છે ત્યારે નિયંત્રિત સ્વરુપે વહે છે, પણ પુર વખતે જળની કોઇ દિશા નથી હોતી એ રીતે જીંદગીની પણ આપણે કોઇ દિશા નક્કિ કરી શકતા નથી. જીવન-ઉર્જાને નિયત દિશામાં વહેવા માટે નિષ્ઠાની જરુર પડે છે. સમાજ પ્રત્યે આવી નિષ્ઠા કેળવો તો સમાજનો તમને સાથ મળશે. સમાજ જ નહીં, સમગ્ર દુનીયાને બહેતર સ્થાન બનાવવાની નિષ્ઠા કેળવો.
૧૦. તમારી સંવેદનાને અવગણશો નહીં :
સંવેદના કે લાગણીવિહોણો માણસ સુકા લાકડા જેવો છે. તમારા જીવનને એવું રસભર બનાવો કે, લોકો તમારી કંપની, તમારો સાથ ઝંખે. સંગીત, પ્રાર્થના અને સેવાથી તમે તમારી જાતને એવી વ્યકિત બનાવી શકો. આ દુનીયા પાસેથી શું મેળવી શકું એમ વિચારવાને બદલે આ દુનીયાને શું આપી શકું તેમ વિચારો. તમે દિલથી ગાશો કે પ્રાર્થના કરશો ત્યારે તમારી લાગણીઓ પુષ્ટ બનશે.
૧૧. ટુંકા અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો :
તમે જોશો કે તમારું મન ભુતકાળ અને ભવિષ્ય વચ્ચે ભીંસાયા કરે છે. અથવા તો ભુતકાળમાં બનેલી કોઇ ઘટના અંગે ક્રોધીત હશે, ઉદાસ હશે કે ભવિષ્યની ચીંતાથી ઘેરાયેલું હશે. જેનો અર્થ એ નથી કે ભવિષ્ય માટે આયોજન ન કરવું ટુંકાગાળાના અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો. એ માટે તમારા મનને વર્તમાનમાં રાખો અને લક્ષ સુધી પહોંચવાનાં સાધનો અને પઘ્ધતી બંન્નેનું આયોજન કરો. મહત્તમ સંતોષ આપે તેવી ચીજોનું લક્ષ લાંબાગાળાનું રાખો. નાની નાની વસ્તુઓ આપોઆપ સુલભ થઇ જશે.
૧૨. પ્રાર્થના એક મહત્વનું શસ્ત્ર છે :
જીંદગીને બહેતર બનાવવા માટેનું એક મહત્વનું સાધન છે પ્રાર્થના. પ્રાર્થના બે સ્થિતીમાં થાય છે, તમે જ્યારે એકદમ લાચાર બની જાઓ ત્યારે અને તમે ભગવાન પ્રત્યે ખુબ જ આભારવશ થઇ જાઓ ત્યારે. તમારાથી શક્ય હોય એટલું કરો અને તમારાથી જે ન થાય તેવું હોય તેને માટે પ્રાર્થના કરો. પણ હંમેશા યાદ રાખો કે અંતિમ અવાજ ઉપરી સત્તાનો જ રહેશે અને એ હંમેશા સારા માટે જ હશે.
૧૩. જરુર પડે પરિવર્તન કરો :
જીંદગીમાં વિવેકબુઘ્ધી પર પડદો પડે છે ત્યારે દુખ આવે છે. અને વિવેકબુઘ્ધી શું છે ? આ જીવનમાં સઘળું પરિવર્તનશીલ છે એ જાણવું એ જ વિવેક છે. જીવન સુધારવા માટે જ્યાં અને જ્યારે પરિવર્તનનો અમલ કરવાની જરુર લાગે ત્યારે એ કરવાની હિંમત દાખવો.
૧૪. તમારી મર્યાદાઓને ઓળખો :
તમે જ્યારે જ્યારે નારાજ હોવ છો કે લાચાર હોવ છો ત્યારે તમને તમારી મર્યાદાઓનો પરિચય થાય છે. ત્યારે તમે ઇશ્વરનો આભાર માનો એ પરિચય કરાવવા બદલ અને સમગ્ર સ્થિીતીને પ્રાર્થનામાં બદલી નાખો. ઇશ્વરને કહો કે, હું બધું તને સમર્પિત કરી દઉં છું. તું શાંતિ લાવ. બસ, તમે હળવા થઇ જશો.
૧૫. તમારા મિત્રોને ગુમાવો નહિં :
જીવનમાં ભુલો બધાથી થતી હોય છે. ભુલો બતાવવાની ભુલ ન કરતા. એનાથી તેને તમે વધુ અપરાધભાવનો અનુભવ કરાવશો. ઉદારદિલ માનવ એમ કરવાને બદલે એ ભુલોને અનુકંપા અને કાળજીથી સુધારે છે.
૧૬. સંપૂર્ણતાનો આગ્રહ ન રાખો :
આ દુનીયામાં દરેક વખતે દરેક વસ્તુ પરિપૂર્ણ ન હોઇ શકે. ઉદાર હેતુઓથી થયેલા ઉત્તમ કામોમાં પણ ક્યાંક કંઇક અપૂર્ણતા રહી જવા પામે તેવું બને. એ સ્વાભાવીક છે. કમનસીબે આપણા મનને એ સંપૂર્ણતા પક્ડીને બેસી જવાની ટેવ હોય છે અને આ પ્રક્રિયામાં આપણે આપણા મનને અને મિજાજને અપૂર્ણ બનાવીએ છીએ. આ ખરાબ ચક્રમાંથી બહાર નીકળીએ.
૧૭. આપણે મશીન ન બનીએ :
આપણે ઘણીવાર મશીનની જેમ વર્તીએ છીએ. કોઇ વખાણ કરે કે સ્મિત આપીએ અને અપમાન કરે તો ભવાં ચઢાવીએ. હંમેશા આપણે એક જ સરખી પ્રતિક્રિયા આપવાની જરુર નથી. જુદી રીતે પ્રતિસાદ આપવાની આપણને છુટ હોવી જોઇએ.
૧૮. રમુજવૃતી કેળવો :
દરેક વ્યકિતને બાળસહજ તોફાનીપણું ઇશ્વરે આપ્યું હોય છે. એ રમતિયાળપણાને જીવંત રાખો. રમુજ આકરી સ્થિીતીને હળવી બનાવી દે છે. રમુજવાળો માણસ ગમે તેવા સંઘર્ષમાંથી પાર ઉતરે છે. રમુજ તમને અપમાનથી બચાવે છે. અપમાન અને અવહેલનાથી ભરેલી આ દુનીયામાં રમુજ એક તાજી હવાના સ્પર્શ જેવી છે. પણ હા, રમુજમાં હંમેશા કાળજીનું મિશ્રણ થવું જોઇએ. તેનો અતિરેક થાય તો ખરાબ શાણપણ અને સંવેદનાશીલતા વિનાની રમુજ સમસ્યાઓ સર્જે છે.
૧૯. ભુલથી ગભરાવું નહિં, સ્વીકાર કરો :
ભુલ થઇ ગઇ છે તેવું ભાન તમને તમે નિર્દોષ હોવ ત્યારે જ થાય છે. જે કોઇ ભુલ થઇ એ માટે પોતાની જાતને પાપી ન ગણો, કેમકે વર્તમાન ક્ષણમાં તમે નવા અને શુઘ્ધ છો. ભુલો કરવાનો ડર ન રાખો. પણ હા, એકને એક ભુલ ફરી ન કરો.
૨૦. તમારા પૂર્વગ્રહોને અતિક્રમી જાઓ :
તમારા પૂર્વગ્રહોને તમને આસપાસના લોકો સાથે મુક્તપણે એકરસ થવા દેતા નથી. કોઇની સામે પૂર્વગ્રહ ન રાખો. સાથે જ, તમારી પોતાની ઓળખ અંગે પણ ક્ષોભમાં ન રહો. પૂર્વગ્રહને અતિક્રમીને જ તમે સહજ બની શકશો અને તમારી જીંદગીની ગુણવત્તા બહેતર બનશે.
૨૧. ઇશ્વરના આર્શીવાદનો સદા અનુભવ કરો :
જીવનમાં કોઇ નિષ્ફળતા છે જ નહિં. દેખીતી બધી નિષ્ફળતાઓ વધુ મોટી સફળતા તરફ લઇ જતી સીડીઓ જ છે. જ્યારે અવરોધો અસહય લાગે ત્યારે અંતરના ઉંડાણથી કરેલી પ્રાર્થના ચમત્કાર કરી શકે છે. ઇશ્વરનો મને આર્શીવાદ છે એવી લાગણી તમને કોઇ પણ નિષ્ફળતામાંથી બહાર આવવામાં મદદ કરશે.
૨૨. સદવર્તન કરતા રહો :
તમે સદવર્તન કરો છો ત્યારે તમારી ખરી પ્રકૃતી પ્રગટ થાય છે. પણ દયા અને સેવાની આ પ્રવૃતી મિકેનીકલ ન હોવી હોઇએ. સહજભાવે આવાં સત્કૃત્યો કરો.
૨૩. હંમેશા વિદ્યાર્થી રહો :
તમે હંમેશા માટે વિદ્યાર્થી રહો. જ્ઞાન કોઇ પણ ખુણામાંથી આવી શકે છે. જીવનમાં દરેક પ્રસંગ અને વ્યકિત આપણને કંઇક શીખવે છે. આ દુનીયા આપણી ગુરુ છે અને તમે સતત શીખતા રહેવાની વૃત્તિ રાખશો તો તમે બીજાની કિંમત ઓછી આંકવાની બંધ કરશો.
૨૪. અશક્ય સાધવાનું સપનું જુઓ :
તમારી પાસે સપનું હશે તો જ એને સાકાર કરી શકશો. અશક્ય લાગે તે સાધવાનું સપનું જુઓ. આપણે સહુ આ દુનીયામાં કશુંક અદભુત અને અનોખું કરવા આવ્યા છીએ. આ તકને સરકવા દેવી જોઇએ નહીં. મોટાં સપના જોવાની અને પછી તેને સાકાર કરવાની હિંમત કેળવો.
૨૫. તમારા દેખાવની તુલના કરો :
નવા વર્ષની ઉજવણી તમને શાણા થવાનો અવકાશ આપે છે. ભુતકાળમાંથી શીખવા જેવું શીખો, ભુલવા જેવું ભુલો અને આગળ વધો. ગરીબ માનવી વર્ષનાં એક જ વાર નવું વર્ષ ઉજવે છે. અમીર માણસ દરરોજ ઉજવે છે. પણ સૌથી સમૃઘ્ધ તો એ છે જે જીવનની ક્ષણેક્ષણને ઉજવે છે. તમે કેટલા સમૃઘ્ધ છો તેના તરફ આ નવું વર્ષ ઉજવતા એક નજર કરજો. આ તમારું લેશન છે, આ તમારું ઘરકામ છે અને તમારા આ વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ તેના આગલા વર્ષ સાથે તુલના કરશો. હંમેશા સ્મિત કરતા રહેજો. હદય હંમેશા જુની વાતોને ઝંખે છે અને મન નવી બાબતોને ઝંખે છે. જીંદગી આ બંન્ને બાબતોનું મિશ્રણ છે.
જીંદગીમાં જીવવા માટે એ તમામ વસ્તુ ઉપલબ્ધ છે જેની જરુર છે. પરંતુ આપણે તેને જીવતા નથી. થોડું મળે એટલે આપણે આપણા ઇરાદા ઉંચા કરી દઇએ છીએ. જીંદગી સામે સતત ફરીયાદ કરતો માણસ કેમ ક્યારેય મૃત્યુ સામે ફરીયાદ નથી કરતો ? તેનું કારણ શું ? કેમ કે, મોત સામે કોઇ વ્યકિતનું કાંઇ ચાલતું નથી. મોત સામે ફરીયાદ, લાંચ, દાદાગીરી કે ધમકી એવું કાંઇ જ ચાલતું નથી. જે જીવે છે તે તમામને ખબર છે કે એક દિવસ મૃત્યુ નિશ્વીત છે. એક દિવસ એવો આવવાનો છે જ્યારે બધું છોડીને ચાલ્યા જવાનું છે આ વાત સનાતન સત્ય છે અને માણસ પણ જાણતો હોવા છતાં તે આજે કાંઇ છોડવા તૈયાર નથી. લોભ, લાલચ, મોહની પાછળ એવો તો ઘેલો થયો છે કે આ તમામમાં તે પોતાની જીંદગીને માણવાનું અને જીવવાનું ભુલી ગયો છે જેથી સતત દુખી થયો છે. જીંદગીથી ખુશ રહેશો તો જીંદગી તમારાથી ખુશ રહેશે. જીવન અમૂલ્ય છે. તેની શબ્દોમાં રચના કરવા બેસીએ તો શબ્દો ઓછા પડે. જીંદગીના રસ્તે ઘણું ગુમાવવાનું છે અને ઘણું મેળવવાનું છે. ગુમાવવાનું ઘણું છે પણ મેળવવાનું ખુબ ઓછું છે. ઘણું બધું ગુમાવ્યા બાદ તમે જે મેળવશો તેની કીંમત તમને સમજાશે અને તેને તમે સાચવશો પરંતુ જો ગુમાવ્યા વિના જે કાંઇ તમને મળશે તેની તમને કોઇ કીંમત નહીં સમજાય અને તેને તમે સાચવશો પણ નહિં. જીવનમાં સંબંધો ખુબ મહત્વના છે. વ્યકિત આજે જેમ પૈસા અને ઘરેણા સાચવતો થયો છે તેમ જો સંબંધો સાચવતો થઇ જાય તો તે દુખ કે સુખમાં ક્યારેય હારી કે જીતી નહીં જાય. વ્યકિતનો આત્મા અમર છે તેવો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ભાડા રુપી આ શરીર છોડીને તેનો આત્મા ચાલ્યો જાય છે.
મૃત્યુ પછી સગા-વ્હાલા શરીર ઉપર ઘરેણા પણ નથી રહેવા દેતા અને અગ્નિદાહ આપતા સમયે શરીર ઉપર કપડા પણ નથી રહેવા દેવામાં આવતા. જીંદગીમાં તો બધો મોહ-માયા અને દેખાદેખી વ્યકિતને દુખી કરી દેતી હોય છે. આજે એવું જીવન જીવો કે આવતીકાલે તમારી હયાતી ન હોય તો પણ લોકો તમને યાદ કરીને આંસુ સારે, પરંતુ આજે એવું જીવન તો ન જ જીવો કે આવતીકાલે તમારી હયાતી ન હોય ત્યારે લોકો તમને યાદ કરીને હસે. હસતા રડાવી કાંઇક ને, ચાલી જવાની આ જીંદગી. તડકો અને છાંયડો ક્યાં કાયમ રહે છે. આ ખીલેલા ફુલો જાણે કે કાયમ રહેશે પરંતુ સાંજ પડતા જ ઢળી પડે છે. જીવનમાં દુખ આવે તો પ્રભુનું સ્મરણ કરજો, પ્રભુને યાદ કરજો. જીવનમાં ગમેતેવું દુખ હોય પણ વ્યકિત જો તેવા સમયે સાચા સંતના સહારે જાય તો દુખ હળવું થઇ જાય છે. જીવનમાં એક એવા સંતની આજ્ઞામાં રહેજો કે જેની પાસે જઇને દુખની વાત કરી શકો. ‘જીંદગી કૈસીભી હો મેમસાબ, જીના તો પડતા હી હૈ’ ગદર એક પ્રેમ કથા નામની ફિલ્મમાં સન્ની દેઓલનો આ ડાયલોગ જીવનમાં રહેલા સુખ-દુખના સંગમને રજુ કરે છે. આજે લોકો જીંદગીની મજા નથી માણી શકતા. પ્રેમીએ દગો કર્યો અને આત્મહત્યા કરી લીધી. યુવક-યુવતીના પ્રેમ આગળ માં-બાપનું હેત, માં-બાપનો પ્રેમ આજે પાંગળો બનતો જઇ રહયો છે. આજ કાલના દેખાદેખી અને શારીરીક પ્રેમમાં આંધળા બનેલા યુવક-યુવતીઓ દુખી થઇ રહયા છે. કોઇ વ્યકિત આજે કોઇને સાચો પ્રેમ કરી રહયા હોય તેવો દાવો નથી કરી શકતી. ભાગ્યે જ એવા કોઇક લોકો છે જે પ્રેમને સમજે છે, બાકી તો બધા બદનામ કરે છે. વીસ-વીસ વર્ષ સુધી જે માતા-પીતાએ સાચવ્યા તેમના પ્રેમનો કોઇ હિસાબ નથી અને આજકાલની આવેલી છોકરી છોકરા માટે એટલો બધો પ્રેમ બની જાય છે કે તેના માટે આ દુનીયાને અલવીદા કહીને આત્મહત્યા કરતો થયો છે. છોકરી તો બીજે પરણી જશે કે છોકરો બીજે પરણી જશે પરંતુ એ માં-બાપનું શું થશે જેમણે પોતાના સ્વપ્ના રગદોળીને દિકરા કે દિકરીના સ્વપ્ના પુરા કર્યા હતા. જીવનની ગઇકાલ અને આજમાં ઘણો તફાવત છે. મહર્ષિ વાલ્મીકી ઋષિએ જીંદગીમાં સુખી થવા કેટલીક વાતો કરી છે જે આ પ્રમાણે છે,
૧. મીઠું મીઠું બોલનારા આજે ઘણાં છે, પરંતુ કઠોર હિતવચન કહેનારા અને સાંભળનારા દુર્લભ છે :
વ્યકિતના મનનો સ્વભાવ એવો છે કે, મીઠું બોલનારા લોકો તેને કંઇક વધારે જ પસંદ હોય છે. સારા-ખરાબથી તેને કંઇ લેણ-દેણ હોતું નથી. લોકો મીઠું મીઠું બોલીને પોતાનું કામ હોય ત્યાં સુધી સંબંધ જાળવતા થયા છે. આજના વ્યકિતની જીભ જેટલું મીઠું બોલે છે તેટલું તેનું મન કડવું હોય છે. આજે સાચું કહેનારા લોકો દુશ્મન લાગી રહયા છે અને ખોટું બોલીને પડખે રહેનારા લોકો પોતાના લાગી રહયા છે. હંમેશા ખોટા માણસો અને ખોટા વચને બંધાયેલો માણસ આજે દુખી છે. આજે કોઇને તમે કંઇક સાચું કહો તો ગમતું નથી, તમારા મિત્ર કે સ્નેહીજનની દિકરી કે દિકરો ખોટા રસ્તે જતા હોય અને તમે તેને અટકાવવા તેના પરિવારને જાણ કરો તો તેને ગમતું નથી તે તમારી સાથે સંબંધ કાપી નાખવા અધીરો બની જશે. આજે વ્યકિત અસત્યને સાથે રાખીને જીવે કે સબંધ સાચવે તો જ સચવાય તેવા સંજોગોનું નિમાર્ણ થયું છે. વ્યકિતમાં સાચું સાંભળવાની હિંમત રહી નથી. વ્યકિતએ મહાન બનવા હંમેશા તેના દુર્ગુણો જોનાર વ્યકિતને સાંભળવા જોઇએ નહિં કે તેની વાહ વાહ કરનારા વ્યકિતઓને કેમ કે ખુબ ઓછા લોકો હોય છે જેઓ આપણામાં રહેલા દુર્ગુણો જોઇ શકે છે.
૨. વૃક્ષને જેમ સમય પાકતા ફળ-ફુલ બેસે છે તેમ વ્યકિતનો સમય પાકતા પાપ-પુણ્યના ફળ-ફુલ મળે છે :
આજે દરેક વ્યકિત પાપ-પુણ્યની માયાજાળમાં ફસાયેલો છે. જેમ વૃક્ષને સમય આવતાં જ ફળ-ફુલ બેસે છે તેમ વ્યકિતને પણ સમયે સમયે પાપ અને પુણ્યના ફળ-ફુલ મળે છે. સારા કર્મો કર્યા હોય તો સારા અને ખરાબ કર્મો કર્યા હોય તો ખરાબ ફળ મળે છે. જગતનો નીયમ જ છે કે સારું કરે તો સારું અને ખરાબ કરો તો ખરાબ પરીણામ ભોગવવા તૈયાર રહો. તરસ્યાને પાણી અને ભુખ્યાને અન્ન આપવાથી સમય પાકતા સારા જ ફળફુલ પુણ્યના સ્વરુપમાં મળવાના છે. પરંતુ આખી જીંદગી કોઇનું સારું કર્યુ ન હોય કે વિચાર્યુ જ ન હોય તો જીંદગીના અંતે સરવાળામાં પાપના જ ભારા બંધાવાના છે અને તેને ભોગવવાનું છે. કોઇનું સારું ન કરી શકે તો કાંઇ નહિં પરંતુ કોઇનું ખરાબ કરવાનો વ્યકિતને કોઇ જ અધીકાર નથી.
૩. પૂર્વજન્મોમાં કરેલા કર્મની કે તેના ગુણદોષની માણસને ખબર નથી, પરંતુ આજે માણસ જે ફળ ભોગવી રહયો છે તેના પરથી તેના પૂર્વકર્મોની ખબર પડે છે :
આ પૃથ્વી ઉપર જન્મ લેનાર દરેક વ્યકિત તેના પૂર્વજન્મનું ફળ ભોગવતો હોય છે તેવી વાતો તમે અનેક વાર સાંભળી હશે. ખરેખરમાં તો વ્યકિતએ પૂર્વજન્મ કેવો હતો ?તેમાં તેણે શું કર્યુ છે ? તેની વ્યકિતને ખબર નથી હોતી પરંતુુ આજે તે જે ભોગવી રહયો છે તેના ઉપરથી એટલી તો ખબર પડી જતી હોય છે કે, તેના પૂર્વકર્મો કેવા હશે. આજે તમે જે વૃક્ષના બીજ વાવશો તેવું તેનું ફળ આવતીકાલે કે ભવીષ્યમાં ખાવા મળશે તે વાત નકિક છે તેમ જીંદગી રુપી વૃક્ષનું બીજ તમે જેવું વાવશો તેવું ફળ મેળવશો તે વાત પણ નકિક છે. જીંદગીમાં સારા કર્મો સારું ફળ અપાવશે અને ખરાબ કર્મો ખરાબ ફળ અપાવશે. આવતીકાલનું વિચારીને આજે એવા કામ કરો કે જેનું પરીણામ સારું આવે પરંતુ આજનું વિચારીને જ એવા કામ ન કરો કે જેનું પરીણામ આવતીકાલે ખરાબ આવે.
૪. આપણું આજનું સુખદુખ આપણાં જ સારાં-ખોટા કર્મનું ફળ છે :
માણસ દુખ આવતા જ ભાંગી પડે છે અને જીંદગીથી જાણે કે હારી ગયો હોય તેમ દુખનો પોટલો માથે લઇને બેસી જાય છે, પરંતુ તેને ખબર નથી કે આ બધું તેણે પોતે કરેલા કર્મોનું જ ફળ છે. આજે વ્યકિત જે સુખદુખ ભોગવી રહયા છે તે તમામ તેણે જાતે જ ઉભા કરેલા છે. વ્યકિતને સુખદુખ આપવાવાળું કોઇ બીજું નથી હોતું. જન્મથી જે કર્મો કરતા આવ્યા છીએ તેના જ હિસાબના રુપમાં જીવનકાળ દરમ્યાન સુખદુખને માણવું પડે છે, અનુભવવું પડે છે. વ્યકિત દુખી થતા નસીબનાં વાંક કાઢે છે અને પરીણામે તે તેના જ નસીબનો ફરીયાદી બની જાય છે.
૫. ગુણવાન પરજન કરતાં નિર્ગુણ સ્વજન સારો :
આજે વ્યકિત પોતાના સંબંધો ભુલીને બહારના સંબંધોનો સ્વીકાર કરતો થયો છે. ભાઇ-ભાઇ વચ્ચે સંબંધ નથી અને આખા ગામને એવી તો વાતો કરે છે કે આ મારો મિત્ર, મારો ભાઇ જ માની લ્યો. સગા ભાઇ સાથે સંબંધ તોડી પારકાને ભાઇ બનાવતો માણસ આજે દુખી થયો છે. ગમેતેવો નિર્ગુણ હોય પણ પોતાના એ પોતાના અને ગમે તેવા ગુણવાન હોય પરંતુ પારકા એ પારકા. લોકોને ઘર કરતા બહારના લોકો આજે વધુ ગમતા થયા છે, તેમની તરફ હેત વઘ્યું છે. પરીણામે ક્યારેક પારકા લોકો વ્યકિતને દગો કરીને જતા રહે છે અને તે દુખી દુખી થઇ જાય છે. ગમેતેવો નિર્ગુણ હોય પરંતુ દુખ સમયે આવીને ઉભો રહે તે જ સ્વજન સાચો અને ગમેતેવો ગુણવાન હોય પરંતુ દુખ સમયે સાથ ન આપે તે પરજન શું કામનો?
૬. શુભ કરે તે શુભ પામે, પાપ કરે તે પાપ પામે :
હમેશા શુભ કામ કરો અને શુભ મેળવો, પાપ કરશો તો પાપનો જ ભારો બંધાવાનો છે પરંતુ જો ક્યારેક તરસ્યાને પણ પાણી અને ભુખ્યાને અન્ન આપીને શુભ કર્મો કર્યા હશે તો જીવનમાં સુખ પણ ઘણું મેળવશો. પરંતુ જો ક્યારેય કોઇ પુણ્ય જ નહિં કર્યુ હોય તો હંમેશા દુખ જ મળવાની આશા રાખવાની છે.
૭. ક્ષમા નામનું આભુષણ ક્યારેય મનથી દુર ન કરો :
ક્ષમા દાન છે, ક્ષમા સત્ય છે, ક્ષમા યશ છે, ક્ષમા ધર્મ છે, ક્ષમામાં જગત પ્રતિષ્ઠિત છે. કોઇ વ્યકિતને ક્ષમા આપવાથી ઘણું મોટું દાન આપ્યા તુલ્ય છે. વ્યકિત માટે ક્ષમા ખુબ કઠીન છે. આજે વ્યકિત ક્ષમા શબ્દ ભુલી ગયો છે અને પશ્વિમી સંસ્કૃતીએ સોરીનું ઓઢણું ઓઢાડી દીધું છે. આજે કોઇ કોઇને ક્ષમા કરવા તૈયાર નથી. દરેકના મનમાં બસ બદલાની જ ભાવના છે. ક્ષમા આપનાર વ્યકિત મહાન છે.
૮. જે ડરે છે તે ભયને પેદા કરે છે :
વ્યકિત હંમેશા ડરની લાગણી અનુભવે છે ત્યારે ભયને પેદા કરે છે. આજે વ્યકિત દુખથી ડરતો થયો છે એટલે તેનાથી ભય અનુભવી રહયો છે. ગમેતેવો ચમરબંધી હોય અને જો એના દ્બારે દુખ આવે તો ભયનો અનુભવ કરવા લાગે છે. વ્યકિત જો ડરતો નથી તો તે કયારેય ભયને પેદા કરતો નથી.
૯. પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શું અર્થ :
જ્યારે નદિમાં પુર આવવાની તૈયારી હોય ત્યારે જ ઘરના આંગણે પાળ કરી દેવી જોઇએ જેથી ઘરમાં પાણી ન આવે. પરંતુ જો ખબર હોય કે નદિમાં પુર આવવાનું છે છતાં કોઇ પુર્વતૈયારી ન કરીએ અને પુર આવીને જતું રહે પછી ઘરમાં પાળ બાંધવા બેસીએ તેનાથી શું ફરક પડવાનો છે ? જેનો ભય હતો તે તો તેનું કામ કરીને જતું રહયું, હવે શું ? કહેવાનો મતલબ એટલો જ કે સુખ હોય કે દુખ હંમેશા સાચવી સાચવીને ચાલવું વધુ હિતાવહ હોય છે કેમ કે સમય ગયા પછીનું શાણપણ હંમેશા નકામું સાબીત થાય છે.
૧૦. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવાથી મોટું કોઇ ધર્માચરણ નથી.
જગતમાં જેટલા મંદિરો છે તેટલા દેવી-દેવતાઓને પુજા કરીએ કે ચાર ધામની યાત્રાએ જઇએ પરંતુ જો ઘરમાં માતા-પિતાની આજ્ઞાનું પાલન ન કરતા હોઇએ કે તેમની ક્યારેય સેવા ન કરી હોય તો યાત્રા કે ભકિત ક્યારેય ફળ આપતી નથી. ભગવાન ગણેશે પણ એ વાત સાબિત કરી છે કે, સાચું તીર્થ માતા-પિતાના ચરણોમાં છે. જીવનમાં માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવાથી મોટું બીજું કોઇ ધર્માચરણ નથી. આજે અનેક ધર્મોનો ફેલાવો થઇ રહયો છે.
૧૧. ગુરુ પણ જો કાર્ય-અકાર્યનો ભેદ સમજ્યા વિના ગુમાનમાં અવળેપંથે ચાલે તો તેને પણ સજા કરવી પડે.
સમાજમાં ગુરુએ જીવનનો સાચો રસ્તો બતાવે છે. પરંતુ ક્યારેક જો ગુરુ અવળેપાટે લઇ જતો હોય તેવું લાગે તો તેને પણ સજા કરવી જરુરી હોય છે. આજે અધર્મનું ઓઢણું ઓઢીને ધર્મના નામે ધતીંગ કરનારા ગુરુઓનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. પોતાના શિષ્યને કુબુઘ્ધી સુઝાડનાર કે શિષ્યો પાસે અયોગ્ય આચરણ કરાવનાર ગુરુને સજા કરવી જ જોઇએ. આમ કરવાથી ક્યારેય પાપ લાગતું નથી. ભગવા વસ્ત્રની આડમાં અયોગ્ય આચરણ કરી રહેલા કેટલાક માનસીક રાક્ષસોને ખુલ્લા પાડવાથી સમાજની આબરુ અને લોકોનું રક્ષણ થાય છે.
૧૨. આંબો ઉખેડીને વાવેલા લીમડાના ફળ ન ખાવા
જીવનમાં ક્યારેય કોઇનું સુખ છીનવીને સુખી ન થવું. કરેલા કર્મો દરેક વ્યકિતએ હંમેશા ભોગવવા જ પડે છે તેમ કોઇનું નાહકનું લીધેલું ચુકવવું જ પડે છે. વહેલું કે મોડું કર્મનું ઋણ ચુકવવું તો સૌએ પડે છે. આંબો ઉખેડીને વાવવામાં આવેલા લીમડાના ફળ ક્યારેય મીઠાસ નથી આપતા તે હંમેશા કડવા જ હોય છે તેમ જીવનમાં કોઇનું છીનવીને લીધેલું સુખ ક્યારેય સુખી નથી કરતું. મહેનતથી જેટલું મળે તેટલું ખાવામાં સંતોષ રાખવો.
૧૩. શત પુત્રો હોય તેમ છતાં પતિ ન હોય તો તે સ્ત્રી પૈડા વિનાના રથ જેવી છે
સાત સાત પુત્રો હોવા છતાં જો પતિ ન હોય તો તેવી સ્ત્રી પૈડા વિનાના રથ જેવી છે. શાસ્ત્રોમાં પતિને પરમેશ્વર કહેવામાં આવે છે. પરંતુ આજે તેનાથી તદન ઉંધું જોવા મળે છે. આજની નારી પતિને નહિં પરંતુ પૈસાને પરમેશ્વર માનતી થઇ છે તેથી તે સતત દુખી જ છે. પતિ સાથે સંબંધ નથી અને પરપુરુષનું પડખું સેવનારી સ્ત્રીેએ આજે તમામ મર્યાદાઓ નેવે મુકી દીધી છે. કોઇ પણ સ્ત્રીનું જીવન તેના પતિ વિના અધુરું છે. જીવનકાળ દરમ્યાન આવતા સુખદુખમાં પતિને પત્નિનો અને પત્નિને પતિનો સાથ હોય છે. આ બંન્ને એકબીજાના સુખદુખમાં સરખા હિસ્સાના ભાગીદાર બની એકબીજાને સાથ આપે છે. એક સ્ત્રીના જીવનમાં સૌથી વધુ જેનું મહત્વ છે તે છે તેનો પતિ, અને જો તે જ તેની સાથે ન હોય તો તે સ્ત્રીએ અનેક યાતનાઓમાંથી પસાર થવું પડે છે. જેમ પૈડા વિના રથ ન ચાલે અને એકલો પડી જાય તેમ પતિ વિનાની સ્ત્રી એકલી પડી જાય છે.
૧૪. કોઇ પણ સંબંધનો વિયોગ નિશ્વીત છે
કોઇ પણ જીવનું મૃત્યુ નિશ્વીત છે તેમ કોઇ પણ સંબંધનો વિયોગ પણ નિશ્વીત છે. વહેલા કે મોડા વ્યકિતએ દરેક સંબંધમાંથી વિયોગ લેવાનો જ છે. શાસ્ત્રોમાં અને સંતોના ઉપદેશમાં હંમેશા એમ કહેવામાં આવે છે કે ક્યારેય કોઇ જીવ કે વસ્તુનો મોહ ન રાખવો કેમ કે, મોહ તો પોતાના જીવનો પણ અખંડ નથી રહી શકતો તો બીજા કોઇ જીવ કે વસ્તુ સાથે કેવી રીતે રહી શકવાનો? મોહ હંમેશા આપણને તે જીવ કે વસ્તુ તરફ ખેંચી રાખે છે જે તેને ગમે છે અને પરીણામે તે જીવ કે વસ્તુથી વિયોગ આવે ત્યારે ઘણું દુખ સહન કરવું પડતું હોય છે. ક્યારેક અતી વિયોગથી વ્યકિતનું મૃત્યુ પણ થાય છે, એટલે ક્યારેય કોઇ પણ સંબંધનો મોહ ન રાખવો, સંબંધ અમુલ્ય છે તેનું જતન કરવું અને તેને ક્યારેય ગુમાવવા ન દેવો પરંતુ તેનો વિયોગ નિશ્વીત જ છે તેમ માનીને ચાલવું વધુ હિતાવહ બને છે.
૧૫. માણસનો સાચો સાથી મૃત્યુ છે
કોઇ પણ વ્યકિત એવો દાવો કરતો હોય કે તેનો સાચો સાથી કોઇ વ્યકિત જ છે તો તેનો આ દાવો તદન ખોટો છે. વ્યકિતનો સાચો સાથી મૃત્યુ છે. જે જન્મથી અંત સુધી તેની સાથે જ રહે છે. વ્યકિતને તેનું મૃત્યુ ક્યારે આવશે, કયા સમયે આવશે તેની કાંઇજ ખબર હોતી નથી. જેણે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્વીત જ છે. વ્યકિતની સાથે હંમેશા તેનું મૃત્યુ હોય જ છે પરંતુુ તે સાથી ક્યારે વ્યકિતને પોતાની જાળમાં ફસાવી દેશે તેની ખબર નથી હોતી.
૧૬. દરરોજે સવાર-સાંજ ખુશ રહેતા માણસને ખબર નથી કે તેના આયુષ્યનો એક દિવસ દરરોજે ઓછો થાય છે
હે ભગવાન ! આજે સવાર પડીને તે મને જગાડયો તે બદલ તારો ખુબ ખુબ આભાર. આવું ભાગ્યે જ કેટલાક લોકો તેમના ઇષ્ટદેવને પ્રાર્થનામાં કહેતા હશે અથવા તો પોતાના જીવનો આભાર માનતા હશે. જીંદગી જીવનારા લોકો ગઇકાલને હાશકારો અનુભવીને ભુલી જતા હોય છે અને નવી સવાર પડતા જ ખુશ થઇ જતા હોય છે. જોકે સવારસાંજ ખુશ થતા માણસોને એટલી ચોક્કસ ખબર હોવી જોઇએ કે તેમના આયુષ્યનો એક દિવસ દરરોજે ઓછો થાય છે. સમય ક્યારેય કોઇના માટે ઉભો રહયો નથી અને ઉભો પણ રહેશે નહિં. જે વ્યકિત આવતીકાલની રાહ જોઇને બેઠા છે તેમણે ઘણા સારા કામો કરવાના બાકી છે અને સમય દિવસે દિવસે જઇ રહયો છે તેનું તેઓએ ઘ્યાન રાખવું જોઇએ.
૧૭. માતા-પિતા, પત્નિ, બાળકો અને ઘરએ રાતવાસનો મુકામ છે.
એક કહેવત છે કે, ‘સુબહ કા ભુલા અગર શામ કો ઘર વાપીસ લોટ આએ તો ઉસે ભુલા નહીં કહેતે’. વ્યકિત ગમે તેવો દારુડીયો, જુગારીયો કે ગાંડો હોય આખરે અંતે તો તેનો રાતવાસો તેનું ઘર, માતા-પિતા પત્નિ અને બાળકો જ હોય છે. કોઇપણ વ્યકિત થાકેલો પાકેલો અંતે તો તેના ઘરે જ થાક ઉતારવા અને આનંદ મેળવવા પાછો ફરતો હોય છે. નાનું બાળક શાળાએથી આવે અને માં એને પ્રેમથી વ્હાલ કરે પછી એ કેટલું ખુશ થઇ જતું હોય છે તેવી જ રીતે પતિ ઓફિસ કે નોકરીએથી આવે અને તેની પત્નિ તેને પ્રેમથી જમાડી સુખદુખની વાતો પુછે તો પતિ માનસીક રીતે કેટલો સ્વસ્થ બની જતો હોય છે. આમ, આખું જગત ખુંદનારા વ્યકિત અંતે તો તેના પરીવાર પાસે જ આવીને શાંતીનો અનુભવ કરતા હોય છે.
૧૮. શોક જેવો શત્રુ બીજો કોઇ નથી
કોઇ સ્વજનનું મૃત્યુ થાય કે પછી ઓચીંતુ કોઇ દુખ આવી પળે એટલે તરત જ વ્યકિત શોકમાં ગરકાવ થઇ જતો હોય છે. ઓફિસ કે નોકરી, પત્નિ કે પ્રેમ આ બધામાં વ્યકિત નિરાશ થાય તો તુરંત જ શોકમગ્ન બની જાય છે અને શોક એ વ્યકિતનો એટલો મોટો દુશ્મન છે કે જે વ્યકિતને સંપૂર્ણપણે શુન્યઅવકાશ બનાવી દે છે. શોકમગ્ન વ્યકિત માનસીક રીતે સંપૂર્ણપણે ભાગી જતો હોય છે અને તેનું ઘ્યાન તેના કોઇ કામમાં પણ રહેતું નથી પરીણામે તેને ખોટા ખોટા વિચારો આવ્યા કરે છે. ક્યારેક તો તે શું કરે છે? કેમ કરે છે? તેનું પણ ભાન ગુમાવી બેસતો હોય છે. જેથી શોકને વ્યકિતનો શત્રુ માનવામાં આવ્યો છે. આ માન્યતાનો મતલબ એવો પણ નથી કે જીવનમાં ક્યારેય શોક ન કરવો.
૧૯. લાખ્ખો મૂર્ખાઓની સલાહ લો તેથી કંઇ વળતું નથી
લાખ્ખો મૂર્ખાઓની સલાહ બરાબર એક બુઘ્ધીશાળીને સલાહ. કોઇ પણ કામમાં ગમેતેટલા લોકોની સલાહ લો પરંતુ તે તમામ મૂર્ખાઓ હોય તો તે સલાહ નકામી છે. મૂર્ખા લોકો ક્યારેય લાંબુ વિચારતા નથી જેથી તેમના વિચારોનું આયુષ્ય પણ લાંબુ હોતું નથી તેથી હંમેશા લાખ્ખો મૂર્ખા કરતા એક બુઘ્ધીશાળીની સલાહ સારી. રાજા અકબર હંમેશા તેમના કામમાં ઘણા લોકોની સલાહ લેતા હતા પરંતુ તેમને તેનાથી સંતોષ ન હતો મળતો તેથી તે અંતે બીરબલની સલાહ લેતા. જેના પરીણામે બીરબલની સલાહ તેમને સંતોષ કારક લાગતી અને તેની ઉપર અમલ કરતા હતા. આમ લાખ્ખો મુર્ખાઓની સલાહ બરોબર એક બુઘ્ધીશાળી વ્યકિતની સલાહ કહી શકાય.
૨૦. દિવસ ને રાત માણસના આયુષ્યને શોષતા હોય છે
જેમ કોઇ રોગ માણસના શરીરને કમજોર બનાવીને શોષતો હોય છે તેમ દિવસ અને રાત માણસના આયુષ્યને શોષતા હોય છે. દરેક નવો દિવસ અને રાત માણસના આયુષ્યમાં ઘટાડો કરે છે. દિવસ-રાતના ચક્કરમાં જીવનથી મૃત્યુ સુધીનો સફર ક્યાં પુરો થઇ જાય છે તેની કોઇને ખબર પડતી નથી. જેમ જેમ સમય જાય છે તેમ વ્યકિતની જીંદગીના દિવસો પણ જાય છે પરીણામે વ્યકિતનું આયુષ્ય પણ ટુંકુ થતું જાય છે. ક્યારેય કોઇ વ્યકિતનું આયુષ્ય દિવસે દિવસે વધતું નથી. ફળો અને શાકભાજી જેમ દિવસે દિવસે કરમાતા જાય છે તેમ માણસનું આયુષ્ય પણ દિવસે દિવસે કરમાઇ જાય છે. ફળ-ફુલની જેમ માણસનું જીવન પણ કાયમી તાજું રહી શકતું નથી.
૨૧. નદીનું પાણી સમુદ્રમાંથી પાછું આવતું નથી, તેમ વિતેલો સમય ક્યારેય પાછો આવતો નથી.
સમુદ્ર વિશાળ હોય છે. નદિઓ કે સરોવરનું પાણી સમુદ્રમાં સમાઇ જતું હોય છે પરંતુ ક્યારેય તે નદિ કે સરોવરનું પાણી સમુદ્રમાંથી પાછું નથી આવતું તેમ વ્યકિતનો વિતેલો સમય ક્યારેય પાછો નથી આવતો. વર્તમાન સમયને હંમેશા માણવો જોઇએ અને તેનો બને તેટલો સદઉપયોગ કરી લેવો જોઇએ. જીવનમાં ગઇકાલ અને બાળપણ ક્યારેય પાછું નથી આવતું તેવી જ રીતે ગઇકાલ આવતીકાલ બનીને પાછી નથી આવતી. જીવનમાં ક્યારેય એવા કામ ન કરો જે તમને આવતીકાલે પરેશાન કરે અથવા આવતીકાલને શાંતીથી જીવવા ન દે. વ્યકિતને ક્યારેય તેની કરેલી ભુલ સુધારવાનો સમય મળતો નથી. હા, આવનારા સમયમાં તે વ્યકિત તે જ ભુલ ફરી ન કરે તેનું ઘ્યાન ચોક્કસથી રાખી તેનું પુનરાવર્તન થતું અટકાવી શકે છે પરંતુ ક્યારેય જેમ પાણી છુટું પાડી નથી શકાતું તેમ વિતેલો સમય પાછો લાવી નથી શકાતો. આજે વ્યકિત તેના વિતેલા સમયને યાદ કરી ઘણો પસ્તાતો રહે છે પરંતુ તેમ છતાં તે સમય તે પાછો મેળવી શકતો નથી એટલે હંમેશા વર્તમાન સમય કે જે હાલ ચાલી રહયો છે તેને માણો અને ભુતકાળ સમય કે જે ગઇકાલે જતો રહયો છે તેને યાદ કરીને પસ્તાસો નહિં કેમકે તેના પરીણામમાં કાંઇ મળવાનું નથી.
૨૨. પરપુરુષોના માર્ગે જવું એ ધોરીમાર્ગે જવા બરોબર છે
આજે લોકો પોતાના લોહીના સંબંધો ભુલીને પરપુરુષના માર્ગે જવું વધુ પસંદ કરે છે. ભાઇ-ભાઇ ઉપરથી વિશ્વાસ હટાવીને આજકાલમાં બની બેઠેલા મિત્રો ઉપર વિશ્વાસ મુકવો એ ધોરીમાર્ગે જવા બરાબર છે. ધોરીમાર્ગ ઉપર જનારા દરેકે સાવચેતી રાખવી જરુરી બને છે. આવા રસ્તે ક્યારે અકસ્માત કે ક્યારે અણધાર્યા વળાંકો આવે છે તેની ખબર પડતી નથી. તે સીધે સીધા જ જઇ રહયા હોય છે. આવા રસ્તે જો તમે તમારી મંજીલ નક્કિ ન કરી હોય તો તે એવા રસ્તે લઇ જાય છે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય. બીજી બાજુ આજના પશ્વિીમી સંસ્કૃતીમાં સ્ત્રીઓ દ્બારા સેવવામાં આવતા પરપુરુષના પડખાને લઇને આ વાત કહેવામાં આવી છે કે, પહેલાના જમાનામાં સ્ત્રીનું કોમાર્ય ભંગ તેના લગ્ન બાદ જ થતું જ્યારે આજે લગ્ન પહેલાં કેટલીક સ્ત્રીનું કોમાર્યભંગ થઇ ચુક્યું હોય છે જેને કારણે લગ્નજીવનમાં અનેક ઝઘડા અને છુટાછેડાના કિસ્સાઓ બનતા રહયા છે. પરપુરુષનો સંગ હંમેશા કોઇપણ વ્યકિતને નુકશાનરુપ અને ધોરીમાર્ગ ઉપર જવા જેવો જ સાબિત થાય છે. આ સંગ ક્યારેય કાયમી રહેતો નથી.
૨૩. ચારે આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે
માનવજીવનને ચાર આશ્રમોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. બ્રહમચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આ ચારેય આશ્રમોમાં સૌથી શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમને ગણવામાં આવ્યો છે. પ્રત્યેક આશ્રમમાં પ્રવેશ કરતી વેળાએ માણસને અગ્નિમાંથી પસાર થતા હોય તેવો અનુભવ થાય છે. તમામ આશ્રમોનો પાયો ગૃહસ્થાશ્રમ છે. જેના જીવનનો આદર્શ વિવાહ સંસ્કારમાં ખુબીપૂર્વક વ્યક્ત થયો છે. જેમ નદીઓ સાગરમાં આશ્રય મેળવે છે તેમ બધા આશ્રમ ગૃહસ્થાશ્રમનો આધાર મેળવે છે. ગૃહસ્થાશ્રમ વિવાહ દ્બારા મળે છે જે જીવનરથના બે પૈડા છે. બંન્ને પૈડા વ્યવસ્થિત હોય તો જ રથ સરસ ચાલે. તેમ જીવનમાં પતિ-પત્નિ રુપી રથના પૈડા જો મજબુત હોય તો ગૃહસ્થાશ્રમ પણ મજબુત બની રહે છે. આમ તો ગૃહસ્થાશ્રમના જીવનકાળ દરમ્યાન અનેક સારા-નરસા પાસાઓ શીખવા જેવા છે. સૌથી કઠીન જો કોઇ માર્ગ હોય તો તે પણ ગૃહસ્થાશ્રમ જ છે. કેમ કે, અહીં વ્યકિતને સમાજ અને પારીવારીક જેવી અનેક સમસ્યાઓ અને જવાબદારીઓથી ઘેરાયેલા રહેવું પડતું હોય છે. વ્યકિત ક્યારેય તેની આ જવાબદારીઓથી છટકી શકતો નથી. સૌથી કઠીન એવા આ રસ્તે જાળવીને જાળવીને અહીં વ્યકિતએ ચાલવું પડતું હોય છે જેથી ચારે આશ્રમોમાં ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ અને કઠીન માનવામાં આવ્યો છે.
૨૪. જેવો રાજા તેવી તેની પ્રજા
આ વાત આમ તો ખુબ જુની કહી શકાય. હંમેશા રાજાના લક્ષણ પ્રજા ઉપરથી જણાઇ આવતા હોય છે. જેમ માં-બાપ જેવું સંતાન હોય છે તેવી જ રીતે રાજા જેવી તેની પ્રજા હોય છે. આ વાક્ય ખુબ સુંદર રીતે કહેવામાં આવ્યું છે. રાજાને પ્રજા જ નકિક કરતી હોય છે જેથી પ્રજાના મનમાં જેવા વિચારો હોય તેવા જ ગુણો તે રાજામાં જોઇને તેને આદર આપશે. બીજી બાજુ જોઇએ તો કર્મોને આધીન પણ આ વાક્ય કહેવામાં આવ્યું છે જેનો મતલબ છે કે જેવા જેના કર્મો તેવું તેનું જીવન. વ્યકિત જીવનમાં જેવા કર્મો કરે છે તેવું તેનું ફળ મેળવે છે. કોઇ સારા તો કોઇ ખરાબ કર્મોનું ફળ મેળવે છે.
૨૫. જેમ સાપને જોતા ડર લાગે તેમ જુઠાબોલાથી ડરવું
વ્યકિત સાપને જોઇને હંમેશા ડરતો હોય છે તેવી રીતે જ વ્યકિતએ જુઠાબોલા લોકોથી પણ ડરવું જોઇએ. અહીં જુઠાબોલા વ્યકિતને સાપ સાથે સરખાવવામાં આવ્યો છે કેમ કે આવા વ્યકિતઓ સાપ જેવા જ હોય છે, તેઓ પોતાના જુઠાબોલા વચનોથી ક્યારે ડંસ દઇ દેતા હોય છે તેની ખબર નથી પડતી હોતી. આવા લોકો જુઠુંબોલી સામેવાળા વ્યકિતનું પણ ખરાબ કરતા હોય છે.
૨૬. દુખથી હારનાર ક્યારેય તેજસ્વી રહેતો નથી અને યશસ્વી થતો નથી
વાવાઝોડું કે વરસાદ જેમ કાયમી નથી તેમ દુખ પણ કાયમી નથી. કોઇ પણ સમય જેમ પસાર થવા માટે જ જીવનમાં આવતો હોય છે તેમ વ્યકિતનું દુખ પણ પસાર થવા જ આવતું હોય છે. દુખથી હારી જનાર વ્યકિત ક્યારેય તેજસ્વી નથી હોતો અને તેજસ્વી હોય છે તે ક્યારેય દુખથી હારી નથી જતો. દુખથી કયારેય ડરવું જોઇએ નહિં, દુખનો સામનો કરી તે સમયમાં સાચવી સાચવીને તેને પસાર થવા દેવું જોઇએ.
૨૭. ભીડ પડયે પડખે ઉભો રહે તે મિત્ર, ન ઉભો રહે તે દુશ્મન.
સુખમાં પાછળ હોય અને દુખમાં આગળ ઉભો રહે તેનું નામ મિત્ર. ગમેતેવું દુખ હોય પરંતુ તે દુખને પોતાનું માનીને પડખે ઉભો રહે તે મિત્ર અને ન ઉભો રહે તે દુશ્મન. આજે મિત્રતા સ્વાર્થી બની ગઇ છે. આજે મિત્રતા ઓછી પરંતુ દુશ્મનાવટ વધુ જોવા મળે છે જેનાથી વ્યકિત વ્યકિત વચ્ચે વેરભાવ વધતું જઇ રહયું છે પરીણામે વ્યકિત દુખી થઇ રહયો છે.
૨૮. મૈત્રી કરવી સહેલી પરંતુ નીભાવવી મુશ્કેલ છે
કોઇ પણ સંબંધ બનાવવો મુશ્કેલ નથી પરંતુ તે સંબંધને નીભાવવો તે મુશ્કેલ છે તેવી જ રીતે કોઇ પણ વ્યકિત સાથે કરેલી મૈત્રી નીભાવવી મુશ્કેલ છે. ખુબ ઓછા લોકો એવા હોય છે જે સંબંધની મહત્વતાને પોતાના અહમ કરતા વધુ સમજીને પણ નીભાવી જાણે છે. આજે સાચા સબંધ કે સાચી મૈત્રી નીભાવનાર ઓછા લોકો મળે છે.
૨૯. ઝાડ ઉપર સુતેલો વ્યકિત જ્યારે નીચે પડે ત્યારે જાગે છે, તેમ ધર્મ ભુલી કામ પાછળ પડેલો પછડાય છે ત્યારે જ ભાનમાં આવે છે
વ્યકિત જ્યારે જ્યારે દુખમાં ડુબે ત્યારે જ તેને લોકો અને ભગવાનની યાદ આવતી હોય છે. જેમ ઝાડ ઉપર સુતેલો વ્યકિત જ્યારે નીચે પડે ત્યારે જ જાગે તેમ ધર્મ ભુલીને કામ પાછળ અંધ બનેલો વ્યકિત પછડાય ત્યારે જ ભાનમાં આવે છે. આજે મંદિર જનારો કોઇ પણ વ્યકિત ભગવાન પાસે માંગણી અને દુખ દુર કરવાની આજીજી લઇને જ જતો હશે. જો વ્યકિત સુખી હોય તો તે ક્યારેય ભગવાનને યાદ કરતો નથી પરંતુ જેવો તે દુખમાં ગરકાવ થાય કે તુરંત જ ભગવાનના નામની માળા જપવાનું ચાલુ કરી દેતો હોય છે.
૩૦. અતિથી હંમેશા પુજનીય હોય છે
ઘરે આવેલો અતિથી હંમેશા પુજનીય હોય છે. જેમ સાધુ સંતને ઘરના દરવાજેથી ખાલી ન મોકલાય તેમ અતિથીને ક્યારેય ઘરમાંથી ખાલી પાછો નમોકલવો જોઇએ પરંતુ આજની પશ્વિમી સંસ્કૃતીમાં લોકો અતિથીનું મહત્વ ભુલી ગયા છે અને તેનું કોઇ સન્માન જળવાઇ રહયું નથી. આજે ઘરમાં આવેલો અતિથી ક્યારે ઘરની બહાર જાય તેવું વ્યકિત વિચારતો થયો છે જેથી તેના સંબંધોમાં પણ તીરાડો પડવા લાગી છે.
૩૧. સાપ કાંચળી ઉતારે તેમ ક્રોધ ઉતારી નાંખે તે ખરો માણસ
સાપ જેમ તેના શરીરની કાંચળી ઉતારીને નવી કાંચળી ધારણ કરે છે તેવી રીતે વ્યકિતએ તેના જીવનમાંથી ક્રોધ ઉતારી નાંખવો જોઇએ. જીવનમાંથી ક્રોધ કાઢી નાંખનાર માણસ શ્રેષ્ઠ કહી શકાય. આવા લોકો ખુબ ઓછા હોય છે કેમ કે આમ કરવા માટે પોતાના મન ઉપરનો કાબુ હોવો જરુરી છે.
૩૨. સાપનાં પગલાં સાપ જ પારખે તેમ દુષ્ટને દુષ્ટ જ ઓળખે
સાપનાં પગલાં સાપ જ પારખી શકતો હોય છે તેમ દુષ્ટ વ્યકિતઓના પગલાં પણ દુષ્ટ વ્યકિત જ પારખી શકે છે. આપણા ઘરમાં કોઇ દુષ્ટ વ્યકિત પ્રવેશ કરી જાય કે જીવનમાં કોઇ દુષ્ટ વ્યકિતનો સંગ થઇ જાય તો આપણે તેને ક્યારેય ઓળખી શકતા નથી કેમ કે આવા લોકોને ભાગ્યેજ કોઇ ઓળખી શકે છે. આવા લોકો જ્યારે તેમનું પોત પ્રકાશે ત્યારે જ ખબર પડે કે આ વ્યકિત દુષ્ટ છે જે લોકોનું ખોટું જ કરે છે અને વિચારે છે.
૩૩. વિપત્તી વેળાએ એકની જ સલાહથી ન ચાલવું
માણસના જીવનમાં અવારનવાર ચડતીપડતી આવ્યા કરે છે. ચડતીમાં માણસ ક્યારેય કોઇને પુછતો નથી પરંતુ પડતીમાં વ્યકિત આશ્રીત બની જતો હોય છે. જે કંઇ પણ કામ કરે તે લોકોને પુછી પુછીને કરતો હોય છે. ત્યારે વ્યકિતએ તેના જીવનની વિપત્તી વેળાએ કોઇ એકની સલાહથી ન ચાલવું વધુ હિતાવહ હોય છે. વિપત્તીવેળાએ હંમેશા બને તેટલા વધુ લોકોની સલાહ, સુચન અને માર્ગદર્શનથી જ આગળ વધવું જોઇએ.
૩૪. ભુલ સૌ કોઇ કરે છે
જીવનમાં સૌ કોઇ ભુલ કરે છે. આ જગતમાં કોઇ એવો વ્યકિત, રાજા, સંત મહાપુરુષ નથી કે જેને તેના જીવનકાળ દરમ્યાન કોઇ જ ભુલ ન કરી હોય. દરેક વ્યકિત જીવનમાં જાણે અજાણે ભુલો કરતો રહે છે. સજા સંભળાવનાર જજ હોય કે પછી કાયદાની કલમ દેખાડનાર પોલીસ અધીકારી હોય, આ તમામ લોકોએ પોતાના જીવનમાં અનેક ભુલો કરી હોય છે. વ્યકિતએ જીવનમાં કરેલી ભુલોએ તેની સફળતાની ચાવી છે.
૩૫. મૃત્યુ પછી વેરઝેર-દુશ્મનાવટનો અંત આવે છે
હમણાં આગળ વાત કરી તેમ વ્યકિતનો સાચો સાથી મૃત્યુ છે. જીવનથી મૃત્યુ સુધીના સફરમાં વ્યકિત અનેક સંબંધો બાંધે છે અને અનેક સંબંધો તોડે છે, અનેક પાપો કરે છે અને અનેક પુણ્ય કરે છે, અનેક લોકોને દુખી કરે છે અને અનેક લોકોને સુખી કરે છે. આ તમામ પરીબળો કે પાસાનો વ્યકિતના મૃત્યુ થતા જ અંત આવી જતો હોય છે. લોકો સાથે રાખેલ વેરઝેર કે દુશ્મનાવટનો મૃત્યુ પછી અંત આવી જતો હોય છે તો પછી નાહકનો વ્યકિત કોઇની સાથે દુશ્મનાવટ કે વેરઝેર રાખે છે. આજનો વ્યકિત જો આટલું સમજતો થઇ જાય કે મારો સાચો સાથી મૃત્યુ છે અને મૃત્યુ પછી જીવનનો અંત થવાનો નિશ્વીત જ છે તો તે ક્યારેય દુખી નહીં થાય કે ક્યારેય લોકોને દુખી નહીં કરી શકે.
જીવનની સત્યતા સાથે ચાલનારો વ્યકિત ક્યારેય દુખી થતો નથી. વ્યકિત ક્યારેય સુખી કે દુખી નથી હોતો, વ્યકિત ક્યારેય સારો કે નરસો નથી હોતો, વ્યકિત ક્યારેય અભીમાની કે નિર્માની નથી હોતો, જીવનકાળ દરમ્યાન આવનારા સંજોગો વ્યકિતમાં આ તમામ ગુણો ભરી દેતા હોય છે પરીણામે વ્યકિત સુખી-દુખી, સારા-નરસા, અભીમાની-નિર્માનીના ચક્કરમાં ફસાઇ જાય છે. મારો પોતાનો જ અનુભવ તમારી સાથે શેર કરું તો, તે સમયે હું એક નેશનલ ન્યુઝ એજન્સીમાં અમદાવાદમાં કામ કરી રહયો હતો. ગુજરાતના બ્યુરો તરીકે ઉલય અધર્યુ કામ કરે છે. જેની એક કુનીતીને કારણે હું ખુબ હેરાન થયો કેમ કે હું સાચો હતો. તે સમયે ગુજરાતમાં ચુંટણીનો માહોલ હતો. પગાર ૧૦મી તારીખે થાય. ઉલય મને સતત મારા ખર્ચે અહીથી ત્યાં અને ત્યાંથી અહીં દોડાય દોડાય કરતો હતો. પેટ્રોલનો ધુમાડો અને પૈસાનો ખોટો વ્યય મારી પાસે કરાવતો હતો. તેવામાં પાલડી સ્થિત એક હોટલમાં કોઇ રાજકીય પક્ષની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં મારે જવાનું થયું. પ્રેસ કોન્ફરન્સના અંતે આ પાર્ટીના કાર્યકર્તાઓ સૌ પત્રકારોને અને કેમેરામેનોને પૈસાના કવર આપતા હતા. મને પૈસાની ખુબ જરુર હતી, ઉલય મને પૈસા આપતો ન હતો. મેં થોડું ઘણું વિચારીને એ કવર લેવા ઉભો થઇ ગયો અને તેવામાં કોઇ ચેનલના કેમેરામેન પાછળથી કેમેરામાં વિઝયુઅલ લીધા અને એવી સ્ટોરી બનાવી કે પત્રકારોને પૈસા વેચ્યા. અમે તો ત્યાંથી નીકળી ગયા.
ચુંટણીનો માહોલ બરાબર જામ્યો હતો તેવામાં કામ પણ વધતું જતું હતું. ખુબ ઉત્સાહથી હું તો મારા કામમાં લાગેલો હતો અને પુરી નિષ્ઠાથી મારી જવાબદારીઓ નીભાવી રહયો હતો તેવામાં મને ક્યાં ખબર હતી કે આખી જીંદગી ખોટું બદનામીનું લાંછન મને અહીંથી લાગવાનું છે અને અત્યારે ચુંટણી સમયે મારો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આમને આમ દિવસો વિતી ગયા, ચુંટણી આવીને સવારથી જ મને કામે લગાડી દેવામાં આવ્યો હતો. તેવામાં ઉલયનો ફોન આવ્યો અને મને કહયું કે તું જલ્દી રાણીપ પહોંચ, મેં મારા બાઇકને કીક મારી અને રાણીપ પહોંચ્યો જ્યાં મુખ્યમંત્રી વોટ આપવા આવ્યા હતા, ખુબ ભીડ.તેમ છતાં મને જેમ કહેવામાં આવ્યું તેમ મેં મારી જગ્યા સંભાળી લીધી. વોટ આપ્યા બાદ મુખ્યમંત્રી બહાર નીકળ્યા અને તેમની બાઇટ(ઇન્ટરવ્યુ) લેવાની હોવાની જાણકારી આપી ઉલયે મને તે દિશામાં કામે લાગી જવા કહયું. ભીડ એટલી બધી હતી કે તમામ ન્યુઝ ચેનલના મિત્રોએ બાઇટની આશા છોડી દીધી હતી તેવામાં મેં હિંમત નહોતી હારી અને ભીડ વચ્ચે અનેક માર સહન કરી મુખ્યમંત્રીની ગાડી નજીક પહોંચ્યો અને મેં બાઇટ મેળવવામાં સફળતા મેળવી.
મારી ન્યુઝ એજન્સી એક જ એવી હતી જેની પાસે મુખ્યમંત્રીની બાઇટ હતી અને તે ખુબ જરુરી હતી. દિલ્લીથી આવેલા મારા સહાદ્રયાયીઓએ મારું કામ ખુબ વખાણ્યું અને મને ખુબ અભીનંદન આપ્યા. હું પણ સારા કામ બદલ ખુશ હતો.
ચુંટણી પુરી થઇ અને ઉલયે જાણે કે મને ચુંટણી સુધી જ મજુરી કરવા રખ્યો હોય તેમ મારી ઉપર એક પછી એક આક્ષેપો શરુ કરી દીધા અને આખરે મને તે નોકરીમાંથી કલંક સાથે છુટો કરીને જ એ ઝંપ્યો. એ દિવસે મને ખબર નહોતી કે મારો આજે નોકરીનો છેલ્લો દિવસ છે. હું રોજના જેમ સવારે તૈયાર થઇને સ્ટોરીની મથામણમાં લાગી ગયો. એક રાજકીયપક્ષના મારા અંગત સુત્ર તરફથી મને માહિતી મળી કે એક ઉચ્ચ હોદો ધરાવતા મંત્રી જાહેરમાં ક્રીકેટમેચની ટીકીટો વેચી રહયા છે જેને મેળવવા લોકો પડાપડી કરી રહયા છે. આ સમાચાર મળતાં જ હું સીધો ત્યાં દોડી ગયો અને હતું પણ એવું જ. નજીકમાં જ મેં એક જગ્યા શોધી લીધી અને તમામ વિઝયુઅલ કેમેરામાં કેદ કરી લીધા. આ સ્ટોરી મજબુત હતી, કેમ કે આ સાથે મેં તે જ પક્ષના એક કાર્યકર્તાની બાઇટ પણ મેળવી હતી. તેવામાં મંત્રીના એક માણસે મારી પાસે આવીને મારું નામ અને ચેનલનું નામ પુછયું. મેં જણાવી દીધું.
બસ, અહીંથી કામ પતાવીને જેવો હું ઓફિસ તરફ નીકળ્યો ત્યાં જ ઉલયનો ફોન આવ્યો. મેં જેવો ફોન રીસીવ કર્યો તેની સાથે જ તે ગુસ્સામાં મને બોલવા લાગ્યો કે, તું ત્યાં મંત્રીના ત્યાં કેમ ટીકીટનો વહીવટ કરવા ગયો હતો, વિડીયો લઇને તું એને બ્લેકમેઇલ કરે છે. આવી વાતોથી મને જોરદાર આંચકો લાગ્યો, હું તો ડઘાઇ જ ગયો અને મને લાગ્યું કે હવે મારી કારકીર્દી પુરી કરવાનો ઉલયે આ તખ્તો ગોઠવી જ દીધો. ઉલયે દિલ્લી ખાતેની હેડ ઓફિસમાં એવો ફોન કરી દીધો કે, આ માણસે અહીંના મંત્રીની ખોટી સ્ટોરી બનાવી છે અને તે તેને બ્લેકમેઇલ કરવા ગયો હતો. જો કે મંત્રીનું ગજું જોઇને હું તેને બ્લેકમેઇલ કરું તે વાત સત્યથી તદન વિપરીત હતી. હું ઓફીસે પહોંચ્યો. મને ખુબ આઘાત હતો કે મારી ઉપર કેમ આવો આક્ષેપ લગાવવામાં આવ્યો ? થોડીવાર પછી ઉલય પણ આવ્યો અને તેણે મને કહયું તું કેમ ત્યાં વહીવટ કરવા ગયો હતો.? તે સ્ટોરી આપણે નહોતી કરવાની. મને તો ખુબ આઘાત હતો એટલે મેં સ્વેચ્છાએ નોકરી છોડી દેવાની મારી ઇચ્છા જણાવી દઇને હું મારા ઘર તરફ રવાના થઇ ગયો. બસ મેં આજે નોકરી છોડી દીધી હતી.
આટલું થયું છતાં ખબર નહીં મેં ઉલયનું એવું તો શું બગાડયું હતું કે તેણે મને બદનામ કરવા મીડીયાના દરેક લોકોને ફોન કરીને એવી જાણ કરી કે, હું કોઇ મંત્રી પાસેથી બ્લેકમેઇલ કરતો હતો તેથી મને કાઢી મુકવામાં આવ્યો છે. લોકોના મારી ઉપર ફોન આવવાના શરુ થઇ ગયા. મને ખુબ આઘાત લાગ્યો કે આવા માણસો પણ દુનીયામાં હોય છે. ત્યારબાદ રાતે મારી ઉપર ઉલયનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તને આજથી નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે. જે નોકરી મેં સાત કલાક પહેલા છોડી દીધી હતી. ઉલયની આ ચાલ હું જાણી ગયો હતો. હશે આખરે એ ખુશ થશે તેમ માનીને મેં મન મનાવી લીધું. એ દિવસે રાત્રે હું ખુબ રડયો હતો. કેમ કે જે કંપની માટે મેં ખુબ મહેનત કરી હતી તે જ કંપની મારે બદનામી સાથે છોડવી પડી હતી. કોઇક કર્મનું ફળ ભોગવતો હોઇશ તેમ માનીને હું મારી રોજીંદી જીંદગીમાં મસ્ત બની ગયો. બીજા દિવસે મારા એક મીડીયાના રીપોર્ટરનો ફોન આવ્યો અને મને એમની ઓફીસે બોલાવ્યો. જયાં મને નોકરી માટે પસંદ કરવામાં આવ્યો અને મેં ફરી પાછી મારી નવી કારકીર્દીની ઇનીંગ શરુ કરી. બધા મીડીયાના મીત્રો જાણતા હતા કે હું આવું ન કરી શકું પરંતુ બધા એ વાત પણ જાણતા હતા કે ઉલય સાથે મારું ભવીષ્ય લાંબું નથી અને તેથી જ તમામ લોકો મને અનેક વાર ચેતવતા હતા. આ જીંદગીનો રસ્તો હતો જ્યાં હું નિષ્કલંક હોવા છતાં કલંકીત બની ગયો હતો છતાં મેં હીંમત ક્યારેય નહોતી હારી કેમ કે મારા મિત્રો અને હીતેચ્છુઓ મારી સાથે હતા તેઓ આવી વાત માનવા ક્યારેય તૈયાર ન હતા.
જીવનકાળ દરમ્યાન પ્રથમ જ વાર મેં આટલી મોટી ગદારી અને આફતનો સામનો કર્યો હતો. જો કે જીવનકાળ દરમ્યાન આવા ઘણા ઉલયોનો સામનો કરવો પડશે તેવું હું માનતો થયો. આમ જોતા આ ઘટના મારા જીવનમાટે એક આદર્શરુપ બની ગઇ કે જેમાંથી હું ખુબ નાની ઉમરે શીખ્યો કે માણસો કેવા હોય છે. કરેલા કર્મોનું ફળ સૌને ભોગવવું પડે છે આજે ઉલયે મારી સાથે આવું કર્યુ, આવતીકાલે તેના પુત્ર સાથે કોઇ વ્યકિત આવું કરશે ત્યારે તેને ખબર પડશે કે ખરેખર કલંક શું હોય છે. ભગવાન એવું ક્યારેય ન કરે. એની બુઘ્ધી પ્રમાણે એ ચાલ્યો એમાં એના પુત્રનો કંઇ વાંક ન હતો. કુદરતનો નીયમ જ છે કે જે વ્યકિત જેવું કરશે તેવું તે ભરશે. જો ખરેખર મેં એવા કામો કર્યા હશે તો કર્મનો સિઘ્ધાંત મને નહિં છોડે એ વાત મારે મારા મગજમાં રાખીને જ ચાલવાની છે. હંમેશા સત્યનો વિજય થાય છે અને અસત્યની હાર થાય છે એવું ઘણી વાર સાંભળ્યું હશે. પરંતુ આજે માણસોની કુનીતીને કારણે ક્યારેક જ સત્યનો વિજય થાય છે બાકી તો હંમેશા અસત્યનો જ વિજય થાય છે.
સત્ય-અસત્ય નક્કિ આપણી દુનીયામાં થાય છે જયાં ક્યારેક નિર્દોષ ગુનેગાર તો ગુનેગાર નિદોર્ષ સાબિત થઇ જાય છે. પરંતુ કર્મની દુનીયામાં ક્યારેય કોઇ નિર્દોષ ગુનેગાર સાબિત નથી થતો કે ક્યારેય કોઇ ગુનેગાર નિર્દોષ સાબિત નથી થતો. અહીં તમામને સરખો ન્યાય આપવામાં આવે છે. દરેક વ્યકિતના જીવનમાં સુખદુખ તો ચાલ્યા જ કરે છે. ક્યારેક અણધાર્યુ સુખ કે ક્યારેક અણધાર્યુ દુખ આવી જતું હોય છે. સમય વ્યકિતને ક્યારે કેવા સંજોગોમાં ઉભો કરી દેતો હોય છે તેની કાંઇ ખબર જ નથી પડતી હોતી અને જ્યારે ખબર પડે છે ત્યારે તેને માણ્યા સિવાય કોઇ વિકલ્પ નથી હોતો. દુનીયાનો કોઇ જીવ એવો નથી જેને એના જીવન સાથે પ્રેમ નથી હોતો. દરેક સજીવને તેના જીવન સાથે પ્રેમ હોય છે અને એટલે જ તે હંમેશા તેના ઉપર થતા હુમલા કે મોતથી ડરતો હોય છે. મોત બધા માંગે છે. દુખ આવે એટલે તમામ લોકો એમ બોલતા હોય છે કે આના કરતા તો મોત આવે તો સારું, કોઇ સબંધમાં નાસીપાસ થયેલો વ્યકિત પણ એમ જ વિચારે કે બસ હવે મોત આવે તો સારું પણ કોઇ મોત આવ્યા બાદ કોઇ મરવા તૈયાર નથી હોતું. નદિમાં પડીને આપઘાત કરનાર, ગળે ફાંસો ખાઇને આપઘાત કરનાર, પોતાની જાતે સળગી જઇને આપઘાત કરનાર દરેક વ્યકિત આવું પગલું ભરતા ભરી લેતા હોય છે પરંતુ પછી જીવન જીવવા માટે અનેક તરફડીયા મારતા હોય છે પણ ત્યારે સમય હાથમાંથી સરકી ગયો હોય છે. પ્રેમમાં કે દુખમાં આત્મહત્યા કરનારા એટલું તો વિચારો કે આત્મહત્યા કરવાથી શું મળશે? કેમ આત્મહત્યા કરવી છે? આત્મહત્યા કરવાથી શું તે પ્રેમ કે દુખનો નાશ થઇ જશે? ના ! એવું ક્યારેય બનતું નથી. આત્મહત્યા કરતા પહેલા તમે જેને ખુબ પ્રેમ કરો છો એના કરતા તમને જે ખુબ પ્રેમ કરે છે તેના વિષે વિચારો. આ પ્રેમ માતાનો, બહેનનો, દિકરીનો, પત્નિનો પણ હોઇ શકે. આપઘાત કરવાનો વિચાર સહેલો છે પરંતુ આ પગલું ભર્યા પછી આપણાં પોતાનાઓને જે દુખ પહોંચે છે તે ખુબ અસહય હોય છે. જીવનમાં ક્યારેય આપઘાત કરવાનો વિચાર ન કરવો. દુખ તો પશુ-પક્ષીઓને પણ પડે છે. પરંતુ ક્યારેય તેઓ તેમના જીવનથી હારી નથી જતા. ક્યારેય પશુ-પક્ષીઓ આત્મહત્યા નથી કરતા કેમ કે તેઓ તેમના જીવનનું મુલ્ય સમજે છે. તેમના જીવનમાં બંગલો નથી, વૈભવ નથી, પૈસો નથી, ગાડીઓ નથી તેમ છતાં સુખી સુખી જીવે છે. જ્યારે માણસ પાસે સુખી જીવન જીવવા જેટલા સંબંધો અને વસ્તુઓની જરુરીયાત હોય તે તમામ વસ્તુઓ છે તેમ છતાં તે દુખી જ છે. આજે માણસ જીવનનું મુલ્ય સમજવામાં ગોથા ખાઇ રહયો છે પરીણામે નાના-નાના દુખમાં કે વિયોગમાં તે હિંમત હારી જતો હોય છે. આત્મહત્યા કરતા પહેલા દરેક વ્યકિતએ જીવનમાં એક વાત યાદ રાખી લેવી જોઇએ કે, જો તેનું જીવન હશે તો તેની નિર્દોષતા, સંબંધો ફરી પાછા તાજા થશે, દુખ ફરી સુખમાં ફેરવાશે. પરંતુ જો જીવન જ નહિં હોય તો આમાંથી કશું જ થઇ શકશે નહિં. જીવનમાં હંમેશા દુખને સુખ-શાંતીમાં પરીવર્તીત કરો. મારો ખાસ મિત્ર વિનય પારેખ. એને અમે વિનય વનેચંદના હુલામણા નામથી જ બોલાવીએ. વિનય હંમેશા મોજમાં અને હસતો જ રહે. વિનયને મેં ક્યારેય દુખમાં રડતો જોયો નથી. હા! કયારેક જરુર પડયે એકાદ બે વાર રડવાનો ઢોંગ કરી લીધો હશે બાકી દુખમાં એ હંમેશા હસતો જ જોવા મળે. એને મન સુખ અને દુખ બંન્ને સરખા. જીવન એવું જીવો કે સુખમાં છકી જવાના વિચારો ન આવે અને દુખમાં રડવાના વિચારો ન આવે.
જ્યારે આપણે સુખને માણીએ છીએ ત્યારે તેની કોઇ ફરીયાદ નથી કરતા તો પછી દુખને કેમ નથી માણી શકતા તેની સામે કેમ ફરીયાદો હોય છે. જીવનમાં ક્યારેય કોઇ સમય સ્થિર નથી રહેતો તેમ સુખદુખ પણ સ્થિર નથી રહેતું વ્યકિતએ આ સત્ય તેના જીવનમાં ઉતારી લેવું જોઇએ. ખુબ પૈસો કે સુખ પણ દુખ આપે છે અને ગરીબની ઝુંપડી પણ સુખ આપે છે. આ બંન્ને વચ્ચે ફક્ત સંતોષનો જ ફરક છે. બંગલાવાળાને જે છે તેનો સંતોષ નથી એટલે તે દુખી છે અને ગરીબને જે છે એનો ખુબ સંતોષ છે એટલે તે સુખી છે. જીવનમાં સુખ હંમેશા તેની સાથે દુખ લઇને જ આવે છે. સુખનો સાથે દુખ છે અને દુખનો સાથે સુખ છે. ગરીબ અને અમીરના પ્રેમ અને સંબંધનું મહત્વ સમજાવતો એક સુંદર પ્રસંગ ડો.શરદ ઠાકરે તેમની ડાયરીમાં લખ્યો છે. જે કંઇક આવો છે, બિલ્ડર આલોક શાહે ઓફિસમાં આવી ને પહેલું કામ એરકંન્ડીશનર ચાલુ કરવાનું કર્યુ. પછી એણે બેલ માર્યો, પરંતુ પટાવાળો ન આવ્યો એટલે જાતે ઉભા થઇને બારણું ઉઘાડયું, બહાર આવેને મોટેથી બુમ મારી, લખુડા... આ... આ...! લખુડો...! કોણ જાણે ક્યાં મરી ગયો..? લખુડો તો ન આવ્યો, પણ ફ્લેટસની કન્સ્ટ્રકશન સાઇડ ઉપર કામ કરી રહેલા મજુરોમાંથી એક આદિવાસી યુવાન દોડી આવ્યો. એનું નામ અમન ઠાકોર. અલ્યા, અમનીયા! આ લખુડો કેમ દેખાતો નથી? બીડી લેવા જ્યો સ. અબ્બી હાલ આવતો જ હસ્સે સાહેબ, કામ બતાવો ને ! હું કરી આલે! અમનની તત્પરતા જોઇને આલોકે હા પાડી દીધી. પાર્ક કરેલી હોન્ડા સીટીકારની દિશામાં તાકીને રીમોટ કીની ચાંપ દબાવી, સંગીતમય અવાજ સાથે ગાડીનું લોક ખુલી ગયું. આલોકે સુચના આપી, અમન, પાછળની સીટ ઉપરથી એક થેલી પડેલી છે એ બહાર કાઢી લે અને સામે આપણો બંગલો દેખાય છે ત્યાં જઇને તારી શેઠાણીને આપી આવ. અમને સુચનાનું પાલન કર્યુ, પછી બંગલા તરફ પગ ઉપાડતા પહેલા પુછી લીધું, મારા બુનને કંઇ કેવાનું સે? હા, એને કહેજે કે સાહેબને આવતા મોડું થશે. લંચ માટે મારી રાહ ન જુએ. અમન તો પણ ઉભો રહયો, ને સાહેબ આ થેલીમાં સું હે? બુન પુસે તો મારે સુ કેવાનું? આલોક બોલ્યો, તારી શેઠાણીને એટલું કહેજે કે આ થેલીની અંદર એક ગિફટ પેકેટ છે. ગિફ..? અમનની જીભ અટકી પડી. રહેવા દે ! હું તને સાદી ભાષામાં સમજાવું ગિફ્ટ એટલે ભેટ અને પેકેટ એટલે પેકેટ..યાર! તું સમજતો કેમ નથી? ટુંકમાં આ થેલીની અંદર તારી શેઠાણી એટલે કે સોનલ સુંદરી માટે સુંદર ભેટ સમાયેલી છે. વેલેન્ટાઇન ડેની ભેટ. વે...વેલે...વેલેન્ટન ડે ? અમનની જીભ ફરી પાછી ડચકાં ખાવા માંડી, આલોકને એક ક્ષણ માટે તો થઇ આવ્યું કે એ અમનને કહી દે કે, રહેવા દે ! આ બધું તારા કામનું નથી. ચુપચાપ તને કીધું એટલું કામ કરી નાખ, પણ બીજી પળે એને વિચાર આવ્યો કે બાપડો અમનીયો અભણ, ગરીબ, ગામડીયો છે એટલે શું થઇ ગયું ? આજના શુભ દિવસે આખું વિશ્વ રોમાન્સના હિલ્લોળે ચડીને સેલ્લારા મારી રહયું છે ત્યારે આને પણ એ વિશે થોડી ઘણી સમજ આપવી જ જોઇએ.
જો, ભાઇ ! આજે વેલેન્ટાઇન ડે છે. એટલે કે બહારના દેશો માટેનો એક મોટો તહેવાર. આપણી દિવાળી જેવો. પણ આ પ્રેમનો તહેવાર છે. છોકરાઓ અને છોકરીઓ, ભાયડાઓ અને બાયડીઓ એકબીજાને પ્રેમનાં કાર્ડઝ આપે, હાથમાં હાથ પરોવીને ઘુમે, મસ્તી કરે, એકમેકને ભેટસોગાદો આપે, આવું બધું ! અમન વિચારમાં પડી ગયો, સેઠ ! આદમી એની ઘરવાળીને ભેટ આપે ઇનો અરથ ઇ થાય કે બેયની વચ્ચે બૌવ પ્રેમ સે ? હાસ્તો ! જેમ ભેટ વધારે કિંમતી એટલો પ્રેમ પણ વધુ ગણાય. આલોકે પોતાની સમજણ મુજબનો જવાબ આપી દિધો. અમન માટે આટલું જ્ઞાન પુરતું હતું. એ હાથમાં થેલી પકડીને શેઠના બંગલા તરફ ચાલી નીકળ્યો. એના દિમાગમાં સમય કરતાં વધુ ગતીથી ઉડતા વિમાનના એન્જીન જેવો ધમધમાટ ચાલુ થઇ ગયો હતો. એ પોતાની જાતને પુછી રહયો હતો, આ પૈસાદાર લોક કેવા ભાગ્યશાળી સે! આવા તહેવારના દિને પોતાની બાયડી હાટુ કેવું-કેવું લાવી સકે સે? મારા જેવો ગરીબ મજુર સુ આલે ? નહીંતર મારી બૈરી રેશમડી કંઇ મને ઓસી વાલી ન મળે ! પણ અમે તો બેય ધણી-ધણીયાણી દી આખો પાણા તોડીયે ને માટી ઉલેચીયે. રાત પડે સો-સો ની બે નોટ પાડીયે. એમાંથી બે ટંકના રોટલા-સાક કાઢીયે . એમાં પાસો અમારો ઝીણકો ! આમાં હું રેશમડીની હાટુ સું લઇ સકું ? ક્યારે બંગલો આવી ગયો ને ક્યારે કામ પુરુ થઇ ગયું એની પણ અમનને સુધ ન રહી. એ અફસોસના તરાપા ઉપર બેસીને વિચારોના ઝોકા ઉપર તરતો-તરતો પાછો રસ્તા પર ફેંકાઇ ગયો. એની સામે આવેલા એક જાણીતા ડિપાર્ટમેન્ટલ સ્ટોર ઉપર પડી. અવશપણે એના પગ એને સ્ટોરની અંદર ખેંચી ગયા. અંદર તો ગ્રાહકોનો જાણે મેળો જામ્યો હતો! ગમે ઇ થાય, મારી રેશમડી હાટુ મારે કાંઇક તો લેવું જ સે, આવું બબડીને અમને એની ગોઠણ લગીની ધોતીની આંટમાં ભરાવેલા રુપીયા બહાર કાઢયા. ગણ્યા તો બસ્સો રુપીયા થયા. એને ખબર ન પડી કે આટલા રુપીયામાં શું ખરીદી શકાય. એ..બુન ! એણે એક સેલ્સગર્લને જોઇને કાકલુદી કરી, મારી પાંહે બસેં રુપીયા સે. મારી બાયડી હાટુ મારે કાંઇક લઇ જવું સે. તમે જ બતાવોને સું મલે ? ગ્રેજ્યુએટ થયેલી સેલ્સગર્લમાં એટલી કોઠાસુઝ ક્યાંથી હોય કે એ ગ્રાહકનું સામાજીક સ્તર પારખીને એને યોગ્ય વસ્તુ અપાવી શકે? એણે એક દુપટો કાઢીને કાઉન્ટર ઉપર પાથરી દીધો. પછી માર્કેટીંગ કરવાના પોપટીયા વાક્યો રટવાનાં ચાલુ કરી દીધાં, આ એક જ પીસ વઘ્યો છે. લેવો હોય તો જલ્દી કરો.. અમનને બીક લાગી કે જો સહેજ મોડું કરશે તો આ છેલ્લું નંગ પણ વેચાઇ જશે. એણે બસ્સો રુપીયા ચુકવી દીધા અને દુપટો મુકેલી થેલી હાથમાં પકડીને ઝડપથી સ્ટોરની બહાર નીકળી ગયો. સાંજ પડી. ધાબુ ભરવાના કામમાંથી અમન પરવાર્યો અને તગારા ઉચકવાની મજુરીમાંથી રેશમ પરવારી. બેય જણાં ભેગા થયાં. અમને સંતાડી રાખેલી થેલી બહાર કાઢી. અંદરથી દુપટો કાઢીને રેશમની ડોકમાં નાખી દીધો. અરે પણ..! આ સું લેઇ આવ્યો?! રેશમ ચોંકી ઉઠી. વેલંટીન ગિફફ!! એટલે ? તું અભણ સે. તને નંઇ હમજાય. આજે ગોરા લોકોનો તહેવાર સે. એમાં આવું બધું આાપવાનો રીવાજ સે.
અમનીયા ! અમનીયા ! તને સું કઉં? સાવ ભોળીયો સે તું. રેશમે હસીને દુપટા ઉપર હાથ ફેરવ્યો, આ લાવતા પહેલા એટલો તો વિચાર કરવો તો કે કુતરીની કોટે મોતીની માળા ન શોભે. આ મારી ડોક જો. મારા હાથ-પગ જો. મારો ઘાઘરોને ઓઢણી જો. બધુયે સિમેન્ટ ને રેતીથી મેલુંદાટ થઇ ગયું સે. આવાં કપડાં ઉપર આવો દુપટો કેમનો પેરાય ? અમનનો ચહેરો વિલાઇ ગયો. એને લાગ્યું કે એના રુપીયા પડી ગયા. કાળી મહેનતના પૈસા કારણ વગરની ચીજમાં વેડફાઇ ગયા. એ સુનમુન થઇને ખુલ્લામાં પડેલા એક પથ્થર ઉપર બેસી ગયો. રેશમ સાંજની રસોઇ રાંધવાની તૈયારી કરવા માંડી. એણે ખીચડીનું આંધણ મુક્યું. બાજુમાં ઝાડની ડાળી ઉપર બાંધેલા ઘોડીયામાં એનો રાજકુંવર સુતો હતો એને જરાક હિંચોળ્યા પછી ઢીલા પડી ગયેલા પતિને ખિલવવા માટે એ અમનની દિશામાં ફરી, ત્યાં જ એના મોંમાથી એક મસમોટી ચીસ નીકળી પડી, અમન...! સમાલ જે...! અમને ઉંચે જોયું તો એ પણ ડરી ગયો. જે ઇમારતનું બાંધકામ ચાલતું હતું એના ચોથા માળ પરથી એક મજુરના હાથમાંથી ઓજારો ભરેલું તગારું છટકી ગયું હતું અને ઉલ્કાની ઝડપે ધરતીની દિશામાં આવી રહયું હતું. તગારામાંના ઓજારો જેવા કે પાવડો, હથોડો, ત્રિકમ, લેલું અને છીણી બરાબર નીચે બેઠેલા અમનને નિશાન બનાવીને ધસી રહયાં હતાં. ક્યાં જવું એ મુંઝવણ થઇ પડી. અમને કુદકો તો માર્યો, પણ સાવ સલામત રીતે એ છટકી ન શક્યો. ત્રિકમની ધાર એના પગને વીંધી ગઇ. વોય માડી રે..! ની ચીસ પાડીને અમન માટીમાં આળોટી રહયો. રેશમ એની પાસે દોડી આવી. અમનના જમણા પગના પંજામાંથી લોહીની નીક વહી રહી હતી. રેશમડી ઝટપટ પોતાનો સાડલો ફાડવા ગઇ, પણ એને લાગ્યું કે એનો સાડલો તો ગંદો છે. ક્યાંકથી જો ચોખ્ખું કપડું મળી જાય તો કેવું સારું ? એની નજર ઝુંપડીની બાજુમાં પડેલી પ્લાસ્ટિકની થેલી ઉપર પડી. એણે દોડીને થેલીમાંથી રેશમી દુપટો બહાર કાઢયો, બે હાથે પકડીને જરા જોરથી ખેંચ્યો, દુપટો વચ્ચેથી ચિરાઇને પાટો બની ગયો. રેશમે પતિના પગ ઉપરના ઘાવ ઉપર એ પાટો કચકચાવીને બાંધી દીધો. અમન એકસાથે બબ્બે રેશમને જોઇ રહયો હતો. એક રેશમ એની પત્ની હતી, બીજું રેશમ એના પગ ઉપરના પાટામાં હતું. એણે આપવા ખાતર ઠપકો આપ્યો, ગાંડી ! બસો રુપીયાનો દુપટો આમ ફાડી નંખાતો હશે ? રેશમની આંખોમાં આંસુ હતા. અમનીયા, આ દુપટો મારે વળી બીજા કયા કામમાં આવવાનો હતો ? તું મારા માટે લાવ્યો હતો, મેં તારા માટે વાપરી નાંખ્યો. આને જ પેલું વેલંટીન ગિફ્ફ તો નંઇ કેવાતું હોય ! અને એ ગરીબ પતિ-પત્નિ ખુલ્લા આભ હેઠળ મિલિયન ડોલર જેટલું મોંઘુ સાંનિઘ્ય માણી રહયા.
બરાબર એ જ સમયે સામેના બંગલામાં બિલ્ડર આલોકની પત્નિ સોનલ પતિ સાથે ઉગ્ર ઝઘડો કરી રહી હતી. બસ ? આજના દિવસે પણ આઠ હજારનો જ ડ્રેસ અપાવ્યો ? આટલી સસ્તી ગિફટ ? તમને મારા પ્રત્યે સાચો પ્રેમ હોય તો ડાયમંડની જવેલરી લઇ આવવાનું ન સુઝે ? હે ભગવાન, આ જંગલી પુરુષે તો મારો વેલેન્ટાઇન ડે બગાડી નાંખ્યો !.. આ વાતથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે ગરીબ સુખી અને અમીર દુખી કેમ છે ? ગરીબ-અમીર વચ્ચે એટલો જ ફરક છે કે, આજે અમીર પાસે ઘણું બધું હોવા છતાં હંમેશા તેને કંઇક ખુટતું હોવાનો અહેસાસ છે જેથી તે દુખી છે અને ગરીબ પાસે કશું જ ન હોવા છતાં તેને કાંઇ ખુટતું હોવાનો અહેસાસ નથી એટલે તે સુખી છે. હંમેશા આપણી પાસે જે છે તેનો સંતોષ માનો પરંતુ ક્યારેય જે નથી તેનો અસંતોષ વ્યક્ત ન કરો. આજે વ્યકિતને સહેલાઇથી બધું મેળવી લેવું છે તેથી તે દુખી દુખી બનીને ફરી રહયો છે. આજનો વ્યકિત સુવિધાઓથી ભરપુર બન્યો છે તેમ છતાં તે રોગી અને દુખી છે. પહેલાના જમાનામાં લોકો નદિ, તળાવ કે કુવાનું પાણી પીતા હતા તેમ છતાં તેમનું આયુષ્ય લાંબુ હતું અને કોઇ રોગ પણ ન હતો. આજે લોકો મીનરલ વોટર અને આરઓ પ્યોરીફાયરનું પાણી પીતા થયા છે છતાં પાણી જન્ય રોગ ફેલાઇ રહયા છે. આજે લોકો જરુરીયાત અને સુવિધાઓ ઉપર જીવન જીવી રહયા છે. એક મહાત્માએ કહયું હતું કે, માણસની જેટલી જરુરીયાત વધશે તેટલો તે દુખી થશે. ગમે તેવી ગરમી હોય ઝુંપડીમાં રહેનારા ગરીબને તેની ઝુંપડીમાં ઉંઘવાથી જેટલો સંતોષ મળે છે તેટલો જ સંતોષ અમીરને એની એસીરુમમાં ઉંઘવાથી મળે છે. આજે અમીર કે ગરીબ હોવું એ કોઇ પાપ કે ગુનો નથી. પણ માણસ હોવા છતાં માનવતા ભુલી જવી એ સૌથી મોટું પાપ અને ગુનો છે. જીવનમાં હંમેશા દરેકે કોઇક ને કોઇક મુદે એકબીજાને આધારીત તો રહેવું જ પડતું હોય છે, તો પછી કેમ આજે વ્યકિત સંબંધોનો વિનાશ વાળીને પશ્વિમી સંસ્કૃતીમાં રંગાઇને દુખી થતો જઇ રહયો છે. પ્રેમની અભીવ્યકિત માટે વેલેન્ટાઇન ડે, મિત્રતાની અભીવ્યકિત માટે ફ્રેન્ડશીપ ડે. પશ્વિમી સંસ્કૃતીમાં લોકોને પ્રેમનો એકરાર કરવા ફકત એક જ દિવસ મળતો હોય છે તેથી તેઓ આવા દિવસોની ઉજવણી કરતા હોય છે જ્યારે આપણા માટે તો દરરોજ સવાર એક નવા વેલેન્ટાઇન અને ફ્રેન્ડશીપ દિવસ લઇને આવે છે. આ પશ્વિમી સંસ્કૃતીમાં ઘેલા બનેલા લોકો ગુજરાતી સંસ્કૃતીનો કચ્ચરઘાણ વાળી રહયા છે. જાણે અજાણે તેમને આ ભુલો જીવનકાળમાં દુખ રૂપ સાબિત થાય છે. પહેલા ગુજરાતી સંસ્કૃતીમાં માન-મર્યાદા જળવાતી હતી જ્યારે આજે માન-મર્યાદા શું એનું નવી પેઢીને જ્ઞાન જ નથી. માં-બાપ પણ સંતાનોના કરતુતોથી મનમાં હરખાય છે. આજે દિકરીના લગ્ન માટે દારુડીયો પતિ ફેશનેબલ ગણવામાં આવે છે. પહેલાના જમાનામાં બાપ દિકરી માટે ક્યારેય વ્યસન યુક્ત યુવકને પસંદ ન હતા કરતા, કેમ કે, એમને એવી બીક હતી કે નશામાં ભાન ભુલેલો યુવક ઘરે આવીને તેની પત્નિને માર મારશે અને દુખ આપશે જ્યારે આજે લોકો પૈસાવાળું અને ગાડીઓવાળું ઘર તથા યુવક મોજશોખથી ભરપુર હોય તેવું ઘર પોતાની દિકરીને સંસાર માંડવા માટે શોધી રહયા છે. જેને પરીણામે આજે સાસરીએ દિકરી સુખી નથી. જીવન જીવવા જેટલું પૈસાનું મહત્વ છે તેટલું જ સંસ્કારો અને સંસ્કૃતીનું પણ મહત્વ છે. જીવનમાં સંસ્કાર ન હોય અને એકલો પૈસો જ હોય તો તે માત્ર દુખ જ આપે છે. વ્યકિત સત્તા અને પૈસાના મોહમાં ક્યારેક એવા અમુલ્ય સંબંધોને ગુમાવી બેસતો હોય છે કે તેનું મુલ્ય તેને ગુમાવ્યા પછી માલુમ પડતું હોય છે. સમય જ્યારે તમારા હાથમાં હોય છે ત્યારે તેનો તને ઉપયોગ નથી કરી શકતા અને જ્યારે તમે તે સમયના ઉપયોગ માટે જાગૃત બનો છો ત્યારે ખુબ મોડુ થઇ ગયું હોય છે. સમય ગયા પછી જાગવાનો કોઇ જ મતલબ નથી તેમ ખરાબ કામ કરીને જીંદગીને જીવવાનો કોઇ જ મતલબ હોતો નથી. સંબંધોમાં જ્યારે કોઇ પણ વ્યકિત માફી માંગે ત્યારે તેનો અર્થ એવો નથી થતો કે, તે વ્યકિત ખોટો છે અને તમે સાચા છો પરંતુ તેનો અર્થ એવો થતો હોય છે કે, તે વ્યકિત તેના અહમ કરતા તમારા સંબંધની કિંમત વધુ સમજે છે અને તેથી તે વારંવાર તમારી પાસે માફીની અપેક્ષા રાખી બધુ ભુલીને સંબંધને ફરી પાછો મજબુત બનાવવા માંગે છે. હંમેશા જીવનમાં આવતી અમુલ્ય ક્ષણને એક ઉત્સવની જેમ ઉજવો અને માણો તો ક્યારેય તમે સુખ દુખમાં જુદો જુદો અનુભવ નહીં કરો. કોઇ પણ સંબંધમાં જ્યારે સમજુતીનો અભાવ કે પછી અવિશ્વાસની દરખાસ્તો આવે છે ત્યારે તેનું પતન શરૂ થાય છે. સુખ અને દુખ રૂપી રસ્તાનું નામ જ જીવન.
આપણે ગઇકાલ અને આવતીકાલના ચક્કરમાં હંમેશા આપણી આજ ભુલી જઇએ છીએ. જેના પરીણામે આપણે આપણી આજને ભોગવી કે માણી શકતા નથી. હંમેશા ગઇકાલની ભુલતા શીખો અને આજને માણતા શીખશો તો ક્યારેય દુખી નહીં થવાય. જીવનમાં જે ચાલે છે, જે થઇ ગયું છે કે જે થવાનું છે એ તમામને સ્વીકારવાનું શીખતો માનવી હંમેશા સુખ દુખમાં એક સરખો અનુભવ કરે છે. આવા વ્યકિતઓ કયારે સુખમાં છકી નથી જતા કે દુખમાં રડી નથી પડતા. દરેક વ્યકિતના જીવનમાં સુખ અને દુખ આવ્યા જ કરે છે પરંતુ તેમાં હારવા કરતા જીતનો અહેસાસ કરનારા લોકો હંમેશા આગળ રહે છે. અંતે બસ એટલું જ કહેવાનું કે, જીવનને ક્યારેય કોઇ સમજી શકતું નથી કે સમજી શકશે પણ નહી પરંતુ તમામ ઘટનાઓ અને સુખદુખને આવકારી તેનો સ્વીકાર કરી સત્યતા સ્વીકારવાની તાકાત રાખો કેમકે જીવનના દરેક રસ્તા દગાબાજ નથી હોતા અને જીવનના દરેક રસ્તા સુખ-સુવિધાથી ભરપુર નથી હોતા.