ઓપરેશન અભિમન્યુ:
લેખકના બે શબ્દો...
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.
પ્રકરણ ૮ તર્ક-વિતર્ક
એક નવી સાંજે ફરીથી નિહારિકા અને એસપી સુભાષ કોહલી તેના બગીચામાં બેઠા હતાં. ઠંડો પવન આવી રહ્યો હતો. ગરમી મેળવવા નિહારિકા અને એસપી કોહલી ચાયની ચુસ્કીઓ લઇ રહ્યા હતા. પોતાનો ચાયનો કપ પૂરો કરીને નિહારીકાએ બેગમાંથી ડાયરી અને પેન કાઢ્યા. એસપી સાહેબે પણ ચાયનો કપ પૂરો કરીને ટેબલ પર મુક્યો અને વાત આગળ ચલાવી.
મુસીબતોનો જાણે કોઈ અંત જ ના આવવાનો હોય એમ એક પછી એક સમસ્યાઓ ઉભી થઇ રહી હતી. એક સવાલનો જવાબ મેળવવા ગયા ત્યાં બીજા ચાર સવાલોનો જવાબ મેળવવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવાને બદલે અમારી તપાસ ભટકવા લાગી હતી. કમ્પ્યુટર સ્ક્રીન પર બ્લેક સફારી કાર નંબર DL ૧૨ XX OOOOનું રજીસ્ટ્રેશન કરાવતા રણજીતને જોઇને બીજા ઘણા સવાલો ઉભા થયા. જ્યાં સુધી હું રણજીતને ઓળખતો હતો ત્યાં સુધી એ એક સામાન્ય માણસ હતો કે જે આવા જધન્ય અપરાધને અંજામ આપી શકે એવો નહતો. પરંતુ હું કદાચ ખોટો પણ હોઈ શકું કારણ કે મારા આ મિત્રને મેં સાત વર્ષ પહેલા હમેશા માટે ગુમાવી દીધેલો. સાત વર્ષમાં એના સાથે શું બન્યું એનો મને કશો ખ્યાલ નહતો. પલ્લવી એ કહેલી વાતોને સાચી માનીએ તો પોતાના પિતા સાથે જે કઈ થયું એ પછી રણજીત ઊંડા આઘાતમાં હતો અને એના જ ફળસ્વરૂપે બે વર્ષ પહેલા એણે પોતાનું ઘર છોડી દીધું. આ બે વર્ષ દરમ્યાન રણજીત ક્યાં રહ્યો અને શું કર્યું એ જ એક મોટું રહસ્ય હતું જેનો ઉત્તર ફક્ત રણજીત જ આપી શકે એમ હતો.
એક નવી સવારે પોલિસ હેડક્વાટરની લોબીમાં હું અને રાઘવ આ બાબતે ચર્ચા કરી રહ્યા હતા.
“સર, રણજીત મારો અને પલ્લવીનો ખાસ મિત્ર હતો. તેણે પલ્લવી સાથે લગ્ન કર્યા એ બાદ હું બંનેમાંથી કોઈને મળ્યો નથી. ઈનફેક્ટ રણજીતને કાલે RTOની કમ્પ્યુટર સ્ક્રીન પર સાત વર્ષે પહેલીવાર જોયો. પલ્લવી સાથે મુલાકાત પણ આ કેસની શરૂઆત સાથે જ સાત વર્ષના લાંબા અંતરાલ બાદ થઇ.” મેં કહ્યું.
“સુભાષ મને આ વ્યક્તિ રણજીત વિષે દરેકે દરેક માહિતી જોઈએ. એની સારી અને ખરાબ આદતો. એની બોલવા, ચાલવા, ખાવા, પીવાની બધી બાબતો વિષે શક્ય હોય એટલી માહિતી આપવા યથાયોગ્ય પ્રયાસો તારે કરવા પડશે. કદાચ ક્યાંક કોઈ કડી જોડાશે તો જ એના સુધી આપણે પહોંચી શકીશું.” રાઘવે મારા ખભે હાથ મુકતા કહ્યું. મેં ફક્ત હકારમાં માથું ધુણાવીને જવાબ આપ્યો.
“ગૂડ મોર્નિંગ સર.” અમારી વાત ચાલતી હતી ત્યાં એક કોન્સ્ટેબલ આવીને ઉભો રહ્યો. હું તેને ઓળખતો હતો. તે રાઘવનો સૌથી વિશ્વાસુ અને ખાસ કોન્સ્ટેબલ હતો તથા ગુપ્તચર પણ હતો. અમને બંનેને સલામ આપતા તેણે કહ્યું.
“ગૂડ મોર્નિંગ સોઢી, બોલ શું ખબર છે.?” રાઘવે તેની તરફ ફરતા કહ્યું.
“સર, પેલી પલ્લવી કેલકરને ફરી રિમાન્ડ હોમમાં બોલાવી છે.” સોઢીએ કહ્યું. પલ્લવીનું નામ સાંભળતા જ મને અને રાઘવ બંનેને આંચકો લાગ્યો.
“પલ્લવી કેલકરને ફરી કેમ રિમાન્ડ હોમમાં બોલાવ્યા.? એને તો ગઈકાલે કલીનચીટ અપાઈ ગઈ છે.” રાઘવે કહ્યું અને તેણે રિમાન્ડ હોમ તરફ ડગ માંડ્યા. અમે પણ તેની પાછળ જવા લાગ્યા.
“સર ઈટ વોસ અન ઓર્ડર ફ્રોમ સુબ્રમણ્યમ સર એન્ડ અશ્વિની મેડમ. અશ્વિની મેડમ એને થર્ડ ડિગ્રી ટ્રીટ કરી રહ્યા છે એન્ડ મિસ કેલકર ઇસ બ્રુટલી હેરેસ્ડ.!” ચાલતા ચાલતા સોઢી રાઘવને માહિતી આપી રહ્યો હતો. તેના શબ્દો જાણે અમારા પગમાં પ્રાણ ફૂંકતા હોય એમ અમે મોટા ડગલા માંડવા લાગ્યા અને અમારી ચાલવાની ઝડપ બમણી ગતિએ વધવા લાગી.
“મદ્રાસી.... આઈ વિલ નેવર ફોરગેટ ધીસ કાઈન્ડ ઓફ ઇન્ટરફેયરંસ ઇન માય કેસ.!” રાઘવ ગુસ્સામાં લાલચોળ થઇ જતા બોલ્યો.
“જ્યાં સુધી તું તારા હસબંડ વિષે નહિ જણાવ ત્યાં સુધી તને અહીંથી જવા નહિ મળે.” રિમાન્ડ હોમમાં પહોંચ્યા બાદ એક લાત મારીને રાઘવે રિમાન્ડ હોમનો મુખ્ય દરવાજો ખોલ્યો. અમારી નજર સામે ટેબલ પર માથું ઢાળીને પલ્લવી બેઠેલી હતી. એસપી અશ્વિની કૌશિક તેના વાળ ખેંચતા બોલી રહી હતી. દરવાજો ખુલવાની સાથે અંધારા ઓરડામાં પ્રકાશ ફેલાયો એટલે પલ્લવીએ માથું ઊંચકીને અમારી સામે જોયું. આંસુઓથી ખરડાયેલા તેના ચહેરા પર ખાસ્સા એવા લાલ ચાઠા પડી ગયા હતા. કદાચ એસપી અશ્વિની કૌશિક તેને ઘણીવારથી આમ થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપી રહી હોઈ શકે એવું મેં અનુમાન લગાવ્યું. ગમે એમ તો પણ પલ્લવી મારી એક સમયની ખાસ મિત્ર હતી. અત્યારે જેટલી દયા મને પલ્લવી પર આવતી હતી એના કરતા ઘણોબધો વધારે ગુસ્સો એસપી કૌશિક પર આવતો હતો.
દરવાજો ખુલતાની સાથે જ રાઘવને જોઈ એસપી અશ્વિની ભડકી ગઈ. રિમાન્ડ હોમમાં તેના સિવાય બીજી બે અન્ય મહિલા કોન્સ્ટેબલ્સ પણ હાજર હતી.
“આ શું ચાલી રહ્યું છે એસપી કૌશિક.?” રાઘવે ત્રાડ પાડતા કહ્યું. તેના અવાજથી પલ્લવી અને પેલી બે મહિલા કોન્સ્ટેબલ્સ ધ્રુજી ઉઠી.
“ડોન્ટ ઇન્ટરફેર ઇન ધીસ કેસ એસપી શર્મા.! ઈટ વોસ અન ઓર્ડર ફ્રોમ ડી આઈ જી સર.” રાઘવ પાસે આવીને એસપી અશ્વિની કૌશિકે રાઘવ સામે આંગળી ચીંધતા કહ્યું. રાઘવ અને અશ્વિની વચ્ચેના મતભેદો આમ તો પોલિસ હેડક્વાટરના સૌ લોકો જાણતા હતા પરંતુ તેમને આવી રીતે સામસામે આવી જતા ખુબ જ ઓછા લોકોએ જોયેલા હતા.
“પણ મારી પાસે પુરાવાઓ છે કે મિસ પલ્લવી નિર્દોષ છે એનો આ ઘટના સાથે કોઈપણ જાતનો સંબંધ નથી.” રાઘવે કહ્યું. બંને વચ્ચેની દલીલ ગરમી ધારણ કરી રહી હોવાના લીધે બંનેના કપાળ પર પરસેવાના ટીપા બાઝવા લાગ્યા અને બંનેના કપાળની નસો ઉપસવા લાગેલી.
“તમે એક અપરાધીને હળવાશથી લઇ રહ્યા હતા એટલે જ એના પાસેથી માહિતી કઢાવવા માટે ડી આઈ જી સુબ્રમણ્યમએ મને તપાસ સોંપેલી છે. મારી તપાસમાં બાધારૂપ નહિ બનો.” અશ્વિનીએ કહ્યું.
“પહેલી વાત એ કોઈ અપરાધી નહતી, માત્ર શકમંદ હતી, બીજી વાત એનું ઘટના સાથે કોઈ કનેક્શન નથી માટે હવે એની પુછતાછ ગેરવાજબી બંને છે અને સૌથી અગત્યનું અત્યારે મિસ પલ્લવી તપાસ પ્રક્રિયામાં અમને મદદરૂપ થઇ રહી છે ” રાઘવે કહ્યું. આ દરમ્યાન એસપી અશ્વિની કૌશિકનો મોબાઈલ ફોન રણકવા લાગ્યો એટલે તે રિમાન્ડ હોમમાંથી બહાર નીકળી ગઈ. હવે રિમાન્ડ હોમમાં હું, રાઘવ, પલ્લવી, કોન્સ્ટેબલ સોઢી અને પેલી બે મહિલા કોન્સ્ટેબલ જ હાજર હતા.
“આમને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ રવાના કરો. એસપી કૌશિકે એક નિર્દોષને બહુ ઊંડા ઘા આપેલા છે.” રાઘવે કહ્યું. તેના શબ્દો માર્મિક હતા. રાઘવના ઓર્ડરથી એક મહિલા કોન્સ્ટેબલ પ્રાથમિક સારવાર માટેની પેટી લઇ આવી અને પલ્લવીના ઘાવની સારવાર કરવા લાગી.
“યુ બોથ...જસ્ટ ગેટ આઉટ.!” સારવાર કરી રહેલી બંને કોન્સ્ટેબલ્સને રાઘવે ચપટી વગાડીને બહાર નીકળી જવાનો ઓર્ડર આપતા કહ્યું.
“બટ સર...!” એમાંની એક કોન્સ્ટેબલે દલીલ કરતા કહ્યું.
“આઉટ...!” તેના શબ્દોને અધવચ્ચે રોકતા રાઘવે ત્રાડ પાડી. પલ્લવી સહીત ત્રણે મહિલાઓ તેની ત્રાડથી ફરી એકવાર ધ્રુજી ઉઠી. રાઘવનો મિજાજ પારખીને બંને મહિલા કોન્સ્ટેબલ્સ ત્યાંથી બહાર નીકળી ગઈ. રિમાન્ડ હોમમાં થોડીવાર માટે શાંતિ પ્રસરી ગઈ. લેમ્પ પાસે કેટલાક મચ્છરો ઉડતા હતા બસ તેનો જ અત્યારે અવાજ સંભળાઈ રહ્યો હતો.
“સોઢી હવે તું પણ અહીંથી જઈ શકે છે.” એકાદ બે મિનિટના વિરામબાદ રાઘવે કોન્સ્ટેબલ સોઢીને પણ ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપ્યો. પગ પછાડીને રાઘવને સલામ કરતા સોઢી ત્યાંથી બહાર નીકળી ગયો. હવે રિમાન્ડ હોમમાં ફક્ત હું પલ્લવી અને રાઘવ જ બચ્યા હતા.
“સુભાષ પ્રાથમિક સારવાર આપવામાં આમની મદદ કર.” રાઘવે મને આદેશ આપતા કહ્યું. તેના આદેશનું પાલન કરવામાં થોડી હીચકીચાહટ અનુભવતા થોડીવાર હું એમ જ ત્યાં ઉભો રહ્યો.
“શું વિચારશ રાઘવ.? અત્યારે ડ્યુટી ભૂલીને એક દોસ્તની જેમ એની મદદ કર.” રાઘવે કહ્યું. મને તેના પહેલાના શબ્દો યાદ આવ્યા. ‘પલ્લવી પાસે વાત કઢાવ પણ એસીપી સુભાષ તરીકે નહિ એક મિત્ર તરીકે’. રાઘવના અત્યારના શબ્દોમાં એ વખત જેવો જ ભાવ શોધવા હું પ્રયાસ કરવા લાગ્યો પરંતુ તેમાં નિષ્ફળ નીવડ્યો. અત્યારે એનો એવો કોઈ ઉદેશ્ય નહતો. અત્યારે કદાચ તે અમારા બગડેલા સંબંધોને સુધારવાના ભાગરૂપે આમ કરતો હોય એમ મને લાગ્યું કારણ કે રાઘવ ફક્ત મારો સીનીયર જ નહિ મારો દોસ્ત, મારો હિતેચ્છુ, મારા મોટા ભાઈ સમાન પણ હતો.
તેની આજ્ઞાનું પાલન કરવા મેં ફર્સ્ટ એડ કીટમાંથી કોટન અને ડેટોલ કાઢ્યા અને પલ્લવીના ઘાવ પર ડેટોલમાં ઝબોળેલું કોટન ફેરવવા લાગ્યો. આ દરમ્યાન રાઘવે મારી બાજુની ખુરશી પર બેઠક લીધી. બંને હાથની કોણીને ટેબલ પર ટેકવીને હથેળીઓ વડે તેણે પોતાનું મોઢું ઢાંકી દીધું.
“શ્શ્શ્શ...આઉચ...!” જેવું મેં કોટન પલ્લવીના ઘાવ પર મુક્યું કે તરત જ તેણે ઉન્હકારો ભર્યો. બે પળ માટે અમારા બંનેની આંખો મળી. એ વખતે કોલેજના સમયનો એક પ્રસંગ યાદ આવી ગયો. હું અને રણજીત પલ્લવીને રસ્તા પર સ્કુટી શીખવાડતા હતા ત્યારે વધારે લીવર દેવાના લીધે પલ્લવી દસેક ફૂટ આગળ જઈને પડી ગઈ. તેના ડાબા પગની પેની છોલાઈ ગઈ. સ્કુટીમાં જ પ્રાથમિક સારવાર માટેની કીટ હોવાથી એને નીકાળીને પલ્લવીના ઘાવની હું સારવાર કરવા લાગેલો. મલમવાળું કોટન જેવું તેની લોહી નીતરતી પેની પર મુક્યું ત્યાં જ તેણે આવો જ ઉન્હકારો ભર્યો હતો અને કહેલું ‘સુભાષ સારું થયું તે એન્જીનીયર બનવાનું પસંદ કર્યું નહીતર જો તે મેડીકલ લાઈન પસંદ કરી હોત તો કેટલાએ લોકો સ્વર્ગે સિધાવી ગયા હોત.’ અત્યારે પણ તેના ચહેરા પરના ભાવ કંઇક એવું જ કહી રહ્યા હોય એમ મને લાગ્યું.
“ઘાવ ઊંડા છે મેડમ, થોડું દર્દ સહન કરતા શીખો તો સારું રહેશે.” ચહેરા પરથી પોતાના હાથ હટાવતા રાઘવે કહ્યું. હું પલ્લવીના બાકીના ઘાવ પર કોટન ફેરવવા લાગ્યો. તેને દુખતું હતું પરંતુ તે કશું બોલતી નહતી.
“શારીરિક કરતા માનસિક ઘાવ વધારે ઊંડા હોય છે સાહેબ, કદીય ન ભરાય એવા ઊંડા.! મેં તો એ માનસિક ઘાવોને પણ સહન કરતા શીખી લીધું છે. એની સામે આ ઝખ્મો કઈ જ નથી.” પલ્લવીએ પોતાનો ઉભરો ઠાલવ્યો.
“આમને ડોક્ટર પાસે લઈજા સુભાષ, સારી ટ્રીટમેન્ટ મળશે તો જલ્દીથી ઠીક થઇ જશે.” રાઘવે મને કહ્યું. “તમારા શારીરિક ઘાવોને ભરવામાં અમે મદદ કરી શકીશું મેડમ. માનસિક ઘાવો ભરાતા હજુ મેં જોયા નથી.” પછી થોડીવારના વિરામ બાદ પલ્લવી તરફ ફરીને કહ્યું.
“એની કોઈ જરૂર નથી સુભાષ...સર, મહેરબાની કરીને મને બસ ઘરે મૂકી આવો. થોડો આરામ મળશે એટલે બધું ઠીક થઇ જશે. આખરે સમય જ બધા ઘાવ ભરી શકે એટલો સક્ષમ હોય છે શારીરિક પણ...અને માનસિક પણ. આશા રાખું છું કે મને અહી ફરીથી નહિ આવવું પડે.” પલ્લવીએ કહ્યું. તેણે શરૂઆતમાં મને સુભાષ કહીને સંબોધ્યો. કદાચ પોતાપણું દેખાડવાના ભાવ તેના મનમાં હતા, પરંતુ તરત પાછળ ‘સર’ લગાડીને મને પોતાનાથી દુર કરી નાખ્યો.!
“તમને અહી આવવું તો પડશે જ મેડમ પરંતુ અમારા કહેવા પર, બીજા કોઈના કહેવા પર નહિ.” રાઘવે વળતો જવાબ આપ્યો.
“સુબ્રમણ્યમ નહિ છોડે આમને.! આ કેસને આપણા હાથમાંથી લઈને એ અશ્વિનીને સોંપવા માંગે છે. આપણી પાસે એના જેટલો હોદ્દો નથી. આપણે કઈ કરી શકીએ એમ નથી.” ચર્ચામાં મેં વચ્ચે રસ દાખવતા કહ્યું.
“હું નહતો ઈચ્છતો પરંતુ મારે આ કેસમાં હવે શર્મા અને મરાઠાની મદદ લેવી જ પડશે.” રાઘવે કહ્યું. આદિત્યનારાયણ શર્મા અને દામોદર પાટેકર ઉર્ફ ‘મરાઠા’ રાઘવના ઉચ્ચ હોદ્દાઓ સાથેના મજબુત સંબંધોનું ઉદાહરણ પૂરું પાડવા માટે પૂરતા હતા. રાઘવ તેમના માર્ગદર્શન હેઠળ જ તૈયાર થયેલો ઉપરાંત રાઘવ સહીત ત્રણે મરાઠીભાષી હોવાના લીધે તેમની વચ્ચે સારા એવા સંબંધો હતા. આમ તો બને ત્યાં સુધી કોઈપણ કેસને રાઘવ પોતાની રીતે હેન્ડલ કરી લેવામાં માનતો હતો પરંતુ અત્યારે પોતાના ઉપરીઓની મદદ લેવાનો સમય આવી ગયો હતો કારણ કે સુબ્રમણ્યમના નિર્ણયોને ચેલેન્જ કરવા માટે શર્મા અને મરાઠાની મદદ લીધા સિવાય કોઈ વિકલ્પ જ નહતો.
“એ બધું છોડ આમને ઘરે મુકીને જલ્દીથી પાછો આવ, ઘણું બધું કામ બાકી છે.” ઘણી વાર સુધી શાંતિ જળવાઈ રહ્યા બાદ અચાનકથી રાઘવે કહ્યું. ચોક્કસ તેના મનમાં કશીક ગડમથલ ચાલી રહી હતી. આ દરમ્યાન રાઘવનો ફોન વાગવા લાગ્યો એટલે તે કોલ રિસીવ કરી ખુરશી પરથી ઉભા થતાં રૂમની બહાર નીકળી ગયો. હું અને પલ્લવી પણ રિમાન્ડ હોમની બહાર નીકળી ગયા.
@ @ @
પલ્લવીને રિમાન્ડ હોમમાંથી લઈને હું નીકળ્યો જ હતો. લીફ્ટમાં થઈને અમે બેઝમેન્ટના પાર્કિંગમાં જ પહોંચ્યા હતા. ત્યાં રાઘવનો મને કોલ આવ્યો. તેણે મને પલ્લવી ગમે એટલી ઝિદ કરે પરંતુ એને હોસ્પિટલમાં સારવાર અપાવવા લઇ જ જવાનું દબાણ કરવા ફરમાન કર્યું. તેનો કોલ પૂરો કરીને હું પણ તરત પલ્લવીને હોસ્પિટલ લઇ જવા દબાણ કરતો રહ્યો. પરંતુ તે હોસ્પિટલ જવા માટે રાજી થઇ નહિ. આખરે હું હારીને તેને તેના ઘરે મુકી આવ્યો. હું જાણતો હતો કે એ જીદ કરવામાં એની માંની પણ માં છે, જેવું એ એકસમયે હમેશા કહેતી હતી. પરંતુ આ વાત રાઘવ નહતો જાણતો.!
પલ્લવીને ઘરે છોડ્યા પછી ફરી એક વખત હું હેડકવાટરમાં હાજર થયેલો. હેડકવાટર પહોંચીને સીધો જ રાઘવની ચેમ્બરમાં ગયો. તે પોતાની ચેર પર બેઠો બેઠો કોઈક ફાઈલમાં નજર નાખી રહ્યો હતો. જે રીતે તે ફાઈલના પાના ઉથલાવતો હતો તેના પરથી એવું લાગતું હતું કે તેનું ધ્યાન ફાઈલના પાનાઓના લખાણ સિવાય બીજે જ ક્યાંક દોડી રહ્યું છે.
“તારે અંદર આવતા પહેલા મારી પરમિશન લેવી જોઈએ.” ફાઈલમાંથી માથું ઊંચું કરીને તેણે મારી સામે જોતા કડક સ્વરમાં કહ્યું. હું પામી ગયો કે નક્કી સાહેબ આજે ગરમ મિજાજમાં છે. મારી ગેરહાજરી દરમ્યાન એમની સુબ્રમણ્યમથી મુલાકાત થયેલી હોવી જોઈએ.
“મી આઈ કમ ઇન સર.!” તેના આવા વિધાનથી હું બે ડગલા પાછળ હટી ગયો અને દરવાજાને નોક કરતા બોલ્યો.
“આગળથી ધ્યાન રાખજે. કમ એન્ડ સીટ.” તેણે મને પોતાની સામે બેસવાનો ઈશારો કરતા કહ્યું.
“સર કેસ વધારે કોમ્પ્લીકેટેડ બનતો જાય છે.” ખુરશી પર બેઠક લીધા પછી થોડીવાર શાંતિ જળવાઈ રહી ત્યારબાદ મેં કહ્યું.
“મને કેસના કોમ્પ્લીકેશન કરતા પોલીસતંત્રની અંદરનું રાજકારણ વધારે નડી રહ્યું છે સુભાષ. બહુ ઓછા લોકો છે જેના પર હું વિશ્વાસ કરી શકું છું.” નજરને નીચી રાખીને બંને હાથની મુઠ્ઠી વાળી કોણીઓને ટેબલ પર ટેકવતા રાઘવે કહ્યું. “ અહી બહુ ઓછા લોકો મારી પ્રગતિ અને તીક્ષણ સોચથી ખુશ છે. બાકી બધાને દેશ હિત કરતા મારી હારમાં વધારે રસ છે.” પોતાની નજર ઉંચી કરીને રાઘવે આગળ ચલાવ્યું.
“સર દેખીતી વાત છે કે સુબ્રમણ્યમ એસપી કૌશિકને તમારા કરતા વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. એટલે જ તો...”
“સુભાષ હવે દરેક કદમ સંભાળીને રાખવું પડશે. અહી દિવાલોને પણ કાન છે. આ દિવાલોના કાન જ મને ફાયદો તથા નુકશાન પહોંચાડે છે.” રાઘવે મારી વાતને અધવચ્ચેથી કાપતા કહ્યું.
“ફાયદો અને નુકશાન પણ.? સર હું કશું સમજ્યો નહિ.” તેની વાત મને ગળે ન ઉતરી માટે મેં તેને પૂછી લીધું.
“સુભાષ આપણા પોલિસ ડીપાર્ટમેન્ટમાં ખબરીઓ ફેલાયેલા છે. તે દિવસે મેટ્રોમાં કઈ અજુગતું થવાનું એમાં મારી કોઈ સિક્ષ્થ સેન્સ કામ નહતી કરતી. મને બાકાયદા માહિતી મળેલી હતી. એવી જ રીતે પલ્લવીનું ઇન્ટેરોગેશન, તેનું નિર્દોષ હોવું એ બધી માહિતી લીક કરવામાં આવતી હતી. ખબરીના લીધે જ પલ્લવીને રિમાન્ડ હોમમાં ફરી લાવવામાં આવેલી એની માહિતી મળી, ખબરીના લીધે જ આપણા આગમન પછી એસપી કૌશિક રિમાન્ડ હોમની બહાર નીકળી ગઈ અને ખબરીઓના લીધે જ મારે પેલી બે મહિલા કોન્સ્ટેબલ્સને રિમાન્ડ હોમમાંથી બહાર મોકલી દેવી પડી.” રાઘવે કહ્યું.
“અને સોઢી.? એને કેમ બહાર મોકલવો પડ્યો.?” રાઘવની ઘણી વાતો મને સમજાણી તથા ઘણી ન પણ સમજાણી. તે છતાં આવો એક પ્રશ્ન મનમાં ઉદભવતા મેં તેને પૂછી જોયું.
“ખબર નહિ કેમ.? પરંતુ મને એ વખતે એને બહાર મોકલવાનું યોગ્ય લાગ્યું.” રાઘવે કહ્યું. સોઢી તેનો સૌથી વિશ્વાસુ ખબરી હતો. અત્યારે તેને રિમાન્ડ હોમની બહાર મોકલવો પડ્યો એનો એક મતલબ એવો થાય કે રાઘવને સોઢીની વફાદારી પર શંકા છે અથવા કદાચ મને એકલાને રિમાન્ડ હોમમાં રાખીને તે મારી વફાદારીની પણ પરિક્ષા કરવા માંગતો હોય એવું બની શકે કારણ કે આ જ વખતે રાઘવે આ કેસમાં શર્મા અને મરાઠાની મદદ લેવાની વાત ઉચ્ચારી હતી.
આ દરમ્યાન રાઘવનો ફોન ફરીથી રણકવા લાગ્યો.
“ખબર નહિ કોણ ભૂલો ભટક્યો આજે મિસકોલ પર મિસકોલ મારી રહ્યો છે.” રાઘવે થોડીવાર સુધી પોતાની નજર પોતાના મોબાઈલ પર ઠેરવી રાખી.
“આપણે રિમાન્ડ હોમમાંથી નીકળ્યા ત્યારે પણ આ નંબર પરથી જ કોલ આવતો હતો.” થોડીવારે મારી સામે જોઇને રાઘવે કહ્યું.
“રિંગ લાંબી ચાલી છે. આ વખતે ઉપાડીને પૂછી લો.” મેં કહ્યું.
“રિંગ તો એ વખતે પણ લાંબી જ ચાલેલી પરંતુ મારા ફોન ઉપાડ્તાની સાથે જ એ ફોનને કાપી નાખે છે. હેલ્લો.!” રાઘવે કહ્યું ત્યારબાદ ફોન ઉપાડ્યો.
“હેલ્લો અહી નેટવર્ક ખરાબ છે. તમારો અવાજ કપાય છે. ફરી બોલો તો.” રાઘવે કહ્યું અને એની સાથે જ ફોનને કાન પાસેથી દુર કરીને ફોનમાંની કોઈક સ્વિચ દબાવી.
“હું એમ કહેતો હતો કે આ વખતે હું ફોન નહિ કાપું. બાય દ વે ફોનને સ્પીકર પર કરવા ખરાબ નેટવર્કનું બહાનું વ્યાજબી નથી.” રાઘવે ખરેખર ફોનને સ્પીકર પર મુક્યો હતો જેની સામે વાળાને ખબર પડી ગયેલી.
“તમારા બંનેની બોલતી કેમ બંધ થઇ ગઈ.? આર યુ બોથ ઓકે.? એસપી શર્મા સાહેબ એન્ડ માય ડીયર ફ્રેન્ડ સુભાષ.” હું અને રાઘવ બંને ફોનમાંથી આવતો અવાજ સાંભળતા રહ્યા. બંનેના કપાળ પરથી પરસેવો નીતરવા લાગ્યો હતો.
“હુ આર યુ.?” ગુસ્સામાં લાલચોળ ચેહરે ત્રાડ પાડીને રાઘવે પૂછ્યું.
“રણજીત....શોર્ટમાં આરજે.!” એક ઠંડો અવાજ અમારા હૈયા સોંસરવો ઉતરી ગયો. હું અને રાઘવ તણાવમાં બસ એકબીજાને તાકી રહ્યા.