IPC section 366 - Part - 6 in Gujarati Short Stories by Maneesh Christian books and stories PDF | IPC section 366 - 6

Featured Books
Categories
Share

IPC section 366 - 6

ધીમેથી તેણે આંખો ખોલી. જાણે વર્ષોનો અંધાપો આજે દુર થવાનો હોય તેમ અંજાઈ જવાની તેની અપેક્ષા હતી. પરંતુ આંખો ખોલ્યું તો વિપરીત પરિસ્થિતિ હતી અંધારિયા જેવા જ રૂમમાં હતી.. એક દસ ચોરસ ફૂટ જેટલી કોટડી હતી. પ્રકાશ છોડવાની તૈયારી કરી રહી હોય એવી એક ટ્યુબ લાઈટ દુધિયો પ્રકાશ નાની કોટડીમાં પાડી રહી હતી. કોટડીની દીવાલો પ્લાસ્ટર વિનાની હતી. તેની જમણી અને ડાબી બંને બાજુ લોખંડના સળિયા જડેલી બારી હતી જે બંધ હતી. ઉપર નીલગીરીના જાડા બે થડીયા અમુક અંતરે મુક્યા હતા જેની ઉપર સિમેન્ટના પતરાથી છત ઢાંકેલી હતી.

આજુ-બાજુ નજર દોડાવ્યા બાદ નજીક ઉભેલા છોકરાના ચહેરા તરફ તેની નજર ગઈ. દાઢી આજે જ કરાવી હોય તેવો ઊંડા ઉતારી ગયેલા ગાલ વાળો ખરબચડો ચહેરો. ઊંડી ઉતરી ગયેલી ઝીણી આંખો વાળો એ વ્યક્તિ કોઈ આશા ભરી નજરે તેને જોઈ રહ્યો હતો. તે ઓળખી ગઈ રિક્ષમા હતો એ જ આ. તેના પરસેવાની તૈલી ગંધથી પારખી પણ ગઈ કે લાળ પણ આનું જ ટપકી રહ્યું છે.

“તારું નામ શું છે?” મેડમમાંથી “તારા” ઉપર ઉતરી આવેલો એ પ્રેમાળ બનવા માંગતો વેવલો અવાજ હતો. તેણે લગભગ સાત એક કલાક પછી અત્યારે તે છોકરીનું નામ પૂછ્યું.

થોડું ગભરાઈ. થોડું અટકીને પણ જવાબ તો આપ્યો. “સ્નેહા”

“સ્નેહા, એક વાત કઉ? મને છે ને.....” તે થોડેદુર દીવાલ પાસે પડેલું લાકડાનું ચાર-પગું ટેબલ લઇ આવી તેની નજીક મૂકી બેઠો.

“આ બધું પસંદ જ નથી.” તેણે આજુ-બાજુ જોયું જાણે કોઈ ખાનગી વાત કરવાનો હોય.

“આ લોકો નિર્દય ક્રિમીનલ છે બધા.” તેણે અદબ વળેલા સ્નેહના હાથ ઉપર સાંત્વના આપતો હોય એમ હાથ લગાવ્યો. તે થોડી સંકોચાઈ એટલે તેણે હાથ પાછો લઇ લીધો.

“હું મજબુરીમાં આ લોકો સાથે ફસાયો છું.” તેણે ફરી આજુ-બાજુ કોઈ નોહ્તું અને રૂમ બંધ હતી તો પણ જોયું.

“આગળ પણ એક છોકરીને મે આ લોકોના ચુંગલમાં થી બચાવી છે.” બચાવી શબ્દ ઉપર તેણે ભાર મુક્યો.

અત્યાર સુધી નીચું જોઈ રહેલી સ્નેહાએ તેની સામે નજર મિલાવી. પેલાએ હકારમાં તેની બંને આંખો મીચકારી સ્મિત કર્યું.

“હું ભણેલો-ગણેલો સારા કુટુંબનો છોકરો છું, પણ ખબર છે ને અત્યારના જમાનામાં પૈસા કમાવવા એટલે કેટલી ઓળખાણ જોઈએ.” પોતાની જાત ઉપર તે દયા ખાતો હોય એમ તે બોલ્યો.

તે ઉભો થઇ દીવાલ ઉપર લટકાવેલા લક્ષ્મીના ફોટાવાળા કેલેન્ડર તરફ ગયો. ફોટામાં કશું ધારીને જોતો હોય તેમ ઉભો રહ્યો.

“આટલા બધા ગુનેહગારો વચ્ચે રહીને પણ મે મારી જાતને સાચવી છે. તેમને ખબર ના પડે એવી રીતે તેમને ગુનામાં સાથ પણ આપું છું અને તેમને ગુનો કરતા રોકું પણ છું.” બીજુ વાક્ય તેણે પાછળ ફરી સ્નેહા તરફ જોઈ અને બોલ્યો.

“પહેલા કોને છોડાવી હતી?” એકદમ ધીમા આવજે તેણે પૂછ્યું. તેને બીક લાગતી હતી કે તેનો ઈરાદો પામી જઈ તેને ધમકાવી ના નાખે. એમ થાય તો બાજી બગડી જાય.

પોતાની વાત સાથે સ્નેહને તાલ મિલાવતી જોઈ તે ખુશ થઇ ગયો. તે તરત જ નજીક આવી સ્ટુલ ઉપર બેસી ગયો.

“શું કહ્યું?” તેના ચહેરા ઉપર હળવાશ હતી. તેને કારણે સ્નેહાએ અનુભવ્યું કે આગળ વાત ચલાવી શકાશે.

“હું એમ પૂછતી હતી કે પહેલા છોડાવી તે કોણ હતી?’

“દેવેન્દ્ર...” તે ફક્ત આટલું બોલી તેની સામે જોઈ રહ્યો.

“શું? કોણ?” તે અચરજ પામી.

“મારું નામ......દેવેન્દ્ર છે.”

“ઓહ! હા, મને ખબર છે.?” તેના ચહેરા ઉપર હળવું હાસ્ય આવ્યું.

“કેવી રીતે?” તે ચમક્યો.

“ત્યાં યમુના કિનારે કોઈ એ દેવેન્દ્ર કહી બુમ મારી અને તમે ગયા હતા મારી પાસેથી એટલે.” હવે તે ખુલી રહી હતી. તેને સમજ પડી ચુકી હતી કે હવે દાવ લેવાનો વારો છે.

“તને કેમની ખબર આપણે યમુના કિનારે હતા.” તે સહેજ હબકયો.

“લો, તમારામાંથી જ તો કોઈ એ ત્યાં ફોન ઉપર વાત કરી હતી.” તેણે વાત વાળી લીધી.

“તો પછી અત્યારે ક્યાં છે તે પણ ખબર જ હશે ને.” તે પાછો અપહરણકારના સ્વાંગમાં આવ્યો.

“એવું તો મારી હાજરીમાં કોઈ બોલ્યું હોય તો ખબર પડે ને.” તે પોતાનો બચાવ કરવા લાગી. જો કઈ પણ શંકા જાય અને ધોસ વધી જાય તો?

“ઓહ, પણ તું મને લો-લાવો કરીને ના બોલવ. ફક્ત દેવેન્દ્ર.” ખાતરી થતા જ તે પાછો મુડમાં આવી ગયો.

જવાબની રાહ જોતા દેવેન્દ્ર સામે તેણે ફક્ત હકારમાં ડોકું ધુણાવ્યું. થોડીવાર સુધી કોટડીમાં સન્નાટો પથરાયો.

“તો દેવેન્દ્ર તમે પહેલા કોને છોડાવી હતી?” હજુ તેને છૂટવા-છોડાવવાની વાતમાં જ રસ હતો.

“નામ તો નથી ખબર પણ તારી જ ઉમરની કોઈ ઉદ્યોગપતિની દીકરી હતી.” તેણે સહજતાથી જવાબ આપ્યો કે જાણે તેને તે છોકરીમાં કોઈ રસ નોહ્તો.

“આ તો તારી સાથે જ આટલી વાત કરું છું. બાકી તો તેની સાથે તો વાત પણ નથી કરી. તું થોડી અલગ લાગી મને.” અપહરણકાર હવે પૂરો પ્રેમીમાં બદલાઈ ગયો હતો.

અત્યારે તે જવાબની રાહ જોવા પણ ના રહ્યો. તે ઉઠી ખૂણામાં પડેલા એક મેજ બાજુ ગયો ત્યાંથી તેણે એક પ્લાસ્ટિક- બેગ ઉઠાવી. તેમાંથી વેફર્સનું પેકેટ કાઢી તેણે સ્નેહાને ધાર્યું.

“મારી ફેવરેટ વેફર્સ?” તે મનોમન બબડી. “અહી આવા વિસ્તારમાં ક્યાંથી હોય? આ તો ફક્ત મોલમાં જ મળતી હશે. ડાયેટ વેફર્સ આવી સુમ-સામ જગાએ કેમની વેચાય? કે હજુ હું શહેરમાં જ ક્યાંક ગોધાએલી છું? કદાચ મને જગ્યા બાબતે ગેરમાર્ગે દોરવા માટે આટલું બધું ફેરવી અને શહેરમાં જ ક્યાંક તો નથી છુપાવી ને?” એકસાથે વિચારોની હારમાળા તેના દિમાગમાંથી સડસડાટ પસાર થઇ ગઈ.

તેણે આમાંની કોઈ પણ શંકા જાહેર ના થાય એટલે કશું પૂછ્યા વિના ચુપ-ચાપ વેફર લઇ ખાવાનું ચાલુ કરી દીધું.

“હું એક કામથી જરા બહાર જઈને આવું, ત્યાં સુધી જો શક્ય બને તો આમાંના કોઈ સાથે કોઈ વાત ના કરતી હો... આ બધાની દાનત સારી નથી હોતી એટલે.”

“પણ તમે?....આઈ મીન તું ક્યાં જાય છે.” તે એકદમ ડરી ગઈ.

બસ આ જ વાક્યથી જાણે તીર નિશાન ઉપર વાગ્યું હોય તેવું તેણે અનુભવ્યું. તેણે નજીક આવી સ્નેહનો હાથ પકડ્યો. જો કે હવે પણ પ્રતિકાર કરવાનો તો કોઈ મતલબ જ નોહ્તો.

“હું બેઠો છું ને. તું એમ નાહક ચિંતા ના કરીશ. હું હમણાં ગયો અને હમણા પાછો આવ્યો.” જાણે પોતાની પ્રિયતમાને યુધ્ધમાં જતા પહેલા સાંત્વન આપતો હોય એમ તે કહેવા લાગ્યો.

શહેરની સ્ટાઇલીસ્ટ મોડર્ન છોકરી અને આ ગંધાતો ગુનેગાર. સ્નેહાને ચીતરી જ ચડી રહી હતી. પણ મજબૂરીમાં મહાત્માની વ્યાખ્યા બદલાઈ જાય એ જ પરિસ્થિતિ અહી હતી.

બહુ બધો પ્રેમ તે વરસાવી દે એના કરતા અહીથી જાય તે જ સારું હતું એટલે સ્નેહા એ હકારમાં માથું હલાવી દીધું.

દેવેન્દ્ર તેને છોડી દરવાજા તરફ ચાલ્યો. હજુતો તેણે દરવાજાની સાંકળ જ ખોલી હશે....

“પણ, જલ્દી પાછો આવી જજે.” પાછળથી આવેલા આટલા શબ્દોએ તેને ગેલમાં લાવી દીધો. તે સ્મિત સાથે ફક્ત હકારમાં માથું હલાવી બહાર નીકળી ગયો.

સ્નેહા સમજી જ ના શકી કે તેનાથી કેમ આવું બોલાઈ ગયું. કદાચ તેના પ્રેમિકા તરીકેના પાત્રને તે મજબૂતીથી રજુ કરવા માંગતી હતી. તેને પણ પોતાની આ વર્તણુક ઉપર હસવું આવી ગયું. તેને આશા બંધાઈ ચુકી હતી કે આ જ તેનો બકરો છે.

તેને એક વાતની તો ખાતરી થઈ ચુકી હતી કે શારીરિક છેડ-છાડ થવાની કોઈ સંભાવના નથી એટલે તે ઘણી બધી હળવી હતી અને કોટડીમાં પણ કોઈ બીજું નોહ્તું. તેણે પહેલા તો વેફરનું પેકેટ પતાવ્યું કારણ કે આટલા સમયમાં પેટ તો પોતાનું કામ કરી જ ચુક્યું હતું એટલે ભૂખ તો સખત હતી જ. દુર મુકેલી બોટલ લઇ ઉચેથી તેણે પાણી પણ પીધું.

પેટ ભરાયું હતું અને ભયનું હમણાં પુરતું કોઈ કારણ નોહ્તું એટલે હવે ખણ-ખોદ કરવાનું તેણે ચાલુ કર્યું. સમજો કે છૂટવા માટેનો લાગે એવો છેલ્લા સાત-આઠ કલાકમાં આ પ્રથમ પ્રયાસ હતો.

તેણે ખૂણામાં પડેલા ટેબલના ખાના તપાસી જોયા. તેને બેસાડી હતી તે માંચડાની પડેલી પતરાની પેટી હળવેથી બહાર કાઢી તપાસી લીધી. દીવાલો ઉપર ક્યાય કોઈ લખાણ હોય તો ચેક કરી જોયું. કેલેન્ડરના પાનાં ઉથલાવી જોયા.

તે શું શોધી રહી હતી તે તો તે જાણતી જ નોહતી પણ તેને કઈ કામ લાગે એવું મળ્યું પણ નહિ. તેણે બંને બારીઓને હળવેથી તપાસી જોઈ. નકુચા તો લાગેલા હતા પણ સાથે જાળીના મજબુત સળિયા અને બારીના નકુચા તારથી કસીનેને બાંધેલા હતા. તેને ખોલવા કોઈ ઓજારની જરુર પડે એવી રીતે. તેને અહી લાવવાનું પહેલેથી આયોજન હશે એવું તેણે અનુમાન લગાવ્યું.

હળવા પગલે તે દરવાજા પાસે ચાલી ગઈ અને કાન દઈ બહારથી કોઈ આવાજ આવે છે કે નહિ તે સાંભળવા લાગી. દુર કૂતરાના ભસવાના અવાજ સિવાય નજીકમાં તેને કોઈ જ ચહલ-પહલ ના લાગી. તે પાછી આવી અને માંચડા ઉપર દીવાલને ટેકો દઈ બેસી ગઈ.

“પપ્પા-મમ્મીની તો હાલત ખરાબ હશે. હવે તો પોલીસ કેસ કરી દીધો હશે. આ લોકો એ કોઈ ડીમાંડનો ફોન કર્યો હશે? પણ, મારા પપ્પા જોડે શું ડીમાંડ કરે આ લોકો? કે ખરે-ખર રોંગ નંબર જ લાગ્યો છે.” વિચારોમાં જ તેની આંખો બીડાઈ ગઈ અને તે ઊંઘી ગઈ. શરીર તો તેની ઘડિયાળ મુજબ કામ કરે જ. આખી રાતના ઉજાગરા સામે તેનું થાકેલું નમણું શરીર આખરે હારી ગયું. તે ખુબ જ ઘેરી નિંદ્રામાં સરી ગઈ.

તેને પહેલીવાર જયારે ભાન થયું ત્યારે તેના બંને હાથ મજબુત દોરડાથી બાંધેલા હતા. આજુ બાજુ પુષ્કળ ઘનઘોર અંધારું હતું અને તે જમીન ઉપર પડેલી હોય તેવું તેને લાગ્યું. તેની સામે ઉભેલા ત્રણ વ્યક્તિઓ જ તે જોઈ શકતી હતી. જેમાંથી એક દેવેન્દ્ર પણ હતો. દેવેન્દ્ર નીચો નમ્યો પણ તેને તો એવું ખબર હતી કે દેવેન્દ્ર તો તેનો હમદર્દ છે.

“દેવેન્દ્ર, તું મને છોડાવીશ ને આ લોકો થી.” તેણે દેવેન્દ્રને ઉદ્દેશીને કહ્યું અને તરત જ પાછળ ઉભેલી બંને વ્યક્તિઓ અટ્ટહાસ્ય કરવા લાગી.

દેવેન્દ્રનો હાથ તેની છાતી સુધી પહોચી રહ્યો હતો. તેની આંખોની કીકીઓ તગ-તગી રહી હતી. હોઠનો ડાબો ખૂણો મળનારી કોઈ લીજ્જ્તની લાલચમાં વંકાઈ રહ્યો હતો. ખંધુ હાસ્ય.

તે પામી ગઈ. આ ત્રણે વ્યક્તિ આખરે તેમની મિજબાનીની તૈયારીમાં હતા. તે ખુબ જ ડરી ગઈ. જેટલી અંદરથી મળી એટલી તાકાત એકઠી કરીને હવે તો ચીસ જ પાડવાની હતી. મો ખુલ્યું પણ ખરું પણ ચીસ ના નીકળી શકી ફક્ત આંખો ખુલી ગઈ.

તેણે જોયું કે કોટડીમાં કોઈ નોહ્તું. દિવસનું અજવાળું બારીના કાચના કારણે કોટડીમાં પથરાએલ હતું તેથી બુઝીયા ટ્યુબલાઈટની હવે કોઈ અસર નોહતી. દિવસ પુરતો ચડી ગયો હતો. કોટડી આખી ખાલી હતી. તેના શ્વાસ ખુબ ભરેલા હતા. પરસેવામાં પલળેલું તેનું ટોપ ત્વરાથી લોહારની ધમણની જેમ ઉપર-નીચે થઇ રહ્યું હતું.

સ્વપ્ન હતું એવો ખ્યાલ આવી ગયા છતાં સ્વસ્થ થતા તેને થોડો સમય લાગ્યો. તે ઉભી થઇ હળવે પગલે દરવાજા પાસે જઈ કાન ધરી ઉભી રહી. ક્યાંક સ્વપ્ન સાચું તો નથી પડવાનું? બહાર કોઈ ચહલ-પહલ તો ના સંભળાઈ પરંતુ બીડીના ધુમાડાની તીવ્ર વાસ આવી. તેને ખ્યાલ આવી ગયો કે દરવાજાની પાસે જ કોઈ ચોકીદાર બેઠો છે.

તે પાછી ચુપ-ચાપ માંચડા ઉપર જઈ બેસી ગઈ. થોડી ક્ષણો સુધી તે સામેની દીવાલને તાકી રહી. અચાનક તેનાથી ડૂસકું ભરાઈ ગયું. તે બંને હથેળીમાં પોતાનો ચહેરો દબાવી હીબકા ભરવા લાગી. તેના અર્ધજાગ્રત મનમાં ઘુસેલા વિચારોએ સ્વપ્નમાં બતાવેલા દર્શ્યોને કારણે તે ખુબ જ ડરી ગઈ હતી. ગઈકાલ રાત્રે અપહરણ સમયની અજાણ્યા ડરની પરિસ્થિતિ પાછી તેના દિમાગમાં ઘર કરી ગઈ.

બહાર કોઈએ તાળું ખોલ્યું. તેણે ઝડપથી પોતાની આંખો લુછી અને બને તેટલી સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો. તે તૂટી ગઈ છે, ડરી ગઈ છે, લાચાર છે. તેવું આ લોકોને બતવવા નોહતી માંગતી.

ધડામ.....દરવાજો ઝટકા સાથે ખુલ્યો અને અંદર આવતા પગલાની સાથે દરવાજાનો રણકાર પણ અંદર આવ્યો...