Mane aatalu j aapshe in Gujarati Short Stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | મને આટલું જ આપશે

Featured Books
Categories
Share

મને આટલું જ આપશે

મને આટલું જ આપશે?

પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

-મને આટલી જ ચોકલેટ્સ આપી ? મોટાભાઈ અર્પીતે આપેલી ચોકલેટ્સ હાથમાં લેતાં નાના ભાઈ અમરે મો ફુલાવીને ફરિયાદ કરી.

-મારા જેટલી જ તો આપી છે. પણ તને તો કાયમ મારા જેટલું જ આપુ છું તો ય ઓછું જ પડે છે. મોટા ભાઈ અર્પિતે નારાજગીથી નાના ભાઈને કહ્યું.

-જવા દે ને બેટા, એ તારાથી નાનો છે ને, મોટો થશે એટલે સમજશે. મમ્મીએ અર્પિતને સમજાવતા કહ્યું.

-તું કાયમ ‘નાનો છે, નાનો છે’ કહી ને એનો પક્ષ ન લે, પ્રીતિ, પછી એને એવી ટેવ જ પડી જશે. પપ્પા સુમનભાઈ એ પત્નીને સમજાવતા કહ્યું.

-પડી જશે શું, એને એવી ટેવ પડી જ ગઈ છે, પપ્પા. હું કંઈ પણ આપું એને કાયમ ઓછું જ પડે છે. અર્પિતે પપ્પાની સામે જોઇને કહ્યું.

અર્પિત અને સુમનભાઈ ની વાત સાચી હતી. અમરનો સ્વભાવ જ એવો હતો કે એને જે આપીએ તે ઓછું જ પડતું. દર વખતે એનો સવાલ - ‘મને આટલું જ આપશે?’ તો આવતો જ. બધા આ સવાલથી ટેવાઈ ગયા હતા. ‘નાનો છે એટલે આવું કરે છે, મોટો થશે એટલે આપ મેળે સમજશે’ એવું સમજીને મમ્મી પ્રીતિ એને પોતાના ભાગનું પણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરતી. અને એ વાત પતિ સુમનભાઈ ને અને મોટા દીકરા અર્પિત ને ન ગમતી.

‘તને તો તારો નાનો દિકરો જ વધારે વહાલો છે’ એવું કહીને અર્પિત નાના ભાઈનો પક્ષ લેતી મમ્મીથી રિસાઈ જતો. ત્યારે મમ્મી પ્રીતિ એને ઘણું બધું વહાલ કરીને અને સમજાવીને મનાવી લેતી. ‘તેં જ અમરને લાડ કરીને બગાડ્યો છે.’ કહીને પતિ સુમનભાઈ પત્નીને ખીજવાતા. ક્યારેક કોઈ પુસ્તકમાંથી સારા માં-બાપ બનવાના નિયમો વાંચી સંભળાવતા. પ્રીતિ ને પણ આ વાત સમજાતી, પણ દીકરાને લાડ કરવામાં એ આ વાત પ્રત્યે ‘આંખ આડા કાન’ કરતી. એને મન તો બન્ને દીકરા ‘રામ લખન’ ની જોડી’ જેવા કે ‘ડાબી – જમણી આંખ’ જેવા હતા. એને હતું કે અમર મોટો થશે એટલે સમજદાર થઇ જશે અને સુધરી જશે.

બન્ને છોકરાઓ ભણવામાં હોશિયાર હતા,બીજા છોકરા ટ્યુશનથી ભણતા જ્યારે અર્પિત – અમર જાતે જ ભણતા. અને સારા માર્ક્સ લાવતા એટલે એ બાબતે તો મા બાપને કંઈ ચિંતા હતી નહિ. સુમનભાઈ ની નોકરી સારી હતી. ચાર જણનાં કુટુંબનું ભારણ પોષણ સારી રીતે થઇ જતું. ખોટા ખર્ચા કર્યા વગર પ્રીતિ કરકસર થી ઘર ચલાવતી એટલે થોડી ઘણી બચત પણ કરી લેતી. લોન લઈને એક નાનકડું ઘર પણ બનાવ્યું હતું. લોન ધીરે ધીરે ઓછી થતી જતી હતી એટલે એ રીતે પણ રાહત હતી. ટુંકમા કહીએ તો નાનું અને સુખી કુટુંબ હતું.

અર્પિત ગ્રેજ્યુએશન પૂરું કરીને એ જ શહેર અમદાવાદ માં જ બેન્કની જોબ પર લાગી ગયો. અમર મહત્વકાક્ષી હતો એટલે એણે ગ્રેજ્યુએશન ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમબીએ પણ કર્યું. એ મુબઈની એક મલ્ટીનેશનલ કમ્પની માં સારી પોસ્ટ પર લાગી ગયો. રજાઓમાં એ અમદાવાદ ઘરે રહેવા આવતો. પ્રીતિ એની ‘કાગને ડોળે’ રાહ જોતી. એ આવે ત્યારે એને ભાવતી વાનગીઓ બનાવી જમાડતી. અમરના આગમનથી ઘર જાણે જીવંત બની જતુ એની વાતોથી અને હાસ્યથી ઘર બોલકું બની જતું. સુમનભાઈ પણ અમરની પ્રગતિથી આનંદ અનુભવતા અને સાથે સાથે અર્પિતને ઓછું ન આવે એનું પણ ધ્યાન રાખતા.

અર્પિતે એની જ બેન્કમાં જોબ કરતી આરતીને પસંદ કરી. આરતી સાથેની વાતચીત થી પ્રીતિબેન અને સુમનભાઈને ખ્યાલ આવી ગયો હતો કે એનો સ્વભાવ સારો નથી. પણ દીકરાની ખુશી ખાતર મા બાપે સહમતી આપી અને એમના લગ્ન કરાવી આપ્યા. ‘સમય જતા સમજશે અને સુધરશે’ એમ માની મોટું મન રાખી મા-બાપ દીકરા વહુ સાથે સમાધાનથી જીવવા માંડ્યા.

અમરને માટે જ્ઞાતિ માંથી અમોલાનું માગું આવ્યું અને એના પણ ધામ ધૂમથી લગ્ન કર્યા. લગ્ન પછી અમર અમોલા મુંબઈ ગયા. બન્ને દીકરાઓ પોત પોતાના સંસારમાં સારી રીતે ગોઠવાઈ ગયા. બંનેના ઘરે એક એક દીકરી ની પધરામણી થઇ અને પ્રીતિ અને સુમનભાઈ ને લાગ્યું કે હવે જીવનમાં સુખ શાંતિથી રહેવાના દિવસો આવ્યા.

પણ જેમ રાત પછી દિવસ આવે છે, એમ માણસના જીવનમાં સુખ પછી દુખ આવે છે. સુમનભાઈ જ્યારે નિવૃત્ત થઈને આરામથી જીવવાના સ્વપ્ન જોતાં હતા અને પ્રીતીબેન આરતી વહુના રાજમાં પગ વાળીને બેસવાના સ્વપ્ન જોતાં હતા, ત્યારે જ આરતીને હવે સાસુ સસરા અકારા લાગવા માંડ્યા. એમને ઘર સાંકડું લાગવા માંડ્યું. ખરેખર તો હવે એનું મન સાંકડું થઇ ગયું હતું.

આરતી રોજેરોજ કોઈ ને કોઈ બહાને ઝઘડો કરીને જોબ પર ચાલી જતી. અર્પિત એને વાળવાનો પ્રયત્ન કરતો પણ એ એનું પણ ન સાંભળતી. અર્પિત ને માબાપ પ્રત્યે પ્રેમ હતો, પણ આરતીની આગળ એ લાચાર હતો. અમર અઠવાડિયામાં બે ત્રણ વાર ફોન કરીને મમ્મી પપ્પા અને ભાઈ ભાભીના સમાચાર પૂછતો, ભત્રીજીને વહાલ મોકલતો. અવાર નવાર ભેટ સોગાદો પણ મોકલતો. ક્યારેક અમોલા પણ ફોન પર વાત કરતી. ક્યારેક અમર એકલો તો ક્યારેક બંને અમદાવાદ આંટો મારી જતા.

પણ સુમનભાઈ કે પ્રીતીબેન એમને ઝઘડાની વાત જણાવતા નહિ. નાહક અમરનું દિલ દુખે એમ સમજી એનાથી ઘરની પરિસ્થિતિ છુપાવતા. પણ એકવાર તો આરતીએ હદ કરી. એણે અર્પિતને કહ્યું કે – ‘બધી જવાબદારી આપણે જ શા માટે ઉઠાવીએ? અમરભાઈને કહો કે પપ્પાને અમે રાખીશું, પણ મમ્મી ને તમે લઈ જાવ’ આ સાંભળીને સુમનભાઈ અને પ્રીતીબેનના પગ નીચેથી ધરતી સરકી ગઈ. આ ઉમરે હવે પતિ પત્નીએ જુદા થવાનું? એ આખી રાત બંનેને ઊંઘ ના આવી. પ્રીતીબેન તો આખી રાત રડતા રહ્યા.

અર્પિતે આરતીને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ આરતી એક ની બે ન થઇ. છેવટે ન છુટકે અર્પિતે અમરને ફોન કર્યો અને તાબડતોબ અમદાવાદ આવવા જણાવ્યું. અમર જે પહેલી મળી એ ફ્લાઈટ લઈને અમદાવાદ આવી ગયો. ઘરે આવીને એણે તમામ હકીકત જાણી. એણે સત્વરે ફોન કરીને અમોલા સાથે વિગતવાર ચર્ચા કરી લીધી.

-અમર, પપ્પાને હું રાખીશ, મમ્મીને તું લઇ જા. આરતીનો ચઢાવેલો અર્પિત બોલ્યો.

-મને બસ આટલું જ આપશે, અર્પિત? અમર એક ક્ષણ વિચાર કરીને બોલ્યો.

-એટલે? મને કઈ સમજાયું નહિ. અર્પિત નવાઈથી અમરને તાકી રહ્યો.

-તને તો ખબર જ છે, અર્પિત કે મને પહેલેથી જ થોડાથી સંતોષ નથી થતો. આ વખતે પણ તું મને ફક્ત મમ્મી જ આપી રહ્યો છે, મારે તો પપ્પા પણ જોઈએ છે. અરે મારે જ નહિ અમોલાને પણ મમ્મી અને પપ્પા બન્ને જોઈએ છે. તું રજા આપે તો એમને બંનેને મારી સાથે કાયમ રહેવા માટે મુંબઈ લઇ જાઉં? અમરે હસીને કહ્યું.

આરતીના મો પર સાસુ સસરા વિનાનું ઘર કલ્પીને રાહત અને આનંદ ની લાગણી સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી . અર્પિત ઝંખવાયો પણ આરતી ની આગળ કશું બોલી ન શક્યો. અમરે કહ્યું, ‘મમ્મી – પપ્પા, તમારો સામાન તૈયાર કરી લો. આવતી કાલે તમારે અહી જેમને મળવું હોય એમને મળી લો. અમોલા આવતી કાલની રાતની ફ્લાઈટની આપણી ટીકીટ બુક કરાવી રહી છે, તમારે હવે અમારી સાથે મુંબઈમાં જ રહેવાનું છે.’

પ્રીતિ શ્રાવણ ભાદરવો વરસાવતી આંખોથી અમરના ઓવારણા લઇ રહી અને સુમનભાઈને પહેલી વાર અમરનું, ‘મને આટલું જ આપશે?’ વાક્ય મધથી ય મીઠું લાગ્યું.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.