Velne game vintadavavu in Gujarati Love Stories by Kunjal Pradip Chhaya books and stories PDF | વેલને ગમે વિંટળાવવું

Featured Books
Categories
Share

વેલને ગમે વિંટળાવવું

  • Kunjal Pradip Chhaya
  • kunjkalrav@gmail.com

    વેલને ગમે વિંટળાવવું

    ઘરમાં પ્રવેશતાં જ એને વાતાવરણ મઘમઘતું જોઈએ. વળી એનાં આવવાથી ઘર હંમેશાં ધમધમતું થઈ જાય. પોતે જ જાણે પતંગિયું કેમ ન હોય? એને ફુલો-છોડ-વેલ અને પમરાટનો ભારે શોખ. જૂઈ, મોઘરો, રાતરાણી, રજનીગંધા, જાસૂદ અને કરેણ ઘરની ક્યારીમાં વાવ્યાં હતા. કેટલીક વેલ તો લોખંડી ઝાંપલાંને સહારે છેક કમાનાંકાર કાંગરી સુધી ચડી હતી. સાંજ પડતાં વરંડાની આભા મન પ્રફુલ્લિત કરી દેતી. કુસુમ ઓફિસેથી મોડીવહેલી આવે ત્યારે એની આ પ્રિય જગ્યાએ જ ચા પીવે.

    દરેક ઋતુમાં અહીંનું વાતાવરણ નોખું જ હોય. કુદરતની સર્જનસૃષ્ટિની કુતૂહલતા અહીં માણવાની મજા આવે એવું હતું. ક્યારેક ફાજલ સમયમાં ક્યારીઓનું નિંદણ કરે. નવાં છોડ વાવે, કરમાયેલ કે ખરેલ પાંદડાનોને કાઢીને સાફસૂફી કરે. એ કામમાં જાણે એ એક એક ક્ષણ પોતાને જ સજાવતી હોય એવું અનુભવે. વેલ કે કૂંપણોને ટેરવે સ્પર્શ કરીને ઊંડો શ્વાસ લે ત્યારે પ્રફુલ્લિત થઈ જાય. જાણે કે થાક ઓઝલ થઈ જાય એનો.

    લાડકોડ, સંસ્કાર અને સમજણ ભર્યા વાતાવરણમાં ઉછરેલી કુસુમ પોતાનું આગવું વ્યક્તિત્વ ઘડવામાં સફળ થઈ હતી. સારાં-નરસાં અને સત્ય-અસત્યનો ભેદ પારખી શકવા સક્ષમ હતી. સરકારી ખાતામાં સારી નોકરી મળી; એ પણ જાત મહેનતથી પરિક્ષાઓનાં પરિક્ષણોમાંથી પસાર થઈને.

    નહીં નવયૈવના કે નહીં આધેડવયની તે જુવાનીનાં મધ્યાહ્ન તરફ હતી. તેની દેહાકૃતિ; દેહભાષા અને કૌમાર્યપણું સૌ કોઈને આકર્ષી જાય તેવું હતું. કામ કરતી વખતે એક અધિકારી તરીકેની તેની છાપ ખૂબ જ કડક અને પ્રભાવશાળી હતી. પરંતુ ઘરનાં એ હિસ્સામાં એ કાયમ કંઈક અલગ જ દીસતી. ઝાડનાં હજુ પુખ્તપણે વિકસ્યાં પણ ન હોય એવા થડને લપેટાયેલ વેલીઓને અને એમાં ઉગેલ ફળીઓ, કળીઓ અને ફુલોને હંમેશાં નીરખ્યા કરતી.

    ઘણાંવખતે ફરી એ પ્રશ્ન ઘરપરિવારમાં હવાની લહેરખીની જેમ ઉડવા લાગ્યો.

    “તારા માટે માગું આવ્યું છે. વાત કરીશને?” મમ્મીએ સાચવીને વાત મૂકી.
    “કોણ છે?” ચાનો કપ હોઠ પર ફેરવતાં પપ્પા તરફ નજર કરીને નફિકરું પૂછ્યું.

    “સોનલબે’નનાં દિકરાનાં લગ્નમાં પૂનાથી એક પરિવાર આવ્યું હતું યાદ છે? તું પણ એ લોકો અને એ છોકરા સાથે ઘણું ભળી ગઈ હતી. એટલે અમે વિચાર્યું કે..” તેનાં પપ્પાએ વાતમાં મોણ નાખ્યા વિના દિકરીને કહ્યું. શૂન્યભાવે તેણી વરંડામાં ચા પીતે ચાલી ગઈ.
    રાતે તેણીએ મમ્મીને પૂછ્યું, “આપણા તરફથી વાત ગઈ?”
    “ના, એણે જમણવાર દરમિયાન પૂછ્યું હતું.”
    “શું?”
    “કે તારા લગ્ન થઈ ગયાં કે કેમ? ઈચ્છા ખરી? કોઈ યોગ્ય પાત્ર મળે તો..”
    “તો?” વચ્ચેથી જ તેણી પૂછી બેઠી. અને જરા અટકીને ફરી બોલી. “તો, તમે શું જવાબ આપ્યો?”
    “કહ્યું, કે એની મરજીની માલિક છે. બાકી અમારી તો ઈચ્છા હોય જ.” મમ્મીએ સૂવા પહેલાં સોડણ કરતે આંખો ચોરી હોય એ રીતે વાત અધૂરી મૂકી.
    “હમ્મ.”
    “તું વાત કરીશને?”
    “ખબર નહીં.”
    “કેમ? તે દિવસે તો કેટલીય વાતો કરી હતી.”
    “હા, વાત કરી હતી. એકાદ સામાન્ય રસનો વિષય નીકળ્યો હતો વધું કંઈ નહોતું.” કુસુમે કહ્યું.
    “મેં એને એજ કહ્યું હતું. તું તારી મરજીની માલિક છો. ઈચ્છા થાય તો જરા વાત કરી લે જે. નંબર છે ને?” સૂવાની તૈયારી કરી વાત પૂરી કરતાં મમ્મી બોલ્યાં.
    “હા, છે.” તેણી વિચારમુદ્રામાં એ જ પ્રિય બાગમાં લટાર મારતી રહી.
    “મારા પાસે એનો ફોન નંબર છે કરી જોવું?” મનમાં કંઈક નિશ્વય કરીને ફોન જોડ્યો.
    “જી, કુસુમજી કેમ છો?” સામે છેડેથી સંભળાતો સૌમ્ય અવાજ કુસુમને ગમ્યો.
    “મજામાં. તમે?” કુસુમ ધીમેથી બોલી.
    “આનંદ.” આનંદે આનંદથી વાત કરી.

    વિખુટાં પડ્યાં ત્યારે જે બાબત પર ચર્ચા ચાલી હતી તે થોડી આગળ ચાલી. ઔપચારીક વાત દરમિયાન કુસુમ એ વ્યક્તિનાં અવાજ અને પોતા પ્રત્યેની ભાવના સમજવા પ્રયત્ન કર્યો.

    “મને કેમ ન પૂછ્યું? મમ્મીને કેમ વાત કરી?” કુસુમે પ્રશ્નનો પ્રહાર કર્યો.
    “તમને સીધું પૂછવું લગ્નસરામાં મને યોગ્ય ન લાગ્યું.” પ્રશ્નનો ઘા જીલતાં આનંદે સહજતાથી ઉત્તર વાળ્યો.

    વિના સંકોચ નિખાલસ છતાંય તટસ્થ ભાવે કુસુમને વાત કરવાની ટેવ એનાં વ્યવસાયીક ક્ષેત્રને લીધે પડી ગઈ હતી.

    “આપણે પ્રમાણીક વાત કરીએ?” કુસુમે પૂછ્યું.
    આનંદઃ “જી?”
    ચાલુ ફોનમાં જ બંન્ને એક સાથે હસી પડ્યાં.

    “એ દિવસે તમે આમ જ પૂછ્યું ત્યારે તો હું એકદમ ગભરાઈ જ ગઈ હતી.”
    “કેમ?”
    “અરે! કોઈ સાવ અજાણ્યો પુરુષ આમ ઓચિંતો સાથે ચાલવાનો ઈશારો કરે અને પૂછે કે આપણે પ્રમાણીક વાત કરીએ? તો અજીબ તો લાગે જ ને? અને વળી લગ્નપ્રસંગની વ્યવસ્થા - ગેરવ્યવસ્થાની ચર્ચા કરવા માંડે તો તો વધારે આઘાત પહોંચે ને?”
    “એમ? તો તમે શું વિચાર્યું હતું? કે હું બીજી શું પ્રમાણીક વાત કરીશ?”

    કુસુમ અને આનંદ ફરી હસ્યાં. હસતે હસતે જરા રોકાઈને કુસુમે વાંકી વળીને એક કુમળી વેલની પાતળી ડાળખીને પકડીને બાજુનાં છોડ સાથે વળગાડી. હસવાનો રવ ધીમો પડ્યો.
    કુસુમે જવાબ આપ્યોઃ “મને.. ખ્યાલ હોત કે તમે મમ્મીને પૂછ્યું હતું મારા વિશે, તો ત્યારે જ વાત થઈ જાત.”

    “ના, ત્યારે નહોતું પૂછ્યું. આંન્ટી સાથે પાછળથી વાત થઈ હતી. અને પછી લાગ્યું કે બહુ જલ્દી તો નથી કરતો ને?”
    “શેની જલ્દી?”
    “વાત કરવામાં.”
    આનંદને વચ્ચેથી અટકાવતે કુસુમ બોલી. “અત્યારે મોડું થઈ ગયું છે.”
    “જી?”
    “હાસ્તો, રાતનાં બાર વાગવા આવ્યા.” આકાશ તરફ જોતે અંધારાને આંજતી હોય એમ કુસુમ બોલી.
    “ઓહ તો કાલે વાત કરીએ?”
    “ના ના. ખોટું ન લગાડશો. આ તો મમ્મી પપ્પાને સૂવાનો સમય થયો.”
    “જી.”
    “મે..સેજ્થી..”
    “હા, ચોક્કસ.”
    “શુભ રાત્રી.”
    “જી. મેસેજથી મળતાં રહેશું. આવજો.”

    પરસાળમાં મધરાતની સોડમ પ્રસરી હતી. આટલી મોડી રાતે ત્યાં કુસુમ ક્યારેય નહોતી બેઠી. મીઠાં પુષ્પોની ખુશ્બો માણતી એ ક્યારીનાં કિનારે ગોઠણભેર ગોઠવાઈ. ફોન પર ચાલેલી વાતોને મંદ મુસ્કુરાહટ સાથે યાદ કરી રહી. રહી રહીને કુસુમને કાયમ તેની મમ્મી સમજાવતાં તે વાક્યનાં ભણકારા પડ્યા. “જો આ વેલીઓ નબળી નથી. એને પણ પોતાની શક્તિ છે જ વિકસવાને. પણ તોયે એ ઊછરવા મજબૂત થડનો આધાર લે જ છે ને?”

    સવારે કાયમ ઓફિસ જતી વખતે ઝડપથી વાળનો બોથો ભેગો કરીને લટોને સાચવીને પીનથી નિયંત્રીત કરી દેનારી કુસુમ જરા વધુ સમય લીધો આરસી સામે. એને કાનની બૂટ પાસે જરા સોનેરી ઝાય દેખાઈ વાળમાં. ઘડીક આંખો મીંચી લીધી અને ઊંડો શ્વાસ લીધો. એવામાં એનાં મમ્મીએ આવીને કહ્યું, “જરાય મોડું નથી થયું હજુ. આનંદથી જીવી લે.” અરિસાનાં જ પ્રતિબિંબમાં ચહેરાની ચમક છૂપાવ્યા વિનાં જ કુસુમે સ્મિત કર્યું. અને નીકળી ગઈ. રાબેતા મુજબ આવજો કહેતી હોય એમ એનાં વરંડાના વેલાઓને સ્પર્શ કરતી પસાર થઈ ગઈ.

    આનંદ સાથે ફોન પર અને નેટ પર વાતો કરવી, જમ્યાં કે નહિ? એવું ઔપચારિક ખબરઅંતર પૂછી લેવા એ બધું અચાનક જ કુસુમને ગમવા લાગ્યું હતું. કાર્યાલયની યુવાન છોકરીઓને ઘણી વખત એવો મીઠો ઠપકો આપતી અને મનોમન વિચારી લેતી કે એની હસીમજાકની ઉંમર ક્યારની પસાર થઈ ગઈ છે.

    આનંદ. એની પણ એવી જ પરિસ્થિતિ હતી. પરિવારની જવાબદારીઓને નિભાવતા એ સારા એવા વ્યવસાયમાં સફળતાએ પહોંચ્યો હતો પણ જીવન ક્યારે પાંત્રીસી વટાવી એનો ખ્યાલ જ નહોતો રહ્યો. બહેનને પરણાવીને તે એકલો થયો.

    એ દિવસની ઉડતી મુલાકાતે કુસુમ પ્રત્યે આકર્ષણ થતાં વાત ઉચ્ચારી તો ખરી કુસુમનાં માતાને. પણ આ ઉંમરે કેમ પ્રેમ થાય અને થાય તોય પરણી જવાનો નિર્ણય લેવાનો સંકોચ હતો. સંપર્ક વધવાથી બંનેને એકમેકની જાણે ટેવ પડી ગઈ હતી. લાગણીની ઉણપ નહોતી. જ્ઞાતિનો પણ બાધ નહોતો. કુસુમની એક સરકારી પદાધિકારી તરીકેનો મોભો અને માન ન હણાંય એની પણ આનંદે તકેદારી રાખવા નક્કી કર્યું અને લગ્ન કરવાનાં હેતુસર મળવા માટે સામેથી જ પ્રસ્તાવ મૂક્યો.

    આનંદ કુસુમનાં ઘરે પહેલીવાર આવ્યો ત્યારે પહેલીવાર એ બંને કુસુમની મનપસંદ જગ્યાએ જ બેસીને એકાંતમાં વાત કરી. વેલીઓની સાક્ષીએ અને એ સુગંધી ફુલોના પમરાટની હાજરીમાં મળ્યાં અને પછી સદાયને માટે મળી ગયાં.

    “આપણે પ્રમાણીક વાત કરીએ?” આનંદે શરારતી લહેકામાં કુસુમને પૂછ્યું. “હા, બીલકુલ કહોને.” કુસુમને આ ક્ષણ આજીવન સ્મૃતિમાં કંડારી લેવી હોય એમ એણે શ્વાસ લઈને આંખ બિડી. “સાચું કહેજે, પહેલીવાર મેં આ પૂછ્યું હતું ત્યારે તને મારે તારી સાથે શું પ્રમાણીક વાત કરવી હશે એમ તે વિચાર્યું હતું?” “એજ કે આ ભાઈ પ્રપોઝ ન કરી બેસે તો સારૂં!” આટલું કહી, કુસુમ આનંદનાં ખભે માથું ઢાળીને હસી પડી.

    સમાજ અને સંસ્કૃતિની લઢણ મુજબ એક સંકોચ હતો કે આ ઉંમરે પરણાંય? લોકો શું વિચારશે? પરંતુ પરિવારને ક્યાં કશો વાંધો જ હતો? વાજતેગાજતે નવલયુગ્મ પ્રભુતાનાં પગલાં માંડીને નવતર જીવન શરૂ કર્યું. જ્યારે પણ કુસુમ આનંદ સાથે મુંબઈ પિયરે આવતી ત્યારે વાસંતી બપોરે એજ વરંડામાં વિકસીને એકમેકમાં અડાબીડ ગૂંથાયેલી વેલીઓને જોઈ રહેતી.