paththaroni kadaji lo in Gujarati Short Stories by Jitesh Donga books and stories PDF | પથ્થરોની કાળજી લો!

Featured Books
Categories
Share

પથ્થરોની કાળજી લો!

પથ્થરોની કાળજી લો!

અહી લખેલી બે કહાની મારી શોર્ટ-સ્ટોરીની બુક અંતરવલોણું માંથી લીધેલી છે. બંને કહાનીઓ મેં ઇન્ટરનેટ પર વાંચેલી હતી અને મને ખુબ ગમેલી.

૧. પથ્થરોની કાળજી લો!

એક ફિલોસોફીના પ્રોફેસર પોતાના ક્લાસની અંદર ઉભા હતા. તેમની સામે એક ટેબલ પર અમુક વસ્તુઓ પડી હતી. જયારે ક્લાસ ચાલુ થવાનો બેલ વાગ્યો એટલે એક પણ શબ્દ બોલ્યા વિના પ્રોફેસરે એક ખાલી મોટો જાર લીધો અને તેને મોટા પથ્થરના ટુકડાઓથી ભરી દીધો.

પછી તેણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે જાર આખો ભર્યો છે? બધાએ હા પાડી.

પછી પ્રોફેસરે નાનકડા એકાદ ઇંચ જેવડા કાંકરાઓનું બોક્સ કાઢ્યું અને આ જારની અંદર પડેલા પથ્થરો ઉપર કાંકરા ભરી દીધા. જારને બંને હાથે પકડીને હલાવ્યો. બધા જ કાંકરા જારની અંદર મોટા પથ્થરો વચ્ચે ખાલી પડેલી જગ્યામાં સમાઈ ગયા. પ્રોફેસરે જારને ફરી હલાવ્યો અને ફરી બધાને પૂછ્યું કે જાર ભરાઈ ગયો છે? બધાએ હા પાડી.

પછી તેને એક રેતીનું બોક્સ લીધું અને આ જ જાર અંદર રેતી ભરવાનું ચાલુ કર્યું. અને ઝીણી રેતી આ બધા મોટા પથ્થર અને નાના કાંકરા વચ્ચેની ઝીણીઝીણી જગ્યામાં સમાઈ ગઈ. ફરીથી જાર ફૂલ થઇ ગયો હતો. અને બધા વિદ્યાર્થીઓએ એક સાથે હા પાડી હતી.

“હવે...” પ્રોફેસરે કહ્યું: “-મારે તમને કહેવું છે કે આ જાર છે એ લાઈફનું પ્રતિક છે. એની અંદરના મોટા પથ્થર એ જીવનની સૌથી મહત્વની વસ્તુઓ છે: તમારું કુટુંબ, તમારી પત્ની, બાળકો, તમારું આરોગ્ય, અને પૈસા પણ! આ બધા એવા પથ્થર છે કે લાઈફ માંથી બધું જ જતું રહેશે અને માત્ર આ પથ્થર હશે તો પણ જેમ જાર ભરેલો લાગે છે તેમ લાઈફ ભરેલી લાગશે. આ કાંકરા એ બીજી વસ્તુઓ છે જે મહત્વની છે: તમારી જોબ, તમારું ઘર, તમારી કાર, તમારું શિક્ષણ એ બધું. અને રેતી છે એ લાઈફની બીજી ઝીણીઝીણી ચીજો છે.”

“જો તમે આ જારમાં પહેલા રેતી નાખી દો...” પ્રોફેસરે કહ્યું: “-તો અહી કોઈ જગ્યા જ નહી બચે કાંકરા અને પથ્થરો માટે! આવું જ આપણી લાઈફ માટે કઈંક હોય છે. જો તમે તમારો બધો જ સમય અને શક્તિ રેતી જેવા ઝીણા કામમાં વેડફીને જીવનને ભરી નાખશો તો મોટી વસ્તુઓ કે જે ખુબ જ અગત્યની છે તેને માટે જગ્યા જ નહી રહે. એટલે પહેલા આ પથ્થરો ઉપર ધ્યાન આપો કે જે તમારી મૂળભૂત ખુશી માટે જરૂરી છે. જીવનને ભરવા જરૂરી છે. તમારા બાળકો સાથે રમો, તમારા પત્નીને પ્રેમ જતાવો, તમારા શરીરને સાચવો, અને માં-બાપને સાચવો. આ બધું હશે તો આપોઆપ બીજા કામ, મીટીંગ, ધરની સાફ-સફાઈ કે પાર્ટીઝ માટે જગ્યા થઇ જશે. આ બધાની વચ્ચે રેતી એટલે કે તમારા મોબાઈલ્સ, ગેમ્સ, ગપ્પાબાજી વગેરે પોતાની જાતે જગ્યા શોધીને બેસી જશે.”

“પથ્થરોની કાળજી લો, કાંકરા અને રેતી પોતાની રીતે જગ્યા કરી લેશે.”

૨. ભગવાન તમારા કામ ક્યારે કરે?

એકવાર કૃષ્ણ અને અર્જુન રોજની જેમ ચાલવા નીકળેલા. રસ્તામાં એક બ્રાહ્મણ માણસ તેમની પાસે ભીખ માંગવા લાગ્યો. તેની દયનીય હાલત જોઇને અર્જુને એક સોનાના સિક્કાની બેગ આપી.

બ્રાહ્મણ ખુબ ખુશ થયો.તે પાછો ઘરે જતો હતો ત્યારે રસ્તામાં એક ચોરે તેને લુંટી લીધો. બ્રાહ્મણે પોતાના ભાગ્યને નબળું વિચારીને બીજે દિવસેથી ફરી ભીખ માંગવાનું ચાલુ કર્યું.

અર્જુન અને કૃષ્ણએ ફરી તેને જોતો અને તેની સાથે બનેલી ઘટનાની વાત સાંભળી. અર્જુને ફરી એકવાર દયા ખાધી અને તેને એક મોટો હીરો આપ્યો.

આ માણસ હીરાને ઘરે લઇ ગયો, અને હીરો સુરક્ષિત રહે તે માટે ખૂણામાં પડેલા વર્ષોથી ન વાપરેલા એક ઘડાની અંદર મૂકી દીધો. પછી તે આરામથી સુઈ ગયો.

બીજે દિવસે સવારે બ્રાહ્મણ જાગે તે પહેલા જ તેની પત્ની નદીએ પાણી ભરવા ગઈ, અને રસ્તામાં લપસી જતા તેનો ઘડો ફૂટી ગયો. તે ફટાફટ ઘરે આવી અને ખૂણામાં પડેલો ઘડો લીધો અને નદીએ જઈને એને ધોઈને અંદર તાજું પાણી ભર્યું. પત્નીને ખબર જ ન હતી કે ઘડામાં હીરો છે. પેલો હીરો નદીમાં પડી ગયો.

તે ઘરે પાછી આવી ત્યારે બ્રાહ્મણ ગાંડાની જેમ ચારે તરફ ઘડો શોધી રહ્યો હતો. પત્નીએ જયારે કહ્યું ત્યારે તે માથું પકડીને બેસી ગયો. ઘટનાથી ખુબ દુઃખી થઈને તે પાછો ભીખ માંગવા લાગ્યો.

ફરી એકવાર અર્જુન અને કૃષ્ણએ તેને જોયો. બંનેએ આ અણધાર્યો બનાવ સાંભળ્યો. અર્જુને કૃષ્ણને કાનમાં કહ્યું: “મને નથી લાગતું કે આ માણસને કઈ ભાગ્યમાં હોય, હું હવે આને મદદ કરવાનું વિચારી શકતો નથી.”

કૃષ્ણએ પછી એ માણસને બે સિક્કા આપ્યા. માણસે બે સિક્કા લીધા અને ચાલ્યો ગયો. અર્જુને કૃષ્ણને પૂછ્યું:”ભગવન...જો મારા સોનાના સિક્કા અને હીરા તેની સ્થિતિને બદલાવી ન શક્યા તો પછી બે સિક્કાથી શું થશે?”

કૃષ્ણ હસ્યા અને કહ્યું: “જુઓ તો ખરા!”

માણસ પોતાના ભાગ્યને ગાળો દેતો ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં એક માછલી જોઈ જેને માછીમારે હમણાજ પકડી હતી અને એ જીવવા માટે પાણી વિના તડફડી રહી હતી. બ્રાહ્મણને તેના પર દયા આવી અને તેણે વિચાર્યું: “આ બે સિક્કાથી આમેય મને એક ટાઈમનું જમવાનું પણ મળવાનું નથી, લાવને આ મૂંગા મરતા પ્રાણીની જીંદગી બચાવી લઉં.” અને તેણે માછલી ખરીદી લીધી. માછલીને પૂંછથી પકડીને નદીમાં નાખવા જતો હતો ત્યાં જ તેને ખબર પડી કે માછલીના ગળા માંથી હીરો પડ્યો કે તેની પત્નીએ નદીમાં વહાવી દીધેલો હતો. બ્રાહ્મણ એટલો ખુશ થઇ ગયો કે તેણે હીરો ઉંચો કરીને રાડો નાખવા લાગી: “જુઓ મને શું મળ્યું. કોઈ જુઓ મને શું મળ્યું!”

આ જ સમયે પેલો ચોર કે જેણે બ્રાહ્મણને લુંટેલો તે પસાર થતો હતો અને બ્રાહ્મણની રાડ સાંભળીને તેને થયું કે આ માણસે મને ઓળખી લીધો અને એટલે જ એ ગામને ભેગું કરવા કહી રહ્યો છે: “જુઓ મને શું મળ્યું!” ચોર દોડતો બ્રાહ્મણ પાસે આવ્યો, તેના સિક્કાની થેલી પાછી આપી અને કોઈને ન બોલાવવા આજીજી કરવા લાગ્યો. આટલી સંપતિથી આનંદમાં આવીને આ બ્રાહ્મણ અર્જુન અને કૃષ્ણને મળવા ગયો અને પોતાની સાથેની બનેલી બધી વાતો કરી. છેવટે અર્જુને કૃષ્ણે પૂછ્યું:

“ભગવન...એવું કેમ થયું કે મારું સોનું અને હીરો કઈ મદદ ન કરી શક્યા પરંતુ તમારા ખોટા બે સિક્કા કામમાં આવી ગયા?”

કૃષ્ણ એ જવાબ આપ્યો: “જયારે એ માણસ પાસે સોનું અને હીરો હતા ત્યારે એ માત્ર પોતાના વિષે જ વિચારી રહ્યો હતો, પોતાની જરૂરીયાત અને ક્યાં એ વાપરવું તે જ વિચારી રહ્યો હતો. પણ જયારે મેં બે સિક્કા આપ્યા ત્યારે તેણે બીજા પ્રાણીની જરૂરીયાતને પોતાની જરૂરિયાત પહેલા મૂકી, અને એટલે મેં આ માણસની જરૂરીયાતને પૂરી કરી. સત્ય એ છે અર્જુન કે જયારે તમે બીજાના દુઃખ અને જરૂરીયાત વિષે વિચારો અને એમને માટે કામ કરો,મદદ કરો, ત્યારે તમે ભગવાનનું કામ કરી રહ્યા છો અને ભગવાન ખુદ તમારી કાળજી લેવા આવી જાય છે, ભગવાન ખુદ તમારા કામ કરવા ઉપાધી કરવા લાગે છે.”

(Quora.com પરની પ્રેરણાદાયી કહાનીઓ માંથી આ કહાની લીધેલી છે. )

હમણા થોડા સમયથી હું મારા લેખોની અંદર કહાનીઓ મૂકી રહ્યો છું. આ કહાનીઓ મુકવાનો એક માત્ર ઉદેશ્ય કોઈ અલગ નથી