રિકેપ:
આપણે જુના આર્ટિકલ્સમાં જોયું, જાણ્યું અને માણ્યું સ્વિત્ઝરલેન્ડ વિશે। તેમનું [પરિવહન, તેમના લોકો , તેમનું શિસ્ત, તેમની સ્વછતા વગેરે વગેરે .. આ આર્ટિકલમાં જાણીએ "એફિલ ટાવર" ફેમ, યુરોપની રોમાન્ટિક જગ્યામાની એક.. ફ્રાન્સ
ફ્રાન્સ :
હું આ આર્ટિકલ શરુ કરવા પહેલા પૂર્વધારણા બાંધી લઉં। . ફ્રાન્સ એ મારો સૌ પ્રથમ વિદેશ પ્રવાસ હતો જે મારે કોઈની હેલ્પ વગર કરવાનો હતો. (સ્વિત્ઝરલેન્ડમાં 80% થી વધુ વ્યવસ્થા મારી કપંનીએ કરી હતી અને મારે માત્ર સ્વિત્ઝરલેન્ડ જઈને કામ કરવાનું હતું। આ ઉપરાંત મારા સાથી મિત્રો પહેલાથીજ સ્વિત્ઝરલેન્ડમાં વસવાટ કરતા હોવાથી મારા માટે એક મોટો મોરલ સપોર્ટ હતો, પરંતુ ફ્રાન્સમાંતો મારે બધી વ્યવસ્થા જાતે જ કરવાની હતી) આ ઉપરાંત ફ્રાન્સના પ્રવાસ દરમિયાન હું અને મારા પત્ની ઉપરાંત બે વડીલ પણ સાથે હતા. એટલે વ્યવસ્થા પણ તેમને ધ્યાન રાખીને કરવાની હતી.
ફ્રાન્સના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમતો મારે આવવા જવાની ટિકિટ અને રહેવાનો બંદોબસ્ત કરવાનો હતો. વિચાર્યું હતું કે ફરવાનું તો ત્યાં જઈને પૂછી લેશુ।
યુરોપમાં જયારે એક દેશથી દેશ પ્રવાસ કરવાની વાત આવે ત્યારે એક વાત થોડી અજુગતી ખરી પણ ક્લીઅર કરી દઉં. આખું યુરોપ જમીન માર્ગે જોડાયેલું હોવાથી પ્રવસ માટે ત્રણ અગત્યના પરિવહન સાધનોનો ઉપયોગ કરવામાં .આવે છે.
1. બસ
2. ટ્રેન
3.વિમાન
આ ઉપરાંત ક્રુઝનો પણ ઉપયોગ થતો હોય છે જે દેશો દરિયાઈ માર્ગે જોડાયેલા હોય જેમ કે ઇટાલી, સ્પેન વગેરે।.. પરંતુ ક્રુઝમાં પરિવહન એ થોડું મોંઘુ ઉપરાંત સમય માંગી લે એવું હોવાથી માત્ર મોટા બિઝનેસ મેન પોતાના શોખ ખાતર ક્રુઝનો ઉપયોગ કરતા હોય છે.
હવે જયારે નાણાકીય વાત આવે ત્યારે એટલું તો સ્પષ્ટ હોય છે કે આપણે સસ્તું અને સારું પરિવહન શોધીએ। અને આ બાબતે આખા યુરોપમાં વિમાન સેવા સૌ પ્રથમ આવે છે. ચોંકી ના જતા મિત્રો।.. પરંતુ સૌથી સસ્તું પરિવહન બસ, તે પછી વિમાન અને તે પછી ટ્રેન આવે છે. અને બસ અને વિમાનના ભાડામાં તફાવત જરાક ઓછો છે એટલે તમારું મન 100% લલચાય કે બસમાં જઈને રૂપિયા બચાવસુ તો ખાલી ખોટા 5-6 કલાકની મુસાફરી થશે. તેમ ના કરીએ અને થોડા વધુ રૂપિયા આપીએ તો માત્ર 1 કલાકની અંદર તો બીજો દેશ આવી જાય. અને ક્યારેક તો ઓફર એવી હોય છે કે સાવ નજીવા ભાવે તમે વિમાનની મુસાફરી કરી શકો.
અને વડીલો હોવાથી મેં વિમાનસેવાનો ઉપયોગ કરવાનું યોગ્ય સમજ્યું, મેં મારી વિમાનની ટિકિટ શુક્રવારે સાંજની 5 વાગ્યાની રાખી। એટલે 7 વાગ્યા સુધી હોટલ પર પહુચીને આરામ કરી રાતે એક વાર ફ્રાન્સ જોવાય અને રિટર્ન સોમવારે સવારે 8 વાગ્યે રાખ્યું એટલે સમયસર હું મારી ઓફિસ પહુંચી શકું. અને 2 દિવસ હોવાથી ફ્રાન્સનો નજારો માણી શકાય,, મને ફ્રાન્સ જઈને અહેસાસ થયો કે બે દિવસ તો બહુ ઓછા પડે. કેમ કે ફ્રાન્સ માં મસ્ટ વોચ જગ્યામાં "એફિલ ટાવર" , "એન ઇવેનિગ ઈન પેરિસ", " લોવરે મ્યુઝિયમ", :"નોટ્રે ડેમ ચર્ચ", "ડિઝનીલેન્ડ", " સેક્રે દી સીઓર" વગેરે વગેરેનો સમાવેશ થાય છે।. સમયના અભાવે મેં માત્ર પેરિસની જ મુલાકાતનું નકી કર્યું છે એટલે આ બધી જગ્યા માત્ર પેરિસની મસ્ટ વિઝિટ જગ્યા છે
હોટેલ બુકિંગમાં આપણી પાસે બે ઓપ્સન હોય છે. એક તો સીધી સાદી હોટેલ અથવા તો નાઈટ ડોર્મેટરી। નાઈટ ડોર્મેટરીની વાત કરું તો જો તમે ક્વિન પિક્ચર જોઈ હશે તો આરામથી ખબર પડી જશે. જ્યાં પિક્ચરની હિરોઈન કંગના રાણાવત નેધરલેન્ડમાં જે જગ્યાએ રહે છે એવું જ કંઈક। ડોર્મેટરી એટલે બીજું કઈ નહિ પરંતુ એક મોટા હોલમાં તમને સુવા માટેનો પલંગ અને ચાદર, ગાદલું વગેરે મળે. આ ડોર્મેટરી એ સૌથી સસ્તી જગ્યાછે કુંવારાઓ માટે।..આપણા માટે થોડું વિચિત્ર પણ યુરોપમાટે નોર્મલ વસ્તુ છે કે આ હોલમાં છોકરાઓ અને છોકરીઓ એક સાથે રહી શકે છે. હેતુ એજ માત્ર કે જે લોકો હરવા ફરવા આવ્યા હોય છે તેમને એક રાતે સુવાનો અને થેલી મુકવાનું એક ઠેકાણું। બીજું કઈ નહિ.જો તમે એકલા વિઝિટ માં જવાનો વિચાર કરતા હો તો ડોર્મેટરી ઇસ બેસ્ટ એન્ડ મોસ્ટ ઈકોનોમિકલ
વડીલો હોવાથીમેં હોટલ બુક કરાવી।કેમકે તેમની વ્યવસ્થા ડોર્મેટરીમાં સાચવવી થોડી અઘરી છે. ડોર્મેટરીમાં માનીલો કે 15-20 પલંગ હોય તો પણ બાથરુમતો માત્ર 1-2 જ હોય. એક ધર્મશાળા જેવું જ। વડીલો પ્રથમ વખત આવતા હોવાથી ડોર્મેટરીમાં નાની મોટી અગવડતાને ટાળવા મેં હોટલનું બુકીંગ યોગ્ય સમજ્યું।
ગુરુવાર
મગજમાં આશા સાથે કે એવી જગ્યાએ હું સ્વ ખર્ચે ફ્રાન્સ જઈશ અને ત્યાં એકદમ આરામથી હરીશ ફરીશ। પરંતુ આપણે જેટલું કઈ પ્લાન કરીએ તેનાથી કંઈક તો અજુગતું થાય જ. હું તો હજી જસ્ટ સવારે ઉઠ્યો અને વિચાર્યું કે આવતી કાલ (શુક્રવાર) માટેની જે જે તૈયારીઓ છે તેનું લિસ્ટ બનાવીને રેડી કરી નાખું ત્યાંતો મને એક મેસેજ આવે છે
" એર ફ્રાન્સ કે જેમાં આવતી કાલે તમે મુસાફરી કરવાના છો તે પ્લેન અજૂગતા કારણોસર રદ કરવામાં આવ્યું છે. તમે બીજી એર ફ્રાન્સની વિમાનની સેવાનો વિના મુલ્યે આનંદ લઇ શકો છો. જો તમે સમયમર્યાદા અનુસાર મુસાફરીના કરી શકો એમ હો તો તમને 100% નું વળતર આપવામાં આવશે।"
મેં તો આ મેસેજ બે વખત વાંચ્યો। અને એક સાહજિકતા અનુસાર તપાસ કરી કે આમ કેમ 1 દિવસ પહેલા આખી ફ્લાઇટજ કેન્સલ થઇ જાય. ગુગલ મહાદેવ તો હંમેશ માટે રેડી હોય. તેમાં સર્ચ કરતા ખબર પડી કે એર ફ્રાન્સના અમુક કર્મચારીઓ હડતાલ પર હોવાથી ઘણી ફ્લાઇટ રદ થઇ છે.
પણ આતો ઉલ્ટાનું વધુ ટેંશન। શુક્રવારની બીજી એવી ફ્લાઇટ ગોતવી પડે કે જેથી આપણો પ્રોગ્રામ રદ ના થાય અને એ ઉપરાંત હોટલ બુકિંગમાં પણ અસરના પડે. જો રૂપિયાનું સાદું ગણિત સમજવું હોય તો એમ કહી શકું કે વ્યાજબી હોટલના ભાવ ઓછામાં ઓછા 7000 તો હોય જ એટલે આપણે તો પેલું એ વિચારીએ કે સાલું ફ્રાન્સ જઈએ કે ના જઈએ પણ આ 7000 કેમ પડતા મુકવા। (તે એક દિવસ પહેલા કેન્સલ કરીએ તો પણ પેનલ્ટી તો લાગે જ)
એર ફ્રાંસે તો બનતી મદદ કરી કે તમે કોઈ પણ ફ્લાઇટ લ્યો।.. તમને એક્સટ્રા ચાર્જ નહિ લાગે।.. અને આજે નહીતો એક મહિનામાં ગમે ત્યારે ગમે તે ફ્લાઇટ બુક કરો.. એક્સટ્રા ચાર્જ નહિ... પણ તેમ છતાં તમે ના જઇ શકો એમ હો તો તમારા દરેક રૂપિયા પાછા।..
એટલે મેં વિચાર્યું કે બીજી કોઈ દલીલમાં પાડવા કરતા કોઈ બીજી ફ્લાઇટ ગોતીએ।.. નસીબે કે કમનસીબે શુક્રવારની સવારની 10 વાગ્યાની ફ્લાઇટ હતી. નસીબ સારું એટલે કે ફ્રાન્સમાં ફરવાનો એક દિવસ વધી જશે (સાંજે પહોંચવાની બદલે સવારે પહોંચશું) ... અને કમનસીબ એટલે કે શુક્રવારની રજા લેવી પડશે।.. અને સ્વિત્ઝરલેન્ડમાં પગાર એટલા ધરખમ કે એક દિવસની રજા એટલે એટલા રૂપિયા ઓછા એ પણ થોડું લાગી આવે. પણ સિચ્યુએશન એવી રચાણીકે બધા પોતાની જગ્યાએ સાચા હોવા છતાં મરો તો થવાનો જ. અને સોમવારની તો રજા તો પહેલાથી લીધેલી એટલે વધુ એક રજા તે પણ છેલ્લા દિવસે લેવી એ થોડું કપરું કામ હતું,
હું તે અઠવાડિયે એક અગત્યના કામ ખાતે 12-14 કલાક ઓફિસ જઈ રહ્યો હતો. મેં ગુરુવારે રાતે મારા બોસને જણાવ્યુકે કાલે મારી તબિયત બરાબર ના હોવાથી રજા આપજો। મારા આશ્ચર્યની વચ્ચે તેમનો જવાબ આવ્યો કે જો તબિયત બરાબર ના હોય તો આરામ કર. રજા લેવાની જરૂર નથી.મેં વિચાર્યુકે હું એટલું કામ કરું છું એટલે કદાચ ખુશ થઈને એમણે રજા નહિ કાપી હોય પણ તેમણે મને સમજાવ્યું કે સ્વિત્ઝરલેન્ડ અથવાતો યુરોપના કોઈ પણ દેશમાં તબિયત બરાબરના હોય તો કોઈ પણ રીઝન વગર રજા મૂકી શકાય।જેને સિક્ક લીવ ગણાય। અને દેશનો કાયદો એમ કહે છે કે કોઈ વ્યક્તિ જો બીમાર હોય તો તેમનો પગાર કાપી શકાય નહિ. વર્ષની 14 સિક્ક લીવ માન્ય છે અને હવે ભારતની ઘણીં કંપનીઓઃ આ કાયદાને અનુસરે છે. એટલે કહો કે ભાવતું હતું અને વૈદ્યે કહું એવો ઘાટ રચાઈ ચુક્યો હતો.ફ્રાન્સમાં વિના મુલ્યે એક દિવસ ફરવાની છૂટ કહી શકાય।
શુક્રવારે સવારે બીમાર હોવાનો ઢોંગ કરી રજા લઈને (મારે તો રજા નાખવી હતી, પરંતુ એમ કહું કે એક દિવસ પહેલા ફ્રાન્સ જવું છે તો કામનું બહાનું દઈને ના પાડત। પણ બીમારીનું બહાનું દીધું તો મફતમાં સામેથી રાજા।.. એટલે ઢોંગ તો કરવો જ રહ્યો।. ) સવારે 10 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા। એક સમજવા જેવી વાત હું કહી દઉં.. કે કોઈ પણ યુરોપના દેશમાં જન્મેલા વ્યક્તિને પાસપોર્ટ વગર યુરોપના લગભગ 16 દેશોમાં પ્રવેશની છૂટ છે. આ યુરોપ યુનિયનને સેંઘેન યુનિયન કહેવાય છે અને વિસા પણ સેંઘેન વિસા હોય છે. પરંતુ જો તમે બીજા દેશના વ્યક્તિહો અને તમારી પાસે જેતે દેશનો પરમીટ હોય (માની લો કે આધાર કાર્ડ) તો પણ પાસપોર્ટ તો રાખવો જ રહ્યો એટલે કે સ્વિત્ઝરલેન્ડની વ્યક્તિ માત્ર તેમની ઓળખથી આ 16 દેશમાં ફરી શકે પરંતુ હું સ્વિત્ઝરલેન્ડનો કાયમી રહેવાસી ના હોવાથી મારી પાસે સ્વિત્ઝરલેન્ડનો આધાર કાર્ડ હોવા છતાં પાસપોર્ટ તો રાખવો જ પડે.
બધી ઔપચારિકતા પૂર્ણ કરીને અમે ચારેય જણ એક અદભુત અને અનેરા પ્રવાસમાં નીકળ્યા જે એક હસીન સપનાને પણ ટક્કર દે એવો નિવડવાનો હતો.
ફ્લાઇટ પોતાની રફ્તાર જમીનપર પકડીને જાણે જમીનને ધક્કો દઈ, જાણે કૂદકો ના મારતું હોય, આકાશ તરફ પ્રયાણ કર્યું। અને માત્ર 10 મિનિટમાંતો એક અદભુત નઝારો જોવા મળ્યો। બાળપણમાં જેનાથી ભાગવાની ટ્રાય કરતા તે યુરોપના હિમાલયની જેમ આલ્પ્સની પર્વતમાળા આંખની સમક્ષ એક અલૌકિક સ્વર્ગની જેમ ઉપસી આવી હતી. સવારનો સમય હતો અને કુમળો તડકો આ એકદમ શીતળ બરફધારી પર્વતમાળા પર પડતો હતો જાણે કે નાના નાના અસંખ્ય પર્વતોએ એક સાથે સોનેરી કલરની ઓઢણી ઓઢી હોય. આ હા હા હા... કોઈ શબ્દ જ નહિ..કુદરતની આ અવર્ણનીય રચનાને તો લાખ લાખ સલામ।
આ દ્રશ્ય જોતા અને વાગોળતાતો ફ્રાન્સનું સૌથી મોટું શહેર, પેરિસ, આવી ગયું। પેરિસમાં બે વિમાન મથક છે. એક પેરિસના મધ્યમાં છે તો બીજું પેરિસથી 60 કિલોમીટરમાં આવેલ છે. થોડું દૂર આવેલ વિમાનમથકમાં ઉતારતા દરેક પ્લેનના ભાવ મધ્યમાં ઉતારતા પ્લેન કરતા બહુ ઓછા હોય છે. અને આ ઉપરાંત પેરિસ એ ફેશનની દુનિયાનું હબ હોવાથી એકદમ વ્યસ્ત પણ છે. એટલે મધ્યમાં ઉતારતા પ્લેનની ટિકિટ મોંઘી હોવા ઉપરાંત મળવી પણ મુશ્કેલ હોય છે.
અમે પ્લેનથી ઉતરીને વિમાન મથક પર પહોંચ્યા ત્યાં એક અનોખી વસ્તુ જોવા મળી. જેમ ઉપર અને નીચે આવવા માટે એસ્કેલેટર હોય તેમ ફ્રાન્સના આ વિમાન મથકમાંતો સીધા ચાલવા માટે પણ એસ્કેલેટર હતું। એટલે કે આપણે ઉભા રહી જવાનું।.. એસ્કેલેટર આપોઆપ આગળ વધે. ટેક્નોલોજી અને આઈડિયાનો અદભુત સમન્વય।
લગભગ બપોરે 3એક વાગે પહોંચ્યા હશું। તે દિવસે આરામ કરી, બીજા દિવસની પૂછપરછ કરી અને પગપાળા લટાર મારી। એક આઈડિયાતો આવી ગયો હતો કે ફ્રાન્સ અદભુત તો છે જ સાથે થોડું ગીચ પણ ખરું। અને ગીચ હોવાથી તેમના રસ્તાઓ અને ગલીઓ સ્વિટ્ઝરલેન્ડ જેટલી ચોખી નહિ. પરંતુ પેરિસએ દુનિયાનું સૌથી વધારે વિઝિટ થનારું સીટી હોવાથી રસ્તા સાઈડની દરેક બજારો ધમધમતી હતી અને દરેક પ્રકારની વસ્તુઓ વ્યાજબી હતી. જે સ્વિટ્ઝરલેન્ડમાં શક્ય નહોતું.
શનિવાર:
મિત્રો, હું પેરિસ ફરવામાટે હું "હોપ ઓન હોપ ઓફ" બસનો ઉપયોગ કરું કે ટ્રેનનો।. એ અસમનજસમમાં હતો. કેમ કે ટ્રેન સસ્તી પડે પરંતુ ભીડ હોવાથી વડીલોમાટે થોડું અગવડ પડી જાય. એટલે મેં બસનો ઉપયોગ કર્યો। આ બસ, આખા પેરિસનું દર્શન કરાવતી। અને તેમાં પણ કોઈ જાતની શરત નહિ..ગણિત કંઈક એવું હતું કે એક જ કંપનીની 10-12 બસ દર અડધા કલાકે નીકળે। 10-12 મેઈન પ્લેસમાં ઉભી રહે. આપણે જ્યાં ઉતારવું હોય ત્યાં ઉતરી જવાનું।. અને એજ જગ્યાએ 30મિનિટ રહીને બીજી બસ આવે તેમાં ચડી જવાનું। સવારે 8.30 થી સાંજે 6.30 સુધી અવિરત બસ આવે રાખે। એટલે આપણે કોઈના આધીન પણ નહિ.
"હોપ ઓન હોપ ઓફ" બસ ડબલ ડેકર બસ હોય જેમાં ઉપરનો માળ ખુલો હોય. તે જગ્યાએ અમે અમારી જગ્યા લઇ લીધી અને મારા પ્લાન પ્રમાણે અગત્યના 3-4 સ્થળો પર વધારે સમય ગાળવાનું નકી કર્યું। આ પ્લાનમાં સૌ પ્રથમ .આવતું હતું "લોવરે મ્યુઝિયમ".. આ એજ મ્યુઝિયમ કે જે જગ્યાએ જગ જાણીતી "મોના લિસા"નું પિક્ચર હતું। આ મ્યુઝિયમ તો એટલું ભવ્ય અને એટલી બધી દુર્લભ પ્રતિકૃતિઓ ઉપલબ્ધ હતી કે કોઈ એક સાચા ઇતિહાસકારને ઓછામાં ઓછા 1 મહિનાનો સમય જોઈએ દરેક પ્રતિકૃતિઓને નિહાળવામાટે। 60,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં વિસ્તરેલું આ મ્યુઝિયમમાં 4 લાખ થી પણ વધુ કલાકૃતિઓ રાખવામાં આવી છે. હવે તમે અંદાજો લગાવી શકો છો. આ મ્યુઝિયમની ભવ્યતા ઉપર. જો તમે બહુ ચર્ચિત પિક્ચર "દા વિન્ચી કોડ" પિક્ચર જોયું હશે તો તમને ખ્યાલ હશે પિક્ચરના અંતમાં દાર્શવેલ દ્રશ્ય જેમાં એક પ્રચંડ બિલ્ડીંગ અને તેની બહાર એક મોટો ત્રિકોણાકાર અથવાતો પ્રિઝમ આકારની એક બહુ મોટું માળખું છે. આ માળખાની ઝલક જોવામાટે જ લોકો તરસતા હોય છે.
બસ 9 વાગે શરુ થઈ, પેરિસ।..બસ શરુ થઈને મુખ્ય રસ્તા આવી. અને જે નઝારો હતો એ અવર્ણનીય હતો. સવારનો સમય હતો અને વરસાદી વાતાવરણ હતું।રસ્તાની બેય બાજુ મોટા મોટા એપાર્ટમેન્ટ હતા. આ એપાર્ટમેન્ટ એ કઈંક જુના હોય તેવું લાગ્યું। જુના એટલે ખરાબ નહિ પણ જૂની શૈલીથી બનેલા હોય તેમ લાગ્યું। આ દરેક એપાર્ટમેન્ટમાં રહેલા ઘરમાં બાલ્કની રસ્તા તરફ હતી. દરેક બાલ્કનીમાં એક ગુલાબના ફૂલનું (મોટાભાગે) કુંડુ તો હોય જ. અને આ બાલ્કનીમાંથી શનિવારે સવારે ઘણા લોકો એક હાથમાં કોફીનો કપ રાખીને ચુસ્કીઓ લઇ રહ્યા હતા. મારુ સૌ પ્રથમ અવલોકન એ હતું કે પેરિસએ જીવંત શહેર હતું। સ્વિત્ઝરલેન્ડ બધી રીતે ઉત્તમ કહી શકીએ પરંતુ ત્યાંની ભીડ ઓછી હોવાથી અને વધુ પડતા શિસ્તથી કંઈક અજુગતું તો લાગતું જ હતું। પરંતુ પેરિસમાં એવું લાગે કે કંઈક મેળો લાગ્યો હોય પરંતુ ભીડ એવી નહિ કે આપણને હિચકિચાટ થાય. કહી શકાય કે હેપનિંગ પ્લેસ।.બસ આ પહોળા રસ્તા પરથી પસાર થતી એક મોટા પુલ પર આવી. અને અહીંનો નજારો તો એવો હતો કે જાણે આપણે અહીં જ વસવાટ કરવાનું મન થઇ જાય. મુસાફરોના ઝુંડ ઉમટ્યા હતા આ પુલ પર... કોઈક ચાઈનીઝ તો કોઈક જાપાનીઝ।. કોઈક યુરોપિયન તો કોઈક એશિયન।.. વિશ્વના દરેક ખૂણામાંથી આવીને અહીં એમ મોટી નદી (નદીનું નામ સેઇન છે) પર સેલ્ફી લઇ રહ્યા હતા. આ જગ્યાએ મેં સૌ પ્રથમ સેલ્ફી સ્ટેન્ડ જોયા હતા. ભારતમાં આ સેલ્ફી સ્ટેન્ડ લગભગ 2 વર્ષબાદ આવ્યા હશે. લોકોના આનંદ અને કિલકિલાટથી આ જગ્યા ગુંજી ઉઠી હતી...
આ દરેક જગ્યાએથી પસાર થઈને બસ "લોવરે મ્યુઝિયમ"માં પ્રવેશી। ટીકીટમાટે લાંબી કતારો હતી પરંતુ બહારનો નજારો જ આહલાદક હતો. લોવરે મ્યુઝિયમનું ગ્રાંડ લોવરે પિરામિડતો એક અલગ જ અહેસાસ આપતું હતું। મોટાભાગના મુસાફરોતો માત્ર આ પિરામિડને જોવા જ આવ્યા હોય તેમ લાગતું હતું। અમારી પાસે સમયના હોવાથી અમે આ મ્યુઝિયમની અંદર જવાનું ટાળ્યું હતું। પરંતુ આ પિરામિડનો નજારો રાત્રે જોવો એકે કે લ્હાવો છે. એટલે મેં મનોમન તો નક્કી કર્યું કે રાતે અહીં લટાર મારવી જ રહી.
અડધી કલાક વિતાવી અને બીજી બસમાં સ્થાન ગ્રહણ કર્યું। અને 1-2 સ્ટોપ રહીને જ ઉતારવાનું હતું। આ સ્ટોપ એ તો એક અજાયબીથી કમ નહોતું। પ્રેમીઓ નો સૌથી મોટો બ્રિજ।. "લવ લોક બ્રિજ" .. જેમ અમદાવાદમાં સાબરમતી નદી પર 6-7 બ્રિજ છે તેમ સેઇન નદી પર એફિલ ટાવરની નજીકના એરિયામાં જ 2-3 બ્રિજ છે. જેના નામ તો જુદા જુદા છે. પરંતુ આ બધા બ્રિજને લવ લોક બ્રિજ કહેવાય છે. અહીં પરંપરા એ છે કે પ્રેમી પંખીડા આ બ્રિજ પર એક તાળું લગાવે છે અને તેની ચાવીને નદીમાં ફેંકી દે છે. પ્રેમીઓની ધારણા છે કે જ્યાં સુધી આ તાળું નહિ તૂટે ત્યાં સુધી તેમનો પ્રેમ પણ અતૂટ રહેશે। મિત્રો।.. લગભગ 100-150 મીટર લાંબા પુલ પર બેય બાજુ અસંખ્ય તાળા લાગેલા જુએ મળે. અને લોકો લગાવતાજ જાય.. અને આ 3-4 પુલ પર માત્ર તાળા જ દેખાય।. કેટલા તાળા હશે તેની કપ્લના કરવી અશક્ય છે પણ કદાચ લાખોની સંખ્યામાં તો ખરા જ. કહેવાય છે કે કોઇ એક પુલ નો એક ભાગ આ તાળાનું વજન જીલવા અસમર્થ બન્યો અને તેથી કોઈ હોનારત ના બને તેમાટે દરેક તાળાઓને કાઢી લેવામાં આવ્યા હતા. માત્ર 6 મહિનાની અંદર પાછા એટલા જ તાળાઓ પ્રેમી મુસાફરો લગાવી ગયા હતા. દરેક કપલને તાળા લગાવતા જોઈને દુઆ તો નીકળતી કે ખુદા આ જોડીઓને સલામત રાખે।..
આ પુલ પર ફરી પાછા બસ સ્ટેન્ડ પર આવ્યા જ્યાં "હોપ ઓન હોપ ઑફ" બસ રેડી હતી. દરેક જગ્યાને જોવા માટે કોઈ પણ જાતની પરેશાની નહિ અને આ ઉપરાંત બસ મિસ થઈ જશે એવું કોઈ ટેંશન નહીં। ખરેખર, આપણે તો આ ટાઈમ ટેબલ શીખવું જ રહ્યું।..આપણે મુસાફરી કરતા હોઈએ તો "આગે બઢો , આગે બઢો " ની બૂમો અને જલ્દી ચાલો બસ ઉપડે છે... એ તો સામાન્ય થઇ જાય છે.
અને હવે પછીનું વન એન્ડ ઓન્લી "એફિલ ટાવર" આવવાનું હતું। નદીને પાર કરીને દૂરથી જે દેખાતું હતું એ તો જોઈને હું દંગ રહી ગયો. એફિલ ટાવરનું ટોચ. 10 મિનિટમાં એફિલ ટાવરનું સ્ટોપ આવ્યું ત્યાંતો બસમાંથી નીચે ઉતારવામાં અમે સૌ પ્રથમ હતા. અને બસના દરેક મુસાફરો અહીં ઉતરી ગયા.
"એફિલ ટાવર"... જગ્યાજ એવી કે દરેકના મુખમાંથી શબ્દ નીકળી જાય.. "વાઉઉવ"
12 વાગ્યાનો સમય હશે.. આખું પેરિસ જાણે અહીજ હાજર હોય.. એટલો તોતિંગ ટાવરકે કિલોમીટર સુધી ટાવર જ દેખાય। કોઈ લાઈનમાં ઉભા રેવાની જરૂર નહિ.. કોઈ પણ આડુ ના આવે... "એફિલ ટાવર" એ ચાર રસ્તાના ચોરાયા પર હશે. અને આ જગ્યા એટલી સરસ રીતે મેન્ટેઇન કરી છે કે હજારો લોકો મોજુદ હશે પરંતુ ભીડનો કોઈ અહેસાસ નહિ. "એફિલ ટાવર"ની સામે એક મોટું ઓપન ગાર્ડન છે અને ત્યાં સેંકડો લોકો આરામથી બેસીને આ અદભુત અને અલૌકિક ટાવરને માણી રહ્યા હતા. અમે પણ એકદમ એક ગુજરાતીઓની લાક્ષણિક અદાથી મેથીના થેપલા, દહીં અને અથાણું ખાતા ખાતા દુનિયાના સૌથી રોમાન્ટિક શહેર પેરિસના વિખ્યાત ટાવર એફિલ ટાવરનો આનંદ માણવા લાગ્યા।..
મિત્રો।.. આશા હશે કે તમને લેખ ગમ્યો હશે... પછીના લેખમાં આપણે "સેક્રે ડી સિહોર" અને એન ઇવનિંગ ઈન પેરિસનો નજારો માણીશું।.. આ લેખ વાંચવા પહેલા ચોક્કસથી શમી કપૂર સાહબની પિક્ચર જોઈ લેજો।..
મિત્રો।.. મને વાચક મિત્રો સવાલ પૂછતાં રહે છે.. તમે પણ કોઈ પણ સવાલ પૂછી શકો છો...દરેક પ્રશ્નનો જવાબ હું તમને વ્યક્તિગત રીતે આપીશ।..