ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન
તુર્કી દેશ એ યુરોપ અને એશિયા ખંડમાં આવેલ છે. તુર્કીનું શહેર ઈસ્તંબુલ એ યુરોપ વચ્ચેનું પ્રવેશ દ્વાર ગણાતું હતું. આ સ્થળમાર્ગનો ઉપયોગ કરીને યુરોપિયન વ્યાપારીઓ ભારત સુધી આવતા અને અહીની પ્રખ્યાત વસ્તુઓ – મલમલ, શણ, કપાસ,રેશમ, મરી મસાલા, તેજાના, વગેરે વસ્તુઓ લઇ જતા અને યુરોપમાં તે ખુબ ઉંચી કીમતે વેંચતા. આ ઈસ્તંબુલ શહેર ખ્રિસ્તીઓના કબજા હેઠળ હતું. પણ આ જ સમયે તુર્કીનાં મોટા ભાગ પર ઓટોમાન તુર્ક સામ્રાજ્યનું વર્ચસ્વ હતું.
પણ, ઈ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે ધર્મયુદ્ધો ની શરૂઆત થઇ હતી. જેમાં ઓટોમાન તુર્કો વિજયી બનતા ખ્રિસ્તીઓના તાબા હેઠળના તુર્કીના કોન્સ્ટેન્ટીનોપલ ( ઈસ્તંબુલ) નું પતન થયું અને તે તુર્ક મુસ્લિમો એ જીતી લીધું.
પણ હવે ઈસ્તંબુલનું પ્રવેશદ્વાર બંધ થતા જમીન માર્ગ છીનવાઈ ગયો એટલે યુરોપિયન લોકોએ ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરીયાત ઉભી થઇ. એટલે કે જરૂરીયાત શોધ ખોળની જનની સાબિત થઇ. જેમાં યુરોપના અલગ અલગ નાવિકો અને રાજાઓનું ઘણું યોગદાન રહેલું છે.
રાજા હેનરી- ધ નેવીગેટર –
ભારત તરફની શોધખોળોમાં પોર્ટુગલના રાજા હેનરીએ મહત્વની કામગીરી બજાવી હતી. તેણે નાવિકોને શોધખોળો અને દરિયાઈ તાલીમ આપવા “ નાવિક સ્કૂલ “ બનાવી અને તોફાનોમાં પણ મુસાફરી કરી શકે તેવું કારાવેલ- CARAVEL નામનું વહાણ પણ બનાવેલું.
તેણે ભૂગોળવેતાઓ, ગણિતશાસ્ત્રીઓ,કપ્તાનો, નાવિકો, નકશા આલેખનકારો નો કાફલો ઉભો કરેલો. ઉપરાંત લોકોને ભારત તરફ નવો જળમાર્ગ શોધવા માટે આર્થિક મદદ પણ કરી. ખુદ રાજાએ આફ્રિકા ખંડના કેટલાય કિનારાના ટાપુઓ શોધ્યા હતા. આવી સાહસિક પ્રવૃતિના પ્રોત્સાહનને કારણે તેને ઇતિહાસમાં “ હેન્રી ધ નેવીગેટર” કહેવાય છે.
બાર્થો-લોમ્યું-ડાયઝ -
તે રાજા હેનરીનો નાવિક હતો. તેણે હેનરીની સહાયથી એટલાન્ટીક મહાસાગર પાર કરીને આફ્રિકા ખંડના દક્ષીણ છેડેનાં બંદર સુધી પહોચવાનો પ્રયાસ કરેલો. ને ત્યાંથી તે હેનરી પાસે પોર્ટુગલ પાછો ફર્યો અને નકશા તૈયાર કર્યા. પણ આ સ્થળ તોફાનોથી ભરપુર હતું એટલે ડાયઝે તેને “ કેપ ઓફ સ્ટ્રોમ” એવું નામ આપેલું.
પણ બાદમાં, મોઝામ્બિક બંદર પાસેની આ જગ્યાને હેનરીએ “ કેપ ઓફ ગૂડ હોપ “ ( હાલનું – કેપ ટાઉન ) નામ આપ્યું. કારણ કે ડાયઝએ શોધેલા આ સ્થળથી ભારત તરફ જવાનો નવો માર્ગ શોધી શકાશે તેવી રાજાને આશા બંધાઈ હતી.
કોલંબસ –
તે મૂળ ઇટાલીનો ખલાસી હતો. તે નવો જળમાર્ગ શોધવા આતુર હતો પણ કોઈ ખાસ રાજા કે વ્યાપારી તેને મદદ કરવા તૈયાર ન હતું. કારણ કે તે દુનિયા ગોળ છે અને સમુદ્રથી ઘેરાયેલ છે તેમ તે ચુસ્ત રીતે માનતો હતો અને તે પૂર્વદિશાના બદલે પશ્ચિમ દિશામાં આગળ વધી ભારત પહોચવા માંગતો હતો કારણ કે તે એવું માનતો હતો કે પશ્ચિમ તરફથી ભારત જવાનું અન્તર ઓછું થાય છે. પણ એ સમયે લોકો માનતા હતા કે ભારત તો પૂર્વ દિશા તરફથી જ જવાય છે.
.
પણ અંતે સ્પેનની રાની ઈસાબેલની મદદથી તે ૮૮ નાવિકોના કાફલા સાથે ૩ જહાજ “ સાંટા મારિઆ, સાંટા નીના, સાંટા પીટા” સાથે સ્પેન થી નીકળેલો અને એટલાન્ટીક ને પાર કરીને તે હાલનાં વેસ્ટ ઇન્ડીઝ નાં ટાપુ પર પહોચ્યો. તે એવું જ માનતો રહ્યો કે ભારતના પશ્ચિમકિનારા ના ટાપુ પર છે. આથી ત્યાના લોકોને રેડ ઇન્ડિયન કહેલા.
જીવનનાં અંત સુધી તે એવું જ માનતો રહ્યો કે તેણે ભારતની શોધ કરી છે પણ અમેરીગો વેસ્પુચી નામનાં ઇટાલિયન ખલાસીએ તેની આ ભૂલ ને સુધારી આથી આગળ જતા વિશ્વનાં નકશા બનાવતી વખતે વાલ્ડ-સી-મુલર એ કોલંબસ એ શોધેલા નવા ખંડને અમેરીગોનાં નામ પરથી અમેરિકા એવું નામ આપ્યું.
વાસ્કો- ડી-ગામા –
પોર્ટુગલ રાજાની આર્થીક સહાયથી તે ૪ જહાજો અને ૧૧૮ માણસોના કાફલા સાથે પોર્તુગલનાં લીસ્બન બંદર થી નીકળી એટલાન્ટીક મહાસાગર ને પાર કરી “ કેપ ઓફ ગૂડ હોપ “ સુધી પહોચ્યો.
ત્યાંથી પૂર્વ કિનારે આગળ વધી માલીન્દી બંદર પહોચ્યો. ત્યાં ખલાસી કાનજીભાઈ માલમ ની મદદથી ૧૪૯૮મા માલાબાર કિનારાના કાલીકટ બંદર પર ઉતર્યો.
થોડી ઘણી રક ઝક બાદ કાલીકટના રાજા ઝામોરીન ( સામુદ્રિક ) એ તેને પોતાના રાજ્યમાં વ્યાપારની સગવડ કરી આપી. થોડા મહિના અહી રોકાઈને ભારતની પ્રખ્યાત વસ્તુઓનાં અનેક જહાજો ભરીને તે પોર્ટુગલ પાછો ફર્યો અને ત્યાં ઉંચી કીમતે વેંચ્યું. પોર્ટુગલમાં જઈને તેણે આ જળમાર્ગનાં આધારે નવા નકશા તૈયાર કરાવ્યા.
આ રીતે યુરોપ ભારત આવવા માટે આ નવા જળમાર્ગ થી જાણકાર બન્યું. તે ૧૫૦૨ માં ૧૫ જહાજોના કાફલા સાથે ફરી ભારત આવ્યો. અને તે પોર્ટુગીઝોનો ભારતમાં વહીવટકર્તા બનેલો. અને અંતે ૧૫૨૪ કેરલનાં કોચીમાં જ મૃત્યુ પામેલ. આ રીતે ભારત તરફ આવવાનો સફળ શ્રેય વાસ્કો-દ-ગામા ને જાય છે.
આ રીતે પોર્ટુગીઝો ભારતમાં વ્યાપાર કરતા થયા અને બહુ ઓછા સમયમાં તેણે ભારતમાં વ્યાપારી કબજો જમાવ્યો. આરબોનો ઘોડાનો વ્યાપાર પોર્ટુગીઝોએ છીઅવી લીધો. બાદમાં તેણે દીવ, દમણ, ગોવામાં પોતાની મુખ્ય કોઠી સ્થાપેલ. આઝાદી બાદ પણ ૧૯૬૧ સુધી દીવ, દમણ, ગોવા પર પોર્ટુગીઝોનો પ્રભાવ હતો. બાદમાં ગોવા મુક્તિ આંદોલનના કારણેપોર્ટુગલ સરકારે આ પ્રદેશો ભારત સરકારને સોંપ્યા. અને ભારતે આ પ્રદેશોને કેન્દ્રશાષિત ઘોષિત કર્યા.
મેગેલન –
તે પોર્ટુગલનો નાવિક હતો. તેણે સૌ પ્રથમ વાર સમગ્ર પૃથ્વીની સમુદ્ર માર્ગે પ્રદક્ષિણા કરીને સાબિત કર્યું હતું કે પૃથ્વી ગોળ છે. આ એ સમયની સૌથી મોટી ઐતિહાસિક ઘટના હતી.
તે ૧૫૧૯ માં અમેરિકા થઈને ભારત આવવા નીકળેલ. સ્પેનની મદદ થી ૫ જહાજો અને ૨૭૦ માણસો નાં કાફલા સાથે તે નીકળેલો. એટલાન્ટીક મહાસાગર ને પાર કર્યા બાદ દક્ષીણ અમેરિકા ખંડ નાં છેડે પહોચેલો. જે એક સાંકડી સમુદ્રધધુની હતી. ( આજે તેને મેગેલનની યાદ માં “ મેગેલન સામુદ્રધુની” કહેવાય છે )
આ સામુદ્રધુનીને ૩૮ દિવસ માં પસાર કરીને તે એક મોટા શાંત સાગર માં પ્રવેશ્યો અને તેણે આ સાગરને શાંત હોવાના કારણે પ્રશાંત મહાસાગર ( પેસિફિક મહાસાગર ) એવું નામ આપેલ.
ત્યાંથી તે આગળ વધતા ૧૫૨૧ માં ફિલીપાઈન્સ નાં ટાપુ પર પહોચેલ. પણ ત્યાના મકરાન નામના એક ટાપુ પરના આદિવાસીઓ સાથેની લડાઈમાં મેગેલાના અને તેના સાથીઓ માર્યા ગયા.
બચેલા સાથીદારો એ “ વિક્ટોરિયા” અને “ટ્રીનીટી” જહાજોની મુસાફરી ચાલું જ રાખી અને અંતે વિક્ટોરિયા નાં ૧૮ મુસાફરો આબાદ રીતે સ્પેન પાછા ફર્યા અને મેગેલન ની ભવ્ય સાહસિક કહાની યુરોપમાં ફેલાઈ......
વિવેક ટાંક
લેખક વિષે –
વિવેક ટાંક એ UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇતિહાસના લેકચરર છે. અને આ ઉપરાંત તે એક લેખક અને કવિ છે.