દુનિયાની અજાયબીઓ :: ભાગ-૨
વાધ સાથે રહે છે સાધુઓ
આ ટાઈગર ટેમ્પલ થાઈલેન્ડના કંચનબુરી પ્રાંતમાં આવેલું છે. જે થાઈલેન્ડની બર્મા બોર્ડરની પાસે આવેલું છે. સન 1999માં આ મંદિરમાં પહેલીવાર એક વાઘનું બચ્ચુ આવ્યું. જેને એક ગ્રામીણ જંગલમાંથી લઈને આવ્યો હતો. તેની માતા શિકારીઓ દ્વારા મારી નાંખવામાં આવી હતી.
ગ્રામીણ દ્વારા લાવવામાં આવેલું બચ્ચુ વધુ દિવસ ન જીવી શક્યું પણ તે પછી આ મંદિરમાં વાઘોના અનાથ બચ્ચાઓને આશરો મળવા લાગ્યો. ગ્રામીણો પણ જ્યાંથી પણ વાઘના અનાથ બચ્ચા મળે તેને લાવીને મંદિરમાં મૂકી જતા હતા. તે પછી આ મંદિરમાં વાઘોની સંખ્યામાં સારો એવો વધારો થઈ ગયો.
તેથી લોકો તેને ટાઈગર ટેમ્પલ નામથી ઓળખવા લાગ્યા. આ સમયે ટાઈગર ટેમ્પલમાં 150 વાઘ છે. દરેક વાધની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા એવી રીતે તાલિમબદ્ધ કરવામાં આવે છે કે તે માનવીઓની સાથે હળીમળીને રહેવા લાગે છે. ક્યારેય કોઈને નુકશાન નથી પહોંચાડતા. બૌદ્ધ સાધુઓ સાથે આ વાઘની આતમીયતા ઉડીને આંખે વળગે તેવી છે.
પ્રેમ ખુંખાર જાનવરને પણ નરમ અને પ્રેમાણ બનાવી શકે છે તેનો આનાથી મોટો પુરાવો બીજો ક્યો હોઈ શકે. આ જાનવરને સ્પર્શીને તેનો રોમાંચ અનુભવવા માંગતા હોય તો તમારે થાઈલેન્ડના આ ટેમ્પલની મુલાકાત લેવી પડે યોગ અને આત્મ દર્શનની શક્તિ અદભૂત છે. તેની સામે તમામ શક્તિઓ ફિક્કી પડી જાય છે થાઈલેન્ડની આ મુલાકાત પછી તમે કંઈક અલગ જ અનુભૂતિ કરવા જરૂર પ્રેરાશો.
ટાઈગર ટેમ્પલમાં આવતા પ્રવાસી આ વાઘ સાથે રમે છે અને ફોટો ખેંચાવે છે. અહીં ટાઈગર ટેમ્પલ થાઈલેન્ડના પ્રમુખ ટુરિસ્ટનું એટ્રેક્શનબની ચૂક્યું છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસી આવે છે. આજ સુધી વાઘોને કોઇપણ નુકસાન પહોચાડ્યું નથી
'કૂણઘેરની હાઈકોર્ટ'
'કૂણઘેરની હાઈકોર્ટ' તરીકે પ્રખ્યાત ગુજરાતના આ મંદિર. આ મંદિરરૂપી હાઈકોર્ટના ન્યાયધીશ એટલે મંદિરમાં જેની પૂજા થાય છે એ ચૂડેલમા દેવયોનિના કોઈ દેવી નહિં પણ પ્રેતયોનિની એક ચૂડેલ. મંદિરમાં ચૂડેલમાની કોઈ મૂર્તિ કે તસવીર નથી પરંતુ દિવાની અખંડ જ્યોત સ્વરૂપે પૂજાય છે. ચૂડેલમા પોતે એક જ્યોત સ્વરૂપે અહિં પૂજાય છે. મંદિરમાં મળતા પુસ્તક મુજબ બારેક વર્ષની કુંવારી કન્યાનું એક ઝાડ પરથી રમતાં રમતાં કૂવામાં પડી જતાં મૃત્યુ થયું અને તે ચૂડેલ બની.
એક નવદંપતિને તેનો સાક્ષાત્કાર થયો અને તેમણે કૂણઘેર ગામમાં એ જ જગાએ નાની દેરી બનાવી ચૂડેલમાંની જ્યોત તરીકે સ્થાપના કરી.
એ દેરીમાંથી જ આજે મોટા મંદિરનું નિર્માણ થયું છે અને સદાયે પ્રજ્વલિત રહેતી દિવાની એ પવિત્ર જ્યોત સાચા હ્રદયથી આવેલા દરેકેના મનની ઈચ્છા પૂરી કરે છે.
ભગવાનને ઘડિયાળ ચડે
એક એવું મંદિર જ્યાં ભગવાનને ચડાવાય છે ઘડિયાળ. ઉત્તરપ્રદેશના જોનપુરમાં એક બાબાના મંદિરમાં લોકો પ્રસાદમાં ઘડિયાળ ચડાવે છે અને તેથી તેમને ઘડિયાળવાળા બાબા તરીકે ઓળખવામાં આવે છે. આ બાબાને ઘડિયાળ ચડાવવાની પરંપરા ૩૦ વર્ષ જુની છે.
સૌ પ્રથમ એક ડ્રાઇવરે ઘડિયાળ ચડાવીને માનતા પુરી કરી હતી. ત્યારથી તેની શરૂઆત થઇ. જો તે ડ્રાઇવર પોતે ટ્રક ચલાવવાનું શીખી જશે તો ઘડિયાળ ચડાવશે એવી બાધા રાખી હતી. તેથી આ મંદિરમાં ઘડિયાળ ચડાવવાની એક પરંપરા બની ગઇ છે.
ઉત્તરપ્રદેશના જોનપુરથી ૩૦ કીમી દૂર આવેલા મડિયાહુ તાલુકામાં જગરનાથ ગામમાં બ્રહ્મબાબાનું મંદિર છે. પ્રાચિન સમયથી ગામના લોકો માટે આ સ્થળ શ્રધ્ધા અને ભકિતનું કેન્દ્ર રહ્યું છે. આજે પણ લોકો માનતા માને છે તે મંદિરની દિવાલ પર ઘડિયાળ તો અચૂક ચડાવે છે. ઘડિયાળએ સમયનું પ્રતિક હોવાથી ઘડિયાળ ચડાવવાથી બાબા ખૂશ થાય છે અને માણસના જીવનમાં સારો સમય આવે છે એવુ અહીના લોકો માને છે.
આ સ્થળને ઘડિયાળવાળા બાબા તરીકે પણ જાણીતું બન્યું છે.આ મંદિરની આસપાસ ધાર્મિક પૂજાપા રાખતા દરેક દૂકાનવાળા ઘડિયાળો રાખે છે. ઘડિયાળો લઇને બાબાના ચરણોમાં અર્પણ કરે છે. તેના લીધે ઘડિયાળોનો એટલો ઢગલો થયો છે કે તેનો નિકાલ કયાં કરવો એ જ મોટો પ્રશ્ન થઈ પડયો છે.
દરવાજા માત્ર એક દિવસ માટે ખૂલે
હિંદુ ધર્મમાં 34 કરોડ દેવી દેવતાઓને અલગ અલગ રૂપમાં પૂજવામાં આવે છે, પરંતુ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના દેવાલ બ્લાકમાં એક એવું પણ મંદિર છે, જ્યાં શ્રદ્ધાળુઓ તો ઠીક પરંતુ પૂજારી પણ ખુદ ભગવાનના દર્શન કરી શકતા નથી.
આ મંદિરના દરવાજા આખા વર્ષમાં માત્ર વૈશાખી પૂનમના દિવસે જ ખોલવામાં આવે છે, અને તે દરમ્યાન પૂજારી પણ પોતાની આંખે પાટા બાંધી રાખે છે. શ્રદ્ધાળુઓ પણ માત્ર દૂરથી જ દર્શન કરી શકે છે.
દેવાલ બ્લાકના વાણ ગામમાં આ લાટૂ દેવતાનું મંદિર આવેલું છે, જેના દરવાજા માત્ર એક દિવસ માટે ખૂલે છે અને સાંજે બંધ કરી દેવામાં આવે છે. અહીં પૂજારી આંખે પાટા બાંધી ભગવાનની પૂજા કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં સાક્ષાત નાગરાજ પોતાની મણિ સાથે નિવાસ કરે છે. શ્રદ્ધાળુઓ નાગરાજથી ડરે નહીં તેના માટે અહીં વર્ષોથી આંખે પાટા બાંધી પૂજા કરવામાં આવે છે.
જે દિવસે આ મંદિરના દ્વાર ખૂલે છે ત્યારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે. લાટૂ દેવતાને ઉત્તરાખંડની આરાધ્યા નંદા દેવીના ધર્મના ભાઈ માનવામાં આવે છે. મુખ્યમંત્રી આ પૂનમના દિવસે રવિવારે મંદિર પહોંચ્યા હતા અને તેમણે લગભગ અડધો કલાક સુધી પૂજા કરી હતી.
મુસ્લિમ પરિવાર સંભાળે
કાશ્મીર જેવા ધાર્મિક રીતે સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પણ એક મુસ્લિમ પરિવારે માણસાઈનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાશ્મીરના પુલવામા જિલ્લા સ્થિત એક મંદિરની રખેવાળીનું કામ એક મુસ્લિમ પરિવાર છેલ્લા દાયકાથી કરી રહ્યો છે.
તેમના જણાવ્યા પ્રમાણે, આ મંદિરમા બે દાયકાથી કોઈ પંડિત નથી, તેથી તેઓ આ મંદિરની દેખરેખ કરે છે. આ મુસ્લિમ પરિવાર 1989માં વિદ્રોહ બાદ ભારત આવ્યો હતો, જેમાંના 45 વર્ષીય મુશ્તાક શેખ એક સરકારી કર્મચારી પણ છે અને તેઓ જ વર્ષોથી આ મંદિરને સંભાળી રહ્યા છે.
પુલવામા જિલ્લામાં પયાર નામના ગામમાં એક શિવ મંદિર આવેલું છે, જેની રક્ષાનો ભાર મુસ્લિમ પરિવાર સંભાળે છે. શેખ આ મંદિરની રોજ સફાઈ કરે છે. 1990માં કેટલાક વિદ્રોહી સામે આ પરિવારે મંદિરની રક્ષા કરી હતી.
બુટ-ચંપલોની ભેટ
સામાન્ય રીતે આપણે પગરખાં મંદિરની બહાર કાઢીએ છીએ. મંદિરમાં જઈને મિઠાઈ વસ્ત્ર કે ઉપવસ્ત્ર ચઢાવીએ છીએ. પણ દેવીનું એક એવું મંદિર છે કે જ્યાં ભગવાનને માનતા પૂરી થવા બદલ બુટ, ચંપલ, સેન્ડલ ચઢાવવામાં આવે છે. આ અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. માતાને ભેટમાં દેશ-વિદેશથી આવતા પગરખા ચઢાવવામાં આવે છે.
માતાજીનું આ અનોખું મંદિર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પાસે એક પહાડ પર આવેલુ છે. તેને સિદ્ધદાત્રી પહાડવાળી માતાના નામથી ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને 'જીજાબાઈ મંદિર' તરીકે પણ ઓળખે છે. આ મંદિરમાં બુટ-ચંપલોની ભેટ કેમ ચઢે છે તેની પાછળ એક ઈતિહાસ છે. ઓમપ્રકાશ નામની વ્યક્તિએ પોતાને ત્યાં માતાની મૂર્તિ સ્થાપિત કરી અને તે પછી શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા. ત્યારે દેવીને પોતાની પુત્રી માનીને તેણે કન્યાદાન પણ આપ્યું. તે પછી લોકો આદેવીને પુત્રી માનીને પુજવા લાગ્યા. જેમ દિકરીઓને કંઈને કંઈ ભેટમાં આપતા રહીએ છીએ તેવી જ રીતે આ માતાને જરૂરિયાતની તમામ ચીજો પણ ભેટમાં આપવામાં આવે છે. હવામાન અનુસાર જરૂરી તમામ ચીજો ભેટ ચડાવાય છે. જયારે કોઈ માનતા પૂરી થાય ત્યારે પગરખાં ભેટ ચડાવવામાં આવે છે.