Swapnshilpi in Gujarati Love Stories by Heena Hemantkumar Modi books and stories PDF | સ્વપ્નશિ૯પી

Featured Books
Categories
Share

સ્વપ્નશિ૯પી

હિના મોદી

(૯૯૨૫૬૬૦૩૪૨)

heenamodi0806@gmail.com

સ્વપ્નશિલ્પી

મધમધતા રંગબેરંગી પુષ્પો, તેમની મનમોહક ખુશ્બૂઓ અને લાઈટીંગ ડેકોરેશનથી આખું કેમ્પસ જાણે આસમાનમાં તારલાઓથી મઢેલ કોઈ ગ્રહની જેમ આકર્ષિત લાગી રહ્યું હતું. કેમ્પસમાં આવેલ ગેસ્ટહાઉસમાં સવારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. રાજકીય નેતાથી માંડી શિક્ષણશાસ્ત્રીઓ અને સમાજનાં આગેવાનોનાં પગરણથી કેમ્પસ ધમધમી રહ્યું હતું. હર્ષોલ્લાસનું વાતાવરણ અને વિદ્યાર્થીઓમાં પણ ગજબની સ્ફૂર્તિથી કેમ્પસ કિલ્લોલ કરી રહ્યું હતું. કેમ્પસની બહાર શાંત શહેરમાં પણ ભારે અવરજવર વર્તાઈ રહી હતી. બધી હોટેલ્સ વાલીઓથી ફૂલ થઈ ગઈ હતી. બસ દરેકની મીટ ઘડિયાળનાં કાંટા પર હતી.‘કયારે પાંચ વાગશે? માંડ ચાર વાગ્યા હશે ત્યાં આખું ઓડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. દરેકનાં હૈયે અનેરો આનંદ હિલોળા લઈ રહ્યો હતો. દરેકના વાલીઓની છાતી ગદ્દગદ્દ થઈ રહી હતી. આખરે એ દિવસ અને એ ક્ષણ આવી પહોંચ્યા જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. આજે પોતાના સંતાનોનો કોન્વોકેશન હોય દરેકના માતા-પિતા રોમાંચ અનુભવી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓની વાત જ નિરાલી હતી આખરે રાત-દિવસની મહેનતની ફળશ્રુતિનો આ દિવસ હતો.

મંચ પર દરેક મહેમાન બિરાજમાન થયા. વાતાવરણમાં આનંદના અતિરેકની છોળો ઉછળી રહી હતી. શરૂઆતમાં પ્રાર્થના અને પછી મહેમાનોની ઔપચારિક વિધિ પત્યા પછીનો સમય હતો વિષયવાર સૌથી વધુ ગુણાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી ડોકટર વિદ્યાર્થીઓનાં નામ ઘોષિત કરવાનો. વિષયવાર નામ બોલતા હતા. તાળીઓના ગડગડાટ થોભવાનું નામ પણ લેતો ન હતો. મેડીસીન સબ્જેકટમાં સૌથી વધુ ગુણાંક પ્રાપ્ત કરનાર તરીકે નામ જાહેર થઈ રહ્યું હતું. દરેકના શ્વાસ થંભી ગયા. ઓડિટોરીયમમાં બધા ચાતક બની ગયા અને નામ ઘોષિત થયું. ડો ઉપવન મલ્હોત્રા અને ગાયનેકમાં નામ એનાઉન્સ થયું. ડો ગુલમહોર બરફીવાલા. દરેકના અનુમાન સાચાં પડયાં. જાણે આનંદનાં ઉપવનમાં ગુલમહોર ખુશ્બૂ વેરી રહી હોય એવું વાતાવરણ સજાર્યું. બંને એક જ શહેર, શાળા અને શેરીનાં મિત્રો હોવાને કારણે તેમના પરિવાર વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંનેના પરિવાર પણ આજુબાજુમાં બેઠા હતા. ડો. ઉપવન અને ડો. ગુલમહોર ક્ષણિક બધું ભૂલી જઈ નાનાં બાળકોની જેમ લગભગ દોડતા તેમના પરિવાર પાસે આવી પહોંચ્યા. હર્ષના આંસુઓથી વાતાવરણમાં ચાર ચાંદ લાગી ગયા. માહોલ થોડો હળવો બન્યા પછી ડો. ઉપવને ડો. ગુલમહોર જેને એ બાળપણથી ગુલુ કહી રહ્યો હતો એને પ્રપોઝ કરી દીધું. મિત્રો અને વડીલોએ થોડીવાર ગંભીર હોવાનો ડોળ કર્યો. ઉપવન છોભીલો પડી ગયો. પછી બધા ખડખડાટ હસી પડયા. ગુલમહોર શરમાઇ ગઈ તેના મુખારવિંદ પર લાલીમા છવાઈ ગઈ. એ કોઈથી અજાણ રહી નહીં. બંને તરફે માતા-પિતા આ ક્ષણની રાહ જોઈને વર્ષો બેઠાં હતા. ઉપવનનાં મમ્મી બોલ્યાં ‘શુભ કામમાં સમય શું બગાડવો!’ ગુલમહોરની મમ્મીએ વાતમાં ટહુકો પુરાવ્યો, બંનેની મમ્મીઓએ પર્સમાંથી બંનેને રીંગ આપી. બંનેએ ત્યાં જ એકબીજાને રીંગ પહેરાવી પ્રેમનો દસ્તાવેજ બનાવી દીધો. ઉપવન અને ગુલમહોરનાં પપ્પાએ સૂર પુરાવ્યા ‘ભઈ શરણાઈનાં સૂર હવે કયારે છેડવા છે?’ પોતાનાં કરિયર પ્રત્યે ગંભીર એવા ઉપવન અને ગુલમહોરએ એકી સાથે જવાબ આપ્યો. લગ્નની તૈયારીમાં ઝાઝો સમય બગાડવો નથી. હવે અમારે પી.જી.ની તૈયારી કરવાની છે. આથી મંદિરમાં વિધિ કરી લઈશુ. બંને પક્ષે વડીલોનાં દિલ નાનાં થઈ ગયા. પરંતુ મિત્રોએ ઉપવન અને ગુલમહોરનો પક્ષ લીધો. બધાંને એ વાત યોગ્ય લાગી એટલે આર્યસમાજની વિધિથી મંદિરમાં ભગવાનની સાક્ષીએ બંનેને પ્રભુતામાં પગલાં માંડયા. બંને તરફે વડીલોથી ન રહેવાયું એટલે ઉપવન અને ગુલમહોર પર લગભગ હુકમ કર્યો કે ‘અમે તમારી વાત સ્વીકારી હવે તમારે પણ અમારી એક વાત માન્ય રાખવી પડશે. આખી જીંદગી ભણવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે એજ તો જીવનનો શિરસ્તો છે પણ આઠ-દસ દિવસ બહાર ફરી આવો. બંને નિશ્ચિંત થઈ એકમેક સાથે સમય ગાળો.’ બધાએ એકસાથે સૂર પુરાવ્યો, ‘આ વાત યોગ્ય છે. આટલું તો માનવું જ પડશે.’

ડો. ઉપવન અને ડો. ગુલમહોર ઉત્તરાખંડની સફરે નીકળી ગયા. બે દિવસની લાંબી સફર પછી તેઓ નિયત સ્થળે પહોંચ્યા. ‘હેપ્પી હોલી ડેઈઝ’ હોટલની કાર એમને પીકઅપ કરી એમને હોટલમાં લઈ આવી. ક્યારેક ક્યારેક દેખાતાં. મૌનબાબા ઉપવન અને ગુલમહોરની ગાડી પાસે આવી ઊભા રહ્યા. વર્ષોથી મૌન રહેનાર બાબાએ મૌન તોડયું અને બોલ્યાં ‘આપ દોંના કા મિલન કભી નહીં હો સકતા.’ ગુલમહોર ચોંકી ગઈ એ રડમસ થઈ ગઈ ખૂબ જ વિહવળ થઈ ગઈ. ઉપવને એને કહ્યું ‘કમ મોન ગુલુ! એ બધું કંઈ સાચું ન હોય આપણે નાનપણથી એકબીજાનાં મિત્રો છીએ જગજાહેર છે કે આપણો જન્મ જ એકબીજા માટે થયો છે . ક્યારેય વેકેશનમાં પણ અલગ નથી રહ્યા. આપણને સમજણ આવી તે પહેલાં થી જ આપણે એકબીજાનાં પ્રેમમાં છીએ. આપણો બંનેનો જન્મ જ એકમેક માટે થયો છે.’ મજાક કરતાં ઉપવન બોલ્યાં ‘ઓહ મેડમ! ભવિષ્યના ગોલ્ડમેડાલિસ્ટ ગાયનેકોલોજીસ્ટ ડો. ગુલમહોર આવી વાહિયાત વાત મનમાં લઈ બેસી ગયા.’

વાતવાતમાં તેઓ પોતાનાં બુક કરેલ રૂમમાં આવી પહોંચ્યા. ઉપવને ગુલમહોરને પાણી આપ્યું, કોફી બનાવીને પીવડાવી. અવનવી વાતોમાં ગુલમહોરને પરોવી દીધી. ગુલમહોરે થોડી રાહત અનુભવી. ઉપવને કહ્યું હું બાથ લઈને આવું છું તું પણ બાથ માટેની તૈયારી કર.’ ઉપવન બાથ લઈને આવ્યા. ગુલમહોર બાથરૂમમાં ગઈ. બાથરૂમ સિંગર એવી ગુલમહોર મીઠાં મીઠાં પ્યારનાં ગીત ગણગણી રહી હતી અને ઉપવન રૂમમાં ગુલમહોરને વ્હાલની ચૂમીઓથી ભીંજવી દેવાના સ્વપ્નમાં ગરકાવ થઈ રહ્યા હતા ને અચાનક ઉત્તરાખંડમાં તાંડવ સજાર્યું, ભૂકંપ આવ્યો, ક્ષણભરમાં બધું જ વેરણ-છેરણ. તેમની હેપ્પી હોલીડેઈઝ હોટલ પણ ધ્વંસ થઈ ગઈ. દરકે દરેક કાટમાળ નીચે દબાઈ ગયાં. આખા દેશ અને દુનિયામાંથી ઉત્તરાખંડ માટે રાહતકાર્યો શરૂ થયા. શકય એટલાં વધુ જીવ બચાવાયા. રાતદિવસ પ્રયત્નો ચાલુ રહ્યા. ઉપવન અને ગુલમહોરનાં ઘરેથી પણ અનેક પ્રયત્નો શરૂ કરી દેવાયાં. પરંતુ બંનેનો કોઈ પત્તો લાગ્યો નહીં. બંનેના સગાસંબંધી એકબીજાને હિંમત આપતાં રહ્યાં. સરકારી-અર્ધસરકારી ન્યૂઝ ચેનલ દરેક જગ્યાએ પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે બે માસને અંતે એમનાં સગાંસંબંધીઓએ મન માનવી લીધું.

આ તરફ ડો. ઉપવન ખૂબ જ ગંભીર હાલતમાં મળ્યા. એમને સારવાર આપી લગભગ ત્રણેક મહિના પછી તે સ્વસ્થ થયા પરંતુ યાદદાસ્ત ભૂલી ગયા હોવાને કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ. ગુલમહોર પણ બચી ગઈ હતી પરંતુ અચાનક આવી પડેલ મુશ્કેલીમાં એ બોલવાની ક્ષમતા ગુમાવી બેઠી હતી અને આવક થઈ ગયેલ હોવાથી જીવન જીવવાની સૂઝબૂઝ ગુમાવી બેઠી હતી. નિરાશ ગુલમહોર એનાં મગજ પરનો કંટ્રોલ ગુમાવી બેઠી હતી. જે લોકો પોતાનાં વિશે કોઈપણ માહિતી આપવા સક્ષમ ન હોય એવાં લોકોને, હેમખેમ બચી ગયેલાં પ્રવાસીઓને, મૌનબાબાએ દત્તક લઈ પોતાનાં આશ્રમમાં આશ્રય આપ્યો. જેમ જેમ જે લોકો થોડે ઘણે અંશે સ્વસ્થ થતાં ગયા તેમ તેમ તેઓને મૌનબાબાનાં આશ્રમમાં જ જીવન જીવવાની કેળવણી આપવાનું શરૂ કર્યું. કામકાજ કરી શકવા માટે સક્ષમ થતાં જતાં લોકોને બીજાની મદદ માટે કેળવણી આપતી. ધીમે ધીમે જનજીવન થાળે પડતું ગયું. ગુલમહોર અને ઉપવન પણ મૌનબાબાનાં આશ્રમમાં સ્થાયી થયાં પરંતુ ઉપવન યાદદાસ્ત ગુમાવવાને કારણે અને ગુલમહોર સૂઝબૂઝ ગુમાવવાના કારણે તેમજ બોલી ન શકવાને કારણે પોતાના કુટુંબ સાથે કે એકબીજા સાથે સંપર્ક કરી શકયા નહીં.

ઉપવન જન્મજાત ખૂબ જ તેજસ્વી હતો. મૌનબાબાની નિશ્રામાં નવી જીવન પદ્ધતિ સ્વીકારી લીધી. યોગ આધ્યાત્મ વિષયમાં એને રુચિ થઈ ગઈ. એ વિષયોનું ઝીણવટપૂર્વક ઊંડાણપૂર્વક અભ્યાસ કરતો. સમય જતાં એ મૌનબાબાનો લાડીલો શિષ્ય બની ગયો. મૈનબાબાના આગ્રહથી ઉપવન નાના-મોટાં પ્રવચન આપતો થયો. એની જે ભકિતમય સરવાણી ફૂટતી એનાથી સૌ ભકતજન અને શ્રોતાગણ મંત્રમુગ્ધ થઈ જતાં. એમનાં વકતવ્ય અને આધ્યાત્મિક વિચારધારાથી પ્રભાવિત થઈ ગામેગામ અને દૂર દૂર દેશ-પરદેશથી લોકો એમનાં જ્ઞાનસાગરમાં તરબોળ થવાં આવતાં. જયારે એ કૃષ્ણલીલા અને રાસલીલાનું વર્ણન કરતાં ત્યારે જનમેદની આધ્યાત્મિકતામાં લીન થઈ જતી. લોકોભકિતમય બની જતાં. એમની ભાવના-લાગણીઓમાં અવિરત વહી જતાં લોકો ભૂખ, તરસ, ઊંઘ ભૂલી જતા. કલાકો અને દિવસો સુધી એમની વાણી અને જ્ઞાનનું રસપાન કરતા. પરદેશથી પણ એમને સત્સંગ માટે આમંત્રણ મળતું. લોકોનું ઉપવન પ્રત્યેનું આકર્ષણ વધતું જોઈ મૌનબાબાએ વિધિવત ઉપવનને આધ્યત્મબાબા તરીકે ઓળખ આપી. મૌનબાબા પણ ઉંમરના પ્રભાવ હેઠળ આવી રહ્યાં હતા તેમણે ધીમે ધીમે આશ્રમની જવાબદારી આધ્યત્મબાબાને સોંપવા માંડી. આધ્યત્મબાબા વધુ સમય દેશ-પરદેશનાં સત્સંગ કાર્યક્રમમાં વ્યસ્ત રહેવાને કારણે આશ્રમમાં કર્મચારીઓ અને દર્દીઓને એમનો લાભ મળતો ન હતો. એકવાર ખાસ આશ્રમવાસીઓની ભાવના અને લાગણીઓને માન આપી આધ્યત્મબાબાનું ત્રણ દિવસનું સત્સંગનું આયોજન કરવામાં આવ્યું.

આયોજીત સત્સંગ સમારોહમાં શ્રોતાગણમાં ગુલમહોર પણ હતી. જેને લોકો ઈશ્વરીનાં નામે ઓળખતાં હતાં. આધ્યાત્મબાબાનું પ્રવચન શરૂ થતાં જ ઈશ્વરી બૂમબરાડા માંડી. જોર-જોરથી ચીસો પાડવા માંડી. એ કશુંક જાણવા માંગતી હતી. પરંતુ કોઈ એની વાત સમજી શકયું નહિ. એને માનસિક દોરો પડયો છે એવું માની રૂમમાં આરામ માટે લઈ ગયા. પરંતુ ઈશ્વરીના વાયબ્રેશનથી આધ્યાત્મબાબા પણ કઈંક અંશે વિહવળ થઈ ગયા. એવું સતત ત્રણ દિવસ ચાલ્યું. ઈશ્વરી આખો આખો દિવસ અને રાત ચોઘાર આંસુએ રડતી રહી એ કઈંક કહેવા માંગતી હતી. પરંતુ આશ્રમવાસી કશું સમજી શકયા નહીં. જયારથી ઈશ્વરીની આ ઘટના ઘટી ત્યારથી આધ્યાત્મબાબા પણ મૂંઝવણમાં રહેવા લાગ્યા.તેઓ ધબકારા ચૂકી જતાં હતા. નિર્માણ પામેલી પરિસ્થિતિનો તાગ મેળવવા મથામણ કરવા લાગ્યા. બાહરગામ ગયેલ મૌનબાબા તુરંત બોલાવામાં આવ્યા. બનેલ ઘટનાની આશ્રમવાસીએ મૌનબાબાને સવિસ્તાર જાણ કરી. મૌનબાબાએ મૌન તોડયું નહીં. આધ્યાત્મબાબાએ માનસિક વિભાગમાં જવાની ઈચ્છા વ્યકત કરી. જેવા આધ્યાત્મબાબા ઈશ્વરીના રૂમ તરફ આગળ વધ્યા કે તરત ઈશ્વરી રોજની માફક ચીસો પાડવા માંડી અને મુર્છીત થઈ ગઈ. આધ્યાત્મબાબા પણ એમનાં ધબકારા ચૂકી રહ્યા હતા. એમને ચકકર આવવાં માંડયા. તરત જ એમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મૌનબાબાને વાતની જાણ થતાં એ પણ દોડી આવ્યા. સ્વસ્થ થતાં અધ્યાત્મએ જિદ્દ પકડી ‘મૌનબાબા આ ઘટના શું છે? આ કેવો અનુભવ છે? હું કેમ અગમ્ય બાબત તરફ ખેંચાણ અનુભવું છું? મારા જીવનનું રહસ્ય મને બતાવો.’ મૌનબાબાએ પોતાના લાડલા શિષ્ય આગળ નમતું મૂકવું પડયું. મૌનબાબાએ માંડીને વાત કરી.‘આજથી આઠ વર્ષ અગાઉ કોઈ મોટા શહેરમાંથી તમે બંને હનીમૂન માટે અહીં આવ્યા હતા. તે જ રાતે ભૂંકપ થયો અને બધુ ધ્વંસ થઈ ગયું. ત્યારપછી આ પરિસ્થિતિ નિર્માણ પામી.’

આધ્યાત્મબાબાને બધું યાદ આવી ગયું. પવનવેગે એ દોડીને ઈશ્વરી પાસે પહોંચી ગયા. એના કપાળે હાથ ફેરવ્યો. ઈશ્વરી પણ સ્પર્શ થતાંની સાથે જ ચમત્કાર થયો એમ સ્વસ્થ થઈ ગઈ. બંને એકબીજાને ઓળખી ગયાં. આલિંગન માટે બંનેએ હાથ ફેલાવ્યા પરંતુ તુરંત જ તેમની પાછળ મૌનબાબા દોડીને આવ્યા અને બંને એમ કરતાં રોકયાં. એમને પૂર્વજન્મના અભિશાપની વાત કરી. ‘આજથી ૮૦ વર્ષ પૂર્વે આ રીતે જ ઉત્તરાખંડમાં ભૂકંપ આવ્યો હતો. ઉપવનને કર્ણાટકની સરકારે અને ગુલમહોરને ગુજરાતની સરકારે ઉત્તરાખંડમાં સેવા અર્થે ડોકટર તરીકે નીમ્યા હતા. ઉત્તરાખંડમાં બંનેની કામગીરી દરમ્યાન મળવાનું થયું અને તેઓ એકબીજાના પ્રેમમાં એવાં રચ્યાપચ્યા રહેવા માંડયા કે જે હેતુથી નિમણુંક થઈ હતી એ હેતુ જ તેઓ ભૂલી ગયા અને એને કારણે અનેક રોગોની મહામારી ફેલાઈ હતી. અસંખ્ય લોકો ટપોટપ મોતને ભેટયા હતા. એમની લાપરવાહીને કારણે ઉત્તરાખંડે ખૂબ મોટું નુકસાન વેઠવું પડયું.’ ખૂબ જ ટૂંકમાં વાત કરનાર મૌનબાબાએ ખુલ્લાં દિલથી વાત કરી અને જ્ઞાન આપ્યું. ‘જબ મનુષ્ય અપના ધ્યેય ભૂલ જાતે હૈ. જબ મનુષ્ય અપને સ્વાર્થ કે લિયે ઓર સિર્ફ અપને લીએ જીતે હૈ તબ કુદરત પ્રકોપ કરતી હૈ ઔર ઐસા અભિશાપ દે દેતી હૈ. ઈસલિયે બચ્ચે અબ આપ બાત સમજ જાઓ. કુદરત કો સમજો. અગર આપ ઈસ જનમ મે પ્રાયશ્ચિત કરોગે તો આપ દોંનો જન્મોજન્મ એકદૂસરે કે સાથ જી પાઓગે. અગર નહીં તો જન્મોજન્મ ઐસા હી ભુગતના પડેગા.’

મૌનબાબાની વાત બંને સમજી ગયા તેમને આત્મજ્ઞાન મળ્યું. તેમણે આ જન્મે પ્રાયશ્ચિત કરી લેવાનો નિર્ણય લીધો. બંનેએ પોતપોતાની આવડત અને કુશળતા પ્રમાણે સેવાકાર્ય ચાલુ રાખ્યું. બંને અલૌકિક,અદભૂત, અદ્રૈત પ્રેમનાં પૂજારી બની પોતાનાં પ્રેમને પૂજતાં રહ્યા.

વર્ષો સુધી બંને સેવા કાર્યો કરતા રહ્યા. પરંતુ આધ્યાત્મબાબા ઘણીવાર કયાંક ખોવાઈ જતા. કલાકો અને દિવસો સુધી આકાશભણી મીટ માંડી બેસી રહેતા. તેમની આંખોમાંથી હદયઅશ્રુઓ ગંગા-જમાનાની જેમ વહેતા રહેતાં. લોકોમાં એવી માન્યતા પ્રવર્તતી થઈ કે જયારે બાબા આ મુદ્રામાં લીન થાય છે ત્યારે આશીર્વાદ લેવાથી મનોકામના પૂર્ણ થાય છે. લોકો આધ્યાતમબાબાને ‘સ્વપ્નબાબા’ હુલામણા નામથી ઓળખવા લાગ્યા અને પૂજતા હતા. આ તરફ ઈશ્વરી ગુલમહોર એ પણ નદીકિનારે ઉપવનનું સુંદર શિલ્પ બનાવ્યું હતું. દરરોજ એ શિલ્પની પૂજા-અર્ચના કરતી પછી દર્દીઓની સુશ્રુષા કરતી. દર્દીઓને શ્રધ્ધા હતી. શિલ્પની પૂજા કર્યા પછી શિલ્પીદેવીનાં હસ્તે દર્દીને સ્પર્શ કરવામાં આવે કે દવા આપવામાં આવે તો દર્દમાંથી કાયમ માટે છૂટકારો મળી જાય છે.શ્રદ્ધાળુ લોકો હવે ઈશ્વરીને શિલ્પદેવીને નામે આદરભાવ આપતાં હતાં. વર્ષો સુધી આ જ રીતે અલગ રહીને સ્વપ્નબાબા અને શિલ્પીદેવીએ લાખો લોકોની સેવા કરી. દુખિયારાઓને તેમના દુ:ખમાંથી, દર્દીઓને તેમના દર્દમાંથી છૂટકારો મુકિત અપાવી અને પોતાના અદ્રૈત પ્રેમની પૂજા કરતાં. તેમનાં નિર્વાણ પછી શ્રદ્ધાળુઓએ તેમનું સ્મારક બનાવ્યું. લોકો શ્રદ્ધાથી સ્વપ્નબાબા અને શિલ્પીદેવીને પૂજે છે અને રાહત અનુભવે છે. પ્રેમીપંખીડા અને નવપરણિત યુગલો દર્શને જાય છે. નિર્વિઘ્ને પ્રેમમય જીવન જીવવા માટે આશીર્વાદ મેળવી ધન્ય થાય છે. સ્વપ્નશિલ્પી સ્વપ્ન અને શિલ્પી યુગો-યુગો સુધી અમરત્વ પામ્યાં. બંને પ્રેમીઓનાં આત્માનું મિલન થઈ ગયું.