Dingabara Pooja in Gujarati Spiritual Stories by PRAFUL DETROJA books and stories PDF | Dingabara Pooja

Featured Books
Categories
Share

Dingabara Pooja

દિગંબર પૂજા

પહાડીઓથી ઘેરાયેલા ચંદ્રગુટ્ટી નામના શાંત ગામડામાં માર્ચ મહિનો શરૂ થતાં જ ચહેલપહેલ વધી જાય છે. કર્ણાટકનો શિમોગા જિલ્લો આમ તો સમૃઘ્ધ ઈતિહાસ ધરાવે છે. પરંતુ એ ભવ્ય ભૂતકાળને જાણવાની કોઈને તમન્ના નથી. માર્ચ મહિનામાં અહીં જે હજારો ભક્તો ઉમટે છે એ કાં તો રેણુકમ્બા દેવીના દર્શને આવેલા અને સંપૂર્ણ નગ્નાવસ્થામાં પૂજા કરનારા શ્રઘ્ધાળુઓ હોય છે. અથવા તો આ નગ્ન સ્ત્રી-પુરૂષોને જોવા ઊમટતાં કુતુહલપ્રેરિત ટોળાં હોય છે.

દેવીનાં દર્શન કરવાં શરીર પરનાં બધાં જ કપડાં કાઢી નાખવા જેવો રિવાજ આજે એકવીસમી સદીમાં પણ એવો ઘર કરી ગયો છે કે સમાજસુધારકોની લાખ કોશિશો છતાં શિમોગાના વતનીઓ કોઈ વાત માનવા તૈયાર જ નથી. પોલીસ રોકે તોય ગમે ત્યાંથી દોટ મૂકીને સ્ત્રીઓ નગ્ન બની પૂજા કરે છે! આઓ, જરા માંડીને વાત કરીએ આ વિચિત્ર રિવાજની....

સ્વ.ઝવેરચંદ મેઘાણીના ‘સોરઠા તારા વહેતાં પાણી’નામના પુસ્તકમાં ગીરના એકાદ પંખીના માળા જેવા ગામડાની કલ્પના કરી છે તેવું કર્ણાટકના શીમોગા જિલ્લામાં સોહરાબ શહેરથી ૧૦ કિલોમીટર દૂરનું ચન્દ્રગુટ્ટી નામનું ગામ કંઈક એવું જ છે. ચારે બાજુ ટેકરી પર યલમ્માનું મંદિર. આમ તો અસલમાં આઠમી સદીમાં બંધાયેલું એ જૈન મંદિર હતું. મંદિરમાં રેણુકાદેવી માતાની મૂર્તિ જે ગૃહમ્બા, શિવેશ્વરી, જ્વાલા માલિની એવાં જુદાં-જુદાં નામે ઓળખાય છે.

દર વર્ષે ફાગણ સુદ નોમના દિવસે અહીં એક ઉત્સવ ઊજવાય છે. ત્રણ દિવસના ઉત્સવમાં પહેલાં બે દિવસ રથયાત્રા નીકળે. છેલ્લા દિવસે નગ્ન દેહે માતાજીની પૂજા કરવાની પ્રથા છે. હજારો સ્ત્રી-પુરુષો નગ્ન દેહે પૂજા કરે તેમાં વઘુ સંખ્યા સ્ત્રીઓની હોય. પંદર વર્ષથી માંડીને પચાસ કે સાઠ વર્ષની ઉંમરની સ્ત્રીઓ, પોતે લીધેલી માનતા કે બાધા આ રીતે પૂજા કરીને પૂરી કરે અને ઈષ્ટ દેવી પાસે ઈચ્છિત ફળની આશા સેવે. ઉત્સવના દિવસો દરમિયાન નાના એવા ગામમાં એક લાખથી વધારે લોકો આવે છે.

માતાજીનાં દર્શન કરવા આવેલા લોકોની સંખ્યા કરતાં માતાજીની પૂજા માટે નગ્ન દેહે જનારી સ્ત્રીનાં દર્શન કરનારાની સંખ્યા બહુ જ મોટી હોય છે. હરિજનો, ગિરિજનો જેવા પછાત વર્ગના લોકો વધારે જોવા મળે. બ્રાહ્મણો તેમજ શિવને માનનારા લંિગાયત કોમના લોકોની હાજરી પાતળી દેખાય.

ઉત્સવના છેલ્લા દિવસે શણગારેલા ગાડામાં તથા પગપાળા દૂરદૂરથી માનવ મહેરામણ ઊમટે, વારદા નદીમાં સવારમાં સ્નાન કરી, માતાજીના મંદિરે જવા માટે ચાર કિલોમીટર સરઘસ રૂપે વાજતે-ગાજતે નગ્ન દેહે માતાજીની જય પોકારતી યાત્રા આગળ વધે. થોડાક લોકો સંપૂર્ણ નગ્નતા ઢાંકવા માટે લીમડાના પાન કે ફૂલો ઉપયોગમાં લે છે. બાકી તો ઘણી યુવાન સ્ત્રીઓ નગ્નતાનું ભાન ભૂલી જઈને પિતા, સસરા, ભાઈ, દીયર અને જેઠની હાજરીમાં મુક્ત મને નાચતી હોય છે.

કર્ણાટકમાં આ પ્રકારના અસભ્ય ઉત્સવની પ્રથાના વિરોધમાં છેલ્લાં ચાર વર્ષથી ઊહાપોહ જાગ્યો છે. આ વર્ષે સરકારે તથા સામાજિક સંસ્થાઓએ પત્રિકાઓ બહાર પાડી.

ગામડાંની અભણ-અજ્ઞાન સ્ત્રીઓને સમજાવવામાં આવ્યું કે નગ્ન પૂજામાં ભાગ ન લેવો જોઈએ. ઉત્સવના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો નદીના ઘાટ ઉપર કપડાં લઈને હાજર હતા. નગ્ન દેહોને ઢાંકવા કપડાં ઓઢાડી રહ્યા હતા. પરંતુ અંધશ્રઘ્ધાને કોણ રોકી શકે? ઉત્સવનો અહેવાલ લેવા બેંગલોરથી ગયેલા દસથી-બાર પત્રકારો-ફોટોગ્રાફરોમાં બે મહિલાઓ પણ હતી. ચન્દ્રગુટ્ટી ગામમાં તેમની, પોલીસોની તથા સામાજિક કાર્યકરોની કફોડી હાલત થઈ.
બે વર્ષ પહેલાંની વાત છે.

૨૦ માર્ચની સવારના બસ મારફત ચન્દ્રગુટ્ટી પહોચ્યાં ત્યારે વારદા નદી પરથી ઠંડા પવનની લહેરો આવી રહી હતી. ગામમાં ચારે બાજુથી યાત્રીઓ ઠલવાતાં હતાં.

અહીં શરીરનો કોઈપણ ભાગ ઢાંક્યા વગરના લોકોને જોઈ દંગ થઈ જવાતું હતું. સમય થતો ગયો તેમ લોકોની સંખ્યા વધવા લાગી. ગ્રામ્યલોકો ઘેરથી ભાતામાં લાવેલ રાગી અને જારના રોટલા ખાતા હતા. એ વખતે કોઈને લાગે નહીં કે બે કલાક પછી આ ટચૂકડું ગામડું ‘વીલેજ ઓફ વાયોલન્સ’ બની જશે.

નદીના ઘાટ ઉપર સ્વયંસેવકો સ્નાન કરતા લોકોને કપડાં અથવા તો પાંદડાથી દેહ ઢાંકી મંદિરે જવા સમજાવી રહ્યા હતા ત્યારે પત્રકારો એક ઝાડની આડશેથી એ નિહાળી રહ્યાં હતા. અમારી બાજુમાં ઊભેલા હરિહર ગામથી આવેલા પંચાવન વર્ષના હનુમંતય્યાને પૂછતાં જાણવા મળ્યું કે તેનો કોઈ કુટુંબી રોગથી પીડાઈ રહ્યો છે એટલે ૨૨ વર્ષની પુત્રવઘુએ માનતા માની છે તે પૂરી કરવા હું તેને લઈને આવ્યો છું.

અત્યારે એ સ્નાન કરી રહી છે. થોડી વાર પછી એ નગ્ન દેહે પૂજા કરવા બહાર નીકળશે. અને એ કહી રહે એટલી વારમાં તો નદીમાં સ્નાન કરતી ૨૦-૨૨ વર્ષની ઘઉંવર્ણી રૂપાળી સ્ત્રી નગ્ન દેહે ‘ઉધો, ઉધો’, (શાંત થાઓ)ના પોકાર પાડતી રસ્તા પર દોડી આવી. એક કાર્યકરે તેના પર કપડું ફેક્યું તો એ ફાડી નાખીને યુવતીએ મંદિર તરફ દોટ મૂકી. પછી તો નદીમાં સ્નાન કરી રહેલાં દોઢસો-બસો સ્ત્રી-પુરુષો સ્વયંસેવકોની કોર્ડન તોડીને રસ્તા પર ઘસી આવ્યા.

ચાર કલાક સુધી ગામમાં કાયદો-વ્યવસ્થા રહી નહીં. હુમલાનો પહેલો ભોગ બન્યા પત્રકારો. બે મહિલા ફોટોગ્રાફરના કેમેરા ઝૂંટવાઈ ગયા. મારથી બચવા અમે બાજુના ઝૂંપડામાં જઈને ભરાઈ ગયા. જ્યાં ચાર કલાક સુધી ઊચક જીવે બેસી રહેવું પડ્યું.
પોલીસની જીપ આવી ચડી તો નગ્ન ટોળું જીપ ઉપર તૂટી પડ્યું.

પોલીસને બહાર કાઢીને માર્યા. તેમના કપડાં ઉતારી નગ્ન અવસ્થામાં જીપ ઉપર ઊભા રહેવાની ફરજ પાડી. સૌથી દયામણી હાલત તો બે મહિલા પોલીસની થઈ. એક મહિલાને પકડીને નદીમાં નવડાવી નગ્ન કરી ટોળા સાથે નચાવી. છેલ્લે આઠ પોલીસો તથા બે મહિલા પોલીસને નગ્ન અવસ્થામાં જીપ ઉપર ઊભાં રાખી નદીથી મંદિર સુધી સરઘસમાં સામેલ કર્યા. એક મહિલા પોલીસ જીપ બહાર ઊભેલા ઈન્સપેક્ટરને હાથ જોડીને કહેતી રહી, ‘મને બચાવો’ ‘મને કાંઈક ઓઢાડો’ પણ ઈન્સ્પેક્ટરની બોલતી બંધ થઈ ગઈ હતી.

પચાસ હજાર લોકોની હાજરીમાં ભક્તજનો તથા પોલીસોનું સરઘસ માતાના મંદિરે પહોચ્યું ત્યારે ગામડાના એક માણસે આવીને અમને પાછલા દરવાજેથી બહાર કાઢી કેડી ઉપરથી બસ પકડી ભાગી છૂટવા સમજાવ્યું. અમે શીમોગા પહોચ્યાં ત્યારે પણ પેલી મહિલા પોલીસનો ‘મને બચાવો’ ‘મને બચાવો’ અવાજ અમારો પીછો છોડતો નહોતો.

બીજા દિવસે કર્ણાટકની ધારાસભામાં ગૃહમંત્રીએ પોલીસોને ધન્યવાદ આપતા કહ્યું કે તેમણે બહુ શાંતિથી મામલો સંભાળી લીધો હતો. આવું જો કે છેલ્લાં કેટલાંય વર્ષોથી બને છે. ગયા વર્ષે કર્ણાટકની પોલીસે નગ્નાવસ્થામાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂક્યા પછી અહીંની રેણુકંબા દેવીના ભક્તોને પોલીસે ફરીથી ચેતવણી આપી હતી કે તેઓ જ્યારે પ્રાર્થના કરતા હોય ત્યારે કપડાં કાઢી ન નાખે. દર વર્ષે ફેબુ્રઆરી-માર્ચમાં પરંપરાગત રીતે થતી ત્રણ દિવસની પૂજામાં લાખો સ્ત્રી-પુરુષો અને બાળકો અહીં આવે છે.

સરકારે સતત પાંચમાં વર્ષે પણ આવો પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે પણ ફાગણસુદ નોમના દિવસે કર્ણાટક રાજ્યના બધા ભાગોમાંથી સેંકડો ભક્તો અહીં આવ્યા હતા. સામાજિક કાર્યકરોએ આ પૂજા વિધિને અમાનુષી ગણાવી છે. તેને કારણે વર્ષોથી અહીં આવતી દેવદાસીઓ નારાજ થઈ છે. આમાંની કેટલીક દેવદાસીઓ તો વિડિયો કેમેરા સાથે લઈને આવતી. ગયા વર્ષે ભક્તો તેમજ પોલીસ અને સામાજિક કાર્યકરો વચ્ચે તોફાનો થયા હતા. કાયદામાં રહેલી જટિલતાને કારણે સરકાર માટે દર વર્ષે આવો પ્રતિબંધ મૂકવો પડે છે. એમ શિમોગા જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું.

છેલ્લા ચાર વર્ષની જેમ જ આ વર્ષે આ સ્થળ સુધી પહોંચવાના બધા જ માર્ગો પર પોલીસને તહેનાત કરીને સંખ્યાબંધ લોકોને અહીં આવતા અટકાવવામાં આવ્યા હતા. પોલીસના આ પહેરાને બચાવીને ચંદ્રગુટ્ટી પહોંચી જતા લોકો નગ્ન અવસ્થામાં મંદિર સુધી ન જાય તેવી વ્યવસ્થા પણ પોલીસે કરી હતી.

સામાન્ય રીતે કપડાં પહેરીને જતા ભક્તોની સંખ્યા પણ લાખ કરતા વઘુ હોય છે. તે જોતા ભક્તોને ત્યાં જવા દેવા માટે સત્તાવાળાઓ પર ફરીથી દબાણ વધી રહ્યું છે. પરંતુ લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય તો નગ્ન ભક્તોને અટકાવવાનું મુશ્કેલ બની જાય.