Dikari Mari Dost - 17 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | દીકરી મારી દોસ્ત - 17

Featured Books
Categories
Share

દીકરી મારી દોસ્ત - 17

દીકરી મારી દોસ્ત

.17.....યાદોનો ઊગતો અંબાર..

ગૂંજતી કોયલ...રેલે પંચમ સ્વર...ટહુકે મન

વહાલી ઝિલ,

પરીક્ષાઓ પૂરી થઇ..વેકેશન આવ્યું..અને ફરી એકવાર ઘરનું સૂનુ આંગણું તારી ને મીતની ધમાલ..મસ્તીથી જીવંત થઇ ઉઠયું. મોટે મૉટે થી સતત વાગતું..સંગીત...જો કે હું તો એને ઘોંઘાટ જ કહેતી. અને અવાજ ધીમો કરવા કહેતી રહેતી. પણ એના હાઇ વોલ્યુમમાં મારો અવાજ તમને કયાં સંભળાવાનો હતો ?

” એકમેકમાં જેમ ભળે બે રંગો એવું ભળીએ, ભીની ભીની લાગણીઓમાં મનભરી પલળીએ આજની જેમ જ વીતે આયખુ આખું યે સંગ સંગ.” એ ભીની ભીની લાગણીઓની યાદ દરેક મા બાપ માટે જીવતરનો ઉલ્લાસ બની રહે છે. ત્યારે ભાઇ બહેન કેવી પાક્કાઇ કરતા ? એ તો મને પાછળથી ખબર પડી. કે આ તો મમ્મીને ઉલ્લુ બનાવવાનો પેંતરો હતો ! ભાઇને ગમતી કેસેટ..કે સી.ડી.બહેન લાવી ને ભાઇને ભેટ આપે..અને બહેનને ગમતી કેસેટો..ભાઇ લાવે..હવે ભાઇ બહેન એકબીજાને ગીફટ આપે તેમાં તો મારાથી કે કોઇ પણ મા થી કશું બોલાય જ નહીં ને? આમ બંને નો સ્ટોક વધતો જાય...”પપ્પા ઝિન્દાબાદ “ ની સાથે.આમે ય પપ્પાનો સપોર્ટ તો આવી બધી બાબતો માં મળી જ રહેતો. પછી તમારા ત્રણની ત્રિપુટી આગળ મમ્મીની પિપુડી થોડી વાગવાની? અને વાગે તો યે સાંભળે કોણ ?

આમે ય બધા ભેગા થઇએ ત્યારે બધાની મસ્તીનું ટાર્ગેટ તો હમેશા મમ્મી જ રહેતી ને ? કયારેક હું બહું ગુસ્સે થાઉં તો તું ને મીત મારી પાસે આવી,ખોટા મસ્કા મારીને કહેતા, ‘ પપ્પા, મારી મમ્મીની મસ્તી નહીં કરવાની હોં.! ‘ ભલેને મસ્તી તો પોતે બે યે જ વધારે કરી હોય. હું કૃત્રિમ ગુસ્સો કરતી...બસ..બસ...હવે મને બધી ખબર છે હોં..નો ચમચાગીરી..!

’ અરે..મમ્મા, તમારી કંઇ ચમચાગીરી હોય ? તમે તો મારા મમ્મી છો ને? ‘ અને ભાઇ બહેન આંખોથી ઇશારા કરતા...હું જોઇ જતી..અને ઘરની દીવાલો આપણા ચારેના ખડખડાટ હાસ્યની સાક્ષી બની રહેતી. કેવા સરસ લીલાછમ્મ દિવસો હતા એ ! આજે તો મારે એ જૂનુ ને જાણીતું વાકય..”તે હિ નો દિવસો ગતા:” જ કહેવાનું રહ્યું. અને એ દિવસોની યાદથી બધા મા બાપની જેમ મલકતા અને છલકતા બની...તેની ઉષ્માથી લથપથ થઇ..વહેતા રહેવાનું. “એક શેરીનું અનોખુ બાળપણ, ફાગ કેવા મઘમઘ્યા’તા યાદ છે?” કુટુંબમેળાની એ પુનિત ક્ષણો પાછી આવશે ખરી કયારેય ?

કદાચ દરેક ઘરમાં કુટુંબમેળાની આ ક્ષણોની આતુરતાથી રાહ જોવાતી જ હશે. બાળકો દૂર વસતા હોય ત્યારે તો માતા પિતા ચાતકની જેમ પ્રતીક્ષામાં ઝૂરતા હોય છે. એનો એહસાસ દરેક બાળકને રહેવો જોઇએ. યાદ છે..સોનલમાસી..? બંને દીકરાઓને પેટે પાટા બાંધીને યે વિદેશમાં ભણવા મોકલ્યા.સંતાનના સ્વપ્નો પૂરા કરવા માટે તેમણે પોતાના કેટલા સ્વપ્નો મૌન રહી ને જતા કર્યા હતા. આજે એ દીકરાઓને મા બાપ જૂનવાણી, ગામડિયા લાગે છે. તેમની આદતો વિચિત્ર લાગે છે..કયારેય દીકરાઓએ વિચાર્યું નહીં હોય કે મા બાપને પણ તેમની ઘણી યે વાતો નથી ગમતી હોતી. ઘણી રીતભાત નહોતી ગમતી પણ તેમને તો પુત્રો માટે કયારેય અભાવ આવ્યો નથી. શું બધો ભોગ મા બાપે જ આપવાનો? તેમની કોઇ ફરજ નહીં ? અરે, રુધિરનો પ્રવાહ પણ ઇશ્વરે એકમાર્ગી નથી બનાવ્યો તો સ્નેહનો પ્રવાહ એકમાર્ગી શા માટે ? આ માતા પિતાનું શોષણ નથી ? સોનલમાસીના દીકરા આજે અહીં આવે છે..એકાદ મહિના માટે.ફરવા ..અને ખરીદી કરવા, બે ચાર ભેટના ટુકડા ફેંકી ચાલ્યા જાય છે. આવી ને આખો દિવસ તેમના અવનવા પ્રોગ્રામો બનતા રહે છે. ફરવામાંથી કે ખરીદીમાંથી તેમને સમય જ કયાં મળે છે ? માતા પિતા સાથે સુખ,દુ:ખની બે ચાર વાતો કરવાનો સમય તેમની પાસે છે ખરો ? કે એવી ઇચ્છા પણ છે ખરી ? માસી, માસા છોકરાઓ માટે આજે યે અર્ધા થાય છે. પરંતુ પુત્રના તો સંબંધો હાય અને બાય વચ્ચે લટકતા રહે છે. મનને ટાઢક ન આપી શકે એ સંબંધો નો અર્થ ખરો ? હૂંફની જરૂર માતા પિતાને છે. બે શબ્દોની ખોટ તેમને સાલે છે. જયારે દીકરાઓને એ બધું વેવલાવેડા લાગે છે. અર્થહીન લાગે છે. પૈસાથી અમુક ઋણ કયારેય ચૂકવી નથી શકાતા. એ સત્ય તો દીકરાઓને પણ એક દિવસ જરૂર સમજાશે..પણ ત્યારે બહુ મોડુ થઇ ગયું હશે.

ખેર..! આ બધી તો ઘર ઘરની કહાની છે. આવા સોનલમાસીઓથી આજે સમાજ છલોછલ છે. કાલની ખબર નથી. અમે તો જે ક્ષણ સામે આવે છે..તે શકય તેટલી સારી રીતે જીવવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આ પછી ની ક્ષણ ની કોને ખબર છે? અને દરેક માનવી આ વાત જાણે જ છે..સમજે જ છે, અને છતાં ,...છતાં વરસોના વાયદા કરતો રહે છે. પોતાની જાત પાસે પણ...અને બીજાઓ પાસે પણ. માનવમન જેટલું વિચિત્ર બીજું કંઇ જ દુનિયામાં નહીં હોય.

“મનના કારણ સાવ અકારણ....” આજે તારું ધાર્યું પરિણામ ન આવ્યું. ધાર્યા કરતાં..અપેક્ષા કરતાં થોડા ઓછા માર્ક્સ આવ્યા. અને તું નિરાશ થઇ ગઇ. બેટા, જીવનમાં હમેશા બધું આપણી ધારણા પ્રમાણે જ થવું જોઇએ એવો કોઇ નિયમ છે ખરો? એવો દુરાગ્રહ શા માટે? બેટા, જિંદગીમાં કડવા મીઠા પ્રસંગો કે ભરતી ઓટ તો આવતા જ રહેવાના. આપણે હમેશા સાથે આ પ્રાર્થના ગાતા. એ યાદ કરાવું?

” વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડૉલક થાજો

શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદી યે ઓલવાજો.” હા,જીવન નૈયા હાલકડોલક થાય એનો વાંધો નહીં પણ એવા સમયે નિરાશ થઇ બેસી જવાને બદલે પોતાની જાતમાં અને સર્જનહારમાં અખૂટ શ્રધ્ધા રાખી કાર્ય કરતા રહીએ તો જીવનના તોફાનો એની જાતે શમી જશે.. નવો રસ્તો નજર સમક્ષ ઝળહળતો દેખાશે..બંધ દરવાજા તરફ વધારે સમય સુધી તાકી રહેવાને બદલે ખુલ્લા દરવાજાની શોધ વધુ યોગ્ય નથી ? એવું પણ કેમ ન બની શકે કે આપણે જે પસંદ કર્યું હોય તેના કરતાં ઇશ્વરે આપણા માટે વધુ સારું પસંદ કરી રાખ્યું હોય...જે કદાચ તાત્કાલિક આપણને ન સમજાવાથી આપણે દુ:ખી થતાં હોઇએ.એટલે શ્રધ્ધા કયારેય ગુમાવીશ નહીં.

મનને આકાશની જેમ ખુલ્લુ રાખજે. દિવસોને નાની નાની વાતોથી રળિયામણું બનાવતા શીખવું જ રહ્યું. મોટી ખુશી કંઇ જીવનમાં રોજ રોજ નથી આવતી. પણ આનંદની નાની નાની લહેરખીઓ તો રોજ આવે છે. જો આપણે દ્રષ્ટિ ખુલ્લી નહીં રાખીએ તો એ કયારે આવી ને અદ્રશ્ય થઇ ગઇ ..અને આપણે ચૂકી ગયા એ પણ ખબર નહીં પડે.

માણસ એ પરમનો અંશ છે. વસંત અને પાનખરની આવનજાવનનો હિસ્સો છે. ગ્રીષ્મ અને શરદની હૂંફ અને શીતળતાનો ભાગ છે. અને આ બધી કોરી વાતો નથી. જીવનસત્ય છે.

આ યાદ રાખીશ તો જીવનમાં કયારેય હતાશા નહીં વ્યાપે. અને કહેવું જેટલું સહેલું છે..કરવું..અમલમાં મૂકવું આસાન નથી જ. પરંતુ અશકય પણ નથી જ. કદાચ બે પાંચ પળો માટે નિરાશ થઇ પણ જવાય ..પરંતુ ત્યારે આવા વિચારો યાદ કરી નિરાશાની ગર્તમાંથી સહેલાઇથી મુકત થઇ શકાય. વિચારોનું મહત્વ જીવનમાં ઓછું નથી. ફાધર વાલેસે કહ્યું છે “ વિચારો જ માણસનું વર્તન ઘડે છે..વિચારો જ માનવજાતનો ઇતિહાસ લખાવે છે...વિચારો જ દુનિયાનું સંચાલન કરે છે. “ અને hit it at the top, boys..” આકાશ તરફ નિશાન તાકીએ તો ઊંચા વૃક્ષની ટોચે તો જરૂર પહોંચે. ” માટે બેટા, વિચારો, ધ્યેય તો જીવનમાં હમેશા ઉંચા જ રાખવાના.

અમે તો આજે વર્તમાનમાં અતીતની એ ક્ષણોને જીવંત બનાવી ફરીથી માણીએ છીએ. અને દરેક મા બાપના હક્કની જેમ તમારા ક્ષેમકુશળની ચિંતા કરીએ છીએ. ભલેને ચિંતા કરવા જેવું કંઇ ન હોય તો પણ...અને અમારી અંદર એક ભાવવિશ્વ સર્જાતુ રહે છે..જેની આગોશમાં અમે ભીના થતા રહીએ છીએ.

એ ભીનાશનો ભાવ તમારા સુધી પહોંચી શકતો હશે ખરો ? એ ભીનાશ તમને સ્પર્શી શક્તી હશે ખરી ?

“ અહીંયા ફર્યું છે જે રીતથી ત્યાં પણ ફર્યું હશે, એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે. ”

સર્જનહારે પ્રત્યેક મા દીકરી કે બાપ દીકરીના આ સંબંધમાં ચપટી ભરી ને નહીં..પણ ખોબો ભરીને પ્રેમ..જરાયે કંજૂસ થયા વિના ઢોળ્યો છે. કદાચ સમગ્ર માનવીય સંબંધોમાં સૌથી પવિત્ર અને કેવળ મુઠ્ઠી ઉંચેરો નહીં..પણ હિમાલય ઉંચેરો આ સંબંધ છે. ગુણવંત શાહ જેવા ચિંતક, વિચારકે કહ્યું છે “ દીકરી સ્નેહસંબંધનો મોભારો છે. મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા, પારિજાતની દિવ્યતા કોઇ ઝાકળબિંદુમાં એકઠી થાય ત્યારે એને દીકરી નામ અપાય છે. “ કેટલી સરસ વાત ..કરી છે. અને પુત્રી આંખોથી દૂર હોય છે ત્યારે કદાચ વધુ નિકટતા અનુભવાય છે. આ મારો જ અનુભવ હશે કે દરેક મા બાપનો ? આમેય કોઇએ કહ્યું છે ને ? ” જિંદગીથી ખૂબ આઘે હોય છે, ચહેરા જે ખૂબ ગમતા હોય છે.”

આજે મનમાં કબીરવડ સમી એકલતા ઘેરી વળી છે.અને યાદોના અંબાર એમાં અટવાઇ ગયા લાગે છે. અહીં જ અટકવું રહ્યું..નહીંતર...આજે કયા શબ્દો..કયાં સુધી સરતા રહેશે..તે ખબર નથી. “ વાતમાં ને વાતમાં જો તારી વાત નીકળી, સાંજ ટાણે મહેકતી ત્યાં રાતરાણી નીકળી.. _બ્રિજ પાઠક

દીકરીની યાદ મનમાં ઉગે અને દરેક માતા પિતાના અસ્તિત્વમાં જાણે રાતરાણી સમ ખુશ્બુ છલકાઇ રહે છે. સ્મિતની એક લહેરખી દિલને ઠંડક અર્પી રહે છે. દીકરી પાસે શું કોઇ જાદુની છડી છે ?

“ લગ્ન એટલે બે પરિવારિક સંસ્કૃતિ ના મિશ્રણનો અનેરો લહાવો..” હું ” માંથી “ અમે ” તરફ જઇ જીવનને ગૂંજતું, ગાતું, સૂરીલું બનાવવા નો સહિયારો પ્રયાસ. દુનિયામાં તારાથી ઘણી યે ચડિયાતી છોકરી ઓ છે. અને શુભમથી ઘણાં ચડિયાતા છોકરાઓ પણ છે . છતાં..તમે બંને કોઇ ઇશ્વરીય સંકેતથી જોડાણા છે. ત્યારે એ જોડાણ ફકત તનનું નહીં..મનનું..આત્માનું બની રહે. એવા સભાન પ્રયત્નો બંને એ કરવા જ રહ્યા. જીવનસાથી નું મૂલ્ય કયારેય ઓછું ન આંકીશ કે કયારેય કોઇ સાથે તેની સરખામણી ન કરીશ. તમે બંનેએ એકબીજાને પસંદ કર્યા છે..તો હવે એનું ગૌરવ જાળવવું એ તમારું પરમ કર્તવ્ય છે. પુરુષ અને સ્ત્રી... બંને માં બંને માં કોણ શ્રેષ્ઠ..કોણ નાનું કે મોટું..એ બધા વિવાદ નો કોઇ અર્થ નથી. કોઇ એકબીજા કરતાં ચડિયાતું કે ઉતરતું નથી જ. સહજીવન...ઉત્તમ સખ્યજીવન બની ..એક્બીજામાં ઓતપ્રોત થવું એ જ લગ્ન. વિવાહ એટલે શિવ અને શક્તિ નો સન્યોગ. નર અને નારી બંને એકબીજા વિના એકાકી છે, અધૂરા રહે છે. લગ્ન એ અધૂરપને પૂર્ણતા બક્ષે છે. અને બંને વ્યક્તિનો ઉછેર અલગ માહોલમાં થયો હોય છે. ત્યારે બંને નો સ્વભાવ સ્વાભાવિક રીતે જ અલગ હોવાનો. બેટા, એકમેકને અનુકૂળ બની જીવન ને..જીવંતતાથી પામી રહો....માણી રહો. “